અભ્યાસ લેખ ૧૭
યહોવા તમને ખૂબ ચાહે છે!
“યહોવા પોતાના લોકોને ખૂબ ચાહે છે.”—૨ કાળ. ૨:૧૧.
ગીત ૧૮ યહોવાનો અમૃત પ્રેમ
ઝલક *
૧. યહોવા પોતાના લોકોમાં શું જુએ છે?
“યહોવા પોતાના લોકોને ખૂબ ચાહે છે.” (૨ કાળ. ૨:૧૧) એ જાણીને કેટલી ખુશી થાય છે! તે આપણામાં સારા ગુણોને જુએ છે. તે જુએ છે કે આગળ જતાં આપણે સારા વ્યક્તિ બની શકીએ છીએ. એટલે તે આપણને પોતાની તરફ દોરી લાવે છે. જો આપણે તેમના વફાદાર રહીશું, તો તે હંમેશાં આપણી નજીક રહેશે.—યોહા. ૬:૪૪.
૨. અમુક લોકોને કેમ એવું લાગે છે કે યહોવા તેમને પ્રેમ નથી કરતા?
૨ અમુક ભાઈ-બહેનો કદાચ કહે, ‘હું જાણું છું કે યહોવા પોતાના ભક્તોને પ્રેમ કરે છે. પણ શું તે મને પ્રેમ કરે છે?’ તેઓ કેમ કદાચ એવું વિચારે? નાનપણમાં કદાચ તેમની સાથે કંઈક ખરાબ થયું હોય, જેના લીધે તેઓ એવું વિચારતા હોય. અલીનાબેનનો * દાખલો જોઈએ. તે કહે છે: “જ્યારે મેં બાપ્તિસ્મા લીધું, ત્યારે હું બહુ ખુશ હતી. મેં પાયોનિયર સેવા શરૂ કરી. પણ પંદર વર્ષ પછી નાનપણની ખરાબ યાદો મને સતાવવા લાગી. મને લાગતું કે યહોવા મને ક્યારેય પ્રેમ નહિ કરે.” યોશિકાબેન એક પાયોનિયર છે. તે કહે છે: “હું યહોવાને ખુશ કરવા માંગતી હતી. એટલે મેં બાપ્તિસ્મા લીધું. પણ મને થતું કે યહોવા મને ક્યારેય પણ પ્રેમ નહિ કરે.”
૩. આ લેખમાં આપણે કયા સવાલોની ચર્ચા કરીશું?
૩ આપણે જે બહેનો વિશે જોઈ ગયા તેઓની જેમ તમે પણ યહોવાને પ્રેમ કરો છો. પણ કદાચ તમને થાય કે યહોવા તમને પ્રેમ કરતા નથી. આ લેખમાં આ સવાલો પર ચર્ચા કરીશું: તમે કેમ ભરોસો રાખી શકો કે યહોવા તમને
પ્રેમ કરે છે? જો તમને શંકા થતી હોય કે યહોવા તમને પ્રેમ નથી કરતા, તો તમારે શું કરવું જોઈએ?યહોવાના પ્રેમ પર શંકા કરવાથી જોખમો ઊભા થશે
૪. યહોવાના પ્રેમ પર શંકા કરીશું તો કયું જોખમ ઊભું થશે?
૪ જો આપણને ખાતરી હશે કે યહોવા આપણને પ્રેમ કરે છે, તો મુશ્કેલ સંજોગોમાં પણ પૂરા મનથી તેમની સેવા કરી શકીશું. જો આપણને શંકા થાય કે યહોવા આપણને પ્રેમ કરતા નથી, તો નિરાશ થઈ જઈશું અને આપણું બળ ઓછું થઈ જશે. (નીતિ. ૨૪:૧૦) પછી શેતાનના હુમલાનો સામનો કરી શકીશું નહિ.—એફે. ૬:૧૬.
૫. યહોવાના પ્રેમ પર શંકા કરવી કેમ જોખમી છે? દાખલા આપો.
૫ અમુક ભાઈ-બહેનોને લાગે છે કે યહોવા તેઓને પ્રેમ કરતા નથી કે તેઓની ચિંતા કરતા નથી. તેઓ એવું વિચારે છે ત્યારે તેઓની શ્રદ્ધા નબળી પડી જાય છે. દાખલા તરીકે, જેમ્સભાઈ વડીલ છે. તે કહે છે: “હું બેથેલમાં છું અને બીજી ભાષાના મંડળમાં સેવા આપું છું. મને પ્રચાર કરવું ગમે છે. પણ અમુક વાર મને વિચાર આવે છે કે યહોવા મારી સેવાથી ખુશ છે કે નહિ. એક વખતે તો મને એવું લાગવા માંડ્યું કે યહોવા મારી પ્રાર્થના સાંભળતા નથી.” ઇવાબેન પૂરા સમયનાં સેવક છે. તે કહે છે: “યહોવા મને પ્રેમ પર શંકા કરીએ તો એની આપણા પર ખરાબ અસર પડે છે. તેમની સેવા કરવાનું મન થતું નથી, આપણી ખુશી છીનવાઈ જાય છે.” માઇકલભાઈ વડીલ છે અને પાયોનિયર તરીકે સેવા આપે છે. તે કહે છે: “જો આપણને ભરોસો ન હોય કે યહોવા આપણને પ્રેમ કરે છે, તો આપણે તેમનાથી દૂર થઈ જઈશું.”
૬. યહોવા આપણને પ્રેમ કરતા નથી એવો વિચાર આવે ત્યારે શું કરવું જોઈએ?
૬ એ ભાઈ-બહેનોના દાખલાથી ખબર પડે છે કે જો આપણા મનમાં એવા વિચારો આવે કે યહોવા આપણને પ્રેમ કરતા નથી, તો એ જોખમી સાબિત થાય છે. જો આપણી સાથે એવું થાય, તો આપણે મનમાંથી એ વિચાર કાઢી નાખીએ. પછી યહોવાને પ્રાર્થના કરીએ કે આપણા મનની ચિંતાઓ દૂર કરવા મદદ કરે. જો એમ કરીશું, તો ‘ઈશ્વરની શાંતિ જે આપણી સમજશક્તિની બહાર છે, એ આપણાં હૃદયનું અને મનનું રક્ષણ કરશે.’ (ગીત. ૧૩૯:૨૩; ફિલિ. ૪:૬, ૭) યાદ રાખીએ કે એ લડાઈમાં આપણે એકલા નથી. બીજાં ભાઈ-બહેનોને પણ આપણા જેવા વિચારો આવે છે. અગાઉના ઈશ્વરભક્તોએ પણ એવા વિચારો સામે લડવું પડ્યું હતું. ચાલો આપણે પ્રેરિત પાઉલના દાખલાનો વિચાર કરીએ.
પાઉલ પાસેથી આપણે શું શીખી શકીએ?
૭. પાઉલના સંજોગો કેવા હતા?
૭ શું તમારી પાસે બહુ જવાબદારીઓ છે? શું તમને ચિંતા થાય છે કે તમે એ પૂરી કરી શકશો કે નહિ? પાઉલના સંજોગો પણ એવા જ હતા. તેમને એક મંડળની નહિ, પણ “બધાં મંડળોની ચિંતા” રહેતી. (૨ કોરીં. ૧૧:૨૩-૨૮) કદાચ તમારી તબિયત સારી રહેતી નથી. શું એના લીધે તમારી ખુશી છીનવાઈ જાય છે? પાઉલના શરીરમાં પણ એક કાંટો હતો. કદાચ તેમની તબિયત સારી રહેતી ન હતી અને એટલે તે ચાહતા હતા કે એ દૂર થાય. (૨ કોરીં. ૧૨:૭-૧૦) શું તમારી નબળાઈઓને લીધે તમે નિરાશ થઈ જાઓ છો? પાઉલ પોતાને “લાચાર” મહેસૂસ કરતા હતા, કારણ કે જે ખરું છે એ કરવા તેમણે ઘણી લડત આપવી પડતી.—રોમ. ૭:૨૧-૨૪.
૮. મુશ્કેલીઓ છતાં પાઉલ કઈ રીતે યહોવાની સેવા કરી શક્યા?
૮ મુશ્કેલીઓ અને ચિંતાઓ છતાં પાઉલ યહોવાની સેવા કરતા રહ્યા. તે એમ કઈ રીતે કરી શક્યા? કારણ કે તેમને ઈસુના બલિદાન પર પૂરો ભરોસો હતો. તે જાણતા હતા કે ઈસુએ વચન આપ્યું છે કે “જે કોઈ તેમનામાં શ્રદ્ધા મૂકશે, તે હંમેશ માટેનું જીવન મેળવશે.” (યોહા. ૩:૧૬; રોમ. ૬:૨૩) પાઉલને ભરોસો હતો કે ગંભીર ભૂલ કરનાર વ્યક્તિ, પસ્તાવો કરે તો યહોવા ઈસુના બલિદાનને આધારે તેને માફ કરશે.—ગીત. ૮૬:૫.
૯. ગલાતીઓ ૨:૨૦માં લખેલા પાઉલના શબ્દોમાંથી આપણે શું શીખી શકીએ?
૯ પાઉલને ભરોસો હતો કે યહોવા તેમને ખૂબ ચાહે છે, કેમ કે યહોવાએ તેમના માટે ઈસુનું બલિદાન આપ્યું હતું. (ગલાતીઓ ૨:૨૦ વાંચો.) ધ્યાન આપો, પાઉલે શું કહ્યું: “ઈશ્વરના દીકરાએ મને પ્રેમ બતાવ્યો. મારા માટે પોતાનો જીવ આપી દીધો.” પાઉલે એવું ન વિચાર્યું કે ‘યહોવા બીજાં ભાઈ-બહેનોને તો પ્રેમ કરી શકે છે પણ મને નહિ. કેમ કે પહેલાં મેં ઘણાં ખોટાં કામ કર્યાં હતાં.’ એટલે તે રોમનાં ભાઈ-બહેનોને લખી શક્યા કે “આપણે હજુ પાપી હતા ત્યારે, ખ્રિસ્ત આપણા માટે મરણ પામ્યા.” (રોમ. ૫:૮) ખરેખર, યહોવા પોતાના બધા જ ભક્તોને ખૂબ ચાહે છે.
૧૦. રોમનો ૮:૩૮, ૩૯થી આપણે શું શીખી શકીએ?
૧૦ રોમનો ૮:૩૮, ૩૯ વાંચો. પાઉલને પૂરી ખાતરી હતી કે ઈશ્વરનો પ્રેમ એટલો ઊંડો છે કે, “કોઈ પણ વસ્તુ આપણને ઈશ્વરના પ્રેમથી જુદા પાડી શકશે નહિ.” પાઉલ જાણતા હતા કે યહોવાએ ઇઝરાયેલના લોકો સાથે કેટલી ધીરજ રાખી હતી. પાઉલે પોતે પણ જોયું હતું કે યહોવા તેમની સાથે ઘણી ધીરજ અને દયાથી વર્ત્યા હતા. બીજા શબ્દોમાં કહીએ તો પાઉલ કહી રહ્યા હતા કે ‘જો યહોવાએ મારા માટે પોતાના દીકરાનું બલિદાન આપ્યું હોય, તો મારે શંકા ન કરવી જોઈએ કે તે મને પ્રેમ કરે છે કે નહિ.’—રોમ. ૮:૩૨.
૧૧. (ક) પહેલો તિમોથી ૧:૧૨-૧૫માં જણાવ્યા પ્રમાણે પાઉલે કઈ ભૂલો કરી હતી? (ખ) યહોવા તેમને પ્રેમ કરે છે એવી તેમને કેમ ખાતરી હતી?
૧૧ પહેલો તિમોથી ૧:૧૨-૧૫ વાંચો. ઈશ્વરભક્ત બન્યા પહેલા પાઉલે જે કંઈ કર્યું હતું, એ બધું યાદ કરીને તેમને ઘણું દુઃખ થયું હશે. તે અલગ અલગ શહેરોમાં જઈને ઈશ્વરભક્તોને જેલમાં પૂરી દેતા. કોઈની મોતની સજા આપવાની વાત ચાલતી હોય ત્યારે તે હામાં હા મિલાવતા. એટલે તે પોતાને “સૌથી વધારે પાપી” ગણતા. (પ્રે.કા. ૨૬:૧૦, ૧૧) વિચારો, એક યુવાન ઈશ્વરભક્તને પાઉલ મળ્યા, જેમના માબાપને તેમણે મરાવ્યા હતા ત્યારે તેમને કેવું લાગ્યું હશે? તેમણે જે કર્યું હતું એના લીધે તેમને ખૂબ પસ્તાવો થયો હશે. પણ તે એ વાતને બદલી શકતા ન હતા. તેમણે એ વાત સ્વીકારી કે ઈસુએ તેમનાં પાપો માટે પોતાનું જીવન આપી દીધું. એટલે તે ભરોસા સાથે લખી શક્યા: “આજે હું જે કંઈ છું એ ઈશ્વરની અપાર કૃપાથી છું.” (૧ કોરીં. ૧૫:૩, ૧૦) પાઉલ પાસેથી આપણે શું શીખી શકીએ? આપણે એ વાતને સ્વીકારવી જોઈએ કે ઈસુએ આપણા માટે જીવન આપી દીધું. એના લીધે આપણે યહોવા સાથે સારો સંબંધ કેળવી શક્યા છે. (પ્રે.કા. ૩:૧૯) યહોવા માટે એ મહત્ત્વનું છે કે એક વ્યક્તિ આજે શું કરે છે અને ભાવિમાં શું કરશે. એ મહત્ત્વનું નથી કે તેણે પહેલાં કઈ ભૂલો કરી હતી, પછી ભલેને એ ભૂલો કરતી વખતે તે સત્યમાં હોય કે ન હોય.—યશા. ૧:૧૮.
૧૨. આપણે ૧ યોહાન ૩:૧૯, ૨૦માં લખેલી કઈ વાત યાદ રાખવી જોઈએ?
૧૨ ઈસુએ તમારા માટે જીવન આપી દીધું. એનો વિચાર કરો ત્યારે તમને લાગે કે ‘હું આ પ્રેમને લાયક નથી.’ કેમ એવું લાગી શકે? કેમ કે તમારું દિલ એવું વિચારવા તમને છેતરે છે. (૧ યોહાન ૩:૧૯, ૨૦ વાંચો.) પણ યાદ રાખો કે “ઈશ્વર આપણાં હૃદય કરતાં મહાન છે.” પોતાને ભરોસો અપાવો કે યહોવા તમને ખૂબ ચાહે છે અને માફ કરવા તૈયાર છે. પોતાનો ભરોસો વધારવા રોજ બાઇબલ વાંચો. વારંવાર પ્રાર્થના કરો અને ભાઈ-બહેનો સાથે સમય વિતાવો. ચાલો જોઈએ કે એ બધું કરવાથી તમને કેવી મદદ મળી શકે.
બાઇબલનો અભ્યાસ, પ્રાર્થના અને ભાઈ-બહેનો તરફથી મળતી મદદ
૧૩. બાઇબલનો અભ્યાસ કરવાથી તમને કેવી મદદ મળશે?(“ બાઇબલથી તેઓને મદદ મળી” બૉક્સ પણ જુઓ.)
૧૩ દરરોજ બાઇબલનો અભ્યાસ કરો. એવું કરતા જશો તેમ યહોવાના ગુણો વિશે વધુ જાણવા મળે છે. એનાથી તમને સમજાશે કે યહોવા તમને કેટલો પ્રેમ કરે છે. અભ્યાસ કર્યા પછી મનન પણ કરવું જોઈએ. એમ કરશો તો મનમાંથી ખોટા વિચારો કાઢવા મદદ મળશે. (૨ તિમો. ૩:૧૬) કેવિનભાઈ વડીલ છે. તેમને લાગતું કે તે કંઈ કામના નથી. તે જણાવે છે: “હું ગીતશાસ્ત્ર ૧૦૩ અધ્યાયનો અભ્યાસ કરતો અને એના પર હું મનન કરતો. એનાથી હું સમજી શક્યો કે યહોવા મારા વિશે શું વિચારે છે. એમ કરવાથી હું મારા વિચારો સુધારી શક્યો.” ઇવાબહેન વિશે પહેલા જોઈ ગયા, તે કહે છે. “દિવસના અંતે હું મનન કરતી કે યહોવા મારા વિશે શું વિચારે છે. એમ કરવાથી મને મનની શાંતિ મળતી અને યહોવા પર મારો ભરોસો વધતો.”
૧૪. પ્રાર્થના કરવાથી કેવી મદદ મળે છે?
૧૪ વારંવાર પ્રાર્થના કરો. (૧ થેસ્સા. ૫:૧૭) કોઈની સાથે દોસ્તી કરવા તેની સાથે વાત કરીએ છીએ અને તેને દિલની વાત જણાવીએ છીએ. યહોવા સાથેની દોસ્તીમાં પણ એવું જ કંઈક છે. આપણે તેમને આપણી ચિંતાઓ, ભાવનાઓ અને દિલની લાગણીઓ જણાવીએ છીએ. એમ કરીને બતાવીએ છીએ કે આપણને યહોવા પર ભરોસો છે અને ખાતરી છે કે તે આપણને પ્રેમ કરે છે. (ગીત. ૯૪:૧૭-૧૯; ૧ યોહા. ૫:૧૪, ૧૫) યોશિકાબેન વિશે અગાઉ જોઈ ગયા, તે કહે છે: “હું પ્રાર્થનામાં તેમને જણાવું છું કે આખા દિવસમાં શું થયું હતું. મને કેવું લાગે છે અને હું શું વિચારું છું. હવે હું સમજી ગઈ છું કે યહોવા કોઈ કંપનીના માલિક નથી કે આપણે તેમને રિપોર્ટ આપવો પડે. પણ તે આપણા પિતા છે અને તે પોતાના બાળકોનો ખૂબ પ્રેમ કરે છે.”—“ શું તમે એ વાંચ્યું છે?” બૉક્સ જુઓ.
૧૫. શા પરથી કઈ શકાય કે યહોવા તમારી ચિંતા કરે છે?
૧૫ વફાદાર દોસ્તો સાથે સમય વિતાવો. યહોવાએ મંડળમાં એવાં ઘણાં ભાઈ-બહેનો આપ્યાં છે, જેઓ “દરેક સમયે પ્રેમ બતાવે છે.” (નીતિ. ૧૭:૧૭) તેઓ યહોવા તરફથી કીમતી ભેટ છે. (યાકૂ. ૧:૧૭) એનાથી ખબર પડે છે કે યહોવાને તમારી ખૂબ ચિંતા છે. પાઉલે કોલોસીઓના પત્રમાં એ ભાઈ-બહેનોનાં નામ લખ્યાં, જેઓએ તેમને “ઘણો દિલાસો આપ્યો” હતો. (કોલો. ૪:૧૦, ૧૧) ઈસુને પણ દોસ્તોની જરૂર હતી. સ્વર્ગદૂતોએ તેમનો સાથ આપ્યો ત્યારે તેમણે એ માટે તેઓનો આભાર માન્યો.—લૂક ૨૨:૨૮, ૪૩.
૧૬. યહોવાની નજીક રહેવા દોસ્તો આપણી કઈ રીતે મદદ કરી શકે?
૧૬ શું તમે દોસ્તોની મદદ લો છો? દોસ્તોને પોતાની
ચિંતાઓ અને તકલીફો જણાવવાનો એ અર્થ નથી કે તમારી શ્રદ્ધા નબળી છે. પણ તમે દોસ્તો સાથે વાત કરો છો તો એનાથી તમારી શ્રદ્ધાનું રક્ષણ થાય છે. જેમ્સભાઈ વિશે અગાઉ જોઈ ગયા, તે કહે છે: “સારા દોસ્તોને લીધે મને ઘણી મદદ મળી છે. જ્યારે મને લાગે કે કોઈ મને પ્રેમ કરતું નથી, ત્યારે મારા દોસ્તો મારું ધ્યાનથી સાંભળે છે. તેઓ મને ભરોસો અપાવે છે કે તેઓ મને પ્રેમ કરે છે. તેઓના પ્રેમથી મને સમજાય છે કે યહોવા મને કેટલો પ્રેમ કરે છે.” સાચે જ મંડળનાં ભાઈ-બહેનો સાથે દોસ્તી કરવી કેટલું જરૂરી છે!ઈશ્વરના પ્રેમની છાયામાં રહો
૧૭-૧૮. આપણે કોનું સાંભળવું જોઈએ અને શા માટે?
૧૭ શેતાન ચાહે છે કે આપણે હાર માની લઈએ. તે આપણા મનમાં એવું ઠસાવવા માંગે છે કે આપણે ખરાબ વ્યક્તિ છીએ અને યહોવા આપણને પ્રેમ કરતા નથી. એટલે તે આપણને બચાવશે નહિ. પણ આપણે ચર્ચા કરી ગયા કે એ હળહળતું જૂઠું છે.
૧૮ યહોવાની નજરે આપણે ઘણા અનમોલ છીએ. જો આપણે તેમની વાત માનીશું તો ઈસુની જેમ તેમના પ્રેમના લાયક બનીશું. (યોહા. ૧૫:૧૦) એટલે શેતાનનું અને દિલનું ન સાંભળીએ, જે આપણા મનમાં એવું ઠસાવવા માંગે છે કે આપણે સારા વ્યક્તિ નથી. પણ યહોવાનું સાંભળીએ, જે આપણામાં સારા ગુણો જુએ છે અને ભરોસો રાખીએ કે ‘યહોવા આપણને ખૂબ ચાહે છે.’
ગીત ૧ યહોવાના ગુણો
^ ફકરો. 5 અમુક ભાઈ-બહેનોને એવું લાગે છે કે યહોવા તેમને ક્યારેય પ્રેમ ના કરી શકે. આ લેખમાં ચર્ચા કરીશું કે આપણે કેમ ભરોસો રાખી શકીએ કે યહોવા આપણામાંના દરેકને પ્રેમ કરે છે. એ પણ જોઈશું કે જો આપણને શંકા થતી હોય કે યહોવા આપણને પ્રેમ કરે છે કે નહિ તો શું કરવું જોઈએ.
^ ફકરો. 2 અમુક નામ બદલ્યા છે.
^ ફકરો. 67 ચિત્રની સમજ: સત્ય શીખતા પહેલાં પાઉલે ઘણા ખ્રિસ્તીઓને જેલમાં નંખાવ્યા હતા. જ્યારે તેમણે સ્વીકાર્યું કે ઈસુએ તેમના માટે શું કર્યું છે ત્યારે તેમણે પોતાને બદલ્યા. તેમણે બીજાં ભાઈ-બહેનોની હિંમત બંધાવી. એમાં અમુક એવા હતા જેમના સગાઓને પાઉલે અગાઉ સતાવ્યા હતા.