સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

“ઈશ્વરનું વચન સર્વકાળ સુધી કાયમ રહેશે”

“ઈશ્વરનું વચન સર્વકાળ સુધી કાયમ રહેશે”

“ઘાસ સુકાઈ જાય છે, ફૂલ ચીમળાય છે; પણ આપણા ઈશ્વરનું વચન સર્વકાળ સુધી કાયમ રહેશે.”—યશા. ૪૦:૮.

ગીતો: ૪૩, ૪૮

૧, ૨. (ક) બાઇબલ વગર જીવન કેવું હોત? (ખ) બાઇબલમાંથી પૂરો ફાયદો મેળવવા આપણે શું કરવું જોઈએ?

 કલ્પના કરો, બાઇબલ વગર તમારું જીવન કેવું હોત? તમને રોજિંદા જીવન માટે ઉપયોગી સલાહ ન મળી હોત. ઈશ્વર, જીવન અને ભાવિ વિશે સત્ય જાણવા ન મળ્યું હોત. પ્રાચીન સમયમાં યહોવાએ માણસો માટે જે કર્યું હતું, એ પણ જાણવા મળ્યું ન હોત.

સારું છે કે આપણે એવી નિરાશાજનક સ્થિતિમાં નથી. યહોવાએ આપણને પોતાનો શબ્દ બાઇબલ આપ્યો છે. તેમણે વચન આપ્યું છે કે તેમણે આપેલો સંદેશો કાયમ ટકશે. પ્રેરિત પાઊલે યશાયા ૪૦:૮ના શબ્દો ટાંક્યા હતા. એ કલમ સીધેસીધી બાઇબલ વિશે નથી, પણ એ બાઇબલના સંદેશાને લાગુ પડે છે. (૧ પીતર ૧:૨૪, ૨૫ વાંચો.) બાઇબલને પોતાની ભાષામાં વાંચીએ છીએ ત્યારે સૌથી વધુ ફાયદો થાય છે. બાઇબલના ચાહકો હંમેશાંથી એ હકીકત જાણે છે. સદીઓથી, બાઇબલનું ભાષાંતર કરવા અને એને લોકો સુધી પહોંચાડવા ઘણી વ્યક્તિઓએ મહેનત કરી છે. એ માટે તેઓએ સખત વિરોધ અને તકલીફોનો સામનો કર્યો છે. યહોવાની “ઇચ્છા છે કે બધા પ્રકારના લોકોનો ઉદ્ધાર થાય અને તેઓ સત્યનું ચોકસાઈભર્યું જ્ઞાન મેળવે.”—૧ તિમો. ૨:૩, ૪.

૩. આ લેખમાં આપણે શાની ચર્ચા કરીશું? (શરૂઆતનું ચિત્ર જુઓ.)

આ લેખમાં આપણે ચર્ચા કરીશું કે, બદલાતી ભાષા, રાજકીય ફેરફારો અને બાઇબલ ભાષાંતર સામે વિરોધ છતાં, બાઇબલ કઈ રીતે ટકી રહ્યું છે. આ ચર્ચામાંથી આપણને કઈ રીતે ફાયદો થશે? એનાથી બાઇબલ અને એના લેખક માટે આપણી કદર વધશે.—મીખા. ૪:૨; રોમ. ૧૫:૪.

બદલાતી ભાષા

૪. (ક) સમય સાથે ભાષા કઈ રીતે બદલાય છે? (ખ) આપણે શા પરથી કહી શકીએ કે ઈશ્વર કોઈ એક ભાષાને વધારે મહત્ત્વ આપતા નથી? એનાથી તમને કેવું લાગે છે?

સમયના વહેણમાં ભાષાનો રંગ પણ બદલાય છે. એક જમાનામાં, શબ્દો અને રૂઢિપ્રયોગોનો જે અર્થ થતો હતો, આજે એ જ અર્થ થતો નથી. તમારી માતૃભાષામાં પણ તમને એવા દાખલા મળી આવશે. પ્રાચીન ભાષાઓ વિશે પણ એવું જ છે. આજની હિબ્રૂ અને ગ્રીક ભાષા તથા બાઇબલના લખાણમાં વપરાયેલી પ્રાચીન હિબ્રૂ અને ગ્રીકમાં આભ-જમીનનો ફરક આવી ગયો છે. મોટાભાગના લોકો બાઇબલમાં વપરાયેલી મૂળ ભાષાઓ સમજી શકતા નથી. તેથી, આપણને ભાષાંતરની જરૂર પડે છે. કેટલાક માને છે કે જો તેઓ એ પ્રાચીન ભાષાઓ શીખી લે, તો તેઓ બાઇબલ સારી રીતે સમજી શકશે. શું એ સાચું છે? હકીકતમાં, એ ભાષાઓ શીખવાથી તેઓ ધારે છે, એટલો ફાયદો થતો નથી. a આપણા માટે કેટલી ખુશીની વાત છે, બાઇબલ કે એનો અમુક ભાગ આશરે ૩,૦૦૦ જેટલી ભાષાઓમાં પ્રાપ્ય છે. યહોવા ચાહે છે કે ‘દરેક દેશ, કુળ અને બોલીના’ લોકો બાઇબલમાંથી મદદ મેળવે. (પ્રકટીકરણ ૧૪:૬ વાંચો, ફૂટનોટ.) સ્પષ્ટ દેખાય આવે છે કે, ઈશ્વર પ્રેમાળ છે અને ભેદભાવ રાખતા નથી. એવા ઈશ્વરની નજીક જવાનું મન કોને ન થાય?—પ્રે.કા. ૧૦:૩૪.

૫. કિંગ જેમ્સ વર્ઝન કેમ મહત્ત્વનું ભાષાંતર છે?

ભાષામાં થતાં બદલાણોની અસર બાઇબલ ભાષાંતરને પણ થઈ છે. ભાષાંતર બહાર પાડવામાં આવે ત્યારે એની ભાષા સમજવી કદાચ સહેલું હોય, પણ સમય જતાં એ ભાષા સમજવી અઘરું બની શકે. ચાલો એનું ઉદાહરણ જોઈએ. કિંગ જેમ્સ વર્ઝનની પ્રથમ આવૃત્તિ ૧૬૧૧માં બહાર પાડવામાં આવી હતી. એની અંગ્રેજી આવૃત્તિ ખૂબ પ્રખ્યાત બની. અરે, એમાં વપરાયેલા શબ્દોની અસર અંગ્રેજી ભાષા પર થઈ છે. b પણ, આ ભાષાંતરમાં ઈશ્વરનું નામ યહોવા બહુ ઓછી જગ્યાએ વપરાયું છે. મૂળ હિબ્રૂ શાસ્ત્રવચનોમાં જ્યાં “યહોવા” નામ હતું, ત્યાં મોટાભાગે “પ્રભુ” (લોર્ડ) શબ્દ મૂકવામાં આવ્યો. એ ભાષાંતરની પછીની આવૃત્તિઓમાં ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનોમાં પણ કેટલીક કલમોમાં “પ્રભુ” (લોર્ડ) શબ્દ વપરાયો છે. આમ, આ ભાષાંતર મહત્ત્વની સાબિતી આપે છે કે, મૂળ ગ્રીક લખાણોમાં પણ ઈશ્વરનું નામ “યહોવા” વપરાયું હતું.

૬. આપણે શા માટે ન્યૂ વર્લ્ડ ટ્રાન્સલેશન ભાષાંતરની ખૂબ કદર કરીએ છીએ?

કિંગ જેમ્સ વર્ઝનની પ્રથમ આવૃત્તિ બહાર પડી ત્યારે, એમાં વપરાયેલા અંગ્રેજી શબ્દો લોકોને આધુનિક લાગતા હતા. પણ, સમય જતાં, એ શબ્દો જૂના થઈ ગયા અને આજે એ સમજવા અઘરા લાગે છે. બીજી ભાષાઓમાં થયેલા અગાઉનાં ભાષાંતરો સાથે પણ એવું જ થયું છે. આપણે કેટલા આભારી છીએ કે ન્યૂ વર્લ્ડ ટ્રાન્સલેશન ઑફ ધ હોલી સ્ક્રીપ્ચર્સ બાઇબલમાં આજના જમાનાની ભાષા વપરાઈ છે. એ ભાષાંતર આખું કે એનો અમુક ભાગ ૧૫૦ કરતાં વધારે ભાષાઓમાં પ્રાપ્ય છે. એનો અર્થ કે, દુનિયાના મોટા ભાગના લોકો પોતાની ભાષામાં એ વાંચી શકે છે. એમાં વપરાયેલા શબ્દો આધુનિક અને સ્પષ્ટ છે, એટલે ઈશ્વરનો સંદેશો સહેલાઈથી લોકોના દિલમાં ઊતરી જાય છે. (ગીત. ૧૧૯:૯૭) પણ આ ભાષાંતરની સૌથી મોટી ખાસિયત કઈ છે? મૂળ હસ્તપ્રતોમાં જ્યાં “યહોવા” નામ જોવા મળે છે, ત્યાં આ ભાષાંતરમાં પણ “યહોવા” નામ મૂકવામાં આવ્યું છે.

રાજકીય ફેરફારો

૭, ૮. (ક) ઈસવીસન પૂર્વે ત્રીજી સદીમાં ઘણા યહુદીઓ માટે હિબ્રૂ શાસ્ત્રવચનો સમજવા કેમ અઘરું હતું? (ખ) ગ્રીક સેપ્ટુઆજીંટ શું છે?

રાજકીય ફેરફારોની ભાષા પર ઊંડી અસર થાય છે. અમુક વાર શાસકો નક્કી કરે છે કે લોકોએ કઈ ભાષા વાપરવી. પણ, યહોવાએ હંમેશાં ધ્યાન રાખ્યું છે કે લોકો સમજે એવી ભાષામાં બાઇબલ પ્રાપ્ય હોય. દાખલા તરીકે, બાઇબલનાં શરૂઆતનાં ૩૯ પુસ્તકો યહુદીઓએ લખ્યાં હતાં. સૌથી પહેલાં તેઓને “ઈશ્વરનો પવિત્ર સંદેશો સોંપવામાં આવ્યો હતો.” (રોમ. ૩:૧, ૨) તેઓએ એ પુસ્તકો હિબ્રૂ કે અરામિકમાં લખ્યાં હતાં. પણ ઈસવીસન પૂર્વે ત્રીજી સદી સુધીમાં તો ઘણા યહુદીઓ હિબ્રૂ ભાષા સમજી શકતા ન હતા. શા માટે? કારણ કે, મહાન સિકંદરે દુનિયાનો ઘણો મોટો હિસ્સો જીતી લીધો હતો અને બધે જ ગ્રીક સામ્રાજ્યની હકૂમત હતી. પરિણામે, ગ્રીક રોજિંદા જીવનની ભાષા બની ગઈ. ઘણા લોકો માતૃભાષાને બદલે ગ્રીક વાપરવા લાગ્યા. (દાની. ૮:૫-૭, ૨૦, ૨૧) ઘણા યહુદીઓએ પણ ગ્રીક ભાષા અપનાવી લીધી. એટલે, તેઓ માટે હિબ્રૂ ભાષાનું બાઇબલ સમજવું અઘરું થઈ પડ્યું. એનો ઉકેલ શો હતો?

ઈસુના જન્મના આશરે ૨૫૦ વર્ષો પહેલાં, બાઇબલનાં પહેલાં પાંચ પુસ્તકોનું ગ્રીકમાં ભાષાંતર કરવામાં આવ્યું. પછીથી, બાકીના હિબ્રૂ શાસ્ત્રવચનોનું પણ ભાષાંતર થયું. એ ભાષાંતર ગ્રીક સેપ્ટુઆજીંટ તરીકે ઓળખાયું. એવું માનવામાં આવે છે કે આખા હિબ્રૂ શાસ્ત્રવચનોનું એ પહેલું લેખિત ભાષાંતર હતું.

૯. (ક) સેપ્ટુઆજીંટ અને બીજા ભાષાંતરોથી લોકોને કેવી મદદ મળી? (ખ) હિબ્રૂ શાસ્ત્રવચનોમાં તમારી મનપસંદ કલમ કઈ છે?

સેપ્ટુઆજીંટને લીધે ગ્રીક બોલતા યહુદીઓ માટે ગ્રીક ભાષામાં બાઇબલ વાંચવું શક્ય બન્યું. જરા વિચારો, ઈશ્વરનો શબ્દ પોતાની ભાષામાં વાંચીને કે સાંભળીને તેઓ કેટલા ખુશ થયા હશે! સમય જતાં, બાઇબલના અમુક ભાગોનું બીજી ભાષાઓમાં પણ ભાષાંતર થવા લાગ્યું. જેમ કે, સિરીયાક, ગોથિક અને લૅટિન. લોકો ઈશ્વરના શબ્દને વાંચવા અને સમજવા લાગ્યા તેમ, એ માટે તેઓનો પ્રેમ વધતો ગયો. કદાચ અમુક કલમો તેઓની મનપસંદ બની ગઈ હશે, જેમ આજે આપણી હોય છે. (ગીતશાસ્ત્ર ૧૧૯:૧૬૨-૧૬૫ વાંચો.) સ્પષ્ટ જોઈ શકાય કે, ભાષામાં બદલાણ અને રાજકીય ફેરફારો છતાં ઈશ્વરનો શબ્દ ટકી રહ્યો છે.

બાઇબલ ભાષાંતરનો વિરોધ

૧૦. જોન વિકલીફના સમયમાં, શા માટે મોટાભાગના લોકો બાઇબલ વાંચી શકતા ન હતા?

૧૦ સદીઓ દરમિયાન એવા ઘણા શક્તિશાળી આગેવાનો થઈ ગયા, જેઓ લોકોને બાઇબલ વાંચતા અટકાવતા હતા. જોકે, ઈશ્વરનો ડર રાખનાર ભક્તોએ લોકો સુધી બાઇબલ પહોંચાડવાનો પૂરો પ્રયત્ન કર્યો. ૧૪મી સદીના જોન વિકલીફ એવા જ એક ઈશ્વરભક્ત હતા. તે ઇંગ્લૅન્ડમાં રહેતા હતા. તેમનું માનવું હતું કે, દરેક વ્યક્તિ સુધી બાઇબલ પહોંચવું જોઈએ, જેથી તેઓ એ વાંચી શકે. તેમના સમયમાં, ઇંગ્લૅન્ડના મોટા ભાગના લોકોએ પોતાની ભાષામાં બાઇબલનો સંદેશો ક્યારેય સાંભળ્યો ન હતો. ઉપરાંત, બાઇબલ ઘણું મોઘું હતું અને હાથે લખીને એની નકલ બનાવવી પડતી. એટલે, બહુ થોડા લોકો પાસે બાઇબલ હતું. તેમ જ, એ સમયના મોટાભાગના લોકો વાંચી શકતા ન હતા. ચર્ચમાં લૅટિન ભાષામાં બાઇબલ વાંચવામાં આવતું. લોકોએ કદાચ એ સાંભળ્યું હશે, પણ તેઓ એ સમજતા ન હતા, કારણ કે એ ભાષા જૂની થઈ ગઈ હતી. યહોવાએ કઈ રીતે લોકોને તેઓની ભાષામાં બાઇબલ પૂરું પાડ્યું?—નીતિ. ૨:૧-૫.

જોન વિકલીફ અને બીજાઓની ઇચ્છા હતી કે, દરેક સુધી ઈશ્વરનો શબ્દ પહોંચે. શું તમે પણ એવી ઇચ્છા રાખો છો? (ફકરો ૧૧ જુઓ)

૧૧. વિકલીફ બાઇબલની કેવી અસર થઈ?

૧૧ સાલ ૧૩૮૨માં, જોન વિકલીફ અને બીજા અમુકે ભેગા મળીને બાઇબલનું અંગ્રેજીમાં ભાષાંતર કર્યું. એ વિકલીફ બાઇબલ તરીકે ઓળખાયું. એ બાઇબલ લોલાર્ડસ નામના સમૂહમાં ખૂબ પ્રચલિત થયું. તેઓને બાઇબલ માટે પ્રેમ હતો. આખા ઇંગ્લૅન્ડમાં તેઓ ગામેગામ ચાલીને જતાં અને લોકોને બાઇબલ વાંચી સંભળાવતા. ઉપરાંત, બાઇબલના અમુક ભાગની હાથે લખેલી પ્રતો આપતા. તેઓના પ્રયત્નોથી બાઇબલ ફરી પ્રચલિત થયું.

૧૨. વિકલીફ અને તેમના બાઇબલ વિશે પાદરીઓને કેવું લાગતું?

૧૨ વિકલીફ, તેમના બાઇબલ અને તેમના અનુયાયીઓને ચર્ચના પાદરીઓ ખૂબ ધિક્કારતા હતા. તેઓએ લોલાર્ડસની સતાવણી કરી અને શોધી શોધીને વિકલીફ બાઇબલનો નાશ કરવા લાગ્યા. વિકલીફ મરણ પામ્યા હતા. તોપણ, પાદરીઓએ તેમને ચર્ચના દુશ્મન જાહેર કર્યા. અરે, તેઓએ તેમની કબર પાછી ખોલી, એમાંથી હાડકાં કાઢ્યાં, એને સળગાવ્યાં અને એની રાખને નદીમાં ફેંકી દીધી. પણ, ઘણા લોકો બાઇબલ વાંચવા અને સમજવા માંગતા હતા. ચર્ચ તેઓને રોકી શકે એમ ન હતું. એ પછીની સદીઓ દરમિયાન, યુરોપ અને બીજી જગ્યાઓએ બાઇબલનું ભાષાંતર અને છાપકામ થવા લાગ્યું, જે સામાન્ય લોકોની ભાષાઓમાં હતું.

‘તારા લાભને અર્થે શીખવનાર ઈશ્વર’

૧૩. આપણે શાની ખાતરી રાખી શકીએ? એનાથી આપણી શ્રદ્ધા કઈ રીતે મજબૂત થાય છે?

૧૩ બાઇબલ ઈશ્વરની પ્રેરણાથી લખાયું છે. પણ, એનો એવો મતલબ નથી કે સેપ્ટુઆજીંટ, વિકલીફ બાઇબલ, કિંગ જેમ્સ વર્ઝન કે બીજાં ભાષાંતરો ઈશ્વરની પ્રેરણાથી થયા છે. પણ, આ ભાષાંતરો કઈ રીતે થયાં હતાં એ તપાસવાથી સ્પષ્ટ જોઈ શકાય કે, યહોવાના વચન પ્રમાણે બાઇબલ આજ સુધી ટકી રહ્યું છે. એનાથી, ઈશ્વરમાં આપણો ભરોસો મજબૂત થાય છે કે તેમણે આપેલું એકેએક વચન ચોક્કસ પૂરું થશે.—યહો. ૨૩:૧૪.

૧૪. બાઇબલ વિશેની જાણકારી કઈ રીતે આપણને ઈશ્વર માટે પ્રેમ વધારવા મદદ કરે છે?

૧૪ ઈશ્વરે પોતાના શબ્દનું જે રીતે રક્ષણ કર્યું છે, એ જાણીને ઈશ્વરમાં આપણી શ્રદ્ધા મજબૂત થાય છે. તેમના માટે આપણો પ્રેમ વધે છે. c યહોવાએ આપણને બાઇબલની ભેટ આપી છે અને એનું રક્ષણ કરવાનું વચન આપ્યું છે. શા માટે? કેમ કે, તે આપણને પ્રેમ કરે છે. અને તે ચાહે છે કે આપણે બાઇબલમાંથી પૂરો ફાયદો ઉઠાવીએ. (યશાયા ૪૮:૧૭, ૧૮ વાંચો.) બાઇબલ આપણને ઈશ્વરને પ્રેમ કરવા અને તેમની આજ્ઞાઓ પાળવા પ્રેરે છે.—૧ યોહા. ૪:૧૯; ૫:૩.

૧૫. આવતા લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?

૧૫ આપણને બાઇબલ માટે ઊંડો પ્રેમ છે. પણ બાઇબલ વાંચનમાંથી પૂરો લાભ મેળવવા શું કરી શકીએ? પ્રચારમાં મળતા લોકોને બાઇબલ માટે કદર વધારવા કઈ રીતે મદદ કરી શકીએ? મંડળમાં જવાબદાર ભાઈઓ શીખવતી વખતે કઈ રીતે બાઇબલના શિક્ષણને વળગી રહી શકે? આવતા લેખમાં, આપણે આ સવાલોની ચર્ચા કરીશું.

b અંગ્રેજી ભાષાનાં ઘણા રૂઢિપ્રયોગો કિંગ જેમ્સ વર્ઝનમાંથી આવ્યા છે.

c જાતે તપાસી જુઓ!” બૉક્સ જુઓ.