અભ્યાસ લેખ ૨૦
પ્રકટીકરણનું પુસ્તક—ઈશ્વરના દુશ્મનો વિશે શું જણાવ્યું છે?
“હિબ્રૂ ભાષામાં જેને આર્માગેદન કહેવાય છે, ત્યાં તેઓએ રાજાઓને ભેગા કર્યા.”—પ્રકટી. ૧૬:૧૬.
ગીત ૪૯ યહોવા છે સહારો
ઝલક a
૧. પ્રકટીકરણના પુસ્તકમાં જણાવ્યું છે તેમ શેતાન આજે શું કરે છે?
પ્રકટીકરણના પુસ્તકમાં જણાવ્યું છે કે સ્વર્ગમાં ઈશ્વરનું રાજ્ય શરૂ થઈ ગયું છે. શેતાનને સ્વર્ગમાંથી પૃથ્વી પર ફેંકી દેવામાં આવ્યો છે. (પ્રકટી. ૧૨:૧-૯) એનાથી સ્વર્ગમાં શાંતિ થઈ છે. પણ આપણા પર મોટી મોટી તકલીફો આવી છે. પ્રકટીકરણમાં એ પણ જણાવ્યું છે કે શેતાન ઘણો ગુસ્સે ભરાયો છે. એટલે તે પૃથ્વી પર રહેતા યહોવાના વફાદાર ભક્તો પર હુમલા કરે છે.—પ્રકટી. ૧૨:૧૨, ૧૫, ૧૭.
૨. યહોવાને વફાદાર રહેવા આપણને શું મદદ કરશે?
૨ ભલે શેતાન આપણા પર એક પછી એક હુમલો કરે, પણ આપણે યહોવાને વફાદાર રહી શકીએ છીએ. તેમને વફાદાર રહેવાની એક રીત કઈ છે? (પ્રકટી. ૧૩:૧૦) ભાવિમાં જે બનવાનું છે એ યાદ રાખીશું તો યહોવાને વફાદાર રહી શકીશું. દાખલા તરીકે, પ્રકટીકરણના પુસ્તકમાં પ્રેરિત યોહાને જણાવ્યું કે ભાવિમાં કેવા આશીર્વાદો મળશે. એમાંનો એક આશીર્વાદ છે, ઈશ્વરના દુશ્મનોનો સફાયો. ચાલો જોઈએ કે પ્રકટીકરણમાં એ દુશ્મનો વિશે શું જણાવ્યું છે અને તેઓના કેવા હાલ થશે.
‘દૃશ્યમાં’ બતાવેલા ઈશ્વરના દુશ્મનો
૩. પ્રકટીકરણમાં જંગલી જાનવરો વિશે શું જણાવ્યું છે?
૩ પ્રકટીકરણની પહેલી જ કલમમાં જણાવ્યું છે કે આ પુસ્તકમાં આપેલી ભવિષ્યવાણીઓ “દૃશ્યથી” બતાવવામાં આવી છે. (પ્રકટી. ૧:૧) પ્રકટીકરણમાં જણાવેલાં જંગલી જાનવરો, ઈશ્વરના દુશ્મનોને રજૂ કરે છે. દાખલા તરીકે, ‘એક જંગલી જાનવર સમુદ્રમાંથી બહાર નીકળે છે. એને દસ શિંગડાં અને સાત માથાં છે.’ (પ્રકટી. ૧૩:૧) એના પછી ‘બીજું એક જંગલી જાનવર પૃથ્વીમાંથી નીકળે છે.’ એ અજગરની જેમ બોલે છે અને ‘આકાશમાંથી અગ્નિ વરસાવે છે.’ (પ્રકટી. ૧૩:૧૧-૧૩) પછી એક ‘લાલ રંગનું જંગલી જાનવર’ દેખાય છે જેના પર એક વેશ્યા બેઠી છે. આ ત્રણેય જંગલી જાનવરો યહોવાના દુશ્મનોને રજૂ કરે છે, જેઓ લાંબા સમયથી યહોવા અને તેમના રાજ્ય વિરુદ્ધ લડી રહ્યા છે. એટલે એ દુશ્મનોની ઓળખ મેળવવી આપણા માટે ખૂબ જરૂરી છે.—પ્રકટી. ૧૭:૧, ૩.
૪-૫. દાનિયેલ ૭:૧૫-૧૭ કઈ રીતે પ્રકટીકરણનાં દૃશ્યો સમજવા મદદ કરે છે?
૪ એ દુશ્મનોની ઓળખ વિશે જોતા પહેલાં આપણે જાણવું પડશે કે એ જંગલી જાનવરો અને વેશ્યા કોને રજૂ કરે છે. ચાલો બાઇબલમાંથી જ એ વિશે જોઈએ. પ્રકટીકરણમાં આપેલાં ઘણાં દૃશ્યો વિશે બાઇબલનાં બીજાં પુસ્તકોમાં પહેલેથી જ માહિતી આપી છે. દાનિયેલ પ્રબોધકે એક સપનામાં જોયું કે “સમુદ્રમાંથી ચાર કદાવર જાનવરો બહાર આવ્યાં.” (દાનિ. ૭:૧-૩) દાનિયેલે જણાવ્યું કે એ ચાર કદાવર જાનવરો, ચાર “રાજાઓ” અથવા સરકારોને રજૂ કરે છે. (દાનિયેલ ૭:૧૫-૧૭ વાંચો.) એ માહિતીથી આપણે સમજી શકીએ છીએ કે પ્રકટીકરણમાં જણાવેલાં જંગલી જાનવરો પણ સરકારોને રજૂ કરે છે.
૫ ચાલો આપણે પ્રકટીકરણમાં આપેલાં અમુક દૃશ્યોનો અર્થ બાઇબલમાંથી સમજીએ. આપણે એક પછી એક જંગલી જાનવરો વિશે જોઈશું. સૌથી પહેલા જોઈશું કે દરેક જાનવર કોને રજૂ કરે છે. પછી જોઈશું કે એ જાનવરોનું શું થશે, છેવટે જોઈશું કે એ જાણીને આપણે શું કરવું જોઈએ.
ઈશ્વરના દુશ્મનોની ઓળખ
૬. પ્રકટીકરણ ૧૩:૧-૪માં જણાવેલું સાત માથાંવાળું જંગલી જાનવર કોને રજૂ છે?
૬ સાત માથાંવાળું જંગલી જાનવર કોને રજૂ છે? આપણે ચોથા ફકરામાં જોઈ ગયા કે દાનિયેલ અધ્યાય ૭માં ચાર જાનવરો વિશે જણાવ્યું છે. એ જાનવરો અલગ અલગ સરકારોને રજૂ કરે છે. ત્યાં જણાવ્યું છે કે એક જાનવર દીપડા જેવું, બીજું રીંછ જેવું, ત્રીજું સિંહ જેવું અને ચોથા જાનવરને દસ શિંગડાં છે. પણ પ્રકટીકરણ ૧૩:૧-૪માં જણાવેલું સાત માથાંવાળું જંગલી જાનવર એ ચારેય જાનવરો જેવું દેખાય છે. (વાંચો.) એનું શરીર દીપડા જેવું છે, એના પગ રીંછ જેવા, એનું મોં સિંહ જેવું અને એને દસ શિંગડાં છે. એનાથી ખબર પડે છે કે સાત માથાંવાળું જંગલી જાનવર એક જ સરકાર કે સામ્રાજ્યને દર્શાવતું નથી. પ્રેરિત યોહાને જણાવ્યું કે જંગલી જાનવર “દરેક કુળ, પ્રજા, બોલી અને દેશ પર” સત્તા ચલાવે છે. (પ્રકટી. ૧૩:૭) એ માહિતી પરથી સમજી શકીએ છીએ કે સાત માથાંવાળું જંગલી જાનવર એ બધી સરકારોને રજૂ કરે છે, જેઓએ હમણાં સુધી સત્તા ચલાવી છે. b—સભા. ૮:૯.
૭. જંગલી જાનવરનું દરેક માથું કોને રજૂ કરે છે?
૭ જંગલી જાનવરનું દરેક માથું કોને રજૂ કરે છે? એનો જવાબ પ્રકટીકરણ અધ્યાય ૧૭માંથી મળે છે. એ અધ્યાયમાં સાત માથાંવાળા જંગલી જાનવરની મૂર્તિ વિશે જણાવ્યું છે. પ્રકટીકરણ ૧૭:૧૦માં લખ્યું છે, “તેઓનો અર્થ સાત રાજાઓ થાય: પાંચ પડ્યા છે, એક છે અને એક હજુ આવ્યો નથી. પણ જ્યારે તે આવશે, ત્યારે તે થોડા સમય માટે જ હશે.” શેતાને ઉપયોગ કરેલી રાજકીય સત્તાઓમાંથી સાત સત્તાઓ એકદમ અલગ તરી આવે છે. એ સાત સત્તાઓ અથવા મહાસત્તાઓને પ્રકટીકરણમાં ‘માથું’ કહેવામાં આવી છે. કેમ કે એ ખૂબ શક્તિશાળી છે. એ મહાસત્તાઓએ ઈશ્વરભક્તો પર રાજ કર્યું છે અથવા તેઓની સતાવણી કરી છે. પ્રેરિત યોહાન જીવતા હતા ત્યાં સુધી પાંચ મહાસત્તાઓ રાજ કરી ચૂકી હતી. એ મહાસત્તાઓ હતી: ઇજિપ્ત, આશ્શૂર, બાબેલોન, માદાય-ઈરાન અને ગ્રીસ. યોહાનને પ્રકટીકરણનું દર્શન થયું ત્યારે છઠ્ઠી મહાસત્તા, એટલે કે રોમ રાજ કરી રહ્યું હતું. છેલ્લી મહાસત્તા અથવા સાતમું માથું કોણ હશે?
૮. જંગલી જાનવરનું સાતમું માથું કોને રજૂ કરે છે?
૮ “માલિકના દિવસમાં” એટલે કે આ છેલ્લા દિવસોમાં કઈ મહાસત્તા રાજ કરી રહી છે? (પ્રકટી. ૧:૧૦) એ મહાસત્તા બે સરકારોની બનેલી છે. એ છે બ્રિટન અને અમેરિકા. એટલે આપણે તારણ પર આવી શકીએ કે પ્રકટીકરણ ૧૩:૧-૪માં જણાવેલા જંગલી જાનવરનું સાતમું માથું બ્રિટન-અમેરિકા મહાસત્તા છે.
૯. ‘ઘેટાના જેવા બે શિંગડાંવાળું’ જંગલી જાનવર કોને રજૂ કરે છે?
૯ પ્રકટીકરણ અધ્યાય ૧૩માં જણાવ્યું છે, સાતમું માથું એટલે કે બ્રિટન-અમેરિકા મહાસત્તા બીજા એક જંગલી જાનવરને પણ રજૂ કરે છે. એ જંગલી જાનવરને ‘ઘેટાના જેવા બે શિંગડાં છે, પણ એ અજગરની જેમ બોલે છે.’ પ્રકટીકરણ અધ્યાય ૧૬ અને ૧૯માં એ જાનવરને ‘જૂઠા પ્રબોધક’ તરીકે રજૂ કરવામાં આવ્યું છે. (પ્રકટી. ૧૬:૧૩; ૧૯:૨૦) યોહાને દર્શનમાં જોયું કે એ જાનવર “મોટા મોટા ચમત્કારો કરે છે. એટલે સુધી કે માણસોની નજર સામે આકાશમાંથી પૃથ્વી પર અગ્નિ વરસાવે છે.” (પ્રકટી. ૧૩:૧૧-૧૫) દાનિયેલના પુસ્તકમાં પણ જણાવ્યું છે કે બ્રિટન-અમેરિકા મહાસત્તા “ભયાનક વિનાશ કરશે.” (દાનિ. ૮:૧૯, ૨૩, ૨૪) એ ભવિષ્યવાણી બીજા વિશ્વયુદ્ધ દરમિયાન પૂરી થઈ. બ્રિટન અને અમેરિકાના વૈજ્ઞાનિકોએ અણુ બૉમ્બ (ઍટમ બૉમ્બ) બનાવ્યા. એ દેશોએ અણુ બૉમ્બ જાપાન પર નાખ્યો. એનાથી બીજા વિશ્વયુદ્ધનો અંત આવ્યો. આમ બ્રિટન-અમેરિકા મહાસત્તાએ ‘આકાશમાંથી પૃથ્વી પર અગ્નિ વરસાવ્યો.’
૧૦. ‘જંગલી જાનવરની મૂર્તિ’ કોને રજૂ કરે છે? (પ્રકટીકરણ ૧૩:૧૪, ૧૫; ૧૭:૩, ૮, ૧૧)
૧૦ હવે આપણે બીજા એક જંગલી જાનવર વિશે જોઈશું. એ પણ સાત માથાંવાળા જંગલી જાનવર જેવું જ દેખાય છે. જોકે એમાં એક ફરક છે, એ લાલ રંગનું છે. એને ‘જંગલી જાનવરની મૂર્તિ’ અને “આઠમો રાજા” કહેવામાં આવ્યું છે. c (પ્રકટીકરણ ૧૩:૧૪, ૧૫; ૧૭:૩, ૮, ૧૧ વાંચો.) ભવિષ્યવાણીમાં જણાવ્યું હતું કે એ “રાજા” આવશે. એ થોડા સમય માટે નહિ હોય અને ફરી ઊભો થશે. આ વર્ણન યુનાઈટેડ નેશન્સને (સંયુક્ત રાષ્ટ્રો) એકદમ બંધબેસે છે. શરૂઆતમાં એ લીગ ઓફ નેશન્સ તરીકે ઓળખાતું હતું. બીજા વિશ્વયુદ્ધ વખતે એ પડી ભાંગ્યું. ત્યાર બાદ એ ફરી ઊભું થયું, જે આજે યુનાઈટેડ નેશન્સ તરીકે ઓળખાય છે. એ દુનિયાભરની રાજકીય સત્તાઓને ટેકો આપે છે.
૧૧. (ક) બધાં જંગલી જાનવરો શું કરશે? (ખ) આપણે કેમ ડરવાની જરૂર નથી?
૧૧ બધાં જંગલી જાનવરો એટલે કે સરકારો, દુનિયાના લોકોને યહોવા અને તેમના ભક્તોનો વિરોધ કરવા ભડકાવશે. યોહાને કહ્યું કે તેઓ ‘આખી પૃથ્વીના રાજાઓને’ જાણે એક લડાઈ માટે ભેગા કરશે. તેઓ “સર્વશક્તિમાન ઈશ્વરના મહાન દિવસની લડાઈ” એટલે કે આર્માગેદન માટે રાજાઓને ભેગા કરશે. (પ્રકટી. ૧૬:૧૩, ૧૪, ૧૬) પણ આપણે જરાય ડરવાની જરૂર નથી. આપણા શક્તિશાળી ઈશ્વર યહોવા આપણને બચાવવા તરત પગલાં ભરશે.—હઝકિ. ૩૮:૨૧-૨૩.
૧૨. બધાં જંગલી જાનવરોના કેવા હાલ થશે?
૧૨ બધાં જંગલી જાનવરોના કેવા હાલ થશે? પ્રકટીકરણ ૧૯:૨૦માં જણાવ્યું છે: “જંગલી જાનવરને અને એની સાથે જૂઠા પ્રબોધકને પકડવામાં આવ્યો. તેણે જંગલી જાનવર આગળ ચમત્કારો કરીને લોકોને ભમાવ્યા હતા. આ એ લોકો છે, જેઓએ જંગલી જાનવરની છાપ લીધી હતી અને એની મૂર્તિની ઉપાસના કરી હતી. તેઓ બંનેને ગંધકથી બળતા આગના સરોવરમાં જીવતા નાખી દેવામાં આવ્યા.” એનો અર્થ કે સરકારો એટલે કે ઈશ્વરના દુશ્મનોની સત્તા ચાલતી હશે એ સમયે જ તેઓનો હંમેશ માટે નાશ કરવામાં આવશે.
૧૩. દુનિયાની સરકારો આપણને શું કરવાનું દબાણ કરે છે?
૧૩ આપણે શું કરવું જોઈએ? આપણે યહોવા અને તેમના રાજ્યને વફાદાર રહીએ. (યોહા. ૧૮:૩૬) આપણે આ દુનિયાની કોઈ પણ રાજકીય બાબતમાં માથું ન મારીએ. કોઈ પણ સરકારનો પક્ષ ન લઈએ. એવું કરવું ઘણું અઘરું છે. કેમ કે આજની સરકારો ચાહે છે કે આપણે વાણી-વર્તનથી તેઓને પૂરો સાથ-સહકાર આપીએ. એ સરકારોને જે લોકો સાથ આપે છે તેઓ જાણે જંગલી જાનવરની છાપ લે છે. (પ્રકટી. ૧૩:૧૬, ૧૭) એવા લોકોથી યહોવા પોતાનું મોં ફેરવી લેશે. તેઓ હંમેશ માટેનું જીવન ગુમાવી દેશે. (પ્રકટી. ૧૪:૯, ૧૦; ૨૦:૪) ભલે સરકારો કેટલું પણ દબાણ કરે, છતાં આપણે કોઈ પણ સરકારનો પક્ષ ન લઈએ એ ખૂબ જરૂરી છે.
જાણીતી વેશ્યાનો શરમજનક અંત
૧૪. પ્રકટીકરણ ૧૭:૩-૫ પ્રમાણે પ્રેરિત યોહાનને શું જોઈને નવાઈ લાગે છે?
૧૪ પ્રકટીકરણ ૧૭:૩-૫ વાંચો. પ્રેરિત યોહાન એવું કંઈક જુએ છે જેનાથી તેમને ‘બહુ નવાઈ લાગે છે.’ તેમણે જોયું કે એક સ્ત્રી લાલ રંગના જંગલી જાનવર પર બેઠી છે. એ સ્ત્રી “જાણીતી વેશ્યા” છે અને તે “મહાન બાબેલોન” તરીકે ઓળખાય છે. તે ‘પૃથ્વીના રાજાઓ’ સાથે “વ્યભિચાર” કરે છે.—પ્રકટી. ૧૭:૧, ૨, ૬.
૧૫-૧૬. “મહાન બાબેલોન” કોને રજૂ કરે છે અને આપણે કેમ એવું કહી શકીએ?
૧૫ “મહાન બાબેલોન” કોને રજૂ કરે છે? એ સ્ત્રી કોઈ સરકારને રજૂ કરતી ન હોય શકે. કેમ કે પ્રકટીકરણમાં જણાવ્યું છે કે તે રાજકીય નેતાઓ સાથે વ્યભિચાર કરે છે. (પ્રકટી. ૧૮:૯) એ પણ જણાવ્યું છે કે તે જંગલી જાનવર પર બેઠી છે, એટલે કે તે નેતાઓને પોતાના કાબૂમાં રાખવાની કોશિશ કરે છે. એ સ્ત્રી લાલચુ વેપારી સંગઠનને પણ રજૂ કરતી ન હોય શકે. કેમ કે પ્રકટીકરણમાં તેઓને “પૃથ્વીના વેપારીઓ” કહેવામાં આવ્યા છે.—પ્રકટી. ૧૮:૧૧, ૧૫, ૧૬.
૧૬ કેટલાક લોકો ઈશ્વરની ભક્તિ કરવાનો દાવો કરે છે, પણ બીજી બાજુ મૂર્તિપૂજા કરે છે. તેઓ દુનિયા સાથે દોસ્તી કરે છે. બાઇબલમાં એવા લોકોને જાણે “વેશ્યાગીરી” કરતા હોય, એની સાથે સરખાવવામાં આવ્યા છે. (૧ કાળ. ૫:૨૫, ફૂટનોટ; યાકૂ. ૪:૪) જ્યારે કે જેઓ યહોવાની વફાદારીથી ભક્તિ કરે છે, તેઓને “પવિત્ર” અથવા “કુંવારા” કહેવામાં આવ્યા છે. (૨ કોરીં. ૧૧:૨; પ્રકટી. ૧૪:૪, ફૂટનોટ) પ્રાચીન બાબેલોન શહેર જૂઠી ભક્તિ માટે પ્રખ્યાત હતું. એટલે કહી શકાય કે મહાન બાબેલોન દુનિયાના બધા જૂઠા ધર્મોને રજૂ કરે છે.—પ્રકટી. ૧૭:૫, ૧૮; દુઃખ જશે, સુખ આવશે પુસ્તકની નોંધ ૧ જુઓ: “મહાન બાબેલોનની ઓળખ.”
૧૭. મહાન બાબેલોનના કેવા હાલ થશે?
૧૭ મહાન બાબેલોનના કેવા હાલ થશે? પ્રકટીકરણ ૧૭:૧૬, ૧૭માં જણાવ્યું છે, “તેં જે દસ શિંગડાં અને જંગલી જાનવર જોયું, તેઓ વેશ્યાનો ધિક્કાર કરશે. તેઓ તેને બરબાદ કરશે, નગ્ન કરશે, તેનું માંસ ખાશે અને તેને અગ્નિથી પૂરેપૂરી બાળી નાખશે. એ માટે કે ઈશ્વરે પોતાનો હેતુ પૂરો કરવા તેઓનાં મનમાં એક વિચાર મૂક્યો છે.” એ કલમોથી ખબર પડે છે કે યહોવા દુનિયાની સરકારોનાં મનમાં એક વિચાર મૂકશે. એના લીધે એ સરકારો, લાલ રંગના જંગલી જાનવર એટલે કે યુનાઈટેડ નેશન્સ દ્વારા બધા જૂઠા ધર્મોનો નાશ કરશે.—પ્રકટી. ૧૮:૨૧-૨૪.
૧૮. આપણે કોઈ પણ રીતે મહાન બાબેલોનનો ભાગ ન બનવા શું કરવું જોઈએ?
૧૮ આપણે શું કરવું જોઈએ? ‘આપણા ઈશ્વરની નજરમાં શુદ્ધ અને પવિત્ર ભક્તિ’ કરીએ. (યાકૂ. ૧:૨૭) આપણે કોઈ પણ રીતે મહાન બાબેલોનનો ભાગ બનવું ન જોઈએ. આપણે એનું જૂઠું શિક્ષણ માનવું ન જોઈએ. ખોટા રીતરિવાજો અને તહેવારો પાળવા ન જોઈએ. ગંદા વિચારો, કામો અને જાદુટોણાંથી દૂર રહેવું જોઈએ. આપણે લોકોને પણ કહેવું જોઈએ કે તેઓ મહાન બાબેલોનમાંથી ‘બહાર નીકળી આવે,’ જેથી તેઓ તેનાં પાપના ભાગીદાર ન થાય.—પ્રકટી. ૧૮:૪.
ઈશ્વરના સૌથી મોટા દુશ્મન વિરુદ્ધ ન્યાયચુકાદો
૧૯. ‘લાલ રંગનો મોટો અજગર’ કોણ છે?
૧૯ પ્રકટીકરણનું પુસ્તક ‘લાલ રંગના એક મોટા અજગર’ વિશે પણ જણાવે છે. (પ્રકટી. ૧૨:૩) ઈસુ અને તેમના દૂતો સામે એ અજગર લડાઈ કરે છે. (પ્રકટી. ૧૨:૭-૯) તે ઈશ્વરભક્તો પર હુમલા કરે છે. જાનવરો એટલે કે દુનિયાની સરકારોને એ અજગર અધિકાર આપે છે. (પ્રકટી. ૧૨:૧૭; ૧૩:૪) અજગર કોણ છે? એ ‘જૂનો સાપ છે, જે નિંદા કરનાર અને શેતાન તરીકે ઓળખાય છે.’ (પ્રકટી. ૧૨:૯; ૨૦:૨) શેતાન યહોવાનો સૌથી મોટો દુશ્મન છે. યહોવાના બધા દુશ્મનો તેના કાબૂમાં છે.
૨૦. અજગરના કેવા હાલ થશે?
૨૦ અજગરના કેવા હાલ થશે? પ્રકટીકરણ ૨૦:૧-૩માં એક દૂત વિશે જણાવ્યું છે. તે શેતાનને અનંત ઊંડાણમાં નાખી દેશે. તેને ત્યાં ૧,૦૦૦ વર્ષ માટે કેદ કરવામાં આવશે. એ સમયગાળા દરમિયાન ‘તે પ્રજાઓને ખોટે માર્ગે દોરી નહિ શકે.’ છેવટે તેને અને તેના દુષ્ટ દૂતોને “આગ અને ગંધકના સરોવરમાં” નાખી દેવામાં આવશે. એનો અર્થ કે તેઓનો હંમેશ માટે નાશ થઈ જશે. (પ્રકટી. ૨૦:૧૦) જરા વિચારો, શેતાન અને તેના દુષ્ટ દૂતો વગરની દુનિયા કેવી હશે! આપણે કેટલા ખુશખુશાલ હોઈશું!
૨૧. પ્રકટીકરણની ભવિષ્યવાણીઓ સમજીને આપણને કેમ ખુશી થાય છે?
૨૧ પ્રકટીકરણના પુસ્તકમાં જણાવેલાં દૃશ્યો વિશે સમજણ મેળવીને આપણને ઘણી ખુશી થાય છે. આપણી હિંમત વધે છે. આપણે ઈશ્વરના દુશ્મનો કોણ છે એ ઓળખી શક્યા. તેઓના કેવા હાલ થશે એ પણ જાણી શક્યા. સાચે જ, ‘જેઓ આ ભવિષ્યવાણીનાં વચનો મોટેથી વાંચે છે અને સાંભળે છે, તેઓ સુખી છે.’ (પ્રકટી. ૧:૩) ઈશ્વરના દુશ્મનોનો નાશ થઈ જશે પછી વફાદાર ભક્તોને કેવા આશીર્વાદ મળશે? એ સવાલનો જવાબ આપણે હવે પછીના લેખમાં જોઈશું.
ગીત ૩૦ યહોવાનું સોનેરી રાજ
a પ્રકટીકરણના પુસ્તકમાં યોહાને જોયેલાં અમુક દૃશ્યો નોંધવામાં આવ્યાં છે. એનાથી આપણે ઈશ્વરના દુશ્મનોને ઓળખી શકીએ છીએ. દાનિયેલનું પુસ્તક આપણને એ દૃશ્યો સમજવા મદદ કરે છે. આ લેખમાં આપણે દાનિયેલના પુસ્તકની અમુક ભવિષ્યવાણીઓને પ્રકટીકરણની ભવિષ્યવાણીઓ સાથે સરખાવીશું. આમ આપણને ઈશ્વરના દુશ્મનોની ઓળખ મળશે. આપણે એ પણ જોઈશું કે તેઓના કેવા હાલ થશે.
b સાત માથાંવાળું જંગલી જાનવર કોઈ એક સરકારને રજૂ કરતું નથી. એનું બીજું એક કારણ એ છે કે એને “દસ શિંગડાં” છે. બાઇબલમાં મોટા ભાગે દસની સંખ્યા કંઈક પૂરેપૂરું કે આખું હોય એને બતાવે છે.
c પહેલા જંગલી જાનવર અને એની મૂર્તિમાં બીજો એક ફરક છે. મૂર્તિનાં શિંગડાં પર “મુગટ” નથી. કેમ? એ મૂર્તિ સાત રાજાઓમાંથી નીકળી છે અને તેઓ પાસેથી એને અધિકાર મળે છે.—પ્રકટી. ૧૩:૧; પ્રકટીકરણ—એની ભવ્ય પરાકાષ્ઠા હાથવેંતમાં છે! પુસ્તકનું પ્રકરણ ૩૫ જુઓ.