આખા દેશમાં જાળની જેમ ફેલાયેલી—ભારતીય રેલવે
આખા દેશમાં જાળની જેમ ફેલાયેલી—ભારતીય રેલવે
ભારતમાંના સજાગ બનો!ના લેખક તરફથી
લગભગ ૪,૦૦૦ વર્ષ પહેલાં, ઉત્તર ભારતમાં બાંધકામ કરનારાઓ ઈંટો બનાવી રહ્યાં હતા. તેઓએ એવું વિચાર્યું પણ નહિ હોય કે એ ઈંટોથી મદદથી રેલવે આખા ભારતમાં કરોળિયાના જાળાની જેમ ફેલાઈ જશે.
ભારતીય રેલવે એક વિશાળ તંત્ર છે! એક અબજથી વધારે વસ્તી ધરાવતા ભારતમાં ટ્રેન પરિવહનનું મુખ્ય સાધન છે. કરોડો લોકો દરરોજ નોકરી-ધંધા માટે એમાં મુસાફરી કરે છે. ઘણા લોકો કુટુંબથી દૂર રહેતા હોવાથી, અમુક પ્રસંગોએ ટ્રેનમાં મુસાફરી કરે છે. જેમ કે જન્મ, મરણ કે કોઈ માંદું પડે ત્યારે, અથવા સમાજના રિવાજો કે તહેવારોને લીધે કરોડો લોકો અવારનવાર ટ્રેનમાં મુસાફરી કરતા હોય છે.
દરરોજ લગભગ ૧ કરોડ ૨૫ લાખ કરતાં વધારે લોકોને લઈને ૮,૩૫૦ ટ્રેનો કંઈક ૮૦,૦૦૦ કિલોમીટરનું અંતર કાપે છે. માલગાડીઓ ૧ કરોડ ૩૦ લાખ ટન માલસામાનની હેરફેર કરે છે. બીજી રીતે કહીએ તો, આ ટ્રેન અને માલગાડી મળીને દરરોજ, પૃથ્વીથી ચંદ્ર સુધીના કુલ અંતરને સાડા ત્રણ વાર કાપે છે!
વિચાર કરો કે એકલા ભારતમાં જ ૬,૮૬૭ સ્ટેશનો, ૭,૫૦૦ એન્જિનો, ટ્રેન અને માલગાડીના ૨,૮૦,૦૦૦ કરતાં વધારે ડબ્બાઓ તથા કુલ મળીને ૧,૦૭,૯૬૯ કિલોમીટર લાંબા પાટાઓ છે! તેથી, એમાં કોઈ નવાઈ નથી કે આટલા ગંજાવર તંત્રને ચલાવવા ૧૬ લાખ કરતાં વધારે લોકો ભારતીય રેલવેમાં કામ કરે છે. દુનિયાની કોઈ પણ કંપનીમાં આટલા લોકો કામ કરતા નથી. કેવું વિશાળ તંત્ર!
એની શરૂઆત કઈ રીતે થઈ?
ભારતમાં શા માટે રેલવેની આટલી મોટી શરૂઆત થઈ? એ ક્યારે શરૂ કરવામાં આવી? અને ૪,૦૦૦ વર્ષ જૂની ઈંટો વિષે શું?—પાન ૧૪ પરનું બૉક્સ જુઓ.
ઓગણીસમી સદીના મધ્યમાં, ભારતમાં મોટા પ્રમાણમાં રૂનું ઉત્પાદન થતું હતું. બહારના દેશોમાં નિકાસ કરવા માટે, રૂને
જમીન માર્ગે બંદરોએ લઈ જવામાં આવતું હતું. જોકે ભારત એકલું જ બ્રિટનની કાપડની મિલોને રૂ પૂરું પાડતું ન હતું. બ્રિટનમાં મોટા ભાગનું રૂ ઉત્તર અમેરિકાના દક્ષિણ વિસ્તારમાંથી આવતું હતું. પરંતુ અમેરિકામાં ૧૮૬૧થી ૧૮૬૫ સુધી ચાલેલી અંદરોઅંદરની લડાઈને કારણે ૧૮૪૬માં ત્યાં રૂનો પાક નિષ્ફળ ગયો. તેથી, રૂની તાકીદે જરૂર ઊભી થઈ. ભારત એ જરૂરિયાતને પૂરી કરી શકતું હતું. પરંતુ, ઇંગ્લૅંડની મોટી મોટી લૅંકશીયર મિલો ચાલતી રહે એ માટે, રૂને ઝડપથી પહોંચાડવાની જરૂર પડી. તેથી, ઈસ્ટ ઈંડિયા રેલવે કંપની (૧૮૪૫) અને ગ્રેટ ઈંડિયન પેનિન્સુલા રેલવેની (GIPR) (૧૮૪૯) સ્થાપના કરવામાં આવી. ભારતના બીજા શહેરોમાં મુખ્ય વેપાર કરનાર, ઇંગ્લીશ ઈસ્ટ ઈંડિયા કંપની સાથે પણ કરાર કરવામાં આવ્યો. પછી ખૂબ જ ઝડપથી કામ શરૂ થયું. એપ્રિલ ૧૬, ૧૮૫૩માં ભારતની પ્રથમ રેલવે ટ્રેને બોમ્બેના (હમણાં મુંબઈ) બોરી બંદરથી જાણીતી ગોદીથી લઈને થાણા સુધી ૩૪ કિલોમીટરની સફર કરી.ભારતના દૂર-દૂરના પ્રદેશોમાં થતા રૂના પાકને બોમ્બે સુધી પહોંચાડવા, રેલવેએ પશ્ચિમ ઘાટીઓમાંથી પણ પસાર થવું પડ્યું. એ પહાડો પસાર કરવા એકદમ કઠિન હતું. બ્રિટિશ ઇજનેરો અને કારીગરો સાથે હજારો ભારતીય કારીગરો આજની કોઈ પણ ટેકનોલોજી વગર સખત મહેનત કરતા હતા. કોઈ વાર તો એક સાથે ૩૦,૦૦૦ જેટલા કારીગરો કામ કરતા હતા. તેઓએ દુનિયામાં પહેલી વાર, વારાફરતી ડાબીજમણી બાજુએ ફંટાતો વાંકોચૂકો રેલવે માર્ગ બનાવ્યો. એ માર્ગ ફક્ત ૨૪ કિલોમીટરના અંતરમાં ૫૫૫ મીટર ઉપર ચઢતો હતો. તેઓએ ૨૫ બોગદાંઓ પણ ખોદી કાઢ્યા, કે જેની કુલ લંબાઈ ૩,૬૫૮ મીટરની હતી. એક વાર પહાડોની ટોચને પાર કર્યા પછી, રેલવેનું કામ પૂરઝડપે આગળ વધવા લાગ્યું. સમય જતા, રેલવે ધીમે ધીમે જાળાની જેમ આખા દેશમાં ફેલાઈ ગઈ. પછી બ્રિટિશરો વેપાર ઉપરાંત બીજી બાબતો માટે પણ રેલવેનો ઉપયોગ કરવા લાગ્યા. તેઓ બીજા પ્રદેશોમાં તેમની રાજકીય વગ વધારવા માગતા હતા. એ માટે તેઓએ પોતાના સૈનિકો અને માણસોને ત્યાં ઝડપથી મોકલવા રેલવેનો ઉપયોગ કર્યો.
ઓગણીસમી સદીમાં ટ્રેનમાં પ્રથમ વર્ગની મુસાફરી શરૂ થઈ, જે બહુ થોડા લોકોને પરવડતી હતી. એમાં તેઓ સખત ગરમી અને ધૂળથી રક્ષણ મેળવી શકતા હતા. અમુક ખાસ ડબ્બાઓમાં તો આરામદાયક પથારી, ટોઇલેટ અને બાથરૂમ તથા સવારના ચા-નાસ્તાથી લઈને સાંજનું ભોજન પૂરું પાડવા તહેનાતમાં નોકરો રહેતા હતા. એ ડબ્બાઓને ઠંડા રાખવા પંખા નીચે વાસણમાં બરફ રાખવામાં આવતો. આ ખાસ ડબ્બાઓમાં હજામ પણ રહેતો. તેમ જ એમાં વિલ્હરની રેલવે લાઇબ્રેરીના પુસ્તકો રાખવામાં આવતા, જેમાં ભારતમાં જન્મેલા લેખક રુડિયાર્ડ કીપલીંગની છેલ્લામાં છેલ્લી નવલકથા પણ મળી રહેતી. આખા ભારતમાં ૧૮૬૦ના દાયકામાં મુસાફરી કરનાર, લુઈ રુસેલે કહ્યું હતું કે તે “કોઈ પણ જાતની મુશ્કેલી વિના દૂર દૂર મુસાફરી કરી શક્યા હતા.”
આખા ભારતમાં ફેલાતી રેલવેની જાળ
ઓગણીસમી સદી સુધીમાં તો ભારતીય રેલવે દુનિયાની પાંચમા નંબરની સૌથી મોટી વ્યવસ્થા બની ગઈ હતી. પહેલાં વરાળ, ડીઝલ અને વીજળીથી ચાલતા એન્જિન, ઉતારું અને માલવાહક ડબ્બાઓ, પૈડાં વગેરે બહારથી લાવવામાં આવતાં હતાં. પરંતુ હવે એનું ભારતમાં જ ઉત્પાદન થતું હતું. અમુક એન્જિન તો ખૂબ જ શક્તિશાળી હતા. જેમ કે અમુક લોકોમોટિવ એન્જિન ૨૩૦ ટન વજનના હતા. ઇલેક્ટ્રિકલ એન્જિન ૬,૦૦૦ હોર્સપાવરના હતા. ડીઝલ એન્જિન ૧૨૩ ટનના અને ૩,૧૦૦ હોર્સપાવરના હતા. વર્ષ ૧૮૬૨માં દુનિયાની સૌથી પહેલી ડબલ ડેકર ટ્રેન શરૂ કરવામાં આવી. ભારતના પશ્ચિમ બંગાળના ખડગપુરમાં દુનિયાનું સૌથી મોટું પ્લેટફોર્મ આવેલું છે જે ૮૩૩ મીટર લાંબું છે. તેમ જ, છાપરાવાળું દુનિયાનું સૌથી લાંબું સ્ટેશન
સીઆલ્દા, કોલકત્તામાં આવેલું છે જે ૩૦૫ મીટર લાંબું છે.શરૂઆતમાં ટ્રેનો બ્રોડગેજ પાટામાર્ગ પર દોડતી હતી. ત્યાર પછી, પહાડી માર્ગો પર પૈસા બચાવવા નેરોગેજ સાથે મિટરગેજ શરૂ કરવામાં આવી. વર્ષ ૧૯૯૨માં, પ્રૉજેક્ટ યુનિગેજ (નેરોગેજને મિટરગેજમાં ફેરવવાનો પ્રૉજેક્ટ) શરૂ કરવામાં આવ્યો અને અત્યાર સુધીમાં લગભગ ૭,૮૦૦ કિલોમીટર રેલવે માર્ગને નેરો અને મિટરગેજમાંથી બ્રોડગ્રેજમાં ફેરવવામાં આવ્યા છે.
મુંબઈની ટ્રેનોમાં રોજ લાખો લોકો આવ-જા કરે છે અને એ હંમેશાં ખીચોખીચ રહે છે. અમુક વાર તો ઊભા રહેવાની પણ જગ્યા હોતી નથી. કોલકત્તાની ભૂગર્ભ મેટ્રોમાં રોજ લગભગ ૧૭ લાખ લોકો આવ-જા કરે છે. ભારતની સૌથી ઊંચી રેલ લાઈન, ચેન્નઈમાં (મદ્રાસ) બાંધવામાં આવી હતી. હવે તો કૉમ્પ્યુટરથી બુકીંગ પણ થઈ શકે છે અને રેલવેને લગતી કોઈ પણ માહિતી મળી શકે છે. ખરેખર, ભારતનું રેલવે તંત્ર ખૂબ જ વ્યસ્ત અને જાળાની જેમ ફેલાઈ રહ્યું છે.
રોમાંચક “નાની ગાડી”
ગરમીથી છુટકારો મેળવવા બ્રિટિશરોને પહાડો પર જવાનું ખૂબ ગમતું હતું. ત્યાં જલદી પહોંચવા તેઓએ પહાડ પર રેલવે માર્ગ બનાવ્યો અને “નાની ગાડીમાં” ત્યાં જવા લાગ્યા. ઘોડા કે પાલખી કરતાં એ ઘણી ઝડપી મુસાફરી હતી. દાખલા તરીકે, દક્ષિણ ભારતમાં “નાની ગાડી” મુસાફરોને નીલગિરિની ટેકરીઓ કે બ્લુ પહાડો પર લઈ જાય છે. તે એક કલાકમાં સરેરાશ ૧૦.૪ કિલોમીટરનું અંતર કાપે છે, એ ભારતની સૌથી ધીમી ગાડી હોય શકે. પરંતુ, ચા અને કોફીના બગીચાઓમાંથી પસાર થઈને, ૧,૭૧૨ મીટર ઊંચાઈએ આવેલા કૂનુરમાં જતી ટ્રેનમાં મુસાફરી કરવી કેટલું આનંદદાયક છે! એ રેલવે માર્ગ ઓગણીસમી સદીના અંતમાં બાંધવામાં આવ્યો હતો. એ માર્ગ દર ૧૨ મીટરે સપાટ જમીનથી ૧ મીટર ઊંચે જતો હોય એ રીતે બાંધવામાં આવ્યો છે. એમાં ૨૦૮ વળાંક અને ૧૩ બોગદાં છે. એ માર્ગ ઍપ્ટ પિનિયન-રેક વ્યવસ્થાથી બાંધવામાં આવ્યો છે. એમાં બે પાટા વચ્ચે સીડી જેવો એક પાટો હોય છે. એ પાટામાં ફીટ થઈ જાય એવું એક દાંતાવાળું પૈડું, ટ્રેનના બે પૈડાં વચ્ચે હોય છે. આ રીતે ટ્રેન આસાનીથી ઉપર ચઢી શકે છે અને એમાં એન્જિન ટ્રેનની પાછળ રહેલું હોય છે. પહાડ પર ચઢવા માટે રેક અને એડિઝન ટેકનોલોજીથી બનાવેલો આ માર્ગ, દુનિયાનો સૌથી જૂનો રેલવે માર્ગ છે.
દાર્જિલિંગ હિમાલયાન રેલવેના પાટાઓ વચ્ચે ફક્ત ૨ ફૂટનું અંતર હોય છે. ભારતનું સૌથી ઊંચાઈએ આવેલું રેલવે સ્ટેશન ઘુમ છે. એ સમુદ્રની સપાટીથી ૨,૨૫૮ મીટર ઊંચાઈએ આવેલું છે. ત્યાં સુધી જવા માટે એવો રેલવે માર્ગ બનાવવામાં આવ્યો છે કે જેમાં, ઢાળ પર ચઢતી ટ્રેન ૨૨.૫ મીટરનું અંતર કાપે ત્યારે, એ જમીનની સપાટીથી એક મીટર ઊંચાઈએ હોય છે. પહાડ પર એ રેલવે માર્ગને “જ” આકારના માર્ગમાં ત્રણ વાર ઉપર
જતો હોય એ રીતે બનાવવામાં આવ્યો છે. વધુમાં, છ વાર વળાંક લેવાને બદલે, ટ્રેન રિવર્સ થઈને ઉપર ચઢે છે. બટાસીઆ વળાંક સૌથી પ્રખ્યાત છે. આ સર્પાકાર વળાંક આવે ત્યારે, મુસાફરો ટ્રેનમાંથી કૂદીને ઘાસવાળા ઢોળાવ પર ચઢવા લાગે છે અને ટ્રેન વણાંક લઈને ઉપર આવે ત્યારે પાછા ટ્રેનમાં ચઢી જાય છે. દુનિયાના સૌથી ઊંચા પહાડોમાંનો ત્રીજો પહાડ, કાંચનજંઘા જોવાની મઝા જ કંઈ અનેરી છે. વર્ષ ૧૯૯૯માં આ રેલવેને યુનેસ્કોએ (UNESCO) વર્લ્ડ હેરીટેજનું બિરૂદ આપ્યું જેનાથી, એનું ભાવિ વધારે સલામત બન્યું.બ્રિટિશ શાસનમાં ભારતનું ૭,૧૦૦ ફૂટ ઊંચે આવેલું સિમલા શહેર, ઉનાળામાં રજાઓ ગાળવા માટે મુખ્ય સ્થળ હતું. ત્યાં પહોંચવા માટે ટ્રેનને ફક્ત ૯૫ કિલોમીટરનું અંતર કાપવાનું હોય છે. પણ એ અંતરમાં ટ્રેનને ૧૦૨ બોગદાં, ૮૬૯ પૂલો અને ૯૧૯ વણાંકો પસાર કરવા પડે છે! તમે આ ટ્રેનમાં બેસીને મોટી મોટી બારીઓ અને પારદર્શક ફાઈબરગ્લાસની છતમાંથી સુંદર દૃશ્યોનો આનંદ માણી શકો છો. હા, “નાની ટ્રેનમાં” મુસાફરી કરવી એ એક આનંદી અનુભવ છે. જોકે એની ટિકિટનું ભાડું ઓછું રાખવામાં આવ્યું હોવાથી, પહાડ પર ચાલતી આ રેલવે ખોટમાં જઈ રહી છે. રેલવે ચાહકો આશા રાખે છે કે આ રોમાંચક નાની ગાડી ચાલુ રહે એનો જરૂર કોઈ માર્ગ નીકળશે.
રેલવેમાં લાંબી મુસાફરી
એવું કહેવામાં આવતું કે ભારતમાં રેલવે આવી ત્યારે, “એક યુગનો અંત આવ્યો અને બીજો યુગ શરૂ થયો,” અને “બીજી કોઈ પણ વ્યવસ્થા કરતાં રેલવે ભારતને વધારે એકતામાં લાવી છે.” એ કેટલું સાચું છે! જો તમે ઇચ્છતા હો તો, હિમાલય નીચે આવેલા જમ્મુથી ટ્રેનમાં બેસીને દક્ષિણ ભારતની એકદમ નીચે આવેલ કન્યાકુમારી જઈ શકો છો કે જ્યાં અરબી સમુદ્ર, હિંદ મહાસાગર અને બંગાળનો ઉપસાગર ભેગા મળે છે. તમે ૧૨ રાજ્યોમાંથી પસાર થશો અને લગભગ ૬૬ કલાક મુસાફરી કરીને ૩,૭૫૧ કિલોમીટરનું અંતર કાપશો. જો તમે સૂવાની આખી ટિકિટ લો તોપણ, તમારે ટિકિટના ૬૦૦ કરતાં ઓછા રૂપિયા આપવાના થશે. તમે જુદી જુદી સંસ્કૃતિના અનેક મળતાવડા લોકોને મળી શકશો. તમે દેશની ઘણી અવનવી બાબતો પણ જોઈ શકશો. હમણાં જ તમારી ટિકિટ બુક કરાવો અને આ આનંદી મુસાફરી માણો!
[પાન ૧૪ પર બોક્સ]
પ્રાચીન ઈંટો
બ્રિટિશ શાસનમાં (૧૭૫૭-૧૯૪૭), સૈનિકોને દૂર દૂર મોકલવા માટે રેલવે એક ઉત્તમ સાધન પુરવાર થયું હતું. ભારતમાં સૌ પ્રથમ ટ્રેન દોડી એ પછી, ત્રણ વર્ષની અંદર જ એંજિનિયરોએ કરાંચી અને લાહોર વચ્ચે રેલવે માર્ગ બનાવ્યો, જે આજે પાકિસ્તાનમાં છે. એ સમયે પાટાને બરાબર બેસાડવા માટે જોઈતા પથ્થરો ન હતા. પરંતુ હરપ્પા ગામ નજીક કામ કરનારાઓને પકવેલી ઈંટો મળી આવી. સ્કોટિશ એંજિનિયર જોન અને વિલ્યમ બ્રૂનટોનને લાગ્યું કે એ ઈંટો પાટા બેસાડવા માટે યોગ્ય હતી. પછી ૧૬૦ કિલોમીટર સુધીના રેલવે પાટા, હરપ્પામાંથી મળી આવેલી ઈંટો પર બેસાડવામાં આવ્યા. ભૂગર્ભમાંથી ઈંટો કાઢવામાં આવતી હતી ત્યારે, એમાંથી માટીના પુતળા અને અજાણી ભાષામાં લખેલી તકતીઓ મળી આવી. પરંતુ એનાથી રેલવેના પાટા નાખવાનું સૌથી મહત્ત્વનું કામ અટક્યું નહિ. પાંસઠ વર્ષ પછી, પુરાતત્ત્વખાતાએ વ્યવસ્થિત રીતે હરપ્પાનું ખોદકામ કર્યું. એમાંથી તેઓને લગભગ ૪,૦૦૦ વર્ષ પહેલાં સિંધુના ખીણપ્રદેશમાં વસેલી સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા! એ પ્રાચીન મેસોપોટેમિયાની સંસ્કૃતિને મળતા આવે છે.
[પાન ૧૬ પર બોક્સ/ચિત્ર]
કોંકણ રેલવે—આજની અજાયબી
કોંકણ રેલવે પશ્ચિમ ભારતના દરિયાકાંઠાની લગોલગ પસાર થાય છે. આ લાંબો અને સાંકડો રેલવે માર્ગ, અરબી સમુદ્ર અને સહ્યાદ્રી પહાડીઓ વચ્ચેથી પસાર થાય છે. એ સમુદ્રકાંઠા અને પહાડીઓ વચ્ચેનો સૌથી પહોળો ભાગ ૭૫ કિલોમીટર છે. કોંકણ રેલવે ભારતના વેપારી કેન્દ્ર મુંબઈથી લઈને મુખ્ય બંદર મૅંગલોર સુધી જાય છે. કોંકણ રેલવે વેપાર માટે ખૂબ જ ઉપયોગી છે. સદીઓથી ભારતમાં અને ભારતમાંથી બીજા દેશો સાથે વેપાર કરવા માટે બંદરોનો ઉપયોગ થતો હતો. પરંતુ, સમુદ્ર માર્ગે માલસામાનની હેરફેર કરવી ખૂબ જોખમી હતી અને ચોમાસામાં નદીઓમાં પાણીનું ઘોડાપૂર ઊમટતું ત્યારે, એ ખૂબ જ કઠિન બનતું હતું. આવી કુદરતી આફતોના સમયે રોડ અને રેલવે માર્ગથી વેપાર કરવો ખૂબ લાંબું પડતું હતું. એ પ્રદેશના લોકો પોતાના માલને, એમાંય ખાસ કરીને થોડા સમયમાં બગડી જાય એવા માલસામાનને ઝડપથી બજારમાં પહોંચાડવા માગતા હતા. શું એનો કોઈ ઉપાય નીકળ્યો?
કોંકણ રેલવે ગઈ સદીમાં ભારતનો સૌથી મોટો પ્રૉજેક્ટ હતો. કઈ રીતે? એમાં ૭૬૦ કિલોમીટરની લંબાઈના પાટા નાખવામાં આવ્યા. એ તનતોડ મહેનતનું કામ હતું. એમાં પહાડો જોડવા માટે ૨૫ મીટર સુધીના ઊંડા ખાડાઓ ભર્યા. તેમ જ, અનેક સ્થળે પહાડો તોડીને ૨૮ મીટર પહોળો માર્ગ બનાવ્યો. વળી, ૨,૦૦૦ કરતાં વધારે પૂલો પણ બાંધવામાં આવ્યા. એમાં એશિયાનો સૌથી ઊંચો પનવેલ નદી પૂલ પણ બાંધવામાં આવ્યો. એ ૫૦૦ મીટર પહોળી ખાઈ પર ૬૪ મીટર ઊંચો પૂલ છે. વધુમાં, શરાવતી નદી પર ૨.૦૬૫ કિલોમીટર લાંબો પૂલ બાંધવામાં આવ્યો. રેલવે માર્ગ શક્ય એટલો સીધો રાખવા, વચ્ચે આવતા મોટા પહાડોમાં ૯૨ બોગદાં ખોદવામાં આવ્યા. એમાંના ૬ બોગદાં તો ૩.૨ કિલોમીટરથી વધારે લાંબા છે. એમાંના કરબૂદ બોગદાની લંબાઈ ૬.૫ કિલોમીટર છે, અને એ ભારતનું સૌથી લાંબું બોગદું છે.
આ રેલ નાખવામાં ઘણી મુશ્કેલીઓ આવી હતી. જેમ કે ધોધમાર વરસાદ, જમીન ધસી પડવી, કીચડ, એકદમ સખત પહાડોને તોડવા અને સૌથી વધારે મુશ્કેલી તો ટૂથપેસ્ટ જેવી પોચી જમીનને લીધે આવી હતી. આ બધી કુદરતી મુશ્કેલીઓને કુશળ એંજિનિયરોએ ટૅકનોલોજીની મદદથી આંબી હતી. બોગદામાં તાજી હવા રહે એ માટે તેઓએ મોટા પંખા લગાડ્યા હતા અને સલામતીની બીજી ઘણી વ્યવસ્થા કરી હતી. વધુમાં, ૪૨,૦૦૦ જમીન માલિકો પાસેથી જમીન મેળવવા ઘણી કાનૂની કાર્યવાહી કરવી પડી, જે ખૂબ જ મોટું કામ હતું.
છવીસમી જાન્યુઆરી, ૧૯૯૮ના રોજ સાત વર્ષના બાંધકામ પછી, કોંકણ રેલવે માર્ગ પર સૌથી પહેલી ટ્રેન ચાલી. હવે મુંબઈથી મૅંગલોરની મુસાફરીમાં, કોંકણ રેલવે પર ૧,૧૨૭ કિલોમીટરનું અંતર ઓછું થઈ ગયું અને ૨૬ કલાક વહેલાં પહોંચવાનું શક્ય બન્યું. કોંકણ રેલવેમાં મુસાફરી કરનારાઓ હવે અદ્ભુત કુદરતી દૃશ્યો જોઈ શકે છે. પર્યટકો માટે પણ માણવા જેવા નવા નવા સ્થળો ખુલ્લા થયા અને લાખો લોકોની આર્થિક પરિસ્થિતિમાં પણ ઘણો સુધારો થયો.
[નકશા]
(લેખને છપાયો છે એવો જોવા એ પ્રકાશનમાં જુઓ)
મુંબઈ
મૅંગલોર
[ચિત્ર]
પનવેલ નદી પર એશિયાનો સૌથી ઊંચો પૂલ
[ક્રેડીટ લાઈન]
Dipankar Banerjee/STSimages.com
[પાન ૧૬ પર બોક્સ/ચિત્ર]
ફેરી ક્વીન
દુનિયાનું સૌથી જૂનું કામ કરતું સ્ટીમ એન્જિન ફેરી ક્વીન છે. એને ૧૮૫૫માં લીડ્ઝ, ઇંગ્લૅંડમાં કીટસન, થોમ્સન ઍન્ડ હ્યુવ્હીટ્સન એન્જિનિયરીંગ કંપનીએ બનાવ્યું હતું. આ એન્જિન માલગાડીને કોલકત્તા નજીક હાવરા સ્ટેશનથી બંગાળના રાણીગંજ સુધી લઈ જતું હતું. વર્ષ ૧૯૦૯માં ફેરી ક્વીન એન્જિનને નવી દિલ્હી, નેશનલ રેલ મ્યુઝિયમમાં મૂકવામાં આવ્યું, જેથી ટ્રેનના રસિયાઓ એને જોઈ શકે. ભારતની આઝાદીના ૫૦મા વર્ષની ઉજવણીમાં, આ સ્ટીમ એન્જિનને પાછું સેવામાં લાવવામાં આવ્યું. વર્ષ ૧૯૯૭થી, ફેરી ક્વીન એક્સપ્રેસ દિલ્હીથી રાજસ્થાનના અલ્વર સુધી, પર્યટકોને ૧૪૩ કિલોમીટરની મુસાફરી કરાવે છે.
[પાન ૧૭ પર બોક્સ/ચિત્રો]
ભારતીય રેલવે—એશઆરામ અને ઝડપી!
એશઆરામ ભારતનો ઇતિહાસ જાહોજલાલીથી ભરેલો છે. એ સમયે પણ રેલવેમાં એશઆરામથી મુસાફરી થઈ શકતી હતી. ખરું કે એ ખૂબ મોંઘી હતી, પણ એમાં બધી જ સગવડો મળતી હતી. એ મુસાફરીમાંથી ઘણું બધું જાણવા મળે છે. વર્ષ ૧૯૮૨માં સ્ટીમ એન્જિનથી ચાલતી પેલેસ ઓન વીલ્સ નામની ટ્રેન શરૂ કરવામાં આવી. એના વૈભવી ડબ્બાઓ અગાઉ મહારાજાઓ અને વાઈસરોય વાપરતા હતા. આજે પણ એના ડબ્બાઓ રાજા-રજવાડાના જમાનાના હોય એવા જ સુંદર અને મોભાવાળા દેખાય છે. એ ડબ્બાનો રંગ બહારથી સફેદ હોય છે અને અંદરથી સાગના લાકડાથી સજાવેલા હોય છે. ડબ્બાઓને બિલોર ઝૂમખાંઓ અને જાત જાતના રંગોના મોંઘા રેશમથી સજાવેલા હોય છે. એમાં સૂવાનો બેડરૂમ પણ આલિશાન હોય છે. જમવાના ડાઈનીંગ રૂમો, સીટીંગ રૂમ અને લાઇબ્રેરી, જાત જાતના સ્વાદિષ્ટ ભોજનો અને યુનિફોર્મમાં કર્મચારીઓ સેવામાં હાજર હોય છે. કેવી એશઆરામભરી મુસાફરી!
વર્ષ ૧૯૯૫માં જૂનાં પાટાઓને બ્રોડગેજમાં બદલવામાં આવ્યા, અને નવી પેલેસ ટ્રેન બનાવવામાં આવી. જૂના ડબ્બાઓને કાઢી નાખવામાં આવ્યા. ધ રોયલ ઓરિઅન્ટ નામની એશઆરામથી મુસાફરી કરાવતી નવી ટ્રેન પશ્ચિમના રાજ્યો, ગુજરાત અને રાજસ્થાનમાં હજુ પણ ચાલુ છે. આ ટ્રેનો ખાસ કરીને રાતે જ ચાલે છે અને મુસાફરો દિવસે ફરવા જાય છે. પ્રવાસીઓ મોટા થાર રણ, એના પ્રાચીન કિલ્લાઓ, ગઢ અને મંદિરો જોતા જોતા પસાર થાય છે. તમે રણમાં ઊંટ પર સવારી કરી શકો અને હાથી પર બેસીને પ્રખ્યાત અંબર કિલ્લાએ પણ જઈ શકો. એની નજીકમાં જ ગુલાબીનગરી જયપુર છે, જે ઘણા ઐતિહાસિક બનાવો માટે જાણીતું છે. એ શહેર ઝવેરાત અને હાથની સુંદર કારીગરી માટે પ્રખ્યાત છે. ત્યાં ખાસ રક્ષણ હેઠળ હોય એવા પંખીઓ, વાઘ અને આખી દુનિયામાં થોડા જ બચેલા એશિયાના સિંહો પણ જોવા મળે છે. ઉદયપુરના તળાવ વચ્ચે આવેલો રાજમહેલ પણ જોવાલાયક છે. તાજમહેલ જોવાનું તો ભૂલશો જ નહિ! આ સર્વ રેલવેની મુસાફરીના આનંદમાં વધારો કરે છે.
ઝડપ એ ખરું છે કે ભારતીય ટ્રેનો ફ્રાંસ અને જાપાનની હાઈસ્પીડ ટ્રેનોની બરોબરી કરી શકતી નથી. પરંતુ તમે સુપરફાસ્ટ ઇન્ટરસીટી ટ્રેનમાં ઝડપી અને એશઆરામવાળી લાંબી મુસાફરી કરી શકો છો. ભારતમાં આ ટ્રેનની ૧૦૬ જોડી છે. રાજધાની અને શતાબ્દી ટ્રેનો એક કલાકમાં ૧૬૦ કિલોમીટરની ઝડપે દોડે છે. વળી, એમાં વિમાનમાં મળે છે એવી જ સગવડો આપવામાં આવે છે. એર-કંડિશન ડબ્બાઓમાં આરામથી બેસી શકાય એવી બેઠક અથવા આરામથી સૂવાની જગ્યાઓ હોય છે. આ ટ્રેનની ટિકિટમાં ખાવા-પીવાનું, ઓઢવાની ચાદરો, ચોખ્ખું પીવાનું પાણી અને તબીબી સારવાર જેવી સગવડો પણ આવી જાય છે.
[નકશા]
(લેખને છપાયો છે એવો જોવા એ પ્રકાશનમાં જુઓ)
જયપુર
ઉદયપુર
[ચિત્રો]
હવામહેલ, જયપુર
તાજમહેલ, આગ્રા
ધ રોયલ ઓરિઅન્ટ
“પેલેસ ઓન વીલ્સ” ટ્રેન અંદરથી આવી દેખાય છે
[ક્રેડીટ લાઈન]
Hira Punjabi/STSimages.com
[નકશા/પાન ૧૩ પર ચિત્રો]
(લેખને છપાયો છે એવો જોવા એ પ્રકાશનમાં જુઓ)
નવી દિલ્હી
[ચિત્રો]
કેટલાક મુખ્ય રેલવે માર્ગો
સ્ટીમ એન્જિન, ઝવાર
સ્ટીમ, દાર્જિલિંગ હિમાલયાન રેલવે (DHR)
ઈલેક્ટ્રિક એન્જિન, આગ્રા
ઈલેક્ટ્રિક, મુંબઈ
ડીઝલ એન્જિન, હૈદ્રાબાદ
ડીઝલ, સિમલા
[ક્રેડીટ લાઈન]
Map: © www.MapsofIndia.com
[નકશા/પાન ૧૫ પર ચિત્રો]
(લેખને છપાયો છે એવો જોવા એ પ્રકાશનમાં જુઓ)
મુંબઈ
[ચિત્ર]
ચર્ચગેટ સ્ટેશન, મુંબઈ
[ક્રેડીટ લાઈન]
Sandeep Ruparel/STSimages.com
[નકશા/પાન ૧૫ પર ચિત્ર]
(લેખને છપાયો છે એવો જોવા એ પ્રકાશનમાં જુઓ)
નીલગિરિ ટેકરીઓ
[ચિત્ર]
સ્ટીમ એન્જિન “નાની ગાડીને” નીલગિરિ ટેકરીઓના આકરા ચઢાણ માર્ગ ઉપર લઈ જાય છે
[નકશા/પાન ૧૮ પર ચિત્ર]
(લેખને છપાયો છે એવો જોવા એ પ્રકાશનમાં જુઓ)
દાર્જિલિંગ
[ચિત્રો]
બટાસીઆ વળાંક, એક રેલવે માર્ગ આ રીતે ફરીને ઉપર જાય છે
બટાસીઆ વળાંક પાસેથી દેખાતો કાંચનજંઘા પર્વત
[પાન ૧૪ પર ચિત્રની ક્રેડીટ લાઈન]
Trains on pages 2, 13, 15 middle, 16-18: Reproduced by permission of Richard Wallace