સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ખાસ વારસાથી આશીર્વાદિત

ખાસ વારસાથી આશીર્વાદિત

મારો અનુભવ

ખાસ વારસાથી આશીર્વાદિત

કૉરલ એલીનના જણાવ્યા પ્રમાણે

હું મારું નવું પુસ્તક હાથમાં પકડીને એકલી ઊભી હતી. હું ગભરાઈ ગઈ હતી અને રડતી પણ હતી. કેમ કે એ વખતે હું ફક્ત સાત વર્ષની હતી અને અજાણ્યા શહેરમાં લાખો લોકોમાં ભૂલી પડી ગઈ હતી!

તાજેતરમાં હું મારા પતિ પૉલ સાથે પૅટરસન, ન્યૂયૉર્કમાં વૉચટાવર એજ્યુકેશન સેન્ટરની મુલાકાતે આવી ત્યારે, મને ૬૦ વર્ષ પહેલાના મારા બાળપણની યાદ આવી. મારા પતિને ત્યાં યહોવાહના સાક્ષીઓના પ્રવાસી નિરીક્ષકની શાળાના બીજા વર્ગમાં હાજરી આપવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું.

અમે એક પ્રવેશખંડમાં પહોંચ્યા, ત્યાં મેં દિવાલો પર “મહાસંમેલનો” વિષેની ટિપ્પણી જોઈ. ત્યાં એક જૂનો બ્લેક ઍન્ડ વ્હાઈટ ફોટો પણ જોયો જેમાં બાળકો મારા બાળપણના પુસ્તકને આનંદ અને ઉત્સાહથી બતાવી રહ્યાં હતાં. મેં જલદી જ એ ફોટા નીચેની ટિપ્પણી વાંચી: “૧૯૪૧, સેન્ટ. લુઈસ, મિસોરીમાં સવારના સત્રની શરૂઆત થઈ ત્યારે પાંચથી ૧૮ વર્ષની ઉંમરના ૧૫૦૦૦ બાળકો વ્યાસપીઠ આગળ એકઠાં મળ્યાં હતાં. . . . ભાઈ રધરફર્ડે નવું પુસ્તક ચિલ્ડ્રન (અંગ્રેજી) બહાર પાડ્યાની જાહેરાત કરી હતી.”

દરેક બાળકને વ્યક્તિગત પ્રત આપવામાં આવી હતી. પછી મારા સિવાય બધા જ બાળકો પોતાનાં માબાપ પાસે પાછા ફર્યા. પણ હું ભૂલી પડી ગઈ. પછી અટેન્ડન્ટ ભાઈએ મને પ્રદાન પેટી આગળ ઊભી રાખી અને કહ્યું કે તું જાણતી હોય એવી કોઈ વ્યક્તિને જો. હું ગભરાઈ ગઈ હતી અને ત્યાંથી જતા-આવતા લોકોને જોતી હતી. એકદમ જ મને એક જાણીતો ચહેરો દેખાયો. મેં “અંકલ બૉબ! અંકલ બૉબ!” બૂમ પાડી. ત્યાર પછી, બૉબ રૅનોર મને ઊંચકીને મારા ચિંતિત માબાપ પાસે લઈ ગયા.

મારા જીવનમાં વણાંકબિંદુ

એ બધા ફોટા જોઈને મને એવા બનાવો યાદ આવ્યા કે જેનાથી મારા જીવનમાં વણાંકબિંદુ આવ્યું હતું અને એ કારણે હું આ પૅટરસનની સુંદર શાખામાં જઈ શકી. મને લગભગ ૧૦૦ કરતાં વધારે વર્ષોના બનાવો યાદ આવ્યા કે જે મેં મારા માબાપ અને દાદા-દાદી પાસેથી સાંભળ્યા હતા.

ડિસેમ્બર ૧૮૯૪માં બાઇબલ વિદ્યાર્થી તરીકે જાણીતા (હાલમાં યહોવાહના સાક્ષી) એક પૂરા સમયના સેવકે અમેરિકા, પેન્સિલ્વેનિયા, સ્ક્રૅન્ટનમાં રહેતા મારા દાદા ક્લેટન જે. વુડવર્થની મુલાકાત લીધી. એ સમયે દાદા નવપરિણીત હતા. પછી તેમણે વૉચટાવર બાઇબલ ઍન્ડ ટ્રૅક્ટ સોસાયટીના પ્રમુખ ચાર્લ્સ ટેઝ રસેલને એક પત્ર લખ્યો. એ જુન ૧૫, ૧૮૯૫ના વોચટાવરમાં આવ્યો હતો જેમાં તેમણે લખ્યું:

‘અમે યુવાન પતિ-પત્ની લગભગ દસ વર્ષથી પ્રોટેસ્ટંટ ચર્ચના સભ્યો છીએ; પરંતુ હવે અમે આત્મિક અંધકારમાંથી આત્મિક પ્રકાશ અનુભવીએ છીએ જે દેવના લોકો આપે છે. . . . અમારી ઘણા વખતથી પ્રભુની સેવા કરવાની અને તેમની કૃપા હોય તો પરદેશમાં મિશનરિ તરીકે કામ કરવાની ઇચ્છા હતી.’

વર્ષ ૧૯૦૩માં પેન્સિલ્વેનિયાના સુંદર પોકોનો પર્વતો પરની મોટી વાડીમાં રહેતા મારા મમ્મીના નાના-નાની સબાસ્ટિયન અને કેથરિન ક્રેઝગીએ વૉચટાવરના બે પ્રતિનિધિઓ, કાર્લ હામરલી અને રૅરે રાટલ્ફીફ પાસેથી બાઇબલનો સંદેશો સાંભળ્યો. તેમની દીકરીઓ કોરા અને મેરી તેઓના પતિ, વોશિંગ્ટન અને એડમન્ડ હાવલ સાથે ત્યાં જ રહેતા હતા. બંને પ્રતિનિધિઓએ તેઓ સાથે એક અઠવાડિયું રહીને ઘણી બાબતો શીખવી. આ કુટુંબના બધા જ સભ્યોએ તેઓનું સાંભળ્યું, અભ્યાસ કર્યો અને જલદી જ ઉત્સાહી બાઇબલ વિદ્યાર્થીઓ બન્યા.

એ જ વર્ષે ૧૯૦૩માં કોરા અને વોશિંગ્ટન હાવલને એક દીકરી જન્મી. તેનું નામ પણ તેઓએ કેથરિન પાડ્યું. મારી મમ્મી કેથરિન સાથે પપ્પા ક્લેટન જે. વુડવર્થ જુનિયરે કઈ રીતે લગ્‍ન કર્યું એ રસપ્રદ વાત છે. મને લાગે છે કે એ વાતમાં જરૂર કંઈ અર્થ રહેલો છે. એ બનાવમાં મારા દાદા ક્લેટન જે. વુડવર્થ સિનિયરની સમજણ અને પિતા તરીકેનો પ્રેમ પણ દેખાય છે.

મારા પપ્પાએ પ્રેમાળ મદદ મેળવી

મારા પપ્પા, ક્લેટન જુનિયરનો જન્મ ૧૯૦૬માં હાવલની વાડીથી લગભગ ૮૦ કિલોમીટર દૂર સ્ક્રૅન્ટનમાં થયો હતો. મારા દાદા વુડવર્થ, હાવલના મોટા કુટુંબથી પરિચિત હતા અને વારંવાર તેઓની પરોણાગતનો આનંદ માણતા હતા. તે એ વિસ્તારના બાઇબલ વિદ્યાર્થીઓને ઘણા મદદરૂપ હતા. એ સમયે મારા દાદાને હાવલના ત્રણ દીકરાઓના લગ્‍નનો વાર્તાલાપ આપવા માટે બોલાવવામાં આવ્યા. દરેક વખતે દાદા મારા પપ્પાને લઈને જતા હતા.

પપ્પા પ્રચારકાર્યમાં સક્રિયપણે સહભાગી થતા ન હતા. દાદા પ્રતિપાલન મુલાકાત લેવા જતા ત્યારે પપ્પા તેમને વાહનમાં બેસાડીને લઈ જતા, છતાં તે સેવાકાર્યમાં સક્રિય ન હતા. સમય જતા પપ્પાએ બીજી બાબતો કરતાં સંગીતમાં વધારે રસ લીધો અને એમાં જ કારકિર્દી બનાવવાનો નિર્ણય કર્યો.

કોરા અને વોશિંગ્ટન હાવલની દીકરી કેથરિન પણ સારી સંગીતકાર હતી, તે સરસ પિયાનો વગાડતી હતી તથા શીખવી શકતી હતી. પરંતુ તેના માટે નવી તકો ખુલી ત્યારે તેણે સંગીતની કારકિર્દી તરછોડીને પૂરા સમયના સેવાકાર્યમાં સહભાગી થવાનું શરૂ કર્યું. તેથી મને લાગે છે કે દાદાએ પોતાના દીકરા માટે કેથરિનને પસંદ કરી હતી. છેવટે પપ્પા બાપ્તિસ્મા પામ્યા અને છ મહિના પછી ૧૯૩૧માં કેથરિન સાથે લગ્‍ન કર્યાં.

પપ્પા સંગીતકાર છે એ વાતનો દાદાને હમેશાં ગર્વ રહેતો. વર્ષ ૧૯૪૬માં ક્લીવલૅન્ડ, ઓહાયોના આંતરરાષ્ટ્રીય મહાસંમેલનમાં બીજી વ્યક્તિઓને ઑર્કેસ્ટ્રાની તાલિમ આપવાનું કામ પપ્પાને સોંપવામાં આવ્યું ત્યારે દાદા ઘણા ખુશ થયા હતા. એ પછીનાં વર્ષોમાં પણ યહોવાહના સાક્ષીઓના બીજા ઘણાં સંમેલનોમાં પપ્પા ઑર્કેસ્ટ્રા હાથ ધરતા હતા.

દાદાની કસોટી અને જેલ

પૅટરસનમાં મેં અને પોલે બીજો એક ફોટો જોયો જે પછીના પાના પર આપવામાં આવેલો છે. મેં તરત જ એ ફોટાને ઓળખી કાઢ્યો, કારણ કે દાદાએ લગભગ ૫૦ વર્ષ પહેલાં મને એની કૉપી મોકલી હતી. એ ફોટામાં જમણી બાજુ છેલ્લે દાદા ઊભા છે.

પહેલા વિશ્વયુદ્ધ દરમિયાન એ સમયના વૉચટાવર સોસાયટીના પ્રમુખ જોસફ એફ. રધરફર્ડ સાથે આઠ બાઇબલ વિદ્યાર્થીઓને ખોટા આરોપસર જેલની સજા કરવામાં આવી. તેઓને જામીન પર પણ છોડવાની ના પાડવામાં આવી. તેમના પર આરોપ લગાવવાનું મુખ્ય કારણ, ધ ફિનિસ્ડ મિસ્ટ્રી નામનો સ્ટડીઝ ઈન ધ સ્ક્રિપ્ચર્સનો સાતમો ગ્રંથ હતો. કેમ કે એ ગ્રંથથી તેઓને એમ લાગ્યું કે અમેરિકાએ વિશ્વયુદ્ધ એકમાં ભાગ લેવો જોઈએ નહિ.

ઘણાં વર્ષો પહેલા ચાર્લ્સ ટૅઝ રસેલે સ્ટડીઝ ઈન ધ સ્ક્રિપ્ચર્સના છ ગ્રંથો લખ્યા હતા, પરંતુ તે સાતમો ગ્રંથ લખે એ પહેલા જ મૃત્યુ પામ્યા. તેથી દાદાને અને બીજા બાઇબલ વિદ્યાર્થીઓને તેમની તૈયાર કરેલી નોંધ આપવામાં આવી અને તેઓએ સાતમો ગ્રંથ લખ્યો. એ સાતમો ગ્રંથ વિશ્વયુદ્ધ એકના અંત પહેલા ૧૯૧૭માં બહાર પડ્યો. સતાવણીમાં દાદાને અને બીજાઓને ૮૦ વર્ષ કેદની સજા કરવામાં આવી.

એ ફોટાની ટિપ્પણી બતાવે છે: “સજા થઈ એના નવ મહિના બાદ, વિશ્વયુદ્ધ બંધ થયા પછી માર્ચ ૨૧, ૧૯૧૯માં અપીલ અદાલતે ભાઈ રધરફર્ડ તેમ જ તેમના સાથીઓને જામીન પર છોડવાનો હુકમ કર્યોં. માર્ચ ૨૬ના રોજ તેઓ દરેકને ૧૦,૦૦૦ ડૉલરના જામીન પર બ્રુકલિનમાંથી છોડવામાં આવ્યા. મે ૫, ૧૯૨૦માં જે. એફ. રધરફર્ડ અને બીજાઓને દોષમુક્ત જાહેર કરવામાં આવ્યા.”

તેઓ બધાને સજા માટે એટલાન્ટા, જ્યોર્જિયાની જેલમાં મોકલતા પહેલા બ્રુકલિન, ન્યૂ યોર્કમાં રેમન્ડ સ્ટ્રીટ જેલમાં થોડા દિવસ રાખવામાં આવ્યા હતા. ત્યાંથી દાદાએ છ-બાય-આઠ ફુટની કોટડીનું વર્ણન કરતાં કહ્યું કે “અહીં એટલો ગંદવાડ છે કે જેનું વર્ણન ન થઈ શકે.” તેમણે અવલોક્યું: “એ કોટડીમાં છાપાંનો ઢગલો હતો, જેનું એક નજરે બિલકુલ મહત્ત્વ ન લાગે. પરંતુ જલદી જ અમને સમજાયું કે આ છાપાં પોતાને ચોખ્ખા રાખવા માટે, સાબુ અને સફાઈ કરવાના કપડા તરીકેનું એકમાત્ર સાધન છે.”

આવી પરિસ્થિતિમાં પણ દાદા મજાકમાં જેલને “હોટલ” તરીકે વર્ણવે છે. તે કહે છે, “મારા રહેવાનો સમય પૂરો થઈ જશે કે તરત જ હું આ હોટલનો રૂમ ખાલી કરી નાખીશ.” તેમણે જેલના આંગણામાં ચાલવા જતા હતા એ વિષે પણ લખ્યું. એક વખત આંગણામાં ફરતા તે વાળ ઓળવા ઊભા રહ્યાં ત્યારે, એક ચોરે તેમની કમરે બાંધેલી ઘડિયાળને ખેંચી. તેમણે લખ્યું કે “ચેન તૂટી ગઈ પણ ઘડિયાળ મારી પાસે રહી.” મેં ૧૯૫૮માં બ્રુકલિનની મુલાકાત લીધી ત્યારે વૉચટાવર સંસ્થાના સેક્રેટરી ગ્રાન્ટ સૂઈટરે મને પોતાની ઑફિસમાં બોલાવીને એ ઘડિયાળ આપી. એ હજુ મારા માટે મૂલ્યવાન છે.

મારા પપ્પા પર અસર

દાદાને ૧૯૧૮માં અન્યાયી રીતે જેલ થઈ એ સમયે પપ્પા ફક્ત ૧૨ વર્ષના હતા. દાદી ઘર બંધ કરીને મારા પપ્પાને લઈને તેમના મમ્મી અને ત્રણ બહેનો સાથે રહેવા જતા રહ્યા. દાદીની લગ્‍ન પહેલાની અટક આર્થર હતી. તેમના કુટુંબને ગર્વ હતો કે તેમના એક સંબંધી ચેસ્ટર એલન આર્થર અમેરિકાના ૨૧મા રાષ્ટ્રપતિ હતા.

દાદા વુડવર્થને અમેરિકાની સરકારના અપરાધી માની લાંબી સજા કરવામાં આવી ત્યારે આર્થર કુટુંબને જાણે પોતાનું નાક કપાઈ ગયું હોય એમ લાગ્યું. એ સમયે મારા પપ્પા માનસિક રીતે ભાંગી પડ્યા હતા. એટલે જ કદાચ તે શરૂઆતમાં પ્રચારકાર્યમાં સહભાગી થવા માટે થોડા અચકાતા હતા.

દાદા જેલમાંથી છૂટ્યા પછી પોતાના કુટુંબને લઈને સ્ક્રૅન્ટનના ક્વીનીઝ સ્ટ્રીટમાં એક મોટા ઘરમાં રહેવા ગયા. હું નાની હતી ત્યારથી જ દાદા-દાદીના ઘરની વસ્તુઓને અને ખાસ કરીને દાદીની ચિનાઈ માટીની સુંદર ડિશોને જાણતી હતી. અમે એને દાદીની પવિત્ર ડિશો કહેતા કારણ કે દાદી સિવાય કોઈને પણ એ ડિશો ધોવાની પરવાનગી ન હતી. દાદી ૧૯૪૩માં મૃત્યુ પામ્યા પછી મમ્મી એ સુંદર ડિશોનો ઉપયોગ ક્યારેક મહેમાન આવતા ત્યારે કરતી હતી.

રાજ્ય સેવામાં વ્યસ્ત

બીજા દિવસે અમે પૅટરસન કેમ્પસમાં આવ્યા. મેં ત્યાં ૧૯૧૯માં સીડર પોઈન્ટ, ઓહાયોના મહાસંમેલનમાં ભાષણ આપતા ભાઈ રધરફર્ડનો એક ફોટો જોયો. એ મહાસંમેલનમાં તેમણે દરેકને ઉત્સાહથી દેવના રાજ્યનો પ્રચાર કરવાની વિનંતી કરી અને મહાસંમેલનમાં બહાર પાડેલા નવા સામયિક ધ ગોલ્ડન એજનો ઉપયોગ કરવાનું કહ્યું. દાદાને એ સામયિકના સંપાદક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા અને ૧૯૪૦માં તે મૃત્યુ પામ્યા ત્યાં સુધી એના લેખો લખતા હતા. વર્ષ ૧૯૩૭માં એ સામયિકનું નામ બદલીને કોન્સોલેશન અને ૧૯૪૬માં અવેક! કરવામાં આવ્યું.

દાદા સ્ક્રૅન્ટનમાં અને ત્યાંથી ૨૪૦ કિલોમીટર દૂર વૉચટાવરના મુખ્ય મથક બ્રુકલિનમાં, એમ બંને જગ્યાએ સંપાદનનું કાર્ય કરતા હતા. પપ્પા યાદ કરતા કહે છે કે ઘણી વખત સવારે પાંચ વાગ્યે દાદાના ટાઈપરાઈટરનો અવાજ આવતો હતો. તેમ છતાં, દાદા પ્રચારકાર્યમાં સહભાગી થવાની જવાબદારીને પણ ધ્યાન આપતા હતા. તેમણે બાઇબલ સાહિત્ય આવી શકે એવા મોટાં ખિસ્સાંવાળી ઘણી કોટી બનાવી હતી. મારા ૯૪ વર્ષના આંટી નાઑમી હાવલ પાસે હજુ પણ એમાંની એક કોટી છે. તેમણે બહેનો માટે પણ પુસ્તકો રાખવાની બેગ બનાવી હતી.

એક વખત પ્રચાર કાર્યમાં બાઇબલ ચર્ચા પછી તેમની સાથેના ભાઈએ કહ્યું: “સી. જે. તમે એક ભૂલ કરી.”

દાદાએ પૂછ્યું: “કેવી ભૂલ?” અને તેમણે પોતાની કોટીના બંને ખિસ્સાં જોયા તો એ ખાલી હતા.

ભાઈએ કહ્યું: “તમે ધ ગોલ્ડન એજના લવાજમની ઑફર કરવાનું ભૂલી ગયા.” પછી તેઓ ખૂબ જ હસ્યા કારણ કે સંપાદક જ પોતાના સામયિકની ઑફર કરવાનું ભૂલી ગયા હતા.

બાળપણની યાદો

મને યાદ છે કે હું દાદાના ખોળામાં બેસતી હતી અને તે મારા હાથ લઈને મને “આંગળીઓની વાર્તા” કહેતા હતા. તેમણે મને દરેક આંગળીઓની ખાસિયત કહી. પછી બધી આંગળીઓને ભેગી કરીને વાર્તાનો બોધપાઠ આપ્યો: “દરેક વ્યક્તિ એકબીજાને મદદ કરીને એકતામાં કામ કરે એ સૌથી સારું છે.”

મારા માબાપ લગ્‍ન પછી ક્લીવલૅન્ડ, ઓહાયોમાં રહેવા ગયા. તેઓ ઍડ અને મેરી હુપરના ખાસ મિત્રો બન્યા. તેઓનું કુટુંબ લાંબા સમયથી બાઇબલ વિદ્યાર્થી હતું. અંકલ ઍડ, આન્ટી મેરી અને મારા માબાપ વચ્ચે અતૂટ સંબંધ હતો. અંકલ અને આન્ટીની એકની એક બાળકી મરણ પામી હોવાથી હું ૧૯૩૪માં આવી ત્યારે તેમની ખાસ “દીકરી” થઈ. હું આવા આત્મિક વાતાવરણમાં ઊછરી હોવાથી આઠ વર્ષની વયે જ મેં પરમેશ્વરને મારું સમર્પણ કરીને બાપ્તિસ્મા લીધું હતું.

હું બાળપણથી જ બાઇબલ વાંચતી હતી. મારું મનગમતું શાસ્ત્રવચન યશાયાહ ૧૧:૬-૯ છે જેમાં નવી દુનિયાનું વર્ણન કરવામાં આવ્યું છે. ન્યૂયૉર્ક, બફેલોમાં ૧૯૪૪માં યોજાયેલ મહાસંમેલનમાં અમેરિકન સ્ટાંડર્ડ વર્શનની ખાસ આવૃત્તિ બહાર પાડવામાં આવી. મહાસંમેલન પછી મેં એ બાઇબલની વ્યક્તિગત પ્રત મેળવી ત્યારે, મારો ધ્યેય એને એ જ વર્ષમાં વાંચી નાખવાનો હતો. એ ભાષાંતર વાંચીને હું કેટલી ખુશ હતી! કેમ કે “જૂના કરારમાં” ૭૦૦૦ વખત યહોવાહ પરમેશ્વરનું નામ આપવામાં આવ્યું છે.

સપ્તાહ અંતે અમે ઘણો આનંદ માણતા હતા. મારા માબાપ અને હુપર અંકલ-આન્ટી પ્રચાર કરવા મને ગામડાંઓમાં લઈ જતા. અમે બપોરનું જમવાનું પણ લઈ લેતા અને ઝરણાંએ પર્યટનનો આનંદ માણતા હતા. પછી અમે કોઈ વ્યક્તિની વાડીમાં બાઇબલ આધારિત ભાષણ આપતા અને પાડોશીઓને પણ સાંભળવાનું આમંત્રણ આપતા હતા. જીવન એકદમ સરળ હતું. અમે કુટુંબ તરીકે ખૂબ આનંદ માણ્યો. એ સમયના ઘણા કૌટુંબિક મિત્રો હવે પ્રવાસી નિરીક્ષક તરીકે કામ કરે છે એમાં એડ હુપર, બૉબ રૅનોરે અને તેમના બે દીકરાઓ પણ છે. રિચર્ડ રૅનોર આજે પણ તેમની પત્ની લીન્ડા સાથે પ્રવાસી નિરીક્ષક તરીકે કાર્ય કરે છે.

મારા માટે ઉનાળો ખાસ આનંદનો સમય હતો. હું હાવલની વાડીમાં મારી માસીની દીકરીઓ સાથે રહેતી હતી. માસીની દીકરી ગ્રેસનું લગ્‍ન ૧૯૪૯માં મેલકમ એલન સાથે થયું. એ સમયે મને ખબર પણ ન હતી કે થોડાં વર્ષો પછી મારું લગ્‍ન પણ તેમના નાના ભાઈ સાથે થશે. માસીની નાની દીકરી મેરીયન ઉરુગ્વેમાં મિશનરિ હતી. તેણે પણ ૧૯૬૬માં હાવર્ડ હીલબોન સાથે લગ્‍ન કર્યું. માસીની બંને દીકરીઓ પોતાના પતિ સાથે બ્રુકલિન મુખ્ય મથકે ઘણાં વર્ષોથી સેવા કરે છે.

દાદા અને મારું શિક્ષણ

કૉલેજ દરમિયાન મારા દાદા મને કાગળ લખતા. પત્રમાં તે કુટુંબના ઘણા જૂના ફોટા મોકલતા હતા જેની પાછળ એની માહિતી રહેતી હતી. આવી જ રીતે મેં તેમનો અને તેમના બીજા સાથીઓનો ફોટો મેળવ્યો હતો જેઓને ખોટા આરોપ હેઠળ જેલમાં મોકલવામાં આવ્યા હતા.

વર્ષ ૧૯૫૧માં દાદાએ કેન્સરના લીધે પોતાનો અવાજ ગુમાવ્યો. પરંતુ તેમની વિચારશક્તિ એવીને એવી જ હતી. તે વાત કરવા માટે હંમેશા પોતાની સાથે નાની ડાયરી રાખતા, એમાં તે જે બોલવા ઇચ્છતા એ લખતા હતા. મારી કૉલેજનો સ્નાતક દિવસ જાન્યુઆરી ૧૯૫૨માં હતો. એ વખતે મારે જે બોલવાનું હતું એની રૂપરેખા મેં ડિસેમ્બરની શરૂઆતમાં જ દાદાને મોકલી દીધી હતી. તેમણે એમાં સંપાદક તરીકે સુધારા કર્યા અને છેલ્લા પાના પર લખ્યું કે “દાદાને ઘણો આનંદ થયો!” એ શબ્દો મારા હૃદયને સ્પર્શી ગયા. દાદાના અક્ષરોવાળું એ છેલ્લું પાનું મેં હજુ સુધી સાચવી રાખ્યું છે. તેમણે પોતાનું પાર્થિવ જીવન ડિસેમ્બર ૧૮, ૧૯૫૧માં ૮૧ વર્ષની ઉંમરે પૂરું કર્યું. *

સ્નાતક થયા પછી યહોવાહના સાક્ષીઓ કહે છે એ પૂરા સમયના સેવાકાર્યમાં હું જોડાઈ. વર્ષ ૧૯૫૮માં મેં ન્યૂયૉર્ક શહેરના યાંકી સ્ટેડિયમ અને પૉલો ગ્રાઉન્ડમાં મોટા મહાસંમેલનમાં હાજરી આપી. એની હાજરી ૨,૫૩,૯૨૨ હતી અને ૧૨૩ દેશોમાંથી લોકો આવ્યા હતા. ત્યાં એક દિવસ હું આફ્રિકામાંથી આવેલા એક ભાઈને મળી. તેમના બૅજકાર્ડ પર મેં નામ વાંચ્યું, “વુડવર્થ મીલ્સ.” ત્રીસ વર્ષ પહેલાં તેમનું નામ મારા દાદાના નામ પરથી પાડવામાં આવ્યું હતું.

વારસાથી આનંદિત

હું ૧૪ વર્ષની હતી ત્યારે મારી મમ્મીએ ફરીથી પાયોનિયરીંગ શરૂ કર્યું. તે ૪૦ વર્ષ પછી ૧૯૮૮માં એક પાયોનિયર તરીકે મૃત્યુ પામી. પપ્પા પણ સમય મળે ત્યારે પાયોનિયરીંગ કરતા હતા. તે મમ્મીથી નવ મહિના પહેલા મૃત્યુ પામ્યા. અમે જેમની સાથે બાઇબલ અભ્યાસ કર્યો તેઓ સર્વ જીવનભર અમારા ગાઢ મિત્રો બન્યા. તેઓમાંના ઘણાના દીકરાઓ બ્રુકલિનમાં મુખ્યમથકે સેવા આપે છે અને બીજાઓ પાયોનિયર કાર્ય કરે છે.

મારા માટે ૧૯૫૯નું વર્ષ મહત્વનું હતું. એ વર્ષે હું પૉલ એલનને પહેલી વાર મળી. યહોવાહના સાક્ષીઓની મિશનરિ તાલીમ શાળા, ગિલયડના સાતમા વર્ગમાં સ્નાતક થયા પછી ૧૯૪૬માં તેમને પ્રવાસી નિરીક્ષક તરીકે કાર્યસોંપણી મળી હતી. અમે એકબીજાને મળ્યા ત્યારે અમને ખબર પણ ન હતી કે પૉલને હવે પછી ક્લીવલૅન્ડ, ઓહાયોમાં કાર્યસોંપણી મળશે જ્યાં હું પાયોનિયરીંગ કરતી હતી. પપ્પા-મમ્મીને પૉલ ખૂબ ગમતા હતા. અમે જુલાઈ ૧૯૬૩માં હાવલની વાડીમાં લગ્‍ન કર્યું જ્યાં અમારા બધા જ કુટુંબીજનો હાજર હતા. એડ હુપરે લગ્‍નનો વાર્તાલાપ આપ્યો હતો, આમ અમારું સ્વપ્ન પૂરું થયું.

પૉલ પાસે તેમની પોતાની કાર ન હતી. અમે પછીની કાર્યસોંપણી માટે ક્લીવલૅન્ડ છોડ્યું ત્યારે અમારી જરૂરી બધી જ વસ્તુઓ મારી નાની કારમાં આવી ગઈ. અમે સોમવારે બીજા મંડળમાં જતા ત્યારે અવારનવાર સાક્ષી મિત્રો મૂકવા માટે આવતા હતા. સૂટકેસ, બ્રીફકેસ, ફાઈલ બોક્સ, ટાઈપરાઈટર વગેરે વસ્તુઓને અમારી નાની કારમાં બાંધેલું જોવું એ સરકસ જેવું લાગતું હતું.

મેં અને પૉલે સાથે મળીને અસંખ્ય માઈલો મુસાફરી કરી અને જીવનના સુખ-દુઃખનો આનંદ માણ્યો. આ બધું અમે ફક્ત યહોવાહની મદદથી કરી શક્યા. યહોવાહ માટે અને એકબીજા પ્રત્યેના તથા નવા અને જૂના મિત્રો પ્રત્યેના પ્રેમને કારણે આનંદથી વર્ષો પસાર થઈ ગયા. પૅટરસનમાં અમે બે મહિના રહ્યાં અને પૉલે જે તાલીમ મેળવી એ અમારા જીવનમાં સૌથી મહત્ત્વની છે. યહોવાહના પાર્થિવ સંગઠનને નજીકથી જોવાથી મને મળેલા આત્મિક વારસામાં મારો વિશ્વાસ દૃઢ થયો કે આ જ પરમેશ્વરનું સંગઠન છે!

[ફુટનોટ]

^ ચોકીબુરજ (અંગ્રેજી) ફેબ્રુઆરી ૧૫, ૧૯૫૨, પાન ૧૨૮ જુઓ.

[પાન ૨૫ પર ચિત્ર]

વર્ષ ૧૯૪૧ના સેન્ટ. લુઈસ મહાસંમેલનમાં મેં “ચિલ્ડ્રન” પુસ્તકની વ્યક્તિગત પ્રત મેળવી એના થોડા દિવસ પહેલા એડ હુપર સાથે

[પાન ૨૬ પર ચિત્ર]

દાદા, ૧૯૪૮માં

[પાન ૨૬ પર ચિત્ર]

મારા માબાપના લગ્‍ન વખતે હાવલની વાડીએ

[પાન ૨૭ પર ચિત્ર]

આઠ બાઇબલ વિદ્યાર્થીઓને ખોટા આરોપથી ૧૯૧૮માં જેલ થઈ (દાદા જમણી બાજુ છેલ્લે ઊભા છે)

[પાન ૨૯ પર ચિત્ર]

મારી નાની કારમાં મૂકવા માટેની અમારી વસ્તુઓ

[પાન ૨૯ પર ચિત્ર]

મારા પતિ પૉલ સાથે