મુખ્ય વિષય | પોતાનું કોઈ ગુજરી જાય ત્યારે
ગુજરી ગયેલા જીવતા થશે!
આગલા લેખમાં વાત કરી, એ ગેલ બહેન જણાવે છે: ‘મારા પતિ રોબર્ટના શોકમાંથી બહાર આવવું અશક્ય છે.’ જોકે, તે રોબર્ટને ફરીથી મળવા નવી દુનિયાની રાહ જોઈ રહ્યા છે, જેનું વચન ઈશ્વરે આપ્યું છે. તે કહે છે: “મારી મનપસંદ કલમ છે, પ્રકટીકરણ ૨૧:૩, ૪.” એમાં લખ્યું છે, ‘ઈશ્વર પોતે તેઓની સાથે રહીને તેઓના ઈશ્વર થશે. તે તેઓની આંખોમાંનું દરેક આંસુ લૂછી નાખશે; મરણ ફરીથી થનાર નથી; તેમ જ શોક કે રૂદન કે દુઃખ ફરીથી થનાર નથી; પ્રથમની વાતો જતી રહેલી છે.’
ગેલ બહેન જણાવે છે: “દિલાસો આપનારું કેવું સુંદર વચન! એવા ઘણા લોકો છે, જેઓએ પોતાના સ્નેહીજનોને મરણમાં ગુમાવી દીધા છે. પણ, તેઓ જાણતા નથી કે ભાવિમાં તેઓના સ્નેહીજનો ફરી જીવતા થશે. મને એવા લોકો માટે દુઃખ થાય છે.” ગેલ બહેનને એ વચનમાં પૂરો ભરોસો છે. તે પૂરા સમયનું સેવાકાર્ય કરે છે અને લોકોને ઈશ્વરનું વચન જણાવે છે. તે એવા ભાવિ વિશે વાત કરે છે કે જ્યારે “મરણ ફરીથી થનાર નથી.”
તમે કદાચ કહેશો, ‘આવું તો બને જ નહિ.’ પણ, પ્રાચીન સમયના એક માણસ, અયૂબનો વિચાર કરો. તે ભયંકર માંદગીમાં પટકાયા હતા. (અયૂબ ૨:૭) તે મોત ચાહીને એમાંથી છૂટવા માંગતા હતા, છતાં તેમને ઈશ્વરની શક્તિમાં ભરોસો હતો. તે માનતા હતા કે ઈશ્વર તેમને પૃથ્વી પર જીવતા કરી શકે છે. તેમણે પૂરી ખાતરી સાથે કહ્યું: ‘તમે મને કબરમાં સંતાડો, તમે મને બોલાવશો, તો હું તમને ઉત્તર આપીશ; તમારા હાથનાં કામો પર તમે મમતા રાખશો.’ (અયૂબ ૧૪:૧૩, ૧૫) અયૂબને ભરોસો હતો કે ઈશ્વર તેમને ભૂલી નહિ જાય અને તેમને ફરી જીવતા કરવા આતુર છે.
ઈશ્વર એવું જલદી જ કરશે. આ દુનિયા સુંદર બાગ જેવી બનશે ત્યારે, તે અયૂબ અને તેમના જેવા અસંખ્ય લોકોને પૃથ્વી પર ફરી જીવતા કરશે. (લુક ૨૩:૪૨, ૪૩) પ્રેરિતોનાં કૃત્યો ૨૪:૧૫માં શાસ્ત્ર જણાવે છે: ‘લોકોને મરણમાંથી ઉઠાડવામાં આવશે.’ ઈસુ ખાતરી આપતા કહે છે: ‘એથી તમે આશ્ચર્ય ન પામો; કેમ કે એવી વેળા આવે છે કે જ્યારે જેઓ કબરમાં છે તેઓ સર્વ તેમની વાણી સાંભળશે અને નીકળી આવશે.’ (યોહાન ૫:૨૮, ૨૯) અયૂબ એ વચન પૂરું થતા જોશે. તે પોતાની “જુવાનીની સ્થિતિ પાછી” મેળવી શકશે અને તે સદા સર્વકાળ “નીરોગી” રહેશે. (અયૂબ ૩૩:૨૪, ૨૫) એવો આશીર્વાદ મેળવવા આપણે શું કરી શકીએ? ઈશ્વરે ગુજરી ગયેલા લોકોને સજીવન કરવાની જોગવાઈ કરીને દયા બતાવી છે. એ જોગવાઈની કદર કરવાથી આશીર્વાદ મેળવી શકીશું.
તમે કદાચ કોઈ સ્નેહીજનને ગુમાવ્યું હશે અને અહીં ચર્ચા કરવામાં આવેલી માહિતીથી તમારું દુઃખ પૂરી રીતે હળવું ન પણ થયું હોય. પરંતુ, શાસ્ત્રમાં જણાવેલાં ઈશ્વરનાં વચનો પર મનન કરવાથી, તમને સાચી આશા મળશે અને શોકમાંથી બહાર આવવા મદદ મળશે.—૧ થેસ્સાલોનીકી ૪:૧૩.
શોકમાંથી બહાર આવવા શું કરવું જોઈએ, એ વિશે તમે વધુ જાણવા માંગો છો? અથવા, શું તમને આવો સવાલ થાય છે, “ઈશ્વર કેમ દુષ્ટતા અને દુઃખ-તકલીફો ચાલવા દે છે?” અમારી વેબસાઇટ jw.org/gu પર જાઓ અને શાસ્ત્રમાંથી દિલાસો આપતા જવાબો મેળવો. (wp16-E No. 3)