યહોવા પર ભરોસો રાખો અને જીવન મેળવો!
“તારા ખરા હૃદયથી યહોવા પર ભરોસો રાખ, અને તારી પોતાની જ અક્કલ પર આધાર ન રાખ.”—નીતિ. ૩:૫.
૧. શા માટે બધાને દિલાસાની જરૂર પડે છે?
આપણને બધાને દિલાસાની જરૂર છે. ચિંતા, નિરાશા અને મુશ્કેલીના વાદળો ઘેરાયા હોય ત્યારે, રાહતના બે બોલ સાંભળવા કોને ન ગમે! કદાચ આપણે બીમારી, ઘડપણ કે સ્નેહીજનના મરણને લીધે દુઃખી હોઈએ. આપણામાંથી અમુક સાથે ખરાબ વ્યવહાર થતો હોય. અધૂરામાં પૂરું, લોકો વધારે હિંસક બની ગયા છે. ‘સંકટના સમયો’ સાબિતી આપે છે કે આપણે “છેલ્લા દિવસોમાં” જીવી રહ્યા છીએ. દિવસે દિવસે આપણે નવી દુનિયાની વધારે નજીક જઈ રહ્યા છીએ. (૨ તિમો. ૩:૧) બની શકે કે, આપણે ઘણી મુશ્કેલીમાં હોઈએ અને લાંબા સમયથી યહોવાનાં વચનો પૂરાં થવાની રાહ જોતા હોઈએ. આપણને ક્યાંથી દિલાસો કે રાહત મળી શકે?
૨, ૩. (ક) હબાક્કૂક વિશે આપણી પાસે કઈ માહિતી છે? (ખ) આપણે શા માટે હબાક્કૂકના પુસ્તક પર ધ્યાન આપવું જોઈએ?
૨ ચાલો આપણે હબાક્કૂકના પુસ્તકમાં નજર નાખીએ. હબાક્કૂક નામનો અર્થ ‘પ્રેમથી ભેટવું’ થઈ શકે. એ કદાચ યહોવા આપણને જે રીતે દિલાસો આપે છે એને દર્શાવે છે. જાણે તે આપણને પ્રેમથી ભેટે છે, બાથમાં લે છે. અથવા આપણે યહોવાને જે રીતે વળગી રહીએ છીએ, એને પણ દર્શાવી શકે. શાસ્ત્રમાં હબાક્કૂકના જીવન વિશે બહુ કંઈ જણાવ્યું નથી. પણ એ પુસ્તકથી આપણને ઘણું ઉત્તેજન મળે છે. હબાક્કૂકે ઈશ્વર સાથે વાત કરી હતી, અમુક સવાલો પૂછ્યા હતા. યહોવાએ તેમને જવાબ આપ્યો હતો. એ અહેવાલ તેમણે હબાક્કૂક પાસે લખાવી લીધો, જેથી આપણને ફાયદો થાય.—હબા. ૨:૨.
૩ યહોવા અને નિરાશામાં ડૂબેલા હબાક્કૂક વચ્ચેની વાતચીત આ પુસ્તકમાં નોંધેલી છે. બાઇબલમાં હબાક્કૂક વિશે આટલી જ માહિતી છે. બાઇબલમાં “જે કંઈ અગાઉ લખવામાં આવ્યું હતું,” એનો એ ભાગ છે. એ “આપણને ધીરજ રાખવા મદદ કરે છે અને દિલાસો આપે છે, જેથી આપણને આશા મળે.” (રોમ. ૧૫:૪) આપણને દરેકને હબાક્કૂકના પુસ્તકથી શું શીખવા મળે છે? એ જ કે, યહોવામાં ભરોસો મૂકવાનો શો અર્થ થાય. હબાક્કૂકની ભવિષ્યવાણીથી આપણને આવી ખાતરી પણ મળે છે: ગમે એવી તકલીફ કે સતાવણીમાં પણ આપણે મન શાંત રાખી શકીએ છીએ.
યહોવાને પ્રાર્થના કરો
૪. હબાક્કૂક શા માટે નિરાશામાં ડૂબી ગયા હતા?
૪ હબાક્કૂક ૧:૨, ૩ વાંચો. હબાક્કૂક ઘણા કપરા સમયમાં જીવી રહ્યા હતા. તેમની આસપાસના લોકો હિંસક અને દુષ્ટ હતા. એટલે તે નિરાશામાં ડૂબી ગયા હતા. જ્યાં જુઓ ત્યાં ઇઝરાયેલીઓ એકબીજા સાથે જોરજુલમ અને અન્યાયથી વર્તતા હતા. તેમને થતું હશે: ‘આ દુષ્ટતાનો ક્યારે અંત આવશે? યહોવા શા માટે મોડું કરી રહ્યા છે?’ તેમને લાગતું કે પોતે લાચાર થઈ ગયા છે. તેમણે યહોવાને કાલાવાલા કર્યા. હબાક્કૂક કદાચ વિચારવા લાગ્યા હશે કે, યહોવાને પોતાના લોકોની કંઈ પડી નથી અથવા તે મોડું કરી રહ્યા છે. શું તમને પણ ક્યારેય હબાક્કૂક જેવું લાગ્યું છે?
૫. હબાક્કૂકના પુસ્તકમાંથી આપણે શું શીખી શકીએ? (શરૂઆતનું ચિત્ર જુઓ.)
૫ હબાક્કૂકને કેમ એવા સવાલો થયા હતા? શું હબાક્કૂકને યહોવા અને તેમનાં વચનોમાં ભરોસો ન હતો? ના, એવું ન હતું! હબાક્કૂક તો પોતાની શંકાઓ અને તકલીફો માટે યહોવાની મદદ માંગી રહ્યા હતા. એ બતાવે છે કે તેમને હજીયે યહોવામાં ભરોસો હતો. તે ઘણી ચિંતામાં અને મૂંઝવણમાં હતા. તે સમજી ન શક્યા કે યહોવા શા માટે આટલી રાહ જોઈ રહ્યા છે. તેમણે શા માટે તકલીફો ચાલવા દીધી છે. હબાક્કૂકને પોતાની ચિંતાઓ વિશે લખવા યહોવાએ પ્રેરણા આપી. એમાંથી આપણને બોધપાઠ મળે છે. યહોવા ચાહે છે કે આપણે પોતાની ચિંતાઓ અને શંકાઓ ગભરાયા વગર તેમને જણાવીએ. યહોવા ઇચ્છે છે કે પ્રાર્થનામાં આપણે પોતાની લાગણીઓ ઠાલવીએ. (ગીત. ૫૦:૧૫; ૬૨:૮) નીતિવચનો ૩:૫ આપણને બધાને ઉત્તેજન આપે છે, “તારા ખરા હૃદયથી યહોવા પર ભરોસો રાખ, અને તારી પોતાની જ અક્કલ પર આધાર ન રાખ.” હબાક્કૂક એ શબ્દો પ્રમાણે જીવ્યા હતા.
૬. પ્રાર્થના કરવી શા માટે મહત્ત્વનું છે?
૬ હબાક્કૂકને યહોવા પર ભરોસો હતો, જે તેમના મિત્ર અને પિતા હતા. એટલે જ યહોવા સાથેનો સંબંધ મજબૂત કરવા તેમણે પહેલ કરી. હબાક્કૂક મુશ્કેલીને લઈને ચિંતામાં હતા. પણ જાતે એ હલ કરવાને બદલે તેમણે પ્રાર્થનામાં પોતાની લાગણીઓ યહોવાને જણાવી. આપણા માટે કેવો સરસ દાખલો! યહોવા ચાહે છે કે આપણે તેમને પ્રાર્થના કરીએ અને આપણી ચિંતાઓ જણાવીએ. આમ, આપણે બતાવી શકીએ કે પ્રાર્થના સાંભળનાર ઈશ્વર પર આપણને પૂરો ભરોસો છે. (ગીત. ૬૫:૨) પછી જોઈ શકીશું કે યહોવા કઈ રીતે આપણી પ્રાર્થનાઓનો જવાબ આપે છે. તે આપણને દિલાસો અને માર્ગદર્શન આપે છે ત્યારે, જાણે તે આપણને પ્રેમથી ભેટી રહ્યા હોય એવું લાગે છે. (ગીત. ૭૩:૨૩, ૨૪) ભલે આપણે ગમે તેવી સતાવણીમાં હોઈએ, યહોવાને આપણી ચિંતા છે. એ વાત સારી રીતે સમજવા તે આપણને મદદ કરે છે. સાચે જ, પ્રાર્થના એક એવી રીત છે, જેનાથી આપણે યહોવામાં પૂરો ભરોસો બતાવી શકીએ છીએ.
યહોવાનું સાંભળો
૭. હબાક્કૂકે પોતાની ચિંતાઓ કહી ત્યારે યહોવાએ શું જણાવ્યું?
૭ હબાક્કૂક ૧:૫-૭ વાંચો. હબાક્કૂકે પોતાની ચિંતાઓ યહોવાને જણાવી. પછી તેમને થયું હશે કે યહોવા કેવો જવાબ આપશે. એક પ્રેમાળ પિતા તરીકે યહોવા હબાક્કૂકની લાગણીઓ સમજતા હતા. એટલે યહોવાએ તેમને ઠપકો ન આપ્યો. તે જાણતા હતા કે, હબાક્કૂક ઘણું સહન કરી રહ્યા છે અને મદદ માટે પોકારી રહ્યા છે. તેમણે જણાવ્યું કે તે જલદી જ બેવફા યહુદીઓને સજા કરશે. કદાચ હબાક્કૂક પહેલી એવી વ્યક્તિ હતા, જેમને યહોવાએ એ સજા વિશે જણાવ્યું હતું.
૮. યહોવાનો જવાબ સાંભળીને હબાક્કૂકને કેવું લાગ્યું હશે? શા માટે?
૮ યહોવાએ હબાક્કૂકને સમજાવ્યું કે તે જલદી જ પગલાં ભરશે. યહુદાના હિંસક અને દુષ્ટ લોકોને સજા આપવા તે બાબેલોનીઓનો (ખાલદીઓનો) ઉપયોગ કરશે. યહોવાએ જણાવ્યું કે એ “તમારા સમયમાં” થશે. એ શબ્દોનો શો અર્થ થાય? હબાક્કૂક અથવા એ સમયના ઇઝરાયેલીઓ જીવતા હશે ત્યારે એવું થશે. હબાક્કૂકે ધાર્યું ન હતું કે યહોવા આવો જવાબ આપશે. ઇઝરાયેલીઓ યહોવાનાં ધોરણો જાણતા તો હતા. જ્યારે કે બાબેલોનીઓ ઇઝરાયેલીઓ કરતાં વધારે હિંસક અને ક્રૂર હતા. તો યહોવાએ શા માટે પોતાના લોકોને સજા કરવા જૂઠા દેવોને ભજતા લોકોનો ઉપયોગ કર્યો? એનાથી તો યહુદાના લોકોની a મુશ્કેલીઓ વધી જવાની હતી. જો તમે હબાક્કૂકની જગ્યાએ હોત તો તમને કેવું લાગ્યું હોત?
૯. હબાક્કૂકે બીજા કયા સવાલો પૂછ્યા હતા?
૯ હબાક્કૂક ૧:૧૨-૧૪, ૧૭ વાંચો. દુષ્ટ લોકોને સજા આપવા યહોવા બાબેલોનીઓનો ઉપયોગ કરવાના હતા. હબાક્કૂક એ સમજી ગયા પણ હજી મૂંઝવણમાં હતા. પણ નમ્ર હોવાથી તેમણે નક્કી કર્યું હતું કે તે યહોવા પર ભરોસો રાખશે. અરે, હજુ પણ તે યહોવાને પોતાનો “ખડક” માનતા હતા. (પુન. ૩૨:૪; યશા. ૨૬:૪) હબાક્કૂક જાણતા હતા કે યહોવા પ્રેમાળ અને દયાળુ ઈશ્વર છે. એટલા માટે, તે યહોવાને વધારે સવાલો પૂછતા ગભરાયા નહિ. જેમ કે, યહોવાએ શા માટે યહુદાના સંજોગો વધારે બગડવા દીધા? ત્યાંના લોકોએ કેમ વધારે સહેવું પડ્યું? યહોવા કેમ તરત પગલાં ભરતાં નથી? શા માટે યહોવા ‘શાંત રહે’ છે અને દુષ્ટતાને ચાલવા દે છે? આવા સવાલો થવા સ્વાભાવિક છે. કેમ કે યહોવા તો “પવિત્ર ઈશ્વર” છે અને તેમની ‘આંખો એવી પવિત્ર છે કે દુષ્ટતાને જોઈ શકતી નથી.’
૧૦. આપણને પણ હબાક્કૂક જેવું શા માટે લાગી શકે?
૧૦ અમુક વાર આપણને પણ હબાક્કૂક જેવું લાગી શકે. આપણે યહોવાનું સાંભળીએ છીએ. આપણને તેમનામાં ભરોસો છે. બાઇબલ વાંચીએ છીએ, એનો અભ્યાસ કરીએ છીએ. આમ, આપણી આશા મજબૂત થાય છે. આપણે યહોવાના સંગઠનની વાત સાંભળીએ છીએ, એ તો જાણે યહોવાની વાત સાંભળવા બરાબર છે. તેમ છતાં, આપણા મનમાં વિચાર આવે કે, ‘આપણી સતાવણીઓનો અંત ક્યારે આવશે?’ ચાલો જોઈએ કે હબાક્કૂકે આગળ શું કર્યું. એમાંથી આપણને ઘણું શીખવા મળે છે.
યહોવા પગલાં ભરે ત્યાં સુધી ધીરજ રાખો
૧૧. હબાક્કૂકે કેવો દૃઢ નિર્ણય કર્યો હતો?
૧૧ હબાક્કૂક ૨:૧ વાંચો. યહોવા સાથેની વાતચીતથી હબાક્કૂકને મનની શાંતિ મળી. તેમણે નક્કી કર્યું કે યહોવા પગલાં ભરે ત્યાં સુધી પોતે રાહ જોશે. પોતાના દૃઢ નિર્ણય વિશે તેમણે ફરીથી કહ્યું: ‘હું એ સંકટના સમયે પણ ધીરજ રાખીશ.’ (હબા. ૩:૧૬) યહોવા પગલાં ભરે એની બીજા ઈશ્વરભક્તોએ પણ ધીરજથી રાહ જોઈ હતી. તેઓના દાખલા પરથી આપણને શું ઉત્તેજન મળે છે? એ જ કે, યહોવા પગલાં ભરે એની આપણે રાહ જોવી જોઈએ.—મીખા. ૭:૭; યાકૂ. ૫:૭, ૮.
૧૨. હબાક્કૂક પાસેથી આપણે શું શીખી શકીએ?
૧૨ હબાક્કૂક પાસેથી આપણે શું શીખી શકીએ? પહેલું, આપણે ક્યારેય યહોવાને પ્રાર્થના કરવાનું અને તકલીફો જણાવવાનું બંધ ન કરીએ. બીજું, બાઇબલ અને સંગઠન દ્વારા યહોવા આપણને ઘણું શીખવે છે. આપણે એ ધ્યાનથી સાંભળવાની જરૂર છે. ત્રીજું, યહોવા પગલાં ભરે ત્યાં સુધી આપણે ધીરજથી રાહ જોઈએ. ઉપરાંત, ભરોસો રાખીએ કે યોગ્ય સમયે તે આપણી દુઃખ-તકલીફો દૂર કરશે. જો આપણે હબાક્કૂકને અનુસરીશું, તો આપણા દિલને રાહત મળશે અને દુઃખ-તકલીફો સહન કરવા તૈયાર હોઈશું. પછી ભલે પહાડ જેવી મુશ્કેલી આવે, આપણે આશા ગુમાવીશું નહિ પણ ધીરજ રાખીશું અને ખુશ રહી શકીશું.—રોમ. ૧૨:૧૨.
૧૩. યહોવાએ કઈ રીતે હબાક્કૂકને દિલાસો આપ્યો?
૧૩ હબાક્કૂક ૨:૩ વાંચો. હબાક્કૂકે નક્કી કર્યું હતું કે યહોવા પગલાં ભરે એની તે રાહ જોશે. એ જોઈને યહોવા ચોક્કસ ખુશ થયા હશે. હબાક્કૂકની મુશ્કેલીઓ યહોવા સારી રીતે જાણતા હતા. તેથી, યહોવાએ તેમને દિલાસો આપ્યો અને પ્રેમથી ખાતરી કરાવી કે તે જલદી જ તેમની ચિંતાઓનો ઉકેલ લાવશે. જાણે હબાક્કૂકને તે કહી રહ્યા હતા: ‘ધીરજ રાખ અને મારા પર ભરોસો મૂક. ભલે એવું લાગે કે મોડું થઈ રહ્યું છે પણ હું તારી પ્રાર્થનાઓનો ચોક્કસ જવાબ આપીશ.’ યહોવાએ વચનો પૂરાં કરવાનો સમય નક્કી કરી લીધો હતો. તેમણે હબાક્કૂકને એ યાદ અપાવ્યું અને રાહ જોવા ઉત્તેજન આપ્યું. એટલે હબાક્કૂક નિરાશ થયા નહિ.
૧૪. અઘરા સંજોગોમાં હોઈએ ત્યારે આપણે શું કરવું જોઈએ?
૧૪ યહોવા પગલાં ભરે એની આપણે રાહ જોવી જોઈએ. તે જે કહે છે એ ધ્યાનથી સાંભળવું જોઈએ. પછી ગમે તેવી મુશ્કેલીમાં પણ આપણે યહોવા પર ભરોસો રાખી શકીશું અને આપણને મનની શાંતિ મળશે. ઈસુએ ઉત્તેજન આપ્યું હતું કે આપણે “સમયો અથવા દિવસો” પર ધ્યાન ન આપીએ. એ વિશે યહોવા સિવાય બીજું કોઈ જાણતું નથી. (પ્રે.કા. ૧:૭) આપણને ભરોસો હોવો જોઈએ કે યહોવા ખરા સમયે પગલાં ભરશે. તેથી, આપણે હિંમત ન હારીએ પણ નમ્ર બનીએ, ધીરજ રાખીએ અને ઈશ્વરમાં શ્રદ્ધા બતાવીએ. આપણે રાહ જોઈએ તેમ, યહોવાની સેવા માટે સમય કાઢીએ અને બનતી બધી મહેનત કરીએ.—માર્ક ૧૩:૩૫-૩૭; ગલા. ૬:૯.
યહોવા પર ભરોસો રાખે છે, તેઓને તે જીવન આપે છે
૧૫, ૧૬. (ક) હબાક્કૂકના પુસ્તકમાં કયા વચનો જોવા મળે છે? (ખ) એમાંથી આપણને શું શીખવા મળે છે?
૧૫ યહોવાએ આ વચનો આપ્યાં છે: ‘ન્યાયી માણસ પોતાની શ્રદ્ધાથી જીવશે.’ “યહોવાના મહિમાના જ્ઞાનથી પૃથ્વી ભરપૂર થઈ જશે.” (હબા. ૨:૪, ૧૪) જેઓ ધીરજ રાખશે અને યહોવા પર ભરોસો મૂકશે, તેઓને તે હંમેશ માટેનું જીવન આપશે.
૧૬ હબાક્કૂક ૨:૪માં આપેલા વચન પર વિચાર કરો. પ્રેરિત પાઊલે પોતાના પત્રમાં ત્રણ વખત આનો ઉલ્લેખ કર્યો. એટલે સમજી શકાય કે એ વચન કેટલું મહત્ત્વનું છે. (રોમ. ૧:૧૭; ગલા. ૩:૧૧; હિબ્રૂ. ૧૦:૩૮) આપણે યહોવામાં શ્રદ્ધા રાખવી જોઈએ અને તેમને વફાદાર રહેવું જોઈએ. જો એમ કરીશું તો તેમનું દરેક વચન પૂરું થશે એવી ખાતરી રાખી શકીશું. ગમે તેવી મુશ્કેલીમાં પણ આવી ખાતરી આપણને મદદ કરશે. યહોવા ચાહે છે કે આપણે ભવિષ્યની આશાને હંમેશાં નજર સામે રાખીએ.
૧૭. આપણે યહોવા પર ભરોસો મૂકીશું તો તે કેવા આશીર્વાદો વરસાવશે?
૧૭ આજે આપણે છેલ્લા દિવસોમાં જીવી રહ્યા છીએ. હબાક્કૂકના પુસ્તકમાંથી આપણને ઘણું શીખવા મળે છે. યહોવામાં ભરોસો રાખનાર નેક માણસને તે હંમેશ માટેના જીવનનું વચન આપે છે. આજે આપણા જીવનમાં ઘણી મુશ્કેલીઓ અને ચિંતાઓ છે. તોપણ, આપણે યહોવામાં ભરોસો મજબૂત કરતા રહેવું જોઈએ. યહોવાએ હબાક્કૂકની પ્રાર્થનાઓનો જવાબ આપ્યો હતો. એનાથી ખાતરી મળે છે કે તે આપણને પણ મદદ કરશે, બચાવશે. તે આપણને તેમના પર ભરોસો રાખવાનું જણાવે છે. તે ચાહે છે કે નક્કી કરેલા સમયે પૃથ્વી પર તેમનું રાજ્ય આવે ત્યાં સુધી આપણે ધીરજથી રાહ જોઈએ. એ સમયે પૃથ્વી યહોવાના ભક્તોથી ભરાઈ જશે. તેઓ ખુશ અને નમ્ર હશે.—માથ. ૫:૫; હિબ્રૂ. ૧૦:૩૬-૩૯.
યહોવામાં ભરોસો રાખો અને ખુશ રહો
૧૮. યહોવાના શબ્દોની હબાક્કૂક પર કેવી અસર પડી?
૧૮ હબાક્કૂક ૩:૧૬-૧૯ વાંચો. યહોવાએ જે કહ્યું એની હબાક્કૂક પર ખૂબ સારી અસર પડી. યહોવાએ પોતાના ભક્તો માટે અગાઉ જે અદ્ભુત બાબતો કરી હતી એના પર હબાક્કૂકે મનન કર્યું. એનાથી યહોવા પર તેમનો ભરોસો વધુ મજબૂત થયો. તેમને પાકી ખાતરી હતી કે યહોવા જલદી જ પગલાં ભરશે. એનાથી તેમના દિલને ટાઢક વળી. તે જાણતા હતા કે તેમની સતાવણીઓ થોડા સમય માટે જ હશે. હવે તેમના મનમાં કોઈ શંકા ન હતી. તેમને પૂરો ભરોસો હતો કે યહોવા તેમને બચાવશે. બાઇબલમાં અનેક જગ્યાએ ભરોસા વિશે સુંદર શબ્દો જણાવવામાં આવ્યા છે. હબાક્કૂકે ૧૮મી કલમમાં પણ એવા શબ્દો વાપર્યા છે. ઘણા વિદ્વાનો બીજા શબ્દોમાં એ વિશે આમ કહે છે: ‘હું યહોવામાં ખુશીથી કૂદીશ; હું ઈશ્વરમાં આનંદથી ઝૂમીશ.’ યહોવાએ આપણને ભાવિ માટે સુંદર વચનો આપ્યાં છે. સાથે સાથે ખાતરી આપે છે કે એ વચનો પૂરાં કરવાં તે હમણાં પગલાં ભરી રહ્યાં છે. કેટલો સરસ બોધપાઠ!
૧૯. હબાક્કૂકની જેમ, આપણને કઈ રીતે યહોવા પાસેથી દિલાસો મળે છે?
૧૯ હબાક્કૂકના પુસ્તકમાંથી આપણને આ મહત્ત્વની બાબત શીખવા મળે છે: યહોવામાં ભરોસો મૂકીએ. (હબા. ૨:૪) યહોવામાં ભરોસો મૂકવા આપણે તેમની સાથેનો સંબંધ મજબૂત કરતા રહેવાની જરૂર છે. આ ત્રણ બાબતો પર ધ્યાન આપીએ: (૧) યહોવાને પ્રાર્થના કરતા રહીએ, આપણી ચિંતાઓ અને મુશ્કેલીઓ જણાવતા રહીએ. (૨) યહોવા બાઇબલ દ્વારા જે કહે છે એ સાંભળીએ. સંગઠન દ્વારા જે માર્ગદર્શન આપે છે એ સ્વીકારીએ. (૩) શ્રદ્ધા રાખીએ અને ધીરજથી રાહ જોઈએ કે યહોવા વચનો પૂરાં કરશે. હબાક્કૂકે એવું જ કર્યું હતું. યહોવા સાથે વાતચીત શરૂ કરી ત્યારે તે નિરાશામાં ડૂબેલા હતા. પણ વાતચીતના અંતે, તેમને ઘણો દિલાસો મળ્યો. તેમને સાચી ખુશી મળી! આપણે હબાક્કૂકને પગલે ચાલવું જોઈએ. જો એમ કરીશું, તો આપણને લાગશે કે પિતા યહોવા આપણને પ્રેમથી ભેટી રહ્યા છે અને દિલાસો આપી રહ્યા છે. આ દુષ્ટ દુનિયામાં આનાથી વધારે દિલાસો આપણને બીજે ક્યાંથી મળી શકે!
a હબાક્કૂક ૧:૫માં “તમે” શબ્દ વાપર્યો છે. એ બતાવે છે કે યહુદાના બધા લોકો પર વિનાશ આવવાનો હતો.