અભ્યાસ લેખ ૩૦
ધર્મમાં માનતા નથી એવા લોકોના દિલ સુધી પહોંચીએ
“હું દરેક પ્રકારના લોકો સાથે તેઓના જેવો બન્યો છું, જેથી શક્ય હોય એવી બધી જ રીતે હું અમુકને બચાવી શકું.”—૧ કોરીં. ૯:૨૨.
ગીત ૪૫ આગળ ચાલો
ઝલક a
૧. છેલ્લા કેટલાક દાયકાઓથી કેવો ફેરફાર જોવા મળે છે?
હજારો વર્ષોથી મોટા ભાગના લોકો કોઈકને કોઈક ધર્મમાં માનતા આવ્યા છે. પણ, છેલ્લા કેટલાક દાયકાઓથી મોટો ફેરફાર જોવા મળે છે. એકેય ધર્મમાં માનતા ન હોય, એવા લોકોની સંખ્યા વધતી ને વધતી જઈ રહી છે. અરે, કેટલાંક દેશોમાં તો મોટા ભાગના લોકો કહે છે કે તેઓ ધર્મમાં માનતા નથી. b—માથ. ૨૪:૧૨.
૨. ઘણા લોકો ધર્મમાં નથી માનતા એનાં અમુક કારણો કયા છે?
૨ ધર્મમાં માનતા ન હોય એવા લોકોની c સંખ્યા શા માટે વધી રહી છે? એનું કારણ છે, કેટલાકને મનોરંજન વહાલું છે, તો કેટલાક ચિંતામાં ડૂબી ગયા છે. (લુક ૮:૧૪) અમુક તો અગાઉ ધર્મમાં માનતા હતા, પણ હવે નાસ્તિક થઈ ગયા છે. બીજા અમુક લોકો ઈશ્વરમાં તો માને છે, પણ તેઓને લાગે છે કે ધર્મ જૂનો થઈ ગયો છે. તેઓને લાગે છે કે ધર્મ કંઈ કામનો નથી અને વિજ્ઞાન સાથે ધર્મનો મેળ ખાતો નથી, એમાં તો તર્ક વગરની વાતો હોય છે. તેઓ મિત્રો અને શિક્ષકો પાસેથી શીખે છે કે માણસો વાંદરામાંથી આવ્યા છે. પ્રખ્યાત વ્યક્તિઓ પણ એ વાતને ટેકો આપે છે. પણ ઈશ્વરના અસ્તિત્વની વાત આવે ત્યારે, તેઓ સાચા પુરાવાઓ પર ધ્યાન આપતા નથી. બીજા કેટલાક લોકો ધર્મગુરુઓથી કંટાળી ગયા છે, કેમ કે તેઓ પૈસાના અને સત્તાના ભૂખ્યા છે. કેટલીક સરકારોએ કડક નિયમો બનાવ્યા છે, જેથી લોકો છૂટથી ઈશ્વરની ભક્તિ કરી શકતા નથી.
૩. આ લેખનો હેતુ શું છે?
૩ ઈસુએ આજ્ઞા આપી હતી, “સર્વ દેશના લોકોને શિષ્યો બનાવો.” (માથ. ૨૮:૧૯) ધર્મમાં માનતા ન હોય, એવા લોકોના દિલમાં ઈશ્વર માટે પ્રેમ કઈ રીતે કેળવી શકાય? તેઓ ખ્રિસ્તના શિષ્ય બને માટે શું કરવું જોઈએ? ધ્યાન આપીએ કે, ખુશખબર સાંભળીને એવી વ્યક્તિઓ અલગ અલગ રીતે વર્તશે. તેઓનો ઉછેર ક્યાં થયો છે, એની અસર તેઓનાં વર્તન પર પડશે. દાખલા તરીકે, એશિયાના લોકો કરતાં યુરોપના લોકો કદાચ અલગ રીતે વર્તશે. શા માટે? યુરોપમાં ઘણા લોકો બાઇબલ વિશે કંઈક તો જાણે છે. તેઓને ખબર છે કે સર્જનહાર તો ઈશ્વર છે. એશિયામાં મોટા ભાગના લોકોને બાઇબલ વિશે ખબર નથી અથવા બહુ ઓછી ખબર છે. એમાંના અમુક તો સર્જનહારમાં માનતા પણ નથી. ભલે તેઓ ગમે એ જગ્યાના હોય પણ તેઓ સુધી ખુશખબર પહોંચાડવા આ લેખથી આપણને મદદ મળશે.
યોગ્ય વલણ રાખો
૪. શા માટે આપણે યોગ્ય વલણ રાખવું જોઈએ?
૪ યોગ્ય વલણ રાખો. ધર્મમાં માનતા નથી એવા ઘણા લોકો દર વર્ષે યહોવાના સાક્ષી બને છે. એમાંના કેટલાક લોકોમાં પહેલેથી જ સારા સંસ્કાર હતા. તેઓ ધર્મના નામે થતા ઢોંગથી કંટાળી ગયા હતા. બીજાં અમુક ભાઈ-બહેનોમાં અગાઉ સારા સંસ્કાર ન હતા. તેઓમાં એવી ખરાબ આદતો હતી, જે તેઓએ છોડવાની હતી. આપણને ખાતરી છે કે યહોવાની મદદથી એવા લોકોને શોધી શકીશું, ‘જેઓનું હૃદય હંમેશ માટેનું જીવન આપતું સત્ય સ્વીકારવા તરફ ઢળેલું છે.’—પ્રે.કા. ૧૩:૪૮; ૧ તિમો. ૨:૩, ૪.
૫. લોકો શા માટે આપણો સંદેશો સાંભળે છે?
૫ દયા બતાવો અને સમજદારીથી વર્તો. મોટા ભાગે લોકો આપણો સંદેશો સાંભળે છે. આપણે શું કહીએ છીએ એને લીધે નહિ પણ જે રીતે કહીએ છીએ, એને લીધે તેઓ સાંભળે છે. આપણે દયા બતાવીને સમજદારીથી વર્તીએ છીએ અને દિલથી તેઓમાં રસ લઈએ છીએ. એની તેઓ કદર કરે છે. આપણી વાત સાંભળવા લોકોને દબાણ કરતા નથી. એના બદલે આપણે તો ધર્મ વિશે તેઓની વાત સાંભળીએ છીએ, એ સમજવાની કોશિશ કરીએ છીએ. ઘણા લોકોને અજાણી વ્યક્તિ સાથે ધર્મની વાતો કરવી પસંદ હોતું નથી. અમુકને લાગે છે કે કોઈને આવું પૂછીએ તો એ સારું ન કહેવાય: “ઈશ્વર વિશે તમે શું વિચારો છો?” ઘણાને લાગે છે કે જો બીજાઓ તેમને યહોવાના સાક્ષીઓ સાથે બાઇબલ વાંચતા જોશે, તો તેઓ શું વિચારશે. આ બધા સંજોગોને લીધે, આપણે લોકોની લાગણીઓ સમજવાની કોશિશ કરીએ છીએ અને સમજદારીથી વર્તીએ છીએ.—૨ તિમો. ૨:૨૪, ફૂટનોટ.
૬. પ્રેરિત પાઊલે કઈ રીતે ખુશખબર જણાવી અને આપણે કઈ રીતે એમ કરી શકીએ?
૬ વિચારો કે તમે કોઈ વ્યક્તિ સાથે વાત કરો છો. તમે ‘બાઇબલ,’ ‘સર્જન,’ ‘ઈશ્વર,’ ‘ધર્મ’ જેવા શબ્દો વાપરો છો. એટલે તેને તમારી વાત ગમતી નથી. એવા સંજોગોમાં આપણે પ્રેરિત પાઊલને પગલે ચાલવું જોઈએ. આપણી વાત કરવાની રીતમાં સુધારો કરવો જોઈએ. યહુદીઓ સાથે પાઊલે શાસ્ત્રમાંથી ચર્ચા કરી હતી. પણ અરિયોપગસના ગ્રીક ફિલોસોફરો સાથે વાત કરતી વખતે તેમણે શાસ્ત્રનો સીધેસીધો ઉપયોગ કર્યો ન હતો. (પ્રે.કા. ૧૭:૨, ૩, ૨૨-૩૧) આપણે કઈ રીતે એવું કરી શકીએ? જો વ્યક્તિને બાઇબલ વિશે અણગમો હોય, તો તમે બાઇબલનો સીધેસીધો ઉપયોગ નહિ કરો. બની શકે કે વ્યક્તિને ચિંતા હોય કે બીજાઓ તેને તમારી સાથે બાઇબલ વાંચતા જોઈને શું કહેશે. તમે એવી રીતે કલમો બતાવી શકો કે જેથી બીજાઓનું ધ્યાન ન ખેંચાય. કદાચ ફોન કે ટેબ્લેટનો ઉપયોગ કરી શકો.
૭. પાઊલના દાખલાને અનુસરવા શું કરવું જોઈએ?
૭ સાંભળો અને સમજો. પ્રચારમાં લોકો પોતાના વિચારો તમને જણાવે છે. તેઓ શા માટે એવું વિચારે છે, એ સમજવાનો પ્રયત્ન કરો. (નીતિ. ૨૦:૫) પાઊલના દાખલા પર ફરીથી ધ્યાન આપીએ. યહુદી ન હતા એવા લોકો, યહોવા અને શાસ્ત્ર વિશે બહુ ઓછું કે કંઈ જ જાણતા ન હતા. તેઓને ખુશખબર જણાવવા પાઊલે પોતાની રીતમાં ફેરફાર કરવો પડ્યો હશે. કેમ કે પાઊલ તો યહુદીઓ સાથે મોટા થયા હતા. આપણા વિસ્તારમાં મળતા લોકોને સમજવા આપણે પણ પ્રયત્ન કરવાની જરૂર છે. એ માટે આપણે સંશોધન કરવું પડે કે પછી અનુભવી ભાઈ-બહેનોની મદદ લેવી પડે.—૧ કોરીંથીઓ ૯:૨૦-૨૩ વાંચો.
૮. બાઇબલ વિશે વાતચીત કરવાની એક રીત કઈ છે?
૮ આપણે “યોગ્ય” લોકોને શોધવા ચાહીએ છીએ. (માથ. ૧૦:૧૧) લોકોને તેમના વિચારો જણાવવાનું કહીએ અને પછી ધ્યાનથી સાંભળીએ. ઇંગ્લૅન્ડમાં એક ભાઈ કઈ રીતે એમ કરે છે? તે વ્યક્તિને પૂછે છે કે સુખી લગ્નજીવન, બાળકોના ઉછેર કે અન્યાય વિશે તેમને કેવું લાગે છે. વ્યક્તિના વિચારો સાંભળ્યા પછી તે કહે છે, “આશરે બે હજાર વર્ષ પહેલાં એ વિશે સલાહ આપવામાં આવી હતી. શું એ વિશે તમને જણાવું?” પછી, તે ‘બાઇબલ’ શબ્દ બોલ્યા વિના પોતાના ફોનમાંથી અમુક કલમો બતાવે છે.
લોકોનાં દિલ સુધી પહોંચો
૯. જેઓ ઈશ્વર વિશે વાત કરવાનું ટાળે છે, તેઓને આપણે કઈ રીતે મદદ કરી શકીએ?
૯ અમુક લોકો ઈશ્વર વિશે વાત કરવાનું ટાળે છે. આપણે તેઓનાં દિલ સુધી કઈ રીતે પહોંચી શકીએ? એ માટે તેઓને જે ગમે છે, એ વાતોનો ઉપયોગ કરી શકીએ. જેમ કે, ઘણા લોકોને કુદરતની અજાયબીઓથી નવાઈ લાગે છે. આપણે કદાચ કહી શકીએ: “માણસોએ શોધેલી ઘણી બાબતો કુદરતમાંથી આવી છે. કુદરતમાં જે બાબતો છે, એની વૈજ્ઞાનિકોએ નકલ કરી છે. જેમ કે માઇક બનાવનારાઓ પ્રાણીઓના કાનનો અભ્યાસ કરે છે. કેમેરા બનાવનારાઓ પ્રાણીઓની આંખોનો અભ્યાસ કરે છે. કુદરત વિશે તમારા મનમાં શું વિચાર આવે છે? શું એ બધું પોતાની મેળે આવી ગયું કે પછી કોઈએ એનું સર્જન કર્યું કે પછી બીજું કોઈ કારણ છે?” તેમના વિચારો ધ્યાનથી સાંભળ્યા પછી, આપણે કહી શકીએ: “વૈજ્ઞાનિકોને લાગે છે કે તેઓ પ્રાણીઓનાં કાન અને આંખમાંથી શીખે છે. પણ હકીકતમાં તો તેઓ પ્રાણીઓના બનાવનાર પાસેથી શીખી રહ્યા છે. એક કવિએ જે લખ્યું, એ વાત મારા દિલને સ્પર્શી ગઈ. તેમણે લખ્યું હતું, ‘જે કાનનો ઘડનાર છે, તે શું નહિ સાંભળે? જે આંખનો રચનાર છે, તે શું નહિ જુએ? તે માણસોને જ્ઞાન શીખવે છે.’ કેટલાક વૈજ્ઞાનિકો પણ હવે એવું માનવા લાગ્યા છે.” (ગીત. ૯૪:૯, ૧૦) આપણે તેઓને jw.org/gu પરના “જીવનની શરૂઆત વિશે લોકોના વિચારો” વિભાગમાં આપેલા લેખો બતાવી શકીએ. (શાસ્ત્રનું શિક્ષણ > વિજ્ઞાન અને શાસ્ત્ર જુઓ.) અથવા આપણે તેઓને આ પુસ્તિકાઓ (અંગ્રેજી) આપી શકીએ, વોઝ લાઈફ ક્રિએટેડ? કે પછી, ધી ઓરીજીન ઑફ લાઈફ—ફાઈવ ક્વેશ્ચન્સ વર્થ આસ્કીંગ.
૧૦. ઈશ્વર વિશે વાત કરવા તૈયાર ન હોય, એવી વ્યક્તિ સાથે કઈ રીતે વાતચીત શરૂ કરી શકાય?
૧૦ મોટા ભાગના લોકોને સારું ભાવિ જોઈએ છે. ઘણાને ડર લાગે છે કે પૃથ્વીનો નાશ થઈ જશે અથવા એના પર જીવવું અશક્ય થઈ જશે. નોર્વેના એક સરકીટ નિરીક્ષક જણાવે છે કે, અમુક લોકોને ઈશ્વર વિશે વાત કરવી ગમતું નથી, પણ મોટા ભાગે તેઓ પૃથ્વીના સંજોગો વિશે વાત કરવા તૈયાર હોય છે. વ્યક્તિને કેમ છો કહ્યા પછી ભાઈ જણાવે છે: “સારા ભાવિ વિશે તમને શું લાગે છે? એ માટે કોના પર ભરોસો રાખી શકાય, નેતાઓ, વૈજ્ઞાનિકો કે બીજું કોઈ?” વ્યક્તિની વાત સાંભળ્યા પછી, તે સારા ભાવિ વિશેની કલમ વાંચે છે અથવા એ મોઢે જણાવે છે. ઘણા લોકોને બાઇબલમાં આપેલું વચન જાણીને નવાઈ લાગે છે કે, પૃથ્વી કાયમ માટે રહેશે. સારા લોકો હંમેશાં એમાં રહેશે.—ગીત. ૩૭:૨૯; સભા. ૧:૪.
૧૧. શા માટે વાતચીતની અલગ અલગ રીતો વાપરવી જોઈએ? પાઊલના દાખલામાંથી આપણે શું શીખી શકીએ?
૧૧ લોકો સાથે વાત કરવા અલગ અલગ રીતો વાપરીએ. એનું કારણ છે કે, દરેક વ્યક્તિ અલગ હોય છે. એક વ્યક્તિને જે બાબત ગમે, એ જરૂરી નથી કે બીજાને પણ ગમે. અમુક લોકોને ઈશ્વર કે બાઇબલ વિશે વાત કરવામાં વાંધો હોતો નથી. જ્યારે કે બીજાઓને શરૂઆતમાં બીજી બાબતો વિશે વાત કરવી હોય છે. બધા લોકો સાથે વાત કરવાની તક શોધવી જોઈએ. (રોમનો ૧:૧૪-૧૬ વાંચો.) યાદ રાખીએ કે, યહોવા નમ્ર લોકોનાં દિલમાં સત્ય માટે પ્રેમ જગાડે છે.—૧ કોરીં. ૩:૬, ૭.
એશિયાના લોકોને સત્ય જણાવવું
૧૨. એશિયાના કેટલાક દેશોના લોકોને સત્ય શીખવવા શું કરી શકીએ?
૧૨ દુનિયા ફરતે ઘણાં ભાઈ-બહેનો એવા લોકોને મળે છે, જેઓ એશિયાના હોય છે. એમાંના અમુક લોકો એવા દેશના છે, જ્યાં ધાર્મિક કાર્યો પર અમુક નિયંત્રણ છે. એશિયાના કેટલાક દેશોમાં સર્જનહાર વિશે મોટા ભાગના લોકો વિચારતા જ નથી. પણ અમુક લોકોને એ વિશે જાણવું હોય છે. એટલે તેઓ બાઇબલનો અભ્યાસ કરવા તૈયાર થાય છે. બીજા અમુક લોકો માટે બાઇબલની વાતો નવી હોય છે, એટલે એ વિશે શીખતા અચકાય છે. એવા લોકોને કઈ રીતે મદદ કરી શકાય? અમુક અનુભવી પ્રકાશકો એવા લોકો સાથે સામાન્ય વિષયથી વાતચીત શરૂ કરે છે. તેઓ એવા લોકોમાં રસ લે છે. યોગ્ય સમયે પોતાનો અનુભવ જણાવે છે. તેઓ જણાવે છે કે, બાઇબલ સિદ્ધાંતો લાગુ પાડવાથી કઈ રીતે તેઓનું જીવન સુધર્યું છે.
૧૩. લોકોને બાઇબલમાં રસ પડે માટે શું કરી શકો? (પહેલા પાનનું ચિત્ર જુઓ.)
૧૩ બાઇબલમાં આપેલા સિદ્ધાંતો રોજબરોજના જીવનમાં પણ કામ આવે છે. એવા સિદ્ધાંતો લોકોને ખૂબ ગમે છે. (સભા. ૭:૧૨) ન્યૂ યૉર્કમાં એક બહેન મેન્ડરીન ભાષા બોલતા લોકોને ખુશખબર ફેલાવે છે. તે કહે છે: “હું લોકોમાં રસ લઉં છું અને તેઓની વાત સાંભળું છું. જેઓ આ દેશમાં નવા નવા રહેવા આવ્યા હોય તેઓને હું પૂછું છું: ‘નવી જગ્યાએ સેટ થઈ ગયા? શું તમને કામ મળ્યું? શું લોકો તમારી સાથે સારી વર્તે છે?’” એનાથી ઘણી વાર લોકો સાથે બાઇબલ વિશે વાત કરવાનો મોકો મળે છે. યોગ્ય લાગે ત્યારે બહેન આમ કહે છે: “લોકો સાથે હળીમળીને રહેવા સૌથી સારી મદદ ક્યાંથી મળી શકે? શું હું તમને બાઇબલની એક કહેવત બતાવી શકું? એ કહે છે: ‘ઝઘડાની શરૂઆત બંધમાં પડેલી તિરાડ જેવી છે; લડાઈ ફાટી નીકળે તે પહેલાં જ વાત છોડી દો.’ શું તમને લાગે છે કે આ સલાહ બીજાઓ સાથે હળીમળીને રહેવા મદદ કરશે?” (નીતિ. ૧૭:૧૪, સંપૂર્ણ) એવી વાતચીતથી તમે એવા લોકોને ઓળખી શકશો, જેઓને સત્ય જાણવામાં રસ છે.
૧૪. દક્ષિણ પૂર્વ એશિયાના એક ભાઈ લોકો સાથે કઈ રીતે વાત કરે છે?
૧૪ જ્યારે કોઈ વ્યક્તિ કહે કે તે ઈશ્વરમાં માનતી નથી ત્યારે શું કરી શકાય? દક્ષિણ પૂર્વ એશિયાના એક ભાઈ વર્ષોથી એવા લોકોને ખુશખબર જણાવે છે, જેઓ ધર્મમાં માનતા નથી. ભાઈ જણાવે છે: “કોઈ જ્યારે કહે કે ‘હું ઈશ્વરમાં માનતો નથી.’ એનો અર્થ થાય કે ત્યાંના લોકો જે દેવોમાં માને છે એમાં તે માનતો નથી. એટલે હું તેને જણાવું છું કે મોટા ભાગના દેવો તો માણસોએ બનાવ્યા છે. પછી ઘણી વાર હું યિર્મેયા ૧૬:૨૦ બતાવું છું: ‘જે હકીકતમાં દેવો નથી એવા દેવો, મનુષ્ય પોતાને માટે કઈ રીતે બનાવી શકે?’ પછી તેમની વાત ધ્યાનથી સાંભળું છું. હું તેઓને યશાયા ૪૧:૨૩ બતાવું છું: ‘હવે પછી જે જે ઘટનાઓ બનવાની છે એ અમને કહો, જેથી તમે દેવો છો એ અમે જાણીએ.’ છેલ્લે, યહોવાએ ભાવિ વિશે અગાઉથી જણાવ્યું હોય, એવો એક દાખલો આપું છું.”
૧૫. પૂર્વ એશિયાના ભાઈ પાસેથી આપણે શું શીખી શકીએ?
૧૫ પૂર્વ એશિયાના એક ભાઈ ફરી મુલાકાત કરતી વખતે આ રીત અપનાવે છે: “બાઇબલમાં આપેલા જ્ઞાન અને સમજણના દાખલા, પૂરી થયેલી ભવિષ્યવાણીઓ અને કુદરતી નિયમો વિશે હું તેઓને વાત કરું છું. પછી તેઓને કહું છું કે એ બધું બતાવે છે કે સૃષ્ટિના કોઈ સર્જનહાર છે અને તે ઘણા બુદ્ધિશાળી છે. વ્યક્તિ જ્યારે સ્વીકારે કે ઈશ્વર જેવું કોઈક છે, ત્યારે હું તેઓને બાઇબલમાંથી યહોવા વિશે બતાવું છું.”
૧૬. હિબ્રૂઓ ૧૧:૬ પ્રમાણે, ઈશ્વરમાં અને બાઇબલમાં કેમ શ્રદ્ધા મજબૂત કરવી જોઈએ? એ માટે લોકોને કઈ રીતે મદદ કરી શકીએ?
૧૬ ધર્મમાં માનતા ન હોય એવા લોકો સાથે બાઇબલનો અભ્યાસ કરીએ ત્યારે શું કરવું જોઈએ? ઈશ્વરમાં શ્રદ્ધા મજબૂત કરવા તેઓને સતત મદદ કરવી જોઈએ. (હિબ્રૂઓ ૧૧:૬ વાંચો.) બાઇબલમાં ભરોસો રાખવા પણ મદદ કરવી જોઈએ. એ માટે કદાચ અમુક મુદ્દાઓ વારંવાર સમજાવવા પડે. દર વખતે અભ્યાસ દરમિયાન બાઇબલ ઈશ્વરનો શબ્દ છે, એવી સાબિતી આપતા રહેવું જોઈએ. એ માટે ચર્ચા કરી શકાય કે, બાઇબલની ભવિષ્યવાણીઓ કઈ રીતે પૂરી થઈ છે. બાઇબલમાં આપેલી વિજ્ઞાન અને ઇતિહાસને લગતી માહિતી સાચી છે, એ બતાવી શકાય. રોજબરોજના જીવનમાં બાઇબલ કઈ રીતે મદદ કરે છે, એ જણાવી શકાય.
૧૭. લોકો માટે પ્રેમ બતાવવાથી કેવો ફાયદો થાય છે?
૧૭ લોકો ધર્મમાં માનતા હોય કે ન માનતા હોય, તેઓ માટે પ્રેમ બતાવીને તેઓને ખ્રિસ્તના શિષ્યો બનવા મદદ કરીએ. (૧ કોરીં. ૧૩:૧) તેઓને શીખવવા પાછળ આપણો એક હેતુ છે. એ છે, તેઓ જાણે કે ઈશ્વર આપણને પ્રેમ કરે છે અને તે ચાહે છે કે આપણે પણ તેમને પ્રેમ કરીએ. દર વર્ષે એવા હજારો લોકો બાપ્તિસ્મા લે છે, જેઓને અગાઉ ધર્મમાં જરાય રસ ન હતો કે સાવ ઓછો રસ હતો. તેઓ ઈશ્વરને પ્રેમ કરવાનું શીખે છે એટલે બાપ્તિસ્મા લે છે. યોગ્ય વલણ રાખીએ અને દરેક પ્રકારના લોકોમાં પ્રેમથી રસ લઈએ. તેઓનું ધ્યાનથી સાંભળીએ અને સમજવાનો પ્રયત્ન કરીએ. એવો દાખલો બેસાડીએ, જેથી તેઓ ખ્રિસ્તના શિષ્ય બનવા પ્રેરાય.
ગીત ૧૫૩ આપણને ખુશી થાય છે
a ધર્મમાં ન માનનાર લોકોની સંખ્યા આજે ખૂબ વધી ગઈ છે. પ્રચાર વિસ્તારમાં આપણને એવા ઘણા લોકો મળે છે. આ લેખમાં શીખીશું કે આપણે કઈ રીતે તેઓને બાઇબલમાંથી શીખવી શકીએ. વધુમાં, યહોવા પર અને બાઇબલ પર ભરોસો મૂકવા આપણે કઈ રીતે તેઓને મદદ કરી શકીએ.
b કેટલાક સર્વે પ્રમાણે એવા અમુક દેશો છે: આલ્બેનિયા, ઑસ્ટ્રેલિયા, ઑસ્ટ્રિયા, અઝરબૈજાન, કેનેડા, ચીન, ચેક પ્રજાસત્તાક, ડેન્માર્ક, ફ્રાંસ, જર્મની, હૉંગ કૉંગ, આયરલૅન્ડ, ઇઝરાયેલ, જાપાન, નેધરલૅન્ડ, નૉર્વે, દક્ષિણ કોરિયા, સ્પેન, સ્વીડન, સ્વિટ્ઝરલૅન્ડ, યુનાઈટેડ કિંગ્ડમ અને વિયેતનામ.
c શબ્દોની સમજ: જેઓ કોઈ ધર્મ કે ધાર્મિક સંગઠનનો ભાગ નથી અથવા ઈશ્વરમાં માનતા નથી, તેઓ માટે ધર્મમાં માનતા નથી, એવા લોકો શબ્દો આ લેખમાં વાપરવામાં આવ્યા છે.
d ચિત્રની સમજ: પોતાની સાથે હૉસ્પિટલમાં કામ કરતી વ્યક્તિને ભાઈ સાક્ષી આપે છે. એ વ્યક્તિ પછીથી jw.org® વેબસાઈટ પર ઓનલાઇન બાઇબલ અભ્યાસ કરે છે.