સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

નમ્રતા—એનાથી કેવો ફાયદો થાય છે?

નમ્રતા—એનાથી કેવો ફાયદો થાય છે?

સારાબેન a કહે છે ‘હું તો સાવ ડરપોક છું. મને પોતાના પર ભરોસો નથી. એટલે કડક અને ગુસ્સાવાળા લોકો સાથે મને બિલકુલ ફાવતું નથી. નમ્ર અને કોમળ વ્યક્તિ સાથે રહેવું મને ગમે છે. એવી વ્યક્તિ સાથે હું દિલ ખોલીને વાત કરી શકું છું અને મારી મુશ્કેલીઓ તેઓને જણાવી શકું છું.’

સારાની વાતથી જોવા મળે છે કે આપણને બધાને નમ્ર વ્યક્તિઓ ગમે છે. યહોવાને પણ નમ્રતા ગમે છે. બાઇબલમાં લખ્યું છે, ‘નમ્રતા પહેરી લો.’ (કોલો. ૩:૧૨) નમ્રતા એટલે શું? ઈસુએ કઈ રીતે નમ્રતા બતાવી? એ ગુણ બતાવવાથી કઈ રીતે આપણે સુખી થઈ શકીએ?

નમ્રતા એટલે શું?

નમ્રતાનો ગુણ કેળવવા મન શાંત રાખવું જોઈએ. નમ્ર વ્યક્તિ બીજાઓ સાથે પ્રેમથી વર્તે છે. ભલે અઘરા સંજોગો આવે તોપણ તે ગુસ્સો કર્યા વગર મન શાંત રાખીને એનો સામનો કરી શકે છે.

અમુક લોકોને લાગે છે કે નમ્ર લોકો તો સાવ કમજોર હોય છે. પણ હકીકતમાં તો તેઓ મનના મજબૂત હોય છે. “નમ્રતા” માટેનો ગ્રીક શબ્દ પાળેલા જંગલી ઘોડા માટે વપરાય છે. ઘોડામાં તાકાત તો છે પણ પોતાની તાકાતને કાબૂમાં રાખવાની તેને તાલીમ આપવામાં આવે છે. એવી જ રીતે, નમ્રતા બતાવીએ છીએ ત્યારે, આપણે પોતાના પાપી સ્વભાવને કાબૂમાં રાખી શકીએ છીએ. એટલું જ નહિ, બીજાઓ સાથે સુલેહ-શાંતિ જાળવી શકીએ છીએ.

આપણને થાય, ‘મારો સ્વભાવ નમ્ર નથી.’ આપણે એવી દુનિયામાં રહીએ છીએ જ્યાં ચારેબાજુ ગુસ્સાવાળા લોકો છે. અરે, લોકોમાં ધીરજ જોવા મળતી નથી. એવા સમયે નમ્રતા બતાવવી આપણા માટે લોઢાના ચણા ચાવવા જેવું છે. (રોમ. ૭:૧૯) એટલે નમ્રતા બતાવવી હિંમત માંગી લે છે. પણ યહોવાની પવિત્ર શક્તિની મદદથી આપણે નમ્રતાનો ગુણ કેળવી શકીએ છીએ. (ગલા. ૫:૨૨, ૨૩) એ ગુણ કેળવવા શા માટે મહેનત કરવી જોઈએ?

નમ્ર વ્યક્તિઓ બધાને ગમે છે. અગાઉ જોઈ ગયા એ સારાબેનની જેમ આપણને પણ નમ્ર વ્યકિતઓ સાથે હળવા-મળવાનું ગમે છે. નમ્રતા અને કૃપા બતાવવામાં ઈસુએ સુંદર દાખલો બેસાડ્યો છે. (૨ કોરીં. ૧૦:૧) ઓળખતા ન હોય એવા લોકો પાસે જવાનું નાના બાળકોને ગમતું નથી. ઈસુ એટલા નમ્ર હતા કે બાળકો પણ તેમની પાસે સહેલાઈથી આવતા હતા, પછી ભલે તેઓ તેમને ઓળખતા ન હોય.—માર્ક ૧૦:૧૩-૧૬.‏

નમ્ર રહેવાથી આપણને અને બીજાઓને ફાયદો થાય છે. જો આપણે નમ્ર હોઈશું, તો જલદી ગુસ્સે નહિ થઈએ અથવા તો પિત્તો નહિ ગુમાવીએ. (નીતિ. ૧૬:૩૨) આમ, બીજાઓને અને ખાસ તો જેઓને પ્રેમ કરીએ છીએ તેઓને માઠું નહિ લગાડીએ. આપણને દોષની લાગણી નહિ થાય. આપણી લાગણીઓને કાબૂમાં રાખીશું અને નમ્ર સ્વભાવ રાખીશું તો બીજાઓને નુકસાન નહિ થાય.

નમ્રતાનો સૌથી સારો દાખલો

ઈસુને માથે મોટી જવાબદારી હતી. તેમણે ઘણાં કામ કરવાનાં હતાં, તોપણ તે બધા સાથે નમ્રતાથી વર્તતા હતા. ઈસુના જમાનાના લોકો મુશ્કેલીઓના ભારથી દબાઈ ગયા હતા. તેઓને તાજગીની જરૂર હતી. ઈસુએ તેઓને કહ્યું: “મારી પાસે આવો . . . કેમ કે હું કોમળ સ્વભાવનો અને નમ્ર હૃદયનો છું.” (માથ. ૧૧:૨૮, ૨૯) એ શબ્દો સાંભળીને લોકોનાં દિલને કેટલી ઠંડક મળી હશે!

ઈસુની જેમ આપણે કઈ રીતે નમ્રતા બતાવી શકીએ? ઈસુ લોકો સાથે કઈ રીતે વાત કરતા અને અઘરા સંજોગોમાં શું કરતા, એ જાણવા બાઇબલનો અભ્યાસ કરીએ. પછી અઘરા સંજોગો આવે ત્યારે ઈસુની જેમ નમ્રતા બતાવવા મહેનત કરીએ. (૧ પીત. ૨:૨૧) ઈસુને નમ્ર બનવા આ ત્રણ બાબતોથી મદદ મળી હતી. ચાલો એનો વિચાર કરીએ.

ઈસુ કોમળ સ્વભાવના હતા. ઈસુએ કહ્યું હતું કે તે ‘કોમળ સ્વભાવના અને નમ્ર હૃદયના’ છે. (માથ. ૧૧:૨૯) બાઇબલમાં એ બે ગુણો સાથે બતાવવામાં આવ્યા છે, કારણ કે નમ્રતા અને કોમળતા એકબીજા સાથે જોડાયેલા છે. (એફે. ૪:૧-૩) શા પરથી એવું કહી શકાય?

આપણો સ્વભાવ કોમળ હશે તો વાતે વાતે ખોટું નહિ લગાડીએ કે રિસાઈ નહિ જઈએ. લોકો ઈસુને “ખાઉધરો” અને “દારૂડિયો માણસ” કહેતા ત્યારે તે શું કરતા? તેમણે પોતાનાં કાર્યોથી બતાવી આપ્યું કે એ સાવ ખોટું હતું. તેમણે નમ્રતાથી આ વાત પર લોકોનું ધ્યાન દોર્યું, “ડહાપણ પોતાનાં કાર્યોથી ખરું સાબિત થાય છે.”—માથ. ૧૧:૧૯.

આપણી જાતિ, સમાજ કે સંસ્કૃતિ વિશે કોઈ વગર વિચારીએ બોલે તો, નમ્રતાથી તેને જવાબ આપીએ. દક્ષિણ આફ્રિકામાં રહેતા પીટરભાઈ કહે છે, ‘જો કોઈના શબ્દોથી મને ગુસ્સો આવે તો હું પોતાને પૂછું છું, “આ જગ્યાએ ઈસુ હોત તો તેમણે શું કર્યું હોત?” હવે હું લોકોની વાતોનું ખોટું લગાડતો નથી.’

ઈસુ જાણતા હતા કે માણસો ભૂલ કરે છે. ઈસુના શિષ્યો સારું કરવા માંગતા હતા. પણ તેઓ પાપી હતા એટલે ઘણી વાર તેઓ ખોટું કરી બેસતા. દાખલા તરીકે, મરણની આગલી રાતે ઈસુએ પીતર, યાકૂબ અને યોહાનને તેમની સાથે જાગતા રહેવાનું કહ્યું. પણ તેઓ એમ કરી શક્યા નહિ. એ સમયે ઈસુ પ્રેરિતો પર ગુસ્સે થયા નહિ. પણ તેમણે કહ્યું, “મન તો આતુર છે, પણ શરીર કમજોર છે.” (માથ. ૨૬:૪૦, ૪૧) કારણ કે તે જાણતા હતા કે તેઓનું શરીર નબળું છે એટલે તેઓ જાગતા રહી શક્યા નહિ.

મેન્ડીબેન હંમેશાં બીજાઓ વિશે કંઈ ને કંઈ બોલ્યા કરતા. પણ હવે તે ઈસુના પગલે ચાલીને નમ્ર બનવાનો પ્રયત્ન કરે છે. તે કહે છે, ‘હું સમજું છું કે માણસ માત્ર ભૂલને પાત્ર. એટલે જેમ યહોવા બીજાઓમાં સારું જુએ છે, તેમ હું બીજાઓમાં સારું જોવાનો પ્રયત્ન કરું છું.’ ઈસુ શિષ્યોની કમજોરી સમજી શક્યા હતા અને તેઓ માટે દયા બતાવતા હતા. શું તમે પણ ઈસુની જેમ બીજાઓની કમજોરીઓ સમજીને તેઓ સાથે નમ્રતાથી વર્તો છો?

ઈસુએ બાબતો યહોવાના હાથમાં સોંપી દીધી. ઈસુ પૃથ્વી પર હતા ત્યારે લોકોએ તેમની સાથે બહુ અન્યાય કર્યો હતો. લોકો તેમના વિશે ખોટી વાતો કરતા, તેમનું અપમાન કરતા અને તેમને સતાવતા. તેમ છતાં, તે નમ્ર રહ્યા કારણ કે તેમણે ‘અદલ ન્યાય કરનારના હાથમાં પોતાને સોંપી દીધા.’ (૧ પીત. ૨:૨૩) તે જાણતા હતા કે પિતા તેમની કાળજી રાખે છે અને તેમને સતાવનાર લોકોને યોગ્ય સમયે શિક્ષા કરશે.

જો આપણે ગુસ્સામાં તપી જઈએ અને અન્યાયની સામે લડીએ, તો બાબતો વણસી જશે. બાઇબલમાંથી આપણને આ વાત યાદ આવે છે: “ગુસ્સો કરનાર માણસ ઈશ્વરની નજરે જે ખરું છે, એ કરતો નથી.” (યાકૂ. ૧:૨૦) ભલે આપણો ગુસ્સો ખોટો ન હોય, પણ આપણે પાપી હોવાથી બની શકે કે એ ગુસ્સો ખોટી રીતે બતાવી બેસીએ.

જર્મનીમાં રહેતાં કેથીબેન હંમેશાં એવું વિચારતા, ‘જો તમે પોતાના માટે નહિ લડો, તો કોઈ તમારા માટે લડવા આવવાનું નથી.’ પણ યહોવા વિશે શીખ્યા પછી, તેમના વિચારો બદલાયા. તે કહે છે: ‘હવે હું પોતાના બચાવ માટે હંમેશાં લડવા જતી નથી. હું જાણું છું કે દુનિયામાં જે ખોટું થઈ રહ્યું છે એ બધું યહોવા સુધારી દેશે.’ જો તમે પણ અન્યાયનો ભોગ બન્યા હો, તો ઈસુની જેમ ઈશ્વર પર ભરોસો રાખો. એમ કરશો તો તમે નમ્રતાનો ગુણ કેળવી શકશો.

“જેઓ નમ્ર છે તેઓ સુખી છે”

અઘરા સંજોગોમાં નમ્રતા કઈ રીતે મદદ કરે છે?

ઈસુએ કહ્યું કે “જેઓ નમ્ર છે તેઓ સુખી છે.” (માથ. ૫:૫) આમ તેમણે બતાવ્યું કે સુખી થવા માટે નમ્રતા બતાવવી ખૂબ જરૂરી છે. ચાલો અમુક સંજોગો તપાસીએ અને જોઈએ કે એવા સંજોગોમાં નમ્રતા બતાવવાથી કઈ રીતે મદદ મળે છે.

લગ્‍નજીવનમાં તણાવ આવે ત્યારે નમ્રતા બતાવવાથી સંજોગો સુધરે છે. રોબર્ટભાઈ કહે છે, ‘મારા દિલમાં ન હોય, પણ હું ઘણી વાર પત્નીને એલફેલ બોલી જતો. એનાથી તેના દિલને ઠેસ પહોંચતી. મારા શબ્દોથી તેને માઠું લાગતું, એ જોઈને મને બહુ દુઃખ થતું. પણ ગુસ્સામાં નીકળેલા શબ્દો પાછા ખેંચી શકાતા નથી.’

બોલવામાં “આપણે બધા ઘણી વાર ભૂલો કરીએ છીએ.” (યાકૂ. ૩:૨) વગર વિચાર્યે બોલવાથી આપણા લગ્‍નજીવનમાં તણાવ ઊભો થાય છે. પણ એવા સમયે નમ્રતા રાખવાથી આપણે મન શાંત રાખી શકીશું અને જીભ પર લગામ રાખી શકીશું.—નીતિ. ૧૭:૨૭.

રોબર્ટભાઈએ મન શાંત રાખવા અને સંયમ બતાવવા ઘણી મહેનત કરી. એનું શું પરિણામ આવ્યું? ભાઈ કહે છે: ‘હું અને મારી પત્ની કોઈ વાતે સહમત ન હોઈએ તો, હું તેનું ધ્યાનથી સાંભળું છું, નમ્રતાથી બોલું છું અને નારાજ થતો નથી. હવે મારી પત્ની સાથે મારો સંબંધ વધુ મજબૂત થયો છે.’

નમ્ર રહેવાથી બીજાઓ સાથે સારું બને છે. જેઓ વાતે વાતે ગુસ્સે થઈ જાય છે, તેઓના બહુ મિત્રો હોતા નથી. નમ્રતા આપણને ‘શાંતિના બંધનમાં એકતા જાળવી રાખવા’ મદદ કરે છે. (એફે. ૪:૨, ૩) અગાઉ કેથીબેન વિશે જોઈ ગયા, તે કહે છે: ‘નમ્રતા બતાવવાથી હું બીજાઓ સાથે સહેલાઈથી હળી-મળી શકું છું. ભલે અમુક લોકો સાથે એમ કરવું અઘરું હોય તોપણ હું પૂરો પ્રયત્ન કરું છું.’

નમ્રતા બતાવવાથી મનની શાંતિ મળે છે. ‘સ્વર્ગમાંથી આવતા ડહાપણને’ બાઇબલમાં નમ્રતા અને શાંતિ સાથે જોડવામાં આવ્યું છે. (યાકૂ. ૩:૧૩, ૧૭) નમ્ર વ્યક્તિનું ‘હૃદય શાંત રહે છે.’ (નીતિ. ૧૪:૩૦) નમ્રતા કેળવવા માર્ટીનભાઈએ ઘણી મહેનત કરી છે. તે જણાવે છે, ‘હવે હું મારો જ કક્કો ખરો કરતો નથી અને ઓછો ગુસ્સે થાઉં છું. એનાથી મને મનની શાંતિ અને ખુશી મળી છે.’

એક ભાઈએ કહ્યું, ‘સાચું કહું તો હજું પણ મને કોઈ વાર ગુસ્સો આવી જાય છે.’ એટલે નમ્ર બનવા થોડી મહેનત કરવી પડે છે. પણ યહોવા આપણને નમ્ર બનવા ઉત્તેજન આપે છે અને એવી લાગણીઓ સામે લડવા મદદ પણ આપે છે. (યશા. ૪૧:૧૦; ૧ તિમો. ૬:૧૧) તે ‘આપણી તાલીમ પૂરી’ કરી શકે છે અને તે ‘આપણને બળવાન’ કરી શકે છે. (૧ પીત. ૫:૧૦) સમય જતાં આપણે પણ પ્રેરિત પાઊલની જેમ “ખ્રિસ્તની નમ્રતા અને કૃપા” બતાવી શકીશું.—૨ કોરીં. ૧૦:૧.

a અમુક નામ બદલ્યાં છે.