અમારા વાચકો તરફથી
અમારા વાચકો તરફથી
બીમાર માબાપ “યુવાનો પૂછે છે . . . શા માટે મમ્મી ખૂબ બીમાર છે?” (ઑગસ્ટ ૮, ૧૯૯૯) આ લેખ હૃદયસ્પર્શી હતો. મને ખબર નહોતી કે મારા જેવા અનેક યુવાનોએ પોતાના સ્નેહીજનોની સંભાળ રાખવી પડે છે. મારા દાદી અમારી સાથે જ રહે છે અને તે ચાર મહિનાથી બીમાર છે. તેમની સંભાળ રાખતા રાખતા હું ઘણી થાકી ગયેલી અને મને એ કામ બોજ જેવું લાગતું હતું. પરંતુ આ લેખ વાંચીને મને ખૂબ જ હિંમત મળી. હવે મને પૂરી ખાતરી છે કે હું એકલી નથી પરંતુ યહોવાહ મારી સાથે છે અને તે મને પૂરેપૂરી રીતે મદદ કરશે.
જે. પી., ફિલિપાઈન્સ
આ લેખ વાંચીને મને ઘણી રાહત મળી. મારી મમ્મી ઘણી વાર હતાશાનો સામનો કરતી હોવાથી મને તેની સંભાળ રાખવા હિંમત મળી. લેખમાં આપવામાં આવેલા ઉપાયો અપનાવીને હું પરિસ્થિતિને સારી રીતે સમજી શક્યો છું. આમ, મને મારી મમ્મીની તકલીફોને સારી રીતે સમજવામાં મદદ મળી છે.
જી. એલ., ઇટાલી
હું કૅન્સરથી પીડાઉં છું. મારો દીકરો મારી બીમારીને કારણે ખૂબ જ ઉદાસ રહેતો હતો. મને પણ સમજાતું ન હતું કે તેને કઈ રીતે દિલાસો આપું. આ લેખ મને સમયસર મળ્યો, એમાં જે વર્ણન કરવામાં આવ્યું છે એવું જ મારો દીકરો અનુભવતો હતો. આ લેખ કંઈ ફક્ત યુવાનો માટે જ નથી પરંતુ એ જીવન વિષે આપણા સર્વને ખૂબ જ સમજણ આપે છે.
આર. ઝેડ., જર્મની
આ લેખ વાંચીને મને ખાતરી થઈ કે આત્મિક રીતે સક્રિય રહેવાથી તમને એટલી શક્તિ મળશે કે તમે એક બીમાર વ્યક્તિની સૌથી સારી સંભાળ રાખી શકશો.
પી. ઈ., ઑસ્ટ્રિયા
નિસરણીનો ઉપયોગ સપ્ટેમ્બર ૮, ૧૯૯૯ના લેખ “નિસરણીનો ઉપયોગ કરતા—શું તમે સલામતીના પગલાં ભરો છો?” માટે તમારો પુષ્કળ આભાર. તાજેતરમાં જ નિસરણી પરથી પડી જવાથી મને ઘૂંટણમાં વાગ્યું અને મારે મારા ઘૂંટણોનું ઑપરેશન કરાવવું પડ્યું. લેખમાં આપવામાં આવેલાં ૧૦ સૂચનો માટે તમારો પુષ્કળ આભાર. હવે હું નિસરણીનો ઉપયોગ કરતી વખતે આ સૂચનોને ધ્યાનમાં રાખીશ.
ડી. એન., મૅક્સિકો
સતાવણીમાંથી છૂટકારો “મરણનો સામનો કરતા દેવની સેવા કરવી” (સપ્ટેમ્બર ૮, ૧૯૯૯) મેં હમણાં જ આ લેખ વાંચ્યો. સાચે જ ધીરજનાં ફળ મીઠાં હોય છે. અંગોલાના ભાઈઓએ ૧૭ કરતાં વધારે વર્ષો સુધી ધીરજથી જુલમ અને તકલીફોનો સામનો કર્યો છે. અને એનું પરિણામ એ આવ્યું કે આ દેશમાં પ્રગતિની કોઈ આશા નહોતી એવા વિસ્તારોમાં અનેક લોકો સત્ય શીખીને યહોવાહના સંગઠનમાં આવી રહ્યા છે.
આર. વાય., જાપાન