હિબ્રૂઓને પત્ર ૧૧:૧-૪૦
૧૧ શ્રદ્ધા એટલે કે આપણે જેની આશા રાખીએ છીએ+ એ ચોક્કસ પૂરું થશે એવી ખાતરી અને જે હકીકત નજરે જોઈ નથી એનો પુરાવો.*
૨ શ્રદ્ધાને લીધે જ આપણા પૂર્વજો* વિશે સાક્ષી આપવામાં આવી હતી.
૩ શ્રદ્ધાને લીધે આપણે પારખી શકીએ છીએ કે ઈશ્વરની આજ્ઞાથી આકાશ અને પૃથ્વીની* બધી વસ્તુઓ રચવામાં આવી છે, એટલે કે અદૃશ્ય વસ્તુઓથી દૃશ્ય વસ્તુઓ ઉત્પન્ન કરવામાં આવી છે.
૪ શ્રદ્ધાને લીધે હાબેલે કાઈન કરતાં વધારે મૂલ્યવાન બલિદાન ઈશ્વરને અર્પણ કર્યું.+ એ શ્રદ્ધા દ્વારા તેમના વિશે સાક્ષી આપવામાં આવી કે તે નેક છે, કેમ કે ઈશ્વરે તેમની ભેટો સ્વીકારી.*+ તે મરી ગયા હોવા છતાં પોતાની શ્રદ્ધાથી હજુ બોલે છે.+
૫ શ્રદ્ધાને લીધે હનોખને+ બીજી જગ્યાએ લઈ જવામાં આવ્યા, જેથી તે મરણ ન જુએ. પછી તે કોઈ પણ જગ્યાએ મળ્યા નહિ, કેમ કે ઈશ્વર તેમને બીજી જગ્યાએ લઈ ગયા હતા.+ તેમને લઈ જવામાં આવ્યા એ પહેલાં, તેમના વિશે સાક્ષી આપવામાં આવી કે તેમણે ઈશ્વરને ઘણા ખુશ કર્યા હતા.
૬ શ્રદ્ધા વગર ઈશ્વરને ખુશ કરવા અશક્ય છે. જે કોઈ ઈશ્વરને ભજવા તેમની પાસે જાય છે, તેને ભરોસો હોવો જોઈએ કે ઈશ્વર સાચે જ છે* અને તેમને દિલથી શોધનારાઓને તે ઇનામ આપે છે.+
૭ શ્રદ્ધાને લીધે નૂહે+ ઈશ્વરનો ડર રાખ્યો અને પોતાના કુટુંબને બચાવવા વહાણ* બાંધ્યું,+ કેમ કે તેમણે જે હજુ જોયું ન હતું, એ વિશે ઈશ્વરે તેમને ચેતવણી આપી હતી.+ એ શ્રદ્ધાથી તેમણે દુનિયાને દોષિત ઠરાવી+ અને પોતાની શ્રદ્ધાને કારણે તે નેક ઠર્યા.
૮ શ્રદ્ધાને લીધે ઇબ્રાહિમ+ એ જગ્યાએ જવા તૈયાર થયા, જ્યાં તેમને જવાનું કહેવામાં આવ્યું હતું અને જે તેમને વારસામાં મળવાની હતી. તે જાણતા ન હતા કે પોતે ક્યાં જાય છે, છતાં તે ગયા.+
૯ શ્રદ્ધાને લીધે તે વચનના દેશમાં જાણે પરદેશી હોય એમ રહ્યા.+ તંબુઓમાં+ તે ઇસહાક અને યાકૂબ સાથે રહ્યા, જેઓ તેમની સાથે એ જ વચનના વારસદાર હતા.+
૧૦ કેમ કે તે એવા શહેરની રાહ જોતા હતા જેનો પાયો મજબૂત છે અને જેના રચનાર* અને બાંધનાર ઈશ્વર છે.+
૧૧ શ્રદ્ધાને લીધે જ સારાહે પોતાની ઉંમર વીતી ગઈ હોવા છતાં,+ ગર્ભવતી* થવાની શક્તિ મેળવી, કેમ કે વચન આપનારને તે ભરોસાપાત્ર* ગણતી હતી.
૧૨ આ કારણે, એક માણસ જે મરેલા બરાબર હતો,+ તેને આકાશના તારાઓ જેટલાં અસંખ્ય અને સમુદ્ર કાંઠાની રેતી જેટલાં અગણિત બાળકો થયાં.+
૧૩ એ બધા લોકોએ વચનો પૂરાં થતાં જોયાં નહિ,+ તોપણ તેઓની શ્રદ્ધા મરણ સુધી અડગ રહી. તેઓએ જે વચનો પૂરાં થવાનાં હતાં, એ અગાઉથી જોઈને+ એનો આવકાર કર્યો અને લોકો આગળ જાહેર કર્યું કે એ દેશમાં તેઓ અજાણ્યા અને પરદેશી છે.
૧૪ કેમ કે જેઓ એવું કહે છે, તેઓ પુરાવો આપે છે કે તેઓ ખંતથી એવી જગ્યા શોધી રહ્યા છે, જે તેઓની પોતાની કહેવાશે.
૧૫ તોપણ, જો તેઓ એ જગ્યાને યાદ કરતા હોત જે તેઓ છોડીને આવ્યા હતા,+ તો તેઓ પાસે ત્યાં પાછા જવાની તક હતી.
૧૬ પણ હવે તેઓ વધારે સારી જગ્યાની ઝંખના રાખે છે, જેનો સંબંધ સ્વર્ગ સાથે છે. એટલે ઈશ્વર, પોતાને તેઓના ઈશ્વર તરીકે ઓળખાવતા શરમાતા નથી,+ કેમ કે તેમણે તેઓ માટે એક શહેર તૈયાર કર્યું છે.+
૧૭ શ્રદ્ધાને લીધે જ્યારે ઇબ્રાહિમની કસોટી કરવામાં આવી,+ ત્યારે તેમણે ઇસહાકનું અર્પણ જાણે ચઢાવી જ દીધું હતું. ઇબ્રાહિમ, જેમણે ખુશીથી વચનો સ્વીકાર્યાં હતાં, તેમણે પોતાના એકના એક દીકરાનું અર્પણ ચઢાવવાનો પ્રયત્ન કર્યો.+
૧૮ ખરું કે તેમને કહેવામાં આવ્યું હતું: “વચન પ્રમાણે તારો વંશજ ઇસહાકથી ગણાશે.”+
૧૯ તે જાણતા હતા કે ઈશ્વર તો ઇસહાકને મરણમાંથી પણ જીવતા કરી શકે છે. તેમને પોતાનો દીકરો મોતના મોંમાંથી પાછો આપવામાં આવ્યો પણ ખરો, જેથી એ આપણા માટે ઉદાહરણરૂપ બને.+
૨૦ શ્રદ્ધાને લીધે ઇસહાકે પણ યાકૂબ+ અને એસાવને+ ભાવિમાં જે બનવાનું હતું એ વિશે આશીર્વાદ આપ્યો.
૨૧ શ્રદ્ધાને લીધે યાકૂબે મરતી વખતે+ યૂસફના બંને દીકરાઓને આશીર્વાદ આપ્યો+ અને પોતાની લાકડીનો સહારો લઈને ભક્તિ કરી.+
૨૨ શ્રદ્ધાને લીધે યૂસફે પોતાના મરણ પહેલાં જણાવ્યું કે ઇઝરાયેલના દીકરાઓ ઇજિપ્તમાંથી બહાર નીકળશે* અને આજ્ઞા* આપી કે પોતાનાં હાડકાં ત્યાંથી લઈ જાય.*+
૨૩ શ્રદ્ધાને લીધે મૂસાનાં માતા-પિતાએ તેમના જન્મ પછી ત્રણ મહિના સુધી તેમને સંતાડી રાખ્યા,+ કેમ કે તેઓએ જોયું કે બાળક સુંદર હતું+ અને તેઓ રાજાના હુકમથી ડર્યાં નહિ.+
૨૪ શ્રદ્ધાને લીધે મૂસાએ મોટા થયા પછી+ ઇજિપ્તના રાજાની* દીકરીના દીકરા તરીકે ગણાવાની ના પાડી.+
૨૫ થોડા સમય માટે પાપનો આનંદ માણવાને બદલે, તેમણે ઈશ્વરના લોકો સાથે જુલમ સહન કરવાનું પસંદ કર્યું.
૨૬ ઇજિપ્તના ખજાનાઓ કરતાં, તેમણે પસંદ થયેલા* તરીકે અપમાન સહેવાને વધારે કીમતી ગણ્યું, કેમ કે તેમણે પોતાની નજર ઇનામ પર જ રાખી હતી.
૨૭ શ્રદ્ધાને લીધે તેમણે ઇજિપ્ત છોડ્યું,+ રાજાના ક્રોધથી ગભરાઈને નહિ,+ કેમ કે જાણે અદૃશ્ય ઈશ્વરને જોતા હોય તેમ તે અડગ રહ્યા.+
૨૮ શ્રદ્ધાને લીધે તેમણે પાસ્ખાની* ઉજવણી કરી અને બારસાખો પર લોહી છાંટ્યું, જેથી ઈશ્વરનો દૂત* તેઓના પ્રથમ જન્મેલા બાળકને નુકસાન પહોંચાડે* નહિ.+
૨૯ શ્રદ્ધાને લીધે ઈશ્વરના લોકો લાલ સમુદ્ર જાણે કોરી જમીન હોય એમ ચાલીને એની પાર ગયા,+ પણ જ્યારે ઇજિપ્તના લોકોએ એમ કરવાનો પ્રયત્ન કર્યો, ત્યારે તેઓ ડૂબી ગયા.+
૩૦ શ્રદ્ધાને લીધે લોકોએ સાત દિવસ યરીખોના કોટની ચારે બાજુ કૂચ કરી અને એ કોટ તૂટી પડ્યો.+
૩૧ શ્રદ્ધાને લીધે રાહાબ નામની વેશ્યાનો આજ્ઞા ન માનનારા લોકો સાથે નાશ ન થયો, કેમ કે તેણે જાસૂસોનો ખુશીથી આવકાર કર્યો હતો.+
૩૨ એનાથી વધારે હું શું કહું? ગિદિયોન,+ બારાક,+ સામસૂન,+ યિફતા,+ દાઉદ,+ શમુએલ+ અને બીજા પ્રબોધકો વિશે હું જણાવવા બેસું તો, સમય ખૂટી જશે.
૩૩ શ્રદ્ધાને લીધે તેઓએ રાજાઓને હરાવ્યા,+ સત્યના માર્ગે ચાલ્યા, વચનો મેળવ્યાં,+ સિંહોનાં મોં બંધ કર્યાં,+
૩૪ આગની જ્વાળાઓ હોલવી નાખી,+ તલવારની ધારથી બચી ગયા,+ કમજોરમાંથી બળવાન થયા,+ યુદ્ધમાં શક્તિશાળી બન્યા,+ દુશ્મનોનાં લશ્કરોને ભગાડી મૂક્યાં.+
૩૫ સ્ત્રીઓને તેઓના મરી ગયેલા કુટુંબીજનો પાછા મળ્યા.+ શ્રદ્ધા બતાવનારા બીજા અમુક લોકો પર જુલમ ગુજારવામાં આવ્યો. પણ તેઓ છુટકારા માટે ઈશ્વરને બેવફા બન્યા નહિ, જેથી તેઓને વધારે સારા જીવન માટે જીવતા કરવામાં આવે.
૩૬ હા, બીજા અમુકની કસોટીઓ થઈ, તેઓની મશ્કરી કરવામાં આવી અને ચાબુકથી મારવામાં આવ્યા. એટલું જ નહિ, તેઓને સાંકળોથી બાંધવામાં આવ્યા+ અને કેદખાનાઓમાં નાખવામાં આવ્યા.+
૩૭ તેઓને પથ્થરે મારવામાં આવ્યા,+ તેઓની શ્રદ્ધાની પરખ થઈ, કરવતથી વહેરવામાં આવ્યા,* તલવારથી કતલ કરવામાં આવ્યા,+ તેઓએ તંગી, વિપત્તિ+ અને અપમાન+ સહન કર્યાં અને તેઓએ ઘેટાં-બકરાંનાં ચામડાં+ પહેરીને ફરવું પડ્યું.
૩૮ આ દુનિયા તેઓને લાયક ન હતી. તેઓએ રણપ્રદેશમાં, પર્વતોમાં, ગુફાઓમાં+ અને જમીનની બખોલોમાં આશરો લીધો.
૩૯ ખરું કે, આ બધા લોકોની શ્રદ્ધાને લીધે તેઓ વિશે સારી સાક્ષી આપવામાં આવી, પણ તેઓએ એ વચન પૂરું થતાં જોયું નહિ.
૪૦ કેમ કે ઈશ્વરે આપણને કંઈક વધારે સારું આપવાનું વિચાર્યું હતું,+ જેથી તેઓને આપણા પહેલાં* સંપૂર્ણ કરવામાં ન આવે.
ફૂટનોટ
^ અથવા, “ખાતરી આપતો પુરાવો.”
^ અથવા, “જૂના જમાનાના લોકો.”
^ અથવા, “દુનિયાની.”
^ અથવા, “કબૂલ કરીને સાક્ષી આપી.”
^ અથવા, “અસ્તિત્વ ધરાવે છે.”
^ દેખીતું છે, નૂહનું વહાણ લંબચોરસ પેટી જેવું હતું, જેનું તળિયું સપાટ હતું.
^ અથવા, “યોજનાર.”
^ એટલે કે, વંશજનો ગર્ભ ધારણ કર્યો.
^ અથવા, “વિશ્વાસુ.”
^ અથવા, “અને દફનવિધિ વિશે આજ્ઞા આપી.”
^ અથવા, “સૂચનાઓ.”
^ અહીં વપરાયેલો ગ્રીક શબ્દ નિર્ગમનના પુસ્તક માટે વપરાયેલા ગ્રીક નામ જેવો છે.
^ અથવા, “ફારુનની.” શબ્દસૂચિમાં “ફારુન” જુઓ.
^ મૂળ, “ખ્રિસ્ત.”
^ મૂળ, “અડકે.”
^ અથવા, “વિનાશ કરનાર દૂત.”
^ અથવા, “કરવતથી કાપીને બે ભાગ કરવામાં આવ્યા.”
^ મૂળ, “આપણા વગર.”