સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૪૬

પૃથ્વી બાગ જેવી સુંદર બનશે—યહોવાનું પાકું વચન

પૃથ્વી બાગ જેવી સુંદર બનશે—યહોવાનું પાકું વચન

“ધરતી પર જે કોઈ પોતાના માટે આશીર્વાદ માંગશે, તેને સાચા ઈશ્વર આશીર્વાદ આપશે.”—યશા. ૬૫:૧૬.

ગીત ૧૫૨ તું છો બળ, તું છો જ્યોત

ઝલક a

૧. પ્રબોધક યશાયા ઇઝરાયેલીઓને કયો સંદેશો આપવા માંગતા હતા?

 પ્રબોધક યશાયાએ યહોવા વિશે કહ્યું કે તે “સાચા ઈશ્વર,” એટલે કે સત્યના ઈશ્વર છે. સત્ય માટે વપરાયેલો મૂળ શબ્દ ‘આમેન’ છે. (યશા. ૬૫:૧૬, ફૂટનોટ) ‘આમેનનો’ અર્થ થાય, “એમ થાઓ” અથવા “ચોક્કસ.” બાઇબલમાં ઘણી વાર “આમેન” શબ્દ એ ખાતરી કરાવવા વપરાયો છે કે યહોવા અથવા ઈસુ જે કંઈ કરે છે અથવા કહે છે, એ ખરું હોય છે. આમ, જોવા જઈએ તો યશાયા ઇઝરાયેલીઓને આ સંદેશો આપવા માંગતા હતા: યહોવા ભાવિ વિશે જે જણાવે છે, એ ભરોસાપાત્ર હોય છે. યહોવાએ પોતાનું એકેએક વચન પૂરું કરીને એ વાત સાબિત કરી છે.

૨. (ક) યહોવાએ ભાવિ વિશે જે વચનો આપ્યાં છે, એમાં કેમ પૂરો ભરોસો રાખી શકીએ? (ખ) આ લેખમાં કયા સવાલોની ચર્ચા કરીશું?

શું આપણે પણ ભરોસો રાખી શકીએ કે યહોવાએ ભાવિ વિશે જે વચનો આપ્યાં છે, એ ચોક્કસ પૂરાં થશે? યશાયાના સમયથી આશરે ૮૦૦ વર્ષ પછી પ્રેરિત પાઉલે સમજાવ્યું કે ઈશ્વરનાં વચનો કેમ હંમેશાં ભરોસાપાત્ર હોય છે. પાઉલે કહ્યું: “ઈશ્વર જૂઠું બોલે એ શક્ય જ નથી.” (હિબ્રૂ. ૬:૧૮) જરા આનો વિચાર કરો: જો એક ઝરણામાંથી મીઠું પાણી વહેતું હોય, તો એ જ ઝરણામાંથી ખારું પાણી વહી શકતું નથી. એવી જ રીતે, યહોવા સત્યના ઈશ્વર છે, એટલે તે જૂઠું બોલે એ શક્ય જ નથી. આમ, યહોવાની એકેએક વાત પર પૂરો ભરોસો મૂકી શકીએ છીએ, ભાવિ વિશેનાં તેમનાં વચનો પર પણ. આ લેખમાં આ સવાલોની ચર્ચા કરીશું: યહોવાએ ભાવિ વિશે કયું વચન આપ્યું છે? યહોવાએ કઈ રીતે ખાતરી કરાવી છે કે તે પોતાનું વચન પૂરું કરશે?

યહોવાએ કયું વચન આપ્યું છે?

૩. (ક) કયું વચન યહોવાના ભક્તોનાં દિલમાં વસેલું છે? (પ્રકટીકરણ ૨૧:૩, ૪) (ખ) એ વચન સાંભળીને અમુક લોકો શું કહે છે?

આપણે હવે જે વચન વિશે જોઈશું, એ યહોવાના બધા ભક્તોનાં દિલમાં વસેલું છે. (પ્રકટીકરણ ૨૧:૩, ૪ વાંચો.) યહોવાએ વચન આપ્યું છે કે એવો સમય આવશે, જ્યારે “શોક કે વિલાપ કે દુઃખ રહેશે નહિ. અરે, મરણ પણ રહેશે નહિ!” આપણાં ઘણાં ભાઈ-બહેનો પ્રચારમાં લોકોને દિલાસો આપવા એ કલમો વાપરે છે. તેમ જ, એ કલમોથી બતાવે છે કે નવી દુનિયામાં જીવન કેવું હશે. પણ ઈશ્વરનું એ વચન સાંભળીને અમુક લોકો કદાચ કહે, “સાંભળવામાં તો સારું લાગે છે, પણ આવું કદી ના બને.”

૪. (ક) યહોવાએ નવી દુનિયાના વચન વિશે લખાવ્યું ત્યારે તે શું જાણતા હતા? (ખ) એ વચન આપવાની સાથે સાથે યહોવાએ બીજું શું કર્યું?

યહોવાએ પ્રેરિત યોહાનને નવી દુનિયાના વચન વિશે લખવાની પ્રેરણા આપી. એ સમયે યહોવા જાણતા હતા કે રાજ્યની ખુશખબર જણાવતી વખતે આપણે લોકો સાથે એ આશા વિશે વાત કરીશું. તે એ પણ જાણતા હતા કે ઘણા લોકોને ભાવિમાં બનનાર એ “નવા બનાવો” વિશે માનવું અઘરું લાગશે. (યશા. ૪૨:૯; ૬૦:૨; ૨ કોરીં. ૪:૩, ૪) તો પછી આપણે કઈ રીતે પોતાને અને બીજાઓને ખાતરી કરાવી શકીએ કે પ્રકટીકરણ ૨૧:૩, ૪માં આપેલું વચન ચોક્કસ પૂરું થશે? એ વચન આપવાની સાથે સાથે યહોવાએ એમાં માનવાનાં જોરદાર કારણો પણ આપ્યાં છે. એ કારણો કયાં છે?

યહોવા ખાતરી કરાવે છે કે તેમનું વચન સાચું પડશે

૫. નવી દુનિયાના વચન પર ભરોસો મૂકવાનાં કારણો કઈ કલમોમાં જોવા મળે છે? એ કલમોમાં શું જણાવ્યું છે?

નવી દુનિયાના વચન પર કેમ ભરોસો મૂકી શકીએ, એ જાણવા આગળની કલમો પર ધ્યાન આપીએ. ત્યાં લખ્યું છે: “રાજ્યાસન પર જે બેઠા હતા, તેમણે કહ્યું: ‘જુઓ! હું બધું નવું બનાવું છું.’ તે કહે છે: ‘તું લખી લે, કેમ કે એ શબ્દો ભરોસાપાત્ર અને સાચા છે.’ પછી તેમણે મને કહ્યું: ‘એ શબ્દો પૂરા થઈ ગયા છે! હું આલ્ફા અને ઓમેગા છું, શરૂઆત અને અંત છું.’”—પ્રકટી. ૨૧:૫, ૬ક.

૬. પ્રકટીકરણ ૨૧:૫, ૬ના શબ્દોથી ઈશ્વરના વચનમાં આપણો ભરોસો કેમ વધે છે?

એ શબ્દોથી ઈશ્વરના વચનમાં આપણો ભરોસો કેમ વધે છે? એ કલમો વિશે પ્રકટીકરણની પરાકાષ્ઠા પુસ્તકમાં આમ લખ્યું છે: “જાણે કે વિશ્વાસુ માણસજાતના એ ભાવિ આશીર્વાદોની બાંયધરી, અથવા દસ્તાવેજ, પર યહોવાહ પોતે સહી કરે છે.” b તો પ્રકટીકરણ ૨૧:૩, ૪માં ઈશ્વરનું વચન જોવા મળે છે. કલમો ૫ અને ૬માં જાણે કે યહોવા એ વચન નીચે સહી કરે છે ને ખાતરી આપે છે કે તેમનું વચન ચોક્કસ પૂરું થશે. હવે ચાલો આપણને ખાતરી કરાવવા યહોવાએ જે શબ્દો કહ્યા, એને એક એક કરીને જોઈએ.

૭. કલમ ૫ના શબ્દો કોણ કહે છે અને એ શબ્દો કેમ ખાસ છે?

યહોવા જે રીતે ખાતરી કરાવે છે, એની શરૂઆત આ રીતે થાય છે: “રાજ્યાસન પર જે બેઠા હતા, તેમણે કહ્યું.” (પ્રકટી. ૨૧:૫ક) એ શબ્દો બહુ ખાસ છે. કેમ કે પ્રકટીકરણના પુસ્તકમાં એવા ત્રણ જ કિસ્સા છે, જેમાં યહોવાએ વાત કરી હોય અને આ કિસ્સો એમાંનો એક છે. એટલે કોઈ શક્તિશાળી દૂતે નહિ, જીવતા થયેલા ઈસુએ નહિ, પણ યહોવાએ પોતે એ ખાતરી આપી છે. એનાથી સાબિત થાય છે કે યહોવાએ પછીથી જે શબ્દો કહ્યા, એ ભરોસાપાત્ર છે. કેમ કે યહોવા “કદી જૂઠું બોલી શકતા નથી.” (તિત. ૧:૨) એ બતાવે છે કે પ્રકટીકરણ ૨૧:૫, ૬ના શબ્દો ચોક્કસ સાચા પડશે.

“જુઓ! હું બધું નવું બનાવું છું”

૮. યહોવાએ કઈ રીતે ખાતરી કરાવી છે કે તેમનું વચન ચોક્કસ પૂરું થશે? (યશાયા ૪૬:૧૦)

હવે “જુઓ!” શબ્દ પર ધ્યાન આપીએ. (પ્રકટી. ૨૧:૫) “જુઓ!” માટે જે ગ્રીક શબ્દ વપરાયો છે, એ પ્રકટીકરણના પુસ્તકમાં ઘણી વાર જોવા મળે છે. બાઇબલની માહિતી આપતા એક પુસ્તકમાં જણાવ્યું છે કે “વાચકનું ધ્યાન આગળ લખેલી વાત પર દોરવા” એ શબ્દ વપરાયો છે. યહોવાએ આગળ શું કહ્યું? “હું બધું નવું બનાવું છું.” ધ્યાન આપો, તેમણે એવું ન કહ્યું કે “હું બધું નવું બનાવીશ.” પણ તેમણે કહ્યું, “હું બધું નવું બનાવું છું.” ખરું કે, યહોવા અહીં ભાવિમાં થનાર ફેરફારોની વાત કરી રહ્યા છે. પણ તે એ રીતે વાત કરે છે, જાણે તેમણે ફેરફારો કરવાના શરૂ કરી દીધા હોય. કેમ કે તેમને પૂરી ખાતરી છે કે તે પોતાનું વચન ચોક્કસ પૂરું કરશે.—યશાયા ૪૬:૧૦ વાંચો.

૯. (ક) “હું બધું નવું બનાવું છું” શબ્દો યહોવાનાં કયાં બે કામને બતાવે છે? (ખ) હમણાંનાં “આકાશ” અને ‘પૃથ્વીનું’ શું થશે?

હવે પ્રકટીકરણ ૨૧:૫માં જણાવેલા આ શબ્દોનો અર્થ જોઈએ: “હું બધું નવું બનાવું છું.” બાઇબલના આ અધ્યાયમાં એ શબ્દો યહોવાનાં બે કામને બતાવે છે. પહેલું, યહોવા ‘જૂના આકાશ અને જૂની પૃથ્વીનો’ નાશ કરશે. બીજું, તે ‘નવા આકાશ અને નવી પૃથ્વી’ લાવશે. (પ્રકટી. ૨૧:૧) “જૂનું આકાશ” માણસોની સરકારોને બતાવે છે, જે શેતાન અને તેના દુષ્ટ દૂતોની મુઠ્ઠીમાં છે. (માથ. ૪:૮, ૯; ૧ યોહા. ૫:૧૯) બાઇબલમાં ઘણી વાર “પૃથ્વી” શબ્દ એમાં રહેતા લોકોને રજૂ કરે છે. (પુન. ૩૨:૧; ગીત. ૯૬:૧) આમ, “જૂની પૃથ્વી” આજના દુષ્ટ લોકોને બતાવે છે. એવું નથી કે યહોવા હમણાંનાં “આકાશ” અને ‘પૃથ્વીમાં’ સુધારા-વધારા કરશે. તે તેઓનો પૂરેપૂરો નાશ કરશે. પછી તેઓની જગ્યાએ યહોવા “નવું આકાશ અને નવી પૃથ્વી” લાવશે. એનો અર્થ થાય કે એક નવી સરકાર નેક લોકો પર રાજ કરશે.

૧૦. યહોવા શું નવું બનાવશે?

૧૦ યહોવા બીજું શું “નવું” બનાવશે? (પ્રકટી. ૨૧:૫) તે પૃથ્વીને નવી બનાવશે, એટલે કે ધરતીની રોનક પાછી લાવશે. યશાયાએ ભાખ્યું હતું તેમ, તે આખી ધરતીને એદન બાગ જેવી સુંદર બનાવી દેશે. યહોવા આપણને પણ નવા બનાવશે. એનો અર્થ શું થાય? તે આપણને તન-મનથી સાજા કરશે અને પાપની અસર મિટાવી દેશે. તે અપંગ, આંધળા અને બહેરા લોકોને સાજા કરશે. અરે, ગુજરી ગયેલા લોકોને પણ જીવતા કરશે.—યશા. ૨૫:૮; ૩૫:૧-૭.

“એ શબ્દો ભરોસાપાત્ર અને સાચા છે. . . . એ શબ્દો પૂરા થઈ ગયા છે!”

૧૧. યહોવાએ યોહાનને શું કરવાનું કહ્યું અને કેમ?

૧૧ ખાતરી કરાવવા યહોવાએ બીજું શું કહ્યું? તેમણે યોહાનને કહ્યું: “તું લખી લે, કેમ કે એ શબ્દો ભરોસાપાત્ર અને સાચા છે.” (પ્રકટી. ૨૧:૫) યહોવાએ ફક્ત એટલું જ ન કહ્યું કે “લખી લે,” એનું કારણ પણ જણાવ્યું. તેમણે કહ્યું: “કેમ કે એ શબ્દો ભરોસાપાત્ર અને સાચા છે.” કેટલું સારું કહેવાય કે યોહાને યહોવાની વાત માની અને તેમના શબ્દો “લખી” લીધા! પરિણામે, આપણે ઈશ્વરે આપેલા નવી દુનિયાના વચન વિશે વાંચી શકીએ છીએ અને ભાવિમાં મળનાર જોરદાર આશીર્વાદો પર વિચાર કરી શકીએ છીએ.

૧૨. “એ શબ્દો પૂરા થઈ ગયા છે!” એવું યહોવાએ કેમ કહ્યું?

૧૨ પછી યહોવા શું કહે છે? “એ શબ્દો પૂરા થઈ ગયા છે!” (પ્રકટી. ૨૧:૬) યહોવા એ રીતે વાત કરે છે, જાણે નવી દુનિયાનું વચન પૂરું થઈ ગયું હોય. તે એ રીતે વાત કરે એ યોગ્ય પણ છે, કેમ કે તેમને પોતાનો હેતુ પૂરો કરતા કંઈ જ રોકી શકતું નથી. યહોવા પોતાનું વચન પૂરું કરશે એવી ખાતરી કરાવવા તેમણે આગળ શું કહ્યું?

“હું આલ્ફા અને ઓમેગા છું”

૧૩. યહોવાએ કેમ કહ્યું: “હું આલ્ફા અને ઓમેગા છું”?

૧૩ અગાઉ જોઈ ગયા તેમ, યોહાનને દર્શન આપતી વખતે યહોવાએ ત્રણ વાર પોતે વાત કરી હતી. (પ્રકટી. ૧:૮; ૨૧:૫, ૬; ૨૨:૧૩) દર વખતે યહોવાએ કહ્યું: “હું આલ્ફા અને ઓમેગા છું.” ગ્રીક મૂળાક્ષરોમાં આલ્ફા પહેલો અને ઓમેગા છેલ્લો અક્ષર છે. પોતાના માટે “આલ્ફા અને ઓમેગા” શબ્દો વાપરીને તે કહેવા માંગતા હતા કે તે કોઈ કામ શરૂ કરે છે ત્યારે, એ પૂરું કરીને જ રહે છે.

જ્યારે યહોવા કોઈ કામ શરૂ કરે છે, ત્યારે એ પૂરું કરીને જ રહે છે (ફકરા ૧૪, ૧૭ જુઓ)

૧૪. (ક) દાખલો આપીને સમજાવો કે યહોવાએ ક્યારે “આલ્ફા” કહ્યું અને તે ક્યારે “ઓમેગા” કહેશે. (ખ) ઉત્પત્તિ ૨:૧-૩ના શબ્દોથી કઈ ખાતરી મળે છે?

૧૪ આદમ-હવાને બનાવ્યા પછી યહોવાએ જણાવ્યું કે આખી માણસજાત અને પૃથ્વી માટે તેમનો હેતુ કયો છે. બાઇબલમાં જણાવ્યું છે: “ઈશ્વરે તેઓને આશીર્વાદ આપ્યો અને કહ્યું: ‘તમને ઘણાં બાળકો થાઓ, તમે પુષ્કળ વધો, પૃથ્વીને ભરી દો અને એના પર અધિકાર ચલાવો.’” (ઉત. ૧:૨૮) એ સમયે યહોવાએ પહેલી વાર પોતાનો હેતુ જણાવ્યો. આમ જાણે તેમણે કહ્યું, “આલ્ફા.” સમય જતાં, તેમનો હેતુ પૂરો થશે. આદમ-હવાના વફાદાર વંશજોથી આખી પૃથ્વી ભરાઈ જશે અને તેઓ પૃથ્વીને સુંદર બનાવી દેશે. એ સમયે યહોવા જાણે કહેશે, “ઓમેગા.” “આકાશ, પૃથ્વી અને એમાંનું બધું જ” બનાવ્યા પછી યહોવાએ એવું કંઈક કહ્યું, જે ખાતરી આપે છે કે તેમનો હેતુ જરૂર પૂરો થશે. એ ઉત્પત્તિ ૨:૧-૩માં જોવા મળે છે. (વાંચો.) યહોવાએ સાતમા દિવસને પવિત્ર જાહેર કર્યો. એનો શું અર્થ થાય? એ જ કે માણસજાત અને પૃથ્વી માટેનો પોતાનો હેતુ પૂરો કરવા તેમણે સાતમા દિવસને અલગ ઠરાવ્યો. આમ, સાતમા દિવસને પવિત્ર ઠરાવીને તે જાણે કહી રહ્યા હતા કે સાતમો દિવસ પૂરો થશે ત્યાં સુધીમાં તેમનો હેતુ પૂરો થઈ ગયો હશે.

૧૫. શેતાનને કેમ એવું લાગ્યું હશે કે તે યહોવાને તેમનો હેતુ પૂરો કરતા રોકી શક્યો છે?

૧૫ આદમ-હવાએ બળવો કર્યો એ પછી તેઓ પાપી બન્યાં. તેઓએ પોતાના વંશજોને પાપ અને મરણ વારસામાં આપ્યાં. (રોમ. ૫:૧૨) એટલું જ નહિ, તેઓ હવે યહોવાની આજ્ઞાઓ પૂરી રીતે પાળી શકતાં ન હતાં. એટલે પાપની અસર ન હોય એવા વંશજોથી આખી પૃથ્વી ભરાઈ જાય, એ અશક્ય લાગતું હતું. એ કારણે કદાચ શેતાનને લાગ્યું હશે કે તે યહોવાને તેમનો હેતુ પૂરો કરતા રોકી શક્યો છે. પણ શું તે ખરેખર સફળ થયો હતો? શું હવે યહોવા કદી પણ “ઓમેગા” કહી શકશે? શેતાનને લાગ્યું હશે કે યહોવા બહુ કંઈ નહિ કરી શકે. તેણે વિચાર્યું હશે કે યહોવા આદમ-હવાને મારી નાખશે અને તેઓનાં બદલે બીજું એક યુગલ બનાવશે. એ યુગલમાં પાપ નહિ હોય અને તેઓ દ્વારા યહોવા માણસજાત માટેનો પોતાનો હેતુ પૂરો કરશે. પણ જો યહોવાએ એવું કર્યું હોત, તો શેતાને તેમના પર આરોપ મૂક્યો હોત કે તે જૂઠા છે. કેમ કે ઉત્પત્તિ ૧:૨૮માં જણાવ્યું છે તેમ, યહોવાએ આદમ-હવાને કહ્યું હતું કે તેઓના વંશજોથી આખી પૃથ્વી ભરાઈ જશે.

૧૬. શેતાન કેમ કહી શક્યો હોત કે યહોવા પોતાનો હેતુ પૂરો કરવામાં નિષ્ફળ ગયા છે?

૧૬ કદાચ શેતાનને લાગ્યું હશે કે યહોવા બીજો કોઈ રસ્તો કાઢશે. તેણે વિચાર્યું હશે કે યહોવા આદમ-હવાને જીવતાં રાખશે અને તેઓને બાળકો થવા દેશે. પણ એ બાળકોમાં પાપ ન હોય એવું બનવાનું ન હતું. (સભા. ૭:૨૦; રોમ. ૩:૨૩) તો એ કિસ્સામાં પણ શેતાન કહી શક્યો હોત કે યહોવા પોતાનો હેતુ પૂરો કરવામાં નિષ્ફળ ગયા છે. કેમ કે હવે ધરતી એવા લોકોથી ભરાવાની ન હતી, જેઓમાં પાપ ન હોય.

૧૭. શેતાન અને આદમ-હવાએ બળવો કર્યો, છતાં યહોવાએ કયો ઉપાય કાઢ્યો? એના લીધે શું થશે? (ચિત્ર પણ જુઓ.)

૧૭ શેતાન અને આદમ-હવાએ બળવો કર્યો, છતાં પોતાનો હેતુ પૂરો કરવા યહોવાએ એક જોરદાર ઉપાય કાઢ્યો. એ ઉપાય વિશે સાંભળીને શેતાનને આંચકો લાગ્યો હશે. (ગીત. ૯૨:૫) યહોવાએ આદમ-હવાને જીવતાં રાખ્યાં અને તેઓને બાળકો થવા દીધાં. આમ, યહોવાએ સાબિત કર્યું કે તે જૂઠા નહિ, સાચા છે. યહોવા નિષ્ફળ ગયા ન હતા, તે તો સફળ થયા હતા. પોતાનો હેતુ પૂરો કરવા તેમણે એક “વંશજની” ગોઠવણ કરી. એ વંશજ આદમ-હવાનાં વફાદાર બાળકો માટે પોતાનો જીવ બલિદાન તરીકે આપવાનો હતો અને તેઓને બચાવવાનો હતો. (ઉત. ૩:૧૫; ૨૨:૧૮) યહોવાએ કરેલી એ ગોઠવણ વિશે સાંભળીને તો શેતાનની બોલતી બંધ થઈ ગઈ હશે! શા માટે? કેમ કે યહોવાએ એ ગોઠવણ સ્વાર્થ વગરના પ્રેમને આધારે કરી હતી. (માથ. ૨૦:૨૮; યોહા. ૩:૧૬) પણ શેતાનની રગેરગમાં સ્વાર્થ વહે છે. યહોવાએ કરેલી એ ગોઠવણને લીધે શું થશે? ખ્રિસ્તના હજાર વર્ષના રાજને અંતે આદમ-હવાના વફાદાર વંશજોમાંથી પાપની અસર દૂર થઈ જશે અને તેઓ સુંદર પૃથ્વી પર સુખેથી જીવશે. એ જ તો યહોવાનો મૂળ હેતુ હતો! એ સમયે યહોવા જાણે કહેશે, “ઓમેગા.”

નવી દુનિયાના વચન પર કઈ રીતે આપણો ભરોસો વધારી શકીએ?

૧૮. આપણને ખાતરી કરાવવા યહોવાએ કયાં ત્રણ કારણો આપ્યાં છે? (“ યહોવાના વચનમાં ભરોસો મૂકવાનાં ત્રણ કારણો” બૉક્સ પણ જુઓ.)

૧૮ આ લેખમાં જોયું કે ધરતીને બાગ જેવી સુંદર બનાવવાનું યહોવાનું વચન એકદમ પાકું છે. પણ બીજાઓને કઈ રીતે એની ખાતરી કરાવી શકીએ? તેઓને ત્રણ કારણો બતાવી શકીએ. પહેલું, યહોવાએ પોતે એ વચન આપ્યું છે. પ્રકટીકરણના પુસ્તકમાં જણાવ્યું છે: “રાજ્યાસન પર જે બેઠા હતા, તેમણે કહ્યું: ‘જુઓ! હું બધું નવું બનાવું છું.’” યહોવા પાસે એટલી બુદ્ધિ અને શક્તિ છે કે તે પોતાનું વચન પૂરું કરી શકે છે અને એમ કરવાની તેમની તમન્‍ના પણ છે. બીજું, તેમને પાકો ભરોસો છે કે તેમનું વચન જરૂર પૂરું થશે. એટલે તે એ રીતે વાત કરે છે, જાણે એ વચન પૂરું થઈ ગયું હોય. તે કહે છે: “એ શબ્દો ભરોસાપાત્ર અને સાચા છે. . . . એ શબ્દો પૂરા થઈ ગયા છે!” ત્રીજું, જ્યારે યહોવા કોઈ કામ શરૂ કરે છે, ત્યારે એ પૂરું કરીને જ રહે છે. એટલે તેમણે કહ્યું: “હું આલ્ફા અને ઓમેગા છું.” યહોવા સાબિત કરશે કે શેતાન જૂઠો છે અને તે યહોવાને તેમનો હેતુ પૂરો કરતા રોકી શકતો નથી.

૧૯. કોઈને નવી દુનિયાના વચનમાં માનવું અઘરું લાગતું હોય તો તમે શું કરી શકો?

૧૯ નવી દુનિયાનું વચન જરૂર પૂરું થશે એની ખાતરી કરાવવા યહોવાએ જે કહ્યું છે, એને યાદ રાખો. એ વિશે પ્રચારમાં લોકોને જણાવતા રહો. એમ કરવાથી યહોવાનાં વચનોમાં તમારો ભરોસો વધશે. સાચે જ, પ્રકટીકરણ ૨૧:૪માં આપેલા નવી દુનિયાના વચનથી કેટલું ઉત્તેજન અને દિલાસો મળે છે! હવે પ્રચારમાં એ વચન વાંચ્યા પછી જો કોઈ કહે, “સાંભળવામાં તો સારું લાગે છે, પણ આવું કદી ના બને,” તો તમે શું કરી શકો? તેમને કલમો ૫ અને ૬ વાંચી આપો અને એનો અર્થ સમજાવો. પછી તેમને બતાવો કે એ વચન પૂરું થશે એવી ખાતરી યહોવાએ પોતે આપી છે, જાણે એ વચન નીચે પોતાની સહી કરી છે.—યશા. ૬૫:૧૬.

ગીત ૧૯ નવી દુનિયાનું વચન

a આખી ધરતીને બાગ જેવી સુંદર બનાવવાનું પોતાનું વચન યહોવા જરૂર પૂરું કરશે. આ લેખમાં જોઈશું કે યહોવાએ એ ખાતરી કઈ રીતે આપી છે. જ્યારે પણ એ ખાતરી વિશે બીજાઓને જણાવીએ છીએ, ત્યારે યહોવાનાં વચનોમાં આપણો ભરોસો વધે છે.

b પ્રકટીકરણ—એની ભવ્ય પરાકાષ્ઠા હાથવેંતમાં છે! પાન ૩૦૩, ફકરા ૮-૯ જુઓ.