બીજો કાળવૃત્તાંત ૨૩:૧-૨૧

  • યહોયાદાએ પગલાં ભર્યાં, યહોઆશને રાજા બનાવ્યો (૧-૧૧)

  • અથાલ્યાને મારી નાખવામાં આવી (૧૨-૧૫)

  • યહોયાદાએ દેશમાં કરેલા સુધારા (૧૬-૨૧)

૨૩  સાતમા વર્ષે યહોયાદા યાજકે હિંમતથી કામ લીધું. તેણે સો સોની ટુકડીના આ મુખીઓ સાથે કરાર કર્યો:+ યરોહામનો દીકરો અઝાર્યા, યહોહાનાનનો દીકરો ઇશ્માએલ, ઓબેદનો દીકરો અઝાર્યા, અદાયાનો દીકરો માઅસેયા અને ઝિખ્રીનો દીકરો અલીશાફાટ. ૨  તેઓ આખા યહૂદામાં ફરી વળ્યા. તેઓએ યહૂદાનાં બધાં શહેરોમાંથી લેવીઓને+ અને ઇઝરાયેલના પિતાનાં કુટુંબોના વડાઓને ભેગા કર્યા. તેઓ બધા યરૂશાલેમ આવ્યા. ૩  બધા લોકોએ સાચા ઈશ્વરના મંદિરમાં રાજા સાથે કરાર કર્યો.+ પછી યહોયાદાએ તેઓને કહ્યું: “જુઓ, દાઉદના દીકરાઓ વિશે યહોવાએ જે વચન આપ્યું હતું, એ પ્રમાણે રાજાનો દીકરો રાજ કરશે.+ ૪  તમારે આમ કરવું: સાબ્બાથના દિવસે જે લેવીઓ અને યાજકો ફરજ પર હશે,+ તેઓની ત્રણ ટુકડીઓમાંથી એક ટુકડી દરવાજા પર ચોકી કરશે.+ ૫  બીજી ટુકડી રાજમહેલ પાસે હશે+ અને ત્રીજી ટુકડી પાયાના દરવાજા પાસે હશે. બીજા બધા લોકો યહોવાના મંદિરનાં આંગણાંમાં હશે.+ ૬  યહોવાના મંદિરમાં સેવા કરનારા યાજકો અને લેવીઓ મંદિરની અંદર આવી શકે, કેમ કે તેઓ પવિત્ર છે. પણ બીજા કોઈને અંદર આવવા દેવા નહિ.+ બીજા બધા લોકો યહોવાનો નિયમ પાળીને બહાર રહે. ૭  લેવીઓએ હથિયાર લઈને તૈયાર રહેવું અને રાજાને રક્ષણ આપવા તેમની ફરતે ગોઠવાઈ જવું. જે કોઈ મંદિરમાં ઘૂસવાની કોશિશ કરે તે માર્યો જાય. રાજા જ્યાં પણ જાય, તમે તેમની સાથે જ રહેજો.” ૮  યહોયાદા યાજકે જેવી આજ્ઞા કરી હતી, એવું જ લેવીઓએ અને યહૂદાના બધા લોકોએ કર્યું. દરેક ઉપરીએ સાબ્બાથના દિવસે જે માણસો ફરજ પર હતા તેઓને ભેગા કર્યા.+ સાથે સાથે જે માણસો ફરજ પર ન હતા તેઓને પણ ભેગા કર્યા. યહોયાદા યાજકે સમૂહોને તેઓની ફરજ પરથી જવા દીધા ન હતા.+ ૯  યહોયાદા યાજકે સો સોની ટુકડીના મુખીઓને+ સાચા ઈશ્વરના મંદિરમાંથી+ ભાલાઓ, નાની ઢાલો* અને ગોળ ઢાલો આપ્યાં. એ બધું રાજા દાઉદનું+ હતું. ૧૦  તેણે બધા લોકોને હથિયાર લઈને મંદિરમાં પોતપોતાની જગ્યાએ ગોઠવી દીધા. તેઓ મંદિરની જમણી બાજુથી લઈને ડાબી બાજુ સુધી, વેદી અને મંદિર પાસે રાજાની ફરતે ગોઠવાઈ ગયા. ૧૧  પછી તેઓ રાજાના દીકરાને+ બહાર લઈ આવ્યા. તેઓએ તેના માથે મુગટ* પહેરાવ્યો અને તેને નિયમશાસ્ત્ર*+ આપ્યું.* તેઓએ તેને રાજા બનાવ્યો અને યહોયાદા અને તેના દીકરાઓએ તેનો અભિષેક કર્યો. પછી તેઓ પોકારી ઊઠ્યા: “રાજા જુગ જુગ જીવો!”+ ૧૨  અથાલ્યાને લોકોની દોડાદોડનો અને રાજાના જયજયકારનો અવાજ સંભળાયો. તે ઝડપથી યહોવાના મંદિરમાં દોડી આવી, જ્યાં લોકો હતા.+ ૧૩  ત્યાં તેણે રાજાને જોયો, જે આંગણામાં સ્તંભ* પાસે ઊભો હતો. તેની સાથે આગેવાનો+ અને રણશિંગડાં વગાડનારાઓ હતા. દેશના બધા લોકો ખુશી મનાવતા હતા+ અને રણશિંગડાં વગાડતા હતા. ગાનારાઓ વાજિંત્રો વગાડતાં વગાડતાં સ્તુતિ કરવામાં આગેવાની લેતા હતા. એ જોઈને અથાલ્યાએ પોતાનાં કપડાં ફાડ્યાં અને બોલી ઊઠી: “આ તો દગો છે!” ૧૪  યહોયાદા યાજકે સો સોની ટુકડીના મુખીઓને, જેઓ સૈન્યના આગેવાનો હતા તેઓને બહાર મોકલીને કહ્યું: “તેને તમારી વચ્ચેથી બહાર લઈ જાઓ. જે કોઈ તેની પાછળ જાય, તેને તલવારથી મારી નાખો!” યહોયાદાએ તેઓને કહ્યું હતું કે “તેને યહોવાના મંદિરમાં મારી ન નાખતા.” ૧૫  તેઓ તેને પકડીને બહાર લઈ ગયા. રાજમહેલના ઘોડા દરવાજા આગળ તે પહોંચી કે તરત જ તેઓએ તેને ત્યાં મારી નાખી. ૧૬  પછી યહોયાદા યાજકે પોતે, બધા લોકો પાસે અને રાજા પાસે કરાર કરાવ્યો કે તેઓ કાયમ યહોવાની પ્રજા બની રહેશે.+ ૧૭  ત્યાર બાદ દેશના બધા લોકો બઆલના મંદિરમાં ઘૂસી ગયા અને એને તોડી પાડ્યું.+ તેઓએ એની વેદીઓ અને મૂર્તિઓનો ભાંગીને ભૂકો કરી દીધો.+ તેઓએ બઆલના+ યાજક માત્તાનને વેદીઓ આગળ મારી નાખ્યો. ૧૮  પછી યહોયાદા યાજકે યહોવાના મંદિરની દેખરેખ રાખવાની જવાબદારી યાજકો અને લેવીઓના હાથમાં સોંપી. યહોવાના મંદિરની સંભાળ રાખવા દાઉદે તેઓના સમૂહો બનાવ્યા હતા. મૂસાના નિયમશાસ્ત્રમાં* લખેલું હતું તેમ,+ તેઓએ યહોવાને અગ્‍નિ-અર્પણો ચઢાવવાનાં હતાં.+ દાઉદે જણાવ્યું હતું તેમ, તેઓએ એ કામ ખુશીથી અને ગીતો ગાતાં ગાતાં કરવાનું હતું. ૧૯  તેણે યહોવાના મંદિરના દરવાજાઓએ દરવાનો પણ ગોઠવી દીધા,+ જેથી કોઈ પણ રીતે અશુદ્ધ માણસ અંદર આવી શકે નહિ. ૨૦  રાજાને યહોવાના મંદિરમાંથી રાજમહેલમાં લઈ આવવા, તે સો સોની ટુકડીઓના મુખીઓને,+ રાજવીઓને, લોકોના અધિકારીઓને અને દેશના બધા લોકોને લઈ ગયો. તેઓ ઉપરના દરવાજામાંથી રાજમહેલમાં આવ્યા અને રાજાને રાજગાદીએ બેસાડ્યો.+ ૨૧  દેશના બધા લોકો ખુશખુશાલ થઈ ગયા અને શહેરમાં શાંતિ થઈ, કેમ કે તેઓએ અથાલ્યાને તલવારથી મારી નાખી હતી.

ફૂટનોટ

એ મોટા ભાગે તીરંદાજો વાપરતા હતા.
રાજાના માથા પર નિયમશાસ્ત્ર મૂકવામાં આવ્યું હોય શકે, જે તેને નિયમો પાળવાનું યાદ અપાવતું હતું.
અથવા, “સાક્ષીલેખ.” કદાચ ઈશ્વરના નિયમોનો વીંટો.
અથવા, “તાજ.”
મૂળ, “પોતાના સ્તંભ.”