યુવાનો માટે
૧૨: ધ્યેયો બાંધો
એનો શું અર્થ થાય?
ધ્યેય બાંધવો એ સપના જોવા ઉપરાંત કંઈક વધારે છે. એ બાબત પૂરી થાય એની તમે આશા પણ રાખો છો. ખરા ધ્યેયો રાખવા માટે યોજના બનાવવી પડે, બાંધછોડ કરવી પડે. વગર મહેનતે એવા ધ્યેયો હાંસલ થતા નથી.
ધ્યેયો અલગ અલગ પ્રકારના હોય છે. અમુક ટૂંકા ગાળાના હોય, તો બીજા અમુક લાંબા ગાળાના હોય. ટૂંકા ગાળાના ધ્યેયો પૂરા કરીને લાંબા ગાળાના ધ્યેયો સુધી પહોંચી શકાય છે.
એ કેમ મહત્ત્વનું છે?
ધ્યેય હાંસલ કરવાથી તમારો આત્મવિશ્વાસ વધી શકે છે, તમારી મિત્રતા ગાઢ બની શકે છે અને તમારી ખુશીમાં વધારો થઈ શકે છે.
આત્મવિશ્વાસ: જ્યારે નાના નાના ધ્યેયો રાખો છો અને એને પૂરા કરો છો, ત્યારે અઘરા ધ્યેયો બાંધવા માટે તમારો આત્મવિશ્વાસ વધે છે. રોજબરોજની મુશ્કેલીઓ જેમ કે, સાથે ભણનારા લોકો તરફથી થતા દબાણનો સામનો કરવા તમારી હિંમત બંધાય છે.
મિત્રતા: જે વ્યક્તિઓ જીવનમાં વાજબી ધ્યેયો રાખે છે એટલે કે જેઓ પોતાનું લક્ષ્ય જાણે છે અને એને પૂરું કરવા મહેનત કરે છે, તેઓ સાથે સંગત રાખવાનું લોકોને ગમશે. વધુમાં, મિત્રતા પાકી બનાવવાની એક સૌથી સારી રીત છે કે એવા વ્યક્તિ સાથે કામ કરો, જેઓના ધ્યેયો તમારા જેવા જ હોય.
ખુશી: તમે ધ્યેયો રાખો છો અને એને હાંસલ કરો છો ત્યારે, તમને અનેરી ખુશી થાય છે. એવી ખુશી જાણે કે તમે સફળતાના શિખરો સર કર્યા છે.
‘મને ધ્યેયો રાખવા ગમે છે. એનાથી હું ધ્યેયો પૂરા કરવામાં અને એની પાછળ મંડ્યા રહેવામાં મારું મન પરોવેલું રાખી શકું છું. હું મારો ધ્યેય પૂરો કરું છું ત્યારે, મને ઘણી ખુશી મળે છે. હું જાણે પોતાને કહું છું, “શું વાત છે! મેં જે ધાર્યું હતું એ સાચે જ કરી નાખ્યું!”’—ક્રિસ્ટોફર.
પવિત્ર શાસ્ત્રનો સિદ્ધાંત: “જે માણસ પવન પર ધ્યાન રાખ્યા કરે છે તે વાવશે નહિ; અને જે માણસ વાદળ જોતો રહે છે તે કાપણી કરશે નહિ.”—સભાશિક્ષક ૧૧:૪.
તમે શું કરી શકો
ધ્યેયો રાખવા અને એને પહોંચી વળવા આવાં પગલાં ભરો:
પારખો. તમે પૂરા કરવા ચાહતા હો, એવા ધ્યેયો વિશે વિચારો. સૌથી મહત્ત્વના કયા છે એનું એક, બે, ત્રણ કરીને લિસ્ટ બનાવો.
યોજના બનાવો. દરેક ધ્યેય માટે આમ કરો:
-
એને પૂરો કરવા માટે વાજબી સમયગાળો નક્કી કરો.
-
નક્કી કરો કે એને પૂરો કરવા કયા પગલાં ભરશો.
-
ભાવિમાં આવનાર નડતરોને પારખો અને એને કઈ રીતે આંબી શકાય એનો વિચાર કરો.
એ પ્રમાણે કરો. નાની નાની બાબતો પૂરી થાય એની રાહ ન જુઓ, પણ ધ્યેયો પાછળ કામ કરવાનું શરૂ કરી દો. પોતાને પૂછો: “મારા ધ્યેય સુધી પહોંચવા સૌથી પહેલા હું શું કરી શકું?” પછી એ પ્રમાણે કરો. જેમ જેમ તમારા ધ્યેય તરફ આગળ વધો, તેમ તેમ તમારી પ્રગતિ તપાસતા રહો.
પવિત્ર શાસ્ત્રનો સિદ્ધાંત: “ઉદ્યોગીના વિચારોનું પુષ્કળ ફળ મળે છે.”—નીતિવચનો ૨૧:૫.