મુખ્ય વિષય
બાઇબલ—ફક્ત સારું પુસ્તક કે કંઈક વધારે?
આખું બાઇબલ લખાયાને આશરે ૨,૦૦૦ વર્ષો થઈ ગયાં છે. એ સમયથી લઈને આજ સુધી અસંખ્ય પુસ્તકો આવ્યાં ને ગયાં. જ્યારે કે, બાઇબલ એવું નથી. નીચેની માહિતીનો જરા વિચાર કરો.
-
સત્તા ધરાવતા લોકોએ ઘણા પ્રયત્નો કર્યા, પણ બાઇબલનું અસ્તિત્વ મિટાવી શક્યા નહિ. જેમ કે, પોતાને “ખ્રિસ્તી” કહેતા અમુક દેશોમાં ૧૩થી ૧૫મી સદીના સમયગાળામાં જે પરિસ્થિતિ હતી એના માટે એક પુસ્તક આમ જણાવે છે: ‘પોતાની ભાષાનું બાઇબલ રાખવું અને એને વાંચવું નિંદાજનક અને વિરોધને પાત્ર ગણાતું.’ (એન ઇન્ટ્રોડક્શન ટુ મેડિઈવલ બાઇબલ) બાઇબલનું ભાષાંતર કરનાર કે પછી બાઇબલમાંથી શીખવાનું ઉત્તેજન આપનાર વિદ્વાનોને જીવનું જોખમ રહેતું. અમુકે તો પોતાનો જીવ ગુમાવ્યો પણ ખરો!
-
આટલો બધો વિરોધ હોવા છતાં, બાઇબલ કાયમ સૌથી વધુ વિતરણ પામતું પુસ્તક રહ્યું છે. આખેઆખું બાઇબલ અથવા એના અમુક ભાગોની આશરે ૫ અબજ પ્રતો ૨,૮૦૦થી વધુ ભાષામાં છપાઈ છે. ફિલસૂફીનાં અથવા જ્ઞાન-વિજ્ઞાનનાં પુસ્તકોની સરખામણીમાં ખરેખર બાઇબલ સાવ જુદું છે. બીજાં કોઈ પુસ્તકનું ન તો આટલું બધું વિતરણ થયું છે, ન તો એ બાઇબલની જેમ કાયમ ઉપયોગી છે!
-
એટલું જ નહિ, બાઇબલનો જે ભાષાઓમાં અનુવાદ થયો છે, એમાંની અમુક ભાષાની સમૃદ્ધિ અને વિકાસ પાછળ, બાઇબલના એ અનુવાદનો હાથ રહ્યો છે. જેમ કે, જર્મન ભાષામાં માર્ટિન લ્યુથરે કરેલો બાઇબલ અનુવાદ. એની જર્મન ભાષા પર બહુ અસર પડી છે. કિંગ જેમ્સ વર્ઝનની સૌપ્રથમ આવૃત્તિનો વિચાર કરો. અંગ્રેજી ભાષામાં ‘બહાર પાડવામાં આવેલું સૌથી પ્રભાવશાળી પુસ્તક’ તરીકે એનું વર્ણન થયું છે.
-
પશ્ચિમી દેશોની સંસ્કૃતિ પર બાઇબલનો ઘણો પ્રભાવ પડ્યો છે. ‘પશ્ચિમી દેશોની ધાર્મિક માન્યતાઓ અને રીતભાત પર એની અસર થઈ છે. એટલું જ નહિ, ત્યાંનાં સાહિત્ય, કલા, કાયદા, રાજકારણ અને બીજાં અસંખ્ય ક્ષેત્રો પર પણ એની ઊંડી અસર પડી છે.’—ધી ઑક્સફર્ડ ઍન્સાઇક્લોપીડિયા ઓફ ધ બુક્સ ઓફ ધ બાઇબલ. (g16-E No. 2)
બાઇબલની બીજી પણ ઘણી ખાસિયતો છે, જે એને બીજાં પુસ્તકો કરતાં જુદું પાડે છે. પરંતુ, બાઇબલ શા માટે આટલું બધું લોકપ્રિય છે? એ પુસ્તક માટે કેમ લોકોએ પોતાના જીવનું જોખમ ઉઠાવ્યું? એનાં ઘણાં કારણો છે, જેમાંનાં અમુક આમ છે: બાઇબલ સારા સંસ્કારો અને સાચી ભક્તિને લગતું શિક્ષણ આપે છે. એના શિક્ષણમાં ઊંડું જ્ઞાન અને ડહાપણ જોવાં મળે છે. બાઇબલ આપણને માણસજાતની દુઃખ-તકલીફો અને તકરારો પાછળ રહેલું કારણ સમજવા મદદ કરે છે. એનાથી પણ વધુ સારું તો એ છે કે, બાઇબલ એવા સુંદર ભાવિની આશા આપે છે, જેમાં કોઈ પણ પ્રકારની દુઃખ-તકલીફ નહિ હોય. ઉપરાંત, એ પણ જણાવે છે કે એવું ભાવિ ક્યારે અને કઈ રીતે આવનાર છે.
સારા સંસ્કારો અને ભક્તિનું શિક્ષણ આપતું પુસ્તક
ખરું કે, સ્કૂલ-કૉલેજનું શિક્ષણ લેવું મહત્ત્વનું છે. જોકે, કૅનેડાના ઓટાવા સિટીઝન નામના ન્યૂઝ પેપરનો એક લેખ કહે છે: ‘જે શિક્ષણ માત્ર તમારા નામની આગળ ડિગ્રી લખવા ઉપયોગી છે, એ બાહેંધરી નથી આપી શકતું કે તમને સંસ્કારી બનાવશે.’ એ વાત કેટલી સાચી છે! ઉચ્ચ શિક્ષણ લીધું હોય એવા ઘણા લોકો, વેપાર જગતની હસ્તીઓ અને સરકારી અધિકારીઓ છેતરપિંડી, ચોરી અને બીજાં કૌભાંડમાં ઝડપાય છે. ઍડલમેન નામની એક કંપનીએ કરેલા દુનિયા ફરતેના સર્વે પરથી જોવા મળ્યું છે કે એ કારણે એવી હસ્તીઓ પરથી ‘લોકોનો વિશ્વાસ સાવ ઊઠી ગયો છે.’
બાઇબલ બંને બાબતે શિક્ષણ આપે છે, સારા સંસ્કારને લગતું અને ભક્તિને લગતું! એ આપણને ‘નેકી, ન્યાય અને ઇન્સાફને, હા, દરેક સારા માર્ગને સમજવા’ મદદ કરે છે. (નીતિવચનો ૨:૯) સ્ટીફનનો a વિચાર કરો, જે ૨૩ વર્ષનો છે. તે પોલૅન્ડની જેલમાં હતો. ત્યાં તેણે બાઇબલ વાંચવાનું શરૂ કર્યું. બાઇબલમાં જોવા મળતી વ્યવહારુ સલાહ માટે તેને ઘણી કદર જાગી. તે કહે છે, ‘હવે હું ખરા અર્થમાં સમજી શક્યો કે “માબાપનું સન્માન કરવું” એટલે શું. હું મારી લાગણીઓ પર કાબૂ રાખતા પણ શીખ્યો છું; ખાસ તો મારા વધુ પડતા ગુસ્સા પર!’—એફેસી ૪:૩૧; ૬:૨.
સ્ટીફને નીતિવચનો ૧૯:૧૧ની આ સલાહ ધ્યાનમાં લીધી: “માણસની વિવેકબુદ્ધિ તેના ક્રોધને શાંત કરે છે; અને અપરાધની દરગુજર કરવી એ તેનો મહિમા છે.” હવે, જ્યારે ગુસ્સો ચઢાવતી પરિસ્થિતિ ઊભી થાય, ત્યારે સ્ટીફન શાંતિથી કામ લે છે. તે સંજોગોને સમજવાનો પ્રયત્ન કરે છે અને સંજોગોને લાગુ પડતા બાઇબલ સિદ્ધાંત પર અમલ કરે છે. તે કહે છે, ‘મેં પારખ્યું છે કે બાઇબલ સૌથી સારું માર્ગદર્શન આપતું પુસ્તક છે.’
મારીયા નામનાં એક બહેનનો દાખલો લો, તે યહોવાનાં સાક્ષી છે. એક વાર તેમનું એક સ્ત્રીએ જાહેરમાં હડહડતું અપમાન કર્યું. એ સ્ત્રીને સાક્ષીઓ વિશે અમુક ગેરસમજણ હતી. બહેન મારીયા વળતો જવાબ આપવાને બદલે, શાંતિથી પોતાને રસ્તે ચાલતાં થયાં. પછી, એ સ્ત્રીને અહેસાસ થયો કે તે બહુ ખરાબ રીતે વર્તી. અને તે યહોવાના સાક્ષીઓને શોધવા
લાગી. એક મહિના પછી એ સ્ત્રીએ બહેન મારીયાને જોઈ. તે તરત મારીયાને મળીને ભેટી પડી અને પોતાનાં ખરાબ વર્તનની માફી માંગી. એ સ્ત્રી બરાબર પારખી ગઈ કે મારીયાનાં નમ્ર અને સંયમભર્યા વર્તનમાં તેમના ધર્મનું શિક્ષણ છલકે છે. પરિણામે, એ સ્ત્રી અને તેના ઘરના પાંચ લોકોએ યહોવાના સાક્ષીઓ પાસેથી બાઇબલ શીખવાનું નક્કી કર્યું.ઈસુએ કહ્યું, “જ્ઞાન પોતાનાં કૃત્યોથી યથાર્થ ઠરે છે.” (માથ્થી ૧૧:૧૯) બાઇબલ સિદ્ધાંતો બહુ ઉપયોગી છે, એના ઘણા પુરાવા છે. એ સિદ્ધાંતો આપણને બહુ સારી વ્યક્તિ બનાવે છે. એ “અબુદ્ધને બુદ્ધિમાન કરે છે.” આપણા “હૃદયને આનંદ આપે છે.” એ આપણને સારા સંસ્કાર અને સાચી ભક્તિનું સ્પષ્ટ માર્ગદર્શન આપીને આપણી “આંખોને પ્રકાશ આપે છે.”—ગીતશાસ્ત્ર ૧૯:૭, ૮.
દુઃખ-તકલીફો અને તકરારોનું કારણ જણાવતું પુસ્તક
કોઈ રોગચાળો ફાટી નીકળે ત્યારે, તપાસ કરનારાઓ એ સમસ્યાના મૂળ સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે. તેઓ શોધી કાઢે છે કે એ રોગ શાને લીધે ફાટી નીકળ્યો. એવું જ કંઈક, માણસજાતમાં ફાટી નીકળેલા દુઃખ-તકલીફ અને સંઘર્ષના “રોગચાળા”ને લાગુ પડે છે. એ રોગચાળાનું મૂળ કારણ શું છે, એ સમજવા બાઇબલ આપણને ઘણી મદદ કરે છે. કારણ કે, એમાં માનવ ઇતિહાસની શરૂઆતના સમય વિશે લખ્યું છે. એમાં જણાવ્યું છે કે મુશ્કેલીઓ ક્યારે અને કઈ રીતે શરૂ થઈ.
બાઇબલમાં ઉત્પત્તિનું પુસ્તક બતાવે છે કે માણસજાત પર દુઃખ-તકલીફોનો પહાડ ત્યારે તૂટી પડ્યો જ્યારે પ્રથમ માનવ યુગલે ઈશ્વરની આજ્ઞા તોડી. તેઓએ ઈશ્વર સામે બળવો કરીને ખરું-ખોટું નક્કી કરવાનું પોતાના હાથમાં લીધું. પરંતુ, એ નક્કી કરવાનો અધિકાર ફક્ત તેઓના સર્જનહારને હતો. (ઉત્પત્તિ ૩:૧-૭) અફસોસની વાત છે કે મોટા ભાગના લોકોએ પ્રથમ યુગલનું ઉદ્ધત અને અહમભર્યું વલણ અપનાવ્યું છે, જેને તેઓ આઝાદ વિચારો કહે છે. એનું પરિણામ શું આવ્યું છે? આખા માનવ ઇતિહાસમાં એક પછી એક તકરારો અને જુલમના કાંટા ઊગ્યા છે. ભક્તિ અને સંસ્કારનું સ્તર સાવ નીચું થઈ ગયું છે. સાચી આઝાદી અને સુખનાં ફૂલો ક્યારેય ખીલ્યાં નથી! (સભાશિક્ષક ૮:૯) બાઇબલ સાચું જ કહે છે, “પોતાનાં પગલાં ગોઠવવાં એ ચાલનાર મનુષ્યનું કામ નથી.” (યિર્મેયા ૧૦:૨૩) જોકે, એક ખુશખબર છે! પોતાની મરજી પ્રમાણે ચાલવાનો જે અખતરો મનુષ્યોએ શરૂ કર્યો છે એનો બહુ જલદી અંત આવવાનો છે.
સારા ભાવિની આશા આપતું પુસ્તક
બાઇબલ એવી ખાતરી આપે છે કે જે લોકો ઈશ્વરના અધિકાર અને સિદ્ધાંતોને માન આપે છે, તેઓને ઈશ્વર પ્રેમ કરે છે. એ પ્રેમને લીધે તે હવે દુષ્ટતા અને દુઃખોને વધુ ચાલવા નહિ દે. દુષ્ટ લોકો પોતાના ખોટા “માર્ગનું ફળ ચાખશે.” (નીતિવચનો ૧:૩૦, ૩૧) જ્યારે કે, “નમ્ર લોકો દેશનું વતન પામશે; અને પુષ્કળ શાંતિમાં તેઓ આનંદ કરશે.”—ગીતશાસ્ત્ર ૩૭:૧૧.
“ઈશ્વરના રાજ્ય” દ્વારા ઈશ્વર આ દુનિયાને સુખ-શાંતિથી ભરી દેવાનો પોતાનો હેતુ પૂરો કરશે. (લુક ૪:૪૩) ઈશ્વરને જ માણસજાત પર રાજ કરવાનો હક્ક છે. અને તે આખી દુનિયા પર એક સરકાર સ્થાપીને પોતાની એ સર્વોપરિતા જાહેર કરશે. ઈસુએ શીખવેલી પ્રાર્થનામાં આ શબ્દો કહ્યા હતા, “તારું રાજ્ય આવો; જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તારી ઇચ્છા પૂરી થાઓ.” એમ કહીને ઈસુ દર્શાવવા માંગતા હતા કે સ્વર્ગના રાજ્યનો સીધેસીધો સંબંધ પૃથ્વી સાથે છે.—માથ્થી ૬:૧૦.
હા, ઈશ્વરના રાજ્યની પ્રજા ઈશ્વરની ઇચ્છા પ્રમાણે જ કરશે. તેઓ પોતાના સર્જનહારને ઓળખીને તેમને જ માલિક માનશે. તેઓ કોઈ માણસને રાજા બનાવશે નહિ. એ વખતે, ભ્રષ્ટાચાર, લોભ-લાલચ, જાતિવાદ અને યુદ્ધો નહિ હોય. ત્યારે આખી દુનિયા પર એક જ સરકાર અને એક સરખા નૈતિક સિદ્ધાંતો હશે. ઈશ્વરભક્તિના સિદ્ધાંતો પણ બધેય સરખા હશે.—પ્રકટીકરણ ૧૧:૧૫.
એ નવી દુનિયામાં જવા માટે બહુ મહત્ત્વનું છે કે આપણે એના વિશે શીખીએ. પહેલો તીમોથી ૨:૩, ૪ જણાવે છે કે, “સઘળાં માણસો તારણ પામે, ને તેમને સત્યનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય એવી તેની [ઈશ્વરની] ઇચ્છા છે.” એ સત્યમાં શાનો શાનો સમાવેશ થાય છે? ઈશ્વરના રાજ્યનાં ધારાધોરણ વિશે શીખવાનો સમાવેશ થાય છે. એ રાજ્ય વખતે જે નિયમો અને સિદ્ધાંતો લાગુ પાડવામાં આવશે એનું શિક્ષણ લેવાનો પણ સમાવેશ થાય છે. એમાંના અમુકની ઝલક આપણને ઈસુએ પહાડ પર આપેલા પ્રવચનમાં જોવા મળે છે. એ માથ્થીના અધ્યાય ૫-૭માં નોંધાયેલું છે. તમે એ અહેવાલો વાંચો ત્યારે વિચારજો કે, ઈસુની એ ડહાપણભરી સલાહને બધા જ પાળશે ત્યારે જીવન કેટલું મજાનું હશે!
દુનિયાનું સૌથી વધુ વિતરણ પામતું પુસ્તક બાઇબલ છે, શું એ જાણીને આપણને નવાઈ લાગવી જોઈએ? જરાય નહિ. એમાંથી મળતું શિક્ષણ કંઈ માણસોની નહિ, પણ ઈશ્વરની પ્રેરણાથી લખાયેલું છે! એનું જે હદે વિતરણ થાય છે એ બતાવે છે કે ઈશ્વર શું ઇચ્છે છે. એ જ કે દરેક ભાષા અને જાતિના લોકો ઈશ્વરને ઓળખે અને તેમના રાજ્યથી મળનાર આશીર્વાદોનો લાભ મેળવે.—પ્રેરિતોનાં કૃત્યો ૧૦:૩૪, ૩૫. (g16-E No. 2)
a આ નામ બદલ્યું છે.