સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

“કદાચ આ વખતે તે સુધરી જશે”

“કદાચ આ વખતે તે સુધરી જશે”

“કદાચ આ વખતે તે સુધરી જશે”

રૅક્સોના * એક ઉત્સાહી અને સુંદર સ્ત્રી છે. તેણે દક્ષિણ અમેરિકાના એક પ્રખ્યાત સર્જન સાથે લગ્‍ન કર્યા છે. તેને ચાર બાળકો પણ છે. તે કહે છે, “મારા પતિ બીજી સ્ત્રીઓ સાથે ખૂબ સારી રીતે વર્તે છે અને પુરુષોમાં સારી શાખ ધરાવે છે. . . . પરંતુ ઘરમાં તે ક્રૂર અને ઈર્ષાળુ માણસ છે.” હા, રૅક્સોનાના પતિના અસલી રંગને તેમના ખાસ મિત્રો જોઈ શકતા ન હતા.

રૅક્સોના પોતાના વિષે જણાવી રહી છે ત્યારે, ચહેરા પરથી તેના મનની વ્યથા સ્પષ્ટ રીતે જોવા મળે છે. “અમારા લગ્‍ન થયાને થોડા જ દિવસોમાં તેમનું અસલી રૂપ દેખાવા લાગ્યું. મારો નાનો ભાઈ અને મારી માતા અમને મળવા આવ્યા હતા. મને તો તેમની સાથે વાતો કરવાની ઘણી મજા આવી ગઈ. પરંતુ, તેઓના ગયા પછી તરત જ, મારા પતિએ ક્રૂર ગુસ્સાથી મને ધક્કો મારીને સોફા પર ફેંકી. જે કંઈ બની રહ્યું હતું એ હું માની જ શકતી ન હતી.”

દુઃખદપણે, રૅક્સોનાના ત્રાસદાયક જીવનની એ ફક્ત શરૂઆત જ હતી. ત્યાર પછી, વર્ષો સુધી રૅક્સોનાનો પતિ તેના પર મારઝૂડ અને જુલમ કરવા લાગ્યો. જાણે એ તો રોજનું થઈ ગયું હતું. રૅક્સોનાનો પતિ પહેલાં તેની સાથે મારપીટ કરતો. પછી તેની પાસે ગળગળો થઈને માફી માંગતો. તે ફરી કદી એવું નહિ કરે એમ રૅક્સોનાને કહેતો. થોડા સમય સુધી સારું ચાલતું. પરંતુ, પછી ફરી પાછો તે પોતાની અસલિયત પર આવી જતો. રૅક્સોના કહે છે, “મને દર વખતે થતું કે હવે તે સુધરી જશે. આથી, હું ઘણી વાર તેમને છોડીને નાસી જતી અને પાછી આવતી.”

રૅક્સોનાને ડર લાગે છે કે એક દિવસ તેનો પતિ વધારે ક્રૂર બનશે. તે કહે છે, “તેમણે મને અને મારાં બાળકોને મારી નાખવાની ધમકી આપી. એક દિવસે તેમણે મારા ગળા પર કાતર મૂકીને બીક બતાવી હતી. એક વાર તો તેમણે મારા કાન પર પિસ્તોલ મૂકીને મને ધમકાવી અને એની ચાંપ પણ દબાવી! પરંતુ, પિસ્તોલમાં ગોળી ન હતી. તેમ છતાં, ડરની મારી હું લગભગ મરી જ ગઈ હતી.”

ખામોશ રહીને સહન કરવું

રૅક્સોનાની જેમ ઘણી સ્ત્રીઓ પતિઓના અત્યાચારને સહન કરી લેતી હોય છે. * તેઓમાંથી મોટા ભાગની પોતાના આ દુઃખ વિષે કોઈને કહેતી નથી. તેઓને લાગે છે કે બીજાઓને કહેવાનો કંઈ ફાયદો નથી. ઘણા જુલમી પતિઓ આમ કહીને વાતને ઉડાવી દે છે કે, “મારી પત્ની જરા એવી જ છે” અથવા “તેને રાયનો પહાડ બનાવવાની આદત પડી ગઈ છે.”

ઘણી સ્ત્રીઓ પોતાના ઘરમાં સલામત હોવી જોઈએ. પરંતુ દુઃખની વાત છે કે તેઓ પોતાના ઘરમાં જ સતત ભય હેઠળ જીવતી હોય છે. તોપણ, સામાન્ય રીતે સમાજ દુઃખી સ્ત્રીને બદલે પતિ પ્રત્યે સહાનુભૂતિ બતાવે છે. ખરેખર, સમાજ એ માની શકતો નથી કે સારી શાખ ધરાવતો પતિ પોતાની પત્નીને આ રીતે મારતો હશે. અનિતાનો વિચાર કરો. તેનો પતિ સમાજમાં સારી શાખ ધરાવે છે. પરંતુ, જ્યારે અનિતાએ પતિના અત્યાચાર વિષે એક ઓળખીતાને દિલ ખોલીને વાત કરી ત્યારે, શું બન્યું? “તેણે મને કહ્યું: ‘તને આવા ભલા માણસ પર આરોપ મૂકતા શરમ નથી આવતી?’ બીજા એક માણસે કહ્યું કે મારો જ કંઈક વાંક હશે! અરે, તેમની અસલિયત દેખાઈ આવી ત્યારે મારા કેટલાક સગાં-સંબંધીઓ પણ મને ટાળવા લાગ્યા. તેઓ માનતા હતા કે મારે એનો ઢંઢેરો પીટવાની જરૂર ન હતી કારણ કે પુરુષોનો સ્વભાવ જ એવો હોય છે.’”

અનિતાનો અનુભવ બતાવે છે તેમ, ઘણા લોકોને એ માનવું અઘરું લાગે છે કે કોઈ પતિ પોતાની પત્ની પર અત્યાચાર કરે છે. એક સમયે પતિ જેને ખૂબ પ્રેમ કરતો હતો તેના પર જ શા માટે આટલો અત્યાચાર કરે છે? ભોગ બનેલાઓને કઈ રીતે મદદ કરી શકાય? (g01 11/8)

[ફુટનોટ્‌સ]

^ આ લેખોમાં નામ બદલવામાં આવ્યાં છે.

^ એ ખરું છે કે ઘણા પતિઓને પણ જુલમ સહેવો પડે છે. પરંતુ, સર્વે બતાવે છે કે મોટે ભાગે સ્ત્રીઓએ સહન કરવું પડતું હોય છે. તેથી, આ લેખો સ્ત્રી પર થતા અત્યાચારની ચર્ચા કરે છે.

[પાન ૪ પર બોક્સ/ચિત્ર]

કુટુંબમાં થતી હિંસા

“સ્ત્રીઓ પર થતા જુલમો” દૂર કરવા વિષે, સંયુક્ત રાષ્ટ્ર સંઘે કરેલી જાહેરાત પ્રમાણે, એમાં દરેક પ્રકારની હિંસાનો સમાવેશ થાય છે. એમાં “સ્ત્રીઓ પર થતી કોઈ પણ જાતની મારઝૂડ, જાતીય કે માનસિક ત્રાસથી અપાતું દુઃખ, કે પછી એવી કોઈ ધમકીઓ કે બળજબરીથી કામ લેવાનો અથવા ઘરમાં કે જાહેરમાં તેઓને ગુલામ તરીકે રાખવાનો સમાવેશ થાય છે.” વળી, એવી હિંસામાં “કુટુંબ અને સમાજ તરફથી સ્ત્રીઓને અપાતા શારીરિક, જાતીય અને માનસિક ત્રાસનો પણ સમાવેશ થાય છે. એમાં, મારઝૂડ, જાતીય પજવણી, દહેજને કારણે થતો જુલમ, પતિ દ્વારા પત્ની પર થતો બળાત્કાર, સ્ત્રીના ગુપ્તાંગોને ઈજા પહોંચાડવી અથવા સ્ત્રીને દુઃખ આપવા ઉપયોગમાં લેવાતા બીજા કોઈ પણ ક્રૂર રીતિ-રિવાજનો સમાવેશ થાય છે.”