અભ્યાસ લેખ ૫
“દરેક પુરુષનું શિર ખ્રિસ્ત છે”
“દરેક પુરુષનું શિર ખ્રિસ્ત છે.”—૧ કોરીં. ૧૧:૩.
ગીત ૨ યહોવા તારો આભાર
ઝલક a
૧. અમુક પુરુષો પોતાની પત્ની અને બાળકો સાથે કેવો વ્યવહાર કરે છે અને શા માટે?
એક પુરુષ કુટુંબનો શિર બને છે ત્યારે, તેણે પોતાની પત્ની અને બાળકો સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ? અમુક પુરુષો પર તેમના કુટુંબની અને સમાજની અસર પડે છે. પોતાની પત્ની અને બાળકો સાથે એવું જ કરે છે જેવું તેઓ જુએ છે. યુરોપમાં રહેતાં યનીતાબહેન કહે છે, “અમારે ત્યાં લોકો સ્ત્રીઓને પુરુષો કરતાં ઊતરતી ગણે છે અને તેઓ સાથે નોકરો જેવું વર્તે છે.” અમેરિકામાં રહેતા લૂકભાઈ કહે છે, “અમુક પિતાઓ પોતાના દીકરાઓને એવું શીખવે છે કે સ્ત્રીઓને બોલવાનો કોઈ હક નથી. તેઓએ ચુપ રહેવું જોઈએ.” પણ યહોવા નથી ચાહતા કે કુટુંબના શિર કે પુરુષ પોતાની પત્ની સાથે એવો વ્યવહાર કરે. (માર્ક ૭:૧૩ સરખાવો.) તો પછી એક પતિ સારો શિર કઈ રીતે બની શકે?
૨. કુટુંબના શિરને શું ખબર હોવી જોઈએ અને શા માટે?
૨ સારો શિર બનવા એક પતિને ખબર હોવી જોઈએ કે યહોવા તેની પાસેથી શું ચાહે છે. તેને એ પણ ખબર હોવી જોઈએ કે યહોવાએ તેને એ અધિકાર કેમ આપ્યો છે. એટલું જ નહિ, તે યહોવા અને ઈસુના દાખલાને કઈ રીતે અનુસરી શકે એ પણ જાણવું જોઈએ. તેમને એ જાણવું કેમ મહત્ત્વનું છે? અધિકાર આપનાર યહોવા ચાહે છે કે કુટુંબનું શિર તે અધિકારનો સારો ઉપયોગ કરે.—લૂક ૧૨:૪૮ખ.
પતિઓને કયો અધિકાર આપવામાં આવ્યો છે?
૩. પહેલો કોરીંથીઓ ૧૧:૩ પ્રમાણે યહોવાએ પોતાના કુટુંબની કઈ રીતે ગોઠવણ કરી છે?
૩ પહેલો કોરીંથીઓ ૧૧:૩ વાંચો. એ કલમમાં બતાવ્યું છે કે યહોવા પોતાના સ્વર્ગ અને પૃથ્વી પરના કુટુંબની ગોઠવણ કઈ રીતે કરે છે. તે પોતાના કુટુંબના શિર છે એટલે તેમને તેઓ પર અધિકાર છે. તેમણે બીજાઓને પણ અમુક અધિકાર આપ્યા છે. એટલે તેઓ પોતાના અધિકારનો જે રીતે ઉપયોગ કરે છે, એ માટે તેઓએ યહોવાને જવાબ આપવો પડશે. (રોમ. ૧૪:૧૦; એફે. ૩:૧૪, ૧૫) યહોવાએ ઈસુને મંડળના શિર બનાવ્યા છે. એટલે ઈસુ મંડળ સાથે જે રીતે વર્તે છે એનો યહોવાને જવાબ આપવો પડશે. (૧ કોરીં. ૧૫:૨૭) યહોવાએ પુરુષને પણ પત્ની અને બાળકોના શિર બનાવ્યો છે. એટલે તે જે રીતે તેઓ સાથે વર્તે છે એનો તેણે યહોવા અને ઈસુને જવાબ આપવો પડશે.—૧ પિત. ૩:૭.
૪. યહોવા અને ઈસુ પાસે કયો હક છે?
૪ યહોવા પોતાના કુટુંબના શિર છે એટલે પોતાનાં બાળકો માટે નિયમ બનાવવાનો તેમને હક છે. તે એ પણ ધ્યાન રાખે છે કે તેમનાં બાળકો એ નિયમો પાળે. (યશા. ૩૩:૨૨) ઈસુ મંડળના શિર છે. એટલે તેમને પણ હક છે કે મંડળ માટે નિયમો બનાવે. તે ધ્યાન રાખે છે કે મંડળ એ નિયમો પાળે.—ગલા. ૬:૨; કોલો. ૧:૧૮-૨૦.
૫. કુટુંબના શિર હોવાનો શો અર્થ થાય?
૫ યહોવા અને ઈસુની જેમ કુટુંબના શિર પાસે પોતાના કુટુંબ માટે નિર્ણય લેવાનો હક છે. (રોમ. ૭:૨; એફે. ૬:૪) પણ એનો અર્થ એ નથી કે તે પોતાના અધિકારનો મનફાવે તેમ ઉપયોગ કરે. તે કુટુંબ માટે કોઈ નિયમ બનાવે તો એ બાઇબલના સિદ્ધાંતોના આધારે હોય. (નીતિ. ૩:૫, ૬) જેઓ તેમના કુટુંબના સભ્યો નથી તેઓ માટે તે નિયમ ન બનાવી શકે. (રોમ. ૧૪:૪) બાળકો મોટા થઈને લગ્ન કરી લે પછી તે તેઓનો શિર રહેતો નથી. તેઓ હજી પણ પોતાના પિતાનો આદર કરશે પણ હવે પિતા તેઓના કુટુંબના શિર નથી.—માથ. ૧૯:૫.
યહોવાએ પતિઓને કેમ શિર બનાવ્યા?
૬. યહોવાએ કુટુંબમાં શિરની ગોઠવણ કેમ કરી છે?
૬ યહોવા પોતાના કુટુંબને પ્રેમ કરે છે. એટલે તેમણે કુટુંબમાં શિરની ગોઠવણ કરી છે. આ ગોઠવણના લીધે યહોવાના કુટુંબમાં શાંતિ છે અને બધું વ્યવસ્થિત રીતે થાય છે. (૧ કોરીં. ૧૪:૩૩, ૪૦) જરા વિચારો, કુટુંબમાં કોણ સંભાળ રાખશે કે કોણ નિર્ણય લેશે એ ખબર જ ન હોય તો શું થશે? આવા કુટુંબમાં તો બબાલ થઈ જશે, બધા દુઃખી થઈ જશે.
૭. એફેસીઓ ૫:૨૫, ૨૮ પ્રમાણે પતિએ પત્ની સાથે કેવા વ્યવહાર કરવો જોઈએ?
૭ યહોવાએ કુટુંબના ભલા માટે શિરની ગોઠવણ કરી. તો પછી અમુક પતિઓ કેમ પોતાની પત્ની સાથે ખરાબ વ્યવહાર કરે છે અને તેઓ પર હુકમ ચલાવે છે? કારણ કે તેઓ યહોવાનાં ધોરણો પ્રમાણે ચાલતા નથી. તેઓ સમાજમાં જેવું જુએ છે તેવું પોતાના કુટુંબમાં કરે છે. તેઓ પોતાના ફાયદા માટે પોતાની પત્ની સાથે ખરાબ વ્યવહાર કરે છે. દાખલા તરીકે, એક પતિ પોતાને મોટો બતાવવા પોતાની પત્નીને નીચી પાડે છે. તે પોતાની પત્ની પર જોર કરે છે, જેથી લોકો તેને પત્નીનો ગુલામ ન કહે. તે કદાચ એવું વિચારે કે તે પોતાની પત્નીને પ્રેમ કરવા જોર જબરદસ્તી કરી શકતો નથી, પણ તેને ધાકધમકી તો ચોક્કસ આપી શકે છે. આમ તે પોતાની પત્નીને દબડાવે છે. b પણ યહોવા ચાહે છે કે સ્ત્રીઓને માન આપવામાં આવે. જે પુરુષો સ્ત્રીઓ સાથે ખરાબ વ્યવહાર કરે છે, તેઓનો આદર કરતા નથી એવા પુરુષો યહોવાની વિરુદ્ધ જાય છે.—એફેસીઓ ૫:૨૫, ૨૮ વાંચો.
એક પુરુષ સારો શિર કઈ રીતે બની શકે?
૮. એક સારા શિર બનવા પુરુષે શું કરવું જોઈએ?
૮ જો એક પુરુષ યહોવા અને ઈસુની જેમ પોતાના અધિકારનો ઉપયોગ કરશે, તો તે એક સારો શિર બની શકશે. હવે આપણે યહોવા અને ઈસુના બે ગુણો વિષે ચર્ચા કરીશું. આપણે એ પણ શીખીશું કે કુટુંબના શિરે પત્ની અને બાળકો સાથેના વર્તનમાં કઈ રીતે એ બે ગુણો બતાવવા જોઈએ.
૯. યહોવા કઈ રીતે નમ્રતા બતાવે છે?
૯ નમ્રતા. યહોવા આખા વિશ્વમાં સૌથી બુદ્ધિમાન વ્યક્તિ છે. તેમ છતાં તે પોતાના ભક્તોનું સાંભળે છે. (ઉત. ૧૮:૨૩, ૨૪, ૩૨) તેમણે સ્વર્ગદૂતોને એક વિષય પર પોતાના વિચાર જણાવવા કહ્યું હતું. (૧ રાજા. ૨૨:૧૯-૨૨) યહોવા ક્યારેય ભૂલો કરતા નથી. પણ તે એવી આશા નથી રાખતા કે આપણે ક્યારેય ભૂલો નહિ કરીએ. તે આપણા જેવા પાપી માણસોને મદદ કરે છે. (ગીત. ૧૧૩:૬, ૭) બાઇબલમાં તેમના વિશે જણાવ્યું છે કે તે આપણા “મદદ કરનાર છે.” (ગીત. ૨૭:૯; હિબ્રૂ. ૧૩:૬) દાઊદ રાજાએ પણ કબૂલ્યું કે યહોવાએ નમ્રતા બતાવી, એટલે જ તે યહોવાએ સોંપેલું કામ પૂરું કરી શક્યા.—૨ શમુ. ૨૨:૩૬.
૧૦. ઈસુએ કઈ રીતે નમ્રતા બતાવી?
૧૦ ચાલો હવે ઈસુના દાખલા પર ધ્યાન આપીએ. ઈસુ ગુરુ હતા તેમ છતાં તેમણે પોતાના શિષ્યોના પગ ધોયા. જરા વિચારો, યહોવાએ આ અહેવાલ બાઇબલમાં કેમ લખાવ્યો હશે? કારણ કે, તે ચાહતા હતા કે બધા કુટુંબના શિર ઈસુના દાખલામાંથી શીખે. ઈસુએ કહ્યું, “મેં તમારા માટે દાખલો બેસાડ્યો છે. એટલે મેં જેવું તમને કર્યું એવું તમે પણ કરો.” (યોહા. ૧૩:૧૨-૧૭) ઈસુ પાસે ઘણો અધિકાર હતો. છતાં તેમણે બીજાઓ પાસે સેવા કરાવી નહિ, પણ તેમણે બીજાઓની સેવા કરી.—માથ. ૨૦:૨૮.
૧૧. કુટુંબના શિર નમ્ર રહેવા વિશે યહોવા અને ઈસુના દાખલામાંથી શું શીખી શકે?
૧૧ આપણે શું શીખી શકીએ? જો કુટુંબના શિર નમ્ર હશે, તો તે ક્યારેય એવું નહિ વિચારે કે પોતાની પત્ની કે બાળકોથી ક્યારેય ભૂલ નહિ થાય. કુટુંબના સભ્યો તેની વાત સાથે સહમત ન હોય ત્યારે પણ તે તેઓનું સાંભળશે. અમેરિકાનાં મારલીબહેન પોતાના પતિ વિશે જણાવે છે, “અમુક વાર અમારી વચ્ચે મતભેદ થાય છે. પણ તે કોઈ નિર્ણય લેતા પહેલા મારી વાત સાંભળે છે અને એના પર વિચાર કરે છે. તે જ્યારે એવું કરે છે ત્યારે મને લાગે છે કે તે મને માન આપે છે અને મારી કદર કરે છે.” અમુક વિસ્તારમાં લોકો એવું વિચારે છે કે ઘરનું કામ ફક્ત સ્ત્રીઓએ કરવું જોઈએ. પણ જે પતિ નમ્ર હશે તે ઘરના કામકાજમાં મદદ કરશે. એવું કરવું પતિઓ માટે સહેલું હોતું નથી. શા માટે? એનું કારણ સમજાવતા રેચલબહેન કહે છે, “અમારા સમાજમાં પતિ ઘરનું કામકાજ કરે, વાસણ ઘસે, કચરા પોતું કરે તો, પડોશીઓ અને સગા-વહાલાઓને લાગે છે કે તે પોતાની પત્નીથી ડરે છે અને તેનો ગુલામ છે.” જો તમારા વિસ્તારમાં પણ લોકો એવું વિચારતા હોય, તો યાદ રાખો ઈસુએ પણ પોતાના શિષ્યોના પગ ધોયા હતા. જ્યારે કે એ કામ ઘરના નોકરો કરતા હતા. એક સારો શિર એવું નહિ જુએ કે લોકો શું વિચારશે. પણ તે હંમેશાં એ જોશે કે તેનાં પત્ની અને બાળકો ખુશ છે કે નહિ. નમ્રતાનો ગુણ હોવાની સાથે સાથે પતિમાં બીજા કયો ગુણ હોવો જોઈએ?
૧૨. યહોવા અને ઈસુએ આપણા માટે પ્રેમ કઈ રીતે બતાવ્યો?
૧૨ પ્રેમ. યહોવા આપણને પ્રેમ કરે છે એટલે તે આપણી દરેક જરૂરિયાત પૂરી પાડે છે. (૧ યોહા. ૪:૭, ૮) આપણે યહોવા સાથે સારો સંબંધ કેળવી શકીએ માટે તે બાઇબલ અને સંગઠન દ્વારા મદદ આપે છે. યહોવા આપણને પ્રેમ કરે છે તેની ખાતરી તે અલગ અલગ રીતોએ આપે છે. આપણી રોજબરોજની જરૂરિયાતો પણ તે પૂરી કરે છે. બાઇબલ કહે છે કે, યહોવા “આપણા આનંદ માટે બધી ચીજવસ્તુઓ ભરપૂર માત્રામાં પૂરી પાડે છે.” (૧ તિમો. ૬:૧૭) જ્યારે આપણે ભૂલો કરીએ છીએ ત્યારે યહોવા આપણને પ્રેમ કરવાનું છોડી દેતા નથી. પણ સુધારો કરવા મદદ કરે છે. યહોવાએ આપણા માટે પોતાનો દીકરો કુરબાન કરી દીધો. અરે, ઈસુ પણ આપણને એટલો પ્રેમ કરે છે કે તેમણે પણ આપણા માટે પોતાનો જીવ આપી દીધો. (યોહા. ૩:૧૬; ૧૫:૧૩) જો આપણે યહોવા અને ઈસુના વફાદાર રહીશું તો કોઈ પણ વાત આપણને તેમના પ્રેમથી અલગ નહિ કરી શકે.—યોહા. ૧૩:૧; રોમ. ૮:૩૫, ૩૮, ૩૯.
૧૩. કુટુંબના શિરે કેમ કુટુંબને પ્રેમ કરવો જોઈએ? (“ લગ્નની શરૂઆતથી પતિ એવું શું કરી શકે જેથી પત્ની તેનો આદર કરે?” બૉક્સ જુઓ.)
૧૩ આપણે શું શીખી શકીએ? તેઓ માટે બધું કરવું જોઈએ. શા માટે? પ્રેરિત યોહાને કહ્યું હતું, “જો તે પોતાના ભાઈને [અથવા કુટુંબને] પ્રેમ કરતો ન હોય જેને તે જોઈ શકે છે, તો તે ઈશ્વરને કઈ રીતે પ્રેમ કરી શકે જેમને તે જોઈ શકતો નથી?” (૧ યોહા. ૪:૧૧, ૨૦) જે શિર પોતાના કુટુંબને પ્રેમ કરતો હશે અને યહોવા અને ઈસુના પગલે ચાલવા માંગતો હશે તેણે કુટુંબની જરૂરિયાતોનું ધ્યાન રાખવું જોઈએ. તે પોતાના કુટુંબને યહોવા સાથે સંબંધ કેળવવા મદદ કરશે. તે કુટુંબને પ્રેમ કરે છે એવો તેઓને ભરોસો અપાવશે. તે કુટુંબને રોટી, કપડાં અને મકાન પૂરાં પાડશે. (૧ તિમો. ૫:૮) તે પોતાના બાળકોને શિખવશે અને જરૂર પડે તે તેઓને સુધારશે. તે એવા નિર્ણયો લેશે જેથી યહોવાનો મહિમા થાય અને કુટુંબને ફાયદો થાય. ચાલો હવે આપણે આ બાબતો પર ચર્ચા કરીએ કે કુટુંબનો શિર કઈ રીતે યહોવા અને ઈસુ જેવો બની શકે.
કુટુંબના શિરે શું કરવું જોઈએ?
૧૪. કુટુંબનો યહોવા સાથે સારો સંબંધ કેળવવા શિર કઈ રીતે તેઓની મદદ કરી શકે?
૧૪ કુટુંબને યહોવાની નજીક આવવા મદદ કરો. ઈસુ ચાહતા હતા કે તેમના શિષ્યોનો યહોવા સાથે સારો સંબંધ હોય. એટલે તેમણે યહોવાની જેમ પોતાના શિષ્યોની શ્રદ્ધા મજબૂત કરવા પૂરી મદદ આપી. (માથ. ૫:૩, ૬; માર્ક ૬:૩૪) કુટુંબના શિર પણ સૌથી પહેલા એ ધ્યાન રાખશે કે તેમના કુટુંબનો યહોવા સાથે ગાઢ સંબંધ હોય. (પુન. ૬:૬-૯) આમ કરવા તે કુટુંબ સાથે બાઇબલ વાંચશે અને એનો અભ્યાસ કરશે. તે કુટુંબ સાથે સભાઓમાં જશે, પ્રચારમાં જશે અને યહોવા સાથે સંબંધ કેળવવા તેઓની મદદ કરશે.
૧૫. કુટુંબને કઈ રીતે ભરોસો અપાવી શકો કે તમે તેઓની કાળજી રાખો છો?
૧૫ કુટુંબના સભ્યોને ભરોસો અપાવો કે તમે તેઓને પ્રેમ કરો છો અને તેઓની કાળજી રાખો છો. યહોવાએ બધા સામે જાહેર કર્યું કે તે ઈસુને ખૂબ પ્રેમ કરે છે. (માથ. ૩:૧૭) ઈસુએ પણ પોતાનાં વાણી-વર્તનથી બતાવ્યું કે તે શિષ્યોને ખૂબ પ્રેમ કરે છે. તેમના શિષ્યોએ પણ બતાવ્યું કે તેઓ ઈસુને ખૂબ પ્રેમ કરે છે. (યોહા. ૧૫:૯, ૧૨, ૧૩; ૨૧:૧૬) એવી જ રીતે કુટુંબના શિરે પોતાનાં વાણી-વર્તનથી બતાવવું જોઈએ કે તે પોતાની પત્ની અને બાળકોને ખૂબ પ્રેમ કરે છે. જેમ કે તેઓ સાથે બાઇબલમાંથી અભ્યાસ કરવો જોઈએ. તેઓને અહેસાસ કરાવવો જોઈએ કે તે તેઓને કેટલો પ્રેમ કરે છે. એટલું જ નહિ શક્ય હોય ત્યારે બીજાઓ સામે તેઓના વખાણ પણ કરવા જોઈએ.—નીતિ. ૩૧:૨૮, ૨૯.
૧૬. (ક) કુટુંબના શિરે શું કરવું જોઈએ? (ખ) પણ તેણે કઈ વાતનું ધ્યાન રાખવું જોઈએ?
૧૬ પોતાના કુટુંબની જરૂરિયાતો પૂરી કરો. ઇઝરાયેલીઓએ યહોવાની આજ્ઞા પાળી નહિ, એટલે તેઓએ વેરાન પ્રદેશમાં ભટકવું પડ્યું. એવા સમયે પણ યહોવાએ તેઓને પડતા મૂક્યા નહિ પણ તેઓની જરૂરિયાતોનું ધ્યાન રાખ્યું. (પુન. ૨:૭; ૨૯:૫) યહોવા આજે આપણું પણ ધ્યાન રાખે છે. (માથ. ૬:૩૧-૩૩; ૭:૧૧) ઈસુ પણ ધરતી પર હતા ત્યારે એવા લોકોને ખોરાક પૂરો પાડ્યો જેઓ તેમને સાંભળવા આવ્યા હતા. (માથ. ૧૪:૧૭-૨૦) ઈસુએ લોકોની તબિયતનું પણ ધ્યાન રાખ્યું. (માથ. ૪:૨૪) કુટુંબના શિરે પોતાના કુટુંબ માટે રોટી, કપડાં અને મકાન પૂરાં પાડવાં જોઈએ. જો તે એમ કરશે તો યહોવા તેનાથી ખુશ થશે. જો કે તેણે પોતાના કામમાં વધુ પડતા ડૂબેલા ન રહેવું જોઈએ. એવું થશે તો તે પોતાના કુટુંબને યહોવા સાથે સારો સંબંધ કેળવવા મદદ નહિ કરી શકે. એટલું જ નહિ તે તેઓને પ્રેમ કરે છે એનો અહેસાસ પણ નહિ કરાવી શકે.
૧૭. યહોવા અને ઈસુ કઈ રીતે આપણને શીખવે છે અને સુધારે છે?
૧૭ તેઓને શીખવો. યહોવા આપણા ભલા માટે આપણને શીખવે છે. તે જરૂરી સુધારો કરવા આપણને મદદ કરે છે. (હિબ્રૂ. ૧૨:૭-૯) જેઓ ઈસુને પોતાના માલિક સમજે છે તેઓને ઈસુ પ્રેમથી શીખવે છે. (યોહા. ૧૫:૧૪, ૧૫) જરૂર પડી ત્યારે ઈસુ તેઓને પ્રેમથી સુધારે પણ છે. (માથ. ૨૦:૨૪-૨૮) તે સારી રીતે જાણે છે કે આપણે પાપી છીએ અને ડગલે ને પગલે ભૂલો કરીએ છીએ.—માથ. ૨૬:૪૧.
૧૮. એક સારો શિર શું યાદ રાખશે?
૧૮ યહોવા અને ઈસુની જેમ એક સારો શિર, યાદ રાખશે કે તેના કુટુંબના સભ્યોથી પણ ભૂલો થશે. તે પોતાની પત્ની અને બાળકો પર ‘ખૂબ ગુસ્સે નહિ થાય.’ (કોલો. ૩:૧૯) તે એ પણ યાદ રાખશે કે પોતે પણ ભૂલો કરે છે. એટલે ગલાતીઓ ૬:૧માં આપેલા સિદ્ધાંત પ્રમાણે તે તેઓને “નમ્રભાવે” સુધારવાનો પ્રયત્ન કરશે. ઈસુની જેમ તે જાણે છે કે બીજાઓને શીખવવાની સૌથી સારી રીત છે, પોતે એક સારો દાખલો બેસાડવો.—૧ પિત. ૨:૨૧.
૧૯-૨૦. એક શિર યહોવા અને ઈસુની જેમ કઈ રીતે નિર્ણયો લઈ શકે?
૧૯ કુટુંબના ભલા માટે નિર્ણયો લો. યહોવા નિર્ણયો લેતી વખતે બીજાઓનો વિચાર કરે છે. દાખલા તરીકે, તેમણે પોતાની ખાતર નહિ પણ આપણને ખુશી મળે એટલે જીવનની શરૂઆત કરી. તેમણે પોતાના દીકરાનું બલિદાન આપ્યું. એ નિર્ણય તેમણે કોઈના દબાણમાં આવીને નહિ પણ આપણા ભલા માટે લીધો હતો. ઈસુએ પણ અમુક નિર્ણયો બીજાઓના ભલા માટે લીધા હતા. (રોમ. ૧૫:૩) દાખલા તરીકે, તે બહુ થાકી ગયા હતા ત્યારે પણ, લોકોના ટોળાને જોઈ તેમણે આરામ કરવાનું પડતું મૂક્યું અને તેઓને શીખવવા લાગ્યા હતા.—માર્ક ૬:૩૧-૩૪.
૨૦ એક સારો શિર જાણે છે કે તેના માથે મોટી જવાબદારી છે. તેણે કુટુંબના ભલા માટે યોગ્ય નિર્ણયો લેવાના છે. એટલે એ જવાબદારી સારી રીતે નિભાવવા તે પ્રયત્ન કરે છે. તે લાગણીઓમાં વહીને કે વગર વિચાર્યે નિર્ણયો લેતો નથી. તે તો યહોવાને પસંદ પડે એવા નિર્ણયો લે છે. c (નીતિ. ૨:૬, ૭) તે નિર્ણયો લેતી વખતે પોતાનો નહિ પણ બીજાઓનો વિચાર કરે છે.—ફિલિ. ૨:૪.
૨૧. આવતા લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?
૨૧ યહોવાએ કુટુંબના શિરને એક મુશ્કેલ જવાબદારી સોંપી છે. યહોવા ચાહે છે કે તે એને સારી રીતે નિભાવે. જો એક પતિ યહોવા અને ઈસુને અનુસરવાનો પ્રયત્ન કરશે, તો તે એક સારો શિર બની શકશે. એટલું જ નહિ, જો તેની પત્ની પોતાની જવાબદારી સારી રીતે નિભાવશે તો તેઓનું લગ્નજીવન ખુશીઓથી ભરાઈ જશે. પતિને કુટુંબના શિરની જવાબદારી સોંપવામાં આવી છે. પત્ની એ જવાબદારીને કઈ નજરે જુએ છે? પતિને આધીન રહેવામાં પત્નીને કઈ મુશ્કેલીઓ આવી શકે? આવતા લેખમાં એ સવાલોની ચર્ચા કરીશું.
ગીત ૧૪ કદી દુઃખના કાંટા નહિ ખૂંચે
a એક પુરુષ લગ્ન કરે છે ત્યારે, તેના માથે નવી જવાબદારી આવે છે. તે પોતાના કુટુંબનો શિર બને છે. આ લેખમાં આપણે જોઈશું કે યહોવાએ પતિઓને કયો અધિકાર આપ્યો છે, કેમ આપ્યો છે અને તે યહોવા અને ઈસુના દાખલામાંથી શું શીખી શકે. પછીના લેખમાં જોઈશું કે ઈસુ અને બાઇબલના દાખલાઓમાંથી પતિ-પત્ની શું શીખી શકે. એ પછીના લેખમાં જોઈશું કે મંડળના ભાઈઓ પોતાના અધિકારનો કઈ રીતે ઉપયોગ કરી શકે.
b અમુક વાર ફિલ્મો, નાટકો કે બાળવાર્તાઓમાં બતાવવામાં આવે છે કે પુરુષો સ્ત્રીઓ સાથે ખરાબ વ્યવહાર કરે કે મારપીટ કરે. એટલે અમુક લોકોને લાગે છે કે પુરુષો સ્ત્રીઓની મારપીટ કરે કે ધાક ધમકી આપે એમાં કંઈ ખોટું નથી.
c સારા નિર્ણયો કઈ રીતે લેવા એ વિશે વધુ જાણવા એપ્રિલ ૧, ૨૦૧૧ ચોકીબુરજ પાન ૧૭-૧૯ પર આપેલો આ લેખ જુઓ: “ઈશ્વરને મહિમા મળે એવા નિર્ણય લઈએ.”