સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

“યહોવાની સ્તુતિ કરો”—શા માટે?

“યહોવાની સ્તુતિ કરો”—શા માટે?

“યાહની સ્તુતિ કરો . . . તેમની સ્તુતિ ગાવી તે કેવું આનંદદાયક અને ઉચિત છે!”—ગીતશાસ્ત્ર ૧૪૭:૧, કોમન લેંગ્વેજ.

ગીતો: ૯, ૧૫૨

૧-૩. (ક) ગીતશાસ્ત્ર ૧૪૭ કયા સમયે લખાયું હતું? (ખ) ગીતશાસ્ત્ર ૧૪૭નો અભ્યાસ કરવાથી આપણે શું શીખી શકીએ?

મોટાભાગે, આપણે વ્યક્તિની વાતથી કે તેનાં કાર્યોથી પ્રભાવિત થઈએ ત્યારે, તેના ગુણગાન ગાવા લાગીએ છીએ. તો પછી, ઈશ્વર યહોવાના ગુણગાન ગાવા માટે તો આપણી પાસે કેટલાં બધાં કારણો છે! સૃષ્ટિની રચનામાં તેમની અદ્ભુત તાકાત દેખાય છે, એ માટે આપણે તેમના ગુણગાન ગાઈએ છીએ. પોતાના દીકરાના બલિદાન દ્વારા ઊંડો પ્રેમ બતાવ્યો છે, એ માટે પણ તેમના ગુણગાન ગાઈએ છીએ.

આપણે ગીતશાસ્ત્ર ૧૪૭ વાંચીએ છીએ ત્યારે, સાફ જોવા મળે છે કે એ ગીતના લેખક દિલથી યહોવાની સ્તુતિ કરવા ચાહતા હતા. ઈશ્વરની સ્તુતિ કરવા તેમણે બીજાઓને પણ પોતાની સાથે જોડાવવા ઉત્તેજન આપ્યું હતું.—ગીતશાસ્ત્ર ૧૪૭:૧, ૭, ૧૨ વાંચો.

આપણે જાણતા નથી કે, ગીતશાસ્ત્ર ૧૪૭ કોણે લખ્યું છે. પણ લાગે છે કે ગીતના લેખક એ સમય દરમિયાન થઈ ગયા, જ્યારે ઇઝરાયેલીઓ બાબેલોનની ગુલામીમાંથી યરૂશાલેમ પાછા ફર્યા હતા. (ગીત. ૧૪૭:૨) ઇઝરાયેલીઓ પોતાના વતનમાં યહોવાની ભક્તિ કરી શકતા હતા, એટલે ગીતના લેખકે યહોવાની સ્તુતિ કરી. પછી, યહોવાની સ્તુતિ કરવાના બીજાં કારણો તેમણે જણાવ્યાં. એ કયાં કારણો હતાં? ‘હાલેલુયાહ’ કે “યાહની સ્તુતિ કરો” કહેવાના તમારી પાસે કયાં કારણો છે?—ગીત. ૧૪૭:૧, કોમન લેંગ્વેજ.

હૃદયભંગ થયેલાંને યહોવા સાજાં કરે છે

૪. રાજા કોરેશે ઇઝરાયેલીઓને આઝાદ કર્યાં ત્યારે, તેઓને કેવું લાગ્યું હશે અને શા માટે?

ઇઝરાયેલીઓ બાબેલોનની ગુલામીમાં હતા ત્યારે, તેઓની હાલતનો જરા વિચાર કરો. બાબેલોનીઓ તેઓની મજાક ઉડાવતા અને કહેતા: “સિયોનનાં ગીતોમાંનું કોઈએક ગીત ગાઓ.” પણ, ઇઝરાયેલીઓને ગાવાની જરાય ઇચ્છા ન થતી. યરૂશાલેમને લીધે તેઓને ખુશી મળતી હતી, પણ એનો તો નાશ થયો હતો. (ગીત. ૧૩૭:૧-૩,) તેઓના દિલ દુઃખી હતા અને તેઓને દિલાસાની જરૂર હતી. અગાઉથી ભાખ્યું હતું એ પ્રમાણે, યહોવાએ પોતાના લોકોની મદદ કરી. કઈ રીતે? ઇરાનના રાજા કોરેશે બાબેલોનને જીતી લીધું. તેણે યહોવા વિશે કહ્યું: ‘યરુશાલેમમાં તેમને માટે એક મંદિર બાંધવાની તેમણે મને આજ્ઞા આપી છે. તેમના લોકમાંનો જે કોઈ તમારામાં હોય, તે ત્યાં જાય. તેના ઈશ્વર યહોવા તેની સાથે હોજો.’ (૨ કાળ. ૩૬:૨૩) એ શબ્દો સાંભળીને ગુલામીમાં રહેલા ઇઝરાયેલીઓને કેટલો દિલાસો મળ્યો હશે!

૫. સાજા કરવાની યહોવાની શક્તિ વિશે ગીતના લેખકે શું જણાવ્યું?

યહોવાએ ફક્ત ઇઝરાયેલ પ્રજાને જ નહિ, પણ એકેએક ઇઝરાયેલીને દિલાસો આપ્યો. આજે યહોવા આપણને પણ દિલાસો આપે છે. ગીતના લેખકે ઈશ્વર વિશે લખ્યું કે, “હૃદયભંગ થએલાંને તે સાજાં કરે છે; તે તેઓના ઘાને રૂઝવે છે.” (ગીત. ૧૪૭:૩) બીમાર કે ઉદાસ હોઈએ ત્યારે, યહોવા આપણી કાળજી રાખશે એવી ખાતરી રાખી શકીએ છીએ. યહોવા દિલાસો આપવા અને આપણા દિલના ઘા રુઝાવવા આતુર છે. (ગીત. ૩૪:૧૮; યશા. ૫૭:૧૫) તે આપણને ડહાપણ અને શક્તિ આપે છે, જેથી આપણે મુશ્કેલીઓનો સામનો કરી શકીએ.—યાકૂ. ૧:૫.

૬. ગીતશાસ્ત્ર ૧૪૭:૪ના શબ્દોમાંથી આપણે કઈ રીતે ફાયદો મેળવી શકીએ? (શરૂઆતનું ચિત્ર જુઓ.)

પછી, ગીતના લેખકે આકાશ તરફ નજર કરી અને યહોવા વિશે કહ્યું, “તે તારાઓની ગણતરી કરે છે; તે સર્વને નામો આપે છે.” (ગીત. ૧૪૭:૪) ગીતના લેખક તારાઓ જોઈ શકતા હતા, પણ તારાઓની સંખ્યા વિશે તેમને જરાય ખ્યાલ ન હતો. આજે વૈજ્ઞાનિકો જાણે છે કે, આપણી આકાશગંગામાં લાખો-કરોડો તારાઓ છે. અને બ્રહ્માંડમાં તો એવી અબજો આકાશગંગાઓ છે! માણસો માટે તારાઓની ગણતરી કરવી ગજા બહારની વાત છે, પણ સર્જનહાર માટે નહિ. હકીકતમાં, દરેક તારાને તે એટલી સારી રીતે જાણે છે કે તેમણે દરેકને નામ આપ્યું છે. (૧ કોરીં. ૧૫:૪૧) આટલા વિશાળ બ્રહ્માંડમાં કયો તારો ક્યાં છે એ ઈશ્વર સારી રીતે જાણે છે. તો શું તે તમારા વિશે નહિ જાણતા હોય? હકીકતમાં, તમે ક્યાં છો, શું અનુભવી રહ્યા છો અને તમને શાની જરૂર છે, એ વિશે તે બરાબર જાણે છે!

૭, ૮. (ક) યહોવા આપણા વિશે શું યાદ રાખે છે? (ખ) યહોવાએ કરુણા બતાવી હોય એવો અનુભવ જણાવો.

તમારા પર જે વીતી રહ્યું છે, એ વિશે યહોવા સારી રીતે સમજે છે. તેમની પાસે તમારી તકલીફો દૂર કરવાની શક્તિ છે. (ગીતશાસ્ત્ર ૧૪૭:૫ વાંચો.) તમને કદાચ લાગે કે, તમારા સંજોગો બહુ કપરા છે અને અસહ્ય બની ગયા છે. ઈશ્વર આપણી ક્ષમતા જાણે છે, “આપણે ધૂળનાં છીએ એવું તે સંભારે છે.” (ગીત. ૧૦૩:૧૪) આપણે અપૂર્ણ હોવાથી, વારંવાર એકની એક ભૂલો કરીએ છીએ. એટલે કદાચ નિરાશ થઈ જઈ શકીએ. આપણે કહેલી વાતોને લીધે, મનની ખોટી ઇચ્છાઓ અને દિલમાં ભરી રાખેલા ખારને લીધે કેટલીક વાર આપણને અફસોસ થાય છે! યહોવા ક્યારેય ભૂલ કરતા નથી. છતાં, તે સમજે છે કે ભૂલ કરીએ ત્યારે આપણે કેવું અનુભવીએ છીએ.—યશા. ૪૦:૨૮.

સતાવણીમાં ટકી રહેવા શું તમે યહોવાનો મજબૂત હાથ અનુભવ્યો છે? (યશા. ૪૧:૧૦, ૧૩) ક્યોકો નામના પાયોનિયર બહેનને એવો અનુભવ થયો હતો. સેવાકાર્યની નવી સોંપણીમાં ગયાં પછી, તે ઘણા નિરાશ થઈ ગયાં હતાં. તેમને કઈ રીતે ખાતરી મળી કે, યહોવા તેમની તકલીફો સમજે છે? નવા મંડળમાં, ઘણાં ભાઈ-બહેનો તેમની તકલીફો સારી રીતે સમજતાં હતાં. બહેનને લાગ્યું કે જાણે યહોવા કહી રહ્યા હતા: ‘હું તને ખૂબ પ્રેમ કરું છું. ફક્ત એટલે નહિ કે તું પાયોનિયર છે પણ તું મારી દીકરી છે અને તેં મને તારું જીવન અર્પી દીધું છે. હું ચાહું છું કે તું મારી સેવિકા તરીકે જીવનનો આનંદ માણે.’ તમારા વિશે શું? યહોવાએ તમને કઈ રીતે બતાવી આપ્યું છે કે તેમની “બુદ્ધિનો પાર નથી?”

આપણને જેની જરૂર છે, યહોવા એ પૂરું પાડે છે

૯, ૧૦. યહોવા સૌથી પહેલા કઈ મદદ પૂરી પાડે છે? દાખલો આપો.

આપણને દરેકને રોટી, કપડાં અને મકાનની જરૂર પડે છે. કદાચ તમને ચિંતા થાય કે, તમને ખાવા માટે પૂરતો ખોરાક નહિ મળે. પરંતુ, યહોવાએ પૃથ્વી એવી રીતે બનાવી છે કે બધાને પૂરતો ખોરાક મળી રહે. અરે, “પોકાર કરતાં કાગડાનાં બચ્ચાંને પણ તે ખોરાક આપે છે.” (ગીતશાસ્ત્ર ૧૪૭:૮, ૯ વાંચો.) જો યહોવા પક્ષીઓને ખોરાક પૂરો પાડતા હોય, તો આપણે ખાતરી રાખી શકીએ કે તે આપણી જરૂરિયાતો પણ પૂરી કરશે.—ગીત. ૩૭:૨૫.

૧૦ સૌથી મહત્ત્વનું તો, યહોવા આપણી શ્રદ્ધા દૃઢ બનાવવા જરૂરી મદદ પૂરી પાડે છે. ઉપરાંત, “ઈશ્વરની શાંતિ, જે બધી સમજશક્તિ કરતાં ચઢિયાતી છે,” એ પણ આપે છે. (ફિલિ. ૪:૬, ૭) ભાઈ મત્સુઓ અને તેમના પત્નીએ યહોવાની મદદનો અનુભવ કર્યો. જ્યારે ૨૦૧૧માં જાપાનમાં સુનામી આફત આવી, ત્યારે તેઓ ઘરની અગાશી પર ચઢી ગયાં અને માંડ માંડ જીવ બચાવ્યો. એ દિવસે, તેઓએ લગભગ બધું ગુમાવી દીધું. તેઓએ આખી રાત એક અંધારી ઠંડીગાર ઓરડીમાં વિતાવી. સવારે તેઓ એવું કંઈક શોધતાં હતાં કે જેનાથી તેઓને ઉત્તેજન મળે. પરંતુ તેઓને ફક્ત એક પુસ્તક મળ્યું, ૨૦૦૬ યરબુક. ભાઈ મત્સુઓ એના પાનાં ફેરવવા લાગ્યા ત્યારે, તેમને ૨૦૦૪માં સુમાત્રામાં આવેલી સુનામી વિશે લેખ મળ્યો. એ સૌથી ભયાનક સુનામી હતી. ભાઈ-બહેનોનાં અનુભવો વાંચીને મત્સુઓ અને તેમના પત્ની રડી પડ્યાં. તેઓને મહેસૂસ થયું કે યહોવાએ સમયસર ઉત્તેજન પૂરું પાડ્યું છે. યહોવાએ બીજી રીતોએ પણ તેમની કાળજી લીધી. જાપાનના બીજા વિસ્તારોમાં રહેતાં ભાઈ-બહેનોએ તેઓને ખોરાક અને કપડાં પૂરાં પાડ્યાં. સંગઠન તરફથી અમુક ભાઈઓએ મંડળની મુલાકાત લીધી, એનાથી તેઓને સૌથી વધુ ઉત્તેજન મળ્યું. ભાઈ મત્સુઓ જણાવે છે: ‘મેં અનુભવ્યું કે યહોવા અમારી પડખે ઊભા છે અને અમારી કાળજી લે છે. કેટલો સરસ દિલાસો!’ ઈશ્વર સૌથી પહેલા, આપણી શ્રદ્ધા મજબૂત કરવા મદદ કરે છે અને પછી આપણી જરૂરિયાતો પૂરી પાડે છે.

ઈશ્વરે કરેલી ગોઠવણોનો લાભ લો

૧૧. ઈશ્વરે આપેલી મદદમાંથી લાભ લેવા આપણે શું કરવું જોઈએ?

૧૧ “યહોવા નમ્ર જનોને સંભાળે છે.” તે આપણને ચાહે છે અને મદદ કરવા હંમેશાં તૈયાર હોય છે. (ગીત. ૧૪૭:૬ક) તેમણે આપેલી મદદમાંથી લાભ લેવા આપણે શું કરવું જોઈએ? આપણે તેમની સાથે ગાઢ સંબંધ કેળવવો જોઈએ. એમ કરવા આપણે નમ્ર બનવું પડશે. (સફા. ૨:૩) અન્યાય અને તકલીફો દૂર થાય માટે નમ્ર લોકો યહોવા પર આધાર રાખે છે. એવા લોકોથી યહોવા ખુશ થાય છે.

૧૨, ૧૩. (ક) ઈશ્વરે આપેલી મદદમાંથી લાભ લેવા આપણે કઈ બાબતો ટાળવી જોઈએ? (ખ)યહોવા કોનાથી ખુશ થાય છે?

૧૨ બીજી તર્ફે, ઈશ્વર ‘દુષ્ટોને જમીનદોસ્ત કરી નાખે છે.’ (ગીત. ૧૪૭:૬ખ) આપણે નથી ચાહતા કે આપણી સાથે એવું બને. આપણે ચાહીએ છીએ કે ઈશ્વર આપણા પર પ્રેમ રાખે. એ માટે તે જે ધિક્કારે છે, એને આપણે પણ ધિક્કારવું જ જોઈએ. (ગીત. ૯૭:૧૦) દાખલા તરીકે, આપણે વ્યભિચારને નફરત કરવી જોઈએ. એનો અર્થ થાય કે એ તરફ લઈ જતી દરેક બાબતને આપણે ટાળવી જોઈએ, જેમાં પોર્નોગ્રાફીનો પણ સમાવેશ થાય છે. (ગીત. ૯૭:૧૦; માથ. ૫:૨૮) એની સામે લડવું કદાચ અઘરું લાગે, પણ આપણી મહેનત નકામી નહિ જાય. કારણ કે, એમ કરવાથી આપણને યહોવાના આશીર્વાદો મળશે.

૧૩ એ લડાઈ આપણે એકલે હાથે લડી શકતા નથી, આપણને યહોવાના સાથની જરૂર છે. જો આપણે પોતાની શક્તિ પર કે બીજા લોકો પર આધાર રાખીશું, તો શું તે ખુશ થશે? યહોવા ‘ઘોડાના બળથી પ્રસન્ન થતા નથી; તે માણસના પગના જોરથી પણ રાજી થતા નથી.’ (ગીત. ૧૪૭:૧૦) એને બદલે, આપણે યહોવાને પ્રાર્થના કરતા રહીએ. તેમ જ, તેમને આજીજી કરીએ કે આપણી નબળાઈઓથી આપણું રક્ષણ કરે. યહોવા એવી પ્રાર્થનાઓથી ક્યારેય કંટાળતા નથી. ‘જેઓ તેમનાથી બીવે છે અને તેમની કૃપાની આશા રાખે છે, તેમના પર યહોવા રાજી રહે છે.’ (ગીત. ૧૪૭:૧૧) તે ભરોસાપાત્ર છે અને આપણને પ્રેમ કરે છે. તેથી, આપણને ખાતરી છે કે ખોટી ઇચ્છાઓ સામે લડવા તે આપણને હંમેશાં મદદ કરશે.

૧૪. લેખકને શાની ખાતરી હતી?

૧૪ યહોવા ખાતરી આપે છે કે મુશ્કેલીઓમાં તે આપણી મદદ કરશે. ઇઝરાયેલીઓ યરૂશાલેમ પાછા ફર્યા પછી, ગીતના લેખકે વિચાર કર્યો કે યહોવા તેઓને કઈ રીતે મદદ કરી રહ્યા છે. તેમણે લખ્યું: ‘તેમણે તારાં દ્વારોની ભૂંગળો મજબૂત કરી છે; તેમણે તારામાં રહેનાર તારાં છોકરાંને આશીર્વાદ દીધો છે. તારી સરહદમાં શાંતિ ફેલાવી છે.’ (ગીત. ૧૪૭:૧૩, ૧૪) યહોવા શહેરનાં દ્વારો મજબૂત કરશે, એ હકીકત જાણીને લેખકે સલામતી અનુભવી. એનાથી તેમને પાકી ખાતરી થઈ કે યહોવા પોતાના લોકોનું રક્ષણ કરશે.

કસોટીઓને લીધે ચિંતામાં હોઈએ ત્યારે, બાઇબલ કઈ રીતે મદદ કરી શકે? (ફકરા ૧૫-૧૭ જુઓ)

૧૫-૧૭. (ક) કસોટી વિશે ઘણી વાર આપણને કેવું લાગે છે? એવા સમયે યહોવા કઈ રીતે બાઇબલ દ્વારા મદદ કરે છે? (ખ) ઈશ્વરનો શબ્દ તરત મદદે આવે છે, એનો દાખલો આપો.

૧૫ તમે મુશ્કેલીઓના ભાર નીચે દબાઈ જાઓ તોપણ, યહોવા તમને એમાંથી બહાર આવવા ડહાપણ આપે છે. લેખક જણાવે છે કે ઈશ્વર ‘પોતાની આજ્ઞા પૃથ્વી પર મોકલે છે; તેમનું વચન બહુ વેગથી દોડે છે.’ પછી લેખક બરફ, ટાઢ અને કરા વિશે જણાવે છે અને પૂછે છે: ‘તેમની ટાઢ આગળ કોણ ઊભો રહી શકે?’ ત્યાર બાદ, તે જણાવે છે કે યહોવા ‘પોતાનું વચન મોકલીને એને પીગળાવે છે.’ (ગીત. ૧૪૭:૧૫-૧૮) દરેક બાબતો જાણનાર અને કંઈ પણ કરી શકનાર આપણા ઈશ્વર બરફ અને કરાને કાબૂમાં રાખવાનું પણ જાણે છે. તો વિચારો, શું મુશ્કેલીઓમાંથી બહાર આવવા તે આપણને મદદ નહિ કરે?

૧૬ આજે, યહોવા પોતાના શબ્દ બાઇબલ દ્વારા માર્ગદર્શન આપે છે. લેખક કહે છે કે યહોવાનો શબ્દ “બહુ વેગથી દોડે છે,” એટલે કે તરત મદદ પૂરી પાડે છે. યહોવા યોગ્ય રીતે અને યોગ્ય સમયે માર્ગદર્શન આપે છે. યહોવા આવી રીતોથી મદદ પૂરી પાડે છે: બાઇબલ, “વિશ્વાસુ અને સમજુ ચાકર” તરફથી મળતા સાહિત્યો, JW બ્રૉડકાસ્ટિંગ, jw.org વેબસાઇટ, વડીલો અને ભાઈ-બહેનો. (માથ. ૨૪:૪૫) જરા વિચારો કે, એનાથી તમને કેવી મદદ મળી છે? શું તમે પોતે અનુભવ્યું છે કે, યહોવા તરત માર્ગદર્શન આપે છે?

૧૭ બહેન સીમોને બાઇબલની મદદ અનુભવી. તેમને લાગતું કે તેમનું જીવન વ્યર્થ છે. તે વિચારતાં કે યહોવા તેમનાથી ખુશ નથી. જોકે, તે નિરાશ થતાં ત્યારે યહોવાને પ્રાર્થના કરતાં અને મદદ માટે આજીજી કરતાં. તે બાઇબલનો ઊંડો અભ્યાસ કરતાં રહ્યાં. સીમોન જણાવે છે, ‘મારા જીવનમાં એવું ક્યારેય બન્યું નથી કે, યહોવા મને શક્તિ અને માર્ગદર્શન આપવાનું ચૂકી ગયા હોય.’ એ હકીકત મનમાં રાખવાથી બહેનને સારું વલણ રાખવા મદદ મળી.

૧૮. શા માટે તમને લાગે છે કે યહોવા સાથેનો તમારો સંબંધ મજબૂત છે? “યાહની સ્તુતિ કરો” કહેવાના તમારી પાસે કયાં કારણો છે?

૧૮ ગીતના લેખક જાણતા હતા કે યહોવાએ પ્રાચીન ઇઝરાયેલને પોતાના લોકો તરીકે પસંદ કર્યા હતા. ઈશ્વરે ફક્ત તેઓને જ “વચન” અને “વિધિઓ” આપ્યાં હતાં. (ગીતશાસ્ત્ર ૧૪૭:૧૯, ૨૦ વાંચો.) આજે, આપણને યહોવાના નામથી ઓળખાવવાનો લહાવો મળ્યો છે. આપણે તેમને ઓળખીએ છીએ, આપણી પાસે બાઇબલનું માર્ગદર્શન છે અને તેમની સાથે ગાઢ સંબંધ કેળવી શકીએ છીએ. એ માટે આપણે તેમના કેટલા આભારી છીએ! ગીતશાસ્ત્ર ૧૪૭ના લેખકની જેમ, તમારી પાસે પણ “યાહની સ્તુતિ કરો” કહેવાના ઘણાં કારણો છે. વધુમાં, બીજાઓને પણ ઉત્તેજન આપો કે, તેઓ પણ પોકારી ઊઠે: “યાહની સ્તુતિ કરો.”