તમે કોના સિદ્ધાંતો પ્રમાણે ચાલશો?
તમે કોના સિદ્ધાંતો પ્રમાણે ચાલશો?
શું તમે સિદ્ધાંતવાદી છો? કે પછી એ તમને જુનવાણી લાગે છે? હકીકત એ છે કે દરેક જણ પોતાને જે નીતિ-નિયમો કે સિદ્ધાંતો મહત્ત્વના લાગે છે, એ પ્રમાણે જીવે છે. સિદ્ધાંતનો અર્થ, ખરું-ખોટું નક્કી કરવાની વ્યક્તિની પોતાની માન્યતા હોય શકે. સિદ્ધાંતો આપણા નિર્ણયો અને જીવન પર ઊંડી અસર કરી શકે છે. સિદ્ધાંતો હોકાયંત્રની જેમ કામ કરી શકે છે.
દાખલા તરીકે, ઈસુએ પોતાના શિષ્યોને એક મહત્ત્વનો સિદ્ધાંત પાળવા અરજ કરી, જે માત્થી ૭:૧૨માં મળી આવે છે. એ કહે છે: “માટે જે જે તમે ચાહો છો કે બીજા માણસ તમને કરે, તે તે તમે પણ તેઓને કરો.” કન્ફયુશિયસના ચેલાઓ લી અને જીનના સિદ્ધાંતોમાં માનતા હતા, જે દયા, નમ્રતા, આદર અને વફાદારી જેવા ગુણો શીખવતા હતા. જેઓ ધર્મમાં માનતા નથી, તેઓ પણ અમુક સિદ્ધાંતો અને નીતિ-નિયમો પાળે છે.
કેવા સિદ્ધાંતો પસંદ કરવા?
તેમ છતાં, સિદ્ધાંતો સારા અથવા ખરાબ પણ હોય શકે છે. દાખલા તરીકે, લગભગ છેલ્લા દસ વર્ષથી લોકો વધારે ને વધારે “સ્વાર્થી” બનતા જાય છે. કદાચ ઘણા લોકોને એમ લાગશે કે તેઓ તો સ્વાર્થી નથી, એટલે તેઓને એ લાગુ પડતું નથી. એવા લોકો ઉચ્ચ ધોરણો પડતા મૂકીને “સ્વાર્થી” વલણ અપનાવે છે. ભલે લોકો એને સ્વાર્થ કહે કે ન કહે, એ સ્વાર્થ છે. એમાં મોટે ભાગે ધનસંપત્તિનો પ્રેમ રહેલો હોય છે. ચીનમાં એક ટીવી કંપનીના ડાયરેક્ટરે કહ્યું કે અમે ફક્ત બે જ સિદ્ધાંતો રાખીએ છીએ. “એક તો લોકોની માંગ સંતોષવી અને બીજું પૈસા બનાવવા.”
સ્વાર્થ ચુંબક જેવો બની શકે છે. હોકાયંત્ર પર ચુંબકની કેવી અસર પડે છે? હોકાયંત્ર અને ચુંબક સાથે મૂકવામાં આવે ત્યારે, હોકાયંત્રની સોય ખોટી દિશા પણ બતાવે છે. એવી જ રીતે સ્વાર્થને કારણે વ્યક્તિના નૈતિક સિદ્ધાંતો પણ બદલાઈ શકે, અથવા પોતાને પસંદ હોય એ બીજા કરતાં વધારે મહત્ત્વનું બની શકે છે.
વર્ષોથી સ્વાર્થ ચાલતો આવે છે એ જાણવાથી શું તમને નવાઈ લાગે છે? સ્વાર્થની શરૂઆત તો એદન વાડીમાંથી થઈ હતી. આપણા ઉત્પન્નકર્તાએ પ્રથમ માબાપને આપેલી આજ્ઞા તેઓએ તોડી ત્યારથી એની શરૂઆત થઈ છે. એનાથી તેઓ ગેરમાર્ગે દોરાયા. આમ, આદમ તથા હવાના વંશજ હોવાથી સર્વ મનુષ્યોને જીવનમાં એ જ મુશ્કેલી છે, જે આજે સ્વાર્થી વલણ છે.—ઉત્પત્તિ ૩:૬-૮, ૧૨.
આજે બધે જ આવું વલણ જોવા મળે છે. એનું મુખ્ય કારણ, બાઇબલ જણાવે છે તેમ આપણે “છેલ્લા સમયમાં” જીવી રહ્યા છીએ, જે ‘સંકટના વખતો’ છે. આજે ઘણા “માણસો સ્વાર્થી” છે. એ કારણથી આપણા પર પણ સ્વાર્થી વલણની અસર પડે, એમાં કંઈ નવાઈ નથી.—૨ તીમોથી ૩:૧-૫.
યહોવાહના સાક્ષીઓની એક યુરોપિયન શાખામાં ઑલાફ નામના એક યુવાને જે લખ્યું એની સાથે કદાચ તમે પણ સહમત થશો: “અમારા જેવા યુવાનો માટે નૈતિક રીતે શુદ્ધ રહેવું ઘણું અઘરું છે. એ માટે મહેરબાની કરીને અમને વારંવાર બાઇબલના સિદ્ધાંતો પાળવાનું યાદ કરાવતા રહેજો.”
ઑલાફે ખરેખર સમજી વિચારીને એ કહ્યું હતું. પરમેશ્વરના સિદ્ધાંતો આપણને, નાના-મોટા દરેકને ઉચ્ચ ધોરણો પ્રમાણે જીવવા મદદ કરી શકે. તેમ જ એ આપણને સ્વાર્થી વલણ સામે લડત આપવા મદદ કરી શકે. બાઇબલના સિદ્ધાંતો તમને કઈ રીતે મદદ કરી શકે એ વિષે વધારે જાણવા ઇચ્છતા હોવ તો, હવે પછીનો લેખ તપાસો.
[પાન ૪ પર ચિત્રો]
આજે ઘણા લોકોને બીજાની જરાય પડી નથી