“હું કોણ છું, એ વિષે માણસો શું કહે છે?”
“હું કોણ છું, એ વિષે માણસો શું કહે છે?”
નાતાલ ફરીથી આવી છે. આખી દુનિયામાં લોકો આ સમયે જન્મદિવસ ઊજવે છે. કોનો જન્મદિવસ? શું પરમેશ્વરના દીકરાનો કે પછી પહેલી સદીના એક યહુદીનો, જેમણે ત્યારના ધર્મોમાં સુધારો કરવાનો પ્રયત્ન કર્યો હતો? શું એ ગરીબોને મદદ કરનાર એક બંડખોરનો જન્મદિવસ હતો, જે રૂમી સામ્રાજ્ય માટે એટલો ભયજનક બન્યો કે તેને મોતની સજા કરવામાં આવી? કે પછી કોઈ મહાન સંતનો, જે જ્ઞાન લેવા અને પોતાને ઓળખવા પર ભાર મૂકતા હતા? તો પછી, પ્રશ્ન એ ઊભો થાય છે કે ‘ખરેખર ઈસુ ખ્રિસ્ત કોણ હતા?’
પોતાના વિષે લોકો શું માને છે, એ ઈસુ પણ જાણવા ઇચ્છતા હતા. તેથી, એક વાર તેમણે પોતાના શિષ્યોને પૂછ્યું: “હું કોણ છું, એ વિષે માણસો શું કહે છે?” (માર્ક ૮:૨૭) શા માટે તેમણે આવો પ્રશ્ન પૂછ્યો? ઘણા લોકોનો તેમના પરથી વિશ્વાસ ઊઠી ગયો હતો. બીજાઓએ ઈસુને રાજા બનાવવાની કોશિશ કરી ત્યારે, તેમણે ચોખ્ખી ના પાડી દીધી, જેનાથી તેઓ દેખીતી રીતે જ મૂંઝાઈ ગયા અને નારાજ થઈ ગયા હતા. વધુમાં, ઈસુના દુશ્મનોએ તેમનો વિરોધ કર્યો ત્યારે, પોતે કોણ છે એ સાબિત કરવા તેમણે કોઈ પણ ચમત્કાર ન કર્યો. ઈસુના એ પ્રશ્નના જવાબમાં, તેમના શિષ્યોએ શું કહ્યું? તેઓએ કેટલાક લોકો જે માનતા હતા એ વિષે જણાવ્યું: “કેટલાક કહે છે, યોહાન બાપ્તિસ્મા કરનાર, ને કેટલાએક એલીયાહ, ને કેટલાએક યિર્મેયાહ, અથવા પ્રબોધકોમાંનો એક.” (માત્થી ૧૬:૧૩, ૧૪) તેઓએ ઈસુ વિષે જે બીજી અનેક ખરાબ વાતો ફેલાતી હતી, એના વિષે ન જણાવ્યું. દાખલા તરીકે, ઘણા લોકો ઈસુને પાગલ કે ઢોંગી અથવા જૂઠા પ્રબોધક સમજતા હતા.
ઈસુ વિષે જુદી જુદી માન્યતાઓ
ઈસુએ એ જ પ્રશ્ન આજે પૂછ્યો હોત તો, એ આવો હોત: “હું કોણ છું, એ વિષે વિદ્વાનો શું કહે છે?” આજે પણ તેમના આ પ્રશ્નના ઘણા અલગ અલગ જવાબો મળ્યા હોત, કેમ કે એ વિષે ઘણી જુદી જુદી માન્યતાઓ છે. શિકાગો યુનિવર્સિટીના ડેવિડ ટ્રેસીના જણાવ્યા પ્રમાણે, ઈસુએ જે કર્યું તથા કહ્યું એ વિષે લોકો મન ફાવે એમ માને છે. ખરેખર ઈસુ કોણ હતા એ શોધી કાઢવા, ગઈ સદીમાં વિદ્વાનોએ સમાજશાસ્ત્ર, માનવશાસ્ત્ર વગેરે ઘણા વિષયોનો ઊંડો અભ્યાસ કર્યો હતો. આખરે, ઈસુ ખરેખર કોણ છે એ વિષે તેઓ શું માને છે?
કેટલાક વિદ્વાનો દાવો કરે છે કે ઈસુ એક યહુદી પ્રબોધક હતા અને દુનિયાનો અંત નજીક હોવાથી, તે લોકોને પસ્તાવો કરવાનું કહેતા હતા. તેમ છતાં, તેઓ ઈસુને પરમેશ્વરના દીકરા, મસીહ અને ઉદ્ધારકર્તા કહેવાનું ટાળે છે. ઈસુ સ્વર્ગમાં હતા અને તેમને સજીવન કરવામાં આવ્યા, એવા બાઇબલના શિક્ષણ વિષે મોટા ભાગના વિદ્વાનો શંકા ઉઠાવે છે. બીજા કેટલાકનું માનવું છે કે ઈસુ ફક્ત સામાન્ય માણસ હતા, જેમના ઉદાહરણરૂપ જીવન અને શિક્ષણે અમુક ધર્મો પર ઊંડી છાપ પાડી, જે છેવટે ખ્રિસ્તી ધર્મ બન્યો. થિઓલોજી ટુડેમાં નોંધ્યા પ્રમાણે, બીજાઓ ઈસુને “શંકાશીલ, ભટકતા સંત, અથવા ગામડિયા ગણે છે; તેઓ તેમને સમાજ સેવક, સમાજની સામે કચકચ કરનાર હિપ્પી કવિ, કે પછી ખોટો પ્રેમ બતાવીને કામ કઢાવી લેનાર કપટી, જે આખાબોલા હોય અને જીવનથી કંટાળી ગયેલા અને ગરીબીમાં જીવતા ઈસ્રાએલીઓ સાથે ભળી જનારા ગણે છે.”
બીજી ઘણી વિચિત્ર માન્યતાઓ પણ છે. કેટલીક જગ્યાઓએ રૅપ સંગીતમાં, શહેરની જાહેર જગ્યાઓની મૂર્તિઓ, પ્રતીકો, શિલ્પકલા વગેરેના પ્રદર્શનોમાં, અરે કેટલાંક નૃત્યોમાં પણ ઈસુને નિગ્રો તરીકે બતાવવામાં આવ્યા છે. * બીજા લોકો એવું અનુમાન કરે છે કે ઈસુ એક સ્ત્રી હતા. વર્ષ ૧૯૯૩ના ઉનાળામાં, કૅલિફૉર્નિયાના એક ઓરેન્જ કન્ટ્રી ફેરમાં મુલાકાતીઓને વધસ્તંભ પર નારી “ખ્રિસ્તનું” નગ્ન પૂતળું, “ક્રિષ્ટિના” જોવા મળ્યું. લગભગ એ જ સમયે, ન્યૂયૉર્કમાં વધસ્થંભે જડેલા “ઈસુ”, “ક્રિસ્ટા”ને સ્ત્રીના રૂપમાં બતાવવામાં આવ્યા. બંને પૂતળાઓએ મોટો વિવાદ ઊભો કર્યો. વર્ષ ૧૯૯૯ની શરૂઆતમાં દુકાનદારોને એક પુસ્તક જોવા મળ્યું કે જેમાં “બાળ ઈસુ અને તેમનો કૂતરો, દૂત એકબીજા પ્રત્યે પ્રેમ વ્યક્ત કરતા હતા.” તેઓના સંબંધને “આત્મિક રીતે સ્પર્શી જાય એવી વાર્તામાં કઈ રીતે બાળક અને કૂતરો એકબીજા માટે પોતાના જીવનું બલિદાન આપવા તૈયાર થાય છે એ રીતે બતાવ્યો છે.”
શું ઈસુને જાણવા ખરેખર મહત્ત્વનું છે?
ઈસુ કોણ હતા અને છે એ તમારે શા માટે જાણવું જોઈએ? એનું એક કારણ, નેપોલિયને જે નોંધ્યું છે એમાં જોવા મળે છે: “ઈસુ ખ્રિસ્તે પોતાની પ્રજા પર પોતે હાજર રહ્યા વિના ઊંડો પ્રભાવ પાડ્યો છે.” હા, આશરે બે હજાર વર્ષોથી ઈસુએ પોતાના જીવન અને જોશીલા શિક્ષણથી, લોકોના જીવન પર ઊંડી અસર પાડી છે. એક લેખકે યોગ્ય રીતે જ આમ કહ્યું: “અત્યાર સુધીના સર્વ સૈન્યો, રચાયેલી સર્વ દરિયાઈ ફોજો, અત્યાર સુધી ભરાયેલી સર્વ ધારાસભાઓ, અને રાજ કરી ગયેલા સર્વ રાજાઓ, એ સર્વને ભેગા કરવામાં આવે તોપણ, પૃથ્વીના માનવો પર ઈસુએ જેટલી અસર કરી છે, એટલી કોઈએ કરી નથી.”
વધુમાં, ઈસુ કોણ હતા અને છે એ તમારે જાણવું જ જોઈએ, કેમ કે તેમની તમારા ભાવિ પર સીધેસીધી અસર પડશે. તમને ઈસુ દ્વારા પરમેશ્વરના સ્વર્ગના રાજ્યના નાગરિક બનવાની તક છે. આજે આપણે પૃથ્વી પર જે સર્વ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરીએ છીએ એને ઈસુ ખ્રિસ્તના માર્ગદર્શન હેઠળ દૂર કરવામાં આવશે. બાઇબલ ભવિષ્યવાણી ખાતરી આપે છે કે ઈસુના રાજમાં કોઈ ભૂખ્યું કે ગરીબ કે બીમાર નહિ હોય. અરે, મૂએલાંઓને પણ સજીવન કરવામાં આવશે.
તમને સાચે જ જાણવું ગમશે કે આવી સરકાર કોણ લાવશે. હવે પછીનો લેખ તમને જણાવશે કે ઈસુ ખરેખર કોણ છે.
[ફુટનોટ]
^ ઈસુના શારીરિક દેખાવ વિષે, ડિસેમ્બર ૮, ૧૯૯૮ના સજાગ બનો! (અંગ્રેજી)માં “ઈસુ કેવા દેખાતા હતા?” લેખ જુઓ.