કઈ રીતે ગાયસે ભાઈઓને મદદ કરી?
પ્રથમ સદીના છેલ્લાં અમુક વર્ષો દરમિયાન, ગાયસ અને બીજા ખ્રિસ્તીઓએ અમુક પડકારોનો સામનો કર્યો. અમુક લોકો જૂઠું શિક્ષણ ફેલાવીને મંડળમાં ભાગલા પાડવાની અને એને કમજોર બનાવવાની કોશિશ કરતા હતા. (૧ યોહા. ૨:૧૮, ૧૯; ૨ યોહા. ૭) દિયત્રેફેસ નામનો માણસ પ્રેરિત યોહાન અને બીજા ભાઈઓને “બદનામ કરવા ખોટી વાતો” ફેલાવતો હતો. (૩ યોહા. ૯, ૧૦) મુસાફરી કરતાં ભાઈ-બહેનોનો આવકાર કરવાનો તે નકાર કરતો અને બીજાઓને પણ એમ કરવા ઉશ્કેરતો. યોહાને ગાયસને પત્ર લખ્યો ત્યારે મંડળની હાલત એવી હતી. ઈ.સ. ૯૮માં પ્રેરિત યોહાને લખેલો એ પત્ર, ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનોમાં ‘યોહાનના ત્રીજા પત્ર’ તરીકે ઓળખાય છે.
પડકારો છતાં ગાયસ વફાદારીથી યહોવાની સેવા કરતા રહ્યા. તેમણે કઈ રીતે વફાદારી બતાવી? આજે આપણે શા માટે તેમના દાખલાને અનુસરવું જોઈએ? એમ કરવા યોહાનનો પત્ર આપણને કઈ રીતે મદદ કરે છે?
વહાલા મિત્રને પત્ર
ત્રીજા યોહાનના લેખક પોતાને “વડીલ” તરીકે સંબોધે છે. એ સંબોધન વાંચતા જ તેમના દીકરા સમાન ગાયસ સમજી ગયા હશે કે એ પ્રેરિત યોહાનનો પત્ર છે. યોહાને ગાયસને સંબોધતા કહ્યું: ‘વહાલો ગાયસ, જેને હું દિલથી ચાહું છું.’ પછી યોહાને આશા વ્યક્ત કરી કે, ગાયસ જેમ ભક્તિમાં મજબૂત છે, તેમ શારીરિક રીતે પણ મજબૂત હશે. કેટલું સરસ અને લાગણીભર્યું અભિવાદન!—૩ યોહા. ૧, ૨, ૪.
ગાયસ કદાચ મંડળના નિરીક્ષક હતા. જોકે, પત્રમાં એ વિશે કોઈ ઉલ્લેખ જોવા મળતો નથી. પત્રમાં યોહાને ગાયસની પ્રશંસા કરી હતી, કારણ કે તે અજાણ્યા ભાઈઓની પણ પરોણાગત કરતા હતા. ગાયસના એ ગુણને યોહાને વફાદારીની સાબિતી ગણી. એમ પણ, પરોણાગત બતાવવાને લીધે ઈશ્વરના સેવકો હંમેશાં બીજાઓ કરતાં અલગ તરી આવે છે.—ઉત. ૧૮:૧-૮; ૧ તિમો. ૩:૨; ૩ યોહા. ૫.
એવું લાગે છે કે, યોહાનના રહેઠાણ અને મંડળો વચ્ચે ભાઈઓની ઘણી અવરજવર રહેતી. યોહાને જે રીતે ગાયસને શાબાશી આપી, એનાથી સાબિત થાય છે કે, એ મુસાફર ભાઈ-બહેનો યોહાનને મળતા ત્યારે ગાયસના સારા વલણ વિશે જણાવતા હશે. આ રીતે યોહાનને મંડળના હાલચાલ જાણવા મળતા હશે.
મુસાફરી કરતાં ભાઈ-બહેનો ચોક્કસ ઈશ્વરભક્તો જોડે રોકાવાનું પસંદ કરતા હશે. કારણ કે, એ સમયે ધર્મશાળાઓની છાપ સારી ન હતી. એ અનૈતિક કામોનો અડ્ડો હતો. તેમ જ, ત્યાં સારી સેવા પ્રાપ્ય ન હતી. શક્ય હોય ત્યાં સુધી, સમજુ મુસાફરો પોતાના મિત્રો સાથે રહેતા; અને ખ્રિસ્તી મુસાફરો મંડળનાં ભાઈ-બહેનોનાં ઘરે રોકાતાં.
“ઈશ્વરના નામને લીધે તેઓ જાય છે”
યોહાને ગાયસને ફરીથી પરોણાગત બતાવવાનું ઉત્તેજન આપ્યું અને કહ્યું, “ઈશ્વર ખુશ થાય, એ રીતે તેઓની મુસાફરી માટે મદદ કરીને વિદાય આપજે.” આ કિસ્સામાં મહેમાનને વિદાય આપવાનો મતલબ હતો કે તેઓ આગળના મુકામે પહોંચે ત્યાં સુધીની મુસાફરીમાં જરૂરી બધી વસ્તુઓ પૂરી પાડવી. ભાઈ-બહેનોએ ગાયસના પ્રેમ અને શ્રદ્ધાનો સારો અહેવાલ યોહાનને આપ્યો હતો, જે બતાવે છે કે ગાયસે પહેલાં પણ મહેમાનોને પરોણાગત બતાવી હતી.—૩ યોહા. ૩, ૬.
એ મહેમાનો કદાચ મિશનરી, યોહાનના પ્રતિનિધિઓ અથવા પ્રવાસી નિરીક્ષકો હતા. ગમે એ હોય, પણ તેઓ ખુશખબરને લીધે મુસાફરી કરતા હતા. તેઓ વિશે યોહાને કહ્યું હતું: “ઈશ્વરના નામને લીધે તેઓ જાય છે.” (૩ યોહા. ૭) આગલી કલમમાં પણ યોહાને ઈશ્વરનો ઉલ્લેખ કર્યો છે. (કલમ ૬ જુઓ) તેથી, “ઈશ્વરના નામને લીધે” શબ્દો યહોવાના નામને રજૂ કરે છે. એટલે, એ ભાઈઓ મંડળનો ભાગ હતા અને સારો આવકાર મેળવવાને પાત્ર હતા. યોહાને કહ્યું હતું: “એવા ભાઈઓની મહેમાનગતિ કરવી આપણી ફરજ છે, જેથી આપણે સત્યમાં તેમની સાથે કામ કરનારા બની શકીએ.”—૩ યોહા. ૮.
અઘરા સંજોગોમાં મદદ
પત્ર દ્વારા યોહાન ગાયસનો આભાર માનવા અને એક ગંભીર સમસ્યાનો સામનો કરવા મદદ આપવા ચાહતા હતા. કોઈ કારણસર દિયત્રેફેસ, મુસાફરી કરતાં ભાઈ-બહેનોનો આવકાર ન કરતો. એટલું જ નહિ, તે બીજા ઈશ્વરભક્તોને પણ એમ કરતા રોકતો.—૩ યોહા. ૯, ૧૦.
એમાં કોઈ શંકા નથી કે, દિયત્રેફેસ સાથે રહેવાનું થયું હોત તોપણ વફાદાર ખ્રિસ્તીઓએ એ વિકલ્પ જતો કર્યો હોત. દિયત્રેફેસને મંડળમાં મુખ્ય થવું ગમતું. તેને યોહાન પાસેથી કંઈ માન ન મળ્યું. તે પ્રેરિતો અને બીજાઓને બદનામ કરવા ખોટી વાતો ફેલાવતો. ખરું કે, યોહાને તેને જૂઠો શિક્ષક નથી કહ્યો, પણ તે પ્રેરિતોના અધિકારનો વિરોધ કરતો. માન-મોભો મેળવવાની લાલસા અને ખોટા વલણને લીધે દિયત્રેફેસની વફાદારી પર પ્રશ્નાર્થ ચિહ્ન લાગી ગયું. દિયત્રેફેસનો કિસ્સો બતાવે છે કે, મહત્ત્વાકાંક્ષી અને ઘમંડી વ્યક્તિઓની ખોટી અસરને લીધે મંડળમાં ફૂટ પડી શકે છે. તેથી, યોહાને ગાયસને ચેતવણી આપી, જે આજે આપણને પણ લાગુ પડે છે: ‘જે ખરાબ છે એના પગલે ન ચાલજે.’—૩ યોહા. ૧૧.
સારું કરવા માટેનું જોરદાર કારણ
દિયત્રેફેસે સારો દાખલો ન બેસાડ્યો. પણ, દેમેત્રિયસ નામના ઈશ્વરભક્તે સુંદર દાખલો બેસાડ્યો. યોહાને તેમનો ઉલ્લેખ કરતા લખ્યું: “તેઓ બધા દેમેત્રિયસ વિશે સારું બોલે છે . . . હકીકતમાં, અમે પણ તેના વિશે સાક્ષી આપીએ છીએ અને તું જાણે છે કે અમે આપેલી સાક્ષી સાચી છે.” (૩ યોહા. ૧૨) કદાચ દેમેત્રિયસને ગાયસની મદદની જરૂર હતી અને એટલે યોહાને દેમેત્રિયસની ઓળખાણ આપવા અને ભલામણ કરવા પત્ર લખ્યો હતો. દેમેત્રિયસે પોતાના હાથે એ પત્ર ગાયસને આપ્યો હોય શકે. યોહાનના પ્રતિનિધિ અથવા તો પ્રવાસી નિરીક્ષક તરીકે દેમેત્રિયસે પત્રમાં લખેલી વાતો પર ભાર મૂક્યો હશે.
ગાયસ સારી પરોણાગત બતાવી રહ્યા હતા, તો પછી યોહાને શા માટે તેમને એમ કરતા રહેવાની અરજ કરી? શું ગાયસને ઉત્તેજનની જરૂર હતી? કે પછી, યોહાનને ચિંતા હતી કે, દિયત્રેફેસના ડરને લીધે ગાયસ પરોણાગત બતાવતા અચકાતા હશે? કારણ કે, જેઓ પરોણાગત બતાવતા હતા, તેઓને દિયત્રેફેસ મંડળમાંથી તગેડી મૂકવાનો પ્રયત્ન કરતો હતો. ગમે એ કારણ હોય, યોહાને ગાયસને ઉત્તેજન આપ્યું કે, “જે સારું કરે છે એ ઈશ્વર પાસેથી છે.” (૩ યોહા. ૧૧) સારું કરતા રહેવાનું એ જોરદાર કારણ છે, ખરું ને?
શું યોહાનના પત્રથી ગાયસને પરોણાગત બતાવતા રહેવા ઉત્તેજન મળ્યું? હા, એમ કહી શકાય. કારણ કે, યોહાનના ત્રીજા પત્રને બાઇબલમાં સામેલ કરવામાં આવ્યો છે અને સેંકડો લોકોને એનાથી “જે સારું છે એના પગલે” ચાલતા રહેવા ઉત્તેજન મળ્યું છે.
યોહાનના ત્રીજા પત્રમાંથી બોધપાઠ
પ્રથમ સદીના આપણા વહાલા ભાઈ ગાયસ વિશે બહુ કંઈ નોંધવામાં નથી આવ્યું. પણ તેમના જીવનમાં ડોકિયું કરવાથી આપણને અનેક બોધપાઠ શીખવા મળે છે.
પહેલો, આપણને સત્યનું જે જ્ઞાન મળ્યું છે, એનો શ્રેય એ ઈશ્વરભક્તોને જાય છે, જેઓએ સત્ય શીખવવા દૂર દૂર સુધી મુસાફરી કરી હતી. ખરું કે, આજે મંડળના બધા સભ્યો ખુશખબર ફેલાવવા દૂર દૂર મુસાફરી કરતા નથી. જોકે, ગાયસની જેમ આપણે એ ભાઈ-બહેનોને કોઈક રીતે ટેકો અને ઉત્તેજન આપી શકીએ, જેઓ ખુશખબર ફેલાવવા ઘણી મુસાફરી કરે છે. જેમ કે, સરકીટ નિરીક્ષક અને તેમના પત્ની. આપણે એવાં ભાઈ-બહેનોને વ્યવહારુ મદદ આપી શકીએ, જેઓ પોતાના દેશમાં અથવા વધુ જરૂર છે એ દેશમાં જઈને સેવા આપે છે. ચાલો આપણે “પરોણાગત બતાવતા” રહીએ.—રોમ. ૧૨:૧૩; ૧ તિમો. ૫:૯, ૧૦.
બીજો, મંડળમાં કોઈના અધિકાર સામે પડકાર ફેંકવામાં આવે ત્યારે આપણને નવાઈ ન લાગવી જોઈએ. મંડળમાં એવા કિસ્સા ક્યારેક જ બનતા હોય છે. યાદ રાખો, યોહાન અને પાઊલ બંનેના અધિકાર સામે આંગળી ચીંધવામાં આવી હતી. (૨ કોરીં. ૧૦:૭-૧૨; ૧૨:૧૧-૧૩) જો મંડળમાં આવું કંઈક બને, તો આપણે કેવું વલણ બતાવવું જોઈએ? પાઊલે તિમોથીને સલાહ આપી હતી: “પ્રભુના દાસે લડવાની જરૂર નથી, પણ તેણે બધાની સાથે નરમાશથી વર્તવું જોઈએ, શીખવવાની આવડત કેળવવી જોઈએ, અન્યાય થાય ત્યારે પોતાના પર કાબૂ રાખવો જોઈએ.” ઉશ્કેરવામાં આવે છતાં આપણે શાંત રહીશું તો, ટીકા કરનારા અમુકનું દિલ કદાચ ધીરે ધીરે પીગળી જશે. “કદાચ એવું બને કે ઈશ્વર [યહોવા] તેઓને પસ્તાવો કરવાની તક આપે, જેથી તેઓ સત્યનું ચોકસાઈભર્યું જ્ઞાન મેળવે.”—૨ તિમો. ૨:૨૪, ૨૫.
ત્રીજો, સતાવણી છતાં જેઓ વફાદારીથી યહોવાની સેવા કરે છે, એવાં ભાઈ-બહેનોની આપણે કદર અને પ્રશંસા કરવી જોઈએ. પ્રેરિત યોહાને ચોક્કસ ગાયસને ઉત્તેજન આપ્યું હશે અને ખાતરી કરાવી હશે કે તે સારું કરી રહ્યા છે. એવી જ રીતે, મંડળના વડીલો યોહાનના સુંદર દાખલાને અનુસરીને ભાઈ-બહેનોને ઉત્તેજન આપી શકે, જેથી તેઓ ‘થાકી ન જાય.’—યશા. ૪૦:૩૧; ૧ થેસ્સા. ૫:૧૧.
પ્રેરિત યોહાને ગાયસને લખેલો પત્ર બાઇબલનું સૌથી નાનું પુસ્તક છે. મૂળ ગ્રીકમાં એમાં ૨૧૯ જ શબ્દો હતા. તેમ છતાં, આજના ખ્રિસ્તીઓ માટે એ પત્ર અનમોલ છે.