સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

કુટુંબ માટે મદદ | બાળકોનો ઉછેર

તમારા તરુણો સાથે સેક્સટીંગ વિશે કેવી રીતે વાત કરશો

તમારા તરુણો સાથે સેક્સટીંગ વિશે કેવી રીતે વાત કરશો

મુશ્કેલી

તમે સાંભળ્યું હશે કે યુવાનોમાં સેક્સટીંગ સામાન્ય છે. કદાચ તમને સવાલ થશે કે ‘શું મારું તરુણ બાળક એવું કરે?’

તમે તમારા બાળક સાથે એ વિશે વાત કરવા ચાહો છો, પણ વાત કરવી કેવી રીતે? જવાબ આપતા પહેલાં, વિચાર કરો કે અમુક યુવાનો કેમ સેક્સટીંગ કરે છે અને તમારે એના વિશે કેમ ચિંતા કરવી જોઈએ. *

એવું શા માટે બને છે?

  • અમુક યુવાનો પોતાને ગમતી વ્યક્તિ સાથે ચેનચાળા કરવા જાતીય લાગણી ઉશ્કેરતા સંદેશા મોકલે છે.

  • બીજા કિસ્સાઓમાં, છોકરાના દબાણને લીધે છોકરી પોતાનો અશ્લીલ ફોટો મોકલે છે.

  • અમુક વાર કોઈ છોકરો કોઈક છોકરીનો અશ્લીલ ફોટો એક સાથે ઘણા બધાને મોકલે, જેથી તેના મિત્રોને મજા આવે અથવા એ છોકરી સાથે તેનો સંબંધ તૂટી ગયો હોવાથી એનો બદલો લઈ શકે.

ગમે એ કારણ હોય જ્યારે કોઈ તરુણના હાથમાં મોબાઈલ આવે, ત્યારે ઘણી તકલીફ ઊભી થઈ શકે છે. સાઇબરસેફ નામનું પુસ્તક કહે છે, ‘ફક્ત એક સંદેશાથી જીવન હંમેશ માટે બદલાય જઈ શકે છે.’

ઘણા લોકો એ સમજતા નથી કે એક વાર ફોટો ઓનલાઇન જાય, પછી એ ફોટો કઈ રીતે વપરાશે, એના પર મોકલનારનો કોઈ કાબૂ રહેતો નથી. યુ.એસ. ફેડરલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટીગેશનના અહેવાલ પ્રમાણે, એક કિસ્સામાં અઢાર વર્ષની છોકરીએ “તેના પ્રેમીને પોતાનો નગ્ન ફોટો મોબાઇલથી મોકલ્યો હતો, જે તેની સ્કૂલના ઘણા તરુણોને મોકલવામાં આવ્યો હોવાથી છોકરીએ આત્મહત્યા કરી લીધી. એમ માનવામાં આવે છે કે બીજા વિદ્યાર્થીઓ એ ફોટો બીજાઓને મોકલતા રહીને, એ છોકરીને હેરાન-પરેશાન કરતા હતા.”

સેક્સટીંગથી કાયદાને લગતી તકલીફો પણ ઊભી થાય છે. દાખલા તરીકે, નાની ઉંમરના અમુક તરુણોએ બીજા તરુણોને જાતીય લાગણી ઉશ્કેરતા ફોટા મોકલ્યા છે. તેઓ પર બાળકોને પોર્નોગ્રાફી બતાવવાનો આરોપ મૂકવામાં આવ્યો છે અને તેઓએ જાતીય ગુનેગાર તરીકે નોંધણી કરાવવી પડી છે! મા કે બાપ તરીકે જો તમારું નામ મોબાઇલના કોન્ટ્રાક્ટમાં હોય અથવા જો તમે તમારા બાળકને સેક્સટીંગ કરતા રોકવા માટે પૂરતાં પગલાં લીધાં ન હોય, તો તમે પણ જવાબદાર ઠરી શકો છો.

તમે શું કરી શકો?

નિયમો બનાવો. ખરું કે તમારા તરુણના ફોનના વપરાશ પર તમે પૂરેપૂરો કાબૂ રાખી શકશો નહિ. તોપણ, ખાતરી કરી શકો કે તમારા દીકરા કે દીકરીને તમારા નિયમોની જાણ હોય અને એ તોડવાથી કયાં પરિણામ આવશે એની પણ ખબર હોય. એ પણ ભૂલશો નહિ કે મા કે બાપ તરીકે તમારા તરુણના ફોન પર નજર રાખવી, એ તમારો હક્ક છે.—બાઇબલ સિદ્ધાંત: એફેસી ૬:૧.

તમારા તરુણને તકલીફ સમજવા મદદ કરો. તમે કહી શકો: “સેક્સટીંગ એટલે શું એના વિશે લોકોના અનેક વિચારો છે. એ વિશે તારું શું માનવું છે?” “તારા મને કેવા ફોટા અયોગ્ય ગણાય?” “અમુક જગ્યાએ કાયદા પ્રમાણે કોઈ તરુણ બીજા તરુણનો નગ્ન ફોટો ફોનથી મોકલે તો તે ગુનેગાર ગણાય. શું એ એટલું ખરાબ કહેવાય કે જેના માટે સજા થાય? તને શું લાગે છે?” “સેક્સટીંગ કેમ ખોટું કહેવાય?” તમારા દીકરા કે દીકરીના વિચારો ધ્યાનથી સાંભળો ને તેને મદદ કરો કે તે એનાં પરિણામોનો પણ વિચાર કરે.—બાઇબલ સિદ્ધાંત: હિબ્રૂ ૫:૧૪.

સંદેશો મોકલવાનાં પરિણામો વિચારો

એક દૃશ્યની કલ્પના કરવાનું કહો. તમારી દીકરીને આમ કહી શકો: ‘કલ્પના કર કે એક છોકરો કોઈ છોકરીને “સેક્સટીંગ” કરવાનું દબાણ કરે તો, તેણે શું કરવું જોઈએ? શું તેણે એમ કરવું જોઈએ, જેથી દોસ્તી તૂટે નહિ? તેની માંગનો ઇનકાર કરવો, પણ ચેનચાળા ચાલુ રાખવા જોઈએ? શું દોસ્તી તોડી નાખવી? કોઈ મોટી વ્યક્તિને જણાવવું?’ એના વિશે વિચારવા તમારી દીકરીને મદદ કરો. ચોક્કસ, તમારા દીકરા સાથે પણ તમે આમ જ કરી શકો.—બાઇબલ સિદ્ધાંત: ગલાતી ૬:૭.

તમારા તરુણને સારા ગુણો વધારે કેળવવા ઉત્તેજન આપો. આવા સવાલો પૂછો: ‘સારી શાખ તારા માટે કેટલી મહત્ત્વની છે? તારા કયા ગુણોથી તું જાણીતો થવા માંગે છે? જો તું કોઈને અયોગ્ય ફોટો મોકલીને શરમાવે, તો તને તારા વિશે કેવું લાગશે? જે ખરું છે એનો તું પક્ષ લે તો, તને કેવું લાગશે?’ તમારા તરુણને “શુદ્ધ અંતઃકરણ” રાખવા મદદ કરો.—૧ પીતર ૩:૧૬.

તમે પોતે સારો દાખલો બેસાડો. બાઇબલ કહે છે કે ઈશ્વર પાસેથી આવતી સમજણ પવિત્ર ને ઢોંગ વગરની છે. (યાકૂબ ૩:૧૭) શું તમારી રહેણી-કરણીમાં એ જોવા મળે છે? “આપણે પોતે સારો દાખલો બેસાડવો જોઈએ; એવાં ચિત્રો અને વેબસાઇટ ન જોવાં જોઈએ, જે અયોગ્ય હોય અને કાયદાનો ભંગ કરતા હોય,” એવું સાઇબરસેફ પુસ્તક કહે છે. (g13-E 11)

^ ફકરો. 5 “સેક્સટીંગ” એટલે જાતીય વાસના ઉશ્કેરે એવા સંદેશા, ફોટા કે વીડિયો મોબાઈલ ફોનથી મોકલવા. વધારે માહિતી માટે, jw.org વેબસાઇટ પર જાઓ અને આ લેખ ઓનલાઇન વાંચો: “યંગ પીપલ આસ્ક—વોટ શુડ આઇ નો અબાઉટ સેક્સટીંગ?”—BIBLE TEACHINGS > TEENAGERS વિભાગ જુઓ.