સર્વ રાષ્ટ્રના લોકોને પરમેશ્વર આવકારે છે
સર્વ રાષ્ટ્રના લોકોને પરમેશ્વર આવકારે છે
જોન પહેલી વાર માલી દેશમાં ગયા હતા. આ મુલાકાતમાં મેમાદૌ અને તેમના કુટુંબે બતાવેલી ઉષ્માભરી પરોણાગત તેમના હૃદયને સ્પર્શી ગઈ. જોન તેઓ સાથે નીચે બેસીને એક જ થાળીમાંથી ખાતી વખતે વિચારતા હતા કે તે આ યજમાન સાથે પરમેશ્વરના શબ્દ બાઇબલમાંથી રાજ્યના સુસમાચારની સૌથી કીમતી ભેટના સહભાગી થઈ શકે તો કેટલું સારું. માલીમાં બોલાતી ફ્રેંચ ભાષા જાણતા હોવા છતાં, તે વિચારતા હતા કે પોતાનાથી એકદમ ભિન્ન ધર્મ અને વિચારોવાળા આ કુટુંબ સાથે પોતે કઈ રીતે વાતચીત કરી શકે.
એમાં કંઈ આશ્ચર્યની વાત નથી કે જોન બાબેલ શહેરના બાઇબલ અહેવાલ વિષે વિચારતા હતા. ત્યાં પરમેશ્વરે બંડખોર લોકોની ભાષાને ગૂંચવી નાખી હતી. (ઉત્પત્તિ ૧૧:૧-૯) પરિણામે, જુદી જુદી ભાષા, ધર્મ અને વિચાર ધરાવતા લોકો પૃથ્વીના ભિન્ન ભાગોમાં જોવા મળે છે. આજે બીજા દેશોમાં જવું અને ત્યાં જ વસી જવું એકદમ સામાન્ય થઈ ગયું છે. તેથી, ઘણા લોકો જોન જેવી જ મુશ્કેલીનો સામનો કરતા હોય છે. અરે, તેઓ પોતાના પાડોશી માટે પણ એવું જ અનુભવે છે: ભિન્ન પાર્શ્વભૂમિકા ધરાવતા લોકો સાથે કઈ રીતે બાઇબલ આશાના સહભાગી થવું?
પ્રાચીન ઉદાહરણ
ઈસ્રાએલના બીજા પ્રબોધકોની જેમ, યૂનાએ પણ સૌથી પહેલાં ઈસ્રાએલીઓને સંદેશો આપ્યો હતો. ઈસ્રાએલ રાજ્યના દસ કુળો ધર્મત્યાગી બનીને પરમેશ્વરને નાખુશ કરતી બાબતોમાં રચ્યાપચ્યા હતા ત્યારે, તેમણે ભવિષ્યવાણી કરી હતી. (૨ રાજા ૧૪:૨૩-૨૫) યૂનાને પોતાનો દેશ છોડીને, આશ્શૂરમાં આવેલા એકદમ ભિન્ન ધર્મ અને સંસ્કૃતિવાળા નીનવેહ શહેરના રહેવાસીઓને પરમેશ્વરનો સંદેશો જણાવવાની ખાસ કામગીરી સોંપવામાં આવી. તેમણે શું કર્યું એનો વિચાર કરો. યૂના નીનવેહના રહેવાસીઓની ભાષાને કદાચ થોડી ઘણી જાણતા હતા, તોપણ તે એને બરાબર બોલી શકતા ન હતા. બાબત ભલે ગમે તે હોય પરંતુ, યૂનાને આ કામ ઘણું મુશ્કેલ અને અઘરું લાગ્યું હોવાથી તે ત્યાંથી બીજે નાસી ગયા.—યૂના ૧:૧-૩.
દેખીતી રીતે જ, યૂનાએ જાણવાની જરૂર હતી કે પરમેશ્વર ફક્ત બાહ્ય દેખાવ જોતા નથી પરંતુ તે હૃદયને તપાસે છે. (૧ શમૂએલ ૧૬:૭) યૂનાને ચમત્કારિક રીતે ડૂબતા બચાવીને, યહોવાહે તેમને ફરી વાર નીનવેહના લોકોને પ્રચાર કરવાની આજ્ઞા આપી. યૂનાએ આજ્ઞા પાળી અને પરિણામે મોટા ભાગના નીનવેહના લોકોએ પસ્તાવો કર્યો. તોપણ, યૂનાનું દૃષ્ટિબિંદુ યોગ્ય ન હતું. તેથી, યહોવાહે અસરકારક બોધપાઠ દ્વારા તેમને પોતાના વલણમાં જરૂરી ફેરફારો કરવા વિષે શીખવ્યું. યહોવાહે યૂનાને પૂછ્યું: “તો આ મોટું નગર નીનવેહ કે જેની અંદર એક લાખ વીસ હજાર એવા લોક છે કે જેઓ પોતાનો જમણો હાથ કયો ને ડાબો હાથ કયો એટલું પણ જાણતા નથી, . . . તેના પર મને દયા ન આવે?” (યૂના ૪:૫-૧૧) આજે આપણા વિષે શું? આપણે કઈ રીતે ભિન્ન ભાષા અને ધર્મના લોકોને મદદ કરી શકીએ?
સમરૂની અને બિનયહુદીઓને આવકારવા
પ્રથમ સદીમાં, ઈસુએ પોતાના અનુયાયીઓને સર્વ દેશના લોકોને શિષ્ય બનાવવાની આજ્ઞા આપી. (માત્થી ૨૮:૧૯) આ કાર્ય તેઓ માટે કંઈ સહેલું ન હતું. ઈસુના શિષ્યો યહુદીઓ હતા અને તેઓ પણ યૂનાની જેમ ફક્ત પોતાની જ જાતિ અને સંસ્કૃતિના લોકો સાથે વાત કરતા હતા. સ્વાભાવિક રીતે જ, તેઓ પર પણ એ સમયના સામાન્ય પૂર્વગ્રહની અસર થઈ હોય શકે. તેમ છતાં, યહોવાહે તેઓને યોગ્ય માર્ગદર્શન આપ્યું જેથી તેમના સેવકો તેમની ઇચ્છાને પારખી શકે.
યહુદીઓ અને સમરૂનીઓ વચ્ચેનો પૂર્વગ્રહ દૂર કરવો એ પહેલું પગલું હતું. યહુદીઓ, સમરૂનીઓ સાથે કોઈ સંબંધ રાખતા ન હતા. તોપણ, ભવિષ્યમાં સુસમાચારનો સ્વીકાર કરનારા સમરૂનીઓ માટે ઈસુએ એક કરતા વધુ વાર માર્ગ તૈયાર કર્યો હતો. તેમણે સમરૂની સ્ત્રી સાથે વાત કરીને નિષ્પક્ષપાત બતાવ્યો. (યોહાન ૪:૭-૨૬) બીજા એક પ્રસંગે, સમરૂની પાડોશીનું ઉદાહરણ આપીને ઈસુએ ધાર્મિક યહુદીને બતાવ્યું કે બિનયહુદીઓ પણ પાડોશી પ્રેમ બતાવી શકે છે. (લુક ૧૦:૨૫-૩૭) સમરૂનીઓને ખ્રિસ્તી મંડળમાં લાવવાનો યહોવાહનો સમય આવ્યો ત્યારે, મૂળ યહુદી એવા ફિલિપ, પીતર અને યોહાને સમરૂનીઓને પ્રચાર કર્યો. તેઓના સંદેશાથી એ શહેરમાં પુષ્કળ આનંદ છવાઈ ગયો.—પ્રેરિતોનાં કૃત્યો ૮:૪-૮, ૧૪-૧૭.
સમરૂનીઓ યહુદીઓના દૂરના સગાં થતા હતા તોપણ, યહુદી ખ્રિસ્તીઓ તેઓને ઘૃણાથી જોતા હતા. તો પછી, કલ્પના કરો કે યહુદીઓ જેઓને ખૂબ જ ધિક્કારતા હતા એ બિનયહુદીઓ કે વિદેશીઓ પ્રત્યે પાડોશી પ્રેમ બતાવવો તેઓ માટે કેટલું મુશ્કેલ હશે. જોકે, ઈસુના મરણ પછી યહુદી ખ્રિસ્તીઓ અને વિદેશીઓ વચ્ચેની દીવાલ તોડી નાખવામાં આવી. (એફેસી ૨:૧૩, ૧૪) પીતરને આ નવી ગોઠવણ સ્વીકારવામાં મદદ કરવા, યહોવાહે તેમને એક સંદર્શનમાં કહ્યું કે “દેવે જે શુદ્ધ કર્યું છે, તેને તું નાપાક ન ગણ.” પછી, યહોવાહનો પવિત્ર આત્મા તેમને કરનેલ્યસ નામના વિદેશીના ઘરે લઈ ગયો. પીતર હવે પરમેશ્વરની ઇચ્છા સમજ્યા કે આ વિદેશી માણસને તેમણે નાપાક ગણવો જોઈએ નહીં કેમ કે પરમેશ્વરે તેને શુદ્ધ કર્યો છે. પછી તેમણે પ્રેરિત થઈને કહ્યું: “હવે હું ખચીત સમજું છું કે દેવ પક્ષપાતી નથી; પણ દરેક દેશમાં જે કોઈ તેની બીક રાખે છે, ને ન્યાયીપણું કરે છે, તે તેને માન્ય છે.” (પ્રેરિતોનાં કૃત્યો ૧૦:૯-૩૫) પરમેશ્વરે કરનેલ્યસ અને તેના કુટુંબ પર પોતાનો પવિત્ર આત્મા રેડીને બતાવ્યું કે તેમણે વિદેશીઓનો સ્વીકાર કર્યો છે ત્યારે, પીતરને કેટલું આશ્ચર્ય થયું હશે!
પાઊલ—વિદેશીઓમાં પસંદ કરેલું પાત્ર
પાઊલનું સેવાકાર્ય સર્વોત્તમ ઉદાહરણ છે કે કઈ રીતે યહોવાહ બધા જ પ્રકારના લોકોને મદદ અને પ્રેમ કરવા ધીમે ધીમે પોતાના સેવકોને તૈયાર કરે છે. પાઊલે પોતાનું હૃદય પરિવર્તન કર્યું ત્યારે, ઈસુએ કહ્યું કે વિદેશીઓમાં મારું નામ પ્રગટ કરવા, પસંદ કરેલા પાત્ર તરીકે પાઊલ સેવા આપશે. (પ્રેરિતોનાં કૃત્યો ૯:૧૫) પછી, પાઊલ અરબસ્તાન ગયા જ્યાં તેમણે સર્વ રાષ્ટ્રોને સુસમાચાર જાહેર કરવામાં પરમેશ્વરે તેમનો ઉપયોગ કર્યો એના પર મનન કર્યું હોય શકે.—ગલાતી ૧:૧૫-૧૭.
પાઊલે તેમની પ્રથમ મિશનરી મુસાફરી દરમિયાન, બિનયહુદીઓને ઉત્સાહથી પ્રચાર કર્યો. (પ્રેરિતોનાં કૃત્યો ૧૩:૪૬-૪૮) યહોવાહે પાઊલના કાર્ય પર આશીર્વાદ આપ્યો અને એ પુરાવો હતો કે પ્રેષિત પાઊલ યહોવાહની ગોઠવણ પ્રમાણે બાબતો કરી રહ્યા હતા. પીતર બિનયહુદી ભાઈઓ સાથે સંગત કરવાનું ટાળીને પક્ષપાત બતાવતા હતા ત્યારે, પાઊલે તેમને સુધારવા હિંમતથી ઠપકો આપ્યો. આમ, પાઊલે બતાવ્યું કે પોતે યહોવાહની ગોઠવણને પૂરેપૂરી રીતે સમજ્યા છે.—ગલાતી ૨:૧૧-૧૪.
પરમેશ્વર પાઊલના પ્રયત્નોને માર્ગદર્શન આપે છે એનો બીજો પુરાવો તેમની બીજી મિશનરી મુસાફરી દરમિયાન જોવા મળે છે. એ સમયે પવિત્ર આત્માએ પાઊલને રૂમી પ્રાંતના બીથુનીઆમાં પ્રચાર કરતા અટકાવ્યા. (પ્રેરિતોનાં કૃત્યો ૧૬:૭) દેખીતી રીતે એ યોગ્ય સમય ન હતો. જોકે, પછીથી બીથુનીઆના કેટલાક લોકો ખ્રિસ્તી બન્યા. (૧ પીતર ૧:૧) સંદર્શનમાં મકદોનિયાનો એક માણસ પાઊલને આમ કહીને વિનંતી કરે છે કે, “મકદોનિયા આવીને અમને સહાય કર.” તેથી, પાઊલે રૂમી પ્રાંતમાં સુસમાચાર જાહેર કરવા તરત જ મકદોનિયા જવાનો નિર્ણય લીધો.—પ્રેરિતોનાં કૃત્યો ૧૬:૯, ૧૦.
પાઊલે આથેન્સના લોકોને પ્રચાર કર્યો ત્યારે, સંજોગોને અનુકૂળ બનવાની તેમની ક્ષમતાની ભારે કસોટી થઈ. ગ્રીક અને રોમન કાયદો પરદેશી દેવો અને નવા ધર્મોના રિવાજો વિષે જણાવવાની મનાઈ કરતો હતો. પરંતુ, લોકો પ્રત્યેના પ્રેમે પાઊલને તેઓના ધાર્મિક રિવાજોને કાળજીપૂર્વક તપાસવા પ્રેર્યા. આથેન્સમાં તેમણે એક વેદી પર “અજાણ્યા દેવના માનમાં” એમ લખેલું જોયું. આ માહિતીનો તેમણે પોતાના સાક્ષી કાર્યમાં ઉપયોગ કર્યો. (પ્રેરિતોનાં કૃત્યો ૧૭:૨૨, ૨૩) પોતાના સંદેશાને પ્રેમાળ રીતે અને આદરપૂર્વક રજૂ કરવાની કેવી અસરકારક રીત!
પાઊલને પ્રેષિત તરીકે કરેલા કાર્યનું જે પરિણામ મળ્યું હતું એ જોઈને કેટલી ખુશી થઈ હશે! તેમણે કોરીંથ, ફિલિપી, થેસ્સાલોનીકા અને ગલાતી શહેરોના અસંખ્ય બિનયહુદી ખ્રિસ્તીઓનું મંડળ સ્થાપવામાં મદદ કરી. તેમણે દામારીસ, દીઓનુસીઅસ, સર્જીઅસ પાઊલ અને તીતસ જેવા વિશ્વાસુ ભાઈ-બહેનોને પણ મદદ કરી. યહોવાહ કે બાઇબલથી બિલકુલ અજાણ્યા એવા લોકોને ખ્રિસ્તીઓ રૂમી ૧૫:૨૦, ૨૧) શું આપણે આપણી સંસ્કૃતિ કે ધર્મના નથી એવા લોકોને સુસમાચાર જાહેર કરીએ છીએ?
બનતા અને સત્ય સ્વીકારતા જોવાનો કેવો અજોડ લહાવો! બિનયહુદીઓને સત્ય શીખવામાં મદદ કરવા વિષેની પોતાની ભૂમિકા વિષે પાઊલે જણાવ્યું: “સુવાર્તા પ્રગટ કરવામાં મેં એવો નિયમ રાખ્યો છે, કે જ્યાં ખ્રિસ્તનું નામ જાણવામાં આવ્યું હતું ત્યાં બોધ કરવો નહિ, . . . લખેલું છે, કે જેઓને તેના સંબંધીના સમાચાર મળ્યા નહોતા તેઓ જોશે, અને જેઓના સાંભળવામાં આવ્યું નહોતું તેઓ સમજશે.” (પૃથ્વી પરના સર્વ લોકોને મદદ કરવી
સુલેમાને યરૂશાલેમના મંદિરે ઉપાસના કરવા આવતા બિન-ઈસ્રાએલીઓ માટે પ્રાર્થના કરી. તેમણે યહોવાહને વિનંતી કરી: “તું તારા રહેઠાણ આકાશમાં તે સાંભળીને જે સઘળી બાબત વિષે તે પરદેશી તારી પ્રાર્થના કરે, તે પ્રમાણે તું કરજે; કે જેથી પૃથ્વીના સર્વ લોક તારૂં નામ જાણે.” (અક્ષરો અમે ત્રાંસા કર્યા છે.) (૧ રાજા ૮:૪૧-૪૩) આજે ઘણા દેશોમાં લાખો રાજ્ય પ્રચારકો એવું જ અનુભવે છે. તેઓ નીનવેહના રહેવાસીઓ જેવા લોકોને મળે છે કે જેઓ આત્મિક બાબતોમાં “પોતાનો જમણો હાથ કયો ને ડાબો હાથ કયો એટલું પણ જાણતા નથી.” હા, જુદા જુદા અનેક દેશોમાંથી સાચી ઉપાસનામાં ભેગા થવા વિષેની ભવિષ્યવાણીને પરિપૂર્ણ કરવામાં, રાજ્ય પ્રચારકો ઉત્સાહથી ભાગ લે છે.—યશાયાહ ૨:૨, ૩; મીખાહ ૪:૧-૩.
કહેવાતા ખ્રિસ્તીઓએ બાઇબલ આશાનો સંદેશો સ્વીકાર્યો છે તેમ, બીજા ધર્મના લોકો પણ એને સ્વીકારી રહ્યા છે. એનાથી તમારા પર કેવી અસર પડવી જોઈએ? તમે પોતાની પ્રમાણિકપણે તપાસ કરો. તમને લાગતું હોય કે પૂર્વગ્રહના મૂળ તમારામાં ઊંડા ઊતરેલાં છે તો, એને પ્રેમથી કાઢી નાખો. * પરમેશ્વર સ્વીકારે છે એવા લોકોનો નકાર ન કરો.—યોહાન ૩:૧૬.
તમે બીજી જાતિ કે ભાષાના લોકો સાથે વાત કરો એ પહેલાં તેઓ વિષે અભ્યાસ કરો. તેઓની માન્યતાઓ, અભિરુચિ અને તેઓની વિચારસરણીથી પરિચિત થાઓ; પછી સમાન બાબતોની તપાસ કરો. બીજાઓ પ્રત્યે ભલાઈ અને દયા બતાવો. દલીલો કરવાનું ટાળો, નમ્ર અને હકારાત્મક બનો. (લુક ૯:૫૨-૫૬) આમ કરવાથી, તમે પરમેશ્વરને ખુશ કરશો કે જે ‘સઘળાં માણસો તારણ પામે, ને તેમને સત્યનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય એવી ઇચ્છા રાખે છે.’—૧ તીમોથી ૨:૪.
આપણાં મંડળોમાં વિવિધ પાર્શ્વભૂમિકાના લોકો હોવાથી આપણે કેટલા ખુશ છીએ! (યશાયાહ ૫૬:૬, ૭) આજે મેરી, જોન, સ્ટીફન અને ટોમ જેવાં નામો સાથે, મેમાદૌ, જીગન, રીઝા અને ચાન જેવાં નામો સાંભળવા કેવું આનંદ આપનારું છે! સાચે જ ‘એક મહાન અને કાર્ય સફળ થાય એવું દ્વાર આપણા માટે ઉઘાડવામાં આવ્યું છે.’ (૧ કોરીંથી ૧૬:૯) ચાલો આપણે પણ નિષ્પક્ષપાત પરમેશ્વર યહોવાહે સર્વ રાષ્ટ્રના લોકોને આવકારવાનું જે આમંત્રણ આપ્યું છે એ બીજાઓને આપવા આપણી આગળ રહેલી દરેક તકનો લાભ ઉઠાવીએ!
[ફુટનોટ]
^ ઑગસ્ટ ૮, ૧૯૯૬ સજાગ બનો!ના પાન ૪-૭ પર “સંચાર રૂંધતી દીવાલો” લેખ જુઓ.
[પાન ૨૩ પર ચિત્રો]
પાઊલે સંજોગોને અનુકૂળ બનીને દરેક જગ્યાએ લોકોને સુસમાચાર પ્રગટ કર્યા
. . . આથેન્સમાં
. . . ફિલિપીમાં
. . . મુસાફરી કરતા