પગલું ૩ કસરત કરો
પગલું ૩ કસરત કરો
“જો કસરત એક ગોળી હોય, તો દુનિયાના મોટા ભાગના ડૉક્ટર દર્દીઓને એ જ લખી આપે.”—એમોરી યુનિવર્સિટી સ્કૂલ ઑફ મેડિસિન. આપણે તંદુરસ્ત રહેવા જે કંઈ કરીએ છીએ એમાંથી કસરત સૌથી વધારે અસરકારક છે.
❍ જરૂરી કસરત કરો. બેઠાડાં જીવનને બદલે શરીરને કસવાથી ઘણી મદદ મળે છે. જેમ કે, ખુશ રહીશું, સારી રીતે વિચારી શકીશું, વધારે શક્તિ હશે, વધારે કામ કરી શકીશું. યોગ્ય ખોરાક લઈશું તો વજન પણ કાબૂમાં રહેશે. હદ ઉપરાંત કે દુખાવો થાય એવી કોઈ પણ કસરત ન કરવી જોઈએ. અઠવાડિયાના અમુક દિવસો યોગ્ય કસરત નિયમિત કરવામાં આવે તો, એનાથી ફાયદો થાય છે.
હળવેથી દોડવું, ઝડપથી ચાલવું, સાઇકલ ચલાવવી અને શરીરને કસરત મળે એવી રમતમાં ભાગ લો. એનાથી તમારું હૃદય ઝડપથી ધબકશે અને પરસેવો થશે. તમારું શરીર મજબૂત થશે, હૃદયરોગનો હુમલો અને સ્ટ્રોક જેવી બીમારી ટાળી શકશો. એરોબિક સાથે ક્ષમતા પ્રમાણે વજન ઉપાડવાની કસરત અને સાદી કસરતથી તમારા હાડકાં, સ્નાયુઓ અને હાથ-પગ મજબૂત થશે. એનાથી પાચનશક્તિ સુધરશે અને વજન પણ કાબૂમાં રહેશે.
❍ ચાલવા જાઓ. ગમે તે ઉંમરની વ્યક્તિને કસરતથી ફાયદો થાય છે. એના માટે જિમના સભ્ય હોવું જરૂરી નથી. કાર, બસ કે લિફ્ટ વાપરવાને બદલે ચાલીને જવાની શરૂઆત કરી શકો. જો મંજિલ સુધી ચાલીને જઈ શકતા હોવ, તો વાહનની રાહ શું કામ જોવી? કેટલીક વાર ચાલીને વહેલા પહોંચી શકાય. માબાપો, તમારા બાળકોને ઉત્તેજન આપો કે શક્ય હોય ત્યારે બહારની રમતો રમે. એનાથી તેઓનું શરીર મજબૂત થશે અને બધા અંગો સુમેળમાં કામ કરશે. આવો લાભ વિડીયો ગેમ જેવી બેઠાડી રમતોમાંથી નહિ મળે.
યોગ્ય કસરત શરૂ કરો, પછી ભલે ગમે તેટલી ઉંમર હોય. એનાથી ચોક્કસ ફાયદો થશે. જો ઉંમર અથવા તંદુરસ્તીને લીધે અને ક્યારેય કસરત ન કરી હોય, તો એ શરૂ કરવા માટે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. પણ કસરત ચાલુ કરો. ઉંમરવાળી વ્યક્તિએ શરૂઆતમાં કસરત ધીમે ધીમે કરવી જોઈએ. તેમ જ, વધારે પડતી ન કરવી જોઈએ. એનાથી તેના સ્નાયુ અને હાડકાં મજબૂત થતા જશે. અને વ્યક્તિ હરતા ફરતાં સહેલાઈથી પડી નહિ જાય.
પહેલા લેખમાં આપણે રુસ્તમ વિષે જોયું. રુસ્તમને કસરત કરવાથી મદદ મળી. સાત વર્ષ પહેલાં તેમણે અને તેમની પત્નીએ અઠવાડિયામાં પાંચ દિવસ સવારે હળવેથી દોડવા જવાનું શરૂ કર્યું. એ વિષે રુસ્તમ જણાવે છે, “શરૂઆતમાં અમે ન દોડવાના બહાના કાઢતા. પણ બે જણ હોવાથી અમે એકબીજાને દોડવાનું ઉત્તેજન આપતા. અને હવે એ જીવનનો ભાગ બની ગયું છે. આજે અમને દોડવાની ખૂબ મઝા આવે છે.” (g11-E 03)
[પાન ૬ પર ચિત્રનું મથાળું]
ચાલવાની મઝા માણો