નાઝી અત્યાચાર છતાં વફાદાર અને નીડર
નાઝી અત્યાચાર છતાં વફાદાર અને નીડર
નેધરલૅન્ડની રાણી વીલ્હેલમીનાએ જૂન ૧૭, ૧૯૪૬ના રોજ ઍમસ્ટરર્ડમમાં રહેતા યહોવાહના સાક્ષીઓના એક કુટુંબને આશ્વાસનનો પત્ર મોકલ્યો. પત્ર મોકલવાનું કારણ એ હતું કે રાણી એ કુટુંબના પુત્ર, જેકબ વાન બેનેકોમની પ્રશંસા કરવા ઇચ્છતા હતા, કે જેનો વિશ્વયુદ્ધ ૨ દરમિયાન નાઝીઓએ વધ કર્યો હતો. એ પત્રના થોડાં વર્ષ અગાઉ, નેધરલૅન્ડની પૂર્વે આવેલા ડુટીખમની નગર પાલિકાએ એક યહોવાહના સાક્ષીના નામ પરથી એક શેરીને બરનાર્ડ પોલમન નામ આપવાનું નક્કી કર્યું, કારણ કે યુદ્ધ દરમિયાન તે સાક્ષીનો પણ નાઝીઓએ વધ કર્યો હતો.
શા માટે નાઝીઓએ વિશ્વયુદ્ધ ૨ દરમિયાન નેધરલૅન્ડમાંના જેકબ, બરનાર્ડ અને અન્ય યહોવાહના સાક્ષીઓ પર અત્યાચાર કર્યો? અને યહોવાહના સાક્ષીઓ આ નિર્દય અત્યાચારનાં વર્ષોમાં પણ શાને લીધે વિશ્વાસુ રહી શક્યા અને પરિણામે પોતાના દેશવાસીઓ અને રાણી દ્વારા આદર અને પ્રશંસા મેળવી શક્યા? એ જાણવા માટે, ચાલો આપણે એક કીડી અને હાથી વચ્ચેની લડાઈની જેમ યહોવાહના સાક્ષીઓના નાના વૃંદ સામે વિશાળકાય નાઝી રાજકીય અને લશ્કરીય સંસ્થાની લડતમાં દોરી જતા કેટલાક બનાવોને તપાસીએ.
પ્રતિબંધ છતાં સૌથી વધુ સક્રિય
મે ૧૦, ૧૯૪૦માં નાઝી લશ્કરે નેધરલૅન્ડ પર આક્રમણ કર્યું. યહોવાહના સાક્ષીઓ જે સાહિત્યનું વિતરણ કરતા હતા એમાં નાઝીવાદનાં દુષ્ટ કૃત્યોને ખુલ્લા પાડવામાં આવ્યાં હતાં અને દેવના રાજ્યને ટેકો જાહેર કરવામાં આવ્યો હતો, એ કારણે નાઝીઓએ યહોવાહના સાક્ષીઓની પ્રવૃત્તિઓને સદંતર બંધ કરવા તાત્કાલિક પગલાં લીધાં. નેધરલૅન્ડ પર આક્રમણ કર્યા પછી હજુ તો ત્રણ અઠવાડિયાં પણ થયા ન હતા ત્યારે, તેઓએ યહોવાહના સાક્ષીઓ પર ખાનગીમાં પ્રતિબંધ મૂક્યો. માર્ચ ૧૦, ૧૯૪૧ના રોજ, એક પ્રેસના અહેવાલે, સાક્ષીઓ પર “બધા રાજ્યો અને ચર્ચ સંસ્થાઓ વિરુદ્ધ”
એક ઝુંબેશ ચલાવવાનો આરોપ મૂકીને જાહેરમાં પ્રતિબંધ મૂક્યો. પરિણામે, સાક્ષીઓ પર અત્યાચાર વધુ તીવ્ર બન્યો.ધ્યાન ખેંચે એવી એક બાબત એ હતી કે ગેસ્ટાપો અથવા ગુપ્ત પોલીસ, દરેક ચર્ચ પર ચાંપતી નજર રાખતી હોવા છતાં, એણે ફક્ત એક જ ખ્રિસ્તી સંસ્થાના લોકોને ખૂબ ભયંકર રીતે સતાવ્યા. ડચ ઇતિહાસકાર ડૉ. લુઈ ડ્યોંગના જણાવ્યા મુજબ “મૃત્યુ સુધીની સતાવણી ફક્ત એક જ ધાર્મિક વૃંદની કરવામાં આવી, એ યહોવાહના સાક્ષીઓ હતા.”—હેટ કોનીન્ક્રાઈક ડર નેડરલાન્ડન ઈન ડ ટ્વેડ વેરલ્ડૉરલૉક (બીજા વિશ્વયુદ્ધ દરમિયાન નેધરલૅન્ડનું રાજ્ય).
સાક્ષીઓને શોધી કાઢીને ધરપકડ કરવામાં ગેસ્ટાપોને ડચ પોલીસનો સાથ હતો. એટલું જ નહિ પરંતુ, એક ભયભીત બની ગયેલા પ્રવાસી નિરીક્ષક એટલા ધર્મભ્રષ્ટ બની ગયા કે તેમણે પોતાના અગાઉના સાથી વિશ્વાસીઓ વિષેની બધી જ માહિતી નાઝીઓને આપી દીધી. એપ્રિલ ૧૯૪૧ના અંત સુધીમાં તો, ૧૧૩ સાક્ષીઓની ધરપકડ કરવામાં આવી. શું સાક્ષીઓ પરનો આ જોરદાર હુમલો પ્રચાર પ્રવૃત્તિને અટકાવી શક્યો?
જવાબ મેલડુન્ગન ઔસ ડેન નેડરલાન્ડન (નેધરલૅન્ડનો અહેવાલ), એક ખાનગી દસ્તાવેજમાં જોવા મળે છે કે જે જર્મન ઝીકરહાઈટ્સપોલીટઝાઈએ (સિક્યૂરિટી પોલીસે) એપ્રિલ ૧૯૪૧માં તૈયાર કર્યો હતો. એ અહેવાલ યહોવાહના સાક્ષીઓ વિષે આમ કહે છે: “આ પ્રતિબંધિત પંથ સભાઓ ભરીને અને પત્રિકાઓ ચોંટાડીને આખા દેશમાં ઉત્સાહી પ્રવૃત્તિ ચાલુ જ રાખે છે, એ પત્રિકાઓમાં આ પ્રકારનાં વાક્યો હોય છે જેમ કે ‘દેવના સાક્ષીઓની સતાવણી કરવી ગુનો છે’ અને ‘યહોવાહ સતાવનારાઓનો કાયમી નાશ કરીને શિક્ષા કરશે.’” બે અઠવાડિયાં પછી એ જ દસ્તાવેજે એવો અહેવાલ આપ્યો કે “સલામતી પોલીસે બાઇબલ વિદ્યાર્થીઓની પ્રવૃત્તિઓ વિરુદ્ધ કડક પગલાં લીધાં હતાં છતાં, તેઓની પ્રવૃત્તિઓ વધતી જ રહી.” હા, પકડાઈ જવાનું જોખમ હતું છતાં, સાક્ષીઓએ પોતાનું કામ બંધ કર્યું નહિ, તેઓએ ફક્ત ૧૯૪૧માં જ ૩,૫૦,૦૦૦ પુસ્તકો, પુસ્તિકાઓ અને અલગ અલગ સાહિત્ય જાહેરમાં આપ્યું!
આ નાના છતાં, થોડાક સેંકડો સાક્ષીઓના વધતા ટોળાને પોતાના ભયજનક શત્રુઓ વિરુદ્ધ ટકી રહેવા શામાંથી હિંમત મળી? વિશ્વાસુ પ્રબોધક યશાયાહની જેમ, આ સાક્ષીઓ પણ માણસોનો નહિ, પરંતુ દેવનો ભય રાખતા હતા. શા માટે? કારણ કે તેઓ યશાયાહને આપેલા યહોવાહના ખાતરીપૂર્વકના શબ્દોને મનમાં સંગ્રહી રાખતા હતા: “જે તમને દિલાસો દે છે, તે હું, હુંજ છું; તું કોણ છે, કે મરનાર માણસથી, અને માનવી જે ઘાસના જેવો થઈ જશે તેથી તું બી જાય છે?”—યશાયાહ ૫૧:૧૨.
સન્માન વધારતી નીડરતા
જે સાક્ષીઓની ધરપકડ કરવામાં આવી હતી તેઓની સંખ્યા ૧૯૪૧ સુધીમાં તો ૨૪૧ સુધી પહોંચી ગઈ. એમાંથી કેટલાકે માણસોની બીકને લીધે પીછેહઠ કરી. જર્મન છૂપી પોલીસના નામીચા સભ્ય, વીલી લાગાસે આમ કહેતા ટાંક્યું કે “૯૦ ટકા યહોવાહના સાક્ષીઓએ કોઈ પણ ગુપ્ત વાતને
જણાવી નહિ, જ્યારે બીજા ધર્મોના મોટા ભાગનાઓએ ગુપ્ત વાતો જણાવી દીધી.” જોહાનેશ જે. બુસકેસ નામનો ડચ પાદરી પણ કેટલાક સાક્ષીઓ સાથે કેદમાં હતો, તેણે એ બધું પોતાની આંખોથી નિહાળ્યું હોવાથી તે લાગાસના કથન સાથે સહમત થયો. તેથી ૧૯૫૧માં બુસકેસે લખ્યું:“તેઓનો દેવમાં ભરોસો અને તેઓના વિશ્વાસની તાકાતને કારણે, પાછળથી મને તેઓ પ્રત્યે બહું માન ઉપજ્યું. હું ક્યારેય એ યુવકને ભૂલીશ નહિ કે જે ૧૯ કરતાં વધુ વર્ષનો પણ નહિ હોય, અને તેણે હિટલર તથા તેના નાઝી સામ્રાજ્યની ભાવિ નિષ્ફળતા વિષે જણાવતી પત્રિકાઓ વહેંચી. . . . આવી પ્રવૃત્તિઓ બંધ કરી દેવાનું વચન આપે તો, તે છ મહિનામાં જ છૂટી શકે એમ હતો. પરંતુ તેણે આમ કરવાની ઘસીને ના પાડી, અને તેથી જર્મનીમાં તેને કાયમ માટે ફોર્સ લેબરની એટલે કે જુલમી છાવણીમાં ખરાબ સંજોગો હેઠળ ફરજિયાત કાળી મજૂરીની સજા ફટકારવામાં આવી. અમે અંદાજ લગાવી શકતા હતા કે એ સજા કેટલી ભયંકર હતી. બીજે દિવસે સવારે જેકબને એ સજા માટે લઈ જવામાં આવતો હતો ત્યારે, જતાં જતાં મેં તેને કહ્યું કે અમને તારી ખૂબ ચિંતા થાય છે, અમે તારા માટે પ્રાર્થના કરીશું. પરંતુ તે મક્કમતાથી એટલું જ બોલ્યો: ‘મારી ચિંતા ન કરશો. દેવનું રાજ્ય ચોક્કસ આવશે.’ યહોવાહના સાક્ષીઓના શિક્ષણ વિરુદ્ધ તમને ભલે ગમે તેટલો વિરોધ હોય છતાં, આવો બનાવ તમે ક્યારેય ભૂલી ન શકો.”
આટલી બધી ક્રૂર સતાવણી હોવા છતાં, યહોવાહના સાક્ષીઓની સંખ્યા વધતી જ જતી હતી. બીજા વિશ્વયુદ્ધ પહેલાં તેઓની સંખ્યા લગભગ ૩૦૦ હતી પરંતુ, ૧૯૪૩માં તો એ સંખ્યા વધીને ૧૩૭૯ થઈ ગઈ. પરંતુ, દુઃખદપણે એ જ વર્ષના અંત સુધીમાં, ૩૫૦ કરતાં વધુ સાક્ષીઓમાંથી ૫૪ સાક્ષીઓ અલગ અલગ જુલમી છાવણીઓમાં મૃત્યુ પામ્યા. વર્ષ ૧૯૪૪માં, હજુ પણ નેધરલૅન્ડના ૧૪૧ સાક્ષીઓને અલગ અલગ જુલમી છાવણીઓમાં રાખવામાં આવ્યા હતા.
નાઝી અત્યાચારનો અંત નજીક
જૂન ૬, ૧૯૪૪ના ડી દિવસ (D day એટલે કે અમેરિકા અને બ્રિટીશ લશ્કરે ફ્રાન્સના નોરમન્ડી પર આક્રમણ કર્યું એનો પહેલો દિવસ) પછી, નાઝી અત્યાચારનો અંત નજીક હતો. નાઝી લશ્કર અને તેઓનાં સાથીદારો હારી ગયા. કોઈ વિચારી શકે કે આવા સમયે તો નાઝીઓએ નિર્દોષ ખ્રિસ્તીઓની પાછળ પડવાનું છોડી દીધું હશે. પરંતુ, ના, એ જ વર્ષે તેઓએ બીજા ૪૮ સાક્ષીઓની ધરપકડ કરી અને ૬૮ સાક્ષીઓ જેલમાં જ મરી ગયા. એમાં, શરૂઆતમાં ઉલ્લેખ કરેલ જેકબ વાન બેનેકોમ પણ હતો.
ઓગણીસ વર્ષના જેકબે પણ, ૧૯૪૧માં ૫૮૦ યહોવાહના સાક્ષીઓ સાથે બાપ્તિસ્મા લીધું હતું. એ પછી તરત જ, તેણે ખ્રિસ્તી તટસ્થતા સાથે સમાધાન કરવું પડે એવી પોતાની સારા પગારવાળી નોકરી છોડી દીધી. અને આંગળિયાત તરીકેની નોકરી શરૂ કરી, સાથે પૂરા સમયના સેવક તરીકે સેવા આપવાનું પણ શરૂ કર્યું. એક વખત બાઇબલ સાહિત્યોને એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડતી વખતે, તે પકડાઈ
ગયો અને તેની ધરપકડ કરવામાં આવી. આ ૨૧ વર્ષના જેકબે ઑગસ્ટ ૧૯૪૪માં રોટરડૅમ શહેરની જેલમાંથી પોતાના કુટુંબને નીચે મુજબ એક પત્ર લખ્યો:“હું સારી પરિસ્થિતિમાં છું અને ખૂબ ખુશ છું. . . . હમણાં જ ચાર વખત મારી ઉલટતપાસ કરવામાં આવી છે. પ્રથમ બે વખત એ સખત હતી અને મને ઢોર માર મારવામાં આવ્યો, પરંતુ દેવના સામર્થ્ય અને અપાત્ર કૃપાને કારણે, હું હજુ પણ બાબતોને ખાનગી રાખી શકું છું. . . . હું અહીં કુલ ૧૦૨ સાંભળનારાઓને ૬ વખત ભાષણ આપી ચૂક્યો છું. એમાંના કેટલાકને તો એટલો બધો રસ પડ્યો છે કે તેઓએ વચન આપ્યું છે કે જ્યારે પણ તેઓ જેલમાંથી છૂટશે ત્યારે તેઓ એ વિષે શીખવાનું ચાલુ રાખશે.”
સપ્ટેમ્બર ૧૪, ૧૯૪૪માં જેકબને એમર્સફૉર્ટના ડચ શહેરની જુલમી છાવણીમાં લઈ જવામાં આવ્યો. ત્યાં પણ તેણે પ્રચાર કરવાનું છોડ્યું નહિ. તે કઈ રીતે પ્રચાર કરતો? તેની સાથેનો બીજો કેદી જણાવે છે: “ચોકીદારોએ પીને ફેંકી દીધેલાં સીગારેટના ઠૂંઠાને કેદીઓ વીણી લેતા અને એ ઠૂંઠાને બાઇબલના પાનામાં ગોળ વીંટીને પીતા. તેઓ એ બનાવેલી સીગારેટ પીવે એ પહેલા જેકબ એ બાઇબલના પાનને ક્યારેક વાંચી લેતો. ત્યાર પછી તરત, તે વાંચેલા શબ્દોનો અમને પ્રચાર કરવામાં ઉપયોગ કરતો. એ કારણે અમે તેનું હુલામણું નામ જેકબ ‘બાઇબલ માણસ’ પાડ્યું.”
ઑક્ટોબર ૧૯૪૪માં, કેદીઓના એક મોટા ટોળાને દુશ્મનોની ટેન્કરોને ફસાવવા માટે ખાડાઓ ખોદવાનું કહેવામાં આવ્યું, તેમાં જેકબ પણ હતો. જેકબે એ ખોદવાની ના પાડી દીધી કારણ કે તેના અંતઃકરણે તેને યુદ્ધના કોઈ પણ પ્રયત્નને ટેકો આપવાની ના પાડી. ચોકીદારોએ વારંવાર ધમકીઓ આપી છતાં તેણે એ કામ કરવાની ના પાડી. તેથી ઑક્ટોબર ૧૩ના રોજ એક પોલીસ અધિકારી તેને એકાંતવાસની સજામાંથી કામને સ્થળે લઈ ગયા. ફરીથી, જેકબે કામ કરવાની ના પાડી. છેવટે, જેકબને પોતાની કબર ખોદવા માટે કહેવામાં આવ્યું અને તેને ગોળી મારીને મારી નાખવામાં આવ્યો.
સાક્ષીઓનો અવિરત શિકાર
જેકબ અને બીજાઓના હિંમતભર્યા સ્થાનને કારણે નાઝીઓ ખૂબ ખીજાયા અને શિકાર માટે બીજા સાક્ષીઓને શોધવા માંડ્યા. એક ૧૮ વર્ષનો ઈવર્ટ કેટલરી તેઓનું નિશાન બન્યો. ઈવર્ટ પહેલી વખત તો છુપાઈ ગયો, પરંતુ પાછળથી તેની ધરપકડ કરવામાં આવી અને બીજા સાક્ષીઓ વિષેની માહિતી કઢાવવા તેને ક્રૂર રીતે મારવામાં આવ્યો. છતાં તેણે કોઈ માહિતી ન આપી ત્યારે તેને ફોર્સ લેબર માટે જર્મનીમાં મોકલવામાં આવ્યો.
એ જ મહિને, ઑક્ટોબર ૧૯૪૪માં પોલીસે ઈવર્ટના આ ત્રણ સાક્ષીઓને નિર્દય રીતે માર્યા પછી મરણના શરણે કર્યા. યુદ્ધના અંત પછી જ તેઓના શબને શોધીને ફરીથી દફનાવવામાં આવ્યાં. યુદ્ધ પૂરું થયા પછી થોડા જ સમયમાં કેટલાક સ્થાનિક વર્તમાનપત્રોએ આ વધના સમાચાર આપ્યા. એક વર્તમાનપત્રએ લખ્યું કે ત્રણ સાક્ષીઓએ દેવના નિયમની વિરુદ્ધમાં હોય એવી નાઝીઓની કોઈ પણ સેવા કરવાનું સતત નકાર્યું અને “એ માટે તેઓએ પોતાના જીવન ગુમાવવા પડ્યાં.”
બનેવી, બરનાર્ડ લુઈમેસને શોધવાનું શરૂ કર્યું. જ્યારે તેઓએ તેમને પકડ્યા ત્યારે તેમની સાથે એન્ટોની રેમેઈઅર અને આલબર્ટસ બોસ નામના બે સાક્ષીઓ પણ હતા. આલબર્ટસ ૧૪ મહિના જુલમી છાવણીમાં રહી ચૂક્યા હતા. છતાં તેમણે ફરીથી જોરશોરથી પ્રચારકાર્ય ચાલુ કર્યું. નાઝીઓએ પ્રથમએ સમય દરમિયાન, નવેમ્બર ૧૦, ૧૯૪૪માં આગળ જેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એ બરનાર્ડ પોલમેનની ધરપકડ કરીને લશ્કરીય યોજના પર કામ કરવા મોકલવામાં આવ્યા. ફોર્સ લેબરમાં કામ કરનારા કેદીઓમાં એ એક જ સાક્ષી હતા અને તેમણે જ એ કામ કરવાની ના પાડી. તેમને તડજોડ કરાવવા માટે ચોકીદારોએ જાતજાતની કેટલીય તરકીબો અજમાવી જોઈ. તેમને ખાવાનું આપવામાં આવતું ન હતું. તેમને લાકડી, કોદાળીનો હાથો અને બંદૂક વડે પણ ક્રૂર રીતે મારવામાં આવ્યા. એથી પણ વધુ, તેમને ઘૂંટણ સુધીના ઊંડા ઠંડા પાણીમાં ચલાવીને, ભીના કપડાંમાં જ ભેજવાળાં ભોંયરામાં બંધ કરી દેવામાં આવ્યા જ્યાં રાત ગાળવાની હતી. તોપણ, તે ન માન્યા.
એ સમયે બરનાર્ડની બે બહેનોને તેમને મળવાની પરવાનગી આપવામાં આવી કે જેઓ યહોવાહની સાક્ષીઓ ન હતી. તેઓએ બરનાર્ડને મનાવવાની ખૂબ કોશિશ કરી જોઈ, પરંતુ તે ટસથી મસ ન થયા. તેઓએ બરનાર્ડને પૂછ્યું કે તમારા માટે અમે શું કરી શકીએ, ત્યારે તેમણે જવાબ આપ્યો કે ઘરે જઈને બાઇબલ અભ્યાસ કરો. પછી સતાવનારાઓએ તેમની સગર્ભા પત્નીને મળવાની પરવાનગી આપી, એમ વિચારીને કે કદાચ પત્ની તેમને મનાવી શકશે. પરંતુ તેમની પત્નીએ આવીને તેમને જે હિંમત આપી એનાથી દેવને વફાદાર રહેવામાં બરનાર્ડનો નિશ્ચય વધુ દૃઢ બન્યો. નવેમ્બર ૧૭, ૧૯૪૪માં બરનાર્ડને ફોર્સ લેબરમાં કામ કરતા બીજા કેદીઓ સમક્ષ તેમના પાંચ સતાવનારાઓએ ગોળીથી વીંધી નાખ્યા. બરનાર્ડ મરી ગયા પછી પણ તેમના શબને બંદૂકથી કેટલીય ગોળીઓ મારવામાં આવી, સાથે ફરજ પરનો એક અધિકારી એટલો ખિજાયો હતો કે તેણે પોતાની બંદૂક લઈને બરનાર્ડના શબની બંને આંખો ફોડી નાખી.
બરનાર્ડ સાથે થયેલ પાશવી વ્યવહાર અને તેના વધની ખબર પડતા સાક્ષીઓમાં ઓહાપોહ તો મચી ગયો છતાં, તેઓએ વફાદાર અને નીડર રહીને પોતાની ખ્રિસ્તી પ્રવૃત્તિઓ ચાલુ રાખી. બરનાર્ડને જે સ્થળે મારી નાખવામાં આવ્યા હતા એની નજીકમાં જ યહોવાહના સાક્ષીઓનું એક નાનું મંડળ હતું, એમાં એ વધ પછી થોડા જ સમયમાં સાક્ષીઓનો અહેવાલ આપવામાં આવ્યો કે: “આ મહિને, ખૂબ ઠંડી તથા શેતાને આપણા માર્ગમાં લાવેલી મુશ્કેલીઓ છતાં, આપણે ખૂબ સારું પ્રચાર કામ કર્યું છે. પ્રચારકાર્યમાં ફાળવેલા કલાકોની સંખ્યા ૪૨૯થી વધીને ૭૬૫ થઈ છે. . . . પ્રચારમાં એક ભાઈએ એક વ્યક્તિને સુસમાચાર જણાવ્યા. તે માણસે પૂછ્યું કે શું તમે એ જ વિશ્વાસ ધરાવતા લોકો છો કે જેના કારણે એક માણસનો વધ કરવામાં આવ્યો હતો. અમે એ જ વિશ્વાસ ધરાવતા સાક્ષીઓ છીએ એમ જાણતા તે માણસે આશ્ચર્ય વ્યક્ત કર્યું: ‘શું માણસ હતો, શું એનો વિશ્વાસ હતો! તેથી જ હું તેને વિશ્વાસનો હીરો કહું છું.’”
યહોવાહના સ્મરણમાં
મે ૧૯૪૫માં નાઝીઓને હરાવવામાં આવ્યા અને નેધરલૅન્ડમાંથી હાંકી કાઢવામાં આવ્યા. યુદ્ધ દરમિયાન ખૂબ સતાવણી હોવા છતાં સાક્ષીઓની સંખ્યા સેંકડોમાંથી ૨૦૦૦ ઉપર પહોંચી ગઈ. આ યુદ્ધ સમયના સાક્ષીઓ વિષે ડૉ. ડે જોન્ગ કબૂલે છે: “ધમકીઓ અને રીબામણી હોવા છતાં મોટા ભાગનાઓએ પોતાનો વિશ્વાસ ત્યાગ કરવાની ના પાડી.”
સારા કારણોસર, દુન્યવી સત્તાઓએ યહોવાહના સાક્ષીઓએ નાઝી શાસન હેઠળ જે હિંમતભર્યું સ્થાન લીધું હતું એને યાદ રાખ્યું છે. છતાં, સૌથી મહત્ત્વની બાબત તો એ છે કે આ યુદ્ધમાં મક્કમ સ્થાન લીધેલ સાક્ષીઓના જ્વલંત વિશ્વાસને યહોવાહ અને ઈસુ યાદ રાખશે. (હેબ્રી ૬:૧૦) ઈસુના હજાર વર્ષના રાજ્યકાળ દરમિયાન, દેવની સેવા માટે પોતાના જીવનોની આહુતિ આપનાર વફાદાર અને નીડર સાક્ષીઓ પારાદેશ પૃથ્વી પર હંમેશ માટેનું જીવન મેળવવાની આશા સહિત સ્મરણ કબરોમાંથી ઊઠી આવશે!—યોહાન ૫:૨૮, ૨૯.
[પાન ૨૪ પર ચિત્ર]
જેકબ વાન બેનેકોમ
[પાન ૨૬ પર ચિત્ર]
યહોવાહના સાક્ષીઓ પર ખાનગી પ્રતિબંધ મૂકતી અખબારની કાપલી
[પાન ૨૭ પર ચિત્રો]
જમણે: બરનાર્ડ લુઈમેસ; નીચે: આલબર્ટસ બોસ (ડાબે) અને એન્ટોની રેમેઈઅર; નીચે: હેમસ્ટેડેમાં સંસ્થાનું કાર્યાલય