આપણો ઇતિહાસ
લાખો લોકોમાં જાણીતી કાર—આપણી સાઉન્ડ કાર
‘બ્રાઝિલમાં પ્રભુની સેવામાં વપરાતી એક જ સાઉન્ડ કાર છે, જે લાખો લોકોમાં જાણીતી છે, એ છે “ધ વૉચટાવર સાઉન્ડ કાર!”’—નાથાનીએલ એ. યુલ, ૧૯૩૮.
૧૯૩૦ના દાયકાની શરૂઆતમાં બ્રાઝિલમાં રાજ્યનાં કામની પ્રગતિ એકંદરે ધીમી હતી. પરંતુ, વર્ષ ૧૯૩૫માં એક પાયોનિયર યુગલે વધુ જરૂર હોય ત્યાં સેવા માટે જવાની ઇચ્છા બતાવી. એ યુગલ હતું, ભાઈ નાથાનીએલ અને તેમના પત્ની મોડ. તેઓએ એ સમયે પ્રચારકાર્યની આગેવાની લેનાર ભાઈ રધરફર્ડને પત્ર લખ્યો. પત્રમાં તેઓએ જણાવ્યું કે સેવા કરવા માટે તેઓ ‘ખુશી ખુશી ગમે ત્યાં જવા તૈયાર છે.’
એ સમયે નાથાનીએલ ૬૨ વર્ષના હતા. તે સિવિલ એન્જિનિયરના હોદ્દા પરથી નિવૃત્ત થઈ ચૂક્યા હતા. અમેરિકાના કૅલિફૉર્નિયા રાજ્યમાં સૅન ફ્રેન્સિસ્કો શહેર આવેલું છે. એ શહેરમાં યહોવાના સાક્ષીઓના એક મંડળમાં તે સર્વિસ ડિરેક્ટર તરીકે સેવા આપતા હતા. ત્યાં તે પ્રચારકાર્યની ગોઠવણ કરતા હતા. તેમ જ, તેમણે ફોનોગ્રાફ અને સાઉન્ડ કાર જેવાં સાધનો વાપરીને રાજ્યની ખુશખબર ફેલાવી હતી. તેમનો અનુભવ અને રાજીખુશીથી કામ કરવાની ભાવના તેમની નવી સોંપણીમાં આશીર્વાદરૂપ બનવાનાં હતાં. તેમને બ્રાઝિલ દેશના વિશાળ અને ઘણી ભાષાઓવાળા પ્રચારવિસ્તારમાં શાખા સેવક તરીકેની સોંપણી મળી હતી!
વર્ષ ૧૯૩૬માં ભાઈ નાથાનીએલ અને બહેન મોડ બ્રાઝિલ આવી પહોંચ્યાં. તેમની સાથે પાયોનિયર ભાઈ એન્ટોન્યો આન્ડ્રાડે પણ આવ્યા, જે તેઓ માટે દુભાષિયાનું કામ કરતા. એ લોકો પોતાની સાથે જહાજમાં અતિમૂલ્યવાન વસ્તુઓ એટલે કે, ૩૫ ફોનોગ્રાફ અને એક સાઉન્ડ કાર લઈ આવ્યાં હતાં. ક્ષેત્રફળની દૃષ્ટિએ આખી દુનિયામાં પાંચમા ક્રમે આવતા બ્રાઝિલમાં એ સમયે ફક્ત ૬૦ જેટલા પ્રચારકો હતા. પરંતુ, એ સમયનાં એ આધુનિક ધ્વનિ ઉપકરણો, આપણા પ્રચારકોને અમુક જ વર્ષોમાં લાખો લોકો સુધી પહોંચવા મદદ કરવાનાં હતાં.
એ યુગલ બ્રાઝિલ પહોંચ્યું એના એક મહિના પછી, શાખા કચેરી દ્વારા બ્રાઝિલમાં પહેલી વાર સેવા સંમેલનની ગોઠવણ કરવામાં આવી. * એ સંમેલન બ્રાઝિલના સાઓ પાઊલોમાં થવાનું હતું. લોકોને સંદેશો જણાવવાના કામમાં સાઉન્ડ કાર એના કામે લાગી ગઈ. એ કારને બહેન મોડ ચલાવી રહ્યાં હતાં. એ કાર દ્વારા જાહેર પ્રવચનની જાહેરાતો કરવામાં આવી. એ સાંભળીને ૧૧૦ લોકો સંમેલનમાં આવ્યા હતા. સંમેલનના કાર્યક્રમે પ્રચારકોનો ઉત્સાહ વધાર્યો. પ્રચારમાં પોતાનો ફાળો વધારવાનો તેમનામાં જુસ્સો જાગ્યો. તેઓ શીખ્યા કે આપણું સાહિત્ય અને ટેસ્ટીમની કાર્ડ વાપરીને કઈ રીતે પ્રચાર કરી શકાય. તેઓ એ પણ શીખ્યા કે પ્રચારમાં જર્મન, હંગેરીયન, પૉલિશ, સ્પૅનિશ અને પોર્ટુગીઝ ભાષાનાં રેકોર્ડિંગ કઈ રીતે વાપરી શકાય.
વર્ષ ૧૯૩૭માં સાઓ પાઊલો, રિઓ દ જનીરો અને કૂરિટીબામાં ત્રણ સેવા સંમેલનો યોજાયાં હતાં. એનાથી પ્રચાર કામને ઘણો વેગ મળ્યો. એ સંમેલનોમાં ઘર-ઘરના પ્રચારમાં જનાર ભાઈ-બહેનો સાથે સાઉન્ડ કાર પણ જતી. ઝોસ મગ્લાવ્સ્કી નામના એક યુવાન ભાઈએ પછીથી લખ્યું હતું: ‘અમે એક જગ્યાએ સ્ટૅન્ડ પર બાઇબલ આધારિત સાહિત્ય ગોઠવી દેતા. પછી રેકોર્ડ કરેલો સંદેશો સાઉન્ડ કારમાંથી વગાડતા. એ સાંભળીને ઘરની બહાર આવેલા લોકો સાથે અમે વધુ વાત કરતા.’
સંમેલનો દરમિયાન, નદી પર એક બાજુ વ્યક્તિઓનું બાપ્તિસ્મા થતું નજરે પડતું, ને બીજી બાજુ નાહીને તડકો ખાતાં લોકો નજરે પડતા. આમ, એ લોકોને સાઉન્ડ કારની મદદથી ખુશખબર જણાવવાની જોરદાર તક મળતી! બાપ્તિસ્માના વિષય પર ભાઈ રધરફર્ડનું પ્રવચન દૂર સુધી સંભળાતું. એ સાંભળીને આવેલા જિજ્ઞાસુ લોકો સાઉન્ડ કારને ઘેરી લેતા. તેઓ પોર્ટુગીઝ ભાષામાં અનુવાદ થયેલું પ્રવચન સાંભળતા હતા. પછી, બાપ્તિસ્મા લેવા ચાહતી વ્યક્તિઓને પાણીમાં બાપ્તિસ્મા અપાતું ને બીજી બાજુ પૉલિશ ભાષામાં રેકોર્ડ કરેલાં રાજ્યગીતો વગાડવામાં આવતાં. ત્યાં હાજર ભાઈ-બહેનો પોતપોતાની ભાષામાં ગીતો ગાતાં. આપણી ૧૯૩૮ યરબુક દર્શાવે છે તેમ, ‘એ જોઈને પેન્તેકોસ્તના દિવસની યાદ આવી જતી, જ્યારે દરેક વ્યક્તિ પોતાની ભાષામાં સંદેશો સમજી રહી હતી.’
એ સંમેલનો પછી, દર રવિવારે સાઓ પાઊલોના લોકોને રેકોર્ડ કરેલાં બાઇબલ પ્રવચનો સંભળાવવામાં આવતાં. વરસાદ હોય કે તડકો, આપણી સાઉન્ડ કાર પોતાના કામે લાગી જતી. ત્યાંનાં બગીચાઓ, રહેઠાણો અને ધંધાકીય વિસ્તારો, તેમજ નગરોમાં, બધેય સંદેશો આપતી ફરતી. સાઓ પાઊલોના ઉત્તરપશ્ચિમમાં ૯૭ કિલોમીટર દૂર એક એવો વિસ્તાર હતો, જ્યાં રક્તપિત્તથી પીડાતા લોકો વસતા હતા. ત્યાં ૩,૦૦૦ લોકોને સાઉન્ડ કાર દ્વારા દર મહિને એક કાર્યક્રમ સંભળાવવામાં આવતો હતો. એના લીધે, સમય જતાં ત્યાં એક પ્રગતિશીલ મંડળ સ્થપાયું. એ મંડળના પ્રકાશકો પોતે ગંભીર રોગથી પીડાતા હતા. તેમ છતાં, તેઓએ રક્તપિત્તિયા લોકોનાં રહેઠાણોમાં પ્રચાર કરવાની પરવાનગી લીધી. તેઓ દિલાસો આપતો બાઇબલનો સંદેશો બીજાઓને પણ જણાવવા માંગતા હતા.
૧૯૩૮ના અંતે રાજ્ય સંદેશાનાં રેકોર્ડિંગ પોર્ટુગીઝમાં ઉપલબ્ધ થવાં લાગ્યાં. ચર્ચના લોકો પૂર્વજોની પૂજા માટે ઑલ સોલ્સ ડે નામનો તહેવાર ઊજવતા. એ તહેવારના દિવસે લોકોને સંદેશો સંભળાવવા સાઉન્ડ કાર એક કબ્રસ્તાનથી બીજા કબ્રસ્તાને લઈ જવાતી. એ દિવસે આ વિષયો પર રેકોર્ડિંગ સંભળાવવામાં આવતાં: “ગુજરી ગયેલા લોકો ક્યાં છે?,” “યહોવા” અને “માલમિલકત.” શોકમાં ડૂબેલા આશરે ૪૦,૦૦૦ લોકોના કાને એ પ્રવચનો પડ્યાં હતાં!
આમ, ભાઈ-બહેનો કોઈની પણ બીક વગર ખુલ્લેઆમ બાઇબલ સત્ય લોકોને જણાવતાં. એ જોઈ ચર્ચના આગેવાનો ગુસ્સે ભરાતા અને ઘણી વાર તેઓ સ્થાનિક સત્તાઓ પર દબાણ લાવીને આપણી સાઉન્ડ કારના બુલંદ અવાજને ચૂપ કરાવવાનો પ્રયત્ન કરતા. બહેન મોડને એવો એક પ્રસંગ યાદ છે જ્યારે એક સ્થાનિક પાદરીએ એક ટોળાને એવું તે ઉશ્કેર્યું કે એ આપણી સાઉન્ડ કારને ઘેરી વળ્યું. પરંતુ, એ શહેરના મેયર અને પોલીસ અધિકારીઓ ત્યાં આવી પહોંચ્યા. તેઓએ આપણો આખો કાર્યક્રમ સાંભળ્યો. એ મેયર પાછા જતી વખતે આપણું સાહિત્ય લેતા ગયા. એ દિવસે કોઈ ધમાલ ન થઈ. એવા વિરોધો છતાં, ૧૯૪૦ યરબુકમાં બ્રાઝિલ વિશે આવો અહેવાલ આવ્યો: ૧૯૩૯નું વર્ષ ‘આપણા મહાન પરમેશ્વરની સેવા કરવાનો અને તેમના નામનો પ્રચાર કરવાનો સૌથી સારો સમય રહ્યો.’
“ધ વૉચટાવર સાઉન્ડ કાર”ના આગમનથી બ્રાઝિલમાં આપણાં કામમાં એક નવો દોર શરૂ થયો. લાખો લોકો સુધી રાજ્યની ખુશખબર પહોંચાડવામાં એ કારે ઘણો મહત્ત્વનો ભાગ ભજવ્યો. ખરું કે, ૧૯૪૧માં એ લોકપ્રિય કારને વેચી દેવામાં આવી હતી. પરંતુ, બ્રાઝિલમાં યહોવાના સાક્ષીઓએ નેકદિલ લોકોને ખુશખબર જણાવવાનું કામ આજ દિન સુધી ચાલુ રાખ્યું છે.—બ્રાઝિલના આપણા ઇતિહાસમાંથી.
^ ફકરો. 7 સેવા સંમેલનો દરમિયાન, અમુક સમય પ્રચાર માટે ફાળવવામાં આવતો.