વિશ્વ પર નજર
વિશ્વ પર નજર
▪ સપ્ટેમ્બર ૨૦૦૪માં, મૅક્સિકોની ખાડીમાં હરિકેન આઈવાન નામનું વાવાઝોડું ત્રાટક્યું હતું. આ વાવાઝોડાએ ૫૦ ફૂટથી પણ ઊંચી એવી ઓછામાં ઓછી ૨૪ લહેર બનાવી હતી અને સૌથી મોટી લહેર તો ૨૭.૭ મીટર ઊંચી હતી.—સાયન્સ મૅગેઝિન, અમેરિકા. (g 4/06)
▪ વાહન ચલાવતી વખતે મૉબાઈલ ફોન વાપરવાથી અકસ્માત અને હૉસ્પિટલમાં દાખલ થવાની શક્યતા ચાર ગણી વધી જાય છે. મૉબાઈલને હાથમાં રાખવાને બદલે ઈયર ફોનથી વાત કરવાથી પણ કંઈ ફેર પડતો નથી. અકસ્માતો એટલા જ થાય છે.—બીએમજે, બ્રિટન. (g 4/06)
▪ આવતા દસ વર્ષોમાં એશિયાના આશરે ૧.૨૭ અબજ બાળકોમાંથી અડધા બાળકોને ચોખ્ખું પાણી, ખોરાક, દવા, શિક્ષણ અને ઘર જેવી જીવન જરૂરિયાતની વસ્તુઓની અછત પડશે.—પ્લાન એશિયા રીજ્યોનલ ઑફિસ, થાઇલૅન્ડ. (g 5/06)
કામ કરતી વખતે કુટેવો
વૉશિંગ્ટન પોસ્ટ છાપાનો એક રિપોર્ટ કહે છે, “કામના સમયે સાથે નોકરી કરનારાઓની કુટેવોથી આપણે પરેશાન થઈ ગયા છે. જેમ કે, ફોન પર મોટે મોટેથી વાત કરવી, સ્પીકર ફોનનો ઉપયોગ કરવો, પુષ્કળ કામ છે એવી હંમેશા ફરિયાદો કરવી. એ ખરેખર નોકરી પર સૌથી ખરાબ આદતો છે.” બીજી અમુક આદતો પણ છે જેનાથી ગુસ્સે થઈ જવાય. જેમ કે, “નાનાં નાનાં ગ્રૂપ બનાવી અમુક લોકો સાથે જ વાત કરવી, કામ પર મોડા આવવું, મોટેથી પોતાની સાથે વાતો કરવી, પોતાની જગ્યાએથી ઊભા થઈને સાથે કામ કરનારા સાથે ગપ્પાં મારવા. ચોખ્ખાઈ ન રાખવાથી શરીરમાંથી ગંદી વાસ આવવી અને બચ-બચ અવાજ કરીને ખાવાની આદત.” આવી ખરાબ આદતોથી કામનો ભાર વધતો જાય છે. આ સર્વેમાં ઘણા લોકોએ કબૂલ્યું કે તેઓએ આવી કુટેવોવાળાને જણાવ્યું ન હતું કે પોતે એનાથી હેરાન થાય છે. શા માટે નહિ? આ છાપું કહે છે, “તેઓ ફરિયાદ કરતા નથી, કેમ કે તેઓને પણ એવી કોઈ કુટેવ છે.” (g 6/06)
શહેરોમાં વસ્તી વધારો
સીબીસી ન્યૂઝ જણાવે છે, “આવતા બે વર્ષોમાં દુનિયાની અડધી વસ્તી શહેરોમાં રહેતી હશે.” યુનાઈટેડ નેશન્સના રિપોર્ટ પ્રમાણે, અમેરિકામાં સૌથી વધારે લોકો શહેરોમાં રહે છે. આશરે ૧૦માંથી ૯ લોકો શહેરોમાં રહે છે. ૫૫ વર્ષ અગાઉ ફક્ત ન્યૂયૉર્ક અને ટોકિયોમાં જ એક કરોડથી વધારે વસ્તી હતી. પણ આજે આ શહેરોનો આંકડો વધીને બેમાંથી વીસ થઈ ગયો છે. જેમ કે ઇંડોનેશિયા (જાકાર્તા), મૅક્સિકો, મુંબઈ અને સાઓ પાઊલો. આ શહેરોમાં એક કરોડથી વધારે લોકો રહે છે. યુએનના સેક્રેટરી-જનરલ કોફી અન્નાન કહે છે: “આવા ઝડપી વધારાને પહોંચી વળવા માટે દેશોએ પોતાના વેપારધંધામાં અને સમાજમાં ઘણા બધા સુધારા-વધારા કરવા પડશે.” (g 6/06)
પાદરીઓ વિરુદ્ધ વધતી હિંસા?
૨૦૦પમાં લંડનના ડેઇલી ટેલિગ્રાફ છાપાએ રિપોર્ટ આપ્યો હતો કે, “[બ્રિટનમાં] પાદરી બનવું એ સૌથી ખતરનાક છે.” ૨૦૦૧ના એક સરકારી સર્વેમાં પાદરીઓના ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા. એનાથી જોવા મળ્યું કે છેલ્લા બે વર્ષોમાં આશરે ૭૫% પાદરીઓ પર અત્યાચાર થયો હતો, કે પછી તેઓ પર હિંસક હુમલાઓ થયા હતા. ૧૯૯૬ પછી ઓછામાં ઓછા સાત પાદરીઓના ખૂન થયા છે. મર્સેસાઈડ નામના શહેરી વિસ્તારમાં “પ્રાર્થના કરવાની આશરે ૧,૪૦૦ જેટલી જગ્યાઓ છે. ત્યાં રોજ એમાંની એકાદ જગ્યાએ લૂંટફાટ, પાદરીઓ પર હુમલો કે એ જગ્યાને આગ લગાડવાના કિસ્સાઓ બન્યા છે.” (g 1/06)
બે પ્રકારનાં પેટ્રોલથી ચાલતી કાર
વેજા નામના મૅગેઝિનના રિપોર્ટ મુજબ, ‘બ્રાઝિલમાં વેચાતી કારોમાં ૩૩ ટકા કાર બે પ્રકારનાં પેટ્રોલથી ચાલતી હોય છે.’ એક સામાન્ય પેટ્રોલથી. બીજું, શેરડીમાંથી કાઢેલા આલ્કોહૉલથી. આ બંન્નેના મિશ્રણથી પણ કાર ચાલે છે. ૨૦૦૩થી ૨૦૦૪ સુધીમાં આ પેટ્રોલ જેવા આલ્કોહૉલના વેચાણમાં ૩૪ ટકાનો વધારો થયો હતો. તેઓ આ પેટ્રોલ જેવું આલ્કોહોલ એટલા માટે નથી વાપરતા કે તેઓને પ્રદૂષણની ચિંતા છે. તેઓને એ પેટ્રોલથી સસ્તું પડતું હોવાથી વાપરે છે. ‘બ્રાઝિલિયન સેન્ટર ઑફ ઇન્ફ્રાસ્ટ્રક્ચરʼના ડાઇરેક્ટર રફેલ સ્કેટ્ચમેનના જણાવે છે કે બે પ્રકારનાં પેટ્રોલથી ચાલતી કાર ‘વાપરવાથી લોકોએ હવે પેટ્રોલની અછત કે વધતી-ઘટતી કિંમતની ચિંતા નહિ કરવી પડે. જો આલ્કોહૉલના ભાવ વધી જાય તો પૅટ્રોલ વાપરી શકાય. પેટ્રોલના ભાવ વધી જાય તો, આલ્કોહૉલ વાપરી શકાય.’
(g 6/06)