સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ખ્રિસ્તી વડીલો, - ‘તમારાં હૃદય વિશાળ કરો!’

ખ્રિસ્તી વડીલો, - ‘તમારાં હૃદય વિશાળ કરો!’

ખ્રિસ્તી વડીલો, - ‘તમારાં હૃદય વિશાળ કરો!’

દાઊદ રાજાને યહોવાહ દેવમાં પૂરેપૂરો ભરોસો હતો. એથી તેમણે કહ્યું: “યહોવાહ મારો પાળક છે; તેથી મને કશી ખોટ પડશે નહિ.” યહોવાહ દેવ તેમને ‘ન્યાયીપણાના માર્ગોમાં’ નિર્દેશન આપીને આત્મિક રીતે “લીલાં બીડમાં” અને “શાંત પાણીની પાસે” દોરી ગયા. દાઊદ દુશ્મનોથી ઘેરાયેલા હતા ત્યારે યહોવાહ દેવે તેમને હિંમત અને ઉત્તેજન આપ્યું, એથી દાઊદ કહે છે: “હું કંઈ પણ ભૂંડાઈથી બીશ નહિ; કેમકે તું મારી સાથે છે.” દાઊદની સાથે સર્વશક્તિમાન ઘેટાંપાળક હોવાને કારણે તેમણે “સદાકાળ સુધી યહોવાહના ઘરમાં” રહેવાનો નિશ્ચય કર્યો.—ગીતશાસ્ત્ર ૨૩:૧-૬.

યહોવાહ દેવના એકાકીજનિત પુત્ર, ઈસુએ પણ તેમના પ્રેમનો અનુભવ કર્યો હતો. અને એ કારણે ઈસુ પૃથ્વી પર હતા ત્યારે તેમણે પોતાના શિષ્યોની પ્રેમાળ કાળજી રાખી. એથી જ શાસ્ત્રવચનોમાં તેમને “ઉત્તમ ઘેટાંપાળક,” “મોટા રખેવાળ” અને “મુખ્ય ઘેટાંપાળક” જેવા નામ આપ્યા છે.—યોહાન ૧૦:૧૧; હેબ્રી ૧૩:૨૦; ૧ પીતર ૫:૨-૪.

યહોવાહ દેવ અને ઈસુ ખ્રિસ્ત તેમને પ્રેમ કરનારાઓની આજે પણ કાળજી રાખે છે. એથી તેમણે મંડળની કાળજી રાખવા અમુક વડીલોની પ્રેમાળ જોગવાઈ કરી છે. પાઊલે વડીલોને સંબોધતા કહ્યું: “તમે પોતાના સંબંધી તથા જે ટોળા ઉપર પવિત્ર આત્માએ તમને અધ્યક્ષો નીમ્યા છે તે સર્વ સંબંધી સાવધાન રહો, જેથી દેવની જે મંડળી તેણે પોતાના લોહીથી ખરીદી તેનું તમે પાલન કરો.”—પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૨૮.

ટોળાની કાળજી રાખવા ઈસુ અને યહોવાહ દેવે જે ઢબ બેસાડી છે એ પ્રમાણે ચાલવું સહેલું નથી, પરંતુ એ પ્રમાણે ચાલવું બહું જરૂરી છે. વિચાર કરો કે છેલ્લા ત્રણ વર્ષમાં એક લાખ કરતાં વધારે લોકોએ બાપ્તિસ્મા લીધું! આવી વ્યક્તિઓને આત્મિક બાબતોનો અનુભવ હોતો નથી. મંડળનાં બાળકો અથવા તરુણોનો વિચાર કરો. તેઓને ફક્ત પોતાના માબાપની જ નહિ પરંતુ મંડળના વડીલોની મદદની પણ જરૂર પડે છે.

દરેક ખ્રિસ્તીને દુન્યવી દબાણોનો સામનો કરવો પડે છે, એમાં સમોવડિયાના દબાણનો પણ સમાવેશ થાય છે. દુન્યવી ઇચ્છાઓથી દૂર રહેવા દરેક ખ્રિસ્તીએ ઘણો સંઘર્ષ કરવો પડે છે. અમુક દેશોમાં, તેમના સંદેશાને કોઈ સાંભળતું ન હોવાને કારણે ભાઈબહેનો નિરાશ થઈ શકે છે. ઘણા ભાઈબહેનોને સ્વાસ્થ્યની ગંભીર સમસ્યાઓ હોય છે. અને આર્થિક મુશ્કેલીઓ હોવાને કારણે ઘણા દેવના રાજ્યને પ્રથમ મૂકી શકતા નથી. આમ, ભલે આપણે લાંબા સમયથી સત્યમાં હોઈએ કે નવા હોઈએ, આપણ દરેકને પ્રેમાળ વડીલની મદદની જરૂર છે.

યોગ્ય પ્રેરણા

પ્રથમ સદીના ખ્રિસ્તીઓને સલાહ આપવામાં આવી હતી: ‘તમારાં હૃદય વિશાળ કરો!’ (૨ કોરીંથી ૬:૧૧-૧૩) ખ્રિસ્તી વડીલો પ્રતિપાલન મુલાકાતમાં આ સલાહને ધ્યાનમાં રાખી શકે. પરંતુ કઈ રીતે? અને સેવકાઈ ચાકરો કે જેઓમાંના ઘણા ભાવિમાં પ્રતિપાલન કાર્ય કરવાના છે તેઓ વિષે શું?

ખ્રિસ્તી વડીલોએ ટોળા માટે આશીર્વાદરૂપ પુરવાર થવું હોય તો, તેઓએ પોતાની જવાબદારીને ફક્ત ફરજ સમજીને પૂરી કરવી ન જોઈએ. તેઓને સલાહ આપવામાં આવે છે: “દેવનું જે ટોળું તમારામાં છે તેનું પ્રતિપાલન કરો, અધ્યક્ષનું કામ ફરજ પડ્યાથી નહિ પણ ખુશીથી કરો; નીચ લોભને સારૂ નહિ, પણ હોંસથી કરો.” (૧ પીતર ૫:૨, અક્ષરો અમે ત્રાંસા કર્યા છે.) પ્રેમાળ પ્રતિપાલન કાર્ય કરવામાં ખુશીથી અને હોંસથી સેવા કરવાનો સમાવેશ થાય છે. (યોહાન ૨૧:૧૫-૧૭) એનો અર્થ ઘેટાંને કેવા પ્રકારની મદદની જરૂર છે એ જાણીને તરત જ તેઓને મદદ કરવી થાય છે. એટલે કે વડીલોએ બીજાઓ સાથે વ્યવહાર કરતી વખતે દેવના પવિત્ર આત્માના ફળો પ્રદર્શિત કરવા જોઈએ.—ગલાતી ૫:૨૨, ૨૩.

ઘણી વાર પ્રતિપાલન મુલાકાતમાં ભાઈઓના ઘરે જઈને તેમની મુલાકાત લેવાનો સમાવેશ થાય છે. * પરંતુ વડીલો ‘પોતાના હૃદય વિશાળ’ કરશે તો, તેઓ પ્રસંગોપાત્ત પ્રતિપાલન મુલાકાત કરવા કરતાં વધારે કરી શકશે. તેઓ પોતાના ટોળાનું પ્રતિપાલન કરવા સમય ફાળવશે અને દરેક તકનો લાભ ઉઠાવશે.

ઘેટાંપાળક બનવા બીજાઓને તાલીમ આપવી

કોઈ પણ ભાઈ “અધ્યક્ષપદની ઇચ્છા રાખે છે, તો તે ઉમદા કામની ઇચ્છા રાખે છે” પછી ભલે તેની ઉંમર ગમે તે હોય. (૧ તીમોથી ૩:૧) ઘણા સેવકાઈ ચાકરોએ વધારાના લહાવાને પહોંચી વળવાની ઇચ્છા દર્શાવી છે. તેથી, આવા ભાઈઓને “અધ્યક્ષ” બનવા માટે વડીલોએ રાજીખુશીથી મદદ કરવી જોઈએ. એનો અર્થ તેઓને સારાં ઘેટાંપાળક બનવાની તાલીમ આપવી થાય છે.

યહોવાહના ખ્રિસ્તી મંડળમાં સારાં વડીલો દેવના ઉચ્ચ ધોરણોને વળગી રહે છે. તેઓ હઝકીએલ ૩૪:૨-૬માં વર્ણવવામાં આવેલા જૂઠાં ઘેટાંપાળકોની જેમ વર્તશે નહિ. તેઓ યહોવાહની નજરમાં ધિક્કારપાત્ર હતા. હઝકીએલના સમયના ઘેટાંપાળકોએ યહોવાહનો અનાદર કર્યો. તેઓએ ઘેટાંઓનું પોષણ કરવાને બદલે પોતાનું પોષણ કર્યું. તેઓએ બીમાર અને દુઃખી ઘેટાંઓની કાળજી રાખી નહિ અને ખોવાયેલાં ઘેટાંઓને પણ શોધવા ગયા નહિ. તેઓ ટોળાં પર વરુની જેમ વર્ત્યા, અને તેઓનો વિરોધ કર્યો. પરિણામે ટોળું વેરવિખેર થઈ ગયું, અને તેઓની સંભાળ રાખવાવાળું કોઈ ન હતું.—યિર્મેયાહ ૨૩:૧, ૨; નાહૂમ ૩:૧૮; માત્થી ૯:૩૬.

પરંતુ એવા ઘેટાંપાળકોથી તદ્દન અલગ ખ્રિસ્તી ઘેટાંપાળકો યહોવાહના ઉદાહરણને અનુસરે છે. તેઓ ઘેટાંઓને આત્મિક રીતે “લીલાં બીડમાં” અને “શાંત પાણીની પાસે” દોરી જવા મદદ કરે છે. તેઓ ટોળાને યહોવાહનો શબ્દ સમજવા અને વ્યક્તિગત જીવનમાં લાગુ પાડવા મદદ કરીને ‘ન્યાયીપણાના માર્ગમાં’ ચલાવવાનો પ્રયત્ન કરે છે. આ તેઓ અસરકારકપણે કરી શકે છે, કારણ કે તેઓ સારાં શિક્ષક છે.—૧ તીમોથી ૩:૨.

વડીલો મંડળની સભાઓમાં ભાષણ આપીને શીખવે છે. એટલું જ નહિ, તેઓ વ્યક્તિગત વાત કરીને પણ શીખવે છે. સાચે જ, ઘણા ભાઈઓ મોઢા-મોઢ વધારે સારી રીતે શીખવી શકે છે, જ્યારે અમુક ભાષણ આપીને સારી રીતે શીખવે છે. પરંતુ કોઈ ભાઈ ભાષણ આપીને શીખવવામાં નિપુણ ન હોય તો એનો અર્થ એ નથી કે તે શીખવવા અસમર્થ છે. વડીલો બધી જ રીતે શીખવે છે, એમાં પ્રતિપાલન મુલાકાત કરવાનો પણ સમાવેશ થાય છે. અમુક પ્રતિપાલન મુલાકાતમાં તેઓ ભાઈબહેનની ઘરે મુલાકાત લેવાની યોજના કરતા હોય છે. પરંતુ વડીલો ઘણી પ્રતિપાલન મુલાકાતો તક મળે ત્યારે કરી શકે છે, એનાથી પણ ઘણો લાભ થાય છે.

દરેક સમયે ઘેટાંપાળકો અને શિક્ષકો

એક ડૉક્ટરને પોતાનું કામ કરવા જ્ઞાન અને અનુભવની જરૂર પડે છે. પરંતુ ડૉક્ટર દર્દીઓમાં પ્રેમથી, દયા અને ચિંતા બતાવીને રસ ધરાવે છે ત્યારે તેઓ તેમની કદર કરે છે. આ બધા ગુણો ડૉક્ટરના વ્યક્તિત્વનો એક ભાગ હોવા જોઈએ. આવા જ ગુણો સારાં શિક્ષક અને ઘેટાંપાળકના વ્યક્તિત્વનો પણ ભાગ હોવા જોઈએ. સાચો શિક્ષક એ છે જે જરૂરિયાત પ્રમાણે બીજાઓને શીખવવા હંમેશા તૈયાર હોય. નીતિવચન કહે છે: “યોગ્ય સમયે યોગ્ય શબ્દો બોલવા એ કેવું સારું છે!” (નીતિવચન ૧૫:૨૩, IBSI.) વડીલને વાત કરવા માટેનો “યોગ્ય સમય” મંડળમાં ભાષણ આપતા હોય ત્યારે, ઘર-ઘરના પ્રચારકાર્યમાં, મંડળમાં કે ટેલિફોન પર વાત કરતા હોય ત્યારે મળી શકે છે. એવી જ રીતે, એક સારા વડીલ ફક્ત પ્રતિપાલન મુલાકાત સમયે જ નહિ પરંતુ દરેક સમય અને સંજોગોમાં સારા ગુણો પ્રદર્શિત કરશે અને ભાઈબહેનોની કાળજી રાખશે. તેઓ હંમેશા પોતાના ‘હૃદય વિશાળ’ રાખશે તો, ઘેટાંને મદદની જરૂર હશે ત્યારે તેઓ મદદ કરવાની તકનો લાભ ઉઠાવશે. અને આમ કરવાથી ઘેટાં પણ તેઓને પસંદ કરશે.—માર્ક ૧૦:૪૩.

વૉલ્ફગેન્ગ નામના એક ભાઈ જે હમણાં વડીલ છે, તે યાદ કરે છે કે એક સેવકાઈ ચાકરે તેમની પત્ની સાથે તેઓની મુલાકાત લીધી ત્યારે તેમના કુટુંબે કેવું અનુભવ્યું. વડીલ કહે છે: “તેઓએ અમારા કુટુંબ સાથે આનંદદાયી સમય પસાર કર્યો હોવાથી બાળકો ઘણાં ખુશ હતા. અને હજુ પણ તેઓ એ દિવસને યાદ કરે છે.” સાચે જ, આ સેવકાઈ ચાકરે સાબિત કર્યું કે તે બીજાઓની કાળજી રાખે છે, આમ, તેમણે પોતાનું ‘હૃદય વિશાળ’ કર્યું.

વડીલોને ‘હૃદય વિશાળ કરવાની’ બીજી એક તક, બીમાર ભાઈબહેનોની મુલાકાત લેવાથી, તેઓને પ્રોત્સાહન આપતા શબ્દો લખવાથી કે તેઓની સાથે ટેલિફોન પર વાત કરવાથી મળે છે. આમ કરીને વડીલો બતાવી શકે કે તેઓ ભાઈબહેનોની કાળજી રાખે છે. જરૂર હોય ત્યારે તેઓને મદદ કરો. તેઓ તમારી સાથે વાત કરવા ઇચ્છતા હોય તો, ધ્યાનથી સાંભળો. તેઓ સાથે મંડળની દેવશાહી પ્રવૃત્તિ વિષે વાત કરો. યહોવાહને પ્રેમ કરનારાઓ માટે મહિમાવંત ભાવિ રહેલું છે એ પર તેઓનું ધ્યાન કેન્દ્રિત કરો.—૨ કોરીંથી ૪:૧૬-૧૮.

પ્રતિપાલન મુલાકાતો ઉપરાંત

ભાઈબહેનોના ઘરે જઈને પ્રતિપાલન મુલાકાત લેવી એ વડીલના કાર્યનો એક નાનો ભાગ છે. એક પ્રેમાળ વડીલ દરેક સમયે અને ગમે તેવા સંજોગોમાં પણ પોતાનું ‘હૃદય વિશાળ’ રાખે છે તથા ભાઈબહેનોને નિઃસ્વાર્થ પ્રેમથી આવકારે છે. આમ કરવાથી તેઓ ભાઈબહેનો સાથે એક સારો સંબંધ બાંધી શકશે. ભાઈબહેનો પણ વડીલો પર વિશ્વાસ કરશે તથા મુશ્કેલીઓમાં તેઓ અચકાયા વગર વડીલો પાસે જશે.—ગીતશાસ્ત્ર ૨૩:૪.

ખ્રિસ્તી વડીલો, તમે સર્વ ‘તમારા હૃદય વિશાળ કરો.’ તમારા ભાઈઓ પ્રત્યે પ્રેમ બતાવો, તથા તમે દરેક રીતે તેઓને ઉત્તેજન આપો, તાજગી આપો અને આત્મિક બાબતોમાં મજબૂત કરો. તેઓને વિશ્વાસમાં દૃઢ રહેવા મદદ કરો. (કોલોસી ૧:૨૩) ખ્રિસ્તી ઘેટાંપાળકો તેમના ‘હૃદય વિશાળ’ કરશે તો ઘેટાં કંઈ મુશ્કેલી અનુભવશે નહિ. તેઓ દાઊદની જેમ સદાકાળ સુધી યહોવાહ દેવના ઘરમાં રહેવાનો નિશ્ચય કરશે. (ગીતશાસ્ત્ર ૨૩:૧,) અને પ્રેમાળ વડીલો એ જ તો ઇચ્છે છે.

[ફુટનોટ]

^ પ્રતિપાલન મુલાકાત કરવા માટેનાં સૂચનો વૉચટાવર, સપ્ટેમ્બર ૧૫, ૧૯૯૩, પાન ૨૦-૩ અને ચોકીબુરજ, માર્ચ ૧૫, ૧૯૯૬, પાન ૨૪-૭ પર જોઈ શકો.

[પાન ૩૦ પર બોક્સ]

ખ્રિસ્તી વડીલો

• ઇચ્છાપૂર્વક અને હોંસથી સેવા કરો

• ટોળાની કાળજી રાખો

• બીજાઓને વડીલ બનવા માટે મદદ કરો

• બીમારોની મુલાકાત લો અને તેઓની કાળજી રાખો

• દરેક સમયે ભાઈઓને મદદ કરવા તૈયાર રહો

[પાન ૩૧ પર ચિત્રો]

પ્રચારકાર્યમાં, સભાઓમાં કે સામાજિક પ્રસંગોએ વડીલો હંમેશા ઉત્તેજન આપે છે