જીવન સફર
“હું બીજાઓ પાસેથી ઘણું બધું શીખ્યો!”
હું આશરે વીસ વર્ષનો હતો ત્યારે ફ્રાંસની સેનામાં હતો. એ સમયે ફ્રાંસ અને અલ્જિરિયા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું. એટલે અમને આફ્રિકામાં અલ્જિરિયાના પહાડોમાં મોકલવામાં આવ્યા હતા. એક અંધારી રાતે રેતીની બોરીઓથી બનેલી ચોકીમાં હું એકલો ઊભો હતો. મારા હાથમાં મશીનગન હતી. અચાનક પાછળ ઝાડી-ઝાંખરામાંથી મને એક અવાજ સંભળાયો. મારા તો મોતિયા જ મરી ગયા. મારે મરવું નહોતું અને મારે કોઈને મારવા પણ નહોતા. ડરના માર્યા હું બોલી ઊઠ્યો: “હે ઈશ્વર, મારી મદદ કરો!”
એ રાતે જે બન્યું એનાથી મારું જીવન જ બદલાઈ ગયું. ત્યાર પછી હું ઈશ્વર વિશે જાણવાની કોશિશ કરવા લાગ્યો. એ રાતે શું બન્યું એ જણાવતા પહેલાં મારા બાળપણ વિશે કહું. વધુમાં ઈશ્વર વિશે જાણવાની ઇચ્છા મારામાં કઈ રીતે જાગી એ પણ કહું.
હું પિતા પાસેથી ઘણું શીખ્યો
મારો જન્મ ૧૯૩૭માં ઉત્તર ફ્રાંસમાં આવેલા ગૈનન શહેરમાં થયો હતો. એ શહેરના લોકો કોલસાની ખાણમાં મજૂરી કરતા હતા. મારા પિતા પણ ત્યાં જ કામ કરતા હતા. તેમણે મને મહેનત કરવાનું અને અન્યાય સામે લડવાનું શીખવ્યું હતું. ખાણના મજૂરો સાથે ઘણો અન્યાય થતો હતો. અને તેઓ ઘણા ખરાબ સંજોગોમાં કામ કરતા હતા. તેઓના હક માટે લડત ચાલતી અને હડતાલ કરવામાં આવતી અને મારા પિતા એમાં ભાગ લેતા. તે પાદરીઓનો ઘણો વિરોધ કરતા. કારણ કે તેઓ તો લહેરથી જીવતા હતા, પણ ગરીબ મજૂરો પાસેથી અનાજ અને પૈસા પડાવતા. તેમને પાદરીઓ પર એટલી ચીડ ચઢતી કે તેમણે મને ક્યારેય કોઈ ધર્મ વિશે શીખવ્યું નહિ. અરે, ઘરમાં પણ તેમણે ક્યારેય ઈશ્વર વિશે કદી વાત કરી નહિ.
મારી માતા ફ્રાંસના નહોતાં પણ પોલૅન્ડના હતાં. મને બીજા દેશનાં બાળકો સાથે રમવાનું બહું ગમતું. ઘણી વાર અમે ભેગાં થઈને ફૂટબૉલ રમતાં. ફ્રાંસના લોકો બીજા દેશના લોકો સાથે ભેદભાવ કરતા. તેઓને નીચા ગણતા. એ મને જરાય ન ગમતું. મને એવા અન્યાય સામે લડવું હતું. ઘણી વાર હું વિચારતો, કાશ એવો સમય આવે જ્યારે બધા દેશના લોકો હળીમળીને રહેતા હોય. તેઓમાં કોઈ ઊંચનીચનો ફરક ન હોય.
હું જીવન વિશે વધારે વિચારવા લાગ્યો
૧૯૫૭માં મારે સેનામાં જોડાવું પડ્યું. આમ, હું અલ્જિરિયાના પહાડોમાં પહોંચ્યો હતો, જ્યાં મારી સાથે એ ઘટના બની જેના વિશે મેં શરૂઆતમાં જણાવ્યું હતું. એ રાતે લાગ્યું હતું કે કોઈ દુશ્મન મારી તરફ આવી રહ્યો છે. એટલે મેં ઈશ્વર પાસે મદદ માંગી હતી. પણ પછી મેં જોયું તો કોઈ દુશ્મન નહિ પણ એક જંગલી ગધેડો હતો. એ પછી મને નિરાંત થઈ! એ યુદ્ધ પછી અને ખાસ તો એ રાત પછી હું જીવન વિશે વધારે વિચારવા લાગ્યો. મેં વિચાર્યું કે આપણને કેમ બનાવવામાં આવ્યા છે? શું ઈશ્વરને આપણી ચિંતા છે? શું આ દુનિયામાં ક્યારેય સુખ-શાંતિ આવશે?
રજાઓમાં હું મારાં માતા-પિતાના ઘરે ગયો ત્યાં મને એક યહોવાના સાક્ષી મળ્યા. તેમણે મને ફ્રેંચ ભાષામાં એક બાઇબલ આપ્યું. અલ્જિરિયા પાછા આવ્યા પછી હું એ બાઇબલ વાંચવા લાગ્યો. પ્રકટીકરણ ૨૧:૩, ૪ વાંચીને મને નવાઈ લાગી. એમાં લખ્યું છે, “ઈશ્વરનો મંડપ માણસોની સાથે છે. . . . ઈશ્વર તેઓની આંખોમાંનું એકેએક આંસુ લૂછી નાખશે. શોક કે વિલાપ કે દુઃખ રહેશે નહિ. અરે, મરણ પણ રહેશે નહિ!” એ વાંચ્યા પછી હું વિચારવા લાગ્યો કે શું સાચે જ એવું થશે? એ સમયે ઈશ્વર અને બાઇબલ વિશે હું કંઈ જ જાણતો ન હતો.
સાલ ૧૯૫૯માં મેં સેનામાં મારી સેવા પૂરી કરી. ત્યાર બાદ હું ફ્રાંસ્વાભાઈને મળ્યો જે એક યહોવાના સાક્ષી હતા. તેમણે બાઇબલમાંથી મને ઘણી વાતો જણાવી. જેમ કે ઈશ્વરનું નામ યહોવા છે. (ગીત. ૮૩:૧૮) યહોવા દુનિયામાંથી અન્યાય દૂર કરશે અને ધરતીને બાગ જેવી સુંદર બનાવશે. તે જ પ્રકટીકરણ ૨૧:૩, ૪ના શબ્દો પણ પૂરા કરશે.
ફ્રાંસ્વાભાઈએ જે શીખવ્યું એ મને સાચું લાગ્યું અને મારા દિલને સ્પર્શી ગયું. પણ પાદરીઓ પર મને બહુ ગુસ્સો આવતો. તેઓ જે શીખવતા એ બાઇબલ પ્રમાણે ન હતું. મારે પણ પિતાની જેમ અન્યાય સામે લડવું હતું. હું વિચારતો કે પાદરીઓનાં મોં પર જઈને કહી દઉં કે તમે જે શીખવો છો તે ખોટું છે. મને થતું હું આ બધું રોકવા કંઈ કરું.
ફ્રાંસ્વાભાઈ અને બીજા સાક્ષીઓ નવા નવા મારા દોસ્તો બન્યા હતા. તેઓએ મને ઠંડો પાડ્યો. તેઓએ મને શીખવ્યું કે ઈસુના શિષ્યોનું કામ બીજાઓનો ન્યાય કરવાનું નથી. તેઓએ તો ઈશ્વરના રાજ્યની ખુશખબર ફેલાવવાની છે. ઈસુએ એજ કામ કર્યુ હતું. તેમણે શિષ્યોને પણ એવું જ કરવાનું શીખવ્યું હતું. (માથ. ૨૪:૧૪; લૂક ૪:૪૩) મારે એવા લોકો સાથે પણ પ્રેમથી અને સમજી વિચારીને વાત કરવાની હતી, જેઓ બાઇબલનું શિક્ષણ માનતા નથી. બાઇબલમાં પણ એ જ સલાહ આપી છે, “ઈશ્વરના સેવકે લડવાની જરૂર નથી, પણ તેણે બધાની સાથે નરમાશથી વર્તવું જોઈએ.”—૨ તિમો. ૨:૨૪.
મેં પોતાના જીવનમાં ફેરફારો કર્યા અને ૧૯૫૯માં એક સરકીટ સંમેલનમાં બાપ્તિસ્મા લીધું. ત્યાં મારી મુલાકાત એંજેલ સાથે થઈ, મને તે જોતા જ ગમી ગઈ. પછી હું તેના મંડળની સભાઓમાં જવા લાગ્યો. ત્યાર બાદ ૧૯૬૦માં અને લગ્ન કર્યા. તે ખૂબ જ સારી પત્ની છે અને યહોવા તરફથી મળેલી અનમોલ ભેટ છે.—અનુભવી ભાઈઓ પાસેથી ઘણું બધું શીખ્યો
વર્ષો દરમિયાન હું અનુભવી ભાઈઓ પાસેથી ઘણું બધું શીખ્યો. જેમ કે, સૌથી મહત્ત્વનું એ છે કે યહોવાએ સોંપેલું કામ કરવા આપણે નમ્ર રહેવું જોઈએ અને નીતિવચનો ૧૫:૨૨માં આપેલી સલાહ માનવી જોઈએ. એમાં લખ્યું છે, “ઘણા સલાહકારો હોય ત્યાં કામ પાર પડે છે.” એમ કરીશું તો જ આપણે એ કામ સારી રીતે કરી શકીશું.
૧૯૬૪માં હું સરકીટ નિરીક્ષક બન્યો ત્યારે ૨૭ વર્ષનો હતો. મારે અલગ અલગ મંડળોમાં જઈને ભાઈ-બહેનોને ઉત્તેજન આપવાનું હતું. તેઓની યહોવાની નજીક આવવા મદદ કરવાની હતી. હું નવો નિશાળિયો હતો એટલે મારાથી ઘણી ભૂલો થઈ. પણ હું એ ભૂલોમાંથી શીખવાનો પ્રયત્ન કરતો. નીતિવચનો ૧૫:૨૨માં આપેલી સલાહ મેં પાળી. હું અનુભવી ભાઈઓ પાસેથી ઘણું બધું શીખ્યો તેઓની ‘સલાહથી’ મને ફાયદો થયો.
મને એ સમયની વાત યાદ છે જ્યારે હું નવો નવો સરકીટ નિરીક્ષક બન્યો હતો. થોડા સમય પહેલા જ મેં પૅરિસના એક મંડળની મુલાકાત લીધી હતી. એક ભાઈએ મારી પાસે આવીને મને કહ્યું કે શું તમારી જોડે વાત કરી શકું? મેં કહ્યું: “હા.”
તેમણે મને પૂછ્યું, “લુઈભાઈ, જ્યારે ડૉક્ટર ઘરે આવે ત્યારે કોને મળવા આવે છે?”
મેં કહ્યું, “બીમારને.”
તેમણે કહ્યું: “બરાબર, પણ મને લાગે છે કે તમે એવાં ભાઈ-બહેનો સાથે વધારે હળો-મળો છો જેઓ મંડળમાં પહેલેથી જ સારું કરી રહ્યાં છે, જેમ કે મંડળના નિરીક્ષકો. પણ આપણા મંડળમાં એવાં ઘણાં ભાઈ-બહેનો છે જેઓ નિરાશ છે, નવા નવા સત્યમાં આવ્યાં છે અથવા સ્વભાવે શરમાળ છે. જો તમે એવાં ભાઈ-બહેનો સાથે વધારે હળો-મળો અથવા તેઓના ઘરે જમવા જાવ તો તેઓને સારું લાગશે. અને તેઓને ઉત્તેજન મળશે.”
એ ભાઈએ આપેલી સલાહ મારા માટે ખૂબ કીમતી હતી. યહોવાના લોકો માટેનો તેમનો પ્રેમ મારા દિલને સ્પર્શી ગયો. પોતાની ભૂલ સ્વીકારવી કડવો ઘૂંટ પીવા જેવું હતું. તેમ છતાં મેં મારી ભૂલ સ્વીકારી.
મેં તરત ભાઈની સલાહ લાગુ પાડી. સંગઠનમાં આવા અનુભવી ભાઈઓ માટે હું યહોવાનો ખૂબ આભારી છું.૧૯૬૯ અને ૧૯૭૩માં પૅરિસ, કૉલંબમાં બે આંતરરાષ્ટ્રીય મહાસંમેલન હતા. એ મહાસંમેલનમાં મને એક વિભાગ સોંપવામાં આવ્યો હતો. એમાં આવનાર લોકોની જમવાની વ્યવસ્થા કરવાનું મારું કામ હતું. ૧૯૭૩ના સંમેલનમાં આશરે ૬૦,૦૦૦ લોકો માટે મારે પાંચ દિવસ સુધી જમવાની વ્યવસ્થા કરવાની હતી. મને થયું કે એ બધું હું કઈ રીતે કરીશ. પણ એ સમયે મેં નીતિવચનો ૧૫:૨૨ની સલાહ યાદ રાખી, જેમાં કહ્યું છે કે આપણે બીજાઓની સલાહ લેવી જોઈએ. એટલે મેં એવા અનુભવી ભાઈઓની મદદ લીધી જેઓ ખેડૂત, ખાટકી, રસોઇયા કે ખરીદારી કરનાર હતા. તેઓની મદદથી હું એ પહાડ જેવી સોંપણી સારી રીતે પૂરી કરી શક્યો.
૧૯૭૩માં મને અને મારી પત્નીને ફ્રાંસના બેથેલમાં સેવા કરવાનો લહાવો મળ્યો. ત્યાં જે પહેલું કામ મળ્યું હતું એ મને બહુ મુશ્કેલ લાગ્યું. એ કામ હતું, આફ્રિકાના કૅમરૂન દેશમાં ભાઈ-બહેનોને સાહિત્ય પહોંચાડવાનું. આફ્રિકામાં ૧૯૭૦થી ૧૯૯૩ સુધી આપણા કામ પર પ્રતિબંધ હતો. એટલે મને લાગ્યું કે એ કામ તો મારા ગજા બહારનું છે. શાખા નિરીક્ષક સમજી ગયા કે હું આ કામ કરવાથી ડરું છું. તે મારી પાસે આવ્યા અને કહ્યું: “કૅમરૂનનાં ભાઈ-બહેનોને આપણાં સાહિત્યની ખૂબ જરૂર છે. ચાલો તેઓને એ મેળવવા મદદ કરીએ.” અમે એ કામ પૂરું કરવા લાગી ગયા.
હું કૅમરૂનના વડીલોને મળવા ઘણી વાર એની આસપાસના દેશોમાં ગયો. કૅમરૂનના વડીલો ઘણા હિંમતવાન અને સમજુ હતા. કૅમરૂનનાં ભાઈ-બહેનો સુધી સાહિત્ય કેવી રીતે પહોંચાડી શકાય એ માટે તેઓએ મને અમુક સૂચનો આપ્યાં. યહોવાએ અમારી મહેનત પર આશીર્વાદ આપ્યો. એ વીસ વર્ષો દરમિયાન ક્યારેય એવું બન્યું નહિ કે ભાઈ-બહેનો આપણી રાજ્ય સેવા અને ચોકીબુરજ મૅગેઝિનનો એકેય અંક ચૂક્યા હોય.
મારી પત્ની પાસેથી હું ઘણું બધું શીખ્યો
લગ્ન પહેલા અને લગ્ન પછી પણ એંજેલનો યહોવા સાથેનો સંબંધ ખૂબ મજબૂત હતો. એ ચાહતી હતી કે લગ્ન પછી અમે સાથે મળીને યહોવાની સેવા કરતાં રહીએ. એટલે જે દિવસે અમારાં લગ્ન થયા એ દિવસે એંજેલે કહ્યું કે યહોવાને પ્રાર્થનામાં અમારી એ ઇચ્છા વિશે જણાવીએ. યહોવાએ અમારી પ્રાર્થના સાંભળી.
એંજેલે મને યહોવા પર ભરોસો રાખવાનું શીખવ્યું. ૧૯૭૩માં જ્યારે અમને બેથેલ બોલાવવામાં આવ્યા ત્યારે મને ન ગમ્યું. કારણ કે મને સરકીટ કામ વધારે પસંદ હતું. પણ એંજેલે મને યાદ અપાવ્યું કે, આપણે યહોવાને પોતાનું જીવન સમર્પિત કર્યું છે. એટલે યહોવાનું સંગઠન જે કંઈ પણ કામ આપે એ કામ આપણે કરવું જોઈએ. (હિબ્રૂ. ૧૩:૧૭) તેની વાત એકદમ સાચી હતી. એટલે અમે ખુશી ખુશી બેથેલ આવ્યા. મારી પત્ની ઘણી સમજુ છે અને યહોવાને ખૂબ પ્રેમ કરે છે. તેના એ ગુણોને લીધે વર્ષોથી અમારો સંબંધ મજબૂત રહ્યો છે અને અમે સારા નિર્ણયો લઈ શક્યા છીએ.
હવે અમે વૃદ્ધ થયાં છીએ. એંજેલે એક સારી પત્ની તરીકે મને હંમેશાં સાથ આપ્યો છે. અમે સંગઠનની શાળામાં જવા માંગતાં હતાં. એટલે ૭૫ વર્ષની ઉંમરે અમે અંગ્રેજી શીખવા લાગ્યાં. અમે અંગ્રેજી મંડળમાં પણ જતાં હતાં. જોકે ફ્રાંસના શાખા સમિતિના સભ્ય તરીકે અંગ્રેજી શીખવા માટે સમય કાઢવો મારા માટે ઘણું અઘરું હતું. પણ અમે એકબીજાને મદદ કરતાં હતાં. આજે અમે ૮૦થી વધુ વર્ષનાં છીએ. સભાની તૈયારી અમે અંગ્રેજી અને ફ્રેંચ બંને ભાષામાં કરીએ છીએ. અમે પ્રચારમાં અને સભામાં જવાનો પણ બનતો પ્રયત્ન કરીએ છીએ. યહોવાએ અમારી મહેનત પર આશીર્વાદ આપ્યો છે.
૨૦૧૭માં યહોવાએ બીજો એક આશીર્વાદ આપ્યો. શાખા સમિતિના ભાઈઓ અને તેઓની પત્નીઓ માટેની શાળા વૉચટાવર એજ્યુકેશનલ સેન્ટર પેટરસન ન્યૂ યૉર્કમાં રાખવામાં આવે છે. અમને એ શાળામાં જવાનો મોકો મળ્યો.
યહોવા એક મહાન શિક્ષક છે. (યશા. ૩૦:૨૦) તેમના ભક્તો યુવાન હોય કે વૃદ્ધ તે બધાને સૌથી સારું શિક્ષણ આપે છે. (પુન. ૪:૫-૮) મને જોવા મળ્યું છે કે જે યુવાનો યહોવાનું કહ્યું સાંભળે છે અને અનુભવી ભાઈ-બહેનોની સલાહ માને છે, તેઓ સારા નિર્ણયો લઈ શકે છે. તેઓ યહોવાના સારા સેવક પણ બની શકે છે. નીતિવચનો ૯:૯ આપણને યાદ અપાવે છે કે “બુદ્ધિમાનને સલાહ આપ અને તે વધારે બુદ્ધિમાન બનશે. નેક માણસને શીખવ અને તે શીખીને વધારે જ્ઞાની બનશે.”
કોઈક વાર હું ૬૦ વર્ષ પહેલાંની અંધારી રાત યાદ કરું છું. અલ્જિરિયાના પહાડોમાં એકલો અને ડરેલો હતો ત્યારે વિચાર્યું ન હતું કે મારું જીવન આગળ જતાં આટલું સુખી હશે. હું બીજાઓ પાસેથી ઘણું શીખ્યો છું. યહોવાએ અમારું જીવન ખુશીઓથી ભરી દીધું છે. અમે નક્કી કર્યું છે કે યહોવા અને અનુભવી ભાઈ-બહેનો પાસેથી શીખતાં રહીશું.