સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૧૫

તમારા વિસ્તારના લોકો વિશે તમે કેવું વિચારો છો?

તમારા વિસ્તારના લોકો વિશે તમે કેવું વિચારો છો?

“તમારી નજર ઉઠાવીને ખેતરો તરફ જુઓ; એ ખેતરો કાપણી માટે તૈયાર છે!”—યોહા. ૪:૩૫.

ગીત ૪૪ સંદેશો બધે વાવીએ

ઝલક a

૧-૨. યોહાન ૪:૩૫, ૩૬માં ઈસુએ જે કહ્યું એનો શો અર્થ થતો હતો?

 ઈસુ ખ્રિસ્ત ખેતરોમાંથી પસાર થઈ રહ્યા હતા. એ ખેતરો કદાચ જવના હોઈ શકે, જેના દાણા લીલા હતા. (યોહા. ૪:૩-૬) એ પાક તૈયાર થવામાં ચારેક મહિના લાગવાના હતા. પણ ઈસુએ એવું કંઈક કહ્યું જેના લીધે શિષ્યો વિચારમાં પડી ગયા. તેમણે કહ્યું: “તમારી નજર ઉઠાવીને ખેતરો તરફ જુઓ; એ ખેતરો કાપણી માટે તૈયાર છે!” (યોહાન ૪:૩૫, ૩૬ વાંચો.) તેમના કહેવાનો શો અર્થ હતો?

એવું લાગે છે કે ઈસુ કાપણીની વાત કરી રહ્યા ન હતા. પણ લોકોને ભેગા કરવાની વાત કરી રહ્યા હતા. યાદ કરો એ સમયે શું થતું હતું. યહુદીઓ સમરૂનીઓ સાથે કોઈ સંબંધ રાખતા ન હતા. પણ ઈસુ એક સમરૂની સ્ત્રીને સંદેશો જણાવ્યો. એ સ્ત્રીએ તેમનું ધ્યાનથી સાંભળ્યું પછી તેણે જઈને બીજા સમરૂનીઓને ઈસુ વિશે જણાવ્યું. જ્યારે ઈસુએ શિષ્યોને કહ્યું કે ખેતરો “કાપણી માટે તૈયાર” છે, ત્યારે સમરૂનીઓનું ટોળું તેમની તરફ આવી રહ્યું હતું. (યોહા. ૪:૯, ૩૯-૪૨) એ ટોળું ઈસુ પાસે શીખવા માંગતું હતું. બાઇબલના એ અહેવાલ વિશે એક નિષ્ણાત આમ જણાવે છે: ‘લોકો ઈસુ પાસે શીખવા તરત દોડીને આવ્યા હતા. તેઓ તો જાણે એવા ખેતર જેવા હતા જે કાપણી માટે તૈયાર હતું.’

જો આપણે માનતા હોઈએ કે “ખેતરો કાપણી માટે તૈયાર છે” તો આપણે શું કરવું જોઈએ? (ફકરો ૩ જુઓ)

૩. તમે ઈસુની જેમ લોકો વિશે વિચારતા હશો તો શું કરશો?

જેઓને ખુશખબર જણાવો છો, તેઓ વિશે તમે કેવું વિચારો છો? શું તમે પણ એવું વિચારો છો કે એ લોકો એવા ખેતરો જેવા છે જે કાપણી માટે તૈયાર છે? જો એમ હોય તો તમે આ ત્રણ વાતનું ધ્યાન રાખી શકો. પહેલી, ખુશખબર ફેલાવવાનું કામ પૂરા જોશથી કરો કેમ કે બહુ ઓછો સમય રહેલો છે. જેમ કાપણીનું કામ થોડા સમયમાં કરવાનું હોય છે. એવી જ રીતે, ખુશખબર ફેલાવવાનું કામ પણ આપણે જલદી જ પૂરું કરવાનું છે. બીજી, જ્યારે તમે જોશો કે લોકો તમારો સંદેશો સાંભળે છે ત્યારે તમને ખુશી થશે. બાઇબલમાં લખ્યું છે, ‘કાપણીમાં પ્રજા આનંદ કરે છે.’ (યશા. ૯:૩) ત્રીજી, દરેક વ્યક્તિ માટે એવું વિચારો કે તે ભાવિમાં યહોવાનો સેવક બની શકે છે. એટલે દરેકને એક જ રીતે નહિ પણ તેઓને પસંદ પડે એ રીતે ખુશખબર જણાવો.

૪. આ લેખમાં આપણે પ્રેરિત પાઊલ પાસેથી શું શીખીશું?

ઈસુના શિષ્યોને લાગ્યું હશે કે સમરૂનીઓ ક્યારેય ઈસુના શિષ્યો બને જ નહિ. પણ ઈસુએ એવું વિચાર્યું નહિ. તે એવું માનતા કે સમરૂનીઓ પણ એક દિવસ તેમના શિષ્યો બની શકે છે. આપણે પણ આપણા વિસ્તારના લોકો વિશે એવું વિચારીશું કે તેઓ પણ એક દિવસ ઈસુના શિષ્યો બની શકે છે. એ વિશે પ્રેરિત પાઊલે આપણા માટે સુંદર દાખલો બેસાડ્યો છે. આ લેખમાં જોઈશું કે પ્રેરિત પાઊલે જેઓને સંદેશો જણાવ્યો (૧) તેઓ શું માને છે એ તે જાણતા હતા, (૨) તેઓને શું ગમે છે એનું તે ધ્યાન રાખતા હતા અને (૩) તેઓ એક દિવસ ઈસુના શિષ્યો બનશે એવું તે માનતા હતા.

લોકો શું માને છે?

૫. પાઊલ કેમ યહુદીઓને સહેલાઈથી સંદેશો જણાવી શકતા હતા?

પાઊલ ઘણી વાર યહુદી સભાસ્થાનોમાં સંદેશો ફેલાવતા હતા. દાખલા તરીકે, થેસ્સાલોનિકાના સભાસ્થાનમાં તેમણે ‘ત્રણ સાબ્બાથ સુધી યહુદીઓ સાથે શાસ્ત્રવચનોમાંથી ચર્ચા કરી.’ (પ્રે.કા. ૧૭:૧, ૨) પાઊલ આરામથી સભાસ્થાનમાં સંદેશો જણાવી શકતા, કારણ કે તે પોતે યહુદી હતા. (પ્રે.કા. ૨૬:૪, ૫) પાઊલ યહુદીઓને સારી રીતે ઓળખતા હતા. એટલે સહેલાઈથી તેઓને સંદેશો જણાવી શકતા હતા.—ફિલિ. ૩:૪, ૫.

૬. સભાસ્થાનના લોકો અને બજારના લોકો વચ્ચે શો ફરક હતો?

પાઊલે વિરોધીઓને લીધે બેરીઆ અને થેસ્સાલોનિકા છોડવું પડ્યું. પછી તે એથેન્સ ગયા ત્યાં પણ ‘તે સભાસ્થાનમાં યહુદીઓ સાથે અને ઈશ્વરની ભક્તિ કરતા બીજા લોકો સાથે ચર્ચા કરવા લાગ્યા.’ (પ્રે.કા. ૧૭:૧૭) પણ ત્યાંના બજારમાં તે સંદેશો જણાવવા ગયા ત્યારે તેમને બીજા લોકો મળ્યા. તેઓમાં અમુક લોકો યહુદી ન હતા અને બીજા કેટલાક ફિલસૂફો હતા. તેઓ માટે પાઊલનો સંદેશો ‘નવું શિક્ષણ’ હતું. તેઓએ પાઊલને કહ્યું: “તું અમુક એવી વાતો કહી રહ્યો છે, જે અમારા માટે અજાણી છે.”—પ્રે.કા. ૧૭:૧૮-૨૦.

૭. પ્રેરિતોનાં કાર્યો ૧૭:૨૨, ૨૩ પ્રમાણે પાઊલે કઈ રીતે પોતાની રીતમાં ફેરફાર કર્યો?

પ્રેરિતોનાં કાર્યો ૧૭:૨૨, ૨૩ વાંચો. પાઊલે જે રીતે સભાસ્થાનના યહુદીઓ સાથે વાત કરી, એ રીતે એથેન્સના લોકો સાથે વાત ન કરી. કારણ કે એથેન્સના લોકો યહુદી ન હતા. પાઊલે વિચાર્યું હશે, ‘એથેન્સના લોકો શું માને છે?’ તેમણે બજારમાં ચારેબાજુ નજર દોડાવી હશે અને લોકો કેવા ધાર્મિક રીત-રિવાજો પાળે છે એ જોયું હશે. પછી પાઊલે શાસ્ત્રમાંથી અમુક વાતો સમજાવી, જેની સાથે એથેન્સના લોકો પણ સહમત હતા. બાઇબલ પર અભ્યાસ કરનાર એક વ્યક્તિ કહે છે, ‘પાઊલ એક યહુદી ખ્રિસ્તી હતા. મૂર્તિપૂજા કરનારા ગ્રીક લોકો એ ઈશ્વરમાં માનતા ન હતા, જેને યહુદીઓ અને ખ્રિસ્તીઓ માનતા હતા. એટલે પાઊલે જણાવ્યું કે તે જે ઈશ્વર વિશે જણાવી રહ્યા છે તેમને એથેન્સના લોકો જાણે છે.’ આમ યહુદી ન હતા એવા લોકોને પાઊલે અલગ રીતે સંદેશો જણાવ્યો. તેમણે એથેન્સના લોકોને જણાવ્યું કે તેમનો સંદેશો તો “અજાણ્યા દેવ” તરફથી છે, જેમની તેઓ ભક્તિ કરે છે. એથેન્સના લોકો શાસ્ત્ર વિશે કંઈ જાણતા ન હતા, તોપણ પાઊલે એવું ન વિચાર્યું કે તેઓ ક્યારેય ખ્રિસ્તીઓ નહિ બને. એને બદલે, તેમણે વિચાર્યું કે તેઓ તો એવાં ખેતરો જેવાં છે જે કાપણી માટે તૈયાર છે. એટલે તેઓ સાથે વાત કરવા તેમણે અલગ રીત અપનાવી.

પાઊલની જેમ આસપાસ નજર નાખીએ, વ્યક્તિની પસંદ પ્રમાણે વાત કરીએ અને એવું વિચારીએ કે તેઓ પણ એક દિવસ ઈસુના શિષ્યો બનશે (ફકરા ૮, ૧૨, ૧૮ જુઓ) c

૮. (ક) તમારા વિસ્તારના લોકો જે માને છે એ તમે કઈ રીતે જાણી શકો? (ખ) જો કોઈ કહે કે અમારો પોતાનો ધર્મ છે તો તમે શું કહેશો?

પાઊલની જેમ તમે આસપાસ નજર કરો. તમારા વિસ્તારના લોકો શું માને છે એ જાણવા આસપાસ નજર કરો. ઘરમાલિકે ઘર કઈ રીતે સજાવ્યું છે? શું તેમનાં નામ, પહેરવેશ કે તેમની બોલીથી ખબર પડે છે કે તેમનો ધર્મ કયો છે? અમુક લોકો કદાચ સીધું કહી દે કે તેઓનો પોતાનો એક ધર્મ છે. એક ખાસ પાયોનિયર બહેનને એવા લોકો મળે તો તે કહે છે: ‘અમે અમારી માન્યતાઓ બીજાઓ પર થોપી બેસાડતા નથી. પણ અમે તો એક વિષય પર વાત કરવા આવ્યા છીએ. . . ’

૯. ધાર્મિક વ્યક્તિ સાથે કયા વિષયો પર વાત કરી શકો?

કોઈ ધાર્મિક વ્યક્તિ મળે તો તમે કયા વિષય પર વાત કરી શકો? એવા વિષય પર વાત કરો જે તમને બંનેને પસંદ હોય. તે કદાચ એક જ ઈશ્વરની ભક્તિ કરતા હોય. અથવા ઈસુ જ બધાનો બચાવ કરશે એવું માનતા હોય. તે એવું પણ માનતા હોય કે દુનિયામાંથી દુષ્ટતા નીકળી જશે. એવા વિષયો પર વાત કરવાનું તો તમને પણ ગમશે. એટલે એવા વિષયો પર વાત કરો અને બાઇબલનો સંદેશો એ રીતે તેને જણાવો, જેથી તેને સાંભળવાનું મન થાય.

૧૦. આપણે શું જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ અને શા માટે?

૧૦ યાદ રાખો કે ધાર્મિક લોકોને પોતાના ધર્મની અમુક વાતો પર ભરોસો હોતો નથી. તમને ખબર પડે કે વ્યક્તિનો ધર્મ કયો છે તો, તે શું માને છે એ જાણવાનો પ્રયત્ન કરો. ઑસ્ટ્રેલિયામાં રહેતા ડેવિડભાઈ ખાસ પાયોનિયર છે. તે કહે છે, “આજે ઘણા લોકો ધર્મની સાથે સાથે ફિલસૂફીઓમાં પણ માને છે.” આલ્બેનિયામાં રહેતાં ડોનાલ્ટાબેન કહે છે, “અમુક આપણને મળે છે ત્યારે કહે છે કે તેઓ ધાર્મિક છે. પણ પછીથી તેઓ કહે છે કે તેઓ કોઈ ઈશ્વરમાં માનતા નથી.” આર્જેન્ટિનામાં રહેતા એક મિશનરી ભાઈ કહે છે કે અમુક લોકો ત્રૈક્યમાં તો માને છે પણ પિતા, પુત્ર અને પવિત્ર શક્તિ મળીને એક ઈશ્વર થાય એવું માનતા નથી. એ ભાઈ કહે છે, “એ બધું આપણને ખબર પડે તો વ્યક્તિ સાથે આપણે સહેલાઈથી વાત કરી શકીએ અને એવા વિષયો પર વાત કરી શકીએ જે આપણને અને તેમને પસંદ હોય.” એટલે તમારા વિસ્તારના લોકો શું માને છે, એ જાણવાનો પ્રયત્ન કરો. એમ કરવાથી તમે પણ પાઊલની જેમ કહી શકશો કે “દરેક પ્રકારના લોકો સાથે તેઓના જેવો બન્યો છું.”—૧ કોરીં. ૯:૧૯-૨૩.

લોકોને શું ગમે છે?

૧૧. પાઊલે લુસ્ત્રાના લોકોને કઈ રીતે સંદેશો જણાવ્યો?

૧૧ પ્રેરિતોનાં કાર્યો ૧૪:૧૪-૧૭ વાંચો. પાઊલ પહેલા જોતા કે લોકોને કઈ વાતો ગમે છે. પછી એ પ્રમાણે તેઓને સંદેશો જણાવતા. દાખલા તરીકે, લુસ્ત્રાના લોકોને શાસ્ત્ર વિશે થોડું ઘણું કે બિલકુલ જ ખબર ન હતી. પાઊલે એવી દલીલો કરી જે તેઓ સમજી શકતા હતા. તેમણે સારા પાક અને ખુશહાલ જીવન વિશે વાતો કરી. એ માટે તેમણે એવા શબ્દો કહ્યા અને એવાં ઉદાહરણો વાપર્યાં, જે તેઓ સારી રીતે સમજી શકતા હતા.

૧૨. લોકોને પસંદ-નાપસંદ જાણ્યા પછી તેમની સાથે કઈ રીતે વાત કરી શકો?

૧૨ આસપાસના વિસ્તારના લોકોને શું ગમે છે એ જાણવાની કોશિશ કરો. પછી એ પ્રમાણે તેઓ સાથે વાત કરો. લોકોની પસંદ-નાપસંદ કઈ રીતે જાણી શકો? તમે કોઈના ઘરે જાઓ કે કોઈને મળો ત્યારે જુઓ કે આજુબાજુ શું ચાલી રહ્યું છે? શું વ્યક્તિ બાગમાં કામ કરી રહી છે? કોઈ પુસ્તક વાંચી રહી છે? ગાડી રીપેર કરી રહી છે? બીજું કઈ કામ કરી રહી છે? શક્ય હોય તો વ્યક્તિ જે કામ કરી રહી છે, એના પરથી જ વાત શરૂ કરો. (યોહા. ૪:૭) વ્યક્તિનાં કપડાં પર નજર કરો. શું વ્યક્તિનાં કપડાં પરથી ખબર પડે છે કે તે કયા દેશની છે, શું કામ કરે છે અને તેને કેવી રમતો ગમે છે. ગુસ્તાવોભાઈ કહે છે, “એક વાર હું ૧૯ વર્ષના છોકરાને મળ્યો, જેના ટી-શર્ટ પર એક પ્રખ્યાત ગાયકનો ફોટો હતો. મેં છોકરાને પૂછ્યું કે એ ગાયક તેને કેમ ગમે છે? એ વિશે તેણે જણાવ્યું. પછી વાતચીત આગળ વધી અને છોકરાએ બાઇબલ અભ્યાસ શરૂ કર્યો. આજે એ છોકરો યહોવાનો સાક્ષી છે.”

૧૩. લોકોને બાઇબલ અભ્યાસ કરવાનું ગમે માટે તમે શું કરી શકો?

૧૩ લોકોને બાઇબલ અભ્યાસ કરવાનું ગમે માટે તમે શું કરી શકો? તેઓને પસંદ પડે એ રીતે બાઇબલ અભ્યાસ ચલાવો. એ પણ બતાવો કે બાઇબલ અભ્યાસ કરવાથી તેને કઈ કઈ બાબતો શીખવા મળશે. (યોહા. ૪:૧૩-૧૫) દાખલા તરીકે, પોપીબેનને એક સ્ત્રીએ ઘરમાં બોલાવ્યાં. પોપીબેને જોયું કે તેના ઘરની દીવાલ પર સર્ટિફિકેટ છે. એનાથી તેમને ખબર પડી કે એ સ્ત્રી પ્રોફેસર છે અને શિક્ષણ ક્ષેત્રમાં તેને કોઈ ડિગ્રી મળી છે. પોપીબેને તેને કહ્યું કે અમે પણ લોકોને શિક્ષણ આપીએ છીએ. એ શિક્ષણ આપવા અમે લોકો સાથે બાઇબલનો અભ્યાસ કરીએ છીએ અને તેઓને સભાઓમાં બોલાવીએ છીએ. એ સ્ત્રીએ બાઇબલ અભ્યાસ કરવાની હા પાડી અને બીજા દિવસે તે સભામાં આવી. થોડા સમય પછી તે સરકીટ સંમેલનમાં પણ આવી. એક વર્ષ પછી તેણે બાપ્તિસ્મા લીધું. તમે પણ આવા સવાલો પર વિચાર કરી શકો: “જેઓને ફરી મળવા જઉં છું તેઓને કઈ બાબત ગમશે? હું બતાવી શકું કે બાઇબલ અભ્યાસ કઈ રીતે થાય છે? શું તેઓને પસંદ પડે એ રીતે બતાવી શકું?”

૧૪. દરેક વ્યક્તિને ધ્યાનમાં રાખીને કઈ રીતે શીખવી શકો?

૧૪ તમે કોઈની સાથે બાઇબલ અભ્યાસ શરૂ કરો તો દરેક અભ્યાસ માટે સારી તૈયારી કરો. તૈયારી કરતી વખતે વિચારો કે વિદ્યાર્થીનું કુટુંબ કેવું છે, તે કેટલું ભણેલો છે, તેને કેવા અનુભવો થયા છે અને તેને શું ગમે છે. તમે કઈ કલમો, કયો વીડિયો અને કયા ઉદાહરણો તેને બતાવશો એનો વિચાર કરો. તમે આ સવાલનો વિચાર કરી શકો: “કઈ બાબત વિદ્યાર્થીના દિલને સ્પર્શી જશે?” (નીતિ. ૧૬:૨૩) આલ્બેનિયામાં ફ્લોરાબેન પાયોનિયર છે, તે એક સ્ત્રીને બાઇબલમાંથી શીખવી રહ્યા હતા. એ સ્ત્રીએ એક વાર તેમને કહ્યું, ‘જેઓ મરી ગયા છે તેઓ જીવતા થશે, એ વાત મારા ગળે ઊતરતી નથી.’ એમાં માનવા ફ્લોરાબેને તેને દબાણ કર્યું નહિ. બેન કહે છે, ‘મેં વિચાર્યું કે પહેલા તો એ સ્ત્રીએ જાણવું જોઈએ કે સજીવન થવાની આશા આપનાર ઈશ્વર કેવા છે.’ પછી ફ્લોરાબેન દર અભ્યાસ પછી યહોવાના ગુણો જેવા કે પ્રેમ, બુદ્ધિ અને શક્તિ વિશે તેને શીખવવા લાગ્યા. થોડા સમય પછી એ સ્ત્રીને સજીવન થવાની આશા પર ભરોસો બેઠો. આજે એ સ્ત્રી એક યહોવાની સાક્ષી છે અને પૂરા જોશથી ખુશખબર ફેલાવે છે.

લોકો પણ એક દિવસ ઈસુના શિષ્યો બની શકે છે

૧૫. (ક) પ્રેરિતોનાં કાર્યો ૧૭:૧૬-૧૮માં જણાવ્યા પ્રમાણે એથેન્સના લોકો કેવા હતા? (ખ) શું પાઊલ એનાથી નિરાશ થયા?

૧૫ પ્રેરિતોનાં કાર્યો ૧૭:૧૬-૧૮ વાંચો. પાઊલે એથેન્સના લોકો વિશે એવું ન વિચાર્યું કે તેઓ ક્યારેય ખ્રિસ્તીઓ બની શકશે નહિ. એ શહેરના લોકો મૂર્તિપૂજા, વ્યભિચાર અને જૂઠી ધારણાઓમાં માનતા હતા. એ લોકોએ પાઊલનું અપમાન કર્યું હતું પણ તે નિરાશ થયા નહિ. તેમ છતાં, પાઊલ તેઓને ખુશખબર જણાવતા રહ્યા. પાઊલે એ યાદ રાખ્યું કે પોતે પણ પહેલાં “ઈશ્વરની નિંદા કરનાર, જુલમી અને અભિમાની માણસ” હતા. (૧ તિમો. ૧:૧૩) પણ ઈસુએ જોયું કે પાઊલ પણ તેમના શિષ્ય બની શકે છે. એવી જ રીતે, પાઊલે જોયું કે એથેન્સના લોકો પણ ઈસુના શિષ્યો બની શકે છે. પછીથી એથેન્સના અમુક લોકો ઈસુના શિષ્યો બન્યા હતા.—પ્રે.કા. ૯:૧૩-૧૫; ૧૭:૩૪.

૧૬-૧૭. શા પરથી કહી શકાય કે અલગ અલગ સમાજના લોકો ઈસુના શિષ્યો બની શકે છે? દાખલો આપો.

૧૬ પહેલી સદીમાં અલગ અલગ સમાજના લોકો ઈસુના શિષ્યો બન્યા હતા. કોરીંથ એ ગ્રીસનું એક શહેર હતું. પાઊલે તેઓને પત્ર લખ્યો ત્યારે કહ્યું કે એ મંડળના અમુક લોકો અગાઉ ગુનેગાર હતા અને વ્યભિચાર જેવા ગંદા કામો કરતા હતા. પછી તેમણે જણાવ્યું: “તમારામાંના અમુક એવા જ હતા. પરંતુ, તમને ધોઈને શુદ્ધ કરવામાં આવ્યા છે.” (૧ કોરીં. ૬:૯-૧૧) જો તમે કોરીંથ શહેરમાં હોત, તો શું તમે એવું માન્યું હોત કે એ લોકો પણ બદલાઈને ઈસુના શિષ્યો બની શકે છે?

૧૭ આજે પણ અમુક લોકો પોતાનામાં સુધારો કરે છે અને ઈસુના શિષ્યો બને છે. દાખલા તરીકે, ઑસ્ટ્રેલિયામાં યૂકીનાબેન ખાસ પાયોનિયર તરીકે સેવા આપે છે. તેમને જોવા મળ્યું કે દરેક પ્રકારના લોકો બાઇબલનો સંદેશો સ્વીકારી શકે છે. એક દુકાનમાં તેમણે જોયું કે એક યુવાન છોકરીના શરીર પર ઘણાં ટેટુ છે અને તેણે ઢીલાં-ઢીલાં કપડાં પહેર્યાં છે. યૂકીનાબેન કહે છે, ‘પહેલા તો હું અચકાઈ, પણ પછી મેં તેની સાથે વાત કરી. મને ખબર પડી કે તેને બાઇબલ ગમે છે. તેના અમુક ટેટુમાં તો ગીતશાસ્ત્રની કલમો હતી.’ તે છોકરી બાઇબલનો અભ્યાસ કરવા લાગી અને સભામાં આવવા લાગી. b

૧૮. શા માટે લોકો વિશે અગાઉથી વિચારી ન લેવું જોઈએ?

૧૮ ઈસુએ કહ્યું કે ખેતરો કાપણી માટે તૈયાર છે. એ સમયે શું તેમણે એવું વિચાર્યું કે મોટા ભાગના લોકો તેમના શિષ્યો બનશે? ના, એવું ન હતું. બાઇબલમાં અગાઉથી જણાવ્યું હતું કે ફક્ત થોડા લોકો જ તેમના પર શ્રદ્ધા મૂકશે. (યોહા. ૧૨:૩૭, ૩૮) લોકોના દિલમાં શું છે એ જાણવાની ઈસુ પાસે શક્તિ હતી. (માથ. ૯:૪) તેમણે એવા લોકોને શીખવ્યું જેઓ તેમના પર શ્રદ્ધા મૂકતા હતા. પણ ખુશખબર તો તેમણે દરેકને જણાવી. આપણે જાણી શકતા નથી કે લોકોના દિલમાં શું છે. એટલે આપણે ક્યારેય એવું નહિ વિચારીએ કે ફલાણી વ્યક્તિ કે ફલાણા વિસ્તારના લોકો સત્ય નહિ સ્વીકારે. એને બદલે આપણે એવું વિચારવું જોઈએ કે એવા લોકો પણ એક દિવસ સત્ય સ્વીકારી શકે છે. બર્કિના ફાસોમાં રહેતા માર્કભાઈ મિશનરી છે. તે જણાવે છે, ‘જેઓ વિશે હું વિચારું છું કે તેઓ સત્યમાં આગળ વધશે, તેઓ અભ્યાસ કરવાનું બંધ કરી દે છે. જેઓ વિશે મને લાગે છે કે તેઓ સત્યમાં આગળ નહિ વધે, તેઓ આગળ વધે છે. એનાથી શીખવા મળ્યું કે યહોવાની પવિત્ર શક્તિના માર્ગદર્શન પ્રમાણે આપણે કરવું જોઈએ.’

૧૯. આપણા વિસ્તારના લોકોને આપણે કેવા ગણવા જોઈએ?

૧૯ શરૂઆતમાં લાગે કે આપણા વિસ્તારના બહુ ઓછા લોકો ઈસુના શિષ્યો બનશે. પણ ઈસુએ પોતાના શિષ્યોને જે કહ્યું હતું એ યાદ રાખીએ. ખેતરો કાપણી માટે તૈયાર છે. એનો અર્થ કે લોકો બદલાઈ શકે છે અને ઈસુના શિષ્યો બની શકે છે. યહોવા પણ એવું માને છે અને તેઓને ‘કીમતી’ સમજે છે. (હાગ્ગા. ૨:૭) આપણે પણ લોકો માટે યહોવા અને ઈસુની જેમ વિચારીશું તો, તેઓ કયા સમાજમાંથી આવે છે અને તેઓને શું પસંદ છે એનો વિચાર કરીશું. તેઓને આપણે અજાણ્યા વ્યક્તિ ગણીશું નહિ. આપણે એવું માનીશું તેઓ પણ એક દિવસ આપણાં ભાઈ-બહેન બની શકે છે.

ગીત ૧૪૨ દરેકને જણાવ્યે

a જો આપણા વિસ્તારના લોકો વિશે સારું વિચારીશું, તો તેઓને સારી રીતે ખુશખબર જણાવી શકીશું અને શીખવી શકીશું? આ લેખમાં બતાવ્યું છે કે ઈસુ ખ્રિસ્ત અને પ્રેરિત પાઊલ લોકો વિશે કેવું વિચારતા હતા. લોકો શું માને છે અને તેઓને શું ગમે છે, એ ધ્યાનમાં રાખીને ઈસુ અને પાઊલ તેઓ સાથે વાત કરતા હતા. તેઓ એ પણ ધ્યાન રાખતા કે લોકો ભાવિમાં પણ યહોવાના સેવક બની શકે છે. આ લેખમાં બતાવ્યું છે કે આપણે કઈ રીતે ઈસુ અને પાઊલની જેમ વિચારી શકીએ.

bપવિત્ર શાસ્ત્ર જીવન સુધારે છે” શૃંખલામાં લોકોએ પોતાના જીવનમાં સુધારો કર્યો હોય એવા ઘણા દાખલા છે. એ શૃંખલા ચોકીબુરજમાં ૨૦૧૭ સુધી આવતી હતી. હવે એ jw.org® પર જોવા મળે છે. અમારા વિશે > યહોવાના સાક્ષીઓના અનુભવો વિભાગ જુઓ.

c ચિત્રની સમજ પાન ૧૦-૧૧: એક યુગલ ઘરઘરનું પ્રચારકામ કરે છે ત્યારે જુએ છે (૧) એક ઘર સાફસુથરું અને ફૂલોથી શણગારેલું છે; (૨) એક ઘરમાં નાના બાળકો છે; (૩) એક ઘર બહારથી અને અંદરથી પણ ગંદુ છે અને (૪) એક ઘરના લોકો ધાર્મિક છે. એવી વ્યક્તિને ક્યાં શોધી શકો જે ભાવિમાં ઈસુનો શિષ્ય બની શકે?