શું શ્રદ્ધા અંધશ્રદ્ધાનો સાથ લેશે? શું પ્રકાશ અંધકારનો સાથ લેશે?
બાઇબલ શું કહે છે
શું શ્રદ્ધા અંધશ્રદ્ધાનો સાથ લેશે? શું પ્રકાશ અંધકારનો સાથ લેશે?
એક લેખકને જ્યોતિષીએ કહ્યું કે, ‘તમારું મોત વિમાન અકસ્માતમાં થશે.’ એ પછી તો લેખકે ડરી ડરીને એક વર્ષ વિમાનમાં પગ જ ન મૂક્યો. જો કે, આ તો ફક્ત એક લેખકની વાત છે. પણ લેખક હોય કે નેતા, સ્ટુડન્ટ હોય કે ઍક્ટરો, વેપારીઓ હોય કે ઘરાકો, બધાય કંઈક અંશે વહેમથી બંધાયેલા હોય છે અને જ્યોતિષીઓ પાસે દોડતા જાય છે.
ઘણા લોકો શુકન-અપશુકનમાં માને, જોષ જોવડાવે. રાશિઓ જોવડાવે કંઈ નડે છે કે નહિ, એ જોવા ભૂવાઓ પાસે જાય, માનતા રાખે અને છેવટે મનમાં એક જાતની હળવાશ અનુભવે. આવી પરંપરાનો અભ્યાસ કરનાર માર્ગરેટ મિડે જણાવ્યું કે, “આપણે આવા બધામાં માનીએ છીએ, વહેમીલા બનીએ છીએ. એનું કારણ એ જ કે, બસ આપણું કંઈક સારું થાય અને જરા શંકા દૂર થાય. ક્યારેક આપણને એમ લાગે કે આ બધુંય સાચું છે. ક્યારેક એમ લાગે કે ના આ બધુંય ખોટું છે, આમાં ન માનવું જોઈએ. બસ આમ ને આમ જીવનની ગાડી ખેંચી કાઢીએ છીએ.” પણ આપણે તો એ જોવું છે કે સાચું શું છે? શું ઈશ્વર આપણને શીખવે છે કે આપણે એવી અંધશ્રદ્ધામાં બંધાયેલા રહીએ?
અંધશ્રદ્ધા ક્યાંથી શરૂ થઈ?
માનવી આખી જિંદગી બીકથી, ડરથી, વહેમથી, શંકાથી જ જીવતો આવ્યો છે. મોતની બીક, મોત પછી શું થશે એની બીક, કંઈ નડે છે એની બીક, કોઈએ કરી મૂક્યું છે એની બીક. બીક બીક ને બીક! બીકનો માર્યો માનવી જીવતો આવ્યો છે. આવી બીકમાં, આવા ડરમાં આપણને ભગવાન નથી બાંધી રાખતો, પણ શેતાન બાંધી રાખે છે. શેતાન જ આપણાં મનમાં ખોટું ભૂસું ભરે છે. એ જ આપણને સાચા ઈશ્વરથી વિખૂટા પાડે છે. (યોહાન ૮:૪૪; પ્રકટીકરણ ૧૨:૯) શેતાન એકલો નથી એની સાથે બીજા દૂતો પણ છે. આ દૂતો પણ શેતાન જેવા જ છે. ખાસ કરીને નુહના જમાનામાં, તેઓએ શેતાનને સાથ આપ્યો યહોવાહને નહિ. (માત્થી ૧૨:૨૪-૨૭) તેઓ આપણાં મગજને ફેરવે છે. ઊંધું ઊંધું શીખવે છે. આપણને બીવડાવે છે. આપણામાં વહેમ અને શંકાનાં બી રોપે છે. આમને આમ આપણને અંધશ્રદ્ધાના વમળમાં ફસાવે છે.—ઉત્પત્તિ ૬:૧, ૨; લુક ૮:૨, ૩૦; યહુદા ૬.
શેતાને શુકન-અપશુકન જેવી માનતા ઊભી કરી છે. હજારો લોકોને એવી માનતામાં ફસાવ્યા છે. શેતાન જ શીખવે છે કે જ્યારે કોઈ ગુજરી જાય, ત્યારે તેનો આત્મા રહે છે અને આપણને હેરાન કરી શકે છે. જો કે, ભગવાન એવું નથી શીખવતા. ભગવાન તો સીધેસીધું જણાવે છે કે, આપણે એક દિવસ મરવાના છીએ. મરી ગયા પછી તો આપણે કંઈ જાણી શકતા નથી, કંઈ વિચારી શકતા નથી, કંઈ કરી શકતા નથી.—સભાશિક્ષક ૯:૫, ૧૦.
યહોવાહ અંધશ્રદ્ધાને ધિક્કારે છે
સાચા ઈશ્વર યહોવાહે આજ્ઞા આપી છે કે, કોઈએ પોતાના દીકરા કે દીકરીને અગ્નિમાં બલિ તરીકે હોમવા નહિ, જોષ કે શુકન જોવાં નહિ, ધંતરમંતર કરવા નહિ કે જાદુક્રિયા કરવી પુનર્નિયમ ૧૮:૧૦-૧૨.
નહિ, મેલી વિદ્યા કરવી નહિ, ભૂવાનું કામ ન કરવું. ભૂતપલીત કે પ્રેતાત્માઓથી દુર રહો. જેઓ એવું બધું કરે છે તેઓને યહોવાહ ધિક્કારે છે. —યહોવાહના ભક્તોએ પણ તેમની આજ્ઞા ન પાળી. જેમ કે, યશાયાહના જમાનામાં, યહોવાહના સેવકોએ જ તેમની ભક્તિ કરવાનું છોડી દીધું. યહોવાહની આજ્ઞા પાળવાનું છોડી દીધું. શંકા અને અંધશ્રદ્ધાના વમળમાં ફસાઈ ગયા. તેઓ ખેડૂત હતા અને તેઓને એમ કે જો સારો પાક મેળવવો હોય, તો સૌભાગ્યની દેવીને ભજવું જોઈએ. તેઓ તો સારો પાક મેળવવા સૌભાગ્ય દેવીને જાત-જાતની સ્વાદિષ્ટ વાનગીનો પ્રસાદ ધરવા લાગ્યા. પણ આવી અંધશ્રદ્ધાને નોતરું આપનારાઓએ, યહોવાહની કૃપા ગુમાવી.—યશાયાહ ૬૫:૧૧, ૧૨.
ખ્રિસ્તીઓ પણ અંધશ્રદ્ધાના વમળમાં અટવાઈ ગયા હતા. યહોવાહે તેઓને જણાવ્યું કે, ખોટી બાબતોની પૂજા કરવાનું, શુકન-અપશુકનમાં માનવાનું બંધ કરો, તેઓને તજી દો. અને આકાશ, પૃથ્વી સમુદ્ર, સઘળું ઉત્પન્ન કરનાર જીવતા દેવ, યહોવાહની ભક્તિ કરો.—પ્રેરિતોનાં કૃત્યો ૧૪:૧૫.
અંધશ્રદ્ધાના વમળમાંથી છૂટો
આજે તો ખૂણે-ખૂણે વહેમ, અંધશ્રદ્ધા, શંકા, શુકન- અપશુકનનાં જાળાં બાજી ગયા છે. એને કોઈ ઉકેલી શકતું નથી કે કોઈ સમજાવી શકતું નથી. જે લોકો એમાં ફસાયા છે, જે લોકો એમાં માને છે, તેઓ જીવનની ચડતી-પડતીનો દોષ, શુકન-અપશુકન પર ઢોળી દે છે. પોતાની જવાબદારીમાંથી છટકી જાય છે.
આ બધાયમાંથી છૂટવાનો ફક્ત એક જ રસ્તો છે. ઈસુએ કહ્યું કે “તમે સત્ય જાણશો, અને સત્ય તમને મુક્ત કરશે.” (યોહાન ૮:૩૨) ખરેખર ઘણા અંધશ્રદ્ધાના ફાંદામાંથી મુક્ત થઈ શક્યા છે. એક સ્ત્રીને ૨૫ વર્ષથી જોષ જોવાની ટેવ હતી. તે કહે છે કે ‘હું લોકોના જોષ જોઈજોઈને પૈસા કમાતી. પણ પછી બાઇબલમાંથી શીખી કે એ બધું ખોટું છે. મેં જોષ-બોષ જોવાનું છોડી દીધું. પછી જ મને થયું કે હાશ, હું એ કાદવમાંથી નીકળી.’ આપણે બાઇબલ વાંચીશું, એમાંથી શીખીશું, યહોવાહને પ્રાર્થના કરીશું તો, જીવનની જવાબદારી પોતે નિભાવી શકીશું. જીવનમાં ચડતી કે પડતી આવે ત્યારે, શુકન-અપશુકન પર દોષનો ટોપલો નહિ ઢોળીએ, પણ સાચા ઈશ્વર યહોવાહના સથવારાથી એને આંબી શકીશું.—ફિલિપી ૪:૬, ૭, ૧૩.
બાઇબલમાં લખ્યું છે કે ‘અવિશ્વાસીઓની સાથે અઘટિત સંબંધ ન રાખો. ઈશ્વરના લોકો અને પાપી લોકો વચ્ચે કેવી રીતે સંગત હોઈ શકે? પ્રકાશ અને અંધકાર સાથે રહી શકે ખરો? શું ખ્રિસ્ત અને શેતાનની વચ્ચે સંબંધ હોઈ શકે?’ આપણે અંધકાર, અંધશ્રદ્ધા, શંકા, શુકન-અપશુકનથી દૂર રહેવું જોઈએ. ખૂબ જ દૂર રહેવું જોઈએ.—૨ કરિંથી ૬:૧૪-૧૬, IBSI. (g08 03)
શું તમે કદી વિચાર્યું છે?
▪ યશાયાહના જમાનામાં યહોવાહના લોકો કોના પર ભરોસો મૂકવા લાગ્યા?—યશાયાહ ૬૫:૧૧, ૧૨.
▪ અંધશ્રદ્ધાના વમળમાં ફસાઈ ગયા હતા એવા ખ્રિસ્તીઓને પાઊલે શું કહ્યું?—પ્રેરિતોનાં કૃત્યો ૧૪:૧૫.
▪ શા માટે યહોવાહના સેવકોએ કોઈ જાતની અંધશ્રદ્ધામાં માનવું ન જોઈએ?—૨ કોરીંથી ૬:૧૪-૧૬.