મુખ્ય વિષય | શું આ દુનિયા ખતમ થવાને આરે છે?
શું આ દુનિયા ખતમ થવાને આરે છે કે નથી?
૨૦૧૭ના વર્ષની શરૂઆત એક નિરાશાજનક જાહેરાતથી થઈ હતી. અમુક વૈજ્ઞાનિકોએ જાન્યુઆરી મહિનામાં જણાવ્યું હતું કે, ઇતિહાસના સૌથી ભયાનક વિનાશ તરફ દુનિયાએ એક ડગ આગળ માંડ્યું છે. પૃથ્વીનો વિનાશ કેટલો નજીક આવી પહોંચ્યો છે, એ દર્શાવવા વૈજ્ઞાનિકોએ એક ઘડિયાળ બનાવી છે, જે ડૂમ્સ-ડે ક્લૉક તરીકે ઓળખાય છે. વૈજ્ઞાનિકોએ એ ઘડિયાળનો કાંટો ૩૦ સેકન્ડ આગળ વધાર્યો છે. હવે, ડૂમ્સ-ડે ક્લૉકમાં વિનાશક કાળી રાત થવામાં ફક્ત અઢી મિનિટની વાર છે. પાછલા ૬૦ વર્ષોમાં આવું પહેલી વાર બન્યું છે!
૨૦૧૮માં વૈજ્ઞાનિકો ફરીથી ગણતરી કરશે કે દુનિયાના વિનાશ પહેલાં કેટલો સમય બાકી છે. શું ડૂમ્સ-ડે ક્લૉકનો કાંટો ઝઝૂમી રહેલા ભયાનક વિનાશ તરફ હજીયે આગળ વધશે? તમને શું લાગે છે? શું આ દુનિયા ખતમ થવાને આરે છે? કદાચ જવાબ આપવો તમને અઘરો લાગે. અરે, નિષ્ણાતો પણ હજી એકમત થયા નથી! હા, ઘણા લોકો પૃથ્વીના સર્વનાશ વિશેની માન્યતાને ટેકો આપતા નથી.
હકીકતમાં, લાખો લોકો એક ઉજ્જવળ ભવિષ્યની આશા રાખે છે. તેઓ માને છે કે, માનવજાત અને પૃથ્વી કાયમ માટે ટકી રહેશે અને આપણું જીવન સુધરશે. શું તેઓની એ માન્યતા ભરોસાપાત્ર છે? શું આ દુનિયા ખતમ થવાને આરે છે કે નથી?