શું બધા જ ધર્મો પરમેશ્વર તરફ લઈ જાય છે?
બાઇબલ શું કહે છે
શું બધા જ ધર્મો પરમેશ્વર તરફ લઈ જાય છે?
“મને એ માનવું અઘરું લાગે છે કે આખી સૃષ્ટિના ઉત્પન્નકર્તાએ પોતાની ઓળખ ફક્ત એક જ ધર્મને આપી છે,” એક લેખક મારકસ બોર્ગે આમ જણાવ્યું. નોબલ ઇનામ વિજેતા દેસમન્ડ ટુટુએ કહ્યું: “કોઈ પણ ધર્મ વિશ્વાસના ગૂઢ રહસ્ય વિષે બધું જ સત્ય જાણવાનો દાવો કરી શકે એમ નથી.” એક પ્રખ્યાત બંગાળી કહેવત છે, “જોટો મોત, ટોટો પોથ.” એનું છૂટછાટથી ભાષાંતર કરવામાં આવે તો, એનો અર્થ એ થાય કે બધા જ ધર્મો એક જ લક્ષ તરફ લઈ જતા અલગ અલગ રસ્તાઓ છે. તેમ જ બૌદ્ધ લોકો પણ એવું જ માને છે. ખરેખર, કરોડો લોકો માને છે કે બધા ધર્મો પરમેશ્વર તરફ દોરી જાય છે, ફક્ત રસ્તા જ અલગ અલગ છે.
ઇતિહાસકાર જેફરી પરીન્ડારે કહ્યું: “કેટલીક વખત એમ કહેવામાં આવે છે કે બધા ધર્મોનો ધ્યેય એક જ છે અથવા બધા જ ધર્મો સાચા છે અથવા બધા ધર્મો સરખા જ સિદ્ધાંતો શીખવે છે.” ખરેખર, બધા જ ધર્મનાં ધાર્મિક શિક્ષણો, વિધિઓ અને દેવદેવીઓ મોટા ભાગે તો સરખા જ હોય છે. મોટા ભાગના ધર્મો એવું શીખવે છે કે બધા પર પ્રેમ રાખવો જોઈએ તેમ જ ખૂન, ચોરી તથા જૂઠું બોલવું એ ખોટું છે. મોટા ભાગના ધર્મોમાં કેટલાક લોકો બીજાઓને સાચા દિલથી મદદ કરવાનો પ્રયત્ન કરે છે. તેથી, જો કોઈ સાચા દિલથી પોતાના ધર્મમાં માનતું હોય અને કોઈનું ખરાબ ન કરતું હોય તો, શું એ મહત્ત્વનું છે કે તે કયો ધર્મ પાળે છે? અથવા શું બધા માર્ગો પરમેશ્વર તરફ દોરી જતા નથી?
ફક્ત નિખાલસતા હોવી પૂરતું છે?
પ્રથમ સદીના શાઊલ નામના યહુદી માણસનો વિચાર કરો, કે જે ખ્રિસ્તી બન્યા પછી પાઊલ તરીકે ઓળખાવા લાગ્યા. પહેલાં, તે યહુદી ધર્મના ઉત્સાહી અને ચુસ્ત ઉપાસક હતા, તેથી તે ખ્રિસ્તના અનુયાયીઓની ઉપાસના નાબૂદ કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. તેમનું માનવું હતું કે જે રીતે તેઓ પરમેશ્વરની ઉપાસના કરે છે એ અયોગ્ય છે. (પ્રેરિતોનાં કૃત્યો ૮:૧-૩; ૯:૧, ૨) પરંતુ, પરમેશ્વરની દયાને કારણે શાઊલ સમજ્યા કે તેમના જેવા ખૂબ જ ધાર્મિક લોકો પરમેશ્વર માટે ઉત્સાહી હોય શકે, તેમ છતાં બધી હકીકતો નહિ હોવાથી તેઓ ખોટા પણ હોય શકે. (રૂમી ૧૦:૨) શાઊલ પરમેશ્વરની ઇચ્છા અને વ્યવહાર વિષે વધુ શીખ્યા તેમ, તેમનું વલણ બદલાયું. વળી, તે જેઓની સતાવણી કરતા હતા તેઓની સાથે જોડાઈને પરમેશ્વરની ઉપાસના કરવા લાગ્યા અને ઈસુ ખ્રિસ્તના અનુયાયી પણ બન્યા.—૧ તીમોથી ૧:૧૨-૧૬.
શું બાઇબલ એવું કહે છે કે પસંદ કરવા માટે સેંકડો ધર્મ છે અને એમાંથી તમે ગમે તે પસંદ કરશો એને પરમેશ્વર માન્ય કરશે? પ્રેષિત પાઊલને પુનરુત્થાન પામેલા ઈસુ ખ્રિસ્ત પાસેથી જે નિર્દેશન મળ્યું એ તદ્દન અલગ હતું. ઈસુએ લોકો પાસે તેમને એ કારણથી મોકલ્યા કે જેથી તે “તેઓની આંખો ઉઘાડે, અને તેઓને અંધારામાંથી અજવાળામાં, અને શેતાનની સત્તા નીચેથી દેવની તરફ ફેરવે.” (પ્રેરિતોનાં કૃત્યો ૨૬:૧૭, ૧૮) આથી, એ સ્પષ્ટ દેખાઈ આવે છે કે ધર્મની પસંદગી કરવી એ મહત્ત્વનું છે. પાઊલને જે લોકો પાસે મોકલવામાં આવ્યા હતા, તેઓમાંના ઘણાની પાસે પોતાનો ધર્મ હતો. પરંતુ તેઓ ‘અંધારામાં’ હતા. ખરેખર, જો બધા જ ધર્મો અનંત જીવનના માર્ગ તરફ દોરી જતા હોય અને પરમેશ્વરને સ્વીકાર્ય હોય તો, ઈસુએ પોતાના અનુયાયીઓને શિષ્યો બનાવવાનું જે કામ સોંપ્યું હતું એ માટે તેઓને તાલીમ આપવાની કોઈ જરૂર ન હતી.—માત્થી ૨૮:૧૯, ૨૦.
ઈસુએ પહાડ પરના પોતાના પ્રખ્યાત પ્રવચનમાં આમ કહ્યું: “તમે સાંકડે બારણેથી માંહે પેસો; કેમકે જે માર્ગ નાશમાં પહોંચાડે છે, તે ચોડો છે, ને તેનું બારણું પહોળું છે, ને ઘણા તેમાં થઈને પેસે છે. કેમકે જે માર્ગ જીવનમાં પહોંચાડે છે, તે સાંકડો છે, ને તેનું બારણું સાંકડું છે. અને જેઓને તે જડે છે તેઓ થોડા જ છે.” (માત્થી ૭:૧૩, ૧૪) બાઇબલ સ્પષ્ટપણે જણાવે છે કે “એક વિશ્વાસ” છે. (એફેસી ૪:૫) એ સાચું છે, કે ‘ચોડા’ માર્ગ પર ચાલનારા ઘણાની પાસે પોતાનો ધર્મ છે. પરંતુ તેઓ પાસે “એક વિશ્વાસ” નથી. ઉપાસનાનું એક જ સાચું રૂપ હોવાથી, જેઓ એમાં વિશ્વાસ કરવા ચાહે છે તેઓએ એ માર્ગ શોધતા રહેવું જોઈએ.
સાચા પરમેશ્વરની શોધ
માણસજાતની શરૂઆતથી જ, પરમેશ્વરે માનવોને જણાવી દીધું હતું કે તે તેઓ પાસે શાની અપેક્ષા રાખે છે. (ઉત્પત્તિ ૧:૨૮; ૨:૧૫-૧૭; ઉત્પત્તિ ૪:૩-૫) આજે તેમની જરૂરિયાતો બાઇબલમાં સ્પષ્ટપણે સમજાવવામાં આવી છે. એનાથી આપણે સ્વીકાર્ય અને અસ્વીકાર્ય ભક્તિ વચ્ચેનો ભેદ પારખી શકીએ છીએ. (માત્થી ૧૫:૩-૯) કેટલાક લોકો જન્મથી જ પોતાને જે ધર્મ મળ્યો હોય એ પાળે છે જ્યારે બીજાઓ, સમાજના લોકો સામાન્ય રીતે જે ધર્મને પાળતા હોય એને અનુસરે છે. ઘણા લોકો જે ધર્મમાં અથવા જે વિસ્તારમાં જન્મ્યા હોય એ પ્રમાણે પોતાનો ધર્મ પાળતા હોય છે. તમારે કયો ધર્મ પાળવો જોઈએ એ પસંદ કરવા, શું તમારે સંજોગો પર આધારીત રહેવું જોઈએ કે પછી બીજા લોકોને એ નિર્ણય લેવા દેવો જોઈએ?
તમારે કયો ધર્મ પાળવો જોઈએ એની પસંદગી, શાસ્ત્રવચનોનો કાળજીપૂર્વક અભ્યાસ કર્યા પછી જ કરવી જોઈએ. પ્રથમ સદીમાં, અમુક ભણેલા લોકોએ પ્રેષિત પાઊલના શબ્દોને ફક્ત સ્વીકારી લેવાને બદલે વધુ કર્યું. તેઓ “એ વાતો એમજ છે કે નહિ, એ વિષે નિત્ય ધર્મશાસ્ત્રનું શોધન કરતા હતા.” (પ્રેરિતોનાં કૃત્યો ૧૭:૧૧; ૧ યોહાન ૪:૧) શા માટે તમે પણ એવું જ કરતા નથી?
બાઇબલ વિશ્વના પરમેશ્વરનું એવું વર્ણન કરે છે કે તે એવા લોકોને શોધે છે જેઓ તેમની સત્યતાથી ઉપાસના કરવા ચાહતા હોય. યોહાન ૪:૨૩, ૨૪માં નોંધ્યું છે તેમ, ઈસુએ સમજાવ્યું: “પણ એવી વેળા આવે છે, અને હાલ આવી છે, કે જ્યારે ખરા ભજનારા આત્માથી તથા સત્યતાથી બાપનું ભજન કરશે; કેમકે એવા ભજનારાઓને બાપ ઇચ્છે છે દેવ આત્મા છે; અને જેઓ તેને ભજે છે, તેઓએ આત્માથી તથા સત્યતાથી તેનું ભજન કરવું જોઈએ.” ફક્ત “દેવની, એટલે બાપની, આગળ શુદ્ધ તથા નિર્મળ ધાર્મિકતા છે” તે જ તેમને સ્વીકાર્ય છે. (યાકૂબ ૧:૨૭) પરમેશ્વરે જીવનના માર્ગ તરફ દોરી જતા સાંકડા માર્ગને શોધનારા લાખો લોકોને આશીર્વાદ આપ્યો છે. પરમેશ્વરમાં માનતા ન હોય એવા લોકોને તે અનંત કાળનું જીવન આપશે નહિ, પરંતુ તેમણે બતાવેલા સાંકડા માર્ગને શોધનારાઓને અને એના પર ચાલવા જેઓ મહેનત કરી રહ્યા છે તેઓને તે એ જીવન આપશે.—માલાખી ૩:૧૮. (g01 6/8)