બીજો શમુએલ ૬:૧-૨૩

  • કરારકોશ યરૂશાલેમ લાવવામાં આવ્યો (૧-૨૩)

    • ઉઝ્ઝાહે કરારકોશ પકડ્યો અને માર્યો ગયો (૬-૮)

    • મીખાલ દાઉદને નફરત કરે છે (૧૬, ૨૦-૨૩)

 દાઉદે ફરીથી ઇઝરાયેલના લશ્કરમાંથી સૌથી સારા માણસો ભેગા કર્યા, જેની સંખ્યા ૩૦,૦૦૦ હતી. ૨  પછી દાઉદ અને તેના બધા માણસો સાચા ઈશ્વરનો કરારકોશ* લઈ આવવા બાઅલે-યહૂદા જવા નીકળી પડ્યા.+ લોકો કરારકોશ આગળ, કરૂબો* પર* બિરાજનાર+ સૈન્યોના ઈશ્વર યહોવાના+ નામે જયજયકાર કરતા હતા. ૩  ટેકરી પર રહેતા અબીનાદાબના ઘરેથી+ સાચા ઈશ્વરનો કરારકોશ લઈ આવવા તેઓએ એને નવા ગાડા પર મૂક્યો.+ અબીનાદાબના દીકરાઓ ઉઝ્ઝાહ અને આહયો નવા ગાડાની આગળ આગળ ચાલતા હતા. ૪  ટેકરી પર રહેતા અબીનાદાબના ઘરેથી તેઓ સાચા ઈશ્વરનો કરારકોશ લાવતા હતા ત્યારે, આહયો કરારકોશની આગળ ચાલતો હતો. ૫  દાઉદ અને ઇઝરાયેલના ઘરના બધા લોકો યહોવા આગળ ખુશી મનાવતા હતા. તેઓ ગંધતરુનાં* લાકડાંનાં જાતજાતનાં વાજિંત્રો, વીણા, તારવાળાં વાજિંત્રો,+ ખંજરી,+ કરતાલ અને ઝાંઝ+ વગાડતાં વગાડતાં નાચતાં-ગાતાં હતા. ૬  પણ તેઓ નાખોનની ખળી* પાસે પહોંચ્યા ત્યારે, ગાડું ખેંચતા બળદોએ* ઠોકર ખાધી. સાચા ઈશ્વરનો કરારકોશ પડવાની તૈયારીમાં હતો, એટલે ઉઝ્ઝાહે પોતાનો હાથ લંબાવીને એ પકડી લીધો.+ ૭  એ જોઈને યહોવાનો ગુસ્સો ઉઝ્ઝાહ પર સળગી ઊઠ્યો. ઉઝ્ઝાહે સાચા ઈશ્વરનો નિયમ તોડ્યો હોવાથી+ તેમણે તેને મારી નાખ્યો.+ તે સાચા ઈશ્વરના કરારકોશ આગળ માર્યો ગયો. ૮  પણ દાઉદને ખોટું લાગ્યું,* કેમ કે ઉઝ્ઝાહ પર યહોવાનો કોપ ઊતરી આવ્યો હતો. એ જગ્યા આજ સુધી પેરેસ-ઉઝ્ઝાહ* તરીકે ઓળખાય છે. ૯  એ દિવસે દાઉદને યહોવાનો ડર લાગ્યો+ અને તે બોલ્યો: “યહોવાનો કરારકોશ હું મારા શહેરમાં કઈ રીતે લાવું?”+ ૧૦  દાઉદ રહેતો હતો એ દાઉદનગરમાં તે યહોવાનો કરારકોશ લાવવા તૈયાર ન હતો.+ એના બદલે તે કરારકોશને ગિત્તી ઓબેદ-અદોમના ઘરે લઈ ગયો.+ ૧૧  યહોવાનો કરારકોશ ગિત્તી ઓબેદ-અદોમના ઘરે ત્રણ મહિના સુધી રહ્યો. યહોવાએ ઓબેદ-અદોમ અને તેના ઘરના બધાને આશીર્વાદ આપ્યો.+ ૧૨  રાજા દાઉદને આ ખબર આપવામાં આવી: “સાચા ઈશ્વરના કરારકોશને લીધે ઓબેદ-અદોમના ઘરને અને તેનું જે કંઈ છે, એ બધાને યહોવાએ આશીર્વાદ આપ્યો છે.” દાઉદ ઓબેદ-અદોમના ઘરે ગયો, જેથી સાચા ઈશ્વરનો કરારકોશ આનંદ મનાવતાં મનાવતાં દાઉદનગર લાવી શકે.+ ૧૩  યહોવાનો કરારકોશ ઊંચકનારા+ છ પગલાં આગળ ચાલ્યા ત્યારે, દાઉદે એક આખલો* અને એક તાજા-માજા જાનવરનું બલિદાન ચઢાવ્યું. ૧૪  દાઉદ પૂરા જોશથી યહોવા આગળ નાચતો હતો અને દાઉદે શણનો એફોદ* પહેર્યો* હતો.+ ૧૫  યહોવાનો કરારકોશ+ લઈને દાઉદ અને ઇઝરાયેલના ઘરના બધા લોકો જયજયકાર કરતાં કરતાં+ અને રણશિંગડું વગાડતાં વગાડતાં આવતા હતા.+ ૧૬  યહોવાનો કરારકોશ દાઉદનગર આવ્યો ત્યારે, શાઉલની દીકરી મીખાલે+ બારીમાંથી નીચે નજર કરી. તેણે રાજા દાઉદને યહોવા આગળ નાચતો-કૂદતો જોયો અને તેના દિલમાં દાઉદ માટે નફરત જાગી.+ ૧૭  તેઓ યહોવાનો કરારકોશ શહેરમાં લઈ આવ્યા અને દાઉદે એના માટે જે મંડપ બાંધ્યો હતો એમાં મૂક્યો.+ પછી દાઉદે યહોવા આગળ અગ્‍નિ-અર્પણો* અને શાંતિ-અર્પણો* ચઢાવ્યાં.+ ૧૮  દાઉદે અગ્‍નિ-અર્પણો અને શાંતિ-અર્પણો ચઢાવ્યાં પછી સૈન્યોના ઈશ્વર યહોવાને નામે લોકોને આશીર્વાદ આપ્યો. ૧૯  તેણે બધા લોકોને, આખા ઇઝરાયેલના દરેક સ્ત્રી-પુરુષને એક રોટલી, ખજૂરનું એક ચકતું અને સૂકી દ્રાક્ષનું એક ચકતું વહેંચી આપ્યાં. પછી બધા લોકો પોતપોતાનાં ઘરે પાછા ગયા. ૨૦  ત્યાર બાદ દાઉદ પોતાના ઘરનાઓને આશીર્વાદ આપવા આવ્યો. શાઉલની દીકરી મીખાલ+ તેને સામે મળવા આવી અને બોલી: “ઇઝરાયેલના રાજા આજે કેવા રૂપાળા દેખાતા હતા! જાણે કોઈ બેશરમ માણસ ઉઘાડો ફરે એમ, તે પોતાના ચાકરોની દાસીઓ આગળ ઉઘાડા ફરતા હતા!”+ ૨૧  એ સાંભળીને દાઉદે મીખાલને કહ્યું: “હું તો યહોવા આગળ નાચતો-કૂદતો હતો, જેમણે તારા પિતા અને તેમના ઘરના લોકોને બદલે મને પસંદ કર્યો છે. યહોવાએ પોતાના ઇઝરાયેલી લોકો પર મને આગેવાન બનાવ્યો છે.+ હું યહોવા આગળ ખુશી મનાવીશ. ૨૨  હું પોતાને આનાથી પણ વધારે નીચો કરીશ અને મારી નજરમાં હજુ વધારે ઊતરતો બનીશ. તું જે દાસીઓની વાત કરે છે, તેઓની નજરમાં તો હું માન પામીશ.” ૨૩  શાઉલની દીકરી મીખાલને+ મરતા સુધી કોઈ બાળક થયું નહિ.

ફૂટનોટ

અથવા કદાચ, “વચ્ચે.”
દેવદારની જાતનું એક ઝાડ.
અથવા, “આખલાઓએ.”
અથવા, “ગુસ્સો આવ્યો.”
અર્થ, “ઉઝ્ઝાહ પર ઊતરી આવેલો કોપ.”
એટલે કે, ઍપ્રન જેવું વસ્ત્ર. શબ્દસૂચિ જુઓ.
મૂળ, “વીંટાળેલો.”