અભ્યાસ લેખ ૩૫
વૃદ્ધ ભાઈ-બહેનોને અનમોલ સમજીએ
“ધોળા વાળ મહિમાનો મુગટ છે.”—નીતિ. ૧૬:૩૧.
ગીત ૪ ઈશ્વર સાથે સારું નામ બનાવીએ
ઝલક a
૧-૨. (ક) નીતિવચનો ૧૬:૩૧ પ્રમાણે આપણે વૃદ્ધ ભાઈ-બહેનોને કેવા ગણવા જોઈએ? (ખ) આપણે કયા સવાલોની ચર્ચા કરીશું?
કાચા હીરા ઘસેલા ન હોય એટલે પથ્થર જેવા લાગે. એ ચમકતા નથી, એટલે આપણી નજર પણ એના પર પડતી નથી. અરે, રસ્તામાં પડેલા હોય અને આપણે એની નજીકથી પસાર થઈએ તોય ખબર ન પડે કે એ હીરા છે.
૨ આપણાં વૃદ્ધ ભાઈ-બહેનો પણ એ હીરાની જેમ અનમોલ છે. બાઇબલ કહે છે કે તેઓના ધોળા વાળ મહિમાનો મુગટ છે. (નીતિવચનો ૧૬:૩૧ વાંચો; ૨૦:૨૯) બની શકે કે આપણે એ જોવાનું ચૂકી જઈએ કે તેઓ કેટલા અનમોલ છે. જો યુવાનો પણ તેઓને અનમોલ ગણશે તો તેઓ પાસેથી ઘણું શીખી શકશે. આ લેખમાં ત્રણ સવાલોની ચર્ચા કરીશું (૧) યહોવા શા માટે વૃદ્ધ ભાઈ-બહેનોને અનમોલ સમજે છે? (૨) યહોવાના સંગઠનમાં તેઓ કેમ મહત્ત્વનાં છે? (૩) આપણે તેઓ પાસેથી શીખવા શું કરવું જોઈએ?
યહોવા વૃદ્ધ ભાઈ-બહેનોને અનમોલ સમજે છે
૩. ગીતશાસ્ત્ર ૯૨:૧૨-૧૫ પ્રમાણે શા માટે યહોવા વૃદ્ધ ભાઈ-બહેનોને અનમોલ સમજે છે?
૩ આપણાં વૃદ્ધ ભાઈ-બહેનો યહોવા માટે ઘણાં અનમોલ છે. યહોવા તેઓનું દિલ જાણે છે. તે તેઓના સારા ગુણોની કદર કરે છે. વર્ષોથી યહોવાની સેવા કરતા હોવાથી તેઓ પાસે ઘણો અનુભવ છે. એટલે તેઓ બાળકો અને યુવાનોને સારી સલાહ આપે છે ત્યારે યહોવા ખુશ થાય છે. (અયૂ. ૧૨:૧૨; નીતિ. ૧:૧-૪) તેઓ ધીરજ બતાવે છે એની યહોવા કદર કરે છે. (માલા. ૩:૧૬) તેઓના જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા પણ તેઓ ડગ્યા નથી. યહોવામાં તેઓની શ્રદ્ધા આજે પણ મક્કમ છે. વધુમાં ભાવિમાં આવનાર સોનેરી દુનિયાની આશા તેઓ માટે પહેલાં કરતાં આજે વધારે મજબૂત થઈ છે. “ઘડપણમાં” પણ તેઓ યહોવાનું નામ જાહેર કરતા રહે છે, એ જોઈને યહોવાનું દિલ ખુશીથી ઊભરાઈ જાય છે.—ગીતશાસ્ત્ર ૯૨:૧૨-૧૫ વાંચો.
૪. કઈ રીતે વૃદ્ધ ભાઈ-બહેનોની હિંમત વધી શકે?
૪ જો તમે વૃદ્ધ ભાઈ કે બહેન હો તો યાદ રાખો કે તમે યહોવાની સેવામાં જે કંઈ કર્યું છે, એને યહોવા ભૂલ્યા નથી. (હિબ્રૂ. ૬:૧૦) તમે ઉત્સાહથી પ્રચાર કર્યો છે. તમે મુશ્કેલ સમયમાં ધીરજ રાખી છે. તમે બાઇબલનાં ધોરણો પ્રમાણે પોતાનું જીવન જીવ્યા છો. યહોવાના સંગઠનમાં તમે ઘણી બધી જવાબદારીઓ ઉપાડી છે અને બીજાઓને અલગ અલગ તાલીમ પણ આપી છે. જ્યારે સંગઠને અમુક ફેરફારો કરવાનું જણાવ્યું ત્યારે તમે એ પ્રમાણે કર્યું છે. જેઓ પૂરા સમયની સેવા કરે છે તેઓની તમે હિંમત વધારી છે. તમારી વફાદારી જોઈને યહોવા ખૂબ ખુશ છે અને તમને ખૂબ પ્રેમ કરે છે. તેમણે વચન આપ્યું છે કે “તે કદીયે વફાદાર ભક્તોનો સાથ છોડશે નહિ.” (ગીત. ૩૭:૨૮) તેમણે એમ પણ કહ્યું છે કે “તમારા વાળ સફેદ થાય ત્યારે પણ હું તમને ઊંચકી લઈશ.” (યશા. ૪૬:૪) એટલે તમે વૃદ્ધ થઈ ગયા હો તોપણ એમ ન વિચારો કે યહોવાના સંગઠનમાં તમારી કંઈ જરૂર નથી. તમે હજુ પણ ખૂબ અનમોલ છો.
યહોવાના સંગઠનમાં વૃદ્ધ ભાઈ-બહેનો મહત્ત્વનાં છે
૫. વૃદ્ધ ભાઈ-બહેનોએ શું યાદ રાખવું જોઈએ?
૫ ભલે વૃદ્ધ ભાઈ-બહેનો પાસે પહેલાં જેવી શક્તિ ન હોય, પણ તેઓએ યાદ રાખવું જોઈએ કે તેઓ પાસે વર્ષોનો અનુભવ છે. એટલે આજે પણ યહોવાના સંગઠનમાં તેઓ ઘણું કરી શકે છે. ચાલો એ જાણવા પહેલાંનાં અને આજનાં સમયનાં વૃદ્ધ ભાઈ-બહેનોના દાખલા પર ધ્યાન આપીએ.
૬-૭. બાઇબલ સમયના વૃદ્ધ ઈશ્વરભક્તોને યહોવાએ કેવું ઇનામ આપ્યું? દાખલા આપો.
૬ બાઇબલમાં એવા ઘણા ઈશ્વરભક્તોના દાખલા આપ્યા છે, જેઓ મોટી ઉંમરે પણ યહોવાની ભક્તિ કરતા રહ્યા. દાખલા તરીકે, મૂસા આશરે ૮૦ વર્ષના હતા ત્યારે, યહોવાએ તેમને ઇઝરાયેલી પ્રજા માટે પ્રબોધક અને આગેવાન બનાવ્યા. દાનિયેલની ઉંમર ૯૦થી વધુ હતી તોપણ યહોવાએ તેમનો પ્રબોધક તરીકે ઉપયોગ કર્યો. પ્રેરિત યોહાન ૯૦થી વધુ વર્ષના હતા ત્યારે, યહોવાએ તેમને પ્રકટીકરણનું પુસ્તક લખવાની પ્રેરણા આપી.
૭ પહેલાંના સમયમાં એવા પણ ઈશ્વરભક્તો થઈ ગયા જેઓ વિશે બાઇબલમાં ખાસ કંઈ લખવામાં આવ્યું નથી. પણ તેઓ યહોવાની ધ્યાન બહાર ગયા નથી. યહોવાએ તેઓને વફાદારીનું ઇનામ આપ્યું છે. ચાલો એના બે દાખલા જોઈએ. પહેલો દાખલો શિમયોનનો છે. તે ‘નેક હતા અને ઈશ્વરભક્ત હતા.’ યહોવા તેમને ઓળખતા હતા અને તેમને ખાસ માન આપ્યું. તે બાળક ઈસુને જોઈ શક્યા. એટલું જ નહિ ઈસુ અને તેમની માતા માટે તે ભવિષ્યવાણી કરી શક્યા. (લૂક ૨:૨૨, ૨૫-૩૫) બીજો દાખલો હાન્નાનો છે. તે ૮૪ વર્ષનાં વિધવા હતાં. ‘તે કદી પણ મંદિરે જવાનું ચૂકતાં નહિ.’ તેમની વફાદારી માટે પણ યહોવાએ તેમને ઇનામ આપ્યું. તે બાળક ઈસુને જોઈ શક્યાં. શિમયોન અને હાન્ના બંને યહોવા માટે અનમોલ હતાં.—લૂક ૨:૩૬-૩૮.
૮-૯. લોઈસબહેન વિધવા થયાં પછી પણ શું કરતા રહ્યાં?
૮ આજે પણ ઘણાં વૃદ્ધ ભાઈ-બહેનો છે, જેઓનાં દાખલામાંથી યુવાનો શીખી શકે. ચાલો લોઈસ ડીડરના દાખલા પર ધ્યાન આપીએ. બહેન ૨૧ વર્ષનાં હતાં ત્યારે કેનેડામાં ખાસ પાયોનિયર બન્યાં. પછી તેમનાં લગ્ન જોનભાઈ સાથે થયા. લગ્ન બાદ જોનભાઈને સરકીટ નિરીક્ષક બનાવવામાં આવ્યા. તેઓ ઘણાં વર્ષો સુધી એ સોંપણીમાં હતાં. એ પછી તેઓ કેનેડા બેથેલમાં ગયા, ત્યાં તેઓએ ૨૦થી વધુ વર્ષ સેવા કરી. લોઈસબહેન ૫૮ વર્ષનાં હતાં ત્યારે તેઓને યુક્રેઇન જઈને સેવા કરવાનું કહેવામાં આવ્યું. તેઓએ શું કર્યું? શું તેઓએ એમ વિચાર્યું કે તેઓ હવે વૃદ્ધ થઈ ગયાં છે અને બીજા દેશમાં જઈને સેવા નહિ કરી શકે? ના, તેઓએ એવું વિચાર્યું નહિ. તેઓ બંને યુક્રેઇન ગયાં અને જોનભાઈને શાખા સમિતિના સભ્ય બનાવવામાં આવ્યા. સાત વર્ષ પછી જોનભાઈ ગુજરી ગયા. લોઈસબહેને યુક્રેઇનમાં રહીને સેવા કરવાનો નિર્ણય લીધો. આજે લોઈસબહેન ૮૧ વર્ષનાં છે. તે બેથેલમાં ખુશી ખુશી સેવા કરી રહ્યાં છે. યુક્રેઇન બેથેલનાં ભાઈ-બહેનો તેમને ખૂબ પ્રેમ કરે છે.
૯ લોઈસબહેનની જેમ ઘણાં બહેનોના પતિ ગુજરી ગયા છે. હવે તેઓ વિધવા હોવાથી કદાચ લોકોનું ધ્યાન તેઓ પર ન પડે, પણ યહોવાની નજરમાં તેઓ હજુય અનમોલ છે. તેઓએ વર્ષો સુધી પોતાનાં પતિને સાથ આપ્યો અને આજે પણ તેઓ યહોવાની સેવા કરી રહ્યાં છે. યહોવા તેઓની ઘણી કદર કરે છે. (૧ તિમો. ૫:૩) વધુમાં એ બહેનોએ યુવાનો માટે સારો દાખલો બેસાડ્યો છે.
૧૦. ટોનીભાઈના દાખલામાંથી શું શીખી શકીએ?
૧૦ એવાં ઘણાં ભાઈ-બહેનો છે જેઓ ઘરની બહાર નીકળી શકતાં નથી અને કોઈએ તેઓની સાર-સંભાળ રાખવી પડે છે. તેમ છતાં યહોવાના સંગઠનમાં તેઓ મહત્ત્વનાં છે. એવો જ કંઈક ટોનીભાઈનો દાખલો છે. તેમનું બાપ્તિસ્મા ઑગસ્ટ ૧૯૪૨, અમેરિકામાં થયું હતું. એ સમયે તે ૨૦ વર્ષના હતા. એ પછી તરત તેમને સેનામાં ભરતી થવાનું કહેવામાં આવ્યું. તેમણે ના પાડી એટલે તેમને અઢી વર્ષની જેલ થઈ. પછી તેમના લગ્ન હિલ્ડાબહેન સાથે થયા અને તેઓને બે બાળકો થયાં. તેઓએ બાળકોને નાનપણથી યહોવા વિશે શીખવ્યું. ટોનીભાઈએ ત્રણ મંડળમાં પ્રમુખ નિરીક્ષક (જેને આજે વડીલોના સેવક કહે છે) તરીકે અને સરકીટ સંમેલનના નિરીક્ષક તરીકે કામ કર્યું છે. ઘણી વાર તે જેલમાં અમુક લોકોને બાઇબલમાંથી શીખવવા અને સભાઓ ચલાવવા જતા હતા. આજે ટોનીભાઈ ૯૮ વર્ષના છે. તે મંડળનાં ભાઈ-બહેનો સાથે મળીને પૂરા જોશથી યહોવાની સેવા કરી રહ્યા છે.
૧૧. આપણે વૃદ્ધ ભાઈ-બહેનોને કઈ રીતે માન આપી શકીએ?
૧૧ આપણે એવાં વૃદ્ધ ભાઈ-બહેનોને પણ માન આપી શકીએ જેઓ ઘરની બહાર નીકળી શકતા નથી. કઈ રીતે? વડીલો એવી ગોઠવણ કરી શકે જેથી તેઓ સભાઓમાં આવી શકે અથવા સભાઓ સાંભળી શકે અને પ્રચાર પણ કરી શકે. આપણે તેઓને મળવા જવું જોઈએ અથવા વીડિયો કોલ પર તેઓ સાથે વાત કરવી જોઈએ. જે વૃદ્ધ ભાઈ-બહેનો દૂર રહે છે, તેઓને આપણે કદાચ ભૂલી જઈએ, પણ તેઓ પર ધ્યાન આપવું જોઈએ. અમુક વૃદ્ધ ભાઈ-બહેનો વાત કરતા અચકાય છે. એટલે આપણે તેઓ સાથે વાત કરીએ ત્યારે તેઓને સવાલો પૂછી શકીએ. જેમ કે, યહોવાના સંગઠનમાં તેઓને કેવા આશીર્વાદો મળ્યા છે? જ્યારે તેઓ વાત કરે ત્યારે તેઓનું ધ્યાનથી સાંભળીએ. એમ કરીને આપણે તેઓ પાસેથી ઘણું બધું શીખી શકીશું.
૧૨. મંડળનાં વૃદ્ધ ભાઈ-બહેનો સાથે વાત કરવાથી તમને શું જાણવા મળશે?
૧૨ એ જાણીને નવાઈ લાગશે કે આપણા મંડળમાં એવા ઘણા વૃદ્ધ ઈશ્વરભક્તો છે, જેઓએ વર્ષોથી યહોવાની ભક્તિ વફાદારીથી કરી છે. ચાલો હેરીયેટબહેનનો દાખલો જોઈએ. તેમણે ઘણાં વર્ષો સુધી ન્યૂ જર્સી, અમેરિકામાં સેવા આપી. પછી તે પોતાની દીકરી સાથે રહેવાં ગયાં. એ મંડળનાં ભાઈ-બહેનોએ તેમને ઓળખવા તેમની સાથે ઘણો સમય વિતાવ્યો. તેઓને જાણવા મળ્યું કે બહેને શ્રદ્ધા રાખવામાં જોરદાર દાખલો બેસાડ્યો છે. હેરીયેટબહેને તેઓને જણાવ્યું કે આશરે ૧૯૨૫માં તેમને સત્ય મળ્યું ત્યારે તે કઈ રીતે પ્રચાર કરતા હતાં. પ્રચારમાં જતી વખતે તે હંમેશાં પોતાની સાથે ટૂથ બ્રશ રાખતાં. કારણ કે તેમને ખબર ન હતી કે તેમને ક્યારે પકડીને જેલમાં નાંખી દેવામાં આવે. ૧૯૩૩માં તેમને બે વખત જેલમાં નાખવામાં આવ્યાં. દર વખતે તેમણે એક એક અઠવાડિયું જેલમાં રહેવું પડ્યું. એ સમયે બાળકોનું ધ્યાન તેમનાં પતિ રાખતા હતા, જે સત્યમાં ન હતા. સાચે જ હેરીયેટબહેન જેવા ઘણા વફાદાર વૃદ્ધો આપણા માટે ખજાના જેવા છે.
૧૩. યહોવાના સંગઠનમાં વૃદ્ધ ભાઈ-બહેનોનું શું મહત્ત્વ છે?
૧૩ આપણાં વૃદ્ધ ભાઈ-બહેનો યહોવા માટે ઘણાં કીમતી છે. યહોવાના સંગઠનમાં તેઓનું ઘણું મહત્ત્વ છે. એ ભાઈ-બહેનોએ જોયું છે કે યહોવાએ સંગઠનના દરેક કામમાં કેવા આશીર્વાદો આપ્યા છે. તેઓએ પોતાના જીવનમાં પણ યહોવાના આશીર્વાદો અનુભવ્યા છે. તેઓ પોતાની ભૂલોથી ઘણું શીખ્યા છે. એ ભાઈ-બહેનો આપણા માટે “બુદ્ધિનો ઝરો” છે, એટલે તેઓને ઓળખવા સમય કાઢીએ. (નીતિ. ૧૮:૪) જો એમ કરીશું તો આપણી શ્રદ્ધા મજબૂત થશે અને તેઓ પાસેથી ઘણું શીખી શકીશું.
વૃદ્ધ ભાઈ-બહેનો પાસેથી શીખીએ
૧૪. પુનર્નિયમ ૩૨:૭ પ્રમાણે યુવાન ભાઈ-બહેનોએ શું કરવું જોઈએ?
૧૪ વૃદ્ધ ભાઈ-બહેનોને જઈને મળીએ. તેઓ સાથે વાત કરીએ. (પુનર્નિયમ ૩૨:૭ વાંચો.) ભલે તેઓની નજર ઝાંખી પડી ગઈ હોય, લાકડીના સહારે ચાલતા હોય અને બરાબર બોલી ન શકતા હોય, પણ યહોવાની સેવામાં તેઓનો જોશ ઓછો થયો નથી. તેઓએ યહોવા સાથે “સારું નામ” બનાવ્યું છે. (સભા. ૭:૧) આપણે યાદ રાખીએ કે યહોવા તેઓને અનમોલ સમજે છે. આપણે તેઓને માન આપતા રહીએ. આપણે એલિશા જેવા બનવું જોઈએ. જ્યારે એલિયા તેમને છોડીને જઈ રહ્યા હતા ત્યારે તેમણે ત્રણ વાર કહ્યું: “હું તમારો સાથ નહિ છોડું.”—૨ રાજા. ૨:૨, ૪, ૬.
૧૫. આપણે વૃદ્ધ ભાઈ-બહેનોને કેવા સવાલો પૂછી શકીએ?
૧૫ જ્યારે તમે વૃદ્ધ ભાઈ-બહેનો જોડે વાત કરો, ત્યારે પ્રેમથી સવાલો પૂછી શકો. (નીતિ. ૧:૫; ૨૦:૫; ૧ તિમો. ૫:૧, ૨) તમે આવું કંઈક પૂછી શકો, “તમને કેવી રીતે ખબર પડી કે આ જ સત્ય છે? તમારા જીવનમાં એવું શું બન્યું જેથી તમે યહોવાની વધારે નજીક આવ્યા? તમને યહોવાની સેવામાં ખુશી જાળવવા ક્યાંથી મદદ મળે છે?” (૧ તિમો. ૬:૬-૮) જ્યારે તેઓ પોતાના વિશે જણાવે ત્યારે તેઓનું ધ્યાનથી સાંભળીએ.
૧૬. વૃદ્ધ ભાઈ-બહેનો સાથે વાત કરવાથી કેવો ફાયદો થાય છે?
૧૬ વૃદ્ધ ભાઈ-બહેનો સાથે વાત કરવાથી તમને જ નહિ, તેઓને પણ ઉત્તેજન મળશે. (રોમ. ૧:૧૨) યુવાનો, તમને ખાતરી થશે કે યહોવા પોતાના વફાદાર ઈશ્વરભક્તોનું ધ્યાન રાખે છે. વૃદ્ધ ભાઈ-બહેનો એ પણ જોઈ શકશે કે તમે તેઓને પ્રેમ કરો છો. તેઓને એ જણાવવાનું ગમશે કે યહોવાએ તેઓને કેવા આશીર્વાદો આપ્યા છે.
૧૭. વૃદ્ધ ભાઈ-બહેનો કયા અર્થમાં વધુ સુંદર બને છે?
૧૭ યહોવા પોતાના વફાદાર ભક્તોને કઈ નજરે જુએ છે? તે જાણે છે કે ભલે તેમના ભક્તોની ઉંમર વધતી જાય અને બહારની સુંદરતા ઓછી થતી જાય, પણ મનની સુંદરતા વધતી જાય છે. (૧ થેસ્સા. ૧:૨, ૩) એવું શા માટે કહી શકાય? કારણ કે વૃદ્ધ ભાઈ-બહેનોએ ઈશ્વરની પવિત્ર શક્તિથી પોતાની અંદર સારા ગુણો કેળવ્યા છે. આપણે જેટલું વધારે એ ભાઈ-બહેનોને ઓળખીશું, માન આપીશું અને તેઓ પાસેથી શીખીશું, એટલું વધારે તેઓને અનમોલ સમજીશું.
૧૮. હવે પછીના લેખમાં શું જોઈશું?
૧૮ એવું નથી કે ફક્ત યુવાનોએ જ વૃદ્ધ ભાઈ-બહેનોની કદર કરવી જોઈએ. વૃદ્ધ ભાઈ-બહેનોએ પણ યુવાનોને અનમોલ સમજવા જોઈએ. જો બધા એવું કરશે તો મંડળ મજબૂત થશે. હવે પછીના લેખમાં આપણે જોઈશું કે વૃદ્ધ ભાઈ-બહેનો યુવાનોને કઈ રીતે અનમોલ ગણી શકે.
ગીત ૨૪ ધરતી આખી ખીલી ઊઠશે
a વૃદ્ધ ભાઈ-બહેનો આપણા માટે અનમોલ છે. આ લેખમાંથી ઉત્તેજન મળશે કે આપણે તેઓને વધારે પ્રેમ કરીએ અને તેઓને માન આપીએ. આપણે જોઈશું કે તેઓની સમજણ અને અનુભવમાંથી કઈ રીતે શીખી શકીએ. વધુમાં વૃદ્ધ ભાઈ-બહેનોને ખાતરી અપાવીએ કે યહોવાનું સંગઠન તેઓને કીમતી ગણે છે.