હોશિયા ૧૪:૧-૯
૧૪ “હે ઇઝરાયેલ, તારા ઈશ્વર યહોવા પાસે પાછો આવ,+
તારા અપરાધને લીધે તું ઠોકર ખાઈને પડી ગયો છે.
૨ યહોવા પાસે પાછો આવ અને તેમને કહે,
‘તમે અમારા અપરાધ માફ કરો+ અને અમારી પાસે જે સારું છે એ સ્વીકારો.
જેમ અમે આખલાનું અર્પણ ચઢાવીએ છીએ, તેમ અમે તમને સ્તુતિનું અર્પણ* ચઢાવીશું.+
૩ આશ્શૂર અમને બચાવશે નહિ.+
અમે અમારા ઘોડાઓ પર સવારી કરીશું નહિ.+
અમારા હાથનાં કામોને “અમારા ઈશ્વર” કહીને કદી બોલાવીશું નહિ,
કેમ કે અનાથને* દયા બતાવનાર તમે જ છો.’+
૪ હું તેઓની બેવફાઈનો ઇલાજ કરીશ.+
હું પૂરા દિલથી* તેઓને પ્રેમ કરીશ,+
કેમ કે મારો ગુસ્સો તેઓ પરથી ઊતરી ગયો છે.+
૫ હું ઇઝરાયેલ માટે ઝાકળ જેવો બનીશ,
તે ફૂલની જેમ ખીલી ઊઠશે,
લબાનોનના ઝાડની જેમ તેનાં મૂળ ઊંડાં ઊતરશે.
૬ તેની ડાળીઓ દૂર દૂર સુધી ફેલાશે,
તેની શોભા જૈતૂનના ઝાડ જેવી થશે,
તેની ખૂશબૂ લબાનોન જેવી થશે.
૭ તેઓ ફરીથી પોતાના ઈશ્વરની છાયામાં રહેશે.
તેઓ અનાજ ઉગાડશે, તેઓ દ્રાક્ષાવેલાની જેમ ખીલશે.+
ઈશ્વરની કીર્તિ* લબાનોનના દ્રાક્ષદારૂ જેવી થશે.
૮ એફ્રાઈમ કહેશે, ‘હવે મૂર્તિઓ સાથે મારે શું લેવાદેવા?’+
હું તેનું સાંભળીશ અને તેના પર નજર રાખીશ.+
હું ગંધતરુના* લીલાછમ ઝાડ જેવો બનીશ.
તેને ચોક્કસ મારા પરથી ફળ મળશે.”
૯ બુદ્ધિમાન કોણ છે? તે આ વાતો સમજે.
સમજુ કોણ છે? તે આ વાતો જાણે.
યહોવાના માર્ગો ન્યાયી છે.+
નેક* માણસ એમાં ચાલશે,
પણ પાપી માણસ ઠોકર ખાઈને પડી જશે.
ફૂટનોટ
^ મૂળ, “હોઠોનું અર્પણ.”
^ અથવા, “પિતા વગરના બાળકને.”
^ અથવા, “મારી ઇચ્છાથી.”
^ મૂળ, “યાદગીરી.”
^ દેવદારની જાતનું એક ઝાડ.
^ અથવા, “ન્યાયી.” શબ્દસૂચિમાં “ન્યાયી” જુઓ.