યહોવાહ પોતાના ભક્તોને હંમેશા આશીર્વાદ આપે છે
મારો અનુભવ
યહોવાહ પોતાના ભક્તોને હંમેશા આશીર્વાદ આપે છે
વરનૉન ડન્કૉમ્બીના જણાવ્યા પ્રમાણે
મોડી રાત્રે નાસ્તો કર્યા પછી મેં, દરરોજની જેમ સિગારેટ સળગાવી. પછી મારી પત્ની આયલીનને પૂછ્યું: “આજની સભા કેવી હતી?”
તેણે જરાક અચકાઈને કહ્યું: “નવી વ્યક્તિઓને નિયુક્ત કરતો એક પત્ર વાંચવામાં આવ્યો હતો. એમાં તમારું નામ પણ હતું. તમને સાઉન્ડ સિસ્ટમ સંભાળવાની જવાબદારી મળી છે. એ પત્રમાં છેલ્લે આમ જણાવવામાં આવ્યું હતું કે ‘આ નવા નિયુક્ત થયેલા ભાઈઓમાં કોઈ તમાકુનો ઉપયોગ કરતા હોય તો, તેઓએ પોતે સોંપણી સ્વીકારી શકે એમ નથી, એવો પત્ર સંસ્થાને લખી જણાવવો.’” * મેં વિચાર્યું: “તો એમ વાત છે!”
મેં દાંત કચકચાવીને સિગારેટ એશ-ટ્રેમાં બુઝાવી દીધી. “મને ખબર નથી પડતી કે શા માટે મને આ જવાબદારી સોંપવામાં આવી. પરંતુ મેં કોઈ જવાબદારી માટે ના કહી નથી, અને કહીશ પણ નહિ.” તેથી મેં નિર્ણય લીધો કે હવે હું ફરીથી સિગારેટ નહિ પીઉં. એ નિર્ણયે એક ખ્રિસ્તી અને સંગીતકાર તરીકે મારા જીવન પર ઊંડી અસર પાડી. મેં શા માટે એવો નિર્ણય લીધો, ચાલો એ વિષે હું તમને જણાવું.
કૌટુંબિક જીવન
મારો જન્મ સપ્ટેમ્બર ૨૧, ૧૯૧૪માં ટૉરોન્ટૉ, કૅનેડામાં થયો હતો. અમે ચાર ભાઈ અને બે બહેનો હતા. હું ઘરમાં સૌથી મોટો હતો. મારા પછી નાના ભાઈ યૉર્ક, ઑરલાન્ડો, ડગલાસ અને બહેનો આયલીન તથા કૉરલ હતા. મારા પપ્પા વરનોન અને મમ્મી લીલા ઘણા મહેનતુ હતા. તેઓએ અમને છ બાળકોને પ્રેમથી મોટા કર્યા. હું ફક્ત નવ વર્ષનો હતો ત્યારે, મારી મમ્મીએ મને વાયોલિન આપ્યું અને મારા માટે સંગીત શાળામાં જવાની ગોઠવણ કરી. અમારી આર્થિક સ્થિતિ સારી ન હતી. છતાં, મારાં માબાપે મારા ટ્યુશન અને
બસની ટિકિટ માટે પૈસાની વ્યવસ્થા કરી હતી. પછી હું ટૉરોન્ટૉમાં રૉયલ સંગીત શાળામાં સંગીત શીખવા ગયો. બાર વર્ષની ઉંમરે મેં ટૉરોન્ટૉના પ્રખ્યાત મસી હૉલમાં સંગીતની હરિફાઈમાં ભાગ લીધો. એમાં હું જીતી ગયો અને ઇનામ તરીકે મને મગરની ચામડીના બનેલા બોક્ષમાં વાયોલિન આપવામાં આવ્યું.સમય જતાં હું પિયાનો વગાડતા પણ શીખ્યો. ઘણી વાર અમારી સંગીત મંડળી સ્કૂલની પાર્ટીઓમાં શુક્ર અને શનિવારે સાંજે સંગીત વગાડતી હતી. એમાંની એક પાર્ટીમાં હું આયલીનને પહેલી વાર મળ્યો. કૉલેજના છેલ્લા વર્ષમાં હું ઘણી વાર શહેરમાં જુદી જુદી સંગીત મંડળી સાથે ફરતો. સ્નાતક થયા પછી મને ફળડી માઉરી સંગીત મંડળીમાં કામ મળ્યું. મેં એમાં ૧૯૪૩ સુધી કામ કર્યું અને ત્યાં મને પગાર પણ સારો મળતો હતો.
યહોવાહને ઓળખવા
મારા પપ્પા ટૉરોન્ટૉમાં એક મોટી દુકાનમાં નોકરી કરતા હતા. એ સમયે મારા માબાપે પ્રથમવાર યહોવાહ પરમેશ્વરનો સંદેશો સાંભળ્યો. હજી પહેલું વિશ્વયુદ્ધ શરૂ થયું ન હતું. બપોરે જમતી વખતે પપ્પા બે કામદારોની ચર્ચા સાંભળતા, જેઓ બાઇબલ વિદ્યાર્થીઓ હતા. (એ સમયે યહોવાહના સાક્ષીઓ બાઇબલ વિદ્યાર્થીઓ તરીકે ઓળખાતા હતા.) પપ્પા જે કંઈ સાંભળતા હતા, એ સાંજે આવીને મમ્મીને કહેતા. થોડાં વર્ષ પછી, ૧૯૨૭માં ટૉરોન્ટૉના એક સ્ટેડિયમમાં બાઇબલ વિદ્યાર્થીઓનું મહાસંમેલન ભરાયું. અમારું એપાર્ટમેન્ટ સ્ટેડિયમ નજીક હોવાથી, ઓહાયો, યુ.એસ.એ.ના ૨૫ લોકો ત્યાં રહ્યા હતા.
એ સમયે એડા બ્લેટ્સૉ નામના બાઇબલ વિદ્યાર્થીની મારા મમ્મીને વારંવાર મળવા આવતા, અને સાહિત્ય આપી જતા. એક દિવસે તેમણે મમ્મીને કહ્યું: “હું તમને જે સાહિત્ય આપું છું, એમાંનું એકેય તમે વાંચો છો?” છ બાળકોને ઉછેરવામાં વ્યસ્ત હોવા છતાં, મારા મમ્મીએ ત્યારથી સામયિકો વાંચવાનો નિર્ણય કર્યો, અને તેમણે ક્દી એ વાંચવાનું છોડ્યું નહિ. પરંતુ, મને એ સામયિકો વાંચવામાં બિલકુલ રસ ન હતો. હું સ્નાતક થવા મહેનત કરી રહ્યો હતો, અને સંગીતમાં પણ ડૂબેલો હતો.
તેર વર્ષની વયે જ મેં અમારું ચર્ચ છોડી દીધું હતું, અને હું બીજા કોઈ ચર્ચમાં જતો ન હતો. તેથી, જૂન ૧૯૩૫માં મેં આયલીન સાથે એંગ્લિકન ચર્ચમાં લગ્ન કર્યાં. હું હજુ યહોવાહનો સાક્ષી બન્યો ન હતો, છતાં લગ્ન વખતે રજિસ્ટરમાં મેં લખ્યું કે હું યહોવાહનો સાક્ષી છું.
સારાં માબાપ બની શકીએ એ માટે અમે તરત જ બાળકો થાય એમ ઇચ્છતા ન હતા. અમે સારા ધ્યેયથી સાથે બેસીને નવો કરાર વાંચવાનું શરૂ કર્યું. પરંતુ કંઈકને કંઈક મુશ્કેલીઓ આવતા અમે થોડા સમય પછી ફરીથી વાંચવાનું શરૂ કર્યું અને હંમેશા એવું જ થતું. પછી એ જ વર્ષની નાતાલે અમને કાગળમાં વીંટાળેલી એક ભેટ મળી જે ધ હાર્પ ઑફ ગૉડ પુસ્તક હતું. મારી પત્નીએ કહ્યું: “તમારા મમ્મીએ નાતાલની કેવી વિચિત્ર ભેટ મોકલી છે!” તોપણ, હું કામ પર જતો ત્યારે તે એ પુસ્તક વાંચતી અને તેને એ ખૂબ ગમવા લાગ્યું. જો કે થોડા દિવસ સુધી તો મને ખબર પણ ન હતી કે તે એ વાંચે છે. પછી અમે માબાપ બનવા ઇચ્છતા હતા, પણ એ શક્ય બન્યું નહિ. અમારી દીકરી ફેબ્રુઆરી ૧, ૧૯૩૭માં જન્મીને મરી ગઈ. એનાથી અમને ખૂબ જ દુઃખ થયું.
એ સમયે મારું કુટુંબ પ્રચારકાર્યમાં ઉત્સાહથી ભાગ લેતું હતું. મને ખબર પડી કે અમારા કુટુંબમાં ફક્ત પપ્પા પાસેથી જ કોઈએ પણ કોન્સોલેશન (આજે સજાગ બનો!) સામયિકનું લવાજમ લીધું ન હતું. એ મહિનામાં કુટુંબનો ધ્યેય લવાજમ મેળવવાનો હતો. મને પપ્પા પર દયા આવી. એ સમય સુધી સંસ્થાનું કોઈ સાહિત્ય વાંચ્યું ન હોવા છતાં મેં તેમને કહ્યું: “તમે મારા નામનું લવાજમ ભરો. જેથી તમે પણ બીજાના સરખા થઈ જાઓ.” એ વર્ષે ઉનાળામાં અમારી સંગીત મંડળી કામ માટે બીજા શહેરમાં ગઈ. પછી અમે પાનખર ઋતુમાં ફરીથી ટૉરોન્ટૉ ગયા. એ દરેક સ્થળે હું કોન્સોલેશન સામયિક ટપાલ દ્વારા નિયમિત મેળવતો હતો. પરંતુ હું એ કદી ખોલીને જોતો નહિ.
નાતાલની રજાઓમાં એક દિવસે મારી નજર ભેગા થયેલાં સામયિકો પર પડી. એ સામયિકો માટે મેં પૈસા ખર્ચ્યા હોવાથી એ શું કહે છે એ જોવાનું મને મન થયું. એક સામયિક ખોલીને જોયું તો હું માની જ ન શક્યો. એમાં રાજકારણ અને ભ્રષ્ટાચારને ખુલ્લા પાડવામાં આવ્યા હતા. પછી હું જે વાંચતો એના વિષે મારી સંગીત મંડળીને કહેવા લાગ્યો. હું તેઓને જે કહેતો એ કદાચ જૂઠું પણ હોય શકે, એવું તેઓને લાગતું હતું. તેથી તેઓને જવાબ આપવા માટે હું વધારે વાંચતો. આમ અજાણતા હું યહોવાહ પરમેશ્વર વિષે પ્રચાર કરવા લાગ્યો. એ સમયથી હું “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર” દ્વારા મળતું બાઇબલ માત્થી ૨૪:૪૫.
આધારિત સર્વ સાહિત્ય નિયમિત વાંચું છું.—હું સપ્તાહમાં ઘણો વ્યસ્ત રહેતો. તેમ છતાં, હું આયલીન સાથે નિયમિત રીતે રવિવારની સભાઓમાં જવા લાગ્યો. વર્ષ ૧૯૩૮માં એક રવિવારની સભામાં બે વૃદ્ધ બહેનો આવીને અમને મળી. તેઓમાંથી એકે પૂછ્યું: “શું તમે યહોવાહની સેવા કરવાનો નિર્ણય લીધો છે? તમે જાણો છો કે આર્માગેદ્દોન નજીકમાં જ આવશે!” હું જાણતો હતો કે ફક્ત યહોવાહ એકલા જ સાચા પરમેશ્વર છે, અને હું એ પણ માનતો હતો કે આ તેમની જ સંસ્થા છે. મારે એનો ભાગ બનવું હતું. તેથી મેં ઑક્ટોબર ૧૫, ૧૯૩૮માં બાપ્તિસ્મા લીધું અને એના છ મહિના પછી આયલીને પણ બાપ્તિસ્મા લીધું. આજે મારા કુટુંબના બધા જ યહોવાહ પરમેશ્વરના સેવકો છે, તેથી હું ઘણો ખુશ છું.
પરમેશ્વરના લોકોની સાથે રહેવાથી મને ખૂબ જ આનંદ થતો! થોડા જ સમયમાં હું તેઓ સાથે હળીમળી ગયો. હું ક્યારેક સભામાં ન જઈ શકતો ત્યારે, એ વિષે જાણવા આતુર રહેતો. શરૂઆતમાં મેં જે સભા વિષે કહ્યું હતું, એ મારા જીવનનું વળાંકબિંદું હતું. એ સમયથી હું પૂરા દિલથી યહોવાહ પરમેશ્વરની સેવા કરવા લાગ્યો.
અમારા જીવનમાં મોટા ફેરફારો
અમારા જીવનમાં બીજો એક મોટો ફેરફાર મે ૧, ૧૯૪૩માં થયો. અમે સપ્ટેમ્બર ૧૯૪૨માં પ્રથમવાર ક્લેવેન્ડા, ઑહાયોના મહાસંમેલનમાં ગયા. એ સમયે ભયંકર વિશ્વયુદ્ધ ચાલતું હતું, અને એ બંધ થવાની કોઈ શક્યતા દેખાતી ન હતી. એ મહાસંમેલનમાં વૉચટાવર સંસ્થાના પ્રમુખ ભાઈ નૉરે હિંમતથી એક ભાષણ આપ્યું જેનો વિષય હતો, “શું હંમેશાં શાંતિ રહેશે?” અમને હજુ પણ યાદ છે કે તેમણે કેટલી સુંદર રીતે પ્રકટીકરણના ૧૭માં અધ્યાયમાંથી સમજાવ્યું હતું કે યુદ્ધ પછી અમુક સમય શાંતિ રહેશે અને જોશપૂર્વક પ્રચારકાર્ય થશે.
એ મહાસંમેલનમાં ભાઈ નૉરનું બીજું એક ભાષણ, “યિફતાહ અને તેની પ્રતિજ્ઞા” પર હતું જેની અમારા પર ઊંડી અસર પડી. પછી, વધારે પાયોનિયરોની જરૂર છે એવી જાહેરાત થઈ! મેં આયલીન સામે જોયું, અને (બીજા ભાઈબહેનો સાથે) કહ્યું: “અમે કરીશું!” અમે તરત જ એ મહત્ત્વના કામની તૈયારી કરવા લાગ્યા.
જુલાઈ ૪, ૧૯૪૦થી કૅનેડામાં યહોવાહના સાક્ષીઓના કામ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. અમે મે ૧, ૧૯૪૩માં પાયોનિયરીંગ શરૂ કર્યું ત્યારે પણ પ્રતિબંધ હતો. તેથી યહોવાહ પરમેશ્વર વિષે પ્રચાર કરવો અને કોઈને સંસ્થાનું સાહિત્ય આપવું એ ગેરકાનૂની હતું. અમે અમારી સાથે ફક્ત પોતાનું બાઇબલ રાખી શકતા. પારી સાઉડ, ઑન્ટોરીઓમાં અમે પાયોનિયરીંગ શરૂ કર્યું. પછી થોડા દિવસમાં શાખા કચેરીએ એક અનુભવી પાયોનિયર ભાઈ, સ્ટુઅર્ટ મૅનને અમારી સાથે કામ કરવા મોકલ્યા. કેવી સુંદર જોગવાઈ! ભાઈ મૅનનો સ્વભાવ ઘણો સારો હતો, અને તે હસમુખા હતા. અમે તેમની પાસેથી ઘણું શીખ્યા, અને ઘણી મજા પણ આવી. પછી સંસ્થાએ અમને હામીલ્ટન શહેરમાં મોકલ્યા. અમે ત્યાં ઘણા લોકોને બાઇબલમાંથી શીખવતા હતા. પરંતુ લાંબો સમય એ ચાલ્યું નહિ. લશ્કરમાં જોડાવા માટે મારી ઉંમર મોટી હતી, છતાં મને બોલાવવામાં આવ્યો. મેં લશ્કરમાં જોડાવાની ના પાડી ત્યારે મારી ધરપકડ કરવામાં આવી. ડિસેમ્બર ૩૧, ૧૯૪૩માં મને અદાલતે જેલની સજા ફરમાવી. ઑગસ્ટ, ૧૯૪૫ સુધી હું જેલમાં હતો.
હું છૂટ્યો કે તરત જ મને અને આયલીનને ક્રૉનવૉલ, ઑન્ટોરીઓમાં પ્રચારકાર્યની સોંપણી મળી. થોડા દિવસ પછી, અદાલતમાં ભાઈઓના પક્ષે લડવા માટે સંસ્થાના કાયદાકીય વિભાગે અમને ક્વિબેકમાં મોકલ્યા. એ સમયે ક્વિબેકમાં ડુપ્લીસીનું રાજ હતું અને તેના રાજ હેઠળ યહોવાહના સાક્ષીઓની સખત સતાવણી થતી હતી. ભાઈઓ પર અદાલતમાં કેસ ચાલતા હતા. તેઓની મદદ માટે મને ઘણી વખત અલગ અલગ ચાર અદાલતમાં જવું પડતું. પરંતુ એનાથી મારો વિશ્વાસ વધુ દૃઢ થયો.
વર્ષ ૧૯૪૬માં ક્લેવેન્ડામાં મહાસંમેલન પછી મને સરકીટ અને ડિસ્ટ્રીક્ટ નિરીક્ષકની સોંપણી મળી. એથી હું અને મારી પત્ની કૅનેડાના એક છેડાથી બીજા છેડા સુધી મુસાફરી કરતા. ઝડપથી બધા ફેરફારો થયા. પછી ૧૯૪૮માં અમને ગિલયડના ૧૧માં વર્ગ માટે બોલાવવામાં આવ્યા. અમારા શિક્ષક ભાઈ આલ્બર્ટ શ્રોડર અને મૅક્સવેલ ફ્રેંડ હતા. વર્ગમાં ૧૦૮ વિદ્યાર્થીઓમાંથી ૪૦ અભિષિક્ત ભાઈબહેનો હતા. એ વર્ગના ઘણા ભાઈબહેનો લાંબા સમયથી યહોવાહની સેવા કરી રહ્યા હતા. તેઓની સાથે રહીને અમે ઘણું શીખ્યા, અને અમારા માટે એ સુંદર અનુભવ હતો.
એક દિવસ ભાઈ નૉર બ્રુકલિનથી અમારી મુલાકાત લેવા આવ્યા. તેમણે ભાષણમાં કહ્યું કે જાપાની ભાષા શીખવા તૈયાર હોય એવી ૨૫ વ્યક્તિઓની જરૂર છે! અમે સર્વ ૧૦૮ જણ તૈયાર હતા! પરંતુ પસંદગી ભાઈ નૉરે કરવાની હતી. એ પસંદગીમાં જરૂર યહોવાહનો હાથ હોવો જોઈએ. પસંદ કરવામાં આવેલા ૨૫ ભાઈબહેનોએ જાપાનમાં પ્રચારકાર્ય શરૂ કર્યું. મોટી ઉંમર હોવા છતાં, તેઓ હજુ પણ ત્યાં સેવા આપી રહ્યા છે. એમાંના અમુક ભાઈબહેનોને પછીથી બીજી સોંપણી મળી, જેમાં ભાઈ લૉઈડ અને તેમના પત્ની મેલ્બા બેરી હતા. ભાઈ લૉઈડ ગયા વર્ષે મૃત્યુ પામ્યા ત્યાં સુધી નિયામક જૂથના સભ્ય હતા. તેઓ સર્વને યહોવાહે સ્વર્ગીય આશાના આશીર્વાદો આપ્યા હતા એમાં અમે કેટલા ખુશ છીએ!
સ્નાતક દિન આવ્યો અને અમને જમૈકામાં સોંપણી મળી. પરંતુ, ક્વિબેકમાં હજુ અમુક કેસ ચાલી રહ્યા હોવાથી અમને કૅનેડા પાછા જવાની સૂચના મળી.
સંગીતની શરૂઆત
મેં પાયોનિયર સેવા કરવા સંગીત છોડી દીધું હતું. પરંતુ, સંગીતે મારો પીછો છોડ્યો નહિ. વર્ષ ૧૯૪૯માં સંસ્થાના પ્રમુખ ભાઈ નાથાન નૉર અને તેમના સેક્રેટરી ભાઈ મિલ્ટન હેન્સેલ ટૉરોન્ટૉ આવ્યા. ભાઈ નૉરે મેપલ લીફ ગાર્ડન્સ નામના અખાડામાં એક ભાષણ આપ્યું, જેનો વિષય હતો “તમે ધારો છો એટલું મોડું થયું નથી!” આ ભાષણની દરેક પર ઊંડી અસર પડી. પ્રથમવાર મને એ મહાસંમેલનમાં સંગીત મંડળીની જવાબદારી સોંપવામાં આવી. પરમેશ્વરના રાજ્યનાં ગીતોની પુસ્તિકામાંથી (અંગ્રેજી ૧૯૪૪) અમે અમુક જાણીતાં ગીતોનું સંગીત વગાડવાની તૈયારી કરી. ભાઈઓને એ ખૂબ જ પસંદ આવ્યું. શનિવાર બપોરનો કાર્યક્રમ પૂરો થયો એટલે અમે રવિવાર માટેના સંગીતની તૈયારી કરવા લાગ્યા. ત્યાં જ ભાઈ હેન્સેલને અખાડામાં અમારી તરફ આવતા જોયા. મેં સંગીત મંડળીને રોકી જેથી હું તેમને જઈને મળી શકું. તેમણે પૂછ્યું: “અહીંયા તમારી સંગીત મંડળીમાં કેટલા સંગીતકારો છે?” “લગભગ પાંત્રીસ,” મેં કહ્યું. પછી તેમણે કહ્યું, “આવતા ઉનાળામાં તમારી પાસે બમણાં સંગીતકારો હશે.”
ઉનાળો આવતા પહેલાં મને બ્રુકલિન બોલાવવામાં આવ્યો. પરંતુ સંજોગોવસાત્ આયલીન મારી સાથે આવી શકી નહિ. બ્રુકલિનમાં ૧૨૪, કોલંબિયા હાઇટ્સ પર ત્યારે નવી બિલ્ડિંગ તૈયાર થઈ ન હતી. તેથી, મને ત્યાંના જૂના બેથેલમાં વૃદ્ધ ભાઈ પેન અને કાર્લ કેલિન સાથે રહેવાનું જણાવ્યું. એ બંને અભિષિક્ત ભાઈઓ હતા. તેઓને હું પ્રથમ વાર જ મળ્યો હતો અને રૂમ ઘણો નાનો હતો. છતાં, અમે ત્રણેય સંપીને રહેતા હતા. તે ભાઈઓ ખૂબ જ સહનશીલ અને ધીરજવાન હતા. મારા લીધે તેઓને કોઈ મુશ્કેલી ન પડે એનું હું ધ્યાન રાખતો હતો. એ કીમતી અનુભવથી હું જોઈ શક્યો કે પરમેશ્વરની મદદથી બધુ જ સિદ્ધ થઈ શકે છે. ભાઈ કેલિનને મળવાથી અને તેમની સાથે કામ કરવાથી મને ઘણા આશીર્વાદો મળ્યા! તે દયાળુ અને ઘણા મદદરૂપ હતા. અમે છેલ્લા ૫૦ વર્ષથી ગાઢ મિત્રો છીએ.
એ સમયે યાંકી સ્ટેડિયમમાં મહાસંમેલનો રાખવામાં આવતાં. વર્ષ ૧૯૫૦, ૧૯૫૩, ૧૯૫૫ અને ૧૯૫૮ દરમિયાન મને સંગીત વ્યવસ્થાની દેખરેખ રાખવાની જવાબદારી મળી હતી. એ ઉપરાંત, વર્ષ ૧૯૬૩માં કૅલિફૉર્નિયા, પૅસાડીનામાં રૉઝ બૉલ સ્ટેડિયમમાં મહાસંમેલન રાખવામાં આવ્યું હતું. એમાં મને ઍલ કેવલીન સાથે સંગીત મંડળીની દેખરેખ રાખવાની જવાબદારી મળી. વર્ષ ૧૯૫૩માં યાંકી સ્ટેડિયમમાં મહાસંમેલન દરમિયાન, રવિવારે જાહેર ભાષણ પહેલાં સંગીત કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ભાઈ એરીક ફ્રોસ્ટે ભાઈ એડીથ સેમયૉનીક (પછીથી વીગૅટ) સોપ્રાનોને એક ગીત ગાવા બોલાવ્યા જે તેમણે પોતે લખ્યું હતું. એ ગીતનો વિષય હતો, “સાક્ષીઓ આગળ વધો.” પછી સંગીત સાથે આફ્રિકી ભાઈબહેનોને મધુર અવાજમાં ગીત ગાતા સાંભળ્યા, ત્યારે અમારું હૃદય આનંદથી ઝૂમી ઊઠ્યું. મિશનરિ ભાઈ હારિ આરનોટ ઝાંબિયાથી એ રેકૉર્ડ કરી લાવ્યા હતા, જેથી અમે સાંભળી શકીએ. મધુર સંગીતથી સ્ટેડિયમમાં પડઘા પડતા હતા.
વર્ષ ૧૯૬૬ની ગીત પુસ્તિકા
શું તમને ગુલાબી કલરની ૧૯૬૬ની ગીત પુસ્તિકા યાદ છે? આ પુસ્તિકા તૈયાર થવા આવી ત્યારે ભાઈ નૉરે મને કહ્યું: “આપણે અમુક ગીતોનું રેકૉર્ડિંગ કરવાના છીએ. હું ઇચ્છું કે તમે સંગીત મંડળીની ગોઠવણ કરો, જેમાં ફક્ત થોડા વાયોલિન અને વાંસળી વગાડનાર જ હોવા જોઈએ. એમાં કોઈ ‘પાવો વગાડનાર ન જોઈએ’!” અમે બેથેલનું રાજ્યગૃહ સ્ટુડિયો તરીકે વાપરવાના હતા, પરંતુ ત્યાં અમુક સમસ્યા હતી. ત્યાં પડદા વગરની દીવાલ, ટાઈલ ફ્લોર અને ધાતુની ખુરશીઓ હોવાથી પડઘા પડવાનો ડર હતો. આ સમસ્યાને હલ કરવા કોણ મદદ કરશે? કોઈકે કહ્યું: “ટૉમી મિચલ! તે એ.બી.સી. કંપનીના સ્ટુડિયોમાં કામ કરે છે.” અમે ભાઈ મિચલ સાથે વાતચીત કરી, અને તે ખુશીથી મદદ કરવા તૈયાર હતા.
પહેલા શનિવારે સવારે રેકૉર્ડિંગ કરવાના હતા ત્યારે, સંગીતકારોને એકબીજાની ઓળખાણ કરાવવામાં આવી. એક ભાઈ પાસે બોક્ષમાં પાવો હતો. મને ભાઈ નૉરના શબ્દો યાદ આવ્યા, “કોઈ પાવો વગાડનાર ન જોઈએ!” હવે હું શું કરું? મેં જોયું કે એ ભાઈએ બોક્ષ ખોલીને પાવો તૈયાર કરી, પ્રેક્ટિસ ચાલુ કરી દીધી. એ ભાઈ ટૉમી મિચલ હતા. તેમની પ્રથમ થોડી ધૂન એકદમ મધુર હતી. એટલું જ નહિ પણ તે વાયોલિનની જેમ પાવો વગાડતા હતા! તેથી, મેં વિચાર્યું કે ‘આ ભાઈ ગુમાવવા નથી!’ અને ભાઈ નૉરે પણ કોઈ વાંધો ન ઉઠાવ્યો.
એ સંગીત મંડળીના ભાઈબહેનો પ્રેમાળ અને કુશળ સંગીતકારો હતા. બધા મનનું ધાર્યું કરતા ન હતા, એટલે અમે સર્વ હળીમળીને કામ કરી શક્યા. રેકૉર્ડિંગ કરવું કઠિન કામ હતું, છતાં કોઈએ ફરિયાદ ન કરી. અમારું કામ પૂરું થયું અને છૂટા પડ્યા ત્યારે બધાની આંખો ઉભરાઈ આવી. અમારી મિત્રતા હજુ પણ એવી જ જળવાઈ રહી છે. યહોવાહ પરમેશ્વરે અમને એ કામ પૂરું કરવા મદદ પૂરી પાડી અને અમે બધા એનો આનંદ માણી શક્યા એ માટે અમે તેમનો આભાર માનીએ છીએ.
વધારે આશીર્વાદો
ઘણાં વર્ષો પછી હજુ પણ હું પૂરા-સમયના સેવાકાર્યનો આનંદ માણું છું. મેં સરકીટ અને ડિસ્ટ્રીક્ટ નિરીક્ષક તરીકે સેવા આપવાનો ૨૮ વર્ષ સુધી આનંદ માણ્યો. એ પછી પાંચ વર્ષ હું ઑન્ટોરીઓમાં નૉરવલ સંમેલન હોલની સંભાળ રાખતો હતો. દરેક સપ્તાહે ત્યાં સરકીટ સંમેલન રાખવામાં આવતું. એ ઉપરાંત પરદેશી ભાષામાં પણ મહાસંમેલન રાખવામાં આવતું, જેમાં હું અને આયલીન ઘણા વ્યસ્ત રહેતા હતા. પછી ૧૯૭૯-૮૦માં આર્કિટેક્ટો અને એંજિનિયરોએ ત્યાંથી હૅલટોન હિલમાં સંસ્થાની નવી શાખા બાંધવાની તૈયારી કરી. સંમેલન હોલ પર અમારું કામ પૂરુ થયા પછી, બ્રુકલિનમાં ૧૯૮૨-૧૯૮૪માં સંગીત પર કામ કરવાની અમને બીજી સોંપણી મળી.
અમારા લગ્નના ૫૯ વર્ષ પછી જૂન ૧૭, ૧૯૯૪માં મારી વહાલી પત્ની મૃત્યુ પામી. અમે ૫૧ વર્ષ સાથે પાયોનિયર સેવા કરી હતી.
મને જીવનમાં ઘણા અનુભવો થયા, એના વિષે હું વિચારું ત્યારે મને યાદ આવે છે કે બાઇબલનું માર્ગદર્શન કેટલું મૂલ્યવાન છે! ઘણી વાર, હું આયલીનનું બાઇબલ ઉપયોગ કરું છું. તેણે કોઈ કલમ, ખાસ વાક્ય અને અમુક શબ્દો વિષે જે નોંધ કરી હોય, જેનાથી તેને ઉત્તેજન મળ્યું હોય એ જોઈને મને ખૂબ આનંદ થાય છે. તેની જેમ મેં પણ મારા બાઇબલમાં મનગમતી અમુક કલમોની નોંધ કરી છે. એક અવતરણ ગીતશાસ્ત્ર ૧૩૭:૫, ૬ છે, જે યહોવાહને પ્રાર્થનામાં કહેલા સુંદર શબ્દો છે: “હે યરૂશાલેમ, જો હું તને વિસરી જાઉં તો મારો જમણો હાથ પોતાનું કર્તવ્ય વિસરી જાય. જો હું તારૂં સ્મરણ ન કરૂં, અથવા જો મારા મુખ્ય આનંદ કરતાં યરૂશાલેમને શ્રેષ્ટ માનતો ન હોઉં, તો મારી જીભ મારા તાળવાને ચોંટી જાય.” સંગીત મને ખૂબ જ પ્રિય છે છતાં, યહોવાહ પરમેશ્વરની વફાદારીથી સેવા કરવામાં મને વધુ આનંદ થાય છે. કેમ કે યહોવાહે સંતોષપ્રદ જીવન જીવવા મને ઘણા આશીર્વાદો આપ્યા છે.
[ફુટનોટ]
^ જૂન ૧, ૧૯૭૩નું ચોકીબુરજ (અંગ્રેજી) સમજાવે છે કે એ સમયથી એક વ્યક્તિ બાપ્તિસ્મા લઈને યહોવાહના સાક્ષી બને એ પહેલા શા માટે તેણે તમાકુનો ઉપયોગ કરવાનું છોડી દેવું જોઈએ.
[પાન ૨૮ પર ચિત્ર]
વર્ષ ૧૯૪૭માં આયલીન સાથે
[પાન ૩૦ પર ચિત્ર]
શરૂઆતમાં રેકૉર્ડિંગ વખતે