અભ્યાસ લેખ ૯
ઈસુની જેમ બીજાઓને મદદ કરીએ
“લેવા કરતાં આપવામાં વધારે ખુશી છે.”—પ્રે.કા. ૨૦:૩૫.
ગીત ૨૫ પ્રેમ છે ઈશ્વરની રીત
ઝલક a
૧. યહોવાના લોકો આજે કેવાં કામ કરે છે?
વર્ષો પહેલાં બાઇબલમાં એક ભવિષ્યવાણી કરવામાં આવી હતી. યહોવાના લોકો તેમની ભક્તિ કરવા “ખુશીથી” આગળ આવશે અને તેઓ ઈસુના માર્ગદર્શન પ્રમાણે ચાલીને એવું કરશે. (ગીત. ૧૧૦:૩) આજે એ ભવિષ્યવાણી પૂરી થઈ રહી છે. દર વર્ષે યહોવાના ભક્તો પૂરા ઉત્સાહથી ખુશખબર ફેલાવવામાં લાખો ને લાખો કલાકો વિતાવે છે. એ માટે તેઓને કંઈ પૈસા મળતા નથી. તેઓ તો પોતાની મરજીથી એ કામ કરે છે. તેઓ ભાઈ-બહેનોને મદદ કરવા, ઉત્તેજન આપવા અને શ્રદ્ધા વધારવા સમય આપે છે. વડીલો અને સહાયક સેવકો સભાની તૈયારી કરવામાં અને ભાઈ-બહેનોને મળીને ઉત્તેજન આપવામાં ઘણા કલાકો કાઢે છે. યહોવાના ભક્તો કેમ એ બધાં કામ માટે રાત-દિવસ એક કરે છે? કેમ કે તેઓ યહોવાને અને લોકોને ખૂબ પ્રેમ કરે છે.—માથ. ૨૨:૩૭-૩૯.
૨. રોમનો ૧૫:૧-૩ પ્રમાણે ઈસુએ આપણા માટે કયો દાખલો બેસાડ્યો?
૨ ઈસુએ આપણા માટે સૌથી સારો દાખલો બેસાડ્યો છે. તેમણે હંમેશાં બીજાઓની ભલાઈનો પહેલા વિચાર કર્યો. તેમના પગલે ચાલવા આપણે બનતું બધું કરીએ છીએ. (રોમનો ૧૫:૧-૩ વાંચો.) એમ કરવાથી આપણને ઘણા ફાયદા થશે. ઈસુએ કહ્યું હતું કે “લેવા કરતાં આપવામાં વધારે ખુશી છે.”—પ્રે.કા. ૨૦:૩૫.
૩. આ લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?
૩ આ લેખમાં આપણે ચર્ચા કરીશું કે બીજાઓને મદદ કરવા ઈસુએ શું કર્યું અને આપણે કઈ રીતે તેમને અનુસરી શકીએ. એ પણ જોઈશું કે બીજાઓને મદદ કરવા હજુ વધારે શું કરી શકીએ.
ઈસુને પગલે ચાલીએ
૪. ઈસુએ કઈ રીતે પોતાના કરતાં બીજાઓની વધારે ચિંતા કરી?
૪ ઈસુ થાકેલા હતા તોપણ બીજાઓને મદદ કરી. એકવાર ઈસુ પહાડી વિસ્તારમાં હતા, જે કદાચ કાપરનાહુમ નજીક હતો. તેમણે ત્યાં આખી રાત પ્રાર્થનામાં વિતાવી હતી. આપણે સમજી શકીએ કે બીજા દિવસે તે ઘણા થાકી ગયા હશે. પણ લોકોનું મોટું ટોળું તેમને મળવા આવ્યું ત્યારે તેમણે શું કર્યું? ગરીબ અને બીમાર લોકોને જોઈને તેમને દયા આવી. તેમણે તેઓને સાજા કર્યા. એટલું જ નહિ તેમણે સૌથી જોરદાર પ્રવચન આપ્યું. એ પ્રવચનને આપણે પહાડ પરના ઉપદેશ તરીકે ઓળખીએ છીએ.—લૂક ૬:૧૨-૨૦.
૫. કુટુંબના શિર કઈ રીતે ઈસુને પગલે ચાલે છે?
૫ કુટુંબના શિર પ્રયત્ન કરે છે કે તેઓ ઈસુને પગલે ચાલે. આનો વિચાર કરો: એક ભાઈ આખો દિવસ કામ કરીને થાકેલા-પાકેલા ઘરે આવે છે. તે વિચારે છે, ‘આજે તો મારાથી કુટુંબ તરીકેની ભક્તિ નહિ થાય.’ પણ પછી તે યહોવા પાસે તાકાત માંગે છે. યહોવા તેમની પ્રાર્થના સાંભળે છે અને તેઓનું કુટુંબ ભક્તિ કરવાનું ચૂકતું નથી. દર અઠવાડિયાની જેમ આ વખતે પણ તેઓ અભ્યાસ કરે છે. એ દિવસે બાળકો એક મહત્ત્વની વાત શીખે છે. તેઓ શીખે છે કે મમ્મી-પપ્પા માટે યહોવાની ભક્તિ જીવનમાં સૌથી પહેલી છે.
૬. ઈસુએ કઈ રીતે બીજાઓ માટે સમય કાઢ્યો?
૬ ઈસુએ બીજાઓ માટે સમય કાઢ્યો. ઈસુના દોસ્ત, બાપ્તિસ્મા આપનાર યોહાનને મારી નાખવામાં આવ્યા. જરા વિચારો, ઈસુને કેટલું દુઃખ થયું હશે. બાઇબલમાં જણાવ્યું છે, “એ સાંભળીને ઈસુ ત્યાંથી હોડીમાં એવી જગ્યાએ ગયા, જ્યાં એકલા રહી શકે.” (માથ. ૧૪:૧૦-૧૩) સમજી શકાય કે ઈસુ કેમ એકલા રહેવા માંગતા હતા. આજે પણ અમુક લોકો શોકમાં હોય ત્યારે એકલા રહેવાનું પસંદ કરે છે. પણ ઈસુ એવું કરી ન શક્યા. તે એકાંત જગ્યાએ પહોંચે એ પહેલાં લોકોનું મોટું ટોળું ત્યાં પહોંચી ગયું. ઈસુએ શું કર્યું? તેમણે ટોળાનો વિચાર કર્યો. “ઈસુનું હૈયું કરુણાથી ભરાઈ આવ્યું.” તે જોઈ શકતા હતા કે લોકોને ઈશ્વર તરફથી મદદ અને દિલાસાની જરૂર છે. એટલે ઈસુએ એમાં જરાય મોડું કર્યું નહિ. “તે તેઓને [થોડી વાતો નહિ, પણ] ઘણી વાતો શીખવવા લાગ્યા.”—માર્ક ૬:૩૧-૩૪; લૂક ૯:૧૦, ૧૧.
૭-૮. વડીલો કઈ રીતે ઈસુને પગલે ચાલે છે?
૭ પ્રેમાળ વડીલો ઈસુને પગલે ચાલે છે. વડીલો આપણા માટે ઘણું કરે છે. એ માટે આપણે તેઓની ખૂબ કદર કરીએ છીએ. તેઓ પડદા પાછળ ઘણી મહેનત કરે છે, જે વિશે મંડળનાં ભાઈ-બહેનોને ખબર હોતી નથી. દાખલા તરીકે, કોઈ ભાઈ કે બહેનને અચાનક સારવારને લગતી મુશ્કેલી ઊભી થાય છે. એ સમયે હૉસ્પિટલ સંપર્ક સમિતિના ભાઈઓ તરત તેમની મદદે દોડી જાય છે. ઘણી વાર રાતે એવી મુશ્કેલી ઊભી થાય છે. પણ વડીલો સમય જોતા નથી અને ભાઈ-બહેનોની પડખે ઊભા રહે છે. એ વડીલો અને તેઓનું કુટુંબ ભાઈ-બહેનોને ખૂબ પ્રેમ કરે છે. એટલે તેઓ પોતાના કરતાં બીજાઓનો પહેલા વિચાર કરે છે.
૮ વડીલો પ્રાર્થનાઘર બનાવવામાં અને બીજાં બાંધકામમાં ભાગ લે છે. તેઓ રાહતકામમાં પણ ટેકો આપે છે. તેઓ મંડળનાં ભાઈ-બહેનોને શીખવવામાં અને ઉત્તેજન આપવામાં કલાકો ના કલાકો વિતાવે છે. એ ભાઈઓ અને તેઓના કુટુંબના આપણે જેટલા વખાણ કરીએ એટલા ઓછા છે. આપણે ચાહીએ છીએ કે તેઓ જે મહેનત કરે છે એ માટે યહોવા તેઓને ખૂબ આશીર્વાદ આપે. ખરું કે બીજાઓની જેમ વડીલોએ પણ સમયનું ધ્યાન રાખવું જોઈએ. તેઓએ મંડળનાં કામમાં એટલા ડૂબી ન જવું જોઈએ કે કુટુંબ માટે સમય જ ન રહે.
બીજાઓનો પહેલા વિચાર કરવા શું કરી શકીએ?
૯. ફિલિપીઓ ૨:૪, ૫ પ્રમાણે બધા ઈશ્વરભક્તોએ કેવું વલણ રાખવું જોઈએ?
૯ ફિલિપીઓ ૨:૪, ૫ વાંચો. ભલે આપણે વડીલ હોઈએ કે ન હોઈએ, આપણે ઈસુને પગલે ચાલી શકીએ છીએ. આપણે પણ બીજાઓનો પહેલા વિચાર કરવાનું શીખી શકીએ છીએ. બાઇબલમાં લખ્યું છે કે ઈસુ “દાસ જેવા થયા.” (ફિલિ. ૨:૭) એ કલમમાંથી આપણે શું શીખી શકીએ? એક મહેનતુ દાસ કે ચાકર, માલિકને ખુશ કરવાની તક શોધે છે. આપણે પણ યહોવાના ચાકર છીએ અને ભાઈ-બહેનોની સેવા કરવા માંગીએ છીએ. એટલે આપણે ચાહીએ છીએ કે યહોવા અને ભાઈ-બહેનો માટે બનતું બધું કરીએ. ચાલો એવું કઈ રીતે કરી શકીએ એ માટે અમુક સૂચનો જોઈએ.
૧૦. આપણે કયા સવાલોનો વિચાર કરવો જોઈએ?
૧૦ પોતાની તપાસ કરીએ. આપણે આવા સવાલોનો વિચાર કરવો જોઈએ: ‘શું હું બીજાઓને મદદ કરવા તૈયાર રહું છું? જેમ કે, એક વૃદ્ધ ભાઈને મળવાનું કે એક વૃદ્ધ બહેનને સભામાં લઈ જવાનું કહેવામાં આવે તો શું હું એ કામ કરું છું? સંમેલનની જગ્યાની સાફ-સફાઈ કરવા કે પ્રાર્થનાઘરની દેખરેખ રાખવા માટે શું હું તરત આગળ આવું છું?’ યહોવાને સમર્પણ કર્યું ત્યારે આપણે વચન આપ્યું હતું કે તેમની સેવામાં બધું જ આપી દઈશું. એટલે યહોવા ચાહે છે કે આપણે ભાઈ-બહેનો માટે પોતાનાં સમય-શક્તિ અને ધનસંપત્તિ વાપરીએ. જો એવું કરીએ છીએ તો તેમનું દિલ ખુશ થાય છે. પણ આપણામાં સુધારો કરવાની જરૂર લાગે ત્યારે શું કરી શકીએ?
૧૧. સુધારો કરવા પ્રાર્થના કઈ રીતે મદદ કરી શકે?
૧૧ યહોવાને દિલથી પ્રાર્થના કરીએ. આપણને થાય કે અમુક બાબતોમાં આપણને સુધારો કરવાની જરૂર છે, પણ એમ કરવાની આપણને ઇચ્છા થતી ન હોય. એવા સમયે યહોવા આગળ આપણું દિલ ઠાલવીએ. આપણને કેવું લાગે છે એ વિશે પ્રાર્થનામાં તેમને બધું કહી દઈએ. યહોવા પાસે માંગીએ કે સુધારો કરવા તે આપણને “ઇચ્છા અને બળ આપે.”—ફિલિ. ૨:૧૩.
૧૨. યુવાન ભાઈઓ કઈ રીતે મંડળમાં મદદ કરવા આગળ આવી શકે?
૧૨ જો તમે બાપ્તિસ્મા પામેલા યુવાન ભાઈ હો, તો તમે શું કરી શકો? તમે યહોવા પાસે માંગી શકો કે મંડળમાં ભાઈ-બહેનોની મદદ કરવા તમારા મનમાં વધારે ઇચ્છા જગાડે. અમુક દેશોમાં સહાયક સેવકોની સંખ્યા વડીલો કરતાં ઓછી છે. એમાંના મોટા ભાગના સહાયક સેવકો મોટી ઉંમરના કે વૃદ્ધ છે. સંગઠનમાં દરરોજ નવાં નવાં ભાઈ-બહેનોનો ઉમેરો થાય છે. એટલે મદદ આપી શકે એવા યુવાન ભાઈઓની વધુ જરૂર છે. તેઓ વડીલોને મંડળનાં ભાઈ-બહેનોની સંભાળ રાખવા મદદ કરી શકે છે. યુવાનો, મદદની જરૂર હોય ત્યારે તમે આગળ આવશો તો તમને ખુશી મળશે. કારણ કે એનાથી યહોવાનું દિલ ખુશ થશે, તમે મંડળમાં સારું નામ બનાવી શકશો અને બીજાઓને મદદ કરવાથી તમને મનની શાંતિ મળશે.
૧૩-૧૪. ભાઈ-બહેનોને મદદ કરવા આપણે શું કરી શકીએ? (પહેલા પાનનું ચિત્ર જુઓ.)
૧૩ કોને મદદની જરૂર છે એનું ધ્યાન રાખીએ. પ્રેરિત પાઉલે યહૂદિયામાં રહેતા ખ્રિસ્તીઓને સલાહ આપી: “ભલું કરવાનું અને તમારી વસ્તુઓથી બીજાઓને મદદ કરવાનું ભૂલશો નહિ, કેમ કે એવાં બલિદાનોથી ઈશ્વર ઘણા ખુશ થાય છે.” (હિબ્રૂ. ૧૩:૧૬) એ સલાહ ખરેખર તેઓને કામ આવી! એ પત્ર મળ્યો એના થોડા સમય પછી “તેઓએ પહાડો પર નાસી જવું” પડ્યું હતું. (માથ. ૨૪:૧૬) તેઓએ ઘર અને નોકરી-ધંધો છોડવાં પડ્યાં. અરે, તેઓએ એવાં સગાઓને પણ છોડીને જવું પડ્યું, જેઓ ખ્રિસ્તી ન હતાં. એ સમયે ચોક્કસ તેઓને એકબીજાની મદદની ખૂબ જરૂર પડી હશે. જો તેઓએ અગાઉ પાઉલની સલાહ પાળી હશે, તો નવી જગ્યાએ એ સલાહ પાળવી તેઓ માટે મુશ્કેલ નહિ હોય. તેઓ ઓછી વસ્તુઓથી પોતાનું ગુજરાન ચલાવી શક્યા હશે.
૧૪ આપણાં ભાઈ-બહેનો દર વખતે કદાચ જણાવે નહિ કે તેઓને શાની જરૂર છે. ધારો કે એક ભાઈના પત્ની ગુજરી ગયાં છે. ભાઈને જમવાનું બનાવવામાં, ક્યાંક આવવા-જવામાં કે ઘરનાં કામ કરવામાં મદદની જરૂર પડી શકે. તે કોઈને તકલીફ આપવા માંગતા ન હોય, એટલે કંઈ ન જણાવે. પણ જો આપણે સામે ચાલીને જરૂરી મદદ કરીશું, તો તેમને સારું લાગશે. એવું ન વિચારીએ કે બીજા તેમને મદદ કરશે અથવા તેમને મદદની જરૂર હશે તો તે આપણને કહેશે. આપણે આ સવાલનો વિચાર કરી શકીએ, ‘જો હું એમની જગ્યાએ હોત તો મને કેવી વસ્તુની જરૂર પડી હોત, મને કેવા કામમાં મદદની જરૂર પડી હોત?’
૧૫. બીજાઓને મદદ કરવા આપણે શું કરવું જોઈએ?
૧૫ એવો સ્વભાવ રાખીએ કે બીજાઓ આપણી પાસે અચકાયા વગર આવી શકે. આપણા મંડળમાં એવાં ભાઈ-બહેનો તો હશે જ જેઓ મદદ કરવા હંમેશાં તૈયાર રહે છે. તેઓ ખુશી ખુશી મદદ આપે છે, તેઓ કદી આપણને એવું લાગવા દેતાં નથી કે આપણે તેઓને તકલીફ આપીએ છીએ. આપણને ખાતરી છે કે આપણને જરૂર હશે ત્યારે તેઓ ખડે પગે હાજર રહેશે. આપણે પણ તેઓ જેવા બનવા માંગીએ છીએ. ચાલો એલનભાઈનો દાખલો જોઈએ. તે ૪૫ વર્ષના છે અને એક વડીલ છે. તે ચાહે છે કે લોકો તેમની પાસે અચકાયા વગર આવે. ઈસુના દાખલાનો વિચાર કરતા તે કહે છે, “ઈસુ ઘણા વ્યસ્ત હતા, તોપણ નાનાં-મોટાં સૌ તેમની પાસે સહેલાઈથી આવી શકતાં. તેઓ મદદ માંગતા જરાય અચકાતાં નહિ. તેઓને ખબર હતી કે ઈસુ તેઓની પરવા કરે છે. હું પણ ઈસુ જેવો બનવા માંગું છું. હું ચાહું છું કે ભાઈ-બહેનો મને તેમનો દોસ્ત સમજે અને અચકાયા વગર મારી પાસે આવે.”
૧૬. ઈસુને સારી રીતે અનુસરવા ગીતશાસ્ત્ર ૧૧૯:૫૯, ૬૦માંથી કેવી મદદ મળે છે?
૧૬ આપણે ઈસુને પગલે પૂરી રીતે ચાલી ન શકીએ તો નિરાશ ન થઈએ. (યાકૂ. ૩:૨) દાખલા તરીકે એક વિદ્યાર્થી પોતાના શિક્ષક પાસેથી ચિત્ર દોરવાનું શીખે છે. શિક્ષક સારા ચિત્રકાર છે. વિદ્યાર્થી શરૂઆતમાં કદાચ એ શિક્ષકની જેમ સારું ચિત્ર દોરી શકતો ન હોય. પણ જો તે પોતાની ભૂલોમાંથી શીખતો રહેશે અને પોતાના શિક્ષકને પગલે ચાલવામાં મહેનત કરતો રહેશે, તો તેની કળામાં નિખાર આવતો જશે. આપણે પણ બાઇબલમાંથી જે શીખ્યા એ પ્રમાણે કરવા પૂરી મહેનત કરીએ અને પોતાનામાં સુધારો કરવાનો પ્રયત્ન કરીએ. એમ કરીશું તો આપણે ઈસુને સારી રીતે અનુસરી શકીશું.—ગીતશાસ્ત્ર ૧૧૯:૫૯, ૬૦ વાંચો.
બીજાઓનો પહેલા વિચાર કરવાથી થતા ફાયદા
૧૭-૧૮. ઈસુને પગલે ચાલવાથી કેવા ફાયદા થશે?
૧૭ આપણે લોકોને મદદ કરીએ છીએ ત્યારે બીજાઓ પણ એ જોઈને મદદ કરવા આગળ આવે છે. ટીમભાઈ એક વડીલ છે, તે કહે છે: “અમારા મંડળમાં અમુક યુવાન ભાઈઓને સહાયક સેવક બનાવવામાં આવ્યા છે. એનું એક કારણ એ છે કે તેઓ બીજાઓને જોઈને ભાઈ-બહેનોને મદદ કરવા આગળ આવ્યા છે. એ યુવાનો વડીલોને અને મંડળનાં બીજાં ભાઈ-બહેનોને ઘણી મદદ કરે છે.”
૧૮ આ દુનિયામાં મોટા ભાગના લોકો સ્વાર્થી છે. પણ યહોવાના ભક્તો તેઓથી સાવ અલગ છે. બીજાઓને મદદ કરવામાં ઈસુએ સારો દાખલો બેસાડ્યો છે. તેમના દાખલાની આપણા પર ઊંડી અસર થઈ છે. આપણે તેમને અનુસરવાનો દૃઢ નિર્ણય કર્યો છે. આપણે તેમને પૂરી રીતે અનુસરી શકતા નથી, પણ અમુક હદે ‘તેમના પગલે ચાલી’ શકીએ છીએ. (૧ પિત. ૨:૨૧) ચાલો ઈસુને અનુસરવાની પૂરી કોશિશ કરીએ. આપણા પ્રયત્નો જોઈને યહોવા ખુશ થશે અને આપણી ખુશીમાં પણ વધારો થશે.
ગીત ૫ ઈસુને પગલે ચાલું
a ઈસુ હંમેશાં પોતાના કરતાં બીજાઓનો પહેલા વિચાર કરતા હતા. આ લેખમાં જોઈશું કે આપણે કઈ રીતે ઈસુના પગલે ચાલી શકીએ અને એનાથી કેવા ફાયદા થશે.
b ચિત્રની સમજ: ડેનિયલ યુવાન છે. તે જુએ છે કે બે વડીલો તેના પપ્પાને હૉસ્પિટલમાં મળવા આવ્યા છે, એનાથી તેને ઘણું સારું લાગે છે. વડીલોની જેમ તે પણ મંડળમાં બીજાઓને મદદ કરવા આગળ આવે છે. ડેનિયલને જોઈને બીજા એક યુવાન ભાઈ, બેની પર સારી અસર પડે છે. બેનીને પ્રાર્થનાઘરની સાફ-સફાઈ કરવાનું ઉત્તેજન મળે છે.