અભ્યાસ લેખ ૫
“ખ્રિસ્તનો પ્રેમ અમને ફરજ પાડે છે”
‘ખ્રિસ્તનો પ્રેમ અમને ફરજ પાડે છે. ખ્રિસ્ત બધા માટે મરી ગયા, એટલે જેઓ જીવે છે તેઓ હવેથી પોતાના માટે ન જીવે.’—૨ કોરીં. ૫:૧૪, ૧૫.
ગીત ૫ ઈસુને પગલે ચાલું
ઝલક a
૧-૨. (ક) ઈસુના જીવન અને સેવાકાર્ય પર વિચાર કરીને આપણને કેવું લાગે છે? (ખ) આ લેખમાં શું જોઈશું?
આપણા સગા-વહાલા કે દોસ્તનું મરણ થાય ત્યારે તેમની ખૂબ જ ખોટ સાલે છે. શરૂ શરૂમાં આપણે એ વિચારીને દુઃખી થઈએ કે તેમના મરણ પહેલાં શું થયું હતું અથવા તેમણે કેટલું રિબાવું પડ્યું હતું. પણ થોડા સમય પછી આપણને તેમની સાથે વિતાવેલો સારો સમય યાદ આવે. જેમ કે, તેમના મીઠા શબ્દો અથવા તે કઈ રીતે આપણો ઉત્સાહ વધારતા હતા એ યાદ આવે. તેમની એ વાત યાદ કરીને કદાચ આપણા ચહેરા પર એક સ્માઈલ આવી જાય.
૨ સ્મરણપ્રસંગના સમયગાળામાં આપણે ઈસુના મરણ વિશે વાંચીએ છીએ. તે કેટલું રિબાયા હતા એનો વિચાર કરીએ છીએ. એનાથી આપણું દિલ ભરાય આવે છે. પણ ઈસુએ પૃથ્વી પર કરેલાં કામો અને શીખવેલી વાતો પર વિચાર કરીએ છીએ ત્યારે આપણને ઘણી ખુશી થાય છે. ઈસુનું બલિદાન કેટલું કીમતી છે, તે આજે શું કરી રહ્યા છે અને આવનાર સમયમાં તે શું કરશે, એના પર વિચાર કરવાથી આપણો ઉત્સાહ વધે છે. (૧ કોરીં. ૧૧:૨૪, ૨૫) આપણે એ બધી વાતો પર અને ઈસુના પ્રેમ પર મનન કરીએ. એનાથી આપણા દિલમાં તેમના માટે કદર વધશે. યહોવા અને ઈસુએ આપણા માટે જે કર્યું છે એની કદર બતાવવાનું મન થશે. આ લેખમાં જોઈશું કે કઈ રીતે આપણાં કામોથી એ બતાવી શકીએ.
ઈસુ માટે કદર હોવાથી તેમના પગલે ચાલતા રહીએ
૩. આપણે કેમ ઈસુના બલિદાનની કદર કરીએ છીએ?
૩ ઈસુના જીવન અને બલિદાન પર વિચાર કરીએ છીએ ત્યારે આપણું દિલ કદરથી ઊભરાય છે. ઈસુ પૃથ્વી પર હતા ત્યારે તેમણે લોકોને જણાવ્યું કે ઈશ્વરના રાજ્યમાં કેવા આશીર્વાદો મળશે. એ આશીર્વાદો વિશે વાંચીને આપણને અનેરો આનંદ મળે છે. આપણે ઈસુના બલિદાન માટે ઘણો આભાર માનીએ છીએ. એ બલિદાન દ્વારા આપણે યહોવા અને ઈસુ સાથે પાકી દોસ્તી કરી શકીએ છીએ. આપણે એ પણ જાણીએ છીએ કે ઈસુમાં શ્રદ્ધા મૂકવાથી જ હંમેશ માટેનું જીવન મેળવી શકીશું. એટલું જ નહિ, ગુજરી ગયેલાં સગાં-વહાલાંને ફરી મળી શકીશું. (યોહા. ૫:૨૮, ૨૯; રોમ. ૬:૨૩) યહોવા અને ઈસુએ આપણા માટે જે કર્યું છે, એના બદલામાં આપણે તેઓને કંઈ પાછું નથી આપી શકતા. અરે, એ આશીર્વાદો મેળવવાને આપણે લાયક પણ નથી. (રોમ. ૫:૮, ૨૦, ૨૧) પણ આપણે તેઓ માટે કદર ચોક્કસ બતાવી શકીએ છીએ. એ કઈ રીતે?
૪. મરિયમ માગદાલેણે કઈ રીતે બતાવ્યું કે તે ઈસુની કદર કરે છે? (ચિત્ર જુઓ.)
૪ ચાલો મરિયમ માગદાલેણનો દાખલો જોઈએ. તે યહૂદી હતી. સાત દુષ્ટ દૂતોએ તેને વશ કરી હતી. તેની હાલત બહુ જ ખરાબ હતી. તેને લાગતું હશે કે કોઈ તેને સાજી નહિ કરી શકે, તેણે જિંદગીભર આ દુઃખ સહેવું પડશે. પણ ઈસુએ તેને દુષ્ટ દૂતોના પંજામાંથી છોડાવી. જરા વિચારો, એ સમયે તેને કેવું લાગ્યું હશે? તેણે વારંવાર ઈસુનો આભાર માન્યો હશે. તે ઈસુના પગલે ચાલવા લાગી. તેણે વિચાર્યું કે તે પોતાનાં સમય, શક્તિ અને સંપત્તિ ઈસુના સેવાકાર્ય માટે વાપરશે. (લૂક ૮:૧-૩) ઈસુએ મરિયમ માટે જે કર્યું હતું, એ તેના માટે બહુ મોટી વાત હતી. પણ આગળ જતાં ઈસુ એવું કંઈક કરવાના હતા, જેના વિશે મરિયમે સપનામાંય વિચાર્યું નહિ હોય. ઈસુ બધા માણસો માટે પોતાનો જીવ આપવાના હતા, જેથી ‘જે કોઈ તેમનામાં શ્રદ્ધા મૂકે,’ તે હંમેશ માટેનું જીવન મેળવે. (યોહા. ૩:૧૬) ઈસુને વધસ્તંભ પર લટકાવવામાં આવ્યા ત્યારે મરિયમ તેમની નજીક ઊભી હતી. એનાથી ઈસુને અને બીજાઓને હિંમત અને દિલાસો મળ્યો હશે. (યોહા. ૧૯:૨૫) ઈસુના મરણ પછી મરિયમ અને બીજી બે સ્ત્રીઓ સુગંધી દ્રવ્યો લઈને ઈસુની કબર પાસે આવી, જેથી ઈસુના શબને દફનાવવા માટે તૈયાર કરી શકે. (માર્ક ૧૬:૧, ૨) મરિયમ ઈસુને વફાદાર રહી. આમ તેણે બતાવી આપ્યું કે તે ઈસુની ઘણી કદર કરે છે. મરિયમને તેની વફાદારીનું ઇનામ પણ મળ્યું. ઈસુ જીવતા થયા એ પછી તે ઈસુને મળી શકી અને તેમની સાથે વાત કરી શકી. એવી તક ઈસુના અમુક જ શિષ્યોને મળી હતી.—યોહા. ૨૦:૧૧-૧૮.
૫. કઈ રીતે બતાવી શકીએ કે આપણને યહોવા અને ઈસુ માટે કદર છે?
૫ આપણે પણ પોતાનાં સમય, શક્તિ અને ધનસંપત્તિ યહોવાની ભક્તિમાં વાપરી શકીએ. એમ કરીને બતાવી આપીશું કે આપણે યહોવા અને ઈસુની કદર કરીએ છીએ. દાખલા તરીકે, ભક્તિ માટે વપરાતી જગ્યાના બાંધકામમાં ભાગ લઈ શકીએ. એની સારસંભાળ રાખવામાં મદદ કરી શકીએ.
યહોવા અને ઈસુ માટે પ્રેમ હોવાથી બીજાઓને પ્રેમ કરીએ
૬. કેમ કહી શકીએ કે ઈસુએ દરેક માટે પોતાનો જીવ આપી દીધો?
૬ યહોવા અને ઈસુ આપણને બહુ પ્રેમ કરે છે. એ જોઈને આપણે પણ તેઓને પ્રેમ કરવા પ્રેરાઈએ છીએ. (૧ યોહા. ૪:૧૦, ૧૯) જ્યારે વિચારીએ છીએ કે ‘ઈસુએ મારા માટે પોતાનો જીવ આપી દીધો,’ ત્યારે તેમના માટે આપણો પ્રેમ વધે છે. પ્રેરિત પાઉલ પણ એવું જ વિચારતા હતા. તે ઈસુના બલિદાનની ઘણી કદર કરતા હતા. તેમણે ગલાતીઓને પત્રમાં લખ્યું: ‘ઈશ્વરના દીકરાએ મને પ્રેમ બતાવ્યો અને મારા માટે પોતાનો જીવ આપી દીધો.’ (ગલા. ૨:૨૦) ઈસુએ ચૂકવેલી કિંમતને આધારે યહોવાએ તમને પોતાની પાસે દોર્યા છે અને દોસ્તીનો હાથ લંબાવ્યો છે. (યોહા. ૬:૪૪) યહોવાએ તમારામાં કંઈક સારું જોયું અને તમારી સાથે દોસ્તી કરવા આટલી મોટી કિંમત ચૂકવી. એ વિશે તમને કેવું લાગે છે? તમારું દિલ કદરથી ઊભરાઈ જતું હશે, તેઓ માટે તમારા દિલમાં પ્રેમ છલકાઈ જતો હશે. યહોવા અને ઈસુને પ્રેમ કરતા હોઈશું તો કઈ રીતે એ આપણાં કામોમાં દેખાઈ આવશે?
૭. ચિત્રમાં જોવા મળે છે તેમ, કઈ રીતે બતાવી શકીએ કે યહોવા અને ઈસુને પ્રેમ કરીએ છીએ? (૨ કોરીંથીઓ ૫:૧૪, ૧૫; ૬:૧, ૨)
૭ આપણે યહોવા અને ઈસુને ખૂબ પ્રેમ કરીએ છીએ. એટલે બીજાઓને પણ પ્રેમ કરવા પ્રેરાઈએ છીએ. (૨ કોરીંથીઓ ૫:૧૪, ૧૫; ૬:૧, ૨ વાંચો.) બીજાઓને પ્રેમ બતાવવાની એક રીત છે, તેઓને પૂરા ઉત્સાહથી ખુશખબર જણાવીએ. આપણે દરેક વ્યક્તિને ખુશખબર જણાવીએ છીએ. આપણે એ નથી જોતા કે વ્યક્તિ કઈ જાતિ કે સમાજની છે, તે અમીર છે કે ગરીબ, તે કયા હોદ્દા પર છે, તે ભણેલી છે કે નહિ. એમ કરીને આપણે યહોવાની ઇચ્છા પૂરી કરીએ છીએ. કેમ કે યહોવા ચાહે છે કે “બધા પ્રકારના લોકોનો ઉદ્ધાર થાય અને તેઓ સત્યનું ખરું જ્ઞાન મેળવે.”—૧ તિમો. ૨:૪.
૮. કઈ રીતે બતાવી શકીએ કે આપણે ભાઈ-બહેનોને પ્રેમ કરીએ છીએ?
૮ ભાઈ-બહેનોને પ્રેમ કરીને પણ બતાવી આપીએ છીએ કે આપણે યહોવા અને ઈસુને પ્રેમ કરીએ છીએ. (૧ યોહા. ૪:૨૧) આપણને ભાઈ-બહેનોની ખૂબ ચિંતા છે. તેઓ પર મુશ્કેલીઓ આવે છે ત્યારે મદદ કરવા ખડે પગે હાજર રહીએ છીએ. તેઓનું કોઈ સગું-વહાલું ગુજરી જાય ત્યારે દિલાસો આપીએ છીએ. તેઓ બીમાર પડે ત્યારે મળવા જઈએ છીએ. તેઓ નિરાશ હોય ત્યારે ઉત્તેજન આપીએ છીએ. (૨ કોરીં. ૧:૩-૭; ૧ થેસ્સા. ૫:૧૧, ૧૪) આપણે તેઓ માટે પ્રાર્થના કરતા રહીએ છીએ. કેમ કે આપણે જાણીએ છીએ, “નેક માણસે કરગરીને કરેલી પ્રાર્થનાની જોરદાર અસર થાય છે.”—યાકૂ. ૫:૧૬.
૯. ભાઈ-બહેનોને પ્રેમ બતાવવાની બીજી રીત કઈ છે?
૯ ભાઈ-બહેનોને પ્રેમ બતાવવાની બીજી એક રીત છે, તેઓ સાથે શાંતિ જાળવવા મહેનત કરીએ. આપણે યહોવાની જેમ બીજાઓને દિલથી માફ કરવા માંગીએ છીએ. જરા વિચારો, આપણાં પાપ માફ કરવા યહોવાએ અચકાયા વગર પોતાનો દીકરો આપી દીધો. તો પછી, કોઈ ભાઈ કે બહેન આપણી વિરુદ્ધ પાપ કરે ત્યારે શું આપણે તેમને માફ ન કરવા જોઈએ? ઈસુએ એક ચાકરનો દાખલો આપ્યો હતો. એ ચાકરના માલિકે તેનું બહુ મોટું દેવું માફ કર્યું. પણ ચાકરે શું કર્યું? તેણે પોતાના સાથી ચાકરનું નાનું અમથું દેવું પણ માફ ન કર્યું. આપણે એ દુષ્ટ ચાકર જેવા બનવા નથી માંગતા, ખરું ને? (માથ. ૧૮:૨૩-૩૫) એટલે જો કોઈ ભાઈ કે બહેન વિશે આપણને ગેરસમજ થઈ હોય, તો આ સ્મરણપ્રસંગ પહેલાં તેમની સાથે સુલેહ-શાંતિ કરવા પહેલ કરીએ. (માથ. ૫:૨૩, ૨૪) એમ કરીને બતાવી આપીશું કે આપણે યહોવા અને ઈસુને ગાઢ પ્રેમ કરીએ છીએ.
૧૦-૧૧. વડીલો કઈ રીતે બતાવી શકે કે તેઓ યહોવા અને ઈસુને પ્રેમ કરે છે? (૧ પિતર ૫:૧, ૨)
૧૦ વડીલો કઈ રીતે બતાવી શકે કે તેઓ યહોવા અને ઈસુને પ્રેમ કરે છે? એક મહત્ત્વની રીત છે, ઈસુનાં ઘેટાંની સંભાળ રાખવી. (૧ પિતર ૫:૧, ૨ વાંચો.) ઈસુએ પિતરને એવું જ કીધું હતું. પિતરે ઈસુનો ત્રણ વાર નકાર કર્યો. એ પછી પિતર ઘણા દુઃખી થયા હશે. તે ઈસુને પ્રેમ કરે છે એ બતાવવાની તક શોધતા હશે. ઈસુ જીવતા થયા પછી તેમણે પિતરને પૂછ્યું: “યોહાનના દીકરા સિમોન, શું તું મારા પર પ્રેમ રાખે છે?” પિતર ઈસુને પ્રેમ કરે છે એ બતાવવા તે ચોક્કસ કંઈ પણ કરવા તૈયાર હશે. ઈસુએ તેમને કીધું: “મારાં નાનાં ઘેટાંની સંભાળ રાખ.” (યોહા. ૨૧:૧૫-૧૭, ફૂટનોટ) પિતરે આખી જિંદગી એ શબ્દો યાદ રાખ્યા. તેમણે પ્રેમથી ઈસુનાં ઘેટાંની સંભાળ રાખી. આમ તેમણે બતાવી આપ્યું કે તે ઈસુને ખૂબ પ્રેમ કરે છે.
૧૧ વડીલો, સ્મરણપ્રસંગના સમયગાળામાં તમે કઈ રીતે બતાવી શકો કે તમે પણ ઈસુની એ વાત માનો છો? ભાઈ-બહેનોની ઉત્તેજન આપતી મુલાકાત લો. ખાસ કરીને એવાં ભાઈ-બહેનોની મુલાકાત લો જેઓ ભક્તિમાં ઠંડા પડી ગયા છે. તેઓને યહોવા પાસે પાછા આવવા મદદ કરો. (હઝકિ. ૩૪:૧૧, ૧૨) જે બાઇબલ વિદ્યાર્થીઓ અને નવા લોકો સ્મરણપ્રસંગમાં આવે, તેઓને મળો અને તેઓનો ઉત્સાહ વધારો. ભૂલશો નહિ, આગળ જતાં કદાચ તેઓ પણ ઈસુના શિષ્યો બને. એ બધું કરીને બતાવી શકશો કે તમે યહોવા અને ઈસુને ખૂબ પ્રેમ કરો છો.
ઈસુ માટે પ્રેમ હોવાથી હિંમત રાખીએ
૧૨. ઈસુએ શિષ્યોને જે કીધું એનાથી આજે આપણને કેમ હિંમત મળે છે? (યોહાન ૧૬:૩૨, ૩૩)
૧૨ ઈસુએ પોતાના મરણની આગલી રાતે શિષ્યોને કીધું: “દુનિયામાં તમારા પર તકલીફો આવશે. પણ હિંમત રાખજો, મેં દુનિયા પર જીત મેળવી છે!” (યોહાન ૧૬:૩૨, ૩૩ વાંચો.) ઘણા લોકો ઈસુને નફરત કરતા હતા. પણ તે દુશ્મનોથી ડર્યા નહિ. તેમણે હિંમત રાખી. છેલ્લા શ્વાસ સુધી તે વફાદાર રહ્યા. તે કઈ રીતે એવું કરી શક્યા? તેમણે યહોવા પર આધાર રાખ્યો. ઈસુ જાણતા હતા કે શિષ્યોએ પણ એવી જ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. એટલે તેમણે યહોવાને વિનંતી કરી કે તેઓનું ધ્યાન રાખે, તેઓને સંભાળે. (યોહા. ૧૭:૧૧) આજે યહોવા આપણી પણ સંભાળ રાખે છે. એ જાણીને કેમ હિંમત મળે છે? કેમ કે તે આપણા દુશ્મનો કરતાં વધારે શક્તિશાળી છે. (૧ યોહા. ૪:૪) તેમનાથી કંઈ છૂપું નથી. આપણને ખાતરી છે કે યહોવા પર આધાર રાખીશું તો, ડર પર જીત મેળવી શકીશું અને હિંમત બતાવી શકીશું.
૧૩. અરિમથાઈના યૂસફે કઈ રીતે હિંમત બતાવી?
૧૩ અરિમથાઈના યૂસફનો વિચાર કરીએ. તે યહૂદી ન્યાયસભાના સભ્ય હતા. એ યહૂદીઓની ઉચ્ચ અદાલત હતી. સમાજમાં યૂસફનું બહુ મોટું નામ હતું. તે ઈસુના શિષ્ય હતા. પણ લોકોને એ વાત જણાવવાની તેમનામાં હિંમત ન હતી. બાઇબલમાં જણાવ્યું છે, તે ‘યહૂદીઓથી બીતા હોવાથી એ વાત છુપાવતા હતા.’ (યોહા. ૧૯:૩૮) તેમને કદાચ ડર હતો કે તે ઈસુના શિષ્ય છે એ વિશે લોકોને ખબર પડી જશે તો તેમનું માન ઘટી જશે. આખરે તેમણે હિંમત બતાવી. ઈસુના મરણ પછી ‘તે હિંમત કરીને પિલાત પાસે ગયા અને તેમણે ઈસુનું શબ માંગ્યું.’ (માર્ક ૧૫:૪૨, ૪૩) ત્યાર બાદ બધાને ખબર પડી ગઈ કે તે ઈસુના શિષ્ય છે.
૧૪. લોકોનો ડર લાગતો હોય તો તમે શું કરી શકો?
૧૪ યૂસફની જેમ શું તમને પણ ક્યારેક ક્યારેક બીજાઓનો ડર લાગે છે? સ્કૂલમાં કે કામ પર શું તમે બીજાઓને એ જણાવતા અચકાઓ છો કે તમે યહોવાના સાક્ષી છો? લોકો શું કહેશે એ વિચારીને શું તમે પ્રકાશક બનવાનું અથવા બાપ્તિસ્મા લેવાનું ટાળો છો? જો એવી લાગણીઓને હાવી થવા દેશો તો જે ખરું છે એ નહિ કરી શકો. તમે યહોવાને પ્રાર્થના કરો. તેમની પાસે હિંમત માંગો. તે તમને કઈ રીતે મદદ કરે છે, એના પર ધ્યાન આપો. એમ કરશો તો તમારી શ્રદ્ધા મજબૂત થશે અને તમે હિંમત બતાવી શકશો.—યશા. ૪૧:૧૦, ૧૩.
આનંદને લીધે યહોવાની ભક્તિ કરતા રહીએ
૧૫. શિષ્યોએ આનંદને લીધે શું કર્યું? (લૂક ૨૪:૫૨, ૫૩)
૧૫ ઈસુના મરણ પછી શિષ્યો બહુ દુઃખી હતા. જરા વિચારો, તેઓ પર શું વીત્યું હશે. તેઓએ પોતાનો જિગરી દોસ્ત ગુમાવ્યો હતો. એવું લાગે છે કે તેઓએ પોતાની આશા પણ ગુમાવી દીધી હતી. (લૂક ૨૪:૧૭-૨૧) પણ ઈસુ જીવતા થયા પછી શિષ્યોને મળ્યા. ખરેખર શિષ્યોની ખુશીનો પાર નહિ હોય. ઈસુએ તેઓને સમજાવ્યું કે તેમના બલિદાનથી કઈ રીતે બાઇબલની ભવિષ્યવાણી પૂરી થઈ. તેમણે તેઓને મહત્ત્વનું કામ પણ સોંપ્યું. (લૂક ૨૪:૨૬, ૨૭, ૪૫-૪૮) ૪૦ દિવસ પછી ઈસુ સ્વર્ગમાં ગયા. એ સમય સુધીમાં શિષ્યોનાં દુઃખનાં આંસુ ખુશીઓમાં ફેરવાઈ ગયાં હતાં. તેઓ ખુશ હતા કે ઈસુ જીવે છે. તેઓ જાણતા હતા કે એ મહત્ત્વનું કામ પૂરું કરવા ઈસુ તેઓને મદદ કરશે. એ ખુશી અને આનંદને લીધે તેઓ યહોવાની સ્તુતિ કરતા રહ્યા.—લૂક ૨૪:૫૨, ૫૩ વાંચો; પ્રે.કા. ૫:૪૨.
૧૬. આપણે ઈસુના શિષ્યો પાસેથી શું શીખી શકીએ?
૧૬ આપણે ઈસુના શિષ્યો પાસેથી શું શીખી શકીએ? આપણે ફક્ત સ્મરણપ્રસંગના સમયગાળામાં જ નહિ, પણ હંમેશાં યહોવાની ભક્તિ પૂરા જોશથી કરવી જોઈએ. એનાથી આપણને ખૂબ આનંદ થશે. આપણે ઈશ્વરના રાજ્યને જીવનમાં પહેલા રાખવું જોઈએ. એ માટે ઘણાં ભાઈ-બહેનોએ પોતાનાં જીવનમાં ફેરફાર કર્યા છે. જેમ કે, ઘણાં ભાઈ-બહેનોએ નક્કી કર્યું છે કે તેઓ ઓછા કલાકો કામ કરશે, જેથી પ્રચારમાં વધારે સમય આપી શકે, બધી સભામાં હાજર રહી શકે અને નિયમિત રીતે કુટુંબ તરીકેની ભક્તિ કરી શકે. બીજાઓને કદાચ લાગતું હોય કે અમુક વસ્તુઓ વગર તો ચાલે જ નહિ. પણ અમુક ભાઈ-બહેનો એ વસ્તુઓ ખરીદતાં નથી, જેથી તેઓ મંડળનાં કામમાં વધારે મદદ કરી શકે અથવા વધારે જરૂર હોય ત્યાં જઈને સેવા આપી શકે. યહોવાએ પણ વચન આપ્યું છે કે જો આપણે વફાદારીથી તેમની ભક્તિ કરીશું અને તેમના રાજ્યને જીવનમાં પહેલા રાખીશું, તો તે પુષ્કળ આશીર્વાદ આપશે.—નીતિ. ૧૦:૨૨; માથ. ૬:૩૨, ૩૩.
૧૭. આ વર્ષે સ્મરણપ્રસંગના સમયગાળામાં તમે શું કરવાનું નક્કી કર્યું છે? (ચિત્ર જુઓ.)
૧૭ મંગળવાર, ૪ એપ્રિલના રોજ સ્મરણપ્રસંગમાં હાજર રહેવા આપણે બધા આતુર છીએ. પણ આપણે હમણાંથી જ ઈસુના જીવન અને બલિદાનનો વિચાર કરી શકીએ. એ પણ વિચારી શકીએ કે ઈસુ અને યહોવા આપણને કેટલો બધો પ્રેમ કરે છે. સ્મરણપ્રસંગ પછી પણ એવું કરતા રહીએ. તમે સમય કાઢીને મનન કરી શકો કે આ પૃથ્વી પર ઈસુના જીવનના છેલ્લા અઠવાડિયામાં કયા બનાવો બન્યા હતા. એ જાણવા તમે નવી દુનિયા ભાષાંતર બાઇબલમાં વધારે માહિતી ખ-૧૨ જોઈ શકો. ઈસુના જીવન વિશે વાંચો ત્યારે તમે એવા કિસ્સા પર ધ્યાન આપી શકો, જેનાથી ઈસુ અને યહોવા માટે તમારી કદર અને પ્રેમ વધે, તમારી હિંમત બંધાય અને તમને આનંદ મળે. પછી તમે વિચારી શકો કે તેઓ માટે કદર બતાવવા તમે શું કરશો. ખાતરી રાખો કે આ વર્ષે તમે સ્મરણપ્રસંગના સમયગાળામાં જે મહેનત કરશો, એ જોઈને ઈસુ ઘણા ખુશ થશે. તે એને ક્યારેય નહિ ભૂલે!—પ્રકટી. ૨:૧૯.
ગીત ૨૫ પ્રેમ છે ઈશ્વરની રીત
a સ્મરણપ્રસંગના સમયગાળામાં આપણે ઈસુના જીવન અને બલિદાન પર ઊંડો વિચાર કરવો જોઈએ. ઈસુ અને યહોવા આપણને કેટલો પ્રેમ કરે છે, એનો પણ વિચાર કરવો જોઈએ. એમ કરવાથી તેઓ માટે આપણી કદર વધશે. આ લેખમાં જોઈશું કે આપણે કઈ રીતે બતાવી શકીએ કે ઈસુના બલિદાનની કદર કરીએ છીએ અને યહોવા તેમજ ઈસુને પ્રેમ કરીએ છીએ. એ પણ જોઈશું કે કઈ રીતે ભાઈ-બહેનોને પ્રેમ બતાવી શકીએ, હિંમત રાખી શકીએ અને યહોવાની ભક્તિ કરવાથી આનંદ મેળવી શકીએ.