બીજો શમુએલ ૪:૧-૧૨
૪ શાઉલના દીકરા ઈશ-બોશેથે+ જ્યારે સાંભળ્યું કે હેબ્રોનમાં આબ્નેર મરણ પામ્યો છે,+ ત્યારે તે ભાંગી પડ્યો. બધા ઇઝરાયેલીઓમાં ખળભળાટ મચી ગયો.
૨ શાઉલના દીકરા પાસે લુટારાઓની ટોળકીઓ હતી, જેના આગેવાનો આ બે માણસો હતા: એકનું નામ બાઅનાહ અને બીજાનું નામ રેખાબ. તેઓ બિન્યામીન કુળના રિમ્મોનના દીકરાઓ હતા, જે બએરોથનો+ હતો. (બએરોથ પણ બિન્યામીનના વિસ્તારનો ભાગ ગણાતું હતું.
૩ બએરોથના લોકો ગિત્તાઈમ+ નાસી ગયા હતા અને તેઓ આજ સુધી પરદેશીઓ તરીકે ત્યાં રહે છે.)
૪ શાઉલના દીકરા યોનાથાનનો+ એક દીકરો અપંગ* હતો.+ તેનું નામ મફીબોશેથ હતું.+ તે પાંચ વર્ષનો હતો ત્યારે, યિઝ્રએલ+ શહેરથી શાઉલ અને યોનાથાનના મરણના સમાચાર આવ્યા. એટલે તેની સંભાળ રાખનાર આયા તેને લઈને દોડી. તે ઉતાવળે દોડતી હતી, એવામાં તે તેના હાથમાંથી પડી ગયો અને અપંગ થઈ ગયો.
૫ બએરોથ શહેરના રિમ્મોનના દીકરાઓ રેખાબ અને બાઅનાહ ધોમધખતા તાપમાં ઈશ-બોશેથના ઘરમાં ઘૂસ્યા. એ સમયે ઈશ-બોશેથ આરામ કરતો હતો.
૬ રેખાબ અને તેનો ભાઈ બાઅનાહ+ ઘઉં લેવાને બહાને ઘરમાં ગયા અને ઈશ-બોશેથના પેટમાં ખંજર ભોંકી દીધું. પછી તેઓ નાસી છૂટ્યા.
૭ તેઓ ઈશ-બોશેથના ઘરમાં ઘૂસ્યા ત્યારે, તે સૂવાના ઓરડામાં પોતાના પલંગ પર સૂતો હતો. તેઓએ તેને ખંજર ભોંકીને મારી નાખ્યો અને તેનું માથું કાપી નાખ્યું. તેઓ તેનું માથું લઈને અરાબાહ જતા રસ્તે આખી રાત ચાલ્યા.
૮ તેઓ ઈશ-બોશેથનું+ માથું લઈને દાઉદ રાજા પાસે હેબ્રોનમાં આવ્યા અને કહ્યું: “તમારો દુશ્મન શાઉલ,+ જે તમારો જીવ લેવા માંગતો હતો,+ તેના દીકરા ઈશ-બોશેથનું માથું આ રહ્યું. આજે યહોવાએ શાઉલ અને તેના વંશજો પર અમારા માલિકનું વેર વાળ્યું છે.”
૯ દાઉદે બએરોથ શહેરના રિમ્મોનના દીકરાઓ રેખાબ અને તેના ભાઈ બાઅનાહને આવો જવાબ આપ્યો: “મને બધી આફતોમાંથી બચાવનાર યહોવાના સમ* ખાઈને કહું છું:+
૧૦ કોઈએ મને ખબર આપી, ‘જો, શાઉલ માર્યો ગયો છે!’+ તેને લાગ્યું કે તે મને ખુશખબર આપે છે. પણ મેં તેને પકડીને સિકલાગમાં મારી નાખ્યો.+ એવી ખબર લાવનારને મેં એ ઇનામ આપ્યું!
૧૧ તો પછી જે દુષ્ટ માણસો એક નેક* માણસના ઘરમાં ઘૂસીને તેને તેના પલંગ પર મારી નાખે, તેઓને તો કેટલી મોટી સજા થવી જોઈએ! શું હું તમારી પાસેથી તેના લોહીનો બદલો ન માંગું+ અને તમને ધરતી પરથી મિટાવી ન દઉં?”
૧૨ આમ કહીને દાઉદે પોતાના યુવાનોને આજ્ઞા કરી,+ એટલે તેઓએ રેખાબ અને બાઅનાહને મારી નાખ્યા અને તેઓના હાથ-પગ કાપી નાખ્યા. તેઓનાં શબ હેબ્રોનના કુંડ પાસે લટકાવી દીધાં.+ પણ તેઓએ ઈશ-બોશેથનું માથું લઈને હેબ્રોનમાં આબ્નેરની કબરમાં દફનાવી દીધું.