ઇન્ટરવ્યૂ | ગીએરમો પેરેઝ
એક સર્જન પોતાની શ્રદ્ધા વિશે જણાવે છે
દક્ષિણ આફ્રિકામાં આવેલી ૭૦૦ બેડની મોટી હોસ્પિટલમાં ડૉક્ટર ગીએરમો પેરેઝ સર્જરી વિભાગના વડા હતા. તેમણે તાજેતરમાં એમાંથી નિવૃત્તિ લીધી છે. ઘણાં વર્ષોથી તે ઉત્ક્રાંતિમાં માનતા હતા. પરંતુ, સમય જતાં તે માનવા લાગ્યા કે મનુષ્યના શરીરની રચના ઈશ્વરે કરી છે. સજાગ બનો!એ તેમને પોતાની શ્રદ્ધા વિશે અમુક સવાલો પૂછ્યા.
અમને જણાવશો કે પહેલાં તમે કેમ ઉત્ક્રાંતિમાં માનતા હતા.
મારો ઉછેર કૅથલિક ધર્મમાં થયો હતો. તોપણ, ઈશ્વર વિશે મને અમુક શંકા હતી. દાખલા તરીકે, લોકોને નર્કમાં રિબાવે એવા ઈશ્વરમાં માનવું મારી માટે અશક્ય હતું. એટલે, યુનિવર્સિટીના પ્રોફેસરે જ્યારે શીખવ્યું કે જીવંત વસ્તુઓ ઉત્ક્રાંતિથી આવી છે, નહિ કે ઈશ્વરે બનાવી છે, ત્યારે મેં એ સ્વીકારી લીધું. અને એમ ધાર્યું કે એના પુરાવા જરૂર હશે. જોકે, કૅથલિક ધર્મ ઉત્ક્રાંતિવાદનો નકાર કરતો નહિ પણ માનતો કે ઈશ્વરની દોરવણીથી બધું આપમેળે આવ્યું છે.
બાઇબલમાં તમારો રસ કઈ રીતે જાગ્યો?
મારી પત્ની સુસાન્ના યહોવાના સાક્ષીઓ પાસેથી બાઇબલમાંથી શીખવા લાગી. તેઓએ બાઇબલમાંથી તેને બતાવ્યું કે ઈશ્વર લોકોને નર્કમાં રિબાવતા નથી. * તેઓએ એ પણ બતાવ્યું કે ઈશ્વર આપણી પૃથ્વીને બગીચા જેવી સુંદર બનાવી દેશે. * આખરે, સમજી શકાય એવું ખરું શિક્ષણ અમને મળ્યું! ૧૯૮૯માં યહોવાના એક સાક્ષી, નિકભાઈએ નિયમિત રીતે મળવા આવવાનું શરૂ કર્યું. મનુષ્યના શરીરની રચના પર વાત કરતી વખતે બાઇબલમાંથી હિબ્રૂ ૩:૪ના શબ્દોથી હું બહુ જ પ્રભાવિત થયો. એ સમજી શકાય એવા સાદા શબ્દો છે, જે કહે છે: “દરેક ઘર કોઈએ બાંધ્યું છે; પણ સઘળી વસ્તુઓનો સર્જનહાર તો ઈશ્વર છે.”
તમે માનવ શરીરનો અભ્યાસ કર્યો હોવાથી સર્જનહારમાં માનવું સહેલું હતું?
હા. આપણા શરીરની એવી અદ્ભૂત રચના કરવામાં આવી છે કે, એ પોતાની જાતે સાજું થાય છે. દાખલા તરીકે, શરીરમાં ઈજા થાય ત્યારે એક તબક્કો પૂરો થાય એ પહેલાં બીજો શરૂ થઈ જાય, એમ ચાર તબક્કામાં ઘા રુઝાય છે. એ દરેક તબક્કો સર્જન તરીકે મને યાદ અપાવતો હતો કે, શરીર પોતાની જાતે ઘાને રુઝાવે છે અને હું ફક્ત એની પ્રક્રિયાના સુમેળમાં કામ કરું છું.
અમને જણાવશો કે શરીરમાં વાગે ત્યારે શું થાય છે?
વહેતું લોહી બંધ કરવા માટે થોડી જ સેકન્ડમાં પહેલા તબક્કાની સંખ્યાબંધ
પ્રક્રિયાઓની શરૂઆત થાય છે. આ પ્રક્રિયાઓ જટિલ અને અસરકારક હોય છે. આપણા શરીરમાં લોહી પહોંચાડતી નળીઓને ભેગી કરીએ તો, એની લંબાઈ એક લાખ કિલોમીટર જેટલી થાય. એમાં વહેતા લોહીને પોતાની જાતે બંધ કરવાની અને રુઝાવવાની ક્ષમતા છે. એટલે, કોઈ પણ પ્લમ્બરને એની ઈર્ષા આવી શકે.ઘા રુઝાવવાના બીજા તબક્કામાં શું થાય છે?
થોડા કલાકોમાં લોહી વહેતું બંધ થઈ જાય છે અને સોજો આવવાની શરૂઆત થાય છે. સોજો આવવામાં નવાઈ લાગે એવી સંખ્યાબંધ પ્રક્રિયાનો સમાવેશ થાય છે. પ્રથમ, લોહીનો પ્રવાહ ઓછો કરવા માટે જે નસો સંકોચાઈ હતી એ હવે એનાથી ઊંધું કરે છે. એટલે કે, નસો પહોળી થાય છે જેથી ઘાની જગ્યા તરફ વધુ લોહી વહી શકે. પછી, પ્રોટીનથી ભરપૂર પ્રવાહી ઘાની જગ્યાએ સોજો લાવે છે. ચેપ સામે લડવા, ઝેરની અસર ઓછી કરવા અને નાશ પામેલી પેશીને કાઢી નાખવા આ પ્રવાહી ખૂબ જ મદદરૂપ છે. દરેક તબક્કામાં લાખોની સંખ્યામાં ખાસ પ્રકારના અણુઓ અને કોષોની જરૂર પડે છે, જે ક્રમાનુસાર ઉત્પન્ન થાય છે. એમાંની ઘણી બધી પ્રક્રિયાઓ આગળના તબક્કામાં જવા ઉત્તેજિત થાય છે અને પછી બંધ થઈ જાય છે.
રુઝ આવવાનું કઈ રીતે ચાલુ રહે છે?
થોડા જ દિવસોમાં આપણું શરીર રુઝ લાવવા માટેના રસાયણો ઉપજાવે છે. આ ક્રિયાથી ત્રીજા તબક્કાની શરૂઆત થાય છે અને બે અઠવાડિયામાં એ એની પરાકાષ્ઠાએ પહોંચે છે. કોષો જે તંતુ બનાવે છે એ ઘાના ભાગ તરફ જાય છે અને ત્યાં તંતુની સંખ્યા વધે છે. ખૂબ જ ઝીણી નસો ફૂટી નીકળે છે અને ઘાની જગ્યા તરફ વધવા લાગે છે. ત્યાં એ કચરાને બહાર કાઢે છે. તેમ જ, તૂટવા અને રુઝ આવવાની ક્રિયા દરમિયાન વધારાનું પોષણ પૂરું પાડે છે. બીજી અમુક જટિલ પ્રક્રિયાઓમાં ખાસ પ્રકારના કોષો ઉત્પન્ન થાય છે જે ઘાની આજુબાજુ ધાર બનાવે છે.
ઘણી બધી પ્રક્રિયાઓ હોય છે! પૂરેપૂરી રુઝ આવવામાં કેટલો સમય લાગે છે?
રુઝ આવવાના છેલ્લા તબક્કાને મહિનાઓ પણ લાગી શકે. તૂટેલા હાડકાં પાછા મજબૂત બને છે અને ઘાની કોમળ પેશીઓમાંથી પસાર થયેલા તંતુઓનું સ્થાન મજબૂત પદાર્થ લે છે. બધું મળીને રુઝ આવવાની ક્રિયા ખૂબ જ અદ્ભૂત છે.
એવો કોઈ કિસ્સો યાદ છે જેનાથી ખૂબ પ્રભાવિત થયા હોય?
શરીર પોતાની જાતે સાજું થાય છે એ મેં જોયું ત્યારે, મને ખૂબ જ આશ્ચર્ય થયું
હા, મને યાદ છે કે મેં એક સોળ વર્ષની છોકરીની સારવાર કરી હતી. ગંભીર અકસ્માતને લીધે તેની પરિસ્થિતિ ખૂબ નાજુક હતી. તેની બરોળમાં ચીરા પડ્યા હતા અને અંદરને અંદર લોહી વહેતું હતું. વર્ષો પહેલાં બરોળને કાઢી નાખવા કે રીપેર કરવા સર્જરી કરવી પડતી. પરંતુ, આજે ડૉક્ટરો શરીર પોતાની જાતે જે રીતે સાજું થાય છે એના પર આધાર રાખે છે. મેં ફક્ત તેને લાગેલા ચેપની, શરીરમાંથી વહી ગયેલા પ્રવાહીની, ઍનિમિયાની અને દુખાવાની સારવાર કરી હતી. અમુક અઠવાડિયા પછી તેના રિપોર્ટમાં આવ્યું કે તેની બરોળ સાજી થઈ ગઈ છે! શરીર પોતાની જાતે સાજું થાય છે એ મેં જોયું ત્યારે, મને ખૂબ જ આશ્ચર્ય થયું. મને ખાતરી થઈ કે આપણી રચના ઈશ્વરે જ કરી છે.
યહોવાના સાક્ષીઓની કઈ બાબત તમને ગમી?
તેઓ ખૂબ મળતાવડા હતા. મારા દરેક સવાલનો જવાબ બાઇબલમાંથી આપતા હતા. તેઓ જે હિંમતથી પોતાની માન્યતાઓ જણાવતા અને બીજાઓને ઈશ્વર વિશે શીખવા મદદ કરતા, એની હું ઘણી કદર કરતો હતો.
યહોવાના સાક્ષી બનવાથી તમારા કામમાં કોઈ મદદ મળી?
હા. બીમાર અને જખમી લોકો સાથે કાયમ રહેવાથી ઘણા ડૉક્ટર અને નર્સમાં લાગણી જેવું કંઈ રહેતું નથી. પરંતુ, યહોવાના સાક્ષી બનવાથી મારી લાગણીઓ બહેર મારી ગઈ ન હતી. ઉપરાંત, દર્દી વાત કરવા આવતા ત્યારે આપણા સર્જનહારે આપેલા આ વચન વિશે હું તેઓને જણાવતો: ઈશ્વર બીમારીઓ અને દુઃખ-તકલીફોનો * અંત લાવશે. તેમ જ, એવી દુનિયા લાવશે જ્યારે કોઈ એમ નહિ કહે કે, “હું માંદો છું.” * (g14-E 05)