સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૧૦

યહોવા માટેનાં પ્રેમ અને કદર તમને બાપ્તિસ્મા લેવા મદદ કરશે

યહોવા માટેનાં પ્રેમ અને કદર તમને બાપ્તિસ્મા લેવા મદદ કરશે

“બાપ્તિસ્મા લેતા મને શું રોકે છે?”​—પ્રે.કા. ૮:૩૬.

ગીત ૧૦ હું હાજર છું તારા માટે

ઝલક a

૧-૨. ઇથિયોપિયાના અધિકારીને બાપ્તિસ્મા લેવાનું ઉત્તેજન ક્યાંથી મળ્યું?

 શું તમે બાપ્તિસ્મા લઈને ઈસુના શિષ્ય બનવા માંગો છો? પ્રેમ અને કદરને લીધે અમુક લોકોએ બાપ્તિસ્મા લેવાનો નિર્ણય લીધો છે. ચાલો એક અધિકારીના દાખલાની ચર્ચા કરીએ, જે ઇથિયોપિયાની રાણી માટે કામ કરતો હતો.

એ અધિકારીને શાસ્ત્રમાંથી જાણવા મળ્યું કે બાપ્તિસ્મા લેવું જોઈએ. એટલે તેણે તરત જ એમ કર્યું. (પ્રેરિતોનાં કાર્યો ૮:૨૭-૩૧, ૩૫-૩૮ વાંચો.) તેને ક્યાંથી ઉત્તેજન મળ્યું? તે શાસ્ત્રની કદર કરતો હતો. યરૂશાલેમથી ઇથિયોપિયા જતી વખતે તે રથમાં બેસીને યશાયાનું પુસ્તક વાંચી રહ્યો હતો. એ સમયે ફિલિપે તેને શાસ્ત્રમાંથી સમજાવ્યું. એનાથી તેનું દિલ ઈસુ માટે કદરથી ઊભરાઈ ગયું. પણ શા માટે એ અધિકારી યરૂશાલેમ ગયો હતો? કારણ કે તેણે પોતાના દિલમાં યહોવા માટે પ્રેમ કેળવ્યો હતો. એ શા પરથી કહી શકાય? કદાચ તેણે પોતાનો ધર્મ છોડી દીધો હશે. યહુદીઓ સાથે તે સાચા ઈશ્વર યહોવાની ભક્તિ કરવા ગયો હતો. કારણ કે યહોવાએ યહુદીઓને પોતાની પ્રજા તરીકે પસંદ કર્યા હતા. યહોવા માટે પ્રેમ હોવાથી તેણે બીજો એક મહત્ત્વનો નિર્ણય લીધો. તે બાપ્તિસ્મા લઈને ઈસુનો શિષ્ય બન્યો.—માથ. ૨૮:૧૯.

૩. વ્યક્તિને બાપ્તિસ્મા લેતા કઈ બાબતો રોકી શકે? (“ તમારું દિલ કેવી જમીન જેવું છે?”બૉક્સ જુઓ.)

યહોવા માટેનો પ્રેમ તમને બાપ્તિસ્મા લેવા મદદ કરશે. પરંતુ બીજી અમુક બાબતો માટેનો પ્રેમ તમને બાપ્તિસ્મા લેતા રોકી પણ શકે છે. કઈ રીતે? ચાલો આનો વિચાર કરો: તમે તમારાં સગાં-વહાલાં અને મિત્રોને ખૂબ પ્રેમ કરો છો. તેઓ યહોવાના સાક્ષીઓ નથી. તમને ચિંતા થાય કે બાપ્તિસ્મા લીધા પછી તેઓ તમને નફરત કરશે. (માથ. ૧૦:૩૭) અથવા તમને કદાચ એવી ખરાબ આદતો છે, જે ઈશ્વરને પસંદ નથી. તમને એ આદતો છોડવી અઘરું લાગે છે. (ગીત. ૯૭:૧૦) તમે નાનપણથી એવાં રીત-રિવાજો પાળતા હશો, જે જૂઠા ધર્મો સાથે જોડાયેલાં હશે. એની સાથે તમારી મીઠી યાદો જોડાયેલી હશે. એટલે યહોવાને નારાજ કરતા રિવાજો છોડવા તમને અઘરું લાગી શકે. (૧ કોરીં. ૧૦:૨૦, ૨૧) તમારે આ નક્કી કરવું પડશે: “હું સૌથી વધારે કોને પ્રેમ કરું છું?”

તમે સૌથી વધારે કોને પ્રેમ કરો છો?

૪. બાપ્તિસ્મા લેવા પાછળનું સૌથી મહત્ત્વનું કારણ શું છે?

તમને ઘણી બાબતો ગમતી હશે. જેમ કે, યહોવાના સાક્ષીઓ સાથે બાઇબલ અભ્યાસ શરૂ કર્યો, એ પહેલાંથી જ તમને ઈશ્વર અને તેમનાં કામો વિશે જાણવાનું ગમતું હશે. સાક્ષીઓને મળ્યા પછી તેઓની સાથે હળવું-મળવું પણ તમને ગમતું હશે. પણ ફક્ત એટલી બાબતોને લીધે તમે યહોવાને સમર્પણ કરવા પ્રેરાતા નથી. તમારા દિલમાં યહોવા માટે પ્રેમ હશે તો જ તમે યહોવાને સમર્પણ કરશો અને બાપ્તિસ્મા લેશો. જો તમે સૌથી વધારે યહોવાને પ્રેમ કરતા હશો, તો કોઈ પણ બાબતને તેમની ભક્તિને આડે આવવા નહિ દો. અરે, કોઈ વ્યક્તિ પણ તમને એમ કરતા રોકી શકશે નહિ. યહોવા માટેનો પ્રેમ તમને બાપ્તિસ્મા લેવા મદદ કરશે. એટલું જ નહિ, બાપ્તિસ્મા લીધા પછી પણ યહોવાને વફાદાર રહેવા મદદ કરશે.

૫. આ લેખમાં આપણે કયા સવાલોની ચર્ચા કરીશું?

ઈસુએ કહ્યું હતું તેમ, આપણે પૂરા દિલથી, પૂરા જીવથી, પૂરા મનથી અને પૂરા બળથી ઈશ્વર યહોવાને પ્રેમ કરવો જોઈએ. (માર્ક ૧૨:૩૦) તમે યહોવા માટે પ્રેમ અને માન કઈ રીતે બતાવી શકો? યહોવા તમને કેટલો પ્રેમ કરે છે, એનો વિચાર કરવાથી તેમના માટેનો પ્રેમ વધશે. (૧ યોહા. ૪:૧૯) યહોવા માટે પ્રેમ હશે તો વ્યક્તિના દિલમાં કેવી લાગણી થશે અને તે કેવાં કામો કરશે? ચાલો એ વિશે આ લેખમાં જોઈએ. b

૬. રોમનો ૧:૨૦માં જણાવ્યા પ્રમાણે કઈ એક રીતે યહોવા વિશે વધારે જાણી શકાય છે?

યહોવાએ બનાવેલી સૃષ્ટિમાંથી તેમના વિશે શીખો. (રોમનો ૧:૨૦ વાંચો; પ્રકટી. ૪:૧૧) ઝાડ-પાન અને પશુ-પક્ષીઓને ધ્યાનથી જુઓ. આપણા શરીરની અદ્‍ભુત રચનાનો વિચાર કરો. (ગીત. ૧૩૯:૧૪) એ જોઈને જાણવા મળશે કે યહોવાની બુદ્ધિનો કોઈ પાર નથી. યહોવાએ બનાવેલા સૂરજને જુઓ. એમાં કેટલી પ્રચંડ ઉર્જા છે! અરે, એવા તો અસંખ્ય તારા છે. c (યશા. ૪૦:૨૬) સૃષ્ટિ પર મનન કરવાથી યહોવા માટે તમારા દિલમાં માન વધશે. યહોવા કેટલા બુદ્ધિશાળી અને શક્તિશાળી છે, એ જાણવાથી તેમની સાથે સારો સંબંધ કેળવી શકાય છે. પણ યહોવા માટેનો પ્રેમ મજબૂત કરવા તેમના વિશે વધુ જાણવું જોઈએ.

૭. યહોવા માટે પ્રેમ વધે માટે તમને શાની ખાતરી હોવી જોઈએ?

તમને ખાતરી હોવી જોઈએ કે યહોવા તમને પ્રેમ કરે છે. યહોવાએ આખી સૃષ્ટિ બનાવી છે અને તે તમારી કાળજી રાખે છે. શું તમને એ માનવું અઘરું લાગે છે? એમ હોય તો યાદ કરો કે બાઇબલમાં લખ્યું છે કે યહોવા “આપણામાંના કોઈથી દૂર નથી.” (પ્રે.કા. ૧૭:૨૬-૨૮) વધુમાં, “યહોવા સર્વના અંતઃકરણોને તપાસે છે.” બાઇબલમાં વચન આપ્યું છે, જો આપણે તેમને શોધીશું તો તે આપણને મળશે. (૧ કાળ. ૨૮:૯) તમે બાઇબલ અભ્યાસ કરી રહ્યા છો કેમ કે ‘પિતા તમને દોરી લાવ્યા છે.’ (યોહા. ૬:૪૪) યહોવાએ તમારા માટે જે કર્યું છે એની કદર કરતા જશો તેમ તેમના માટે તમારો પ્રેમ વધશે.

૮. યહોવાના પ્રેમની કદર કરવાની એક રીત કઈ છે?

યહોવાના પ્રેમની કદર કરવાની એક રીત છે, પ્રાર્થનામાં તેમની સાથે વાત કરો. પ્રાર્થનામાં તેમને તમારી લાગણીઓ જણાવો. તે તમારા માટે જે કરે છે એનો આભાર માનો. યહોવા તમારી પ્રાર્થનાઓનો જે રીતે જવાબ આપે છે, એ જોઈને તેમની સાથેનો તમારો સંબંધ મજબૂત થશે. (ગીત. ૧૧૬:૧) તે તમારી લાગણીઓ સમજે છે એવી તમને ખાતરી મળશે. પણ યહોવાની નજીક જવા તેમની પસંદ-નાપસંદ અને તેમનાં કામો વિશે જાણવું જોઈએ. એ પણ જાણવું જોઈએ કે તે આપણી પાસેથી શું ચાહે છે. એ બધું જાણવા માટે આપણે બાઇબલનો અભ્યાસ કરવો જોઈએ.

બાઇબલનો અભ્યાસ કરવાથી ખબર પડશે કે આપણે ઈશ્વરની નજીક કઈ રીતે જઈ શકીએ અને તે આપણી પાસેથી શું ચાહે છે (ફકરો ૯ જુઓ) d

૯. બાઇબલ માટે કદર બતાવવા તમે શું કરશો?

બાઇબલ માટે કદર બતાવવાનું શીખો. યહોવા અને તેમના હેતુ વિશે ફક્ત બાઇબલમાંથી જ જાણી શકાય છે. દરરોજ બાઇબલ વાંચો. દર અઠવાડિયે બાઇબલ અભ્યાસની તૈયારી કરો. જે શીખો છો એને લાગુ પાડો. એમ કરીને તમે બાઇબલ માટે કદર બતાવો છો. (ગીત. ૧૧૯:૯૭, ૯૯; યોહા. ૧૭:૧૭) શું તમે દરરોજ બાઇબલ વાંચવાનું નક્કી કર્યું છે? શું તમે એ પ્રમાણે કરો છો?

૧૦. બાઇબલ કઈ રીતે અજોડ છે?

૧૦ બાઇબલ એક રીતે અજોડ છે. એમાં ઈસુ વિશે અહેવાલો આપ્યા છે. એના લેખકોએ જે લખ્યું એ પોતાની નજરે જોયું હતું. ઈસુએ માણસજાત માટે જે કર્યું એની સાચી માહિતી બાઇબલમાં લખવામાં આવી છે. ઈસુએ જે કર્યું અને કહ્યું એ શીખતા જશો તેમ તેમની સાથે નજીકનો સંબંધ કેળવી શકશો.

૧૧. યહોવા માટે પ્રેમ બતાવવાનું કઈ રીતે શીખી શકો?

૧૧ ઈસુ માટે પ્રેમ બતાવવાનું શીખશો તેમ યહોવા માટે તમારો પ્રેમ વધતો જશે. ઈસુ પૃથ્વી પર હતા ત્યારે તેમણે પિતા યહોવા જેવા જ ગુણો બતાવ્યા હતા. (યોહા. ૧૪:૯) તમે જેટલું વધારે ઈસુ વિશે શીખશો, એટલું વધારે યહોવાને ઓળખી શકશો. તેમના માટે તમારી કદર પણ વધશે. ઈસુનો વિચાર કરો. ગરીબ, બીમાર અને લાચાર લોકોની સમાજમાં કોઈ કિંમત ન હતી. પણ ઈસુએ એવા લોકો પર દયા બતાવી. ઈસુએ આપેલી સલાહનો પણ વિચાર કરો. એ સલાહ પાળવાથી તમે જીવનમાં સુધારો કરી શકો છો.—માથ. ૫:૧-૧૧; ૭:૨૪-૨૭.

૧૨. ઈસુ વિશે શીખ્યા પછી તમે શું કરશો?

૧૨ ઈસુએ માણસજાત માટે પોતાનું બલિદાન આપ્યું, જેથી પાપોની માફી મળે. એ વાત પર મનન કરવાથી ઈસુ માટે તમારો પ્રેમ વધતો જશે. (માથ. ૨૦:૨૮) ઈસુએ ખુશીથી તમારા માટે પોતાનો જીવ આપી દીધો. એ વિશે શીખ્યા પછી તમે પસ્તાવો કરવા અને યહોવા પાસે માફી માંગવા પ્રેરાશો. (પ્રે.કા. ૩:૧૯, ૨૦; ૧ યોહા. ૧:૯) ઈસુ અને યહોવા માટેનો પ્રેમ વધતો જશે તેમ, તમને એવા લોકોને મિત્રો બનાવવાનું ગમશે જેઓ ઈસુ અને યહોવાને પ્રેમ કરે છે.

૧૩. યહોવા તમને કઈ રીતે મદદ કરે છે?

૧૩ યહોવાના ભક્તોને પ્રેમ કરો. સગાઓ અને મિત્રો કદાચ સમજી ન શકે કે, તમે કેમ યહોવાને સમર્પણ કરવા માંગો છો. તેઓ કદાચ તમારો વિરોધ કરે પણ હિંમત રાખજો. યહોવા મંડળનાં ભાઈ-બહેનો દ્વારા તમને મદદ કરે છે. તેઓની નજીક રહેવાથી તમને પ્રેમ અને હૂંફ મળે છે. (માર્ક ૧૦:૨૯, ૩૦; હિબ્રૂ. ૧૦:૨૪, ૨૫) સમય જતાં કદાચ એવું બને કે તમારાં સગાં અને મિત્રો પણ યહોવાના ભક્તો બને અને તેમનાં ધોરણો પ્રમાણે ચાલે.—૧ પીત. ૨:૧૨.

૧૪. યહોવાનાં ધોરણો વિશે તમને શું જાણવા મળ્યું?

૧૪ યહોવાનાં ધોરણોની કદર કરો અને લાગુ પાડો. યહોવા વિશે જાણ્યા પહેલાં તમે પોતાના માટે ખરું-ખોટું જાતે નક્કી કરતા હશો. પણ હવે તમે જોઈ શકો છો કે યહોવાનાં ધોરણો સૌથી સારાં છે. (ગીત. ૧:૧-૩; ૧ યોહાન ૫:૩ વાંચો.) પતિ-પત્ની, માબાપ અને બાળકો માટે યહોવાએ બાઇબલમાં જે સલાહ આપી છે એનો વિચાર કરો. (એફે. ૫:૨૨–૬:૪) શું એ સલાહ પાળવાથી તમારું કુટુંબ સુખી છે? યહોવાના માર્ગદર્શન પ્રમાણે મિત્રો પસંદ કરવાથી શું તમે સારી આદતો કેળવી શક્યા છો? શું તમે સુખી છો? (નીતિ. ૧૩:૨૦; ૧ કોરીં. ૧૫:૩૩) ચોક્કસ એ બધા સવાલોના જવાબમાં તમે હા કહેશો, ખરું ને!

૧૫. બાઇબલ સિદ્ધાંતો લાગુ પાડવા તમને ક્યાંથી મદદ મળશે?

૧૫ અમુક વાર તમને એ ન સમજાય કે બાઇબલના સિદ્ધાંતો કઈ રીતે લાગુ પાડવા જોઈએ. એટલે યહોવાનું સંગઠન બાઇબલ આધારિત સાહિત્ય બહાર પાડે છે. એની મદદથી તમે ખરાં-ખોટાંનો ભેદ પારખી શકો છો. (હિબ્રૂ. ૫:૧૩, ૧૪) એ સાહિત્યનો અભ્યાસ કરવાથી તમે યહોવાનાં ધોરણો પ્રમાણે ચાલવાનું શીખી શકશો. એ પણ જોઈ શકશો કે એનાથી કેટલો ફાયદો થાય છે. એ બધી મદદ મેળવીને તમે પણ સંગઠનનો ભાગ બનવા પ્રેરાશો.

૧૬. યહોવાએ પોતાના લોકો માટે કઈ ગોઠવણ કરી છે?

૧૬ યહોવાના સંગઠન માટે પ્રેમ બતાવો અને સાથ-સહકાર આપો. યહોવાએ પોતાના લોકો માટે મંડળોની ગોઠવણ કરી છે. તેમણે પોતાના દીકરા ઈસુને એ બધાં મંડળના શિર બનાવ્યા છે. (એફે. ૧:૨૨; ૫:૨૩) આજે તેમના કામની દેખરેખ માટે ઈસુએ “વિશ્વાસુ અને સમજુ ચાકર” નીમ્યો છે. (માથ. ૨૪:૪૫-૪૭) એ ચાકર અમુક અભિષિક્ત ભાઈઓથી બનેલો છે. ઈસુએ તેઓને મોટી જવાબદારી સોંપી છે. તેઓની મદદથી તમે યહોવાની નજીક જઈ શકો છો અને યહોવા સાથેના તમારા સંબંધનું રક્ષણ થાય છે. જેમ કે, તેઓએ આપણી દેખરેખ રાખવા વડીલો નીમ્યા છે. (યશા. ૩૨:૧, ૨; હિબ્રૂ. ૧૩:૧૭; ૧ પીત. ૫:૨, ૩) આપણે યહોવાની નજીક જઈ શકીએ અને આપણને ઉત્તેજન મળે માટે વડીલો પોતાનું દિલ રેડી દે છે. તેઓ તમને એક મહત્ત્વના કામમાં મદદ કરે છે. એ છે, બીજાઓને યહોવા વિશે શીખવવાનું કામ.—એફે. ૪:૧૧-૧૩.

૧૭. રોમનો ૧૦:૧૦, ૧૩, ૧૪ પ્રમાણે શા માટે આપણે બીજાઓને યહોવા વિશે જણાવવી છીએ?

૧૭ યહોવાને પ્રેમ કરવા બીજાઓને મદદ કરો. ઈસુએ પોતાના શિષ્યોને આજ્ઞા આપી હતી કે લોકોને યહોવા વિશે શીખવે. (માથ. ૨૮:૧૯, ૨૦) આપણે એ આજ્ઞા પાળવા ખાતર નથી પાળતા. પણ આપણા દિલમાં યહોવા માટે પ્રેમ વધતો જશે તેમ, આપણને પણ પ્રેરિત પીતર અને પ્રેરિત યોહાન જેવું લાગશે. તેઓએ કહ્યું હતું, “અમે જે જોયું અને સાંભળ્યું છે, એ વિશે અમે ચૂપ રહી શકતા નથી.” (પ્રે.કા. ૪:૨૦) આપણી મદદથી બીજા લોકો યહોવાને પ્રેમ કરવા લાગે ત્યારે આપણને ઘણી ખુશી થાય છે. ફિલિપે ઇથિયોપિયાના અધિકારીને શાસ્ત્રમાંથી સમજાવ્યું અને તેણે બાપ્તિસ્મા લીધું ત્યારે ફિલિપને ઘણી ખુશી થઈ હશે! ફિલિપની જેમ બીજાઓને પ્રચાર કરશો તો દેખાય આવશે કે તમે યહોવાના સાક્ષી બનવા માંગો છો. (રોમનો ૧૦:૧૦, ૧૩, ૧૪ વાંચો.) એવો સમય આવશે જ્યારે તમે પણ ઇથિયોપિયાના અધિકારીની જેમ કહેશો, “બાપ્તિસ્મા લેતા મને શું રોકે છે?”—પ્રે.કા. ૮:૩૬.

૧૮. આવતા લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?

૧૮ બાપ્તિસ્મા લેવાનો નિર્ણય તમારા જીવનનો સૌથી મહત્ત્વનો નિર્ણય હશે. એટલે પહેલા વિચારવું જોઈએ કે એનો શો અર્થ થાય. બાપ્તિસ્મા વિશે તમારે શું જાણવું જોઈએ? બાપ્તિસ્મા પહેલા અને પછી તમારે શું કરવું જોઈએ? આવતા લેખમાં એની ચર્ચા કરીશું.

ગીત ૧૩૮ યહોવા તારું નામ

a અમુક લોકો યહોવાને પ્રેમ તો કરે છે. પણ તેઓને લાગે છે કે બાપ્તિસ્મા લઈને યહોવાના સાક્ષી બનવા તેઓ હજુ તૈયાર નથી. જો તમને એવું લાગતું હોય તો આ લેખમાં જણાવેલાં અમુક સૂચનોથી તમને બાપ્તિસ્મા લેવા મદદ મળશે.

b દરેક વ્યક્તિ અલગ અલગ હોય છે. એટલે આ લેખમાં આપેલાં સૂચનો એ જ ક્રમમાં પાળવા જરૂરી નથી.

c સૃષ્ટિ વિશે વધારે જાણવા આ પુસ્તિકાઓ વાંચો: વોઝ લાઈફ ક્રિએટેડ? અને ધી ઓરિજિન ઓફ લાઈફ—ફાઇવ ક્વેશ્ચન્સ વર્થ આસ્કીંગ.

d ચિત્રની સમજ પાન ૫: ખરીદી કરતી વખતે બહેન એક છોકરીને પત્રિકા આપે છે.