જ્યાં જુઓ ત્યાં ગુના, ગુના ને ગુના!
જ્યાં જુઓ ત્યાં ગુના, ગુના ને ગુના!
▪ સ્ટુડન્ટનું મગજ ચસક્યું. બે બંદૂકથી સ્કૂલમાં ૩૨ લોકોને ઉડાવી દીધા.
▪ ચાર વરસની છોકરીનું અપહરણ. માબાપનું જીવવું હરામ.
▪ પંદર વર્ષના છોકરાએ કરેલું ખૂન. ફ્રેન્ડ્ઝની મદદથી છુપાવી રાખેલું શબ. બે અઠવાડિયા પછી કબૂલાત, બધું ફક્ત મજા માટે!
▪ બાળકોને શિકાર બનાવવા ઇન્ટરનેટ પર ટિપ્સની આપ-લે કરતા હવસખોરો.
આજના સમાચારમાં રૂંવાડાં ઊભા કરી નાખતી આવી જ ખબરો હોય છે. શું તમે આવા કોઈ ગુનાના ભોગ બન્યા છો? અરે, જે દેશો એક સમયે સલામત ગણાતા, એમાં પણ આજે હિંસા અને ગુનાનો કોઈ પાર નથી. આખી દુનિયામાં લાખો લોકો ડરમાં જ જીવે છે. અમુક દેશોના સમાચાર જોઈએ.
જાપાન: એશિયા ટાઇમ્સના રિપોર્ટ પ્રમાણે, ‘જાપાન એક વખતે દુનિયાનો સૌથી સુરક્ષિત દેશ ગણાતો. ગુના અને આતંકને લીધે, હવે ત્યાં પણ લોકો ડરમાં જીવે છે. લોકોની કોઈ સલામતી નથી.’
મધ્ય અમેરિકા: બ્રાઝિલના એક રિપોર્ટ પ્રમાણે અમુક નેતાઓએ ૨૦૦૬માં જણાવ્યું કે ગોરીલા ગૅંગના લોકો આતંક ફેલાવશે. એ જ પ્રમાણે સોંમ પાઉલુ શહેરમાં છૂટીછવાઈ હિંસા જોવા મળી છે. બ્રાઝિલના રાષ્ટ્રપતિએ શહેરમાં શાંતિ જાળવવા લશ્કરની મદદ લીધી. ટેમ્પોસ દેલ મુંદો છાપું મેક્સિકો અને એની આજુબાજુના દેશો વિષે જણાવે છે: ‘લગભગ ૫૦,૦૦૦ યુવાનો અલગ-અલગ ગૅંગમાં છે. ગુંડાઓની આવી ગૅંગને લીધે ૨૦૦૫માં એલ સાલ્વાડૉર, હૉંડ્યુરસ અને ગ્વાટેમાલાના ૧૫,૦૦૦ લોકો માર્યા ગયા. એટલે ત્યાંના નેતાઓ આવી ગૅંગો પર ચાંપતી નજર રાખે છે.’
કૅનેડા: યુએસએ ટુડે જુલાઈ ૨૭, ૨૦૦૬નું છાપું જણાવે છે: ‘ટારંટોમાં ગુંડાઓની આશરે ૭૩ નાની-નાની ગૅંગ છે, એમ પોલીસનું માનવું છે. આવી ગૅંગોની સંખ્યામાં હજુ વધારો થશે અને આ ઉપાધિનો કોઈ ઉકેલ દેખાતો નથી એમ તેઓ કબૂલે છે.’
દક્ષિણ આફ્રિકા: ક્રાઇમ રિસર્ચ કરતા પેટ્રિક બર્ટન ફાઇનાન્સિયલ મેલ ન્યૂઝપેપરમાં જણાવે છે: ‘દક્ષિણ આફ્રિકામાં વાર-તહેવારે લૂંટફાટ, હાયજેકીંગ અને બૅન્ક લૂંટવાના કિસ્સા વધવા લાગ્યા છે. એટલે લોકોને હંમેશાં ડર રહે છે.’
ફ્રાંસ: ગાર્ડિયન વિક્લી પેપર જણાવે છે: ‘ફ્રાંસમાં સરકારે આપેલા ક્વાર્ટર્સના એરિયામાં લોકો બીકમાં જીવે છે. તેઓનાં ઘરોને તોડ-ફોડ કરવામાં આવે છે. કાર પાર્કિંગ એરિયામાં જવું જોખમી છે. અંધારું થતા બસમાં બેસતા પણ લોકો ડરે છે.’
અમેરિકા: ધ ન્યૂ યોર્ક ટાઇમ્સ ન્યૂઝપેપર પ્રમાણે અમેરિકામાં ગુંડાઓની ગૅંગ વધતી જાય છે. એનાથી ગુનાઓ પણ આસમાને જઈ ચડ્યા છે. ત્યાંના એક રાજ્યમાં આવી ૭૦૦ ગૅંગ છે.
એમાં આશરે ૧૭,૦૦૦ યુવક-યુવતીઓ છે, જેમાંના ૧૦,૦૦૦ તો છેલ્લાં ચાર વર્ષમાં જ જોડાયા છે.બ્રિટન: બાળકો પર થતી ગુનાની અસર વિષે યુનિસેફે (UNICEF) રિપોર્ટ આપ્યો. એના આધારે ધ ટાઇમ્સ છાપાએ જણાવ્યું, ‘હવે દેશમાં વધારે ને વધારે નાનાં બાળકો બંદૂક ચલાવતા થઈ ગયા છે. જેનાથી ઘણાં બાળકોનાં જાન જાય છે.’ ઇંગ્લૅંડ અને વેલ્સની જેલો આવા ગુનેગારોથી ઊભરાઈ રહી છે. હાલમાં જેલોમાં ૮૦,૦૦૦ જેટલા કેદીઓ છે.
કેન્યા: એક છાપાએ બીઝી હાઈવેનો રિપોર્ટ આપતા કહ્યું કે લૂંટારાઓએ એક કાર રોકી. એમાં મા-દીકરી હતા. તેઓને કારમાંથી નીકળતા વાર લાગીએટલે પેલાઓએ ગોળી મારી દીધી. કેન્યાની રાજધાની નાઇરોબી આવા અનેક ગુનાઓનું ઘર છે. જેમ કે, કારની ચોરી, ધોળે દહાડે ઘરોમાં ચોરી, લૂંટફાટ.
ગુનાઓ ક્યાં જઈને અટકશે? શા માટે લોકો એવું કરે છે? શું કદી આપણે સલામતીમાં જીવી શકીશું? હવે પછીના લેખોમાં એના જવાબ મળશે. (g08 02)