સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૪

ગીત ૧૪૯ અમને બચાવવા તારો આભાર

ઈસુના બલિદાનથી શું શીખવા મળે છે?

ઈસુના બલિદાનથી શું શીખવા મળે છે?

“ઈશ્વરનો પ્રેમ આ રીતે બતાવવામાં આવ્યો છે.”૧ યોહા. ૪:૯.

આપણે શું શીખીશું?

ઈસુના બલિદાનથી આપણને યહોવા ઈશ્વર અને ઈસુ ખ્રિસ્તના સુંદર ગુણો વિશે શું શીખવા મળે છે?

૧. આપણે કેમ ઈસુના મરણના દિવસને દર વર્ષે યાદ કરવો જોઈએ?

 ઈસુનું બલિદાન યહોવા તરફથી એક અમૂલ્ય ભેટ છે! (૨ કોરીં. ૯:૧૫) ઈસુએ પોતાના જીવનનું બલિદાન આપ્યું એના લીધે તમે યહોવાના પાકા મિત્ર બની શકો છો. તમે હંમેશ માટે જીવવાની આશા પણ રાખી શકો છો. યહોવાએ પ્રેમના લીધે પોતાના દીકરાનું બલિદાન આપ્યું. એટલે સારું રહેશે કે ઈસુના બલિદાન માટે અને એ ભેટ આપનાર યહોવા માટે કદર બતાવીએ. (રોમ. ૫:૮) એ બલિદાનને ભૂલી ન જઈએ અને એની કદર બતાવતા રહીએ, એ માટે ઈસુએ આજ્ઞા આપી હતી કે તેમના મરણના દિવસને આપણે દર વર્ષે યાદ કરીએ.—લૂક ૨૨:૧૯, ૨૦.

૨. આ લેખમાં શાની ચર્ચા કરીશું?

આ વર્ષે આપણે શનિવાર, ૧૨ એપ્રિલ, ૨૦૨૫ના રોજ ઈસુના મરણના દિવસને યાદ કરીશું. એ પ્રસંગે હાજર રહેવા આપણે બધા જ લોકો તૈયારી કરી રહ્યા છીએ. પણ જો સ્મરણપ્રસંગના અમુક અઠવાડિયાં પહેલાં અને પછી મનન a કરીશું કે યહોવા અને તેમના દીકરાએ આપણા માટે શું કર્યું છે, તો ઘણા ફાયદા થશે. આ લેખમાં જોઈશું કે ઈસુના બલિદાનથી આપણને યહોવા ઈશ્વર અને તેમના દીકરા ઈસુ વિશે શું શીખવા મળે છે. આવતા લેખમાં એ સમજવા મદદ મળશે કે ઈસુના બલિદાનથી કયા આશીર્વાદો મળે છે તેમજ એ બલિદાન માટે કઈ રીતે કદર બતાવી શકીએ.

યહોવા વિશે શું શીખવા મળે છે?

૩. એક માણસના મરણથી કઈ રીતે લાખો-કરોડો લોકોને પાપ અને મરણથી આઝાદ કરી શકાય? (ચિત્ર પણ જુઓ.)

ઈસુના બલિદાનથી આપણને યહોવાના ન્યાય વિશે શીખવા મળે છે. (પુન. ૩૨:૪) કઈ રીતે? આનો વિચાર કરો: આદમે ઈશ્વરની આજ્ઞા તોડી અને પાપ કર્યું. એના લીધે આપણને પાપ અને મરણ વારસામાં મળ્યાં. (રોમ. ૫:૧૨) એમાંથી આપણને આઝાદ કરવા યહોવાએ ઈસુના બલિદાનની ગોઠવણ કરી. પણ એક માણસના બલિદાનથી કઈ રીતે લાખો-કરોડો લોકોને બચાવી શકાય? એ વિશે સમજાવતા પ્રેરિત પાઉલે કહ્યું: “જેમ એક માણસે [આદમે] આજ્ઞા ન માની હોવાથી ઘણા લોકો પાપી ગણાયા, તેમ એક માણસે [ઈસુએ] આજ્ઞા માની હોવાથી ઘણા લોકો નેક ગણાશે.” (રોમ. ૫:૧૯; ૧ તિમો. ૨:૬) બીજા શબ્દોમાં કહીએ તો, તન-મનની ખામી વગરના એક માણસે ઈશ્વરની આજ્ઞા ન માની, જેના લીધે બધા જ લોકો પાપ અને મરણના ગુલામ બન્યા. એવી જ રીતે, એ ગુલામીમાંથી લોકોને આઝાદ કરવા તન-મનની ખામી વગરનો એક માણસ ઈશ્વરની આજ્ઞા પાળે એ જરૂરી હતું.

એક માણસના લીધે આપણે પાપ અને મરણના ગુલામ બન્યા. પણ એક માણસના લીધે આપણે પાપ અને મરણની ગુલામીમાંથી આઝાદ થઈ શકીએ છીએ (ફકરો ૩ જુઓ)


૪. આદમના વફાદાર વંશજો હંમેશ માટે જીવે એવી પરવાનગી યહોવાએ કેમ ન આપી?

શું આપણને બચાવવા ઈસુએ પોતાનું બલિદાન આપવું જરૂરી હતું? શું યહોવા એવી પરવાનગી આપી શકતા ન હતા કે આદમના વફાદાર વંશજો હંમેશ માટે જીવે? માણસોની નજરે એ મુશ્કેલીનો સારો હલ લાગી શકે. પણ યહોવાની નજરે એ અદ્દલ ન્યાય નથી. યહોવા ન્યાયી છે. એટલે તે ક્યારેય આદમના મોટા પાપને આંખ આડા કાન ન કરતા.

૫. આપણે કેમ ખાતરી રાખી શકીએ કે યહોવા હંમેશાં એ જ કરશે, જે ખરું છે?

જો યહોવાએ પોતાના દીકરાનું બલિદાન આપ્યું ન હોત અને પોતાનાં ન્યાયી ધોરણોમાં બાંધછોડ કરીને આદમના વંશજોને જીવતા રહેવા દીધા હોત, તો શું થયું હોત? કદાચ લોકોને આવી શંકા થવા લાગી હોત: ‘શું યહોવાએ બીજી બાબતોમાં પણ પોતાનાં ન્યાયી ધોરણો બાજુ પર મૂકી દીધાં હશે?’ તેઓને કદાચ ચિંતા થવા લાગી હોત કે યહોવા ભાવિનાં વચનો પૂરાં કરશે કે નહિ. પણ કેટલી ખુશીની વાત છે કે આપણે એ બધાની ચિંતા કરવાની જરૂર નથી. કેમ કે યહોવાએ ખરો ન્યાય કરવા ભારે કિંમત ચૂકવવી પડી છે, પોતાના વહાલા દીકરાનું બલિદાન આપવું પડ્યું છે. એનાથી આપણને ખાતરી મળે છે કે યહોવા હંમેશાં એ જ કરશે, જે ખરું છે.

૬. બીજા કયા ગુણને લીધે યહોવાએ પોતાના દીકરાનું બલિદાન આપ્યું? સમજાવો. (૧ યોહાન ૪:૯, ૧૦)

બીજા એક ગુણને લીધે પણ યહોવાએ પોતાના દીકરાને આ પૃથ્વી પર મોકલ્યો અને તેને મરણનું દુઃખ સહેવા દીધું. એ છે, આપણા માટેનો તેમનો પ્રેમ. (યોહા. ૩:૧૬; ૧ યોહાન ૪:૯, ૧૦ વાંચો.) ઈસુના બલિદાનથી જોવા મળે છે કે યહોવા આપણને હંમેશ માટેનું જીવન આપવા માંગે છે. તે આપણને તેમના કુટુંબનો ભાગ પણ બનાવવા માંગે છે. આનો વિચાર કરો: આદમે પાપ કર્યું ત્યારે યહોવાએ તેને પોતાના કુટુંબનો ભાગ રહેવા ન દીધો. પરિણામે, આપણે બધા જ લોકો જન્મથી યહોવાના કુટુંબનો ભાગ નથી. પણ ઈસુના બલિદાનને આધારે યહોવા આપણાં પાપ માફ કરે છે. તેમ જ, જેઓ તેમનામાં શ્રદ્ધા મૂકે છે અને તેમની આજ્ઞાઓ પાળે છે, તેઓને સમય જતાં પોતાના કુટુંબનો ભાગ બનાવશે. પણ આજના વિશે શું? આજે પણ આપણે યહોવા સાથે અને ભાઈ-બહેનો સાથે ગાઢ સંબંધ બાંધી શકીએ છીએ. સાચે જ, યહોવા આપણા પર કેટલો બધો પ્રેમ વરસાવે છે!—રોમ. ૫:૧૦, ૧૧.

૭. છુટકારાની કિંમત ચૂકવવા ઈસુએ ઘણું દુઃખ સહ્યું. એનાથી કઈ રીતે ખબર પડે છે કે યહોવા આપણને ખૂબ પ્રેમ કરે છે?

જો આપણે યાદ રાખીશું કે ઈસુનું બલિદાન આપવા યહોવાએ કેટલી મોટી કિંમત ચૂકવી છે, તો સમજી શકીશું કે તે આપણને અનહદ પ્રેમ કરે છે. શેતાને દાવો કર્યો છે કે મુશ્કેલ ઘડીઓમાં ઈશ્વરનો કોઈ પણ સેવક તેમને વફાદાર રહેશે નહિ. શેતાનનો એ દાવો જૂઠો છે, એ સાબિત કરવા યહોવાએ પોતાના દીકરાને મરણ પહેલાં દુઃખો સહેવા દીધાં. (અયૂ. ૨:૧-૫; ૧ પિત. ૨:૨૧) લોકોએ ઈસુની મજાક ઉડાવી, સૈનિકોએ તેમને કોરડાથી માર્યા અને વધસ્તંભે ખીલાથી જડી દીધા, એ યહોવા જોઈ રહ્યા હતા. પછી યહોવાએ પોતાના કાળજાના ટુકડાને રિબાઈ રિબાઈને મરતા જોયો. (માથ. ૨૭:૨૮-૩૧, ૩૯) જરા વિચારો, યહોવા પાસે એટલી બધી તાકાત છે કે તે એમ થતા અટકાવી શક્યા હોત. દાખલા તરીકે, વિરોધીઓએ કહ્યું હતું: ‘જો ઈશ્વર ચાહતા હોય તો તેને બચાવે.’ (માથ. ૨૭:૪૨, ૪૩) એ વખતે યહોવા ઈસુને બચાવી શક્યા હોત. પણ જો યહોવા વચ્ચે પડ્યા હોત, તો છુટકારાની કિંમત કદી ચૂકવવામાં આવી ન હોત અને આપણી પાસે કોઈ આશા ન હોત. એટલે યહોવાએ પોતાના વહાલા દીકરાને જીવનના છેલ્લા શ્વાસ સુધી દુઃખો સહેવા દીધાં.

૮. શું પોતાના દીકરાને દુઃખમાં જોઈને યહોવા દુઃખી થયા હતા? સમજાવો. (ચિત્ર પણ જુઓ.)

યહોવા સૌથી શક્તિશાળી છે, છતાં તેમણે પોતાના દીકરાને મરવા દીધો. એટલે આપણે એવું ન વિચારવું જોઈએ કે તેમનામાં લાગણીઓ નથી. બાઇબલમાં લખ્યું છે કે યહોવાએ આપણને તેમના જેવા બનાવ્યા છે, તેમણે આપણામાં લાગણીઓ મૂકી છે. એનો અર્થ થાય કે યહોવામાં પણ લાગણીઓ છે. બાઇબલમાં એ વિશે લખ્યું છે: ‘ઈશ્વરના દિલને ઠેસ પહોંચી’ અને ‘ઈશ્વરનું દિલ દુભાયું.’ (ગીત. ૭૮:૪૦, ૪૧) જરા ઇબ્રાહિમ અને ઇસહાકના અહેવાલનો વિચાર કરો. તમને યાદ હશે કે યહોવાએ ઇબ્રાહિમને પોતાના એકના એક દીકરાનું બલિદાન ચઢાવવાનું કહ્યું હતું. (ઉત. ૨૨:૯-૧૨; હિબ્રૂ. ૧૧:૧૭-૧૯) શું તમે કલ્પના કરી શકો કે જ્યારે ઇબ્રાહિમે ઇસહાકને મારી નાખવા છરો ઉગામ્યો હશે, ત્યારે તેમના દિલ પર શું વીત્યું હશે? હવે આનો વિચાર કરો: જ્યારે લોકોએ ઈસુ પર જુલમ ગુજાર્યો અને તેમને રિબાવી રિબાવીને મારી નાખ્યા, ત્યારે એ જોઈને યહોવાને કેટલું વધારે દુઃખ થયું હશે!—jw.org/gu પર વીડિયો જુઓ: તેઓની શ્રદ્ધાને પગલે ચાલો—ઇબ્રાહિમ, ભાગ ૨.

પોતાના દીકરાને રિબાતા જોઈને યહોવાને અપાર વેદના થઈ (ફકરો ૮ જુઓ)


૯. રોમનો ૮:૩૨, ૩૮, ૩૯માંથી યહોવાના પ્રેમ વિશે શું શીખવા મળે છે?

ઈસુના બલિદાનથી શીખવા મળે છે કે આ દુનિયાની કોઈ પણ વ્યક્તિ, અરે સૌથી નજીકનું સગું કે એકદમ પાકો મિત્ર પણ આપણને યહોવા જેટલો પ્રેમ કરતો નથી. (રોમનો ૮:૩૨, ૩૮, ૩૯ વાંચો.) આપણે પોતાને જેટલો પ્રેમ કરીએ છીએ, એના કરતાં વધારે પ્રેમ યહોવા આપણને કરે છે. શું તમે હંમેશ માટે જીવવાની ઇચ્છા રાખો છો? ચોક્કસ રાખતા હશો. પણ તમને ખબર છે, તમારા કરતાંય વધારે યહોવા ઇચ્છે છે કે તમે હંમેશ માટે જીવો! શું તમે પાપોની માફી મેળવવા માંગો છો? એમાં કોઈ શંકા નથી. પણ તમને ખબર છે, તમારા કરતાંય વધારે યહોવા ઇચ્છે છે કે તમારાં પાપ માફ થાય! બસ તે એટલું જ ચાહે છે કે આપણે તેમનામાં શ્રદ્ધા મૂકીએ, તેમની આજ્ઞાઓ પાળીએ અને ઈસુના બલિદાનની કદર કરીએ. ઈસુનું બલિદાન યહોવાના પ્રેમની જોરદાર સાબિતી છે. નવી દુનિયામાં તો આપણે યહોવાના પ્રેમ વિશે હજી વધારે શીખીશું.—સભા. ૩:૧૧.

ઈસુ વિશે શું શીખવા મળે છે?

૧૦. (ક) ઈસુને કઈ વાતનું ભારે દુઃખ હતું? (ખ) ઈસુએ કઈ રીતોએ યહોવાનું નામ પવિત્ર મનાવ્યું? (“ ઈસુએ વફાદાર રહીને યહોવાનું નામ પવિત્ર મનાવ્યું” બૉક્સ પણ જુઓ.)

૧૦ ઈસુને પોતાના પિતાની શાખની ખૂબ ચિંતા છે. (યોહા. ૧૪:૩૧) ઈસુ પર ઈશ્વરની નિંદા કરવાનો આરોપ હતો. તેમને ગુનેગાર તરીકે મોતની સજા થવાની હતી. એટલે તેમને એ વાતનું ભારે દુઃખ હતું કે તેમના પિતાના નામની ખૂબ બદનામી થશે. એ જ કારણે તેમણે પ્રાર્થનામાં કહ્યું: “હે મારા પિતા, જો શક્ય હોય તો આ પ્યાલો મારી પાસેથી દૂર કરો.” (માથ. ૨૬:૩૯) છેક છેલ્લી ઘડી સુધી યહોવાને વફાદાર રહીને ઈસુએ સાબિત કર્યું કે શેતાન જૂઠો છે. આમ, તેમણે પોતાના પિતા યહોવાનું નામ પવિત્ર મનાવ્યું.

૧૧. ઈસુએ કઈ રીતે બતાવ્યું કે તે લોકોને પ્રેમ કરતા હતા? (યોહાન ૧૩:૧)

૧૧ ઈસુના બલિદાનથી એ પણ શીખવા મળે છે કે તે લોકોની કેટલી કાળજી રાખે છે, ખાસ કરીને તેમના શિષ્યોની. (નીતિ. ૮:૩૧; યોહાન ૧૩:૧ વાંચો.) દાખલા તરીકે, ઈસુ જાણતા હતા કે પૃથ્વી પર તેમણે જે કામ કરવાનાં હતાં, એમાંનાં અમુક કામ ખૂબ અઘરાં હતાં. વધારે અઘરું તો એ હતું કે તેમણે દુઃખો વેઠીને મરવાનું હતું. તેમ છતાં, તેમણે એ બધાં કામો કર્યાં. યહોવાએ તેમને સોંપણી આપી હતી ફક્ત એ જ કારણે નહિ, પણ તે લોકોને ખૂબ પ્રેમ કરતા હતા એ કારણે. ઈસુએ લોકોને પ્રચાર કરવામાં, શીખવવામાં અને તેઓની સેવા કરવામાં પોતાનો જીવ રેડી દીધો. અરે, મરણની આગલી રાતે તેમણે શિષ્યોના પગ ધોવા, તેઓને શીખવવા તેમજ દિલાસો અને ઉત્તેજન આપવા સમય કાઢ્યો. (યોહા. ૧૩:૧૨-૧૫) જ્યારે તેમને વધસ્તંભે જડી દેવામાં આવ્યા, ત્યારે તેમણે એક મરતા ગુનેગારને આશા આપી. જીવનની છેલ્લી ઘડીઓમાં પણ તેમને પોતાની માની ચિંતા થતી હતી. એટલે તેમણે યોહાનને કહ્યું કે તેમની સંભાળ રાખે. (લૂક ૨૩:૪૨, ૪૩; યોહા. ૧૯:૨૬, ૨૭) આમ ઈસુએ ફક્ત પોતાનો જીવ આપીને જ નહિ, પોતાના આખા જીવનથી બતાવ્યું કે તે લોકોને ઘણો પ્રેમ કરતા હતા.

૧૨. ઈસુ કયા અર્થમાં આજે બલિદાનો આપી રહ્યા છે?

૧૨ એ વાત સાચી છે કે ઈસુએ “એક જ વાર અને હંમેશ માટે” પોતાના જીવનનું બલિદાન આપ્યું. (રોમ. ૬:૧૦) જોકે, તે આજે પણ આપણા માટે બલિદાનો આપી રહ્યા છે. કઈ રીતે? તેમના બલિદાનથી આપણને ફાયદો થાય એ માટે તે પોતાનાં સમય-શક્તિ આપી રહ્યા છે. ધ્યાન આપો કે તે કયાં કયાં કામ કરે છે. તે આપણા રાજા, પ્રમુખ યાજક અને મંડળના શિર છે. (૧ કોરીં. ૧૫:૨૫; એફે. ૫:૨૩; હિબ્રૂ. ૨:૧૭) તેમની આગેવાની નીચે અભિષિક્તોને અને મોટા ટોળાના લોકોને ભેગા કરવાનું કામ ચાલી રહ્યું છે. એ કામ મોટી વિપત્તિના અંત પહેલાં પૂરું થઈ જશે. b (માથ. ૨૫:૩૨; માર્ક ૧૩:૨૭) તે વિશ્વાસુ અને સમજુ ચાકરને મદદ કરે છે, જેથી આ છેલ્લા દિવસોમાં આપણને ભક્તિને લગતો ખોરાક મળી રહે. (માથ. ૨૪:૪૫) એટલું જ નહિ, તેમના હજાર વર્ષના રાજમાં પણ તે આપણું ભલું કરતા રહેશે. યહોવાએ સાચે જ પોતાનો દીકરો આપણા માટે આપી દીધો છે!

નવી નવી વાતો શીખતા રહો

૧૩. યહોવા અને ખ્રિસ્ત ઈસુના પ્રેમ વિશે શીખતા રહેવા તમે શું કરી શકો?

૧૩ યહોવા ઈશ્વર અને ખ્રિસ્ત ઈસુએ આપણા માટે ઘણું બધું કર્યું છે. જો એના પર મનન કરતા રહેશો, તો તેઓના પ્રેમ વિશે ઘણું બધું શીખી શકશો. આ વર્ષના સ્મરણપ્રસંગના સમયગાળામાં તમે કદાચ આવું કંઈક કરી શકો: ખુશખબરના એક કે વધારે પુસ્તકો વાંચી શકો. પણ એક જ સમયે બહુ બધા અધ્યાયો ન વાંચતા. એને બદલે, ધીરે ધીરે વાંચજો. વાંચતી વખતે ધ્યાન આપજો કે યહોવા અને ઈસુને પ્રેમ કરવાનાં બીજાં કયાં કારણો છે. અને હા, જે શીખો છો એ બીજાઓને જણાવવાનું ન ભૂલતા.

૧૪. ઈસુના બલિદાન અને બીજી બાબતો વિશે શીખતા રહેવા સંશોધન કઈ રીતે મદદ કરશે? (ગીતશાસ્ત્ર ૧૧૯:૯૭ અને ફૂટનોટ) (ચિત્ર પણ જુઓ.)

૧૪ જો તમે ઘણાં વર્ષોથી યહોવાના ભક્ત હો, તો તમને કદાચ થાય: ‘શું આજે પણ યહોવાના ન્યાય, તેમના પ્રેમ અને ઈસુના બલિદાન વિશે નવી નવી વાતો શીખી શકાય?’ હકીકતમાં, એ વિશે અને બીજી બાબતો વિશે શીખવાનો કદી પાર નહિ આવે. તો તમે શું કરી શકો? આપણાં સાહિત્યમાં માહિતીનો જે ભંડાર છે, એનો પૂરેપૂરો ફાયદો ઉઠાવો. જો તમને કોઈ અહેવાલ પૂરી રીતે ન સમજાય, તો સંશોધન કરો. પછી તમે અભ્યાસ કર્યો હોય એ માહિતી પર તેમજ યહોવા, તેમના દીકરા અને તેઓના પ્રેમ વિશે તમને જે શીખવા મળ્યું, એના પર આખો દિવસ મનન કરો.—ગીતશાસ્ત્ર ૧૧૯:૯૭ અને ફૂટનોટ વાંચો.

ભલે ઘણાં વર્ષોથી યહોવાની ભક્તિ કરતા હોઈએ, પણ ઈસુના બલિદાન માટે પોતાની કદર વધારી શકીએ છીએ (ફકરો ૧૪ જુઓ)


૧૫. કેમ બાઇબલમાંથી કીમતી રત્નો શોધતા રહેવું જોઈએ?

૧૫ બની શકે કે દરેક વાર બાઇબલ વાંચતી વખતે અથવા સંશોધન કરતી વખતે તમને નવી કે જોરદાર વાત જાણવા ન મળે. જો એવું થાય તો નિરાશ ન થતા. એક રીતે તમે સોનું શોધનાર માણસ જેવા છો. તે ઘણા બધા કલાકો અથવા દિવસો વિતાવે એ પછી જરાક જેટલું સોનું તેને હાથ લાગે છે. પણ તે હિંમત હારતો નથી અને ધીરજથી સોનું શોધતો રહે છે, કેમ કે સોનાનો એકેએક કણ તેના માટે બહુ કીમતી છે. શું એ સોનાની સરખામણીમાં બાઇબલનું સત્ય વધારે કીમતી નથી? (ગીત. ૧૧૯:૧૨૭; નીતિ. ૮:૧૦) એટલે ધીરજ રાખજો, બાઇબલ વાંચતા રહેજો અને કીમતી રત્નો શોધતા રહેજો.—ગીત. ૧:૨.

૧૬. આપણે કઈ રીતે યહોવા અને ઈસુનું અનુકરણ કરી શકીએ?

૧૬ અભ્યાસ કરતી વખતે વિચારો કે શીખેલી વાતોને કઈ રીતે લાગુ પાડશો. દાખલા તરીકે, યહોવાના ન્યાયનું અનુકરણ કરવા બીજાઓ સાથે ભેદભાવ ન કરો. ઈસુ તેમના પિતાને અને લોકોને ખૂબ પ્રેમ કરતા હતા. એવો પ્રેમ બતાવવા રાજીખુશીથી યહોવાની ઇચ્છા પૂરી કરો અને બીજાઓને મદદ કરતા રહો, પછી ભલેને એ માટે મુશ્કેલીઓ વેઠવી પડે. એ ઉપરાંત, ઈસુને પગલે ચાલવા બીજાઓને ખુશખબર જણાવતા રહો. આમ તેઓને પણ ઈસુના બલિદાનમાં શ્રદ્ધા મૂકવાની તક મળશે અને જાણવા મળશે કે આખી માણસજાતને બચાવવા યહોવાએ શું કર્યું છે.

૧૭. આવતા લેખમાં શાની ચર્ચા કરીશું?

૧૭ ઈસુના બલિદાન વિશે વધારે શીખતા જઈશું તેમ, યહોવા અને તેમના દીકરા ઈસુ માટેનો પ્રેમ વધારે ને વધારે ખીલતો જશે. પછી બદલામાં તેઓ પણ આપણને ખૂબ પ્રેમ કરશે. (યોહા. ૧૪:૨૧; યાકૂ. ૪:૮) એટલે ચાલો, બાઇબલ અને સાહિત્યમાંથી ઈસુના બલિદાન વિશે શીખતા રહીએ. આવતા લેખમાં આપણે જોઈશું કે ઈસુના બલિદાનને લીધે બીજા કયા આશીર્વાદો મળે છે. એ પણ જોઈશું કે યહોવાના પ્રેમ માટે કઈ રીતે કદર બતાવી શકીએ.

ગીત ૫૦ ઈશ્વરનો મધુર પ્રેમ

a શબ્દોની સમજ: “મનન” કરવાનો અર્થ થાય કે કોઈ વિષય પર વિચાર કરવો અને એને વધારે સમજવા ઊંડા ઊતરવું.

b એફેસીઓ ૧:૧૦માં પાઉલે કહ્યું હતું, ‘સ્વર્ગનું બધું જ ભેગું’ કરવામાં આવશે. માથ્થી ૨૪:૩૧ અને માર્ક ૧૩:૨૭માં ઈસુએ કહ્યું હતું, “ઈશ્વરના પસંદ કરાયેલાને ભેગા” કરવામાં આવશે. ભેગા કરવા વિશે એ બંનેએ જે કહ્યું, એ એકબીજાથી એકદમ અલગ છે. પાઉલ એ સમયની વાત કરી રહ્યા છે, જ્યારે યહોવા પોતાની પવિત્ર શક્તિથી અભિષેક કરીને એ લોકોને પસંદ કરે છે, જેઓ ઈસુ સાથે સ્વર્ગમાં રાજ કરશે. ઈસુ એ સમયની વાત કરી રહ્યા છે, જ્યારે પૃથ્વી પર બાકી રહેલા અભિષિક્તોને મોટી વિપત્તિ દરમિયાન સ્વર્ગમાં ભેગા કરવામાં આવશે.