બીજો રાજાઓ ૧૫:૧-૩૮
૧૫ ઇઝરાયેલમાં રાજા યરોબઆમના* શાસનનું ૨૭મું વર્ષ ચાલતું હતું. એ સમયે રાજા અમાઝ્યાનો+ દીકરો અઝાર્યા*+ યહૂદામાં રાજા બન્યો.+
૨ અઝાર્યા રાજા બન્યો ત્યારે ૧૬ વર્ષનો હતો. તેણે યરૂશાલેમમાં ૫૨ વર્ષ રાજ કર્યું. તેની માનું નામ યખોલ્યા હતું અને તે યરૂશાલેમની હતી.
૩ અઝાર્યા પોતાના પિતા અમાઝ્યાની જેમ, યહોવાની નજરમાં જે ખરું હતું એ કરતો રહ્યો.+
૪ પણ ભક્તિ-સ્થળો કાઢી નાખવામાં આવ્યાં ન હતાં.+ લોકો હજુ પણ ભક્તિ-સ્થળોએ આગમાં બલિદાનો ચઢાવતા હતા.+
૫ યહોવાએ રાજાને રક્તપિત્ત* થવા દીધો અને મરતાં સુધી તે રોગી રહ્યો.+ તે અલગ ઘરમાં રહેતો હતો.+ તેનો દીકરો યોથામ+ રાજમહેલના વહીવટની દેખરેખ રાખતો હતો અને દેશના લોકોનો ન્યાય કરતો હતો.+
૬ અઝાર્યાનો+ બાકીનો ઇતિહાસ અને તેણે જે કંઈ કર્યું, એ બધું યહૂદાના રાજાઓના ઇતિહાસના પુસ્તકમાં લખેલું છે.
૭ અઝાર્યા ગુજરી ગયો.+ તેને તેના બાપદાદાઓની જેમ દાઉદનગરમાં દફનાવવામાં આવ્યો. તેનો દીકરો યોથામ તેની જગ્યાએ રાજા બન્યો.
૮ યહૂદામાં અઝાર્યા+ રાજાના શાસનનું ૩૮મું વર્ષ ચાલતું હતું. એ સમયે ઇઝરાયેલમાં યરોબઆમ રાજાનો દીકરો ઝખાર્યા+ રાજગાદીએ બેઠો. તેણે સમરૂનમાંથી છ મહિના રાજ કર્યું.
૯ ઝખાર્યાએ પોતાના બાપદાદાઓની જેમ, યહોવાની નજરમાં જે ખરાબ હતું એ કર્યું. નબાટના દીકરા યરોબઆમે ઇઝરાયેલીઓ પાસે જે પાપ કરાવ્યાં હતાં,+ એ તેણે છોડ્યાં નહિ.
૧૦ યાબેશના દીકરા શાલ્લૂમે ઝખાર્યા વિરુદ્ધ કાવતરું ઘડ્યું અને યિબ્લઆમમાં+ તેની હત્યા કરી.+ તેને મારી નાખીને શાલ્લૂમ પોતે રાજા બની બેઠો.
૧૧ ઝખાર્યાનો બાકીનો ઇતિહાસ ઇઝરાયેલના રાજાઓના ઇતિહાસના પુસ્તકમાં લખેલો છે.
૧૨ યહોવાએ યેહૂને કહ્યું હતું: “તારા દીકરાઓની ચાર પેઢી+ ઇઝરાયેલની રાજગાદી પર બેસશે.”+ એ શબ્દો સાચા પડ્યા અને એ જ પ્રમાણે બધું બન્યું.
૧૩ યહૂદાના રાજા ઉઝ્ઝિયાના+ શાસનનું ૩૯મું વર્ષ ચાલતું હતું. એ સમયે યાબેશનો દીકરો શાલ્લૂમ ઇઝરાયેલમાં રાજા બન્યો. તેણે સમરૂનમાંથી એક આખો મહિનો રાજ કર્યું.
૧૪ ગાદીના દીકરા મનાહેમે તિર્સાહથી+ સમરૂન પર ચઢાઈ કરી. તેણે સમરૂનમાં યાબેશના દીકરા શાલ્લૂમની હત્યા કરી.+ તેને મારી નાખીને મનાહેમ પોતે રાજા બની બેઠો.
૧૫ શાલ્લૂમનો બાકીનો ઇતિહાસ અને તેણે જે કાવતરું ઘડ્યું, એના વિશે ઇઝરાયેલના રાજાઓના ઇતિહાસના પુસ્તકમાં લખેલું છે.
૧૬ એ પછી મનાહેમ તિર્સાહથી આવ્યો અને તિફસાહ પર હુમલો કર્યો. તેણે તિફસાહ અને એની આસપાસના વિસ્તારમાં રહેતા બધા લોકોની કતલ કરી, કારણ કે તેઓએ તેના માટે શહેરના દરવાજા ખોલ્યા ન હતા. તેણે તિફસાહનો વિનાશ કરી નાખ્યો અને એની ગર્ભવતી સ્ત્રીઓને ચીરી નાખી.
૧૭ યહૂદાના રાજા અઝાર્યાના શાસનનું ૩૯મું વર્ષ ચાલતું હતું. એ સમયે ગાદીનો દીકરો મનાહેમ ઇઝરાયેલમાં રાજા બન્યો. તેણે સમરૂનમાંથી દસ વર્ષ રાજ કર્યું.
૧૮ યહોવાની નજરમાં જે ખરાબ હતું એ જ તે જીવનભર કરતો રહ્યો. નબાટના દીકરા યરોબઆમે ઇઝરાયેલીઓ પાસે જે પાપ કરાવ્યાં હતાં,+ એ તેણે છોડ્યાં નહિ.
૧૯ આશ્શૂરના રાજા પૂલે+ ઇઝરાયેલ દેશ પર ચઢાઈ કરી. મનાહેમે તેને ૧,૦૦૦ તાલંત* ચાંદી આપી, જેથી રાજ્ય પર પકડ મજબૂત બનાવવા પૂલ રાજા મદદ કરે.+
૨૦ મનાહેમે ઇઝરાયેલના જાણીતા અને ધનવાન માણસો+ પાસેથી ચાંદી ઉઘરાવી. તેણે આશ્શૂરના રાજાને દરેક માણસ માટે ૫૦ શેકેલ* ચાંદી આપી. એટલે આશ્શૂરનો રાજા હુમલો કરવાનું છોડીને પાછો જતો રહ્યો.
૨૧ મનાહેમનો+ બાકીનો ઇતિહાસ અને તેણે જે કંઈ કર્યું, એ બધું ઇઝરાયેલના રાજાઓના ઇતિહાસના પુસ્તકમાં લખેલું છે.
૨૨ મનાહેમ ગુજરી ગયો. તેનો દીકરો પકાહ્યા તેની જગ્યાએ રાજા બન્યો.
૨૩ યહૂદાના રાજા અઝાર્યાના શાસનનું ૫૦મું વર્ષ ચાલતું હતું. એ સમયે મનાહેમનો દીકરો પકાહ્યા ઇઝરાયેલમાં રાજા બન્યો. તેણે સમરૂનમાંથી બે વર્ષ રાજ કર્યું.
૨૪ યહોવાની નજરમાં જે ખરાબ હતું એ પકાહ્યા કરતો રહ્યો. નબાટના દીકરા યરોબઆમે ઇઝરાયેલીઓ પાસે જે પાપ કરાવ્યાં હતાં,+ એ તેણે છોડ્યાં નહિ.
૨૫ પકાહ્યાનો મદદનીશ પેકાહ+ હતો, જે રમાલ્યાનો દીકરો હતો. પેકાહે રાજાની વિરુદ્ધ કાવતરું ઘડ્યું. તેણે આર્ગોબ અને આર્યેહ સાથે મળીને સમરૂનમાં રાજમહેલના ગઢમાં પકાહ્યાને મારી નાખ્યો. પેકાહ સાથે ગિલયાદના ૫૦ માણસો હતા. પકાહ્યાને મારી નાખીને તે પોતે રાજા બની ગયો.
૨૬ પકાહ્યાનો બાકીનો ઇતિહાસ અને તેણે જે કંઈ કર્યું, એ બધું ઇઝરાયેલના રાજાઓના ઇતિહાસના પુસ્તકમાં લખેલું છે.
૨૭ યહૂદાના રાજા અઝાર્યાના શાસનનું ૫૨મું વર્ષ ચાલતું હતું. એ સમયે રમાલ્યાનો દીકરો પેકાહ+ ઇઝરાયેલમાં રાજા બન્યો. તેણે સમરૂનમાંથી ૨૦ વર્ષ રાજ કર્યું.
૨૮ યહોવાની નજરમાં જે ખરાબ હતું એ પેકાહ કરતો રહ્યો. નબાટના દીકરા યરોબઆમે ઇઝરાયેલીઓ પાસે જે પાપ કરાવ્યાં હતાં,+ એ તેણે છોડ્યાં નહિ.
૨૯ ઇઝરાયેલના રાજા પેકાહના દિવસોમાં આશ્શૂરનો રાજા તિગ્લાથ-પિલેસેર+ ચઢી આવ્યો. તેણે ઇયોન, આબેલ-બેથ-માખાહ,+ યાનોઆહ, કેદેશ,+ હાસોર, ગિલયાદ+ અને ગાલીલ, એટલે કે નફતાલીનો+ આખો વિસ્તાર જીતી લીધો. તે ત્યાંના લોકોને ગુલામ* બનાવીને આશ્શૂર લઈ ગયો.+
૩૦ પછી એલાહના દીકરા હોશીઆએ+ રમાલ્યાના દીકરા પેકાહ વિરુદ્ધ કાવતરું ઘડ્યું. તેણે પેકાહ પર હુમલો કરીને તેને મારી નાખ્યો. ત્યાર બાદ તે પોતે રાજા બની બેઠો. એ સમયે ઉઝ્ઝિયાના દીકરા યોથામના+ શાસનનું ૨૦મું વર્ષ ચાલતું હતું.
૩૧ પેકાહનો બાકીનો ઇતિહાસ અને તેણે જે કંઈ કર્યું, એ બધું ઇઝરાયેલના રાજાઓના ઇતિહાસના પુસ્તકમાં લખેલું છે.
૩૨ ઇઝરાયેલમાં રમાલ્યાના દીકરા પેકાહના શાસનનું બીજું વર્ષ ચાલતું હતું. એ સમયે ઉઝ્ઝિયા+ રાજાનો દીકરો યોથામ+ યહૂદામાં રાજા બન્યો.
૩૩ યોથામ રાજા બન્યો ત્યારે ૨૫ વર્ષનો હતો. તેણે યરૂશાલેમમાં ૧૬ વર્ષ રાજ કર્યું. તેની માનું નામ યરૂશા હતું અને તે સાદોકની દીકરી હતી.+
૩૪ યોથામ પોતાના પિતા ઉઝ્ઝિયાની જેમ, યહોવાની નજરમાં જે ખરું હતું એ જ કરતો રહ્યો.+
૩૫ પણ ભક્તિ-સ્થળો કાઢી નાખવામાં આવ્યાં ન હતાં. લોકો હજુ પણ ભક્તિ-સ્થળોએ આગમાં બલિદાનો ચઢાવતા હતા.+ યોથામે યહોવાના મંદિરનો ઉપરનો દરવાજો બનાવ્યો હતો.+
૩૬ યોથામનો બાકીનો ઇતિહાસ અને તેણે જે કંઈ કર્યું, એ બધું યહૂદાના રાજાઓના ઇતિહાસના પુસ્તકમાં લખેલું છે.
૩૭ એ સમયમાં યહોવાએ સિરિયાના રાજા રસીનને અને રમાલ્યાના દીકરા પેકાહને+ યહૂદા પર હુમલો કરવા મોકલ્યા.+
૩૮ યોથામ ગુજરી ગયો અને તેના બાપદાદાઓની જેમ તેને પોતાના પૂર્વજના શહેર દાઉદનગરમાં દફનાવવામાં આવ્યો. તેનો દીકરો આહાઝ તેની જગ્યાએ રાજા બન્યો.
ફૂટનોટ
^ એટલે કે, યરોબઆમ બીજો.
^ અર્થ, “યહોવાએ મદદ કરી છે.” ૨રા ૧૫:૧૩; ૨કા ૨૬:૧-૨૩; યશા ૬:૧ અને ઝખા ૧૪:૫માં તેને ઉઝ્ઝિયા કહેવામાં આવ્યો છે.
^ એક તાલંત એટલે ૩૪.૨ કિ.ગ્રા. વધારે માહિતી ખ-૧૪ જુઓ.
^ એક શેકેલ એટલે ૧૧.૪ ગ્રા. વધારે માહિતી ખ-૧૪ જુઓ.
^ શબ્દસૂચિમાં “ગુલામી” જુઓ.