“એકબીજાને દરરોજ ઉત્તેજન આપતા રહો”
“લોકોને ઉત્તેજન આપવા જો તમારી પાસે કોઈ વાત હોય, તો જણાવો.”—પ્રે.કા. ૧૩:૧૫.
ગીતો: ૫૩, ૪૫
૧, ૨. બીજાઓને ઉત્તેજન આપવું શા માટે જરૂરી છે?
ક્રિસ્ટીના ૧૮ વર્ષની છે. [1] તે કહે છે: ‘મારાં મમ્મી-પપ્પા ભાગ્યે જ મને ઉત્તેજન આપે છે. તેઓને તો બસ મારા વાંક દેખાય છે. તેઓના શબ્દો મારું હૈયું વીંધી નાંખે છે. તેઓ કહે છે કે મને કશાની સમજ નથી, હું ક્યારેય કશું શીખીશ નહિ અને હું બહુ જાડી છું. તેથી, હું ઘણી વાર રડી પડું છું અને તેઓ સાથે વાત કરવાનું ટાળું છું. મને લાગે છે કે હું એકદમ નકામી છું.’ જોઈ શકાય કે, બીજાઓ આપણને ઉત્તેજન ન આપે ત્યારે, જીવન વધુ અઘરું બની જાય છે.
૨ જરા વિચારો, બીજાઓને ઉત્તેજન આપીને આપણે તેઓની ઘણી મદદ કરી શકીએ છીએ. ભાઈ રૂબેન જણાવે છે: ‘હું વર્ષોથી નકામાપણાની લાગણી સામે લડતો આવ્યો છું. પણ, એક દિવસે પ્રચારમાં એક વડીલ તરફથી મને ઉત્તેજન મળ્યું. તેમને ખ્યાલ આવ્યો કે મારો દિવસ ખરાબ ગયો હતો. મેં તેમની આગળ મારું દિલ ઠાલવ્યું ત્યારે, તેમણે ધ્યાનથી સાંભળ્યું અને મને સહાનુભૂતિ બતાવી. પછી, જે પાસામાં હું સારું કરી રહ્યો હતો એ વિશે મને યાદ અપાવ્યું. તેમણે મને ઈસુના એ શબ્દો પણ યાદ અપાવ્યા કે, ઘણી ચકલીઓ કરતાં આપણે દરેક ખૂબ મૂલ્યવાન છીએ. હું ઘણી વખત એ કલમને યાદ કરું છું અને એ માથ. ૧૦:૩૧.
શબ્દો આજે પણ મારા દિલને સ્પર્શી જાય છે. વડીલના એ પ્રેમાળ શબ્દોથી મારા વિચારોમાં ઘણો મોટો ફરક આવ્યો.’—૩. (ક) બીજાઓને ઉત્તેજન આપવા વિશે પ્રેરિત પાઊલે શું કહ્યું હતું? (ખ) આ લેખમાં આપણે કયા સવાલોની ચર્ચા કરીશું?
૩ બાઇબલ જણાવે છે કે, આપણે બધાએ એકબીજાને ઉત્તેજન આપતા રહેવું જોઈએ. હિબ્રૂ ભાઈ-બહેનોને પ્રેરિત પાઊલે લખ્યું: “ભાઈઓ, સાવધ રહો કે ક્યારેય જીવંત ઈશ્વરથી દૂર જવાને લીધે તમારામાંથી કોઈનું દિલ એવું દુષ્ટ ન બને જેમાં શ્રદ્ધા ઓછી થઈ જાય; પરંતુ, . . . એકબીજાને દરરોજ ઉત્તેજન આપતા રહો. જેથી પાપની ભમાવનારી તાકાત તમારામાંથી કોઈને કઠોર ન બનાવે.” (હિબ્રૂ. ૩:૧૨, ૧૩) કોઈકે તમને ઉત્તેજન આપ્યું હતું ત્યારે તમને કેવું લાગ્યું હતું, એ યાદ રાખવાથી બીજાઓને ઉત્તેજન આપવા તમને પ્રેરણા મળશે. તેથી, ચાલો આ સવાલો પર વિચાર કરીએ: ઉત્તેજન આપવું શા માટે જરૂરી છે? યહોવા, ઈસુ અને પાઊલે જે રીતે બીજાઓને ઉત્તેજન આપ્યું, એમાંથી આપણે શું શીખી શકીએ? આપણે કઈ રીતોએ એકબીજાને ઉત્તેજન આપી શકીએ?
બધાને ઉત્તેજનની જરૂર છે
૪. કોને કોને ઉત્તેજનની જરૂર છે? આજે મોટા ભાગના લોકો શા માટે બીજાઓને ઉત્તેજન આપતા નથી?
૪ આપણને બધાને ઉત્તેજનની જરૂર છે. ખાસ કરીને, બાળકોને. તિમોથી ઈવાન્સ નામના એક શિક્ષક જણાવે છે: ‘જેમ છોડને પાણીની જરૂર હોય છે, તેમ બાળકોને ઉત્તેજનની જરૂર હોય છે. ઉત્તેજન આપવાથી બાળક મહેસૂસ કરે છે કે પોતે મૂલ્યવાન છે અને પ્રશંસાને પાત્ર છે.’ બાઇબલ જણાવે છે કે, આપણે “છેલ્લા દિવસોમાં” જીવીએ છીએ. તેથી, ઘણા લોકો સ્વાર્થી અને “પ્રેમભાવ વગરના” છે. (૨ તિમો. ૩:૧-૫) અમુક માતા-પિતા પોતાનાં બાળકોને ઉત્તેજન આપતા નથી, કારણ કે તેઓને પોતાનાં માતા-પિતા પાસેથી ઉત્તેજન મળ્યું ન હતું. બાળકોને જ નહિ, મોટાઓને પણ ઉત્તેજનની જરૂર છે. પરંતુ, ઘણી વખત તેઓને એ મળતું નથી. દાખલા તરીકે, ઘણા લોકો ફરિયાદ કરતા હોય છે કે, નોકરી-ધંધાની જગ્યાએ તેઓના કામની ક્યારેય પ્રશંસા કરવામાં આવતી નથી.
૫. આપણે કઈ રીતે બીજાઓને ઉત્તેજન આપી શકીએ?
૫ કોઈ વ્યક્તિ કશું સારું કરે ત્યારે, શાબાશી આપીને આપણે તેને ઉત્તેજન આપી શકીએ. બીજાઓના સારા ગુણના વખાણ કરીને અને તેઓ દુઃખી કે નિરાશ હોય ત્યારે, દિલાસો આપીને પણ આપણે તેઓને ઉત્તેજન આપી શકીએ. (૧ થેસ્સા. ૫:૧૪) આપણે ઘણો સમય ભાઈ-બહેનો સાથે વિતાવીએ છીએ. તેથી, તેઓને ઉત્તેજનભર્યા શબ્દો કહેવાની આપણને ઘણી તક મળે છે. (સભાશિક્ષક ૪:૯, ૧૦ વાંચો.) સારું થશે કે આપણે આવા સવાલો પર વિચાર કરીએ: “શું હું બીજાઓને જણાવું છું કે, હું શા માટે તેઓને પ્રેમ કરું છું અને અનમોલ ગણું છું? એમ કરવાની દરેક તક શું હું ઝડપી લઉં છું?” બાઇબલના આ શબ્દોને મનમાં રાખો: “વખતસર બોલેલો શબ્દ કેવો સારો છે!”—નીતિ. ૧૫:૨૩.
૬. શેતાન શા માટે લોકોને નિરાશ કરવા માંગે છે? એક કિસ્સો જણાવો.
૬ નીતિવચનો ૨૪:૧૦ જણાવે છે: “જો તું સંકટને દિવસે નાહિમ્મત થઈ જાય, તો તારું બળ થોડું જ છે.” શેતાન આપણને નિરાશ કરવા માંગે છે. તે જાણે છે કે જો આપણે નિરાશ થઈ જઈશું, તો યહોવા સાથેના આપણા સંબંધને કમજોર બનાવવામાં તે સફળ થઈ શકશે. અયૂબ પર ભારે મુસીબતો લાવીને તેણે તેમને નિરાશામાં ધકેલવાનો પ્રયત્ન કર્યો હતો. પણ, તેની ચાલ કામયાબ ન થઈ. અયૂબ તો યહોવાને વળગી રહ્યા. (અયૂ. ૨:૩; ૨૨:૩; ૨૭:૫) આપણે પણ શેતાનની સામે લડી શકીએ છીએ અને તેને હરાવી શકીએ છીએ. જો આપણે કુટુંબીજનોને, મિત્રોને અને મંડળનાં ભાઈ-બહેનોને ઉત્તેજન આપતા રહીશું, તો ખુશ રહેવા અને યહોવાને વળગી રહેવા એકબીજાને મદદ કરી શકીશું.
અનુકરણ કરવા માટે સારા દાખલાઓ
૭, ૮. (ક) યહોવાએ કઈ રીતે લોકોને ઉત્તેજન આપ્યું છે? (ખ) માતા-પિતા કઈ રીતે યહોવાને અનુસરી શકે? (શરૂઆતનું ચિત્ર જુઓ.)
૭ યહોવા બધાને ઉત્તેજન આપે છે. એક ઈશ્વરભક્તે જણાવ્યું: “આશાભંગ થએલાઓની પાસે યહોવા છે, અને નમ્ર આત્માવાળાને [નિરાશ લોકોને, NW] તે તારે ગીત. ૩૪:૧૮) પ્રબોધક યિર્મેયા જ્યારે ડર અને નિરાશામાં ગરક થઈ ગયા હતા, ત્યારે યહોવાએ તેમને મદદ કરવાનું વચન આપ્યું હતું. (યિર્મે. ૧:૬-૧૦) વૃદ્ધ દાનીયેલને હિંમત આપવા તેમણે એક દૂતને મોકલ્યો. દૂતે તેમને જણાવ્યું કે, તે “અતિ પ્રિય માણસ” છે. (દાની. ૧૦:૮, ૧૧, ૧૮, ૧૯) એવી જ રીતે, શું તમે તમારાં ભાઈ-બહેનોને ઉત્તેજન આપી શકો? ખાસ કરીને, પાયોનિયરોને અને એવાં વૃદ્ધ ભાઈ-બહેનોને જેઓ હવે પહેલાં જેટલું કરી શકતા નથી.
છે.” (૮ યહોવા અને ઈસુએ સાથે મળીને યુગોના યુગો કામ કર્યું છે. છતાં, ઈસુ પૃથ્વી પર હતા ત્યારે, યહોવાએ એમ ન વિચાર્યું કે ઈસુને પ્રશંસા અને ઉત્તેજનની જરૂર નથી. એને બદલે, યહોવાએ બે પ્રસંગોએ આ આકાશવાણી કરી: “આ મારો વહાલો દીકરો છે, જેને મેં પસંદ કર્યો છે.” (માથ. ૩:૧૭; ૧૭:૫) યહોવાએ આ રીતે ઈસુને શાબાશી આપી અને તેમને ખાતરી કરાવી કે તે સારું કરી રહ્યા છે. એ પ્રેમાળ અને ઉત્તેજનભર્યા શબ્દોથી ઈસુને ચોક્કસ હિંમત મળી હશે. પછીથી, તેમના મરણની આગલી રાતે તે ખૂબ જ ચિંતિત હતા ત્યારે, યહોવાએ એક દૂત દ્વારા તેમની હિંમત બંધાવી અને દિલાસો આપ્યો. (લુક ૨૨:૪૩) માતા-પિતા, તમે પણ તમારાં બાળકોને ઉત્તેજન આપીને યહોવાને અનુસરી શકો છો. બાળકો સારું કરે ત્યારે, તેઓની પ્રશંસા કરો. સ્કૂલમાં તેઓ પર કોઈ દબાણ આવે ત્યારે, તેઓની હિંમત વધારવા અને એનો સામનો કરવા બનતી મદદ કરો.
૯. ઈસુ પોતાના શિષ્યો સાથે જે રીતે વર્ત્યા એમાંથી આપણે શું શીખી શકીએ?
૯ ઈસુએ પણ આપણા માટે સારો દાખલો બેસાડ્યો છે. પોતાના મરણની આગલી રાતે તેમણે શિષ્યોના પગ ધોયા અને તેઓને નમ્રતાનું મહત્ત્વ સમજાવ્યું. પરંતુ, તેઓ અભિમાની હતા અને અંદરોઅંદર દલીલ કરતા હતા કે તેઓમાં મોટું કોણ છે. અરે, પીતરે તો બડાઈ હાંકી કે ઈસુનો સાથ તે ક્યારેય નહિ છોડે. (લુક ૨૨:૨૪, ૩૩, ૩૪) જોકે, ઈસુએ તેઓની ભૂલો પર ધ્યાન આપવાને બદલે, તેમને વફાદાર રહેવા માટે તેઓની પ્રશંસા કરી. ઈસુએ તેઓને વચન આપ્યું કે, તેઓ તેમના કરતાં પણ વધારે મોટાં કામો કરશે. તેમ જ, તેઓને ખાતરી અપાવી કે યહોવા તેઓને ખૂબ ચાહે છે. (લુક ૨૨:૨૮; યોહા. ૧૪:૧૨; ૧૬:૨૭) આપણે આ સવાલો પર વિચાર કરી શકીએ: “શું હું ઈસુના દાખલાનું અનુકરણ કરું છું? શું હું બીજાઓની ભૂલો પર ધ્યાન આપવાને બદલે તેઓના સારા ગુણની પ્રશંસા કરું છું?”
૧૦, ૧૧. પાઊલે કઈ રીતે ભાઈઓને ઉત્તેજન આપ્યું અને એ માટે તે કઈ હદ સુધી જવા તૈયાર હતા?
૧૦ પ્રેરિત પાઊલે ઘણી વાર ભાઈઓના વખાણ કર્યા. અમુક ભાઈઓ સાથે તેમણે વર્ષો સુધી મુસાફરી કરી હોવાથી તેઓની કમજોરીઓ તે જાણતા હતા. છતાં, તેઓની ભૂલો જણાવવાને બદલે પાઊલે તેઓની પ્રશંસા કરી. દાખલા તરીકે, તેમણે તિમોથી વિશે કહ્યું કે તે “પ્રભુમાં મારો વહાલો અને વિશ્વાસુ દીકરો” છે. તેમને પૂરો ભરોસો હતો કે તિમોથી બીજાઓની જરૂરિયાતોનું ધ્યાન રાખશે. (૧ કોરીં. ૪:૧૭; ફિલિ. ૨:૧૯, ૨૦) તિતસ વિશે તેમણે કહ્યું કે, તે ભરોસાપાત્ર અને મહેનતુ છે. (૨ કોરીં. ૮:૨૨, ૨૩) પાઊલ પાસેથી પ્રશંસાના એ શબ્દો સાંભળીને તિમોથી અને તિતસને ચોક્કસ ઉત્તેજન મળ્યું હશે.
૧૧ ભાઈઓને ઉત્તેજન આપવા પાઊલ અને બાર્નાબાસે પોતાના જીવ જોખમમાં મૂક્યા હતા. દાખલા તરીકે, તેઓ જાણતા હતા કે લુસ્ત્રા શહેરના લોકો તેઓને મારી નાખવા લાગ શોધી રહ્યા છે. છતાં, તેઓ એ શહેરમાં પાછા ગયા, જેથી નવા શિષ્યોને ઉત્તેજન આપી શકે અને યહોવાને વળગી રહેવા મદદ કરી શકે. (પ્રે.કા. ૧૪:૧૯-૨૨) પછીથી, એફેસસ શહેરમાં પણ પાઊલે હિંમત બતાવી. ગુસ્સે ભરાયેલા ટોળાથી જોખમ હોવા છતાં, ભાઈઓને ઉત્તેજન આપવા તે ત્યાં વધુ રોકાયા. એ બનાવ વિશે બાઇબલ જણાવે છે: “જ્યારે ધમાલ બંધ થઈ ત્યારે પાઊલે શિષ્યોને બોલાવ્યા અને તેઓને ઉત્તેજન આપ્યું. તેઓને વિદાય કરીને તે મકદોનિયા જવા નીકળ્યો. મકદોનિયામાંથી પસાર થતા તેણે ત્યાંના શિષ્યોને ઉત્તેજન આપતી ઘણી વાતો કહી. પછી, તે ગ્રીસ આવ્યો.”—પ્રે.કા. ૨૦:૧, ૨.
એકબીજાને ઉત્તેજન આપો
૧૨. સભાઓમાં જવું શા માટે જરૂરી છે?
૧૨ યહોવા આપણને સૌથી ઉત્તમ આપવા ચાહે છે. એટલે, તે આપણને નિયમિત રીતે સભાઓમાં જવા કહે છે. સભાઓમાં આપણે યહોવા વિશે શીખીએ છીએ અને એકબીજાને ઉત્તેજન આપીએ છીએ. (૧ કોરીં. ૧૪:૩૧; હિબ્રૂઓ ૧૦:૨૪, ૨૫ વાંચો.) આપણે અગાઉ બહેન ક્રિસ્ટીના વિશે જોઈ ગયા. તે કહે છે: ‘સભાઓની એક વાત મને ખૂબ ગમે છે કે, એનાથી મને ઉત્તેજન અને પ્રેમ મળે છે. સભામાં આવું છું ત્યારે કોઈક વાર હું ખૂબ નિરાશ હોઉં છું. પણ અમુક બહેનો મને મળવા દોડી આવે છે; ભેટીને મને કહે છે કે હું સુંદર દેખાઉં છું. તેઓ મને કહે છે કે, ભક્તિમાં મારી પ્રગતિથી તેઓ ખૂબ ખુશ છે અને મને ખૂબ પ્રેમ કરે છે. તેઓના ઉત્તેજનથી હું તાજગી અનુભવું છું.’ જોઈ શકાય કે, એકબીજાને ઉત્તેજન આપવું કેટલું જરૂરી છે!—રોમ. ૧:૧૧, ૧૨.
૧૩. લાંબા સમયથી યહોવાની સેવા કરતા ભાઈ-બહેનોને પણ શા માટે ઉત્તેજનની જરૂર પડે છે?
૧૩ લાંબા સમયથી યહોવાની સેવા કરતા ભાઈ-બહેનોને પણ ઉત્તેજનની જરૂર છે. યહોશુઆનો વિચાર કરો. ઇઝરાયેલીઓ વચનના દેશમાં પ્રવેશવાને આરે હતા ત્યારે, યહોવાએ યહોશુઆને આગેવાન તરીકે નિયુક્ત કર્યા. યહોશુઆ વર્ષોથી યહોવાની ભક્તિ કરતા હતા, છતાં યહોવાએ મુસાને કહ્યું કે તે યહોશુઆને ઉત્તેજન આપે. યહોવાએ કહ્યું: “યહોશુઆને આજ્ઞા કર, ને તેને હિમ્મત તથા બળ દે; કેમ કે તે આ લોકોને પેલી પાર દોરી જશે, ને જે દેશ તું જોવાનો છે તેનો વારસો તે તેઓને પ્રાપ્ત કરાવશે.” (પુન. ૩:૨૭, ૨૮) યહોશુઆને ઉત્તેજનની જરૂર હતી, કારણ કે પછીથી ઇઝરાયેલીઓએ ઘણી લડાઈઓ લડવાની હતી. એક વખતે જ્યારે તેઓની હાર થઈ ત્યારે શું યહોશુઆને ઉત્તેજનની જરૂર નહિ પડી હોય? (યહો. ૭:૧-૯) આજે, આપણે વડીલો અને સરકીટ નિરીક્ષકોને ઉત્તેજન આપી શકીએ. કારણ કે, મંડળની સંભાળ રાખવા તેઓ સખત મહેનત કરે છે. (૧ થેસ્સાલોનિકીઓ ૫:૧૨, ૧૩ વાંચો.) એક સરકીટ નિરીક્ષકે આમ જણાવ્યું: ‘મંડળની મુલાકાતથી ભાઈ-બહેનોને કેટલી ખુશી થાય છે એ બતાવવા તેઓ કોઈક વાર આભાર વ્યક્ત કરતા પત્રો લખે છે. અમે એ પત્રો સાચવી રાખીએ છીએ અને નિરાશ હોઈએ ત્યારે એને વાંચીએ છીએ. એનાથી અમને ઘણું ઉત્તેજન મળે છે.’
૧૪. શું બતાવે છે કે, પ્રશંસા કરવાથી અને ઉત્તેજન આપવાથી સલાહ વધુ અસરકારક બને છે?
૧૪ એક પ્રસંગે પાઊલે કોરીંથીઓનાં ભાઈ-બહેનોને કડક સલાહ આપવી પડી. જ્યારે તેઓએ સલાહ લાગુ પાડી, ત્યારે પાઊલે તેઓની પ્રશંસા કરી. (૨ કોરીં. ૭:૮-૧૧) પાઊલના શબ્દોથી તેઓને જે ખરું છે એ કરતા રહેવાનું ઉત્તેજન મળ્યું. આજે, વડીલો અને માતા-પિતા પણ પાઊલના દાખલાને અનુસરી શકે. ભાઈ એન્દ્રિયાસનો વિચાર કરો. તેમને બે બાળકો છે. તે કહે છે: ‘ઉત્તેજન આપવાથી બાળકને ભક્તિમાં પ્રગતિ કરવા અને લાગણીમય રીતે મજબૂત બનવા મદદ મળે છે. ઉત્તેજન આપવાથી સલાહ વધુ અસરકારક બને છે. અમારાં બાળકો જાણે છે કે ખરું શું છે, તેમ છતાં સતત ઉત્તેજન આપવાથી જીવનના દરેક પાસામાં તેઓને જે ખરું છે એ કરવાનું પ્રોત્સાહન મળે છે.’
બીજાઓને ઉત્તેજન આપવા તમને શું મદદ કરશે?
૧૫. બીજાઓને ઉત્તેજન આપવાની એક રીત કઈ છે?
૧૫ ભાઈ-બહેનોની મહેનત અને તેઓનાં સારા ગુણોની કદર કરો. (૨ કાળ. ૧૬:૯; અયૂ. ૧:૮) એમ કરીએ છીએ ત્યારે, યહોવા અને ઈસુનું અનુકરણ કરીએ છીએ. સંગઠનને ટેકો આપવા આપણે જે કંઈ પ્રયત્નો કરીએ છીએ એની યહોવા અને ઈસુ કદર કરે છે, પછી ભલેને સંજોગોને લીધે આપણે વધુ કરી શકતા ન હોઈએ. (લુક ૨૧:૧-૪; ૨ કોરીંથીઓ ૮:૧૨ વાંચો.) દાખલા તરીકે, આપણાં વૃદ્ધ ભાઈ-બહેનો માટે સભામાં અને પ્રચારમાં જવું ઘણી મહેનત માંગી લે છે. તેઓના એ પ્રયાસો માટે શું આપણે તેઓની પ્રશંસા કરીએ છીએ?
૧૬. આપણે લોકોને ક્યારે ઉત્તેજન આપી શકીએ?
૧૬ ઉત્તેજન આપવાની દરેક તક ઝડપી લો. બીજાઓ કંઈક સારું કામ કરે ત્યારે, તક ઝડપીને તેઓને શાબાશી આપો. પાઊલ અને બાર્નાબાસ પિસીદિયાના અંત્યોખમાં હતા ત્યારે, સભાસ્થાનના આગેવાનોએ તેઓને કહ્યું: “ભાઈઓ, લોકોને ઉત્તેજન આપવા જો તમારી પાસે કોઈ વાત હોય, તો જણાવો.” પાઊલે એ તક ઝડપી લીધી અને લોકોને ઉત્તેજન આપ્યું. (પ્રે.કા. ૧૩:૧૩-૧૬, ૪૨-૪૪) જો આપણે બીજાઓને ઉત્તેજન આપીશું, તો બીજાઓ પણ આપણને ઉત્તેજન આપવા પ્રેરાશે.—લુક ૬:૩૮.
૧૭. ઉત્તેજન આપવાની સૌથી સારી રીત કઈ છે?
૧૭ પ્રશંસાનું કારણ જણાવો. ઈસુએ થુવાતિરાના મંડળને શાબાશી આપી ત્યારે, તેઓને કહ્યું કે તેઓએ કયાં સારાં કામો કર્યાં છે. (પ્રકટીકરણ ૨:૧૮, ૧૯ વાંચો.) ઈસુના એ ગુણને આપણે કઈ રીતે અનુસરી શકીએ? મુશ્કેલીઓ છતાં જો કોઈ માતા એકલા હાથે બાળકનો સારો ઉછેર કરતી હોય, તો તેના વખાણ કરીએ. જો તમારે કોઈ બાળક હોય અને યહોવાની સેવામાં તે મહેનત કરતું હોય, તો તેને શાબાશી આપો. તેઓને જણાવો કે, તેઓનાં કયાં સારાં કામ તમારી નજરમાં આવ્યા છે. ઉત્તેજન આપતી વખતે જો આપણે બીજાઓને પ્રશંસાનું કારણ જણાવીશું, તો તેઓ જોઈ શકશે કે આપણે ફક્ત કહેવા ખાતર નહિ, પણ દિલથી કહીએ છીએ.
૧૮, ૧૯. યહોવાને વળગી રહેવા આપણે એકબીજાને કઈ રીતે મદદ કરી શકીએ?
૧૮ યહોવાએ મુસાને કહ્યું કે તે યહોશુઆને ઉત્તેજન આપે અને તેની હિંમત વધારે. ખરું કે, આજે યહોવા આપણને કહેશે નહિ કે આપણે કઈ વ્યક્તિને ઉત્તેજન આપવાનું છે. પણ, બીજાઓને ઉત્તેજન આપવા આપણે જે પ્રયત્ન કરીએ છીએ એનાથી તે ખુશ થાય છે. (નીતિ. ૧૯:૧૭; હિબ્રૂ. ૧૨:૧૨) દાખલા તરીકે, કોઈ ભાઈ મંડળમાં જાહેર પ્રવચન આપે ત્યારે, તેમને જણાવી શકીએ કે આપણે એનો આનંદ માણ્યો. બની શકે કે એ પ્રવચનથી આપણને કોઈ મુશ્કેલીનો સામનો કરવા કે કોઈ કલમને વધુ સારી રીતે સમજવા મદદ મળી હોય. પ્રવચન આપનાર એક ભાઈને એક બહેને આમ લખ્યું: ‘થોડી મિનિટોની આપણી વાતચીતમાં જ તમે મારા દિલની વેદના સમજી શક્યા અને ઉત્તેજન આપીને મારી હિંમત વધારી. તમે સ્ટેજ પરથી અને પછી મારી સાથે જે માયાળુ રીતે વાત કરી, એ તો યહોવા તરફથી એક ભેટ હતી.’
૧૯ પાઊલની સલાહ લાગુ પાડીને આપણે બીજાઓને યહોવા પ્રત્યેની વફાદારી જાળવવા મદદ કરી શકીએ છીએ. પાઊલે કહ્યું હતું: “એકબીજાને ઉત્તેજન આપતા રહો અને એકબીજાને મક્કમ કરતા રહો.” (૧ થેસ્સા. ૫:૧૧) જો આપણે “એકબીજાને દરરોજ ઉત્તેજન આપતા” રહીશું, તો યહોવા આપણાથી રાજી-રાજી થઈ જશે!
^ [૧] (ફકરો ૧) અમુક નામ બદલ્યાં છે.