સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

મારા પ્રેમમાં પડેલી છોકરી સાથે કઈ રીતે વર્તવું જોઈએ?

મારા પ્રેમમાં પડેલી છોકરી સાથે કઈ રીતે વર્તવું જોઈએ?

યુવાનો પૂછે છે . . .

મારા પ્રેમમાં પડેલી છોકરી સાથે કઈ રીતે વર્તવું જોઈએ?

“સૂઝને મને કહ્યું, ‘હું તને ચાહું છું.’ મને એમાં કંઈ વાંધો ન હતો. મને પણ તે ગમતી હતી.”—જેમ્સ. *

“જો કોઈ છોકરાને છોકરી પસંદ ન હોય, તોપણ એવું બતાવે કે તે તેને ચાહે છે, તો એના બહુ ખરાબ પરિણામ આવી શકે છે.”—રમેશ.

કલ્પના કરો, તમે એક યુવાન છો. તમે તમારા મિત્રો એટલે કે છોકરા-છોકરીઓના ગ્રૂપમાં સાથે ફરો છો. એમાં એક છોકરી બહુ જ મળતાવડી છે. તમે તેની સાથે ઘણી વાર વાતો પણ કરી છે. તે એક દિવસ આવીને તમને કહે: ‘મારે તારી સાથે એક વાત કરવી છે.’ પછી તે કહે: ‘હું તને પ્રેમ કરું છું. શું તું મને પ્રેમ કરે છે?’ આવું સાંભળીને તમે ચોંકી જાવ છો!

જો કોઈ છોકરો પ્રેમનો એકરાર કરે તો એમાં કંઈ નવાઈ નથી. પરંતુ કોઈ છોકરી કરે તો તમે ચોંકી જશો. યાદ રાખો કે એમ કરવાથી તેણે બાઇબલ વિરુદ્ધ કોઈ પાપ કર્યું નથી. * એ જાણવાથી યોગ્ય રીતે વર્તવા તમને મદદ મળશે.

એના વિષે વિચાર્યા પછી, તમે એવા નિર્ણય પર આવી શકો કે હું કોઈના પ્રેમમાં પડવા માટે બહુ નાનો છું. અથવા મને અત્યારે છોકરીઓમાં કોઈ રસ નથી. તમારા વર્તનથી જો કોઈ છોકરીને એવું લાગ્યું કે તમે તેના પ્રેમમાં છો તો એનાથી તમને દુઃખ લાગી શકે. આવા સમયે તમારે શું કરવું જોઈએ? સૌ પ્રથમ તેની લાગણીઓ સમજવા પ્રયત્ન કરો.

તેની લાગણીઓ સમજો

છોકરીની લાગણીઓ સમજવાનો પ્રયત્ન કરો. તમારી સામે પ્રેમનો એકરાર કરવા તેણે કેટલાય દિવસો મથામણ કરી હશે. જેથી, તે યોગ્ય રીતે તેના દિલની લાગણીઓ વ્યક્ત કરી શકે. જો તમે તેના પ્રેમનો ઇનકાર કરો તોપણ હસતા મોંએ કેવી રીતે સ્વીકારવું એનો પણ વિચાર કર્યો હશે. છેવટે, હિંમત ભેગી કરીને પોતાના દિલની વાત તમને કરે છે.

તેણે શા માટે એવું કર્યું? તમે તેને બહુ ગમતા હશો. તેને તમારા અમુક ગુણો ગમી ગયા હશે. તેથી તે તમારા દરરોજ વખાણ કરતી હોય શકે. એની તમને કંઈ ખબર પણ ન હોય.

અહીંયા ફક્ત છોકરીની લાગણી સમજવા આમ જણાવ્યું છે. જેથી તમે તેની સાથે માયાળુ રીતે વર્તો. એના પરથી નિર્ણય લેશો નહિ કે તમારે શું કરવું. જુલી કહે છે: “ભલે તે મને પ્રેમ ન કરતો હોય તોપણ, મારી લાગણીઓ સાંભળીને તેણે ખુશ થવું જોઈએ. ફક્ત ‘ના’ કહેવાને બદલે, દુઃખ ન લાગે એ રીતે કહેવું જોઈએ કે મને તારામાં રસ નથી.” કલ્પના કરો કે કોઈ છોકરીને તમે કહો છો, ‘હું તારા પ્રેમમાં છું.’ તે તમને પ્રેમ ન કરતી હોય તો તમને દુઃખ ન લાગે એમ કેવી રીતે સમજાવશે એનો વિચાર કરો!

પરંતુ, અગાઉ તમે તેને ના પાડી હોય તોપણ તે ફરીથી પૂછે તો શું? તો શું તમારે કઠોરતાથી તેની સાથે વાત કરવી જોઈએ? જરાય નહિ. તમારા મનમાં એવો વિચાર પણ આવવો ન જોઈએ. નીતિવચનો ૧૨:૧૮ કહે છે: “વગર વિચાર્યું બોલવું તરવારના ઘા જેવું છે; પણ જ્ઞાનીની જીભ આરોગ્યરૂપ છે.” તમે કેવી રીતે તમારી જીભનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકો?

છોકરીએ પોતાના દિલની વાત તમને કહી એ માટે તેની કદર કરો. તેના દિલમાં તમે ખોટી લાગણીઓ ઉત્પન્‍ન કરી એ માટે માફી પણ માંગી શકો. તમે શાંતિથી અને સ્પષ્ટ રીતે જણાવો કે ‘તારા દિલમાં જેવી લાગણીઓ છે એવી મારામાં નથી.’ જો તે તમને સમજતી ન હોય અને હજુ વધારે સમજાવવાની જરૂર હોય તો શું? તોપણ ગુસ્સાથી કડવા શબ્દો બોલશો નહિ. તેની નાજુક લાગણીઓ સમજીને તેની સાથે ધીરજથી વર્તો. ધારો કે, તમે કોઈ છોકરીને ચાહો છો. તેની સામે તમે દિલ ખોલીને વાત કરો છો. તમને દુઃખ ન લાગે એવી રીતે તે તમારી સાથે વાત કરે તો શું તમે તેની કદર નહિ કરો?

પરંતુ, જો કોઈ છોકરી તમને કહે કે જાણીજોઈને તમે તેના દિલમાં પ્રેમની આગ લગાડી છે તો શું? તે કદાચ તમને એવા બનાવો વિષે જણાવશે જેનાથી તેના દિલના ધબકારા વધી ગયા હોય. તે કદાચ કહેશે: ‘પેલા દિવસે તેં મને ફૂલ આપ્યું હતું, યાદ છે?’ અથવા ‘ગયા મહિને આપણે ટહેલવા ગયા ત્યારે, તેં મને શું કહ્યું હતું એ યાદ છે?’ જો એમ હોય તો, તમારે ખરેખર સ્વ-તપાસ કરવાની જરૂર છે.

હકીકત સ્વીકારો

સંશોધકો નવા દેશો શોધે છે ત્યારે તેઓને લાગે છે કે એ દેશ મારો જ છે. એવી જ રીતે ઘણા છોકરાઓ નવી નવી છોકરીઓને મળે છે ત્યારે તેઓને લાગે છે કે આ મારી જ છે. તેથી તેઓ પ્રેમમાં પડવાનું નાટક કરે છે. તેઓ પોતાની આવડત, પૈસા કે દેખાવથી છોકરીઓને પોતાની તરફ ખેંચે છે. છોકરીઓને પોતાની જાળમાં ફસાવીને તેનો ફાયદો ઉઠાવે છે પણ લગ્‍ન કરતા નથી. એક વડીલે કહ્યું: “કેટલાક છોકરાઓ તો એક પછી બીજી છોકરી સાથે આવી રમત જ કરતા હોય છે. આવી રીતે કોઈ છોકરીની લાગણીઓ સાથે કદી રમવું ન જોઈએ.” આવા સ્વાર્થી વલણના કેવા પરિણામો આવે છે?

“પાગલ માણસ સળગતા કાકડા, તીર અને પ્રાણઘાતક ચીજો ફેંકે છે; પોતાના પડોશીને છેતરીને ‘હું તો મજાક કરતો હતો’ એવું કહેનાર તેના જેવો જ છે.” (નીતિવચનો ૨૬:૧૮, ૧૯, IBSI) જો કોઈ છોકરો સ્વાર્થી કારણથી છોકરી સાથે દોસ્તી બાંધે તો તેને વહેલા મોડા છોકરાની દાનત વિષે ખબર પડશે. એનાથી એ છોકરીને બહુ જ દુઃખ થશે. જેમ નીચેના દાખલામાંથી જોવા મળે છે.

એક છોકરાને લગ્‍ન કરવું ન હતું પણ તે છોકરીના પ્રેમમાં હોય એમ વર્તતો હતો. તે છોકરીને સરસ હોટલમાં અને પાર્ટીઓમાં લઈ જતો. તેને એ છોકરીની સાથે હરવા ફરવાનું બહુ ગમતું. છોકરીને પણ ગમતું. એ છોકરીને તો એમ જ કે તે એના પ્રેમમાં હોવાથી સાથે ફરે છે. અને અમે પછી લગ્‍ન કરીશું. જ્યારે તેને ખબર પડી કે છોકરાને તો ફક્ત તેની સાથે હરવા ફરવાનો જ શોખ હતો ત્યારે તેને ખૂબ જ દુઃખ થયું.

જો તમે કોઈ છોકરીને ભૂલથી એવી છાપ આપી હોય કે તમને તે ગમે છે તો, તમારે શું કરવું જોઈએ? પોતાની ભૂલને ઢાંકવાનો પ્રયાસ ન કરો, એનાથી તેને વધારે દુઃખ થશે. તેના મનમાં તમારા પ્રત્યે ખાર પણ રહી જઈ શકે. તેથી, આ બાઇબલ સિદ્ધાંતને ધ્યાન પર લો. “જે માણસ પોતાનાં ઉલ્લંઘનો છૂપાવે છે તેની આબાદી થશે નહિ; પણ જે કોઇ તેમને કબૂલ કરીને તેનો ત્યાગ કરે છે, તેઓ પર દયા કરવામાં આવશે.” (નીતિવચનો ૨૮:૧૩) તેથી, હકીકત સ્વીકારો. તમારા વર્તનથી જો કોઈ ગેરસમજ થઈ હોય તો પોતાની ભૂલ સ્વીકારો. જો તમે જાણીજોઈને તેની લાગણી સાથે છેડછાડ કરી હોય તો, પોતાની ભૂલ સ્વીકારો. સાચા દિલથી માફી માંગો.

એવું ધારી ન લેશો કે તમે ખરા દિલથી માફી માંગી હોવાથી વાત પતી ગઈ. બની શકે કે છોકરીને દુઃખ થયું હોવાથી તે થોડા દિવસો સુધી તમારી સાથે વાત પણ ન કરે. તમે તે છોકરી સાથે જે કર્યું એ વિષે તેના માબાપને કહેવું જોઈએ. પછી, એનું ફળ ભોગવવા પણ તૈયાર રહેવું જોઈએ. ગલાતી ૬:૭ કહે છે: “કોઈ માણસ જે કંઈ વાવે તે જ તે લણશે.” ખરા દિલથી માફી માંગીને પોતાથી બનતું બધું કરો. જેથી તેનું દુઃખ હળવું થાય. એનાથી, તમે તેને હતાશામાંથી બહાર નીકળવા મદદ કરશો. આ અનુભવમાંથી તમે ‘ભૂંડું બોલવાથી તમારી જીભને અને કપટી હોઠની સંભાળ’ રાખવાનું શીખશો.—ગીતશાસ્ત્ર ૩૪:૧૩.

જવાબ આપતા પહેલાં બે વાર વિચાર કરો

જો તમે ખરેખર એ છોકરીને બરાબર ઓળખવા ઇચ્છતા હોવ તો શું? એમ હોય તો સાથે હરો ફરો. પણ યાદ રાખો, એ ખાલી આનંદનો કે રોમાન્સનો જ સમય નથી. એ સમયે તમે ખુલ્લી રીતે પોતાની લાગણી વ્યક્ત કરો છો. એનાથી એકબીજા માટેનો પ્રેમ વધે છે. આમ કરીને તમે લગ્‍ન તરફ પગલાં ભરો છો. લગ્‍ન પછી પણ આવી જ લાગણી બતાવતા રહો. એ તમને પતિ-પત્ની તરીકે વધારે નજીક લાવશે. તમારું લગ્‍નજીવન ખુશીઓથી ભરી દેશે. આ માહિતી તમને હમણાં કેવી રીતે મદદ કરશે?

એક છોકરીને પસંદ કર્યા પછી, તમને તેની સુંદરતા અને બીજા ગુણો ગમવા લાગી શકે. તેણે તમારા માટે જાણે દરવાજો ખોલ્યો છે અને તમે ઇચ્છી શકો કે એ દરવાજો તમારા માટે હંમેશા ખુલ્લો જ રહે. પરંતુ, કોર્ટશીપ શરૂ કરતા પહેલાં તમારે હમણાં જ એવા પગલાં લેવા જોઈએ કે જેનાથી તમને બંનેને પાછળથી દુઃખ ન થાય.

તે છોકરીને ઓળખતા હોય એવા અમુક મોટી વયના સમજુ લોકોને તેના વિષે જાણવા પૂછપરછ કરી શકો. તેને પણ એમ કરવાનું ઉત્તેજન આપો. છોકરા-છોકરીએ પુખ્ત લોકો પાસેથી એકબીજાના સારા ગુણો અને નબળાઈઓ વિષે પૂછપરછ કરવી જોઈએ. તમે મંડળના વડીલોને પણ પૂછી શકો. તમે જેને ચાહો છો તેની તેના મંડળમાં કેવી છાપ છે કે એ પણ જોવું જોઈએ.

તમને કદાચ થશે, ‘મારા જીવનમાં બીજાઓએ શા માટે માથું મારવું જોઈએ?’ પરંતુ, કોઈ વ્યક્તિ સાથે પ્રેમમાં પડતા પહેલાં બીજાઓ તેના વિષે કેવું વિચારે છે એ જાણવું જરૂરી છે. બાઇબલમાં નીતિવચનો ૧૫:૨૨ કહે છે: “પુષ્કળ સલાહકારીઓ હોય તો તેઓ પાર પડે છે.” પણ યાદ રાખો, તમે જેઓ સાથે વાત કરો તેઓએ તમારા માટે કોઈ નિર્ણય લેવો ન જોઈએ. તમે જે બાબતો જોઈ શકતા નથી એના વિષે સાચા “અંતઃકરણની સલાહ” આપવાનો જ તેઓનો હેતુ હોવો જોઈએ.—નીતિવચનો ૨૭:૯.

લેખની શરૂઆતમાં આપણે જેમ્સ વિષે વાત કરી હતી. તેણે એમ જ કર્યું. તે માબાપથી અલગ રહેતો હતો. તોપણ તેણે સુઝન વિષે તેમની સાથે વાત કરી. પછી, સુઝન અને જેમ્સે પોતાને ઓળખતા હોય એ લોકોના નામ એકબીજાને આપ્યાં. જેથી બંને જણ એકબીજા વિષે જરૂરી માહિતી મેળવી શકે. એકબીજા વિષે સારો રિપોર્ટ જાણ્યા પછી જ જેમ્સ અને સુઝન સાથે હરવા-ફરવા લાગ્યા. જેથી બંને એકબીજાને સારી રીતે ઓળખી શકે. જો તમે પણ તેઓની જેમ કરો તો, તમારી પ્રેમની લાગણીઓ કાબૂમાં રાખી શકશો. સારા નિર્ણયો પણ લઈ શકશો.

એમ કરવા યહોવાહને મદદ માટે પ્રાર્થના કરો. કેમ કે સાથે હરવું-ફરવું એ લગ્‍ન માટેનું પહેલું પગથિયું હોવાથી તે જરૂર તમને મદદ કરશે. તમે બંને પરમેશ્વર પાસે મદદ માંગો એ સૌથી મહત્ત્વનું છે. એનાથી તમે સાચો નિર્ણય લઈ શકશો. એમ કરશો તો તમે બંને સાચું સુખ અનુભવશો. (g05 6/22)

[ફુટનોટ્‌સ]

^ આ લેખમાં નામો બદલવામાં આવ્યા છે.

^ ઑક્ટોબર ૨૨ અને ડિસેમ્બર ૨૨, ૨૦૦૪ના અવેક!માં “યુવાનો પૂછે છે” લેખ જુઓ. એમાં બતાવ્યું છે કે છોકરી પોતાના પ્રેમનો એકરાર કઈ રીતે કરી શકે છે.

[પાન ૧૯ પર ચિત્રો]

તમે જો પ્રેમમાં ન હોવ તો, સાવધ રહેજો કે તમારા વિષે ખોટી છાપ ન પડે