શા માટે શરીરની સંભાળ રાખવી જોઈએ?
યુવાનો પૂછે છે
શા માટે શરીરની સંભાળ રાખવી જોઈએ?
તમે જે ધ્યેયને પહોંચવા માગો છો ત્યાં ટિક ✔ કરો.
❍ વજન ઘટાડવું
❍ દેખાવ વધારે સારો બનાવવો
❍ વધારે તાકાત મેળવવી
❍ મગજ બરાબર કામ કરે
❍ ચિંતાઓ ઘટાડવી
❍ ગુસ્સા પર કાબૂ રાખવો
❍ આત્મવિશ્વાસ વધારવો
જી વનમાં ઘણી એવી બાબતો છે જે તમારા હાથમાં નથી. જેમ કે તમારા માબાપ અને ભાઈ-બહેનો કોણ હશે અને તમે ક્યાં રહેશો. જોકે તમારી તંદુરસ્તી તમારા હાથમાં છે. તમે હમણાં તંદુરસ્ત છો કે નહિ એ તમારી જીવનશૈલી પર આધાર રાખે છે. *
અમુકને થશે કે ‘હું તો હજુ યુવાન છું મારે તંદુરસ્તીની ચિંતા કરવાની કોઈ જરૂર નથી!’ શું આવું વિચારવું બરાબર છે? ઉપર આપેલા ધ્યેયોનો વિચાર કરો. એમાંથી તમે કેટલા ટિક કર્યા છે? તમે માનો કે ન માનો પણ સારી તંદુરસ્તી હશે તો તમે એમાંના બધાં જ ધ્યેયને પહોંચી વળશો.
તમે ૧૭ વર્ષની અંબર જેવું કદાચ વિચારતા હોવ. * તેણે કહ્યું, ‘હું રોજ જાડા લોટમાંથી બનાવેલ અને ઓછી ચરબીવાળો કે ગળપણ વગરનો ખોરાક ખાઈને ચલાવી ના શકું.’ જો તમે પણ એવું વિચારતા હોવ તો ચિંતા ના કરશો. તમારે ફિટ રહેવા દરરોજ બહુ સમય સુધી જોગિંગ કે કસરત કરવાની જરૂર નથી. તેમ જ સ્વીટ ખાવાની બિલકુલ બંધ કરવાની જરૂર નથી. ફક્ત જીવનમાં થોડાં જ સાદા ફેરફારો કરવાથી તમારો દેખાવ સુધરશે. વજન ઘટાડી શકશો. શક્તિમાં વધારો થશે. આવાં સારાં પરિણામોથી તમને ઘણી ખુશી થશે. ચાલો જોઈએ અમુક યુવાનોએ જીવનશૈલીમાં કેવા ફેરફાર કર્યા છે.
સારું ખાવ, તંદુરસ્ત રહો
બાઇબલ ઉત્તેજન આપે છે કે આપણે માપમાં ખાવું-પીવું જોઈએ. નીતિવચનો ૨૩:૨૦ કહે છે: ‘ખાઉધરાની સોબત ન રાખો.’ એટલે આપણે જરૂર કરતા વધારે ખાવું જોઈએ નહિ. આ સલાહ પાળવી દરેક વખતે સહેલી હોતી નથી.
• ‘જ્યારે જુઓ ત્યારે હું ભૂખ્યો ને ભૂખ્યો.’—૧૫ વર્ષનો એન્ડ્રુ.
• “મને ખબર નથી કે કયો ખોરાક ખાવાથી મારા શરીરને નુકસાન થશે, એટલે હું બધું જ ખાઈ લઉં છું.”—૧૯ વર્ષની ડાન્યેલા.
જ્યારે ખાનપાનની વાત આવે ત્યારે તમારે કઈ બાબતો પર ધ્યાન રાખવું જોઈએ? નીચે જણાવવામાં આવ્યું છે કે અમુક યુવાનો શું કરે છે.
ખાવા પર કાબૂ રાખો. ૧૯ વર્ષની જુલિયા કહે છે, “હું પહેલા મારા ખાવાની કેલરી ગણતી હતી. પણ હવે કેલરી ગણવાને બદલે મારું પેટ ભરાઈ જાય એટલે હું ઊભી થઈ જઉં છું.”
જંક-ફૂડ ખાવાનું ટાળો. ૨૧ વર્ષનો પીટર કહે છે, “મેં જ્યારે સોડા પીવાની છોડી દીધી ત્યારે એક મહિનામાં મારું વજન ૫ કિલો ઊતરી ગયું!”
ખાવાની ટેવમાં સુધારો કરો. ૧૯ વર્ષની એરિન કહે છે, ‘હું પ્રયત્ન કરું છું કે થાળીમાં જે ખાવાનું લીધું હોય એનાથી વધારે ન લઉં.’
સફળ થવાનો ઉપાય: સમયસર ભોજન કરો. જો એવું નહિ કરો તો તમને પછીથી વધારે ભૂખ લાગશે અને વધારે પડતું ઝાપટી જશો.
કસરત કરવાથી તંદુરસ્ત બનશો
બાઇબલમાં જણાવ્યું છે કે ‘શરીરની કસરત ઉપયોગી છે.’ (૧ તીમોથી ૪:૮) જોકે ઘણા યુવાનોને કસરત કરવાનું ગમતું નથી.
• “જ્યારે હું હાઇસ્કૂલમાં હતો ત્યારે ઘણા યુવાનો પી.ટી. જેવા વિષયમાં ફેલ થતાં હતાં. એ વિષયમાં પાસ થવું, મોંમાં કોળિયો મૂકીએ એટલું સહેલું હતું.”—રિચર્ડ, ૨૧ વર્ષ.
• “અમુક કહે છે કે તાપમાં રમવું અને પસીનાથી રેબઝેબ થવાને બદલ કેમ નહિ કે ઘરમાં બેસીને વીડિયો ગેમ રમીએ. આમ તમારે પોતે દોડા-દોડી નહિ કરવી પડે, તમે વીડિયો ગેઇમમાં રહેલા પાત્રને એમ કરાવી શકો.”—રૂથ, ૨૨ વર્ષ.
શું “કસરત” શબ્દ સાંભળીને તમને ટાઢ ચઢી જાય છે? જો એમ હોય તો કસરત કરવાથી થતાં ત્રણ ફાયદા નીચે જણાવ્યા છે. જે વાંચીને કદાચ તમને નિયમિત રીતે કસરત કરવાનું મન થશે.
૧. કસરત કરવાથી બીમાર ઓછા થશો. ૧૯ વર્ષની રેચલ કહે છે, “મારા પપ્પા હંમેશાં કહે છે ‘જો તું કસરત કરવા માટે સમય નહિ કાઢે, તો બીમાર થવા તૈયાર રહેજે.’”
૨. કસરત કરવાથી, ટેન્શન ઘટે છે. ૧૬ વર્ષની એમિલી કહે છે, “જ્યારે હું ચિંતામાં હોઉં ત્યારે દોડવાની કસરત કરવાથી મનને શાંતિ મળે છે. શરીરમાં તાજગી હોય એવું લાગે છે, અને ચિંતા ઓછી થઈ હોય એવું લાગે છે.”
૩. કસરત કરવાથી તમને વધારે મજા આવશે. ૨૨ વર્ષની રૂથ કહે છે, “મને ઘરમાં ભરાઈ રહેવા કરતાં ખુલ્લામાં રહેવાનું વધારે ગમે છે. શરીરને કસરત મળે એ માટે હું ચાલવા જઉં છું, સ્વીમીંગ કરું છું અને સાયકલ ચલાવું છું”
સફળ થવાનો ઉપાય: અઠવાડિયામાં ત્રણ વખત કમસેકમ ૨૦ મિનિટ શરીરને બરાબર કસરત મળે એવું કંઈક કરો, જે તમને કરવું ગમતું હોય.
પૂરતી ઊંઘ લો, તાજામાજા રહો!
બાઇબલ કહે છે, ‘સખત મહેનત કરીને તથા પવનમાં ફાંફાં મારીને ખોબો મેળવવા કરતાં શાંતિ સહિત મુઠ્ઠીભર મળે એ સારૂં છે.’ (સભાશિક્ષક ૪:૬) જો તમે પૂરતી ઊંઘ નહિ લો તો કંઈ પણ કરશો એમાં તમારી મહેનત માથે પડશે.
• “જો મને પૂરતી ઊંઘ ના મળે તો મારું મગજ બરાબર કામ ન કરે. પછી હું કોઈ પણ કામ સરખી રીતે કરી શકતી નથી.”—રેચલ, ૧૯ વર્ષની.
• “બપોરના બે વાગ્યાની આસપાસ હું એટલી થાકી ગઈ હોવ છું કે વાત કરતા કરતા ઝોકાં ખાવાં માંડું છું.”—ક્રિસ્ટીન, ૧૯ વર્ષની.
શું તમારે વધારે ઊંઘની જરૂર છે? અહીં બીજા યુવાનોએ શું કર્યું છે એ જણાવ્યું છે.
મોડે સુધી ના જાગો. ૧૮ વર્ષની કેથરીન કહે છે, “હું કોશિશ કરું છું કે મોડા સૂવાને બદલે વહેલી સૂઈ જઉં.”
મોડે સુધી મિત્રો જોડે ગપ્પાં ના મારો. ૨૧ વર્ષનો રિચર્ડ કહે છે, “અમુક વખતે મિત્રો મોડી રાત્રે ફોન કરે અથવા મૅસેજ મોકલે છે. પણ હવે હું વાત ટૂંકાવીને જલદી સૂઈ જાઉં છું.”
સારું રૂટિન જાળવો. ૨૦ વર્ષની જેનિફર કહે છે, “હું પ્રયત્ન કરું છું કે રોજનું સૂવાનું અને ઊઠવાનું રૂટિન જાળવી રાખું.”
સફળ થવાનો ઉપાય: દરરોજ આઠથી દસ કલાકની ઊંઘ મેળવવાની કોશિશ કરો.
આ લેખમાં કરેલ ત્રણ બાબતોની ચર્ચામાંથી તમારે શાના પર વધારે ધ્યાન આપવાની જરૂર છે?
❍ ખોરાક ❍ કસરત ❍ ઊંઘ
તમે જેમાં સુધારો કરવા માગો છો એને નીચે લખી લો.
․․․․․
તમે અમુક પગલાં ભરીને તંદુરસ્તી જાળવી શકો છો. યાદ રાખો કે તંદુરસ્તી સારી હશે તો તમે સારા દેખાશો, વધુ ખુશ હશો અને કોઈ પણ કામ મન મૂકીને કરી શકશો. એ સાચું છે કે જીવનમાં એવી અનેક બાબતો છે જેના પર તમે કોઈ કાબૂ રાખી શકતા નથી. પણ ૧૯ વર્ષની એરિન કહે છે ‘તમારી તંદુરસ્તી તમારા હાથમાં છે.’ (g10-E 06)
“યુવાનો પૂછે છે” વિષય પર વધારે લેખો માટે આ વેબસાઈટ જુઓ: www.watchtower.org/ype
[ફુટનોટ્સ]
^ અમને ખબર છે કે ઘણા લોકો અમુક બીમારી કે અપંગતાનો ભોગ બનેલા છે. એનો ઇલાજ ખાસ કંઈ નથી. અમુક એવી બીમારીઓ વારસામાં મળી હોઈ શકે. તો પણ તમારા સંજોગોને ધ્યાનમાં લેતા તંદુરસ્તીમાં સુધારો કરવા આ લેખમાંથી અમુક અંશે મદદ મળશે.
^ આ લેખમાં અમુક નામો બદલ્યાં છે.
[પાન ૨૪ પર ચિત્રનું મથાળું]
આના વિષે વિચાર કરો
● શરીરની સંભાળ રાખવાથી કેવી રીતે તમારો આત્મવિશ્વાસ વધશે?
● જ્યારે તમારી પોતાની તંદુરસ્તીની વાત આવે છે ત્યારે તમે કેવી રીતે સમજણથી વર્તી શકો?
[પાન ૨૩ પર ચિત્રનું મથાળું]
બીજા યુવાનો શું કહે છે?
“કારની સંભાળ રાખવી તેના માલિકના હાથમાં છે, એવી જ રીતે મારી તંદુરસ્તી જાળવવી મારા હાથમાં છે. એટલા માટે હું કસરત કરું છું.” - ઈથન
“કસરત કરવામાં કોઈ ફ્રેન્ડ સાથે હોય તો તમને ઉત્સાહ મળશે. ફ્રેન્ડને કંપની મળી રહે એવું ચાહશો.” - બ્રિયાના
“જ્યારે હું કસરત કરું છું તો મને સારું લાગે છે. મારો દેખાવ સુધરતો હોય એવું લાગે છે. અને મારો આત્મવિશ્વાસ વધે છે.” - એમિલિ