અભ્યાસ લેખ ૩
ગીત ૩૨ અડગ રહીએ
યહોવા ખુશ થાય એવા નિર્ણય લો
“યહોવાનો ડર બુદ્ધિની શરૂઆત છે, પરમ પવિત્ર ઈશ્વરનું જ્ઞાન લેવું એ સમજણ છે.”—નીતિ. ૯:૧૦.
આપણે શું શીખીશું?
જ્ઞાન, સમજણ અને પારખશક્તિની મદદથી કઈ રીતે સારા નિર્ણયો લઈ શકીએ?
૧. આપણને શું કરવું અઘરું લાગે છે?
આપણે દરરોજ કંઈ કેટલાય નિર્ણયો લેવા પડે છે. અમુક નિર્ણયો લેવા સહેલું હોય છે. જેમ કે, નાસ્તામાં શું બનાવીશું અથવા ક્યારે ઊંઘી જઈશું? પણ બીજા અમુક નિર્ણયો લેવા અઘરું હોય છે. એની અસર આપણી તંદુરસ્તી, ખુશીઓ, સ્નેહીજનો અથવા યહોવાની ભક્તિ પર પડી શકે છે. એટલે આપણે એવા નિર્ણયો લેવા માંગીએ છીએ, જેનાથી આપણને અને કુટુંબને ફાયદો થાય. પણ સૌથી મહત્ત્વનું તો, યહોવાને ખુશ કરવા માંગીએ છીએ.—રોમ. ૧૨:૧, ૨.
૨. સારા નિર્ણયો લેવા કયાં પગલાં મદદ કરશે?
૨ સારા નિર્ણયો લેવા આ ત્રણ પગલાં મદદ કરી શકે: (૧) માહિતી મેળવવી, (૨) યહોવાના વિચારો જાણવા અને (૩) પસંદગી પર ઊંડો વિચાર કરવો. આ લેખમાં એ ત્રણ પગલાં પર ચર્ચા કરીશું. એ પણ જોઈશું કે આપણે કઈ રીતે પારખશક્તિ કેળવી શકીએ.—નીતિ. ૨:૧૧.
માહિતી મેળવો
૩. કોઈ નિર્ણય લેતા પહેલાં માહિતી મેળવવી કેમ જરૂરી છે? દાખલો આપીને સમજાવો.
૩ સારો નિર્ણય લેવાનું પહેલું પગલું છે, માહિતી મેળવવી. એ કેમ જરૂરી છે? આ દાખલાનો વિચાર કરો: એક વ્યક્તિ બહુ બીમાર છે, એટલે ડૉક્ટર પાસે જાય છે. શું ડૉક્ટર તેને તપાસ્યા વગર અથવા સવાલો પૂછ્યા વગર જ તેની સારવારનો નિર્ણય લઈ લેશે? ના, તે એવું નહિ કરે. જો તમે પણ સૌથી પહેલા તમારા સંજોગોને લાગુ પડતી માહિતી ભેગી કરશો, તો સારા નિર્ણયો લઈ શકશો. એવું કઈ રીતે કરી શકો?
૪. નીતિવચનો ૧૮:૧૩ પ્રમાણે માહિતી મેળવવા તમારે શું કરવું જોઈએ? (ચિત્ર પણ જુઓ.)
૪ મોટા ભાગે સવાલો પૂછવાથી માહિતી મેળવી શકાય છે. ધારો કે, તમને કોઈ મિજબાની કે પાર્ટીનું આમંત્રણ મળ્યું છે. શું તમે એમાં જશો? જો તમે એ પાર્ટી રાખનારને સારી રીતે ઓળખતા ન હો અથવા ત્યાં શું થશે એ જાણતા ન હો, તો શું કરવું જોઈએ? તમારે એ વ્યક્તિને આવા સવાલો પૂછવા જોઈએ: “એ પાર્ટી ક્યાં અને ક્યારે થશે? કેટલા લોકો આવશે? કોણ કોણ આવશે? બધી દેખરેખ કોણ રાખશે? ત્યાં શું થશે? શું દારૂ પીરસવામાં આવશે?” a એવા સવાલોના જવાબ મેળવવાથી તમને સારો નિર્ણય લેવા મદદ મળશે.—નીતિવચનો ૧૮:૧૩ વાંચો.
૫. માહિતી મેળવ્યા પછી શું કરવું જોઈએ?
૫ માહિતી મેળવ્યા પછી તમે આખા સંજોગનો ધ્યાનથી વિચાર કરો. દાખલા તરીકે, તમને જાણવા મળે છે કે ત્યાં એવા લોકો આવશે, જેઓ યહોવાનાં ધોરણો પાળતા નથી. એ પણ જાણવા મળે છે કે ત્યાં દારૂ તો પીરસવામાં આવશે, પણ લોકો વધારે પડતો દારૂ ન પીએ એનું ધ્યાન રાખનાર કોઈ નહિ હોય. હવે તમે શું કરશો? શું તમે જોઈ શકો છો કે એ પાર્ટી એક બેફામ મિજબાનીમાં b ફેરવાઈ શકે છે? (૧ પિત. ૪:૩) એટલું જ નહિ, જો એ પાર્ટીના સમયે તમારા મંડળની સભા હોય અથવા તમે પ્રચારમાં જવાનું નક્કી કર્યું હોય તો શું? આમ, આખા સંજોગને તપાસવાથી તમે સારો નિર્ણય લઈ શકશો. પણ તમારે બીજું એક પગલું ભરવાની જરૂર છે. હવે તમે એ સંજોગ વિશે ઘણું જાણો છો, પણ શું તમને ખબર છે કે એ વિશે યહોવાના વિચારો કયા છે?—નીતિ. ૨:૬.
યહોવાના વિચારો જાણો
૬. યાકૂબ ૧:૫ પ્રમાણે આપણે કેમ પ્રાર્થનામાં યહોવા પાસે મદદ માંગવી જોઈએ?
૬ યહોવાને પ્રાર્થનામાં કહો કે તેમના વિચારો સમજવા તમને મદદ કરે. તે આપણને ડહાપણ આપવાનું વચન આપે છે, જેથી પારખી શકીએ કે આપણા નિર્ણય વિશે તેમને કેવું લાગે છે. એવું ડહાપણ તે “બધાને ઉદારતાથી આપે છે અને ઠપકો આપતા નથી.”—યાકૂબ ૧:૫ વાંચો.
૭. યહોવાના વિચારો જાણવા તમે શું કરી શકો? દાખલો આપીને સમજાવો.
૭ યહોવા પાસે માર્ગદર્શન માંગ્યા પછી, તે જે જવાબ આપે એના પર પૂરું ધ્યાન આપો. એ સમજવા એક દાખલો લઈએ. તમે ક્યાંક ફરવા ગયા છો અને ભૂલા પડી ગયા છો. તમે ત્યાં રહેતી કોઈ વ્યક્તિને રસ્તો પૂછો છો. પણ તે જવાબ આપે એ પહેલાં જ શું તમે ત્યાંથી ચાલવા માંડશો? ના. તે રસ્તો સમજાવે ત્યારે તમે ધ્યાનથી સાંભળશો. એવી જ રીતે, યહોવાને ડહાપણ માટે પ્રાર્થના કર્યા પછી ધ્યાન આપો કે યહોવા કઈ રીતે જવાબ આપે છે. એ માટે જુઓ કે બાઇબલના કયા નિયમો અને સિદ્ધાંતો તમારા સંજોગમાં લાગુ પડે છે. ચાલો ફરીથી એ પાર્ટીનો દાખલો યાદ કરીએ. તમે ત્યાં જશો કે નહિ એ નક્કી કરતા પહેલાં આનો વિચાર કરી શકો: બેફામ મિજબાનીઓ, ખરાબ સંગત અને પોતાની ઇચ્છાને બદલે ઈશ્વરના રાજ્યને જીવનમાં પહેલું રાખવા વિશે બાઇબલમાં શું જણાવ્યું છે?—માથ. ૬:૩૩; રોમ. ૧૩:૧૩; ૧ કોરીં. ૧૫:૩૩.
૮. જરૂરી માહિતી શોધવા મદદની જરૂર હોય તો શું કરી શકો? (ચિત્ર પણ જુઓ.)
૮ અમુક વાર તમને માહિતી શોધવા મદદની જરૂર પડી શકે. કદાચ કોઈ અનુભવી ભાઈ કે બહેન તમને સલાહ-સૂચન આપે. જોકે, જાતે સંશોધન કરવાથી પણ ફાયદો થશે. આપણાં સાહિત્યમાં માહિતીનો ભંડાર છે. જેમ કે, યહોવાના સાક્ષીઓ માટે સંશોધન માર્ગદર્શિકા અને ઈશ્વરની વાણી લાવે જીવનમાં પ્રકાશ જેવાં સાહિત્યમાંથી સંશોધન કરી શકો. હંમેશાં યાદ રાખજો કે તમારે એવો નિર્ણય લેવાનો છે, જેનાથી યહોવા ખુશ થાય.
૯. આપણે કઈ રીતે ખાતરી કરી શકીએ કે આપણા નિર્ણયથી યહોવા ખુશ થશે? (એફેસીઓ ૫:૧૭)
૯ કઈ રીતે ખાતરી કરી શકીએ કે આપણા નિર્ણયથી યહોવા ખુશ થશે? એ માટે તેમને સારી રીતે ઓળખીએ એ સૌથી જરૂરી છે. બાઇબલમાં લખ્યું છે: “પરમ પવિત્ર ઈશ્વરનું જ્ઞાન લેવું એ સમજણ છે.” (નીતિ. ૯:૧૦) યહોવાના ગુણો, હેતુ અને તેમની પસંદ-નાપસંદ જાણવાથી સાચી સમજણ મળે છે. પોતાને પૂછો: ‘હું યહોવા વિશે જે જાણું છું એ મને કઈ રીતે સારો નિર્ણય લેવા મદદ કરશે?’—એફેસીઓ ૫:૧૭ વાંચો.
૧૦. કુટુંબની પરંપરા કે સમાજના રીતરિવાજો કરતાં શું વધારે મહત્ત્વનું છે? સમજાવો.
૧૦ અમુક વાર, યહોવાને ખુશ કરવા આપણે માતા-પિતા અને સમાજના લોકોને નારાજ કરવા પડે. આ સંજોગનો વિચાર કરો: લગ્નની વાત આવે ત્યારે દરેક માતા-પિતા પોતાની દીકરીના સુખનો વિચાર કરે છે. એટલે તેઓ કદાચ તેને એવા છોકરા સાથે પરણવા દબાણ કરે જે અમીર હોય, પછી ભલેને યહોવા સાથે તેનો પાકો સંબંધ ન હોય. અમુક સમાજમાં લગ્ન વખતે છોકરાવાળા છોકરીના કુટુંબ પાસેથી કદાચ ઘણી વસ્તુઓની અપેક્ષા રાખે, પછી ભલેને છોકરીનો યહોવા સાથે પાકો સંબંધ ન હોય. એવા સમયે છોકરા-છોકરી પોતાને પૂછી શકે: “જો હું તેની સાથે લગ્ન કરીશ, તો યહોવા સાથેનો મારો સંબંધ વધારે મજબૂત થશે, કે પછી કમજોર પડી જશે?” પણ એ વિશે યહોવાના વિચારો કયા છે? માથ્થી ૬:૩૩માં એનો જવાબ મળે છે. ત્યાં ઈસુએ ખ્રિસ્તીઓને અરજ કરી છે: ‘ઈશ્વરના રાજ્યને જીવનમાં પહેલું રાખો.’ એ વાત સાચી કે આપણે માતા-પિતા અને સમાજના લોકોને માન આપીએ છીએ, પણ યહોવાને ખુશ કરવા આપણા માટે સૌથી મહત્ત્વનું છે.
પસંદગી પર ઊંડો વિચાર કરો
૧૧. પસંદગીઓ પર ઊંડો વિચાર કરવા નીતિવચનો ૨:૧૧ પ્રમાણે તમને શાનાથી મદદ મળશે?
૧૧ બાઇબલ સિદ્ધાંતો પારખી લીધા પછી ઊંડો વિચાર કરો કે સારો નિર્ણય લેવા તમારી પાસે કઈ કઈ પસંદગી છે. નીતિવચનો ૨:૧૧માં જણાવ્યું છે કે પારખશક્તિ તમારું રક્ષણ કરશે. (વાંચો.) કઈ રીતે? પારખશક્તિ તમને એ જોવા મદદ કરશે કે તમારી પાસે જે અલગ અલગ પસંદગી છે, એનાં કેવાં પરિણામ આવશે. અમુક વાર નિર્ણય લેવો સહેલું હોય છે. પણ દરેક વખતે એવું હોય એ જરૂરી નથી. પારખશક્તિની મદદથી તમે અઘરા સંજોગોમાં પણ સારા નિર્ણયો લઈ શકશો.
૧૨-૧૩. નોકરી વિશે સારો નિર્ણય લેવા પારખશક્તિ તમને કઈ રીતે મદદ કરશે?
૧૨ હવે આ સંજોગનો વિચાર કરો: કુટુંબનું ગુજરાન ચલાવવા તમે નોકરી શોધી રહ્યા છો. તમને બે જગ્યાએ નોકરી મળી શકે એમ છે. તમે બધી માહિતીનો વિચાર કરો છો, જેમ કે કયું કામ કરવાનું છે, નોકરીમાં કેટલો સમય આપવો પડશે, આવવા-જવામાં કેટલો સમય લાગશે વગેરે. બાઇબલના સિદ્ધાંતો પ્રમાણે એ બંને નોકરી કરવામાં કંઈ ખોટું નથી. તમે બંને પસંદગીઓને ત્રાજવામાં તોળો છો. એક નોકરીનું પલડું ભારે છે, કેમ કે એ કામ તમને ગમે છે અથવા ત્યાં વધારે પગાર મળે છે. પણ નિર્ણય લેતા પહેલાં તમારે બીજી અમુક બાબતોનો વિચાર કરવો જોઈએ.
૧૩ દાખલા તરીકે, કઈ નોકરીને લીધે તમે મંડળની અમુક સભાઓ ચૂકી જશો? જો તમારો મોટા ભાગનો સમય નોકરીમાં જતો રહેશે, તો કુટુંબને કઈ રીતે સમય આપી શકશો? તેઓને કઈ રીતે હૂંફ આપી શકશો? તેઓને ખુશ રાખવા અને યહોવાની નજીક રહેવા કઈ રીતે મદદ કરી શકશો? એવા સવાલોનો વિચાર કરવાથી તમે વધારે પૈસા કમાવા પર નહિ, પણ યહોવાની ભક્તિ અને કુટુંબની જરૂરિયાતો પર ધ્યાન આપી શકશો. એ જ તો “વધારે મહત્ત્વનું છે.” (ફિલિ. ૧:૧૦ક) આમ, તમે એવો નિર્ણય લઈ શકશો, જેને યહોવા સફળ બનાવશે.
૧૪. બીજાઓને આપણાથી ઠોકર ન લાગે એ માટે પારખશક્તિ અને પ્રેમ કઈ રીતે મદદ કરશે?
૧૪ પારખશક્તિ એ વિચારવા પણ મદદ કરશે કે આપણા નિર્ણયની બીજાઓ પર કેવી અસર પડશે. આમ આપણા લીધે “બીજાઓને ઠોકર” નહિ લાગે. (ફિલિ. ૧:૧૦ખ) પહેરવેશ અને દેખાવ જેવી બાબતોમાં નિર્ણયો લઈએ ત્યારે, એ વાત ધ્યાનમાં રાખવી બહુ જરૂરી છે. દાખલા તરીકે, આપણને કપડાંની કે તૈયાર થવાની અમુક સ્ટાઇલ ગમતી હોય. પણ જો એનાથી મંડળનાં ભાઈ-બહેનોને અથવા દુનિયાના લોકોને ઠોકર લાગે તો શું? પારખશક્તિ કેળવી હશે તો આપણે તેઓની લાગણીઓને માન આપીશું. પ્રેમ હશે તો “બીજાના ફાયદાનો” વિચાર કરીશું અને કપડાંની પસંદગીમાં મર્યાદા બતાવીશું. (૧ કોરીં. ૧૦:૨૩, ૨૪, ૩૨; ૧ તિમો. ૨:૯, ૧૦) પછી એવો નિર્ણય લઈ શકીશું, જેનાથી દેખાઈ આવે કે આપણે લોકોને પ્રેમ કરીએ છીએ અને માન આપીએ છીએ.
૧૫. મોટો નિર્ણય લેતા પહેલાં શું કરવું જોઈએ?
૧૫ જો તમારે કોઈ મોટો નિર્ણય લેવાનો હોય, તો વિચારો કે એ નિર્ણય પ્રમાણે કરવા કયાં પગલાં ભરવાં પડશે. ઈસુએ શીખવ્યું હતું કે ‘પહેલા બેસીને હિસાબ કરો.’ (લૂક ૧૪:૨૮) એટલે વિચારો કે કેટલો સમય આપવો પડશે, કેટલી ધનસંપત્તિ ખર્ચાશે અને કેટલી મહેનત કરવી પડશે. અમુક કિસ્સામાં તમે કુટુંબ સાથે વાત કરી શકો. તમે ચર્ચા કરી શકો કે દરેક સભ્ય કઈ રીતે મદદ કરી શકે. આવી યોજના બનાવવી કેમ જરૂરી છે? કેમ કે એનાથી કદાચ ખ્યાલ આવે કે તમારે નિર્ણયમાં અમુક ફેરફારો કરવાની જરૂર છે અથવા બીજો જ કોઈ નિર્ણય લેવાની જરૂર છે. વધુમાં, જો તમે કુટુંબનો સાથ માંગશો અને તેઓની સલાહ ધ્યાનથી સાંભળશો, તો તેઓ એ નિર્ણયને સફળ બનાવવા રાજીખુશીથી સાથ-સહકાર આપશે.—નીતિ. ૧૫:૨૨.
એવો નિર્ણય લો, જેને યહોવા આશીર્વાદ આપે
૧૬. યહોવા તમારા નિર્ણય પર આશીર્વાદ આપે એ માટે શું કરી શકો? (“ સારા નિર્ણયો લેવા શું કરી શકો?” બૉક્સ પણ જુઓ.)
૧૬ જો તમે આ લેખમાં જણાવેલાં ત્રણ પગલાં ભર્યાં હોય, તો તમે નિર્ણય લેવા તૈયાર છો. યહોવા ખુશ થાય એવો નિર્ણય લેવા તમે બધી માહિતી મેળવી છે અને બાઇબલના સિદ્ધાંતો તપાસ્યા છે. હવે તમે પ્રાર્થનામાં યહોવા પાસે મદદ માંગી શકો, જેથી તે તમારા નિર્ણય પર આશીર્વાદ આપે.
૧૭. સારા નિર્ણયો લેવાની ચાવી કઈ છે?
૧૭ ભલે અગાઉ તમે સારા નિર્ણયો લીધા હોય, પણ હંમેશાં યાદ રાખજો કે સારા નિર્ણયો લેવાની એક જ ચાવી છે: પોતાની બુદ્ધિ કે અનુભવ પર નહિ, પણ યહોવા તરફથી મળતા ડહાપણ પર ભરોસો રાખવો. તે કઈ રીતે એવું ડહાપણ કેળવવા મદદ કરે છે? જ્ઞાન, સમજણ અને પારખશક્તિ આપીને. (નીતિ. ૨:૧-૫) જો તમે યહોવાનું માર્ગદર્શન લેશો, તો તે ખુશ થાય એવા નિર્ણયો લઈ શકશો અને સાચી ખુશી મેળવી શકશો.—ગીત. ૨૩:૨, ૩.
ગીત ૨૭ યહોવા મારો માલિક