અભ્યાસ લેખ ૨૦
જુલમનો ભોગ બનેલાઓને આશ્વાસન આપીએ
‘દરેક પ્રકારનો દિલાસો આપનાર ઈશ્વર આપણી બધી કસોટીઓમાં આપણને દિલાસો આપે છે.’—૨ કોરીં. ૧:૩, ૪.
ગીત ૪૧ બાળકો—યહોવાની સાથે ચાલો
ઝલક a
૧-૨. (ક) નાનપણથી જ આપણને શાની જરૂર હોય છે? દાખલો આપો. (ખ) અમુક બાળકોએ કેવા ઘા સહેવા પડે છે?
આશ્વાસનની જરૂર કોને નથી પડતી! જીવનમાં એવી અનેક પળો આવે છે, જ્યારે આપણને આશ્વાસન કે હૂંફની જરૂર પડે છે. આપણે પણ બીજાઓને દિલાસો આપી શકીએ છીએ. દાખલા તરીકે, એક બાળક રમતાં રમતાં પડી ગયો. તેનો ઢીંચણ છોલાઈ જાય છે. તે રડતાં રડતાં મમ્મીપપ્પા પાસે દોડી જાય છે. તેઓ બાળકનો ઘા મટાડી શકતા નથી, પણ તેને હૂંફ આપી શકે છે. તેઓ કદાચ એ વિશે પૂછશે, તેનાં આંસુ લૂછશે, તેને પંપાળશે. તેના ઘા પર દવા લગાવશે કે પાટાપિંડી કરશે. બાળક રડવાનું બંધ કરી દેશે અને પાછું રમવા લાગશે. સમય જતાં, તેનો ઘા પણ રુઝાઈ જશે.
૨ અમુક ઘા એવા હોય છે જે જલદી રૂઝાતા નથી. દુઃખની વાત છે કે, બાળકોએ એવા ઘા સહેવા પડે છે. અમુક બાળકો જાતીય શોષણનો ભોગ બને છે. એવું એક વાર થયું હોય કે પછી વર્ષો સુધી વારંવાર થયું હોય, એ ખરાબ પ્રસંગના ઘા દિલમાં ઊંડે સુધી પડેલા હોય છે. અમુક કિસ્સામાં ગુનેગાર પકડાઈ જાય છે અને સજા થાય છે, તો કેટલીક વાર તે છટકી જાય છે. ભલે ગુનેગારને સજા થઈ જાય પણ બાળકના દિલના ઘા વર્ષો સુધી રૂઝાતા નથી.
૩. બીજો કોરીંથીઓ ૧:૩, ૪માં જણાવ્યા પ્રમાણે યહોવા શું ચાહે છે? આપણે કયા સવાલોની ચર્ચા કરીશું?
૩ મંડળમાં કોઈની સાથે બાળપણમાં એવું થયું હોય અને હજી તે વેદના સહી રહ્યું હોય તો, આપણે કઈ રીતે મદદ કરી શકીએ? (૨ કોરીંથીઓ ૧:૩, ૪ વાંચો.) યહોવા આપણા પ્રેમાળ પિતા છે. તે ચાહે છે કે તેમનાં બાળકોને પ્રેમ અને હૂંફ મળે. ચાલો આ ત્રણ સવાલોનો વિચાર કરીએ: (૧) શા માટે ભોગ બનેલી વ્યક્તિને દિલાસાની જરૂર હોય છે? (૨) તેઓને કોણ દિલાસો આપી શકે? (૩) આપણે તેઓને કઈ રીતે દિલાસો આપી શકીએ?
શા માટે દિલાસાની જરૂર હોય છે?
૪-૫. (ક) મોટાઓ કરતાં બાળકો કઈ રીતે અલગ હોય છે? (ખ) જાતીય શોષણનો ભોગ બનેલા બાળકો પર કેવી અસર પડે છે?
૪ અમુક લોકો બાળપણમાં જાતીય શોષણનો ભોગ બને છે. વર્ષો પછી પણ તેઓને દિલાસાની જરૂર પડી શકે છે. મોટાઓ કરતાં કુમળી વયનાં બાળકોનાં દિલ અને મન અલગ હોય છે. એટલે આવી ખરાબ ઘટનાથી તેઓનું દિલ ઘવાય છે, ભાંગી પડે છે. ચાલો ત્રણેક બાબતોનો વિચાર કરીએ.
૫ માબાપ સાથે બાળકોનો સંબંધ મજબૂત હોવો જોઈએ. કાળજી લેનારા બીજાઓને પણ એ લાગુ પડે છે. એ પ્રેમાળ સંબંધથી બાળકો હૂંફ અને સલામતી અનુભવે છે. બાળકો તેઓ પર ભરોસો રાખવાનું શીખે છે. (ગીત. ૨૨:૯) દુઃખની વાત છે કે આવી ખરાબ ઘટનાઓ મોટા ભાગે ઘરમાં બને છે. એવું કરનારા કુટુંબનાં સભ્યો, સગાઓ કે મિત્રો હોઈ શકે. એની બાળકો પર એટલી ખરાબ અસર પડે છે કે, તેઓ વર્ષો પછી પણ બીજાઓ પર ભરોસો કરતા અચકાય છે.
૬. જાતીય શોષણ થવાથી બાળકોને કેવું નુકસાન થાય છે?
૬ એ અત્યાચાર ભોળા બાળકોનું જીવન બદલી નાખે છે. બાળકોનું જાતીય શોષણ થાય ત્યારે તેઓને ગંભીર નુકસાન થાય છે. કુમળી વયના બાળકોને સેક્સ વિશે ખબર હોતી નથી. એનાથી સેક્સ વિશે તેઓના વિચારો બદલાઈ જાય છે. તેઓ પોતાને નકામા ગણે છે. તેઓનો બીજાઓ પરથી ભરોસો ઊઠી જાય છે.
૭. (ક) બાળકો કેમ સહેલાઈથી છેતરાય જાય છે? ખરાબ વ્યક્તિ કઈ રીતે તેઓને છેતરે છે? (ખ) એની કેવી અસર થાય છે?
૭ બાળકોમાં એવી ક્ષમતા હોતી નથી કે તેઓ ખતરાને પૂરેપૂરો પારખી શકે અને એનાથી બચી શકે. (૧ કોરીં. ૧૩:૧૧) એટલે ખરાબ વ્યક્તિ સહેલાઈથી બાળકોને ભોળવીને પોતાનો શિકાર બનાવે છે. તેઓ બાળકોને છેતરવા આવાં જૂઠાણાં વાપરે છે: એમાં બાળકનો જ વાંક છે; એ વિશે કોઈને જણાવવું નહિ; જો બાળક કોઈને જણાવશે તો તે માનશે નહિ કે મદદ કરશે નહિ; એ તો મોટાઓ અને બાળકો વચ્ચેના પ્રેમની સાબિતી છે. એવાં જૂઠાણાં બાળકોના વિચારો પર ઊંડી છાપ છોડે છે. તેઓને સમજતા વર્ષો લાગી જાય છે કે, એ બધું જૂઠું હતું. બીજાઓ સાથેના સંબંધ પર એની ખરાબ અસર પડે છે. તેઓ સહેલાઈથી મિત્રો બનાવી શકતા નથી. અરે, ઈશ્વર સાથેનો સંબંધ પણ કેળવી શકતા નથી. ભલે તેઓનો વાંક ન હોય, તોપણ તેઓ પોતાને દોષી ગણે છે. તેઓને લાગે છે કે પ્રેમ અને આશ્વાસન મેળવવા તેઓ લાયક નથી.
૮. શા પરથી ખાતરી રાખી શકીએ કે યહોવા દુઃખી લોકોને દિલાસો આપે છે?
૮ શોષણનો ભોગ બનનારાં બાળકો વર્ષો સુધી એ વેદના સહન કરે છે. આખી દુનિયામાં આવો ઘોર અપરાધ થઈ રહ્યો છે. એ બતાવે છે કે આપણે છેલ્લા દિવસોમાં જીવી રહ્યા છે. શાસ્ત્ર જણાવે છે કે, છેલ્લા દિવસોમાં લોકો “પ્રેમભાવ વગરના” હશે તથા ‘દુષ્ટ માણસો અને ધુતારાઓ વધારે ને વધારે ખરાબ થતા જશે.’ (૨ તિમો. ૩:૧-૫, ૧૩) શેતાન કેટલો ક્રૂર કહેવાય! દુઃખની વાત છે કે, કેટલાક માણસો એવાં કામ કરે છે જે શેતાનને ગમે છે. શેતાન અને તેને પગલે ચાલનારા લોકો કરતાં યહોવા વધારે શક્તિશાળી છે. યહોવા શેતાનની બધી ચાલાકીઓ જાણે છે. યહોવા આપણું દુઃખ સમજે છે અને આપણને દિલાસો આપે છે. બાઇબલ કહે છે, ‘દરેક પ્રકારનો દિલાસો આપનાર ઈશ્વર આપણી બધી કસોટીઓમાં આપણને દિલાસો આપે છે, જેથી આપણે ઈશ્વર પાસેથી મળેલા દિલાસા દ્વારા બીજાઓને દિલાસો આપી શકીએ, પછી ભલે તેઓ કોઈ પણ પ્રકારની કસોટીમાં હોય.’ (૨ કોરીં. ૧:૩, ૪) કેટલી ખુશીની વાત છે કે આપણે એવા ઈશ્વરને ભજીએ છીએ! દિલાસો આપવા યહોવા કોનો ઉપયોગ કરે છે?
કોણ દિલાસો આપી શકે?
૯. સગાઓએ જુલમ ગુજાર્યો હોય, એવી વ્યક્તિને યહોવા કઈ રીતે સાચવશે?
૯ અમુક બાળકોને માબાપ તરફથી રક્ષણ ન મળ્યું હોવાથી કદાચ શોષણનો ભોગ બને છે. કેટલાંક બાળકોનું નજીકના સગાઓ શોષણ કરે છે. તેઓને હૂંફ અને દિલાસાની ખાસ જરૂર હોય છે. રાજા દાઊદને ભરોસો હતો કે યહોવા હંમેશાં દિલાસો આપશે. (ગીતશાસ્ત્ર ૨૭:૧૦ વાંચો.) દાઊદને ખાતરી હતી કે, જેઓ પર સગાઓએ જુલમ ગુજાર્યો હોય, તેઓને યહોવા પિતાની જેમ સાચવશે. એ માટે યહોવા પોતાના ભક્તોનો ઉપયોગ કરશે. આપણું મંડળ એ આપણું કુટુંબ છે. ઈસુએ જણાવ્યું કે, દરેક ઈશ્વરભક્તને તે પોતાના ભાઈ, બહેન અને માતા ગણે છે.—માથ. ૧૨:૪૮-૫૦.
૧૦. વડીલ તરીકે પ્રેરિત પાઊલે કેવો દાખલો બેસાડ્યો?
૧૦ ચાલો આપણે જોઈએ કે, મંડળ કઈ રીતે આપણા કુટુંબ જેવું છે. પ્રેરિત પાઊલ મહેનતુ વડીલ હતા. તેમણે સારો દાખલો બેસાડ્યો હતો. એટલે તે બીજાઓને કહી શક્યા કે, ‘જેમ હું ખ્રિસ્તને પગલે ચાલુ છું, તેમ તમે મારા પગલે ચાલો.’ (૧ કોરીં. ૧૧:૧) પાઊલે જણાવ્યું, “જેમ ધાવ મા પોતાના બાળક પર મમતા રાખે છે, તેમ અમે પ્રેમથી તમારી સંભાળ રાખી.” (૧ થેસ્સા. ૨:૭) વડીલો માટે કેટલો જોરદાર દાખલો! આજે પણ પ્રેમાળ વડીલો બાઇબલમાંથી સાંત્વના આપે છે ત્યારે, તેઓ માયાળુ શબ્દો વાપરે છે.
૧૧. શા પરથી કહી શકાય કે દિલાસો આપવાની જવાબદારી ફક્ત વડીલોની જ નથી?
૧૧ શોષણનો ભોગ બનેલાઓને દિલાસો આપવાની જવાબદારી શું ફક્ત વડીલોની જ છે? ના. આપણા બધાની જવાબદારી છે. બાઇબલ કહે છે, “એકબીજાને દિલાસો આપતા રહો.” (૧ થેસ્સા. ૪:૧૮) ભક્તિમાં મજબૂત છે એવી બહેનો, દુઃખી બહેનોને આશ્વાસન આપી શકે. યહોવા પણ માની જેમ આપણને હૂંફ અને દિલાસો આપે છે. (યશા. ૬૬:૧૩) બાઇબલમાં એવી ઘણી સ્ત્રીઓનાં દાખલા છે, જેઓએ બીજાઓને દિલાસો આપ્યો હતો. (અયૂ. ૪૨:૧૧) નિરાશામાં ડૂબેલી બહેનોને આજે મંડળની બીજી બહેનો મદદ કરે છે. એ જોઈને યહોવા કેટલા ખુશ થતા હશે! અમુક કિસ્સાઓમાં, ભક્તિમાં મજબૂત હોય એવી બહેનને વડીલો જણાવી શકે કે, તે નિરાશ બહેનને ઉત્તેજન આપે. b
આપણે કઈ રીતે દિલાસો આપી શકીએ?
૧૨. આપણે શું કરવું ન જોઈએ?
૧૨ જો કોઈ ભાઈ કે બહેન અંગત વાત જણાવવા માંગતા ન હોય, તો આપણે એ વિશે પૂછપરછ કરવી ન જોઈએ. (૧ થેસ્સા. ૪:૧૧) જેઓને દિલાસાની જરૂર હોય અને મદદ ચાહતા હોય, તેઓને કઈ રીતે મદદ કરી શકીએ? ચાલો એ વિશે બાઇબલમાં જણાવેલા પાંચ મુદ્દા જોઈએ.
૧૩. પહેલો રાજાઓ ૧૯:૫-૮ પ્રમાણે યહોવાના દૂતે એલિયા માટે શું કર્યું? આપણે કઈ રીતે દૂતના દાખલાને અનુસરી શકીએ?
૧૩ વ્યક્તિને મદદ કરીએ. એક વાર પ્રબોધક એલિયાને પોતાનો જીવ બચાવવા નાસવું પડ્યું હતું. એ સમયે તે એટલા નિરાશ થઈ ગયા હતા કે, તે મરવા માંગતા હતા. તેમને ઉત્તેજન આપવા યહોવાએ એક શક્તિશાળી દૂતને મોકલ્યા. એલિયાને જરૂર હતી, એવી જ મદદ દૂતે પૂરી પાડી. તેમણે એલિયાને ગરમાગરમ ભોજન આપ્યું, એ ખાવાનો પ્રેમથી આગ્રહ કર્યો. (૧ રાજાઓ ૧૯:૫-૮ વાંચો.) એ દાખલામાંથી એક સરસ વાત શીખવા મળે છે: દયાનું એક નાનું કામ, લાવે મોટું પરિણામ. નિરાશ થયેલા ભાઈ કે બહેનને નાની ભેટ, કાર્ડ કે જમવાનું આપી શકાય. એમાં આપણાં પ્રેમ અને લાગણી દેખાઈ આવશે. જો વ્યક્તિ સાથે અમુક વિષય પર વાત કરવું તમને અઘરું લાગતું હોય, તો તમે તેમને મદદ કરવા નાનું-મોટું કામ કરી શકો.
૧૪. એલિયાના કિસ્સામાંથી બીજું શું શીખવા મળે છે?
૧૪ તેઓને અહેસાસ કરાવીએ કે, તેઓ સલામત છે. એલિયાના કિસ્સામાંથી બીજું શું શીખવા મળે છે? યહોવાએ દૂતને મોકલી એલિયાને જરૂરી મદદ આપી, જેથી તે હોરેબ પર્વત સુધી પહોંચી શકે. હવે કદાચ એલિયા એ જગ્યાએ હતા, જ્યાં વર્ષો પહેલાં યહોવાએ પોતાના લોકો સાથે કરાર કર્યો હતો. તેમને મારી નાંખવા ચાહતા હતા, એવા લોકોથી તે ઘણા દૂર હતા. આમ, એલિયાને લાગ્યું હશે કે તે સલામત છે. એમાંથી શું શીખી શકીએ? શોષણનો ભોગ બનેલી વ્યક્તિને દિલાસો આપતા પહેલાં અહેસાસ કરાવવો પડશે કે તે હવે સલામત છે. જેમ કે, નિરાશામાં ડૂબેલા બહેન સલામતી અનુભવશે તો સહેલાઈથી વડીલો આગળ પોતાનું દિલ ઠાલવી શકશે. કદાચ પ્રાર્થનાઘરને બદલે ઘરે ચા પીતા પીતા તે સારી રીતે વાત કરી શકશે. અમુક કિસ્સામાં કદાચ વ્યક્તિ ઘરને બદલે પ્રાર્થનાઘરમાં વધારે સલામતી અનુભવે.
૧૫-૧૬. સારા સાંભળનાર બનવું એટલે શું?
૧૫ સારા સાંભળનાર બનીએ. બાઇબલ જણાવે છે: ‘દરેક જણ સાંભળવામાં આતુર, સમજી-વિચારીને બોલનાર હોય.’ (યાકૂ. ૧:૧૯) શું તમે સારા સાંભળનાર છો? શું સારા સાંભળનારનો અર્થ એમ થાય કે બોલ્યા વગર વ્યક્તિની સામે જોયા કરવું? એમાં બીજી બાબતોનો પણ સમાવેશ થાય છે. દાખલા તરીકે, એલિયાએ જ્યારે પોતાની વેદના યહોવા આગળ ઠાલવી ત્યારે તેમણે ધ્યાનથી સાંભળ્યું. યહોવાએ જોયું કે એલિયા ડરી ગયા છે, એકલા પડી ગયા છે અને પોતાને નકામા ગણે છે. યહોવાએ તેમને એવી લાગણીમાંથી બહાર આવવા મદદ કરી. આમ, તેમણે બતાવ્યું કે એલિયાની વાત તેમણે ધ્યાનથી સાંભળી હતી.—૧ રાજા. ૧૯:૯-૧૧, ૧૫-૧૮.
૧૬ કોઈ ભાઈ કે બહેનની વાત સાંભળતા હોઈએ ત્યારે કઈ રીતે તેમના માટે પ્રેમ અને લાગણી બતાવી શકીએ? આપણા શબ્દોથી પ્રેમ અને લાગણી દેખાઈ આવવાં જોઈએ. તમે કદાચ કહી શકો: ‘તમારી સાથે જે બન્યું એ જાણીને મને ખૂબ દુઃખ થયું! કોઈ બાળક સાથે એવું કદી ન થવું જોઈએ.’ દુઃખી મિત્રની વાત સમજવા તમે એકાદ સવાલ પૂછી શકો. તમે કદાચ પૂછી શકો, ‘તમે જે કહ્યું એ હું સમજ્યો નહિ?’ અથવા ‘શું તમે આમ કહેવા માંગો છો . . . શું હું બરાબર સમજ્યો?’ આવા પ્રેમાળ શબ્દોથી વ્યક્તિને ખાતરી મળશે કે તમે ધ્યાનથી સાંભળો છો અને તેમને સમજવા પ્રયત્ન કરો છો.—૧ કોરીં. ૧૩:૪, ૭.
૧૭. શા માટે આપણે ધીરજ રાખવી જોઈએ અને ‘સમજી-વિચારીને બોલવું’ જોઈએ?
૧૭ ધ્યાન રાખીએ કે આપણે ‘સમજી-વિચારીને બોલીએ.’ કોઈ વાત કહેતું હોય ત્યારે વચ્ચે સલાહ આપવા કે તેમને સુધારવા બેસી ન જઈએ. આપણે ધીરજ રાખવી જોઈએ! એલિયાએ યહોવા આગળ પોતાની લાગણી ઠાલવી ત્યારે તેમના શબ્દોમાં દિલની વેદના દેખાતી હતી. પછી, યહોવાએ એલિયાની શ્રદ્ધા મજબૂત કરવા મદદ કરી. એ પછી પણ એલિયાએ એવા જ શબ્દોમાં પોતાની વેદના ઠાલવી હતી. (૧ રાજા. ૧૯:૯, ૧૦, ૧૩, ૧૪) એમાંથી આપણને શું શીખવા મળે છે? દુઃખી વ્યક્તિ અનેક વાર પોતાનું દિલ બીજાઓ આગળ ઠાલવે છે. યહોવાની જેમ આપણે પણ સાંભળતી વખતે ધીરજ રાખવી જોઈએ. બીજાઓની મુશ્કેલીનો ઉપાય શોધવાને બદલે પહેલા દયા અને હૂંફ બતાવીએ.—૧ પીત. ૩:૮.
૧૮. હતાશ થયેલી વ્યક્તિને પ્રાર્થનાથી કઈ રીતે દિલાસો આપી શકીએ?
૧૮ વેદના સહી રહેલી વ્યક્તિ માટે દિલથી પ્રાર્થના કરીએ. હતાશ થયેલી વ્યક્તિને પ્રાર્થના કરવી અઘરું લાગે છે. તેને લાગે કે યહોવા પાસે જવા માટે તે લાયક નથી. દિલાસો આપવા આપણે તેમનું નામ લઈને પ્રાર્થના કરાવીએ. એ વ્યક્તિ આપણને અને મંડળને કેટલી પ્રિય છે, એ વિશે પ્રાર્થનામાં યહોવાને જણાવીએ. એ વ્યક્તિને દિલાસો અને રાહત મળે એવી યહોવાને વિનંતી કરીએ. એવી પ્રાર્થનાથી ચોક્કસ દિલાસો મળે છે.—યાકૂ. ૫:૧૬.
૧૯. આશ્વાસન આપવા આપણને ક્યાંથી મદદ મળશે?
૧૯ એવા શબ્દો વાપરીએ જે દિલના ઘા રૂઝવે. બોલતા પહેલાં વિચારો. વગર વિચાર્યે બોલવાથી કોઈના દિલને ઠેસ પહોંચી શકે, પણ પ્રેમાળ શબ્દો મલમ જેવું કામ કરે છે. (નીતિ. ૧૨:૧૮) વ્યક્તિના દિલને ઠંડક પહોંચાડે એવા શબ્દો વાપરવા યહોવા પાસે મદદ માંગો. સૌથી સારી રીતે આશ્વાસન આપવા આપણે બાઇબલનો ઉપયોગ કરવો જોઈએ.—હિબ્રૂ. ૪:૧૨.
૨૦. કડવા અનુભવને લીધે અમુકને કેવું લાગે છે? આપણે તેઓને શું યાદ કરાવવું જોઈએ?
૨૦ જેઓનું શોષણ થયું હોય એવાં ભાઈ-બહેનોને લાગે છે કે તેઓ ગંદા, નકામા છે. તેઓ પ્રેમ મેળવવાને લાયક નથી. એ તો જરાય સાચું નથી! બાઇબલની કલમોથી તેઓને અહેસાસ કરાવો કે તેઓ યહોવાની નજરે અનમોલ છે. (“ શાસ્ત્રમાંથી દિલાસો” બૉક્સ જુઓ.) યાદ કરો, દાનીયેલ જ્યારે નિરાશ થઈ ગયા ત્યારે દૂતે કેટલા પ્રેમથી તેમને હિંમત આપી હતી. દાનીયેલ યહોવાની નજરે કીમતી હતા. એ વાત દાનીયેલ જાણે, એવું યહોવા ચાહતા હતા. (દાની. ૧૦:૨, ૧૧, ૧૯) એવી જ રીતે, શોષણનો ભોગ બનેલાં ભાઈ-બહેનો યહોવાની નજરે કીમતી છે.
૨૧. પસ્તાવો ન કરનારા ખરાબ લોકોના કેવા હાલ થશે? આપણે શું કરતા રહેવું જોઈએ?
૨૧ બીજાઓને આશ્વાસન આપીએ છીએ ત્યારે, તેઓને યાદ કરાવીએ છીએ કે યહોવા તેઓને ખૂબ પ્રેમ કરે છે. આપણે કદી ન ભૂલીએ કે યહોવા ન્યાયી છે. ખરાબ કામ કરનારાઓ યહોવાના હાથમાંથી છટકી નહિ શકે. યહોવા બધું જ જુએ છે. પસ્તાવો ન કરનારા ખરાબ લોકોને યહોવા જરૂર શિક્ષા કરશે. (ગણ. ૧૪:૧૮) જુલમનો ભોગ બનેલાઓને પ્રેમ બતાવતા રહીએ. શેતાન અને તેની દુષ્ટ દુનિયાએ ઘણા લોકોને સતાવ્યા છે. યહોવા તેઓનાં દિલના ઘા હંમેશ માટે રુઝાવી દેશે. એ જાણીને આપણને કેટલી રાહત થાય છે! બહુ જલદી એ કડવી યાદો મનમાંથી કાયમ માટે ભૂંસાઈ જશે.—યશા. ૬૫:૧૭.
ગીત ૨૫ પ્રેમ છે ઈશ્વરની રીત
a જેઓનું બાળપણમાં જાતીય શોષણ થયું હોય, તેઓએ વર્ષો સુધી એની તકલીફો સહેવી પડે છે. એ વાત સમજવા આ લેખ આપણને મદદ કરશે. આપણે એ જોઈશું કે એવી વ્યક્તિઓને કોણ આશ્વાસન આપી શકે. તેઓને કઈ રીતે આશ્વાસન આપી શકાય એની પણ ચર્ચા કરીશું.
b શોષણને લીધે નિરાશામાં ડૂબેલી વ્યક્તિએ ડૉક્ટરની સલાહ લેવી કે નહિ, એ નિર્ણય વ્યક્તિએ પોતે લેવો જોઈએ.